પ્રાણ સનેહી ઘરું આવો, અબ પીયરા, (હીયરા) ધીર ધરત નહીં મેરા ૧/૪

પ્રાણ સનેહી ઘરું આવો, અબ પીયરા, (હીયરા) ધીર ધરત નહીં મેરા..ટેક.
દરસ વિના દિલ દાહ ન બૂઝત, નહીં સૂઝત કછુ કાજ અનેરા...ધીર૦ ૧
રસિક પિયા ઘનશ્યામ મનોહર, રજની દિવસ રહો દૃગ નેરા...ધીર૦ ૨
ચાતક નિરંતર ચિત્તમેં તલખત, નામ રટત હરિ તેરા...ધીર૦ ૩
બ્રહ્માનંદ ઉર નેહ વધારન, ભવજલ તારન હો તુમ બેરા...ધીર૦ ૪
 

મૂળ પદ

પ્રાણ સનેહી ઘરું આવો, અબ પીયરા, (હીયરા) ધીર ધરત નહીં મેરા

મળતા રાગ

ભૈરવ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ઉત્પત્તિ

‘અરે ! આજે આવી નીરવ શાંતિ કેમ છે દરબારમાં ! બધાં કેમ ઉદાસ દેખાય છે? મહારાજ ક્યા છે?’ ગઢડા આવેલા એક હરિભક્તે દાદાના દરબારનું ગમગીન વાતાવરણ જોઈ પાસે ઊભેલા એક હરિભક્તને આશ્ચર્યવત્ પૂછ્યું. પેલા ભક્તે ઊંડો નિશ્વાસ નાખી ધીરે સાદે કહ્યું: ખબર નહિ કેમ, શ્રીજીમહારાજ આજે બહુ ઉદાસ થઈ ગયા છે! કાંઈ જમતા નથી, પીતા નથી ને કોઈ સાથે બોલતા પણ નથી. સર્વેના અંતર પડીકે બંધાણાં‌ છે ! સં. ૧૮૮૬ના પોષ સુદ બીજથી મહારાજે ગઢડામાં મંદવાડ ગ્રહણ કર્યો ને દરેક વસ્તુમાંથી વૃત્તિ પછી ખેંચી લીધી. મહારાજે ઉદાસીનતા ગ્રહણ કરી ખાવા પીવાનું ઓછું કરી નાંખ્યું. શરીર સુકાતું ચાલ્યું. સર્વે સંત હરિભક્તોના મનમાં ચિંતા પેઠી. મહારાજ ગઢડાથી ક્યાય બહાર જતા નહિ. રાત દિવસ અક્ષર ઓરડીમાં ઢોલિયા પર માથે ચાદર ઓઢીને મહારાજ સૂઈ રહેતા. સ.ગુ. નિત્યાનંદ સ્વામીની દેખરેખ નીચે ત્રીસ સાધુ દિવસના અને ત્રીસ સાધુ રાતના ખડે પગે મહારાજની સેવામાં રહેતા. એ વખતે સ.ગુ. બ્રહ્માનંદ સ્વામી જૂનાગઢ હતા, મહારાજે એમને ત્યાંથી ગઢડા બોલાવ્યા. જૂનાગઢથી ગઢડા આવી બ્રહ્મમુનિ સીધા અક્ષર ઓરડીમાં મહારાજ પાસે આવ્યા . મહારાજને ચરણ સ્પર્શ કરી સ્વામી ભેટ્યા. મહારાજનું શરીર અત્યંત કૃશ થઈ ગયેલું, એ જોઈ સ્વામી પોક મૂકીને રડી પડ્યા અને નીચે બેસી ગયા. બ્રહ્મમુનિના માથે હાથ ફેરવાતાં મહારાજે કહ્યું: ‘સ્વામી ! આ શોક શા માટે? અમને તમે કેવા જનો છો? અમારે ક્યા આવવું ને જવું છે ? અમે તો સત્સંગમાં સદાય પ્રગટ જ છીએ અને રહીશું! મહારાજે સ્વામીને ઉઠાડ્યા ને ફરી ખૂબ પ્રેમથી ભેટ્યા. શ્રીહરિના દિવ્ય સ્પર્શથી સ્વામીનો સઘળો શોક દૂર થઈ ગયો અને એ સ્વસ્થ થઈ ગયા. એ દિવસથી બ્રહ્મમુની શ્રીજીમહારાજની અંગત તહેનાતમાં રહેવા લાગ્યા. મહારાજે ધીરે ધીરે પોતાની માંદગીને ગંભીર સ્વરૂપ દેવા માંડ્યું. શરીરમાં ખૂબ જ અશક્તિ આવી ગઈ હતી. તેથી દેહક્રિયા પણ સેવા કરનારા સંતોની મદદથી કરી શકતા. અન્ન ઉપર એમને અતિશય અરુચિ થઈ ગઈ હતી. દૂધ અને રાબ પણ સંતોના અતિ આગ્રહ બાદ સહેજ હોઠે અડાડી આપી દેતા. મહારાજની આ લીલા