લટકાં લટકાળા ઘનશ્યામનાં રે, ખટકે ઊંડા અંતરમાંય ૪/૪

લટકાં લટકાળા ઘનશ્યામનાં રે, ખટકે ઊંડા અંતરમાંય-૦૧
પ્રીત કરી મુજને બોલાવતા રે, તે સંભારી બહુ દુ:ખ થાય-૦૨
આ સજ્યા તે શ્રીમહારાજની રે, આ બાજોઠે બેસતા લાલ-૦૩
આ ઠેકાણે ના’તા નટવરજી રે, લુતા અંગ કર લઈ રૂમાલ-૦૪
આ ઠેકાણે જમવા બેસતા રે, જમતા વિધવિધનાં પકવાન-૦૫
સુંદર શાક કરી વંતાકનાં રે, જમીને દેતા પ્રસાદી કાન-૦૬
આ ખળખળીએ ના’તા નાથજી રે, નાહીને હરિજન મુનિ લઈ સાથ-૦૭
આવતા માણેકચોકમાં મલપતા રે, પુરજન થાતા જોઈ સનાથ-૦૮
વાલો બેસતા જઈ ફૂલબાગમાં રે, પેરતા ગજરા ગુલાબી હાર-૦૯
જેમ જેમ સાંભરે તેમ થાય વેદના રે, પ્રેમાનંદના પ્રાણઆધાર-૧૦
 

