બારે માસ પૂરા થયા, આવ્યો માસ અધિક, પ્રીતમ તોય ન પધારિયા ૧૩/૧૩

બારે માસ પૂરા થયા, આવ્યો માસ અધિક;
	પ્રીતમ તોય ન પધારિયા, ઠેર્યા મથુરા ઠીક...૧
અધિક મહિને અતિ ઘણી, આશા હતી મનમાંય;
	તમ વિના ખાલી સેજડી, મળવા મન અકળાય...૨
પહેલી પ્રીત લગાડીને, રહેવું ન ઘટે દૂર;
	તમ વિના મારા નાથજી, હૈડે દુ:ખ ભરપૂર...૩
બ્રહ્માનંદની વિનતિ, ઉર ધરજો અવિનાશ;
	મહેર કરીને માવજી, તેડી લેજો તમ પાસ...૪
 

મૂળ પદ

જેઠે જીવન ચાલિયા નિર્મોહી મારા નાથ

મળતા રાગ

ધોળ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ઉત્પત્તિ

ઉત્પત્તિઃ- શ્રીજી મહારાજ સ્વધામ પધાર્યા પછી શ્રીજી આજ્ઞા પ્રમાણે સદ્ગુરુ બ્રહ્માનંદસ્વામી જટિલ સમસ્યાઓને અવગણીને મૂળી મંદિર કરાવી રહ્યા છે. શ્રીજી ધામમાં પધાર્યાને બે વર્ષ પૂરા થવા આવ્યાં છે. એટલે કે સંવત ૧૮૮૮ના જેઠ માસનો પ્રારંભ થયો છે. એવા સમયે એક દિવસ બ્રહ્માનંદસ્વામીનાં અંતરમાં ઊંડાણમાંથી વિરહાત્મક વિચાર સ્ફૂર્યો, ભૂતકાળમાં ભોગવેલા ભગવાનનાં દર્શ-સ્પર્શના સુખની યાદ ઘૂમવા લાગી. સ્વામી ભૂતકાળમા સરી પડ્યા કે વડતાલ મંદિરનો પડથારો પૂરો થતાં મહારાજ મને પોતાની સાથે લઈ ગયા હતા તેવી જ રીતે જૂનાગઢ મંદિરનો પડથારો પૂરો થતાં પ્રભુએ બોલાવી પોતાની પાસે રાખ્યો હતો. તેમ આજે પણ આ મૂળી મંદિરનો પડથારો પૂરો થઈ ઘૂમટીઓ વળાઈ રહી છે. અને શિખરો પણ થઈ ગયાં છે. છતા મને ધામમાં તેડી જવા પ્રભુ કેમ ન પધાર્યા ? માણકી ઘોડી, પૂંજા ડોડિયા અને મુક્તાનંદ સ્વામીને મહારાજ તેડી ગયા. તો શું મને નહીં તેડી જાય ? આમ, વિચારી વિચારમાં ને વિચારમાં સ્વામી નિશદિન ઉદાસ થવા લાગ્યા અને રોજ વિરહાત્મક પદો રચી ગાતા રહ્યા. તેથી દેવાનંદસ્વામી, તદ્રુપાનંદસ્વામી આદિક શિષ્યમંડળને થયું કે, સ્વામી આ પૃથ્વી ઉપર હવે ઝાઝું નહીં રહે. બ્રહ્મમુનિનું બ્રહ્મત્વ પરબ્રહ્મને મળવા મથવા લાગ્યું છે. શ્રીહરિ સ્વધામ સિધાવ્યા હતા એ જ જેઠ સુદ દશમનો આજે દિવસ છે. પૂજા-પાઠથી પરવારી બ્રહ્મમુનિ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સામે બેસી ગયા. પોતાની પ્રાણજીવનની ઝંખના જોર કરતી જાય છે. કરુણભીના કંઠે વિલાપી પદો ગાઈ રહ્યા છે. એક-બે એમ ત્રણ કલાક સુધી વિરહાત્મક પદો ગાયા અને છેલ્લે વિરહની પરાકાષ્ઠારૂપ બારમાસી પદો શરૂ કર્યાં. ‘જેઠે જીવન ચાલ્યા.” એમ જેઠ માસથી શરૂઆત કરી. સૌ સંતો-ભક્તો મૂળી મંદિરના ઘૂમટમાં એકઠા થઈ ગયા છે. અનેક પ્રકારનાં અપશુકનો થવા લાગ્યાં છે. આકાશમાંથી ઉલકાઓ વર્ષે છે. દિશાઓ પડી ગઈ છે. પ્રચંડ વાયુ વાય છે. મૂળ સોતાં ઝાડ ઉખડી પડે છે. સિતાર સાથે ગાઈ રહેલા બ્રહ્મમુનિના બારમાસી પદોના પોકારથી મંદિરનાં શિખરો ધ્રૂજી ઉઠ્યાં છે. આમ, વિરહાત્મક વાણીથી સૌનાં હૈયા વલોપાત કરવાં લાગ્યાં છે. જોતજોતામાં બાર પદો પૂરાં થયાં. અને પ્રસ્તુત તેરમું પદ સ્વામીએ ઉપાડ્યું, આજે સાઠ વર્ષની વયના બ્રહ્માનંદસ્વામીની કલમે લખાયેલું આ છેલ્લું પદ છે. કહેવાય છે કે આ પદ પૂરુ થતાં પ્રકાશના પૂંજ પથરાયા અને ‘સખા બ્રહ્માનંદ આવો અમારી સેવામાં’ એમ કહેતાંક સહજાનંદસ્વામી પ્રગટ થયા. સૌને દર્શન આપી સખા બ્રહ્માનંદને પોતાના અક્ષરધામમાં તેડી ગયા. પોતાનું સમગ્ર જીવન ઈષ્ટદેવની આજ્ઞા પ્રમાણે સત્સંગને માટે ઘસી નાખ્યું. જેઓએ હંમેશા કાવ્યમંદિરો, પથ્થરનાં મંદિરો અને મુમુક્ષુઓનાં હૃદયમાં ગુણ મંદિરો ચણવાનું જ સેવા કાર્ય કર્યું છે. એવા બ્રહ્મમસ્તીના બ્રહ્માનંદમાંથી સરી પડેલ અંતિમ કાવ્ય પ્રસાદી આરોગી આપણે સૌ ધન્ય બનીએ.