જોઈ સમસ્ત સત્સંગ સમાજમાં એક પ્રકારની ગ્લાનિ વ્યાપી ગઈ હતી. પ્રત્યેક સંત હરિભક્તોનાં અંતર અહોનિશ રડ્યા કરતાં ને મહારાજ સ્વસ્થ થઈ જાય તે માટે અંત:કરણપૂર્વક પ્રાર્થના કાર્ય કરતાં . વૈશાખનો ધોમ ધખતો હતો. અક્ષર ઓરડીની ચારે તરફ ખસની ટટ્ટીઓ બાંધી સંતો એના ઉપર પાણીનો છંટકાવ કર્યા જ કરતા. છતાંય મહારાજ કહેતા ‘ અમને ખૂબ જ બળતરા થાય છે’ સેવામાં રહેલા સંતો મહારાજના આ શબ્દો સાંભળી રડી પડતા. બ્રહ્માનંદ સ્વામી તથા નિત્યાનંદ સ્વામી તો અખંડ મહારાજની સમીપે જ બેસી રહેતા. મહારાજની આ માનુષી લીલા જોઈ એમનાં નેત્રો વારંવાર સજળ થતાં. શ્રીહરિના વિયોગના વિચારમાત્રથી બ્રહ્માનંદ સ્વામીનું અંતર દ્રવી ઉઠતું. ચોધાર આંસુએ એ મહારાજના ચરણ પકડી ગાતા—‘ હાં રે નહિ મેલું મારા નેણાંની આગેથી નહિ મેલું.’ કવિની આવી અપ્રતિમ પ્રીતિ જોઈને મહારાજ ઢોલીયમાં બેઠા થઈ સ્વામીને પોતાની પાસે બેસાડી આશ્વાસન આપતા કે” સ્વામી ! ધીરજ ધરો, અમે હમણાં ધામમાં નહિ જઈએ .” મહારાજને થયું કે જો બ્રહ્માનંદ સ્વામી અહીં હાજર હશે તો અમને ધામમાં નહિ જવા દે. તેથી એમની પ્રેરણાથી થોડા દિવસ થયા હશે ત્યાં તો જૂનાગઢથી સ.ગુ. શ્રી ગુણાતીતાનંદ સ્વામીનો પત્ર આવ્યો કે ‘ સ.ગુ. શ્રી બ્રહ્માનંદ સ્વામીને અહીં તરત જ મોકલશો. એમનાં વિના અહીં મંદિરનું બાંધકામ પૂરું થાય એમ નથી.’ એ પત્ર વાંચવી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું: ‘સ્વામી ! તમે આ પ્રસંગે જૂનાગઢ જરૂર જાઓ. નહિ તો મંદિર અધૂરું રહેશે.’ મહારાજની આ આજ્ઞા સાંભળી બ્રહ્માનંદ સ્વામીને જાણે વીજળી પડી હોય તેવો આંચકો લાગ્યો. એ વિચારમાં પડી ગયા, મહારાજને આ સ્થિતિમાં મૂકીને કેમ જવાય ? પણ ન જાઉ તો એમની આજ્ઞા લોપાય! મહારાજે લગભગ બે માસ સુધી એમને પોતાની અંગત સેવામાં રાખ્યા હતા. અત્યંત પ્રસન્નતા બતાવી વારંવાર મહારાજ પોતાનો પ્રસાદીનો થાળ એમને આપતા , હેતપૂર્વક આલિંગન આપતા અને એકાંતે અનેક મર્મની વાતો પણ કરતા. આટલું બધું સુખ બે મહિના સુધી મહારાજે આપ્યું અને હવે એમની આજ્ઞા ન પળાય તો મહારાજની પ્રસન્નતા ન રહે! આમ વિચાર કરતા સ્વામી એમનાં ઉતારે આવ્યા, ખૂબ મનોમંથનને અંતે એમને એક ઔષધ યાદ આવ્યું. પોતે જયારે જૂનાગઢ મંદિર બંધાવતા હતા ત્યારે એક દિવસ પોતાના શિષ્ય સંતો સાથે દામોદરકુંડ તરફ નહાવા ગયેલા. ત્યાંથી ગીરનાર તરફ વિચરણ કરતા કરતા તેઓ ગીરની એક ઊંડી ખીણમાં પહોંચી ગયા, જ્યાં અનેક પ્રકારની ઔષધ વનસ્પતિઓ એમને જોવા મળી . બ્રહ્માનંદ સ્વામી એક કુશળ વૈદ્ય હતા ને વનસ્પતિના ઉચ્ચકક્ષાના જાણકાર હતા. સંશોધન કરતાં ત્યાંથી એમને સંજીવની ઔષધિ મળી આવેલી, જે એમણે પોતાની પાસે સાચવી રાખેલી. આજે એ સંજીવની યાદ આવતા એમના અંતરમાં આશાનું કિરણ પ્રગટ્યું. તત્કાળ એ અમોઘ ઔષધિ કાઢી તેની દૂધમાં કાંજી બનાવી એક નાની કટોરીમાં ભરી તેઓ અક્ષર ઓરડીમાં મહારાજ પાસે લાવ્યા. ત્યાં સ.