એક વાત સુણો વ્રજવાસી રે, પુરુષોત્તમ બોલ્યા પ્રીતે; ૧/૧

 ૨૨૯૩ ૧/૧ પદ: ૧ રાગ ગરબી

 
એક વાત સુણો વ્રજવાસી રે, પુરુષોત્તમ બોલ્યા પ્રીતે;
સત્ય કહું છું હૃદય તપાસી રે, પુરુષોત્તમ બોલ્યા પ્રીતે.
દ્રષ્ટાંતે કહી સમજાવું રે પુ. મારું રૂપ અલૌકિક આવું રે .  પુ. ૧
જેમ ગગનમંડળમાં પંખી રે, પુ. ઉડે દેહ સહિત અસંખી રે.  પુ. ૨
વાદળ ને વિદ્યુત વારિ રે, પુ. સૌ આકૃતિ ન્યારી ન્યારી રે.  પુ. ૩
સૌ થિર એ શૂન્ય માંઇ થાયે રે, પુ. જેમ હીમે નીર ઝમાય રે.  પુ. ૪
અક્ષર તે અંબર સ્થાને રે, પુ. માયા શૂન્યને અનુમાને રે .  પુ. ૫
પંખી તે પુરુષ અપારા રે, પુ. અષ્ટાવ્રણ દેહાકારા રે .  પુ. ૬
મહા વિષ્ણુ વાદલ ડોલે રે, પુ. બહુ મુક્ત વીજળી તોલે રે . પુ. ૭
સ્થિર અસ્થિર ગતિયું થાય રે, પુ. તે કાળ શક્તિયું કેવાય રે.  પુ. ૮
નિરગુણને સગુણ લખાય રે, પુ. તે અક્ષરને કેવાય રે.  પુ. ૯
સ્વે સદા સ્વતંત્ર શોભે રે, પુ. કાળે કરી માયા ક્ષોભે રે.  પુ. ૧૦
જ્યારે અનંત બ્રહ્માંડ કરે છે રે, પુ. ત્યારે સગુન સ્વરૂપ ધરે છે રે .  પુ. ૧૧
મહા વિષ્ણુ આદિ કોટી રે, પુ. રહે રોમ મહા કૃતિ મોટી રે.  પુ. ૧૨
જ્યારે લય કરી થિર રે'છે રે, પુ. ત્યારે નિર્ગુણ એને જ કે'છે રે.  પુ. ૧૩
જેમ હું એમાં દ્રઢ રહું છું રે, પુ. તેમ સમજાવીને કહું છું રે.  પુ. ૧૪
જેમ શબ્દ રહે નભ ભીતર રે, પુ. સદા એક અનેક સ્વતંતર રે. પુ. ૧૫
ભીન ભીન આકાશ રચાણો રે, પુ.ત્યારે શબ્દ ભિન્નતા જાણો રે .  પુ. ૧૬
અક્ષર શક્તિ અનુસારી રે, પુ.બ્રહ્માંડ પ્રત્યે છબી મારી રે.  પુ. ૧૭
બહુ અક્ષર કલા વિસ્તારે રે, પુ. ધરું અનંત મૂર્તિ ત્યારે રે.  પુ. ૧૮
જ્યારે લીન અક્ષર મુંમાંહી રે , પુ. શોભે એક રૂપ સદાઇ રે .  પુ. ૧૯
બ્રહ્માનંદ કહે જેમ સમજાણું રે, પુ. આ પદમાં તેમ લખાણું રે .  પુ. ૨૦

મૂળ પદ

એક વાત સુણો વ્રજવાસી રે, પુરુષોત્તમ બોલ્યા પ્રીતે;

