નેણામાં રાખું રે નેણામાં રાખું રે, નાથજીને જતન કરીને રે ૧/૪

નેણામાં રાખું રે નેણામાં રાખું રે;
		નાથજીને જતન કરીને રે, મારા નેણામાં રાખું રે-ટેક.
શિવ સનકાદિક શુક જેવા જોગી, હાં રે જેની વાટું જુવે છે લાખું રે-નાથ૦૧
છેલ છબીલાજીની મૂરતિ ઉપર, હાં રે મારા પ્રાણ વારી વારી નાખું રે-નાથ૦ ૨
નયણે નીરખી હરિને ઉરમાં ઉતારું, હાં રે એના ગુણડા નિશદિન ભાખું રે-નાથ૦ ૩
પ્રેમાનંદ કહે હરિરસ અમૃત, હાં રે હું તો પ્રેમ કરી નિત્ય ચાખું રે-નાથ૦ ૪
 

મૂળ પદ

નેણામાં રાખું રે નેણામાં રાખું રે, નાથજીને જતન કરીને રે

મળતા રાગ

પરજ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ઉત્પત્તિ

દીક્ષા ગ્રહણ કર્યા બાદ શરૂઆતના દિવસોમાં પ્રેમાનંદ સ્વામી શ્રીજીમહારાજની આજ્ઞાથી ઘેલાને તીરે પર્ણકુટિ બાંધીને રહેતા હતા. એ વખતે એમનું નામ ‘નિજબોધાનંદ સ્વામી’ હતું. દીક્ષા લેતી વેળાએ પોતાની માળા એમને આપતા મહારાજે કહ્યું હતું; “નીજબોધાનંદ! આ અમારી માળા તમે રાખો; ઘેલાના કાંઠે રહી , એના વડે અમારું સ્મરણ કરજો ..... અને તમારી આ સારંગી તમે અહીં મુક્તા જજો.....” “મહારાજ ! સારંગી .... અહીં ..... “ “હા સ્વામી! હમણાં તો તમારું તાલ ને સૂરનું જ્ઞાન અહીં મૂકીને જ જાવ. પહેલા શ્રવણ , મનન ને નિદિધ્યાસ કરી ધ્યાન સિદ્ધ કરો, અમારું ઊઠવું , બેસવું, આવવું, જવું-પ્રત્યેક ચેષ્ટાનું ચિંતવન કરો.” “ભલે મહારાજ! એમ કરીશ.” પોતાની સારંગી મહારાજને સોંપતાં નિજબોધાનંદ સ્વામીએ કહ્યું. એ દિવસથી માંડીને નિજબોધાનંદ સ્વામીએ ઘેલાને કાંઠે નીરવ એકાંતમાં અડ્ડો જમાવ્યો. સ્વામી ત્યાંથી દરરોજ દાદાના દરબારમાં મહારાજના દર્શન કરવા જતા અને નીર્નિમેષ નયને સલૂણાં‌ શ્યામ શ્રી સહજાનંદજી મહારાજને નીરખ્યા કરતા. રાતદિવસ શ્રીહરિની રસિક મૂર્તિની રસાનુભૂતીમાં રાચતા પ્રેમસખી વધુ ને વધુ ઊંડા ધ્યાનમાં એ મૂર્તિને ધારતા ને અંતરમાં ઉતારતા. ઘેલાને કાંઠે મંદ મંદ વાતા વાયુના સૂસવાટા વચ્ચે સ્વામીનો બાકીનો બધો જ સમય પ્રગટ પુરુષોત્તમનારાયણના પ્રત્યક્ષ દર્શનથી ઉદ્‌ભવેલા અલૌકિક આનંદને પચાવીને એ દિવ્ય મૂર્તિના અખંડ અનુસંધાન સાથે વ્યતિત થઇ જતો એમ કરતાં આઠ મહિના વીતી ગયા. એક દિવસ શ્રીજીમહારાજે દાદા ખાચરના દરબારમાં સભા ભરી હતી.મોટા મોટા સદ્‌ગુરુઓ સભાને અગ્રસ્થાને બેઠા હતા. મહારાજ હજી સભામાં આવ્યા નહોતા. નિજબોધાનંદ સ્વામી સભામાં છેલ્લે મહારાજની પ્રતીક્ષા કરતાં ઊભા હતા. ત્યાં તો મહારાજની મોજડીના ચમ ચમ શબ્દો સંભળાયા . એ સાથે જ આખી સભા ઉભી થઇ ગઈ . સામેથી શ્રીજીમહારાજ આવી રહ્યા હતા. બધાની નજર એ તરફ જડાયેલી હતી. મહારાજે જરકશી જમો પહેર્યો હતો.માથે ગુલાબી ફેંટો બાંધ્યો હતો ને એમાંથી પુષ્પોના તોરા લટકતા હતા. પગમાં જરી ભરતની મોજડી હતી ને હાથમાં સોનેરી કનક છડી શોભતી હતી. લટકાળી ચલ ચાલતા ચાલતા મહારાજ આવતા હતા . નિજબોધાનંદ તો આ બધું રસબસ ભાવે નીરખ્યા કરતા હતા. ત્યાં એકએક મહારાજે એમને પકડ્યા અને એમના ગળે હાથ ભેરવી પોતાના આસન સુધી લઈ ગયા. પછી પોતે આસન ઉપર બિરાજી બોલ્યા ; “ સ્વામી! તમે શું નીરખી રહ્યા હતા તે આ સભાને કહો.” નિજબોધાનંદે દીનવદને હાથ જોડીને કહ્યું: “ મહારાજ ! મને મારી રીતે કહેવાની આજ્ઞા આપો એવી પ્રાર્થના છે .” આ સાંભળી મહારાજ ખૂબ હસ્યા , પછી બોલ્યા: “સ્વામી તમે અમારી આજ્ઞાનું બરાબર પાલન કર્યું છે. અમે તમારી ઉપર બહુ રાજી છીએ. આજે અમે તમને અમારી અનામત-સારંગી પાછી સોંપીએ છીએ. હવે તમે મન મૂકીને ગાઈ શકો છો ! પછી મહારાજે એક હરિભક્તને સારંગી લાવવા મોકલ્યા અને એ દરમ્યાન પોતે સભામાં વાત કરી: “આજે સત્સંગમાં મુક્તાનંદ સ્વામી વયે મોટા તેમજ જ્ઞાને ગંભીર છે. એટલે ધર્મનિયમની રીતિ એમની પાસેથી સાંભળવી અને ગોપાળાનંદ સ્વામી તો યોગમૂર્તિ છે , તેઓ અમારા સર્વોપરી સિદ્ધાંતને સારી રીતે સમજ્યા છે અને એના ભાષ્ય રચે છે. બ્રહ્માનંદ સ્વામી તેમના કાવ્ય-લેખન દ્વારા સત્સંગ સેવા કરી રહ્યા છે અને આ નિષ્કુળાનંદ છે તેમને ટાંકણું અને કલમ બંને વરેલાં છે , તે પણ અમારું રહસ્ય સમજી કાવ્ય દ્વારા તેનો પ્રસાર કરી રહ્યા છે. વળી આ ગુણાતીતાનંદ સ્વામી તો અમરી અખંડ સેવામાં રહ્યા છે. આજે આ પરમહંસોના દરબારમાં અમે આ નિજબોધાનંદ સ્વામીને ( પ્રેમાનંદ સ્વામીને ) પ્રવેશ આપીએ છીએ . એ અમારી પ્રત્યક્ષ મૂર્તિના ગુણગાન કરી પ્રેમલક્ષણા ભક્તિનો મર્મ સમજાવશે” એટલું કહી મહારાજે પ્રેમાનંદ સ્વામીને હાર પહેરાવી મોટેરા પરમહંસોની સાથે આગળ બેસાડ્યા. એટલામાં સારંગી આવી પહોંચતા પ્રેમાનંદે પોતાના અંતરની વાત કાવ્યરૂપે કથિત કરતા આલાપ સાથે કીર્તનની કડી ઉપાડી: ‘નેણામાં રાખું રે, નેણામાં રાખું રે, નાથજીને જતન કરીને રે, મારા નેણામાં રાખું રે,’

વિવેચન

આસ્વાદ : પ્રસ્તુત પદમાં પ્રેમાનંદ સ્વામીની પોતાના ઇષ્ટદેવ સ્વામી શ્રી સહજાનંદજી પ્રત્યેની પ્રગાઢ પ્રીતિ પ્રગલ્ભપણે પ્રગટ થાય છે. પ્રેમસખી પ્રેમી ભક્ત –કવિ છે. એમનો પ્રભુપ્રેમ પરાકાષ્ઠાએ પહોંચેલો છે. શ્રીજીમહારાજે દીક્ષા આપતી વેળાએ એમને જે ઉપદેશ આપેલો એને પ્રેમસખીએ કેવો આત્મસાત કર્યો હતો એ આ પદ ઉપરથી સહેજે જણાઈ આવે છે. કવિ ગાય છે..... ‘નેણામાં રાખું રે, નેણામાં રાખું રે, નાથજીને જતન કરીને રે , મારા નેણામાં રાખું રે,’ પરમાત્માના પ્રેમમાં પાગલ બનેલા પ્રેમી-ભક્તના ઘેલા નયન અહોરાત પ્રભુને ઝંખ્યા કરે છે. એ ઝંખના જ ઈશ્વરની અખંડ સ્મૃતિનું કારણ બને છે! પ્રેમસખી પણ જતન કરીને યત્નપૂર્વક શ્રીજી મહારાજને અખંડ અંતરમાં ધારી રાખે છે. કવિની આ ધારણા – આ ધ્યાન પાછળ માહાત્મ્યજ્ઞાનેયુક્ત ભક્તિભાવ ઝલકે છે. ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેની એમની સર્વોપરી સ્વરૂપનિષ્ઠા અહીં અભિવ્યક્ત થાય છે. ‘શિવ સનકાદિક શુક જેવા જોગી હાંરે જેની વાટું‌ જુવે છે લાખું રે .’ શિવ સનકાદિક તથા શુકદેવજી જેવા જોગી પણ જેના દર્શન માટે ઝૂરે છે અનંત કોટિ બ્રહ્માંડોના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ પ્રાપ્ત થયા પછી અન્ય કાંઈ પ્રાપ્તવ્ય રહેતું નથી, તેથી જ કવિના પ્રાણ એ છેલછબીલાની રસિક મૂર્તિ ઉપર કુરબાન છે. એક વાર લક્ષ્મીવાડીએ પ્રેમસખી ગયેલા ત્યારે નિષ્કુળાનંદ સ્વામી એમને પાસે બેસાડી પૂછેલું : ‘સ્વામી! આમ એકલા ઘેલાકાંઠે અખો દિવસ શું કરો છો ? ‘ ત્યારે પ્રેમસખીએ કહેલું : ‘સ્વામી ! એકલા ? ભગવાન મળ્યા પછી ભવ ભવની એકલતા ટળી ગઈ છે . હવે તો બસ આ પ્રત્યક્ષ હરિને નયને નીરખીને અંતરમાં ઊતારી અહોનિશ એના ગુણગાન ગાયાં કરું છું .’ કવિએ કંઈક આવો જ ભાવ અહીં અભિવ્યક્ત કર્યો છે. પ્રેમસખીને માટે હરિરસ અમૃત સમાન છે. એનું પાન કરનાર જન્મમરણ રહિત થઈને શાશ્વત સુખમાં લીન થઇ જાય છે. કવિ કહે છે: ‘ એ અમૃતમય હરિરસને હું પ્રેમપૂર્વક નિત્ય ચાખુ છું .’ અહીં કવિ ‘પ્રેમે કરી નિત્ય ચાખું રે ‘ એમ કહે છે. એમાં ‘પ્રેમે કરી’ એ બહુ મહત્વના શબ્દો છે, કારણ કે પ્રેમ વિના તો એ રસની કલ્પના પણ દુર્લભ છે! કાવ્યના આરંભે ‘નેણામાં રાખું રે’ એ ઉક્તિનું પુનરાવર્તન પ્રેમાનંદ સ્વામીની ઉત્કટ પ્રેમભક્તિ દર્શાવે છે. સુગેય એવા આ પદની ભાષા સરળ છે ને પ્રાસરચના સાહજિક છે .

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અજાણ
Studio
Audio
2
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


કીર્તનધારા-મારા ઘનશ્યામ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


પ્યારા ઘનશ્યામ
Studio
Audio
0
0
 
વિડિયો
જયસુખભાઈ રાણપરા
પરજ
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય
હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Live
Video
1
2
 
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ખમાજ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત
ભક્તિ રસ
Studio
Audio
4
2