મેં તો ગુનેગાર તેરારે, હો સ્વામિન મેરા, ૧/૪

૧૭પ પદ ૧/૪

મેં તો ગુનેગાર તેરારે, હો સ્વામિન મેરા, ટેક.

હું ગુનેગાર તેરા કીરતાર, દે શરન ચરન કેરારે. મેં તો ૧

અધમ ઓધાર પતિતજન પાવન, મેટત ભવફેરારે, મેં તો ર

યેહી બરદ ઘનશામ સુની તેરા, કીનો ચરન ડેરા રે.મેં તો ૩

પ્રેમાનંદકે પ્રભુ ભવસાગરતે, પાર કરો બેરારે, મેં તો ૪

મૂળ પદ

મેં તો ગુનેગાર તેરારે, હો સ્વામિન મેરા,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ઉત્પત્તિ

અષાઢી સં. ૧૮૬૨નાં અંતિમ દિવસે એટલે કે જેઠ વદ અમાસને દિવસે ગઢપુરમાં શ્રીજીમહારાજ દાદા ખાચરના દરબારમાં ઉગમણા બારના ઓરડાની ઓસરીએ ગાડી તકિયે બિરાજ્ય હતા. મહારાજે સર્વે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતાં ને કંઠમાં તુંલસીની નવીન કંઠી તથા પુષ્પના સુગંધિત હાર પહેર્યા હતા. શ્રીહરિ સમક્ષ મોટા મોટા સાધુ, બ્રહ્મચારી, પાર્ષદ તથા દેશદેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે સભામાં કૃપા કરીને વાત કરી: ‘સૌ સંત હરિભક્તો ! ધ્યાનથી સાંભળો, આજે અમે એક દ્રષ્ટાંત કહીએ છીએ એનો સાર ગ્રહણ કરીને સૌ એને જીવનમાં ઉતારજો. એક ચક્રવર્તી રાજા હતો. તેને એક વાર વિચાર આવ્યો કે ‘મારા રાજ્યમાં કોણ સુખી છે ને કોણ દુ:ખી છે,એની મારે તપાસ કરવી જોઇએ. મારા ગરીબ, દુઃખી ને પીડિત પ્રજાજનો જ જો સ્વયં મને એમનાં દુઃખની વીતક સંભળાવે તો જ એનો કાંઈ સચોટ ઉપાય થાય. પણ એ બિચારા મારા સુધી ક્યાંથી પહોંચી શકે? મારે જ એમની પાસે જવું જોઈએ. જો રાજા તરીકે જ હું એમની પાસે જઈશ તો એ લોકો દિલ ખોલીને મારી સાથે વાત નહિ કરી શકે. સરખે સરખામાં જે નિકટતા રહે છે એ રાજા ને પ્રજા વચ્ચે ક્યાંથી સંભવે? એ માટે તો મારે વેશ બદલીને સામાન્યમાં સામાન્ય પ્રજાજન જેવો બનીને એમની વચ્ચે જવું જોઈએ, જેથી એમનાં દુઃખ ને પીડા હું સમજી શકું ને એ દૂર કરવાના ઉપાય યોજી શકું.’ આમ વિચારીને એ રાજા ફકીરનો વેશ પહેરીને એના બધાં મંત્રીઓને પણ ફકીરના વેશમાં સાથે લઈને એના રાજ્યનાં જુદાં જુદાં ગામોમાં ફરવા નીકળ્યો. રા‌જાનો આખો કાફલો ગામના ચોરે જઈને ઊતરતો ત્યારે ગામડાના લોકો કાળા દરવેશમાં આવેલા આ ઓલિયાઓને જમાતને જોવા ટોળે મળતા. રાજાની સૂચના પ્રમાણે ફકીરના વેશમાં રા‌જાનો મંત્રી ઊભો થઇ મોટેથી લોકોને કહેતો ‘પ્રજાજનો’ સૌ સાંભળો. આ બેઠા એ સ્વયં રાજાધિરાજ છે! તમારે જે કંઇ તકલીફ હોય, તમારા ઉપર અહીં કોઈ જુલમ થતો હોય કે અન્યાય થતો હોય તો તમે નિ:સંકોચ આજે મહારાજા સમક્ષ અરજ કરી શકો છો. આજે તમારે આંગણે સ્વયં રાજા પધાર્યા છે, એમની આજ્ઞા પાળી, એમની સેવા-ચાકરી કરી તમે એમની પ્રસન્નતા પ્રાપ્ત કરી શકો છો. આવો અવસર વારંવાર નહિ આવે, મારા વચન ઉપર વિશ્વાસ રાખી એનો અમલ કરશો તો સુખનો પાર નહિ રહે! મંત્રીની વાત સાંભળી કેટલાક એને મજાક માની હસવા માંડ્યા કેટલાક લોકો તો ગુસ્સે થઇ મંત્રીને ગાળો ભાંડવા માંડ્યા.પણ કેટલાક નિર્દોષ હૃદયનાં નેકદિલ ઇન્સાન હતા તેમણે મંત્રીની વાત ઉપર વિશ્વાસ રાખી રાજાને અરજ કરી તેમ જ રાજાની આજ્ઞા પાળી તેમની ખૂબ સેવા ચાકરી કરી.રાજાએ દરેકની અરજ સાંભળી દરેકના નામઠામ તેમ જ એમની વર્તણુકની વિગત મંત્રી પાસે નોંધાવી લીધી. આ રીતે પોતાના રાજ્યના દરેક ગામમાં ફરી રાજા એની રાજધાનીમાં પાછો આવ્યો. પછી રાજાએ જે‌ જે‌ વ્યક્તિઓએ નામઠામ લખાવેલા એ બધાને હુકમ કરી તેડાવ્યા. એમાંથી જેને રાજાની આજ્ઞા માની, સારી સેવા કરી હતી, એમને રાજાએ જમીન જાગીર આપી ન્યાલ કરી દીધા અને જેને રાજાનો તિરસ્કાર કરી દ્રોહ કરેલો એમણે કારાગૃહમાં પુરાવી સખત શિક્ષા કરી.” આટલું કહ્યા બાદ થોડું અટકીને મહારાજ બોલ્યા: “ આ તો એક દ્રષ્ટાંત છે. હવે એનો સ્પષ્ટ સિદ્ધાંત કહું છું એ સૌ સાંભળો. અનંતકોટિ બ્રહ્માંડોના અધિપતિ એવા અમે સ્વયં પુરુષોત્તમનારાયણ આજે આ બ્રહ્માંડમાં સાધુના વેશમાં મુક્તોના મંડળ સાથે આવ્યા છીએ. કરોડો જીવોના કલ્યાણ અર્થે અમે સંતોના મંડળો સાથે ગામેગામે વિચરીએ છીએ.અમારા મુકતો સૌને સમજાવે છે કે આ સાક્ષાત્‌ પુરુષોત્તમનારાયણ છે, એમની આજ્ઞા પાળી, એમની સેવા –ચાકરી કરી