મૂળ પદ

સજની શ્રીજી મુજને સાંભર્યા રે, હૈડે હરખ રહ્યો ઊભરાય

મળતા રાગ

ગરબી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

વિવેચન

ભાવાર્થઃ- હે લટકાળા ઘનશ્યામ! તમારા આજાનબાહુ અનુપમ હાથનાં લટકાં મારા અંતરમાં હંમેશને માટે ખટકે છે. ‘મારા મન મંદિરિયામાં વસતાં’ હું ગાતો ત્યારે હસતા-હસતા મારી કને આવતા ખસતા. અને મને પ્રીત કરીને બોલાવતા. આ બધું સંભારતા મને અત્યંત દુઃખ થાય છે. II૧II જે શૈયામાં સહજાનંદજી પોઢતા, જે બાજોઠે બેસતા, જે ઠેકાણે સ્નાન કરતા, જે રૂમાલથી શરીર લૂછતા, જે ઠેકાણે બેસીને વિવિધ પ્રકારનાં ભોજન અને સુંદર મજાનાં શાક જમતાં. વળી, મને પ્રસાદી આપતા. વળી, સંતો-ભક્તોને સાથે લઈ ખળખળીને સ્નાન કરી માણકીના અસવાર માણેકચોકમાં મલપતા માણકીને કૂંડાળે નાખતા. ફૂલબાગમાં જઈ બેસતા. ગજરા ગુલાબી અને સુંદર હાર પહેરતા. હે પ્રભુ ! આપની આ બધી અલૌલિક ક્રિયા જેમ જેમ સાંભરે છે. તેમ મારા અંતરમાં અત્યંત વેદના થાય છે. માટે હે મારા પ્રાણના આધાર ! હે દીનાનાથ ! હવે મને એ સુખથી કેટલા દિવસ વંછિત રાખવો છે ? હે કરુણાનિધાન ! જલ્દી પધારો મને તેડવા. II૨ થી ૯ II રહસ્યઃ- પ્રેમીએ પ્રેમની પરાકાષ્ઠાએ જઈ આર્તસ્વરે ઘણુંઘણું સંભાર્યું. ઘોડી ફેરવતા, પાદુકા પહેરતા, સભા કરતા, કીર્તન ગવરાવતા, ભેળા ગાતા. જેમ જેમ સ્વામી એક એક પ્રસંગને સંભારતા જાય, તેમ તેમ દરેક સભાજનને તે પ્રસંગ તાદ્રશ્ય થતા જાય. એક એક પ્રસંગમાં દરેકમાં મન અટકી જાય. વળી, પરાણે ધક્કો દઈને વૃત્તિને આગળ કરતા સ્વામી તો રડતી આંખે કકળતા હૈયે પદ ઉપર પદ ગાતા રહ્યા. જેમ કોઈ કુશળ સંગીતકાર અતિ વિરહી સ્વરે દીપક રાગ ગાઈને દીપોને પ્રગટાવી દે તેમ આજે તેવા જ કરુણભીના કંઠે પદો ગાઈને પ્રેમસખી પ્રેમાનંદસ્વામીએ સૌના અંતરમાં સ્મરણ દીપાગ્નિ પ્રજ્જ્વલિત કરી દીધો. સૌને લાગ્યું કે ચારે દિશાઓએથી અને અંતરીક્ષમાંથી કોઈ જલદ અગ્નિની વર્ષા થઈ રહી છે. જોતજોતામાં ઝાડવાં ઉપરનાં પંખીઓ નીચે પડવા લાગ્યા. સૌ અકળાવા લાગ્યા. હિબકા અને ધ્રુસકાની સાથે આંખોમાંથી ધારાઓ છૂટી. કવિ દલપતરામ નોંધે છે તે પ્રમાણે એ ચાલીસ હજાર આંખોમાંથી એવી એક પણ આંખ નહોતી કે જેમાંથી વિરહાશ્રુ સર્યાં ન હોય. અરે! કેટલાકની આંખોમાંથી તો લોહી ટપક્યું હતુ. કહેવાય છે કે એ કરુણ રુદનથી વડતાલ મંદિરની દીવાલો પણ ધ્રુજી ઊઠી હતી. પદ ઉપર પદ સ્વામી ગાતા રહ્યા અને ભક્તો રડતા રહ્યા. એમાંય ચોથા પદની છેલ્લી કડી ‘જેમ જેમ સાંભરે તેમ થાય વેદના રે, પ્રેમાનંદના પાણ આધાર.’ આ છેલ્લી કડી ગાતાં-ગાતાં સ્વામી ઢળી પડ્યા. બેશુદ્ધ બની ગયા, એ મૂર્છિત અવસ્થામાં સ્વામી મંચ નીચે પડી ગયા. આજે શોકનો સાગર માઝાં મૂકીને ઘૂઘવતો હતો. વિરહી મેઘ નવલખ ધારે રોઈ રહ્યો હતો. કોણ કોને છાનું રાખે? કોણ કોને આશ્વાસન આપે? છતાં રઘુવીરજી મહારાજે પોતાનું હૈયું કઠણ કરી સ્વામીની આંખે પાણીનાં પોતાં મૂકી શરીર પર હાથ ફેરવી આશ્વાસન આપી મહામહેનતે સ્વામીને શુદ્ધિમાં આણ્યાં. કહેવાય છે કે, ત્યાર પછી પ્રેમસખી પોતાનાં પ્રિયતમની ઝંખનામાં ઝૂરતા રહ્યા પદો રચતા રહ્યા અને ગાતા રહ્યા. હરિ સ્મરણનાં સાત વારનાં, બાર મહિનાનાં ઘણાં પદો રચ્યાં, વિનંતીઓ લખી, સંદેશાઓ મોકલ્યા, અને કારતકે કાગળિયા લખ્યા. શ્રીહરિએ પણ આ પ્રેમીની પરાકાષ્ઠને પામવા વિરહ-વિલાપનાં પદો રચાવવા, સર્વોપરી પ્ર્રેમભક્તિની સ્થાપના કરાવવા, ભાવિ ભક્તોને માટે ભક્ત અને ભગવાન વચ્ચેના પ્રેમાત્મક સંબંધો તથા પોતાનાં લીલાચરિત્રો અને સ્વમૂર્તિની સ્મૃતિ ચિરઃકાળ, ચિરસ્થાયી બને તેવા હેતુથી પ્રેમાનંદ સ્વામીને પોતાના ગયા પછી પંચભૌતિક દેહમાં સંવત્ ૧૮૮૬ થી ૧૯૧૧ સુધી એમ પચીસ વર્ષ રાખ્યા હતા. પ્રસ્તુત પદમાં સ્મરાણાત્મક વિરહ કોઈ અદ્ભુત રીતે આલેખાયો છે. પદ સુગેય છે . પદના ઢાળ, તાલ, લય, સૂર, શબ્દ, અને ભાવ અતિ વિરહાત્મક છે.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
નિર્વેશ દવે

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

પરંપરાગત (સ્વરકાર)
સ્મરણાંજલિ
Live
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા + નિર્વેશ દવે

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
સ્મરણાંજલિ
Live
Video
1
0