વહાલા આવો અમારે ઘેર રે વારી જાઉં વાલમજી ૧/૧

+વહાલા આવો અમારે ઘેર રે, વારી જાઉં વાલમજી,
સેવા કરીશું સારી પેર રે, વારી જાઉં વામલજી... ૧
કાંઇ નીર ઉને નવરાવું રે - વારી૦
કાંઇ જુગતે કરીને જમાડું રે....વારી૦ ૨
કાંઇ કંચન થાળ કટોરા રે-વારી૦
પાસે પાણી પીધાના અબખોરા રે....વારી૦ ૩
કંસારને ચુરમા ચોળી રે-વારી૦
રસ રોટલી ઘીએ ઝબોળી રે....વારી૦ ૪
ભાજી તાંદળજાની સારી રે-વારી૦
માંહી ચોળાફળી છમકારી રે....વારી૦ ૫
કાજુ આદાં કેરીનાં અથાણાં રે-વારી૦
લીંબુ મરચાં જોયે તો મેં આણ્યાં રે....વારી૦ ૬
તમે ચોખા ને દૂધ શિરાવો રે-વારી૦
માંહિ સાકર બેક નખાવો રે....વારી૦ ૭
તમે જમોને ઢોળું હું તો વાય રે-વારી૦
ત્યારે કાંઇક સારું મારું થાય રે....વારી૦ ૮
જળ જમુનાની ભરી ઝારી રે-વારી૦
તમને ચળું કરાવે બ્રહ્મચારી રે....વારી૦ ૯
કાથો ચૂનો પાન લવિંગ સોપારી રે-વારી૦
તમે મુખવાસ લ્યોને મુરારી રે....વારી૦ ૧૦
પ્રભુ પલંગ ઉપર પોઢાડું રે-વારી૦
ઝાઝીવાર થાયે તો જગાડું રે....વારી૦ ૧૧
ઘેલું ઘેલું બોલીને સુખ દેજો રે-વારી૦
કાંઇ કહેવાનું હોય તો કહેજો રે....વારી૦ ૧૨
આપો અબળાને આનંદ રે-વારી૦
બલિહારી બ્રહ્માનંદ રે....વારી૦ ૧૩
+ આ થાળ બાશ્રી લાડુબા અને જીવુબાની આજ્ઞાથી સ્વામીશ્રીએ એકજ પદમાં રચેલ છે. તે શ્રીજી મહારાજ જ્યારે દરબારમાં જમવા બેસતા ત્યારે બાશ્રી દરરોજ ગાતાં. (બ્રહ્મસંહિતા)

મૂળ પદ

વહાલા આવો અમારે ઘેર રે

મળતા રાગ

ગરબી થાળ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

નોન સ્ટોપ કીર્તન વિગત

નોન સ્ટોપ-૧૦

વાલા આવો અમારે ઘેર રે વારી જાઉં વાલમજી (૫૪-૧૧)

 