ગુ. મુક્તાનંદ સ્વામી અને મૂળજી બ્રહ્મચારી બેઠા હતા.તેમને સ્વામીએ વાત કરી કે આ કાંજીમાં એવું અમૂલ્ય ઔષધ છે કે ગમે તેવી બીમારી હોય તો પણ આ કાંજી પીવાથી માટી જાય જ ! માટે આ ઔષધ મહારાજને પીવડાવીએ તો જલ્દી સાજા થાય. મુક્તાનંદ સ્વામીએ કાંજીની કટોરી હાથમાં લઈ મહારાજ પાસે જઈ એમને જગાડી પ્રાર્થના કરી કે ‘ મહારાજ ! કૃપા કરીને આમાંથી થોડી કાંજી ગ્રહણ કરો .’ મહારાજ તો અંતર્યામી! એ જાણી ગયેલા કે બ્રહ્મમૂ‌ની સંજીવની ઔષધિ નાખીને આ કાંજી બનાવી લાવ્યા છે. મુક્તાનંદ સ્વામીનું વચન રાખવા માટે મહારાજે કટોરી હાથમાં લઈ સહેજ હોઠે અડાડીને ઢોલિયા નીચે પોતાને હાથે મૂકી દીધી અને હોઠને તરત જ રૂમાલથી લૂછી નાખ્યા.*( શ્રી બ્રહ્મસંહિતા (પ્ર. પ. અ. ૫ )) આ જોઇને બ્રહ્માનંદ સ્વામી તો સમજી ગયા કે હવે મહારાજ ઝાઝો વખત નહિ રહે. એમને દિલગીર હૈયે ઊભેલા જોઇને મહારાજે ફરી યાદ કરાવ્યુ : “સ્વામી ! તમો આજે જ જૂનાગઢ જાઓ ,” એ દિવસે મહારાજે પોતાનો પ્રસાદીનો થાળ બ્રહ્મમુનિને આપીને જૂનાગઢ જવા માટે વિદાય આપી. મહારાજને દંડવત્‌ પ્રણામ કરીને સ્વામી ચાલ્યા. સ્વામી ગઢડાને સીમાડે ગયા ત્યાં હરણ ડાબા ઉતર્યા , એ જોઇને સ્વામી એમનાં શિષ્યમંડળને કહે ‘ પાછા વાળો આજે શુકન સારા નથી થાતા.’ સ્વામી પાછા ગઢપુર આવી અક્ષરઓરડીમાં જઈ મહારાજને દંડવત્‌ પ્રણામ કરવા લાગ્યા. બ્રહ્મમુનિને પાછા આવેલા જોઇને અશક્ત હોવા છતાં મહારાજ કદમ ઊભા થઇ ગયા ને સ્વામીને બાથમાં લઈ ખૂબ પ્રેમપૂર્વક છાતી સરસા ચાંપી મળ્યા અને પછી એમને છાતીમાં ચરણાર્વિંદ આપી આશ્વાસન આપતા બોલ્યા: ‘સ્વામી દિલગીર થાવ માં ! અમે તો સદાય તમારા ભેળા જ છીએ . તમો હવે જૂનાગઢ જલ્દી જાઓ .’ બ્રહ્મમુનિની આંખોનાં આંસુ કેમે કરીને નહોતા સુકાતાં ! એ ભારે ધર્મસંકટમાં મુકાયા હતા. એક બાજુ શ્રીહરીનો ચિરકાલિ‌ન વિયોગ ને બીજી બાજુ શ્રીજીઆજ્ઞા ! એમનું અંતર પોકારતું કે પ્રભુ! આ અગ્નિપરીક્ષા રહેવા દો! બ્રહ્માનંદ સ્વામીને સ્વસ્થ કરવા મહારાજે તેમને ગુલાબનો હાર પહેરાવી, પોતાનો પ્રસાદીનો ગૂઢો રેં‌ટો આપી , તેમના માથે પોતાના બંને હાથ મૂકીને પછી તેમનો વાંસો થાબડ્યો. આથી સ્વામીને જરા હિંમત આવી. મહારાજને ફરી દંડવત્‌ પ્રણામ કરી તેમની મૂર્તિને નીરખતા નીરખતા પાછે પગલે ચાલી સ્વામી અક્ષરઓરડીના અંગણામાં આવી ત્યાંથી ફરી મહારાજને દંડવત્‌ પ્રણામ કર્યા. એમનું અંતર કેમે કરીને મહારાજને મૂકીને જવા માટે માનતું નહોતું, પણ શ્રીજીઆજ્ઞાએ એમ કર્યા વગર ચાલે એમ નહોતું. અંતે બ્રહ્માનંદ સ્વામી એમનાં શિષ્યમંડળ સાથે ભારે હૈયે અને વ્યથિત મને ગઢડા છોડી જૂનાગઢ જવા રવાના થયા.