વિવેચન

ભાવર્થઃ- હે મારા પ્રાણ આધાર! બારેમાસ પૂરા થઈ ગયા અને અધિક માસ આવ્યો છતાં હે પ્રીતમજી! તમે કેમ ન પધાર્યા? આ અધિક માસે અવિનાશી આવ્યાની આશા ઘણી હતી. તમારા વિના મારા પ્રેમરૂપી પલંગની પથારી ખાલી રહી. હવે તમને મળવા મારું મન અતિશય અકળાય છે. પહેલાં તમોએ પ્રીત કરી, ને લાડ લડાવ્યા, સુખ આપ્યા, રંગે રગદોળ્યા અને ખાંતે ખવડાવ્યા તો હવે છેટે રહેવું ઘટે ખરું? આપના આધારે જ જીવતાં એવા અમોને તમ વિના અતિ દુઃખ થાય છે. માટે સ્વામી કહે છે કે, “હે અવિનાશી! આ વિનંતી ઉર ધરીને, કૃપા કરીને તમારી પાસે તેડી લેજો.” કહેવાય છે કે આ છેલ્લા પદની છેલ્લી કડી બદલવાની દેવાનંદ સ્વામીએ બ્રહ્માનંદસ્વામીને વિનંતી કરેલ પરંતુ આ લોકમાંથી ઉદાસ થયેલ બ્રહ્મમુનિએ પોતાના શિષ્ય દેવાનંદસ્વામીની આ વિનંતી માન્ય રાખી નથી. પણ બ્રહ્માનંદસ્વામીની આ છેલ્લી વિનંતીને શ્રીહરિએ સ્વીકારી પોતાની પાસે તેડી લીધા એ નિર્વિવાદ છે. રહસ્યઃ- સ્વામીએ બારમાસી પદોમાં ૠતુ વર્ણન સાથે ભૂતકાળમાં શ્રીજી મહારાજે જે જે સુખો જે જે સ્થાને આપેલાં હતાં તેને સંભારી-સંભારીને કઠોર વિરહ વેદના ઠાલવી છે. આ બારમાસી પદાવલીમાં વિશિષ્ટતા એ છે કે બારે-બાર પદોનાં નામાચરણની પંક્તિ એક સરખી છે. જ્યારે તેરમા પદની અંતિમ પંક્તિ કાંઈક જુદી રીતે રજૂ કરાઈ છે. આ બારમાસી પદોમાં જે વિરહવ્યથા વર્ણવાયેલી છે. તે અદ્ભુત છે. તેના પ્રેક્ષણથી ચોક્કસ નક્કી થાય છે કે જો શ્રીજીનો પંચભૂતનો દેહ રાખ્યો હોત તો આવાં વિરહનાં પદો ગાઈ ગાઇને એ દેહમાં પ્રભુને પાછા જરૂર લાવત એમાં જરાયે શંકા નથી. એ બારમાસીનાં પદોનો ઢાળ વિલંબિત ઢાળનો ધોળ છે. તાલ દીપચંદી છે. સુગેય છે. વિનંતી, હેત અને પ્રીતિની પરાકાષ્ઠાનું છે. વળી, બ્રહ્મમુનિની કલમે લખાયેલું આ અંતિમ પદ છે.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૪
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


કવિ શ્રી બ્રહ્માનંદ સ્વામી
Studio
Audio
0
0