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ઉત્પત્તિ

સં. ૧૮૬૭ની આ વાત છે. એ વખતે ગઢપુરમાં બાપુ જીવા ખાચરની ડેલી આગળ સાધુઓની ધર્મશાળા હતી.*( ગોપીનાથજીના મંદિરના ઉત્તર તરફનાં જે પગથિયાં છે તેની સામે આ ધર્મશાળા હતી.) ત્યાં સ. ગુ. મુક્તાનંદ સ્વામી તથા સ.ગુ. બ્રહ્માનંદ સ્વામી રહેતા હતા. એક દિવસ શ્રીજીમહારાજ અચાનક અક્ષર ઓરડીમાંથી નીકળી સીધા સાધુની ધર્મશાળામાં પધાર્યા. મહારાજ પધાર્યા એટલે બધાં સંતો ત્યાં એકદમ ભેગા થઇ ગયા. મહારાજ માટે આસન કર્યું અને મહારાજ તે ઉપર બિરાજ્યા. સ.ગ. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પરમાનંદ સ્વામી વગેરે સંતમંડળ મહારાજની સન્મુખ બેસી ગયું. મહારાજે તેમને કહ્યું:’ સંતો ! અમે અહીં તમને એક રહસ્યની‌ વાત કરવા આવ્યા છીએ. તે તમને બરાબર સમજાશે ત્યારે તમને અમારા સ્વરૂપનો, અમારું જે અક્ષરધામ તેનો તથા અમારા મહિમાનો યથાર્થ ખ્યાલ આવશે. તેમ જ સર્વોપરી પ્રાપ્તિનો આનંદ આવશે અને ત્યારે જ તમે સત્સંગમાં સ્થિર થઈને રહી શકશો.” આ સાંભળી સંતો બોલ્યા: “તો મહારાજ! જલ્દી વાત કરી અમારી આતુરતાનો અંત લાવો.” મહારાજ સંતોની જીજ્ઞાસાવૃત્તિ જોઈ પ્રસન્ન થયા. તેમણે પછી ધીરેથી સૌના સામું જોતાં જોતાં વાત શરૂ કરી: “સંતો ! અમારું જે અક્ષરધામ છે તેના સગુણ અને નિર્ગુણ બે સ્વરૂપો છે. તે જયારે સગુણ સ્વરૂપ ધારણ કરે છે ત્યારે અનંત બ્રહ્માંડોની ઉત્પતિ થાય છે. તેમના સગુણ સ્વરૂપના એક એક રોમમાં એક વાત સૂણો ગઢપુરવાસી અનંત કોટિ મહાવિષ્ણુ અણુવત્‌ દેખાય છે. જ્યારે નિર્ગુણ સ્વરૂપ ધારણ કરે છે ત્યારે સમગ્ર બ્રહ્માંડોનો લય કરી દે છે. તે ધામમાં, જેમ આકાશમાં શબ્દ રહે છે એમ અમે રહેલા છીએ. અર્થાત્‌ જેમ આકાશમાં વ્યાપતો શબ્દ અનેક રૂપે સંભળાય છે તેમ અક્ષરધામમાં રહ્યા થકા અમે અમારી અંતર્યામી શક્તિએ કરીને અક્ષરધામ તથા અનંતકોટિ બ્રહ્માંડ અને એ બ્રહ્માંડોના ઈશ્વર એ સર્વમાં અન્વયપણે તારતમ્યતાએ રહેલા છીએ. ઉત્પતિ સર્ગમાં અક્ષર પોતાની કળા વિસ્તારે છે ત્યારે અમે પણ આનંદ મૂર્તિ ધરીને બ્રહ્માંડોમાં પ્રગટ થઈએ છીએ. છતાં અક્ષરને પણ લીન કરી અમે સ્વતંત્ર રીતે પણ રહ્યા છીએ.” આટલું કહી મહારાજ અટક્યા. સંતોને આ વાત કેટલી સમજાણી તે જોવા સૌના સામું જોયું. સૌ એકચિત્તે મહારાજની વાત સાંભળી રહ્યા હતા. મહારાજે આગળ વાત કરતાં કહ્યું: “ આ વાત સમજાવી ઘણી જ કઠણ છે. પરંતુ દ્રષ્ટાંત સાથે તમને સમજાવું છું.” એમ કહી મહારાજ બોલ્યા: “જેમ આકાશમાં અસંખ્ય પંખીઓ ઉડે છે, વળી વાદળા પણ રહે છે, વીજળી પણ રહે છે અને પાણી પણ રહે છે. આ બધાયનો આધાર આકાશ છે, એ આકાશના ગહન ઊંડાણમાં, શૂન્યભાવમાં આ સર્વ આકૃતિઓ સ્થિર થઈને રહી છે. જેમ હિમ પડે અને પૃથ્વી ઉપર જલબિંદુ સ્થિર થઇ જાય તેમ! આકાશ એ અક્ષરને ઠેકાણે છે, શૂન્ય છે તે મહામાયા છે તે અક્ષરમાં લીન થઈને રહે છે. અનંત પંખીઓ અષ્ટવરણેયુક્ત અનંત પુરુષના સ્વરૂપે છે. વાદળ એ મહાવિષ્ણુ સ્વરૂપે છે અને મુકતો વીજળી રૂપે છે. આકાશમાં દેખાતી સ્થિર અને અસ્થિર ગતિ એ કાળના પ્રવાહનું સૂચક છે.” મહારાજે આમ રૂપક દ્વારા પોતાનું સ્વરૂપ તથા મહિમા સમજાવ્યો. પણ વાત અતિ ગહન હોવાથી યથાર્થ સમજવી દુષ્કર છે. જ્ઞાન ચર્ચાને અંતે મહારાજ કહે: “આજે વાતો તો બહુ જ ભારે થઇ, પણ તે સ્મૃતિમાં રહેશે નહિ.” પછી બ્રહમાનંદ સ્વામી તરફ જોઇને મહારાજ બોલ્યા : “સ્વામી ! આ વાત તમે કીર્તનમાં ઉતારી લ્યો. કારણ કે એ વાત સમજણના અંગની છે.” આમ કહી મહારાજ ત્યાંથી દાદા ખાચરના દરબારમાં પધાર્યા. સ.ગુ. બ્રહ્માનંદ સ્વામીનું અંગ સમજણનું હતું.૧(વચનામૃત –ગઢડા પ્ર. પ્ર . ૩૩) અને તેથી બ્રહ્મમુનિએ તત્કાળ શ્રીજીઆજ્ઞા શિરે ચડાવી શ્રીહરિએ કરેલા સમગ્ર જ્ઞાન રહસ્યને એક જ કીર્તનમાં સમાવી લેતું એક એકલિયું પદ; એક વાત સૂણો ગઢપુરવાસી રે’ રચી સ.ગુ. મુક્તાનંદ સ્વામીને વંચાવ્યું. જ્ઞાનપ્રધાન કવિ સ. ગુ. મુક્તાનંદ સ્વામી એ પદ વાંચી અત્યંત પ્રસન્ન થઇ ગયા અને સાંજની સભામાં એમણે પોતે જ બ્રહાનંદ સ્વામીનું એ પદ શ્રીજીમહારાજ પાસે ગાયું.”૨(સ. ગુ. શ્રી આત્માનંદ સ્વામીની વાતો (વાત -૧૫૩)) સભામાં શ્રીજીમહારાજ એ પદ સાંભળી અત્યંત પ્રસન્ન થઇ બોલી ઉઠ્યા: “ અહો ! આ તો બહુ ઉત્તમ કીર્તન થયું. આમાં તો અમારી વાતોનો સમસ્ત સાર આવી ગયો. આના ખરડા કરાવી અમને આપજો, પછી અમારે જેને આપવા ઘટે તેને આપીશું.” કવીશ્વર દલપતરામ પોતાની નોંધપોથીમાં લખે છે કે “ એ વખતે સંતહરિભકતોમાં આ કીર્તન ‘સ.ગુ. બ્રહામંદ સ્વામીની પુરુષોત્તમપણાની સમજણનું કીર્તન’ એવા નામે ઓળખાતું હતું.૩(શ્રી બ્રહ્મસંહિતા પ્ર ૪ અ.૯ .) સ.ગુ. પરમાનંદ સ્વામીએ પણ આ પ્રસંગે શ્રીહરિના આ ગહન જ્ઞાન રહસ્યને સદ્રષ્ટાંત સમાવી લેતાં ‘રે પુરુષોત્તમ બોલ્યા.. પ્રીતે, કહું છું સર્વે સાંભળો એક ચિત્તે’થી પ્રારંભાતી ચાર ગરબીની એક ચોસર રચી હતી.

