મારે મંદિર આવી મહારાજ રે જમજો જીવનજી હરિ હેત કરીને તમે આજ રે ૧/૧

મારે મંદિર આવી મહારાજ રે જમજો જીવનજી૦
હરિ હેત કરીને તમે આજ રે. જમજો૦ ૧
મેં તો ભોજન કર્યા બહુ ભાવ રે. જ૦ આવી બેસો બાજોઠીયે માવ રે. જ૦ ૨
લાવું કનક થાલ જીવન રે. જ૦ માંહી પુર્યા છે બહુ ભોજન રે. જ૦ ૩
દુધપાક પૂરણ પોળી રે. જ૦ રસ રોટલી ઘીમા ઝબોળી રે. જ૦ ૪
શિરો પુરીને સેવ સુંવાળી રે. જ૦ ચોળ્યા ચુરમાં ઘી ઘણું ઘાલી રે. જ૦ ૫
માલપુવા ને મોતીયા લાડુ રે. જ૦ જલેદાર જલેબી સ્વાદુ રે. જ૦ ૬
રૂડાં ઘેબર ને મેસુબ રે. જ૦ ઘાલ્યું કંસારમાં ઘી ખૂબ રે. જ૦ ૭
ગુંદવડાં ગુંજાં ને ખાજાં રે. જ૦ વળી બીરંજમાં ઘી ઝાઝાં રે જ૦ ૮
ગળ પાપડી પુડલા પ્યારા રે. જ૦ સારા સાટા ને સક્કરપારા રે. જ૦ ૯
કાજુ કેળાં ને રોટલી ઝીણી રે. જ૦ સેવદળ ને સુતરફેણી રે. જ૦ ૧૦
કર્યો શીખંડ મેં રૂડી રીતે રે. જ૦ વળી ટોપરાંપાક કર્યો પ્રીતે રે. જ૦ ૧૧
બાસુંદીને બરફી શોભે રે. જ૦ મગદળ મગજ મન લોભે રે. જ૦ ૧૨
મોરંબા કેરી દ્રાક્ષતણા રે. જ૦ વળી વઘાર્યા લીલવા ચણા રે. જ૦ ૧૩
કર્યા ભુધર ભજીયાં ભારી રે. જ૦ કઢી વળી સુંદર છમકારી રે. જ૦ ૧૪
ઘણા ઘીયે સુરણ વઘાર્યા રે. જ૦ કંકોડાં કોડાં છમકાર્યા રે. જ૦ ૧૫
પરવળ વાલોળ વૈંતાક રે. જ૦ એહ આદિ કર્યા બહુ શાક રે. જ૦ ૧૬
કર્યા રાયતાં મેં પરીબ્રહ્મ રે. જ૦ દાળ તુવેરની કરી નરમ રે. જ૦ ૧૭
કેરી કાંચળિ તળી આથ્યું આદ ુરે. જ૦ લીંબુ મરચાં કેરાં છે સ્વાદુ રે. જ૦ ૧૮
જમો ધીરે ધીરે વાલમ રે. જ૦ શરમ રાખો તો મારા સમ રે. જ૦ ૧૯
તમે જમોને જાદવરાય રે. જ૦ હું તો વિઝણે ઢોળું વાય રે. જ૦ ૨૦
સારૂં સારૂં જમો જીવન રે. જ૦ જોઇ રાજી થાય મારૂં મન રે. જ૦ ૨૧
દુધ ભાત જમો હરિરાય રે. જ૦ નાખું સાકર ખોબા ભરી માંય રે. જ૦ ૨૨
થઇ તૃપ્ત કરો ચળુ નાથ રે. જ૦ રૂડો રૂમાલ લ્યો લુઓ હાથ રે. જ૦ ૨૩

મૂળ પદ

મારે મંદિર આવી મહારાજ રે જમજો

મળતા રાગ

ગરબી

રચયિતા

બદ્રીનાથ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી