પ્રાણી સ્વામિનારાયણ દેવ સત્ય સ્વરૂપ છે રે ૧/૪

પ્રાણી સ્વામિનારાયણ દેવ સત્ય સ્વરૂપ છે રે;
	સત્ય સ્વરૂપ છે સુરમુનિના ભૂપ છે રે		...પ્રાણી૦ ટેક.
નેતિ નેતિ કહી નિગમ ગાયે, ઉપનિષદનો સાર;
	કાળ માયાદિક સહુના પ્રેરક, અક્ષરના આધાર	...પ્રાણી૦ ૧
બ્રહ્મમહોલના વાસી પ્રભુ, દિવ્ય સ્વરૂપ સાકાર;
	કમળા આદિક મુક્ત કોટિ, સેવે કરી અતિ પ્યાર	...પ્રાણી૦ ૨
નિજ ઇચ્છાયે નરતનુ ધારી, પ્રગટયા શ્રીમહારાજ;
	ભરતખંડના ભાવિક જનને, ઉદ્ધારવાને કાજ	...પ્રાણી૦ ૩
સત્ય કહું છું સમ ખાઈને, ખોટી નથી લગાર;
	પ્રેમાનંદ કહે ભજો ભાઈઓ, થાશો ભવજળ પાર	...પ્રાણી૦ ૪
 

મૂળ પદ

પ્રાણી સ્વામિનારાયણ દેવ સત્ય સ્વરૂપ છે રે

મળતા રાગ

સોહની

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

કીર્તનનો અર્થ

ભાવાર્થઃ- આ પદમાં પ્રેમાનંદ સહજાનંદસ્વામીના દિવ્યસ્વરૂપનો ખ્યાલ આપી તેમને ભજવાનો અનુરોધ કરે છે. સહજાનંદસ્વામી સાક્ષાત્ પરબ્રહ્મનું જ મૂર્તિમંત સાકારરૂપ છે. વેદો જેનો પાર પામી શક્યા નથી. ઉપનિષદ્ના સારભૂત રહસ્યરૂપ જે છે અને જેને કાળ, માયા વગેરે સૌ વશ વર્તીને ચાલે છે. તેઓ સ્વયં સત્યરૂપ છે. સાક્ષાત્ દિવ્ય તત્વ છે. અને અનેક અધ્યાત્મ-સાધકો પ્રેમપૂર્વક તેની ઉપાસનામાં લાગી રહે છે. સહજાનંદસ્વામીનું અવતારકાર્ય લોક કલ્યાણ માટે અને ભરતખંડના ભાવિક જનોના સમુદ્ધાર માટે જ છે. આ સંસારમાંથી મુક્તિ મેળવવી હોય, પરમતત્વનું સાચું દર્શન કરવું હોય તો શ્રી સહજાનંદસ્વામીનું શરણ લેવું એ જ ઉત્તમ ઉપાય છે. અને આ વાત પ્રેમાનંદ શ્રદ્ધાપૂર્વક ખાતરીપૂર્વક ઉચ્ચારે છે. II૧થી૪II

વિવેચન

રહસ્યઃ- આ પદ સાંપ્રદાયિક તેમ જ આપણી ભારતીય આધ્યાત્મિક પરંપરા વિશેની પ્રેમાનંદની જે અભિજ્ઞતા છે. તેનો સંકેત કરે છે. બ્રહ્મમહોલના વાસી સહજાનંદ સાથેના એમના આધ્યાત્મિક સંબંધ વિના આ પ્રકારનું પદ સંભવી ન શકે. પ્રેમાનંદની સહજાનંદ પ્રત્યે નિષ્ઠાનો રણકો અહીં સંભળાય છે. કાવ્ય પ્રાસાદિક અને સુગેય છે. સાથે પ્રમાણમાં વધુ વિચારપ્રેરક પણ છે. કવિ પોતાના નિશ્ચયની બાબતને વાસ્તવિક સ્વરૂપે રજૂ કરતા કહે છે કે, ‘હે પ્રાણી ! આ સ્વામિનારાયણ ભગવાન જ સત્યસ્વરૂપ છે. આ વાત હું સત્ય કહું છું.’ સમ ખાઈને કવિએ આ પદનો રાગ સોહિની ખૂબ જ સમજપૂર્વક પસંદ કર્યો છે. પોતાના ઈષ્ટદેવ સર્વોપરી ભગવાન છે. સુરમુનિના ભૂપ છે. માયાદિકના પ્રેરક છે. અને અક્ષરના પણ આધાર છે. એવી સચોટ આહલેક ઊંચા સાદે પોકારી છે. સંગીત શાસ્ત્રના મત પ્રમાણે સોહિની રાગ ઊંચા સ્વરથી ગવાય છે. અર્થાત્ આ રાગનો વિસ્તાર વધુ તાર સપ્તકના પગથારે થાય છે. એટલે કે આ રાગ ઊંચો ને ઊંચો રહે છે. પદ શબ્દના પ્રેક્ષણથી એવું સચોટ જણાય છે કે કવિની સ્વોપાસનાની વાત સૌથી ઊંચા શિખરે સૌની ઉપર બેસનારી છે. પદ લય આનંદિત છે. કહરવા અને ત્રિતાલમાં ગાઈ શકાય તેમ છે. પદ સુગેય છે. વળી, નિશદિન સ્મરણીય અને ચિંતનીય છે. આવા ઉત્સાહ પ્રધાન પદો દરેક સંતોએ ઘણાં બનાવેલાં છે. જેમાંથી આચમનીરૂપે અમુક પદો અહીં રજૂ કર્યાં છે.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અક્ષરેશદાસ સ્વામી-BAPS

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી

સંત સૌરભ
Live
Audio
0
0