વિવેચન

આસ્વાદ : સ્વામિનારાયણ સંપ્રદાય અભિમત પરબ્રહ્મના દિવ્ય ધામને ‘અક્ષરબ્રહ્મ’ અથવા ‘અક્ષરધામ’કહે છે. એ પરમાત્માની ચિત્ત્તશક્તિ છે. એ ‘કોટિ કોટિ સૂર્ય ચંદ્ર સરખું તેજોમય’ છે.’૧(વચનામૃત ગ.પ્ર. પ્ર. ૭૧) તે દિવ્ય છે અને અત્યંત શ્વેત તથા સચ્ચિદાનંદરૂપ છે. અક્ષરના બે સ્વરૂપ છે: એક તો નિરાકાર એકરસ ચૈતન્ય જેને ‘ચિદાકાશ’ તથા ‘બ્રહ્યામહોલ’ કહે છે. એ અક્ષર બીજે સ્વરૂપે પુરુષોત્તમનારાયણની સેવામાં રહે છે, એ અક્ષરનું સાકાર સ્વરૂપ છે.૨(વચનામૃત – ગ. પ્ર. પ્ર. ૨૧) ભગવાન સ્વમિનારાયણે પોતાના સ્વરૂપ તથા અક્ષરબ્રહ્મ વિષે કેટલીક રહસ્યમય વાતો પોતાના અંતેવાસી સ્રહદયી સંતોને કહેલી, એને બ્રહ્માબોલના સંતકવિ બ્રહ્માનંદે કાવ્યમાં ગૂંથી આ એકલિયું પદ રચ્યું છે. કાવ્યનો ઉપાડ આકર્ષક છે: “એક વાત સૂણો ગઢપુરવાસી રે, પુરુષોત્તમ બોલ્યા પ્રીતે. સત્ય કહું છું હૃદય તપાસી રે, પુરુષોત્તમ બોલ્યા પ્રીતે. દ્રષ્ટાંતે કહી સમજાવું રે, મારું રૂપ અલૌકિક આવું રે. ભગવાન પુરુષોત્તમનારાયણ સ્વયં પોતાનું સર્વોપરી અલૌકિક સ્વરૂપ દ્રષ્ટાંત સહિત સમજાવતા કહે છે’ આકાશમાં અસંખ્ય પંખીઓ ઊડે છે, તથા આકાશમાં ‘વાદળ ને વિદ્યુત વારિ ‘ વગેરે અલગ અલગ આકારો સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. પરંતુ આખરે તો જેમ હિમ પડે અને પૃથ્વી ઉપર જલબિંદુ છવાઈ જાય એમ આ બધાં ય આકારો અંતે તો શૂન્યમાં જ સમાઈ જાય છે. હવે સુંદર ઉપમા રજુ કરતા પ્રભુ આગળ સમજાવે છે:‘અક્ષર એ અંબર સ્થાને રે, માયા શૂન્યને અનુમાને રે,પંખી તે પુરુષ અપારા રે, અષ્ટાવરણ દેહાકારા રે .” અક્ષરને આકાશ સાથે માયાને શૂન્ય સાથે તથા મુળ પુરુષને પંખી સાથે અને મહાવિષ્ણુ (પ્રધાનપુરુષ) ને વાદળ સાથે સરખાવતા કવિ સ્થિર અને અસ્થિર ગતિઓને પરમાત્માની કાળશક્તિ ગણાવે છે. માયા, મહાવિષ્ણુ, મૂળપુરુષ એ સર્વ અક્ષરમાં લીન રહે છે ત્યારે એક અક્ષરબ્રહ્મ જ દેખાય છે. આ અક્ષરબ્રહ્મનાં બે સ્વરૂપ છે. એક નિર્ગુણ નિરાકાર અને બીજું સગુણ સાકાર સ્વરૂપ.