દાટયો રે’ને ચોર દૈવના, શું મુખ લઈને બોલેજી;   ૧/૮

 દાટયો રે’ને ચોર દૈવના, શું મુખ લઈને બોલેજી;
	સ્વારથ કારણ શ્વાનતણી પેરે, ઘેર ઘેર ફરતો ડોલેજી...૧
આતમ સાધન કાંઈ ન કીધું, માયામાં ભરમાણોજી;
	લોક કુટુંબની લાજે લાગ્યો, સઘળેથી લૂંટાણોજી...૨
પેટને અર્થે પાપ કરતાં, પાછું ફરી નવ જોયુંજી;
	કોડી બદલે ગાફલ કુબુદ્ધિ, રામ રતન ધન ખોયુંજી...૩
વિષય વિકાર હૈયામાં ધાર્યા, વિસાર્યા મોરારીજી;
	મૂરખ તેં આમે દસ મહિના, જનની ભારે મારીજી...૪
સંત પુરુષની સોબત ન ગમે, ભાંડ ભવાઈમાં રાજીજી;
	બ્રહ્માનંદ કહે નરતન પામી, હાર્યો જીતી બાજીજી...૫ 
 

મૂળ પદ

દાટ્યો રહેને ચોર દૈવના, શું મુખ લઇને બોલેજી;

મળતા રાગ

ધોળ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ઉત્પત્તિ

ઉત્પત્તિઃ- સદ્ગુરુ બ્રહ્માનંદસ્વામી મૂળી મંદિરનું કામ પૂર્ણ દેખભાળ સાથે કરાવી રહ્યા છે. આ અરસામાં મૂળી ગામમાં રહેતા ચારણોમાંના એક સમ્રુદ્ધ ચારણને ત્યાં લગ્ન પ્રસંગે દેશદેશાવરોના ચારણકવિરાજાઓ આવેલા. તે સહુ કવિડાયરો પોતાની જ્ઞાતિના એક સંત અહી સ્વામિનારાયનનું મંદિર કરાવે છે. એવું જાણી મંદિર જોવા અને ચારણકુળ મુગુટમણિ પ્રખ્યાત શીઘ્રકવીશ્વર શ્રી બ્રહ્માનંદસ્વામીને મળવા મંદિરમાં આવ્યા. તે ડાયરામાં કચ્છ, ગુજરાત, હાલાર, ગોહિલવાડ, સોરઠ અને ઝાલાવાડ આદિ અનેક પ્રદેશોના કવિઓ તેમ જ કેટલાક સુખી કુટુંબના સજ્જનો અને યુવાનીના મદમાં મોહાંધ બનેલા સુખમાં છકેલા કેટલાક રજોગુણી યુવાનો પણ હતા. સ્વામીએ તે સૌનો યોગ્ય સત્કાર કરી પોતાની પર્ણકુટિમાં બેસાડ્યા. તેમાંના મૂખ્ય કવિઓએ બ્રહ્માનંદસ્વામીને એક સાથે છ પ્રશ્નો પૂછ્યા. (૧) સાગરની પુત્રીનું નામ શું? (૨) જીવનો વાસ ક્યાં છે ? (૩) તીર્થ કરવા જાઉં કે ન જાઉં ? (૪) ગોપપતિ કોણ ગોકુળ ગામી ? (૫) સતી સ્ત્રીને વહાલું કોણ ? અને આ કલિયુગમાં જનોને નિષ્કામી કોણ કરે છે ? આ છ એ પ્રશ્નોને સ્વામીએ અંતલોપિકામુક્તિ સવૈયામાં ગોઠવી સવૈયાની છેલ્લી લીટીમાં જ ઉત્તર આપી દીધો. પ્રશ્નો - પ્રશ્નોતર સવૈયો. ઉત્તર. ૧. કોણ સુતા શુભ સાગરની ? શ્રી ૨. કહિંવાસ વસે જીવ અંતર જામી? સહ(સાથ) ૩. તીરથ કારણ જાઉં ન જાઉં ? જા, ૪. ગોપ પતિ કોણ ગોકુળ ગામી ? નંદ ૫. કોણ કરે સતીને અતિ વલ્લભ ? સ્વામી. ૬. કોણ કરે જનને નિષ્કામી ? પ્રશ્ન સુણી મુનિ કહે સુણો ઉત્તર શ્રી સહ, જા, નંદ, સ્વામી ઉપર મુજબ છએ પ્રશ્નોના ઉત્તર માત્ર અંતલોપિકા સવૈયા છંદની એક જ છેલ્લી પંક્તિમાં સાંભળી સૌ કવિરાજો ચરણારવિંદમાં મસ્તક નમાવી સ્વામીશ્રીનાં બુદ્ધિબળની અને શીઘ્ર કાવ્ય રચનાની તારીફ કરવા લાગ્યા. આ જોઈ સાથે આવેલા રજોગુણાત્મક પુરુષોને સ્વામીને કહ્યું કે, ‘આપની પાસે આટલી બધી અઢળક કવિત્વશક્તિ હોવા છતાં શા માટે બાવા થઈ ગયા ? તમો તો સંસારમાં શોભો તેવા છો.” ‘જિનકો ગામ ગરાસ ગયો સબનાશી, કીર્તિ ગયે ભયે ઉદાસી, નારી મુઈ ગૃહ સંપત્તિ નાશી, મુંડ-મુંડાઈ ભયે સન્યાસી.’ જેને ખાવા ન મળે, જેનામાં કોઈ પણ જાતની શક્તિ ન હોય, તેવા લોકો ફકીરી લીયે તે બરાબર, પરંતુ આપ તો સર્વશક્તિસભર છો. વળી, ઘણી મહેનતે મળેલ આ બુદ્ધિશક્તિ અને સુંદર શરીરથી વિષયભોગની મજા માણવી જોઈએ! વિષય કમાવા માટે ફરી પાછો આવો અવસર થોડો આવવાનો? માટે, સ્વામીજી આપ સૂરા, સુંદરી અને સંપત્તિના સુખને છોડી ભૂલા પડ્યા છો! આમ, મોહને ઘોડે ચડેલા મૂર્ખ પુરુષોના વિષયમંડનાત્મક શબ્દોને અટકાવી બ્રહ્માનંદસ્વામીએ સીધી, સાદી, સરળ છતાં સચોટ મર્મવેધક અને સ્પષ્ટરીતે પોતાની જોશીલી જબાનમાં વિષયખંડનાત્મક કાવ્ય દ્વારા અસ્ખલિત ઉપદેશ પ્રવાહ શરૂ કર્યો. સુંદરીના સુખમાં મોહાંધ બનેલા એ કવિરાજોની સાથે આવેલા યુવાનોને જ લાગુ પડે તેવા ધારદાર શબ્દોસભર કાવ્યોપદેશાત્મક પદો રચતા ગયા, ગાતા ગયા અને સમજાવતા ગયા. જોત-જોતામાં આઠ પદો રજૂ કરી દીધાં. કહેવાય છે કે, એ આવેલા ચારણી મિજમાનો સ્વામી નો આ ઉપદેશ સાંભળી વહેમ, વ્યસન, અને વિષય છોડી સ્વામી પાસે વર્તમાન ધરાવી સારા સત્સંગી થયા. ને જીવનભર ધર્મ-નિયમમાં દ્રઢ રહી સ્વામિનારાયણનું ભજન કરી જન્મ સુફળ કરી લીધો. તો સુજ્ઞ યુવા ભક્તો ! ચાલો આપણે પણ રાગીના રાગને રોળી નાખનાર એ આઠ પદોમાંથી પ્રસ્તુત બે પદોનો આસ્વાદ માણીએ.