*( સ.ગુ. બ્રહ્માનંદ સ્વામી ૧૮૮૯ ના જેઠ સુદ ચોથને દિવસે જૂનાગઢ પહોંચ્યા હતા એમ સ્વામિનારાયણ સંપ્રદાયની તવારીખ નોંધે છે.) સ.ગુ. બ્રહ્માનંદ સ્વામીના ગયા બાદ લગભગ દશેક દિવસે સં. ૧૮૮૬ના જેઠ મહિનાની શુક્લ પક્ષની દશમને મંગળવારે મધ્યાહ્‌ન સમયે મહારાજે દેહોત્સવ કર્યો. સૌ સંતો તથા હરિભક્તોને મહારાજધામમાં ગયાના સમાચાર મળતાં જાણે વજ્રાઘાત થયો હોય એવા મહારાજના આ પ્રાણઘાતક વિયોગે સૌના અંતર ભાંગી નાખ્યાં . અક્ષર ઓરડી અને દાદાનો દરબાર ભક્તજનોના ર્હ્રદયવિદારક રૂદન અને આર્તનાદથી ધ્રૂજી ઉઠ્યા. આખુંય ગઢડું આ અસહ્ય દુઃખના કારમા આઘાતથી ગ્રસ્ત થયેલા ભક્તજનોના છાતીફાટ આક્રંદથી શોકમાં ડૂબી ગયું! સ.ગુ. ગોપાળાનંદ સ્વામીએ સૌને સાંત્વના આપી શાંત કર્યા. લક્ષ્મીવાડીમાં મહારાજના દેહનો વિધિપૂર્વક અગ્નિસંસ્કાર કર્યા બાદ સ.ગુ. ગોપાળાનંદ સ્વામીએ ભગુજીને જૂનાગઢ બ્રહ્માનંદ સ્વામીને બોલાવવા માટે મોકલ્યા. જૂનાગઢમાં બ્રહ્માનંદ સ્વામી મંદિરના ઘુમટ આગળ ધાબામાં કડિયાઓ પાસે કામ કરાવી રહ્યા હતા. એ વખતે એમણે દૂરથી ભગુજીને કાળા વસ્ત્રોમાં ઉંટ ઉપર આવતા જોયા. એ તરત જ બધું સમજી ગયા ને નીચે ઊતરતાં કડિયાને બૂમ પાડીને કીધું, ‘ રત્ના ! એ પાણો હવે ચોડજે મા, કપટીએ કપટ કર્યું છે.’ આંસુ નીગળતે નયણે એમણે ભગુજી પાસેથી સર્વે સમાચાર જાણ્યા ને પછી સ્નાન કરી એ દિવસે ઉપવાસ કર્યો. બીજે દિવસે જૂનાગઢના મંદિરની છેલ્લી વિદાય લઈ એ દેવાનંદ સ્વામીની સાથે ગઢપુર તરફ રવાના થયા. ગઢપુર આવીને બ્રહ્મમુનિ દાદા ખાચરના દરબારમાં સ.ગુ. ગોપાળાનંદ સ્વામી, સ.ગુ. મુક્તાનંદ સ્વામી તથા સ.ગુ. નિત્યાનંદ સ્વામીને મળ્યા. સજળ નયને સ્વામીએ સદ્‌ગુરુ ગોપાળાનંદ મુનિને આજીજીપૂર્વક કહ્યું: ‘સ્વામી! મારા આવતા પહેલાં મારા પ્રાણાધારનાં અગ્નિસંસ્કાર કરી નાંખ્યા તે ઠીક ના કર્યું.હું એમને અક્ષરધામમાંથી પાછા બોલાવીને બેઠા કરત, પણ શરીર ગયા પછી હવે શો ઉપાય ? યોગમૂર્તિ ગોપાળાનંદ સ્વામીએ એમને શાંત કરતાં‌ કહ્યું: ‘ સ્વામી ! મહારાજ તો સત્સંગમાં સદાય પ્રગટ જ છે.’ પછી સ્વામી અક્ષર ઓરડીમાં ગયા ત્યારે મહારાજ વિના સૂની સૂની અક્ષર ઓરડી જોઈ વિરહાતુર થઈને છાતીફાટ રડ્યા અને પછી ત્યાંથી ચોધાર આંસુએ રડતા રડતા ગોપીનાથજીના મંદિર ઉપર દર્શન કરવા સારું પગધિયા ચડવા લાગ્યા. મહારાજના ચિર વિયોગે વ્યાકુળ બનેલું એ સંવેદનશીલ કવિહૃદય મંદિરની રૂપચોકીમાં ગોપીનાથજીની મૂર્તિ આગળ અશ્રુભરી આંખે પ્રગલ્ભસ્વરે ગાઈ ઊઠ્યું : પ્રાણ સનેહી ઘરું આવો અબ પિયરા , હીયરા ધીર ધરત નહિ મેરા’ વિપ્રલંભ વિરહ વિભાવનાના આ પદના કરુણગાન સાથે સૌના આશ્ચર્ય વચ્ચે ગોપીનાથજીની મૂર્તિમાંથી શ્રીજીમહારાજ દિવ્યસ્વરૂપ પ્રગટ થઈને સ્વામીને સામા આવીને ભેટ્યા અને પુષ્પનો સુગંધિત હાર પહેરાવી એમના વિરહતાપને શાંત કર્યો.*( શ્રીહરિચરિત્ર ચિંતામણિ‌ (ભાગ -૨ , વાત -૩૨૮).) ઉત્પત્તિઃ- અવતારી પુરુષ શ્રી સહજાનંદસ્વામીએ પ્રુથ્વી ઉપર પ્રગટ થઈ આત્યંતિક મોક્ષની અલૌકિક રીત પ્રવર્તાવી. અને તે પુનિત રીત ‘યાવતચંદ્ર દિવાકરો’ ટકી રહે તે માટે મંદિર, મૂર્તિ, શાસ્ત્ર, સત્સંગી, સંત અને આચાર્ય એમ અનેક અંગોની સ્થાપના કરી, પોતાનું અવતરણ કાર્ય પૂર્ણ થયું જાણી ૧૮૮૬ ની સાલના અંત ભાગમાં ઉદાસીન પ્રભુએ બ્રહ્માનંદસ્વામીને જુનાગઢ મંદિરનાં કામ-કાજ અંગે જવા આજ્ઞા કરી. શ્રીજીને પોતાની લીલા સંકેલી સ્વધામ પાછું ફરવું છે પરંતુ બ્રહ્મમુનિનું સાન્નિધ્ય હોય ત્યાં સુધી પ્રભુ ધામમાં કેમ જઈ શકે ? એટલે બ્રહ્મમુનિને દૂર મોકલી અને ગુણાતિતાનંદ સ્વામીને પાસે બોલાવી લીધા. જૂનાગઢ જતાં રસ્તામાં હરણ આડાં ઉતરે છે. અનેક અપશુકનો થાય છે. તે જોઈ સ્વામી સમય પારખી ગયા, પણ ઈષ્ટદેવની આજ્ઞા કેમ લોપાય ? છતાં છેલ્લીવારનાં ફરી દર્શન કરી જૂનાગઢ જવા સ્વામી રવાના થયા. પણ હૈયું કકળી ઊઠ્યું કે, ‘હરણ એ જ સુખના હરણ, હરણ એ જ બુદ્ધિબળ હરણ, હરણ એ જ હિંમત હરણ હરણ એ જ પ્રાણ તન હરણ’ મારુ હૈયું ‘હા’ નથી પાડતું લાડીલા લાલ ! મારુ હૈયુ ‘હા’ નથી પાડતું પણ... આમ, આક્રંદના આક્રોશમાં અકળાતા અકળાતા સ્વામી જૂનાગઢ આવ્યા. આ બાજુ મહારાજે સંતો-ભક્તોની સભા બોલાવીને વાત કરતાં કહ્યું કે, ‘સંતો ! અમારા અવતરણનો હેતુ હવે પૂરો થયો છે. આત્યંતિકમોક્ષના ઊંડા અને મજબૂત પાયા નંખાઈ ગયા છે. સંતો તમે સત્સંત માટે બહુ દુઃખ સહન કર્યું છે.’ મહારાજે જ્યાં આટલી વાત કરી ત્યાં તો સભામાંથી ધ્રૂસકાં અને હીબકાં સંભળાયાં. કરુણાનિધાને કહેવાનું ચાલુ રાખ્યું કે, ‘સત્સંગને સાચવજો, સ્નેહ અને સંપથી રહેજો. આ ગોપાળાનંદસ્વામીની આજ્ઞા શિરોમાન્ય રાખજો. ભક્તો ! ભક્તો ! ભલા થઈને કોઈ અમારી પાછળ આત્મહત્યા કરશો નહીં. ‘આમ, ભલામણનાં શબ્દો કહેતા-કહેતા અચાનક પ્રભુ બોલતા બંધ થયા. ગોપાળાનંદસ્વામીએ નાડી ઉપર હાથ મૂક્યો તો નાડી બંધ! ઝોરાએ જાલવી રાખેલું ધ્રૂસકું તેમનાથી મૂકાઈ ગયું. પ્રાણનાથ ગયાના આઘાતે સૌ આક્રંદ કરવા લાગ્યા. ન જાવ, મહારાજ ન જાવ. અમે આપના વગર શી રીતે જીવી શકીશું ? મારા જીવનપ્રાણ ! એ દાદાખાચરનો દરબાર આજે દર્દીલા દિલથી રડી રહેલા સંતો-ભક્તોના લોહીનાં અશ્રુથી ભીનો બની ગયો. અનેક સંતો દાદાની દીવાલમાં માથાં પછાડી કારમું રુદન કરી રહ્યા છે. તો આ બાજુ જૂનાગઢમાં સદ્ગુરુ બ્રહ્માનંદસ્વામીને અમંગળની એંધાણ આવતા સ્વામી ભાંગીને ભૂકો થઈ ગયા. સ્વામીના માથે વીજળી પડી. મગજમાં મહારાજની યાદ ઘૂમવા લાગી. આત્મીયતાના ભાવે શબ્દો સરી પડ્યા કે, ‘રત્ના ! રત્ના ! એ પાણો ચોટાડીશમાં. કપટીએ કપટ કર્યું છે!.’ આમ. બોલતાં બોલતાં સ્વામી મૂર્છિત થઈ ધરતી પર ઢળી પડ્યા. ત્યાં ભગુજીએ પાસે આવી સ્વામીને આશ્વાસન આપતાં માથે પાણીનાં પોતાં મૂક્તાં-મૂક્તાં કહ્યું કે, ‘સ્વામી ! આપને ગોપાળાનંદસ્વામીએ જલ્દી ગઢપુર બોલાવ્યા છે.’ એટલે સાંઢડી ઉપર સવાર થઈ, અન્નજળનો ત્યાગ કરી ત્વરિત ગતિએ એક જ દિવસમાં ગઢપુર પહોંચ્યા. પરંતુ ત્યાં તો શ્રીહરિના શરીરનો અગ્નિ સંસ્કાર થઈ ગયો જાણી હૈયાફાટ રુદન કરવા લાગ્યા. એ દાદાના દરબારની દીવાલો અને નીંબતરુનાં પાન પણ આજ બ્રહ્માનંદસ્વામીના આક્રંદે રુદન કરવા લાગ્યાં છે. સ્વામીએ વસવસો વ્યક્ત કર્યો કે, ‘સંતો! સંતો! તમે મારી રાહ પણ ન જોઈ ? શ્રીજી મહારાજના શરીરની અંતિમ ક્રિયા કરી નાખી ન હોત તો સંતો, હું એમને જરૂર અક્ષરધામમાંથી પાછા લાવી બેઠા કરત. પણ હવે શું?’ મુક્તાનંદસ્વામી, ગોપાળાનંદસ્વામી, ગુણાતીતાનંદસ્વામી આદિ સંતો સ્વામીને આશ્વાસન આપતાં-આપતાં કહે છે, અમે તો મહારાજની આજ્ઞા મુજબ કર્યું છે. આપ સઘળી હકીકત હવે ગોપીનાથજી મહારાજને કહો. ‘ઘાયલ કી ગત ઘાયલ જાને, દૂજો ન જાને કોઈ,’ વિયોગનું દુઃખ કેવું છે તે તો ઘાયલ થયેલા ઘવાયેલાને જ ખબર પડે. એની અનુભૂતિ શબ્દોમાં કેમ કરાવી શકાય? જેમ માનો પાલવ ખસી જતાં બાળક ઝબકી જાય તેમ આજે બ્રહ્મમુનિ વારે-વારે પ્રભુને યાદ કરી રડી પડે છે. નિઃસહાય અને અચેતન બનેલા સ્વામી માંડ-માંડ મંદિરનાં પગથિયાં ચડી ગોપીનાથજીની સામે પહોંચ્યા. મૂર્તિનાં દર્શન કરતાં જ કારમી ચીસ નાખી. આટલા દિવસ દર્શ-સ્પર્શનાં સુખ આપ્યાં અને અંતે તરછોડીને ગયાને? લાડીલા લાલ! મારું હૈયું ધીરજ નથી ધરતું પ્રભુ! પ્રભુ આપના વિના હું કેમ જીવી શકીશ? આમ, વિરહાગ્નિમાં વલોવાતા–વલોવાતા સ્વામી કરુણ રુદન કરી રહ્યાં છે. એ ગોપીનાથના ઘૂંઘટમાંથી આંસુઓની ધારા છૂટી બધા સંતો-ભક્તો અને એભલ પરિવાર એકત્રિત થઈ ગયો. સૌને લાગ્યું કે સ્વામીનાં પ્રાણ નીકળી જાશે. અને સાચે જ પથ્થર ફાટી જાય એવું કરુણ રુદન કરતા-કરતા સ્વામી મૂર્છિત થઈ ઢળી પડ્યા. મુક્તાનંદસ્વામી, રઘુવીરજી મહારાજ આદિ સ્વામીના શરીરે હાથ ફેરવી રહ્યાં છે. બ્રહ્મમુનિ આપ સ્વસ્થ થાઓ. મહારાજની આજ્ઞા નથી પાછળ પ્રાણ છોડવાની. સ્વામીની આ પરિસ્થિતિ જોઈ સૌનાં હૈયાં કકળી ઊઠ્યાં. થોડીવારમાં તો હીબકાં અને ધ્રૂસકાંથી મંદિર ધ્રૂજી ઊઠ્યું. મુક્તમુનિએ બ્રહ્મમુનિના મુખમાં થોડું પાણી નાખ્યું. થોડી વારે સ્વામીને શાતા વળી. વિયોગની વાદળી વરસી પડતાં, સ્વામી એકદમ ઊભા થઈ ગોપીનાથજીની મૂર્તિ સામે હાથ લાંબો કરી કરુણભીના કંઠે નવરચિત પ્રસ્તુત પદ ગાવા લાગ્યા.