જયારે કાળની માયા ક્ષોભને પામે છે. ત્યારે અનંત બ્રહ્માંડની ઉત્પતિ થાય છે, એને અક્ષરનું સગુણ સવરૂપ કહે છે: “જયારે અનંત બ્રહ્માંડ કરે રે, ત્યારે સગુણ સ્વરૂપ ધરે રે, મહાવિષ્ણુ આદિ કોટી રે, રહે રોમ મહાકૃતિ મોટી .” અને પ્રલયકાળે અને સર્વ અનંતકોટી મહાવિષ્ણુ બ્રહ્માંડે સહિત અક્ષરમાં લીનતા પામે ત્યારે એ અક્ષર નિર્ગુણ કહેવાય છે પછી એ અક્ષરબ્રહ્મ પરબ્રહ્મ પરમાત્મામાં લીન થાય છે ત્યારે એક પરમાત્મા પરબ્રહ્મ પરમાત્મામાં લીન થાય છે ત્યારે એક પરમાત્મા એકલા જ રહે છે. આવા અનંત શક્તિધર અક્ષરધામમાં પરબ્રહ્મ પુરુષોત્તમનારાયણ ભગવાન સ્વામિનારાયણ સદાય દિવ્ય સાકાર સ્વરૂપે બિરાજે છે. પોતાના સ્વરૂપ અંગે ગૂઢતમ રહસ્યને સમજાવતાં શ્રીહરિ કહે છે; “જેમ હું એમાં દ્રઢ રહું છું રે, તેને સમજાવીને કહું છું રે. જેમ શબ્દ રહે નભ ભીતર રે, સદા એક અનેક સ્વતંતર રે . ભિન ભિન આકાશ રચાણો રે, ત્યારે શબ્દ ભિન્નતા જાણો રે. અક્ષર શક્તિ અનુસારી રે, બ્રહ્માંડ પ્રત્યે છબી મારી રે. બહુ અક્ષર કળા વિસ્તારે રે, ધરું અનંત મૂર્તિ ત્યારે રે. જયારે લીન અક્ષર મુંમાંહી રે, શોભે એકરૂપ સાદાઈ રે.” આકાશ વ્યાપતો શબ્દ અનેક રૂપે સંભળાય છે પણ વસ્તુત: તો શબ્દ એક જ છે એમ પોતાની અંતર્યામી શક્તિએ કરીને અક્ષરધામ અને અનંતકોટિ બ્રહ્માંડ અને બ્રહ્માંડના જે ઈશ્વર તે સર્વેને વિષે અન્વયપણે વ્યાપી રહેલા પરમાત્મા (વચનામૃત- ગ. પ્ર પ્ર ૬૩) પોતાની શક્તિએ ભિન્ન ભિન્ન સ્વરૂપે તારતમ્યતાએ જણાય છે. નામ, રૂપ, ગુણ, સામર્થ્યે ભિન્ન ભિન્ન દેખાતા પરમાત્મા વસ્તુત: તો એક જ છે. અક્ષરબ્રહ્મ જયારે અનંત કળા ધરે છે ત્યારે પુરુષોત્તમ ભગવાન પણ ‘અનંત મૂર્તિ ‘ ધરે છે. અક્ષર જેટલા રૂપે થાય છે તેટલા રૂપે પુરુષોત્તમ પણ થાય છે અને અક્ષર જયારે પુરુષોત્તમને વિષે લીન થાય છે ત્યારે કેવળ પુરુષોત્તમ એકરૂપ રહે છે. આમ એક પરમાત્મા પોતાની દિવ્ય શક્તિથી સૃષ્ટિમાં વ્યાપીને રહ્યા છે. આવા અક્ષરધામના અધિપતિ દયાભાવથી જીવોના કલ્યાણાર્થે પૃથ્વી પર પ્રગટ થઇ સર્વજનોને નયનગોચર વર્તે છે. આ પદની સમજણ સ્વયં શ્રીજીમહારાજે પ્રમાણિત કરી છે, તેથી સંપ્રદાયમાં આ પદનો ઘણો મહિમા છે.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જયદીપ સ્વાદિયા

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


એવા સંતની બલિહારી
Studio
Audio
0
0