વિવેચન

ભાવાર્થઃ- સ્પષ્ટવક્તા સદ્ગુરુ બ્રહ્માનંદસ્વામી રાગી પુરુષોના મોહ ઉપર મજબૂત ફટકા મારતા હોય તેમ કહેવા લાગ્યા કે, હે દૈવના ચોર ! દાટ્યો રહે જમીનમાં. શું મુખ લઈને બોલે છે ? ગર્ભમાં અત્યંત પીડાતો હતો ત્યારે એ કારાવાસમાંથી બહાર નીકળવા માટે પ્રભુને પ્રાર્થના કરતો હતો. ‘હે પ્રભુ ! હું તમારું જ ભજન કરીશ.’ આવો કોલ આપી જામીન ઉપર છુટ્યો હોવા છતાંય એ કોલ અને દુઃખને ભૂલી સૂંદરીના સુખની પાછળ શું પડ્યો છે ? એટલે તુંને દૈવના ચોર કહીને કહું છું કે તું બોલમા. હે મૂઢ જીવાત્મા ! સ્વાર્થને ખાતર કૂતરાની પેઠે વિષયનાં વલખાં મારતો ઘર-ઘર શા માટે ડોલી રહ્યો છે ? અર્થાત્ વિષયની ભીખ માગતો અવનવા રૂપની પાછળ શા માટે પાગલ બન્યો છે? તું જે માયાનાં સુખમાં ભરમાણો છે એ સુખ તો નાશવંત અને તુચ્છ છે. એવા અસાર સુખને મેળવવામાં સારીયે જિંદગી ખોવાઈ ગઈ. એટલું જ નહીં પરંતુ કેટલાક જનમ પણ ખોયા તો પણ વિષય સુખની તૃપ્તિ ન થઈ. તેમ આત્માની શાંતિ માટે આધ્યાત્મિક સાધન એક પણ ન થઈ શક્યું. કેવળ લોક અને કુટુંબની લાજમાં લેવાઈ જઈ અવસ્થા, શક્તિ અને સમય જેવાં અમૂલ્ય રત્નો લૂંટાઈ ગયા. છતાં હજુ સમજતો નથી. II૧-૨II ‘પાપી પેટને ખાતર પાપ કરવામાં પાછું વળી નવ જોયું.’ ફૂટી કોડી જેવા પંચવિષયના સુખને બદલે, હે ગાફેલ ! હે કુબુદ્ધિવાળા! ભગવાન જેવું અણમૂલુ રતન તેં ખોઈ નાખ્યું. II૩II એક મોટી કોઠીમાં સરસવના દાણા સમાય એથી અનંતગણા અધિક વિષયસુખના સંકલ્પો હૈયામાં ભર્યા છે. તેણે કરી અહર્નિશ વિષયનું જ ચિંતવન થાય છે. એમાં ભગવાન ક્યાંથી સાંભરે ? સ્વામી કેવળ(મૂળી) પર્ણકુટિમાં પોતાની સામે બેઠેલા ચારણી મિજમાનોમાંના રાગી પુરુષોને જ કહે છે એમ નથી. એ તો જે ભગવાનને ભૂલીને નાશવંત પંચવિષયનાં સુખમાં સલવાણા એવા તમામ મૂઢ જીવોને પણ કહે છે. જીવાત્માનાં શ્રેય અને પ્રેયને દ્રષ્ટિમાં રાખી સાચા હેતસ્વી બની લાગણી વિવશ બનેલા સ્વામીની કલમ હવે થોડી આકરી થાય છે. સ્વામી કહે છે કે હે મૂર્ખા ! ગર્ભમાં દીધેલા કોલને તારે ભૂલી જ જવો હતો તો પછી દશ મહિના સુધી શા માટે જનનીને ભારે મારી ? તારા કરતાં કોઈ પથ્થરને જન્મ આપ્યો હોત તો મંદિરનાં ચણતર કામમાં ઉપયોગ તો આવત. II૪II હે ગાફેલ ! બેગરજુ ! તને સંત-પુરુષની સોબત ગમતી નથી. ને હંમેશા ટી.વી. સિનેમામાં આવતી ભાંડ-ભવાઈ જોવામાં જ તું રાજી છો. બ્રહ્માનંદસ્વામી કહે છે કે હે પ્રાણી ! દેવોને દુર્લભ એવું આ મનુષ્યતન પામવારૂપ તું બાજી જીત્યો હતો. પરંતુ દેહ, ગેહ, બાયડી, છોકરા, કુટુંબ-કબીલા અને સ્વાર્થીલા સગાંસંબંધીનું ભરણ પોષણ કરવામાં તેમ જ સુંદરીનાં સુખની પાછળ પાગલ બની મનુષ્યતન પામવારૂપ બાજી હારી ગયો છે. અર્થાત્ પૂરી આવરદા દરમિયાન તારી બુદ્ધિશક્તિ, આવડત અને અવસ્થા ભગવાન અને સંતને અર્થે લેશપણ ઉપયોગમા ન આવી. માટે સુજ્ઞ શ્રોતાજનો! તમે જેને સુખ માનો છો, એ સુખ અવિનાશી નથી. તમે જેને આનંદ માનો છો એ વાસ્તવિક સ્વરૂપમાં આનંદ નથી. ખરું સુખ અને સાચો આનંદ તો પરમતત્વ પરમાત્માની પાસે જ છે. તેમનું ભજન કરનારને તે અવિનાશી સુખ અને અચળ આનંદની અનુભૂતિ થાય છે, અર્થત્ પ્રાપ્તિ થાય છે II૫II

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પૂર્ણસ્વરૂપ સ્વામી - સરધાર

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503

પરંપરાગત (સ્વરકાર)
ઉપદેશવાણી
Studio
Audio
1
0