વિવેચન

સ્વામિનારાયણ સંપ્રદાયના કવિઓમાં બ્રહ્માનંદ સ્વામીનું સ્થાન વિશિષ્ટ છે . શ્રી સહજાનંદ સ્વામીના સંતો સાથેના વાર્તાલાપમાં એકવાર બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું હતું: ‘પ્રભો! આમ તો નિર્બળ છું. પરંતુ આપના બળે છંદ, છપ્પયમાં મને કોઈ પહોંચી શકે એમ નથી. મારા પદોમાં જે પ્રાસ સાથે ઝડઝમક છે, લાલિત્ય છે, તે અન્ય કવિ ન લાવી શકે.’ બ્રહ્માનંદ સ્વામીના બધાં પદો ગેય હોવાથી એનું સ્વરૂપ સંગીતના સૂર તથા લયથી બંધાયેલું છે. પ્રેમાનંદ સ્વામીના પદોની જેમ એમાં રાગવૈવિધ્ય પુષ્કળ પ્રમાણમાં છે અને વિવિધ રાગરાગિણીઓમાં ભાવોન્મેષ સાથે સંગીતનો સમન્વય થયેલો છે. વિયોગમાં પ્રેમને કારણે ચિત્તની સ્થિતિ અનુંરાગમયી બની પૂર્વે માણેલ સંયોગશૃંગારની સ્મૃતિમાં લીન રહે એને વિપ્રલંભ શૃંગારની પ્રેમવૈચ‌િ‌ત્ર્યની સ્થિતિ કહે છે. એક રીતે આ પૂર્વાનુરાગ દશા જ છે. વિરહાવસ્થા નિરૂપતા બ્રહ્માનંદ સ્વામીના પ્રસ્તુત પદમાં વિરહનું એક મહત્વપૂર્ણ નિરૂપણ થયેલું છે. કવિની સમગ્ર અક્ષરધામનો વિશેષ વૈભવ વિયોગવ્યંજનામાં અહીં અભિવ્યક્ત થયેલો જોવા મળે છે. તેથી જ એમની આ વિયોગાત્મક કવિતાં પ્રણયસાધનાની બની છે! પ્રેમને પુષ્ટ કરનાર વિરહાનુભૂતી પણ ઈશ્વરભક્તિનું મહત્વનું અંગ મનાય છે. પ્રેમની પૂર્ણતા પ્રાપ્ત કરવા પ્રેમીભક્ત પ્રભુના વિયોગમાં વિરહિણી બનીને એમની પ્રતીક્ષા કરે છે, વિલાપ કરે છે અને હૃદયની તીવ્ર આરજૂથી ઝંખે છે. વિરહાગ્નિ‌માં તૃપ્ત બની માનસિક વ્યથા અનુભવતો ભક્ત પરમ વિરહાસક્તિની માર્મિક અનુભૂતિ વ્યક્ત કરે છે. ખરેખર તો પ્રભુપ્રેમની ઉત્કૃષ્ટ સ્થિતિ આવી પરમ વિરહાસક્તિ‌માં જ અનુભવાય છે. કારણ કે પરમ વિરહાસક્તિ‌ એ પ્રેમની અંતિમ અને મહત્વની અવસ્થા છે. સાચા પ્રેમની અંતર્ગત વિરહ સદાયે સમાયેલો હોય જ છે! ‘પ્રાણ સનેહી ઘરું આવો અબ પિયરા , હિયરા ધીર ધરત નહિ મેરા; દરસ બિના દિલ દાહ ન બૂઝત, નહિ સૂજત કછુ કાજ અનેરા .’ બ્રાહ્માનંદ સ્વામીનું અંતર આજે પ્રાણપ્યારા પ્રિયતમ શ્રી સહજાનંદ સ્વામીના વિયોગે વ્યાકુળ બન્યું છે. વિરહાસક્તિ‌ના અંતિમેં એમનો જીવ અધીરો બને છે. પ્રાણેશ્વરનાં દર્શન વિના હવે દિલની દાહ બુઝાય એમ નથી. વ્��થિત હૃદયે કવિને કાંઈ જ સૂઝતું નથી. એથી જ કવિ રસિક પિયા મનોહર મૂર્તિ ઘનશ્યામ પ્રભુને અંત:કરણપૂર્વક આજીજી કરે છે કે પ્રભુ! આપ અહોનિશ મારી સામે રહો-પ્રત્યક્ષ રહો . મારું આતુર હૈયું ચાતકની જેમ આપનાં દર્શનની આશમાં તલસ્યા કરે છે, તમારા નામની માળા જપ્યા કરે છે. માટે કૃપાલ! હવે દર્શન દઈ મારા વ્યાકુળ હૃદયને આનંદિત કરો. મહારાજ ! આ સંસારસાગર તરવા માટે આપ જ નૈયારૂપ છો. અશક્ય જ છે ! બ્રહ્મમુનિની પ્રસ્તુત વિરહવિભાવનામાં કરુણાત્મક વિયોગશૃંગારની વ્યાપકતા જોવા મળે છે. પદ ગેયાતાત્વથી સભર છે . શ્રીજીમહારાજ સ્વધામ પધારતા, સત્સંગીરૂપી વટવૃક્ષને અકાળે પાનખર આવી હોય એવો સર્વને વજ્રાઘાત થયો. છતાંય એ વિરાટ વટવૃક્ષ સર્વ સત્સંગીજનો માટે ઓથ છે. એના થડની ઓથે શ્રીજીના સંભારણા સાથે પ્રેમસખી જયારે ભાવલીન બની ગયા ત્યારે અનાયાસે અનરાધાર વહેતા નયનનીરમાં ભીંજાઈને એમનું ભાવુક હૃદય રડી ઊઠ્યું : ભાવાર્થઃ- હે અમારા પ્રાણ આધાર ! નોધારાના આધાર ! સમરથ સ્નેહી સહજાનંદ ! પાછા ઘેર આવો. મારા પ્રિયતમ ! મારું હૈયું ધીરજ નથી ધરી શક્તું અલબેલા અવિનાશી ! આપના દર્શન વિના વિયોગનો દાવાનળ કદી બુઝાતો નથી. કોના દર્શન? કોને પગે લાગું? કોણ માથે હાથ મૂકે ? કોણ બાથમાં લઈને મળે, મહારાજ ? કોનું રટણ કરવું, કોનું ધ્યાન કરવું ! એ કશુય સૂજતું નથી. હે રસિકવર મનોહર ઘનશ્યામ ! આપ રાત-દિવસ નેણની આગે રહો એવી નમ્ર વિનંતી છે. સ્વામી અહીં ચાતકની તલસાટને યાદ કરી કહે છે કે જેમ ચાતક પક્ષી સ્વાતિ નક્ષત્રના એક બૂંદ માટે થઈ અન્ય નક્ષત્રોમાં પડેલા મૂશળધાર વરસાદના પાણીને લેશમાત્ર પણ ચાહતું નથી એમ હે હરિ ! આપના નામ સિવાય, અન્યત્ર બીજી કોઈ પણ જગ્યાએથી સુખ, સંતોષ કે શાંતિ મળતી જ નથી અથાત્ તેમાં પ્રીતિ થતી નથી. માટે મારા પ્રાણજીવન ! જલ્દી મારા અંતરમાં આવો. જલ્દી મારા ઘરે આવો. અને મને દર્શ-સ્પર્શનું સુખ આપી મારા અંતરમાં આનંદ ઉપજાવો. II૧થી ૪II રહસ્યઃ- પોતાના પ્રાણાઆધાર શ્રીહરિનાં દર્શન નહીં થતાં પ્રાકાષ્ઠાએ પહોંચેલા વિરહ વેદનાથી સરી પડેલ વિરહાત્મક શબ્દો, ભાવ અને વાતાવરણ કેવું હશે તેની કલ્પના અકથ્ય છે. પરંતુ એટલું તો ચોક્કસ નક્કી થાય કે આ વિરહાત્મક સૂર અને શબ્દો સાંભળીને પોતાનું ધામ છોડીને ખુદ પુરુષોત્તમનારાયણને ગોપીનાથજીની મૂર્તિમાં પ્રગટ થવું પડ્યું. એ તાકત હતી સદ્ગુરુ બ્રહ્માનંદસ્વામીના આર્તભાવમાં ! પરોક્ષને પ્રત્યક્ષ કરી શકે એવા એક નહીં પણ અનેક સંતો હતા. સ્વામિનારાયણના અષ્ટ સંત કવિઓની કૃતિમાં અને સંગીતમાં કોઈ અદ્ભુત ચમત્કાર હતો. જેઓનું સંગીત પણ પ્રત્યક્ષની જ ઉપાસના કરતું, જેઓનું સંગીત પથ્થર પીગળાવી નાખતું. તો પછી પ્રેમાધિન પ્રભુ પીગળાવવા એ તો એને મન સહજ જ હતું. એ આપણે જોઈ શકીએ છીએ, પ્રસ્તુત પદની ઉત્પત્તિમાં અને કાવ્યના રાગ, ઢાળ, તાલ, સૂર શબ્દ અને ભાવોર્મિમાં.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
શિવરંજની
અજાણ (પ્રકાશક )

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
અતુલ દેસાઇ (ગાયક)
કાલીંગડો
કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

અતુલ દેસાઇ (સ્વરકાર)
શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૨
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)
શિવરંજની
શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૪
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ચૈતન્યસ્વરૂપદાસજી સ્વામી - મુંબઈ
શિવરંજની
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

ચૈતન્યસ્વરૂપદાસજી સ્વામી (સ્વરકાર)
જેઠે જીવન ચાલીયા - ૨૦૧૨
Live
Video
0
0