કીર્તનનો અર્થ

ભાવાર્થઃ- હે મારા વ્હાલા પ્રાણના આધાર પ્રભુ ! અમારે ઘેર પધારો, હું આપની ઉપર વારી જાઉં છું. આપનાં વારંવાર વારણાં લઉં છું. હે વાલમજી! અમો સારી રીતે આપની સેવા કરશું, પહેલા ઊને નીરે નવડાવશું, પછી પીતાંબર અને ખેસ ધરાવશું. સોનાના બાજોઠ ઉપર પધરાવી આપને ઘણા હેતે કરીને જુગતે જમાડશું. માટે હે હરિ ! કૃપા કરી તમો અમારે ઘેર રોજ રોજ જમવા પધારજો. કંચનના થાળ અને કટોરામાં છપ્પન પ્રકારનાં ભોગ પીરસ્યા છે. વળી, પ્રભુ ! આપને જમતાં જમતાં વારે વારે પાણી પીવાની ટેવ હોવાથી બાજોઠની પાસે પાણી પીવાના અબખોરા શીતળ અને સુગંધીમાન જળથી ભરેલા તૈયાર છે. હે મારા વાલમજી ! ભાવથી બનાવેલો કંસાર અને પુષ્કળ ઘી નાખી બનાવેલ ચૂરમું તથા સ્વાદમાં વધારો કરે તે માટે સુંદર ચોળીનું શાક પણ પીરસ્યું છે. પ્રભુ! કેસ�� કેરીનો અદ્ભુત રસ અને ઘીમાં ઝબકોળેલી ઊની ઊની અને કૂણી કૂણી રોટલી આપ ખૂબ જ ખાંતે કરી જમો. એ રસ-રોટલી સાથે માફક આવે એવી કોમળ તાંદળજાની ભાજી મરીમસાલા અને માંહી ચોળાફળી નાખી સુંદર રીતે વઘારી છે. સાથે સુંદર આદાં, કેરીનાં અથાણાં પણ પીરસ્યા છે. વળી, જમતાં જમતાં દાળ-શાકમાં નાખવા માટે લીંબુ આણ્યાં છે. પ્રભુ આપને તીખું ભોજન વધુ પ્રિય હોવાથી સુંદર લીલા મરચાં અને મીઠું પણ થાળમાં પીરસ્યું છે. જો તે ફાવે તો લેજો હે મારા વ્હાલા ! અમારાં ભાવભીનાં અનેક પ્રકારનાં ભોજન ખૂબ જમજો. અને અંતમાં દેહરાદુન ને બાસમતી જેવા ઉચ્ચકક્ષાનાં ચોખા રાંધ્યા છે. એની સાથે મસુરની દાળ ફાવે તો ભલે નહીંતર ચોખા અને દૂધ માંહી સાકર નંખાવીને શિરાવજો. સહજાનંદ! તમે ખૂબ જમો એમાં હું રાજી છું. તમે જમો અને હું પવન ઢોળું. તમને જમતાં જોઈ મારું અંતર ટાઢું થાય છે, હે પ્રભુ ! તમે અમારા ભાવાત્મક ભોજનો જમીને તૃપ્ત થયા હો તો બ્રહ્મચારી શુદ્ધ જળથી ચળું કરાવે. લ્યો પ્રભુ ! મુખવાસમાં સુંદર તેજાના સભર પાન-બીડું તેમાં લવીંગની ખીલી પણ નાખેલ છે. પધારો પ્રભુ અમારા પ્રેમરૂપી પલંગ ઉપર પોઢવા. ભક્તોની સાથે વિહાર કરવામાં ઝાઝી વાર થાય તો તમને ફરી જમાડું. ઓ પ્રેમભીના પાતળિયા ! પ્રેમઘેલું બોલીને તમારા પ્રેમઘેલા ભક્તોને સુખ આપજો. વળી, કાંઈ કહેવાનું હોય તો કહેજો પણ ખરા. જીવુબાની માંગણીથી બ્રહ્મમુનિએ આ થાળ બનાવ્યો એટલે શૃંગારાત્મક સખી ભાવે અંતમાં સ્વામી કહે છે.’આપો અબળાને આનંદ’ એટલે આપનાં નામ ઉપર બલિહારી જાય બ્રહ્માનંદ, વારણા લઉ વાલમજી તમારા. II૧થી ૧૩II

ઉત્પત્તિ

ઉત્પત્તિઃ- એક સમયે ગઢપુરમાં જીવુબાએ પાર્ષદ દ્વારા બ્રહ્માનંદસ્વામીને કહેવડાવ્યું કે, અમો સ્ત્રી ભક્તો ગાઈ શકીએ એવા હળવા ઢાળમા એક સારો થાળ રચી આપો. તો અમો દરરોજ શ્રીજી મહારાજ જ્યારે જમવા પધારે ત્યારે ગાઈએ. ઉપર મુજબની માંગણી થતાં, બ્રહ્માનંદસ્વામીએ સૌરાષ્ટ્રના જાણીતા લગ્નઢાળમાં પ્રસ્તુત થાળ રચી આપ્યો. જ્યારે જ્યારે અને જ્યાં સુધી શ્રીજીમહારાજ ગઢપુરમાં થાળ જમ્યા ત્યાં સુધી મહામુક્તાત્મા બા શ્રી જીવુબા વગેરે બહેનો આ થાળ શ્રીજી મહારાજ સન્મુખ બેસીને ગાતાં. થાળની ઉત્પત્તિના ઈતિહાસને વધુ સચોટ પ્રમાણિત થાળની છેલ્લી કડી કરે છે. સંપ્રદાયમાં આ થાળ મહાપ્રસાદીનો ગણાય છે. તો આવો! પ્રેમભીના પાતળિયાને ભાવથી જમાડીએ પ્રસ્તુત થાળની વાનગીઓ.

વિવેચન

રહસ્યઃ- નિષ્કામભાવે કરેલી સેવા જ શ્રીહરિને ગમે છે. કવિની પ્રતિભા નોંધે છે કે જે સેવામાં પેમભાવ નથી. અર્થાત્ શુદ્ધભાવ નથી તે સેવાની ફળશ્રુતિ શૂન્ય છે. કવિના પ્રાસાદિક કવિત્વનો સંકેત શૃંગારાત્મક છે. પદ સુગેય છે. પદ લોકઢાળને આધારિત છે.’વારી જાઉં વાલમજી’ એ પંક્તિ વારંવાર આવતાં હેતની પરાકાષ્ઠા પ્રગટ કરે છે. વર્ણાનુપ્રાસવાળી–સાંગીતિક ગૂંજવાળી પદાવલી યોજવામાં કવિનું કૌશલ નોંધપાત્ર છે. પ્રસ્તુત થાળનો ઢાળ અતિ જાણીતો લગ્નઢાળ–લોકઢાળ છે. તાલ હીંચ છે. થાળ સુગેય અને ભાવાત્મક છે.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૩
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હરિકૃષ્ણ પટેલ
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
અજાણ સ્વરકાર
રાસના કીર્તનો વોલ.૨ નોન સ્ટોપ-૧૦
Studio
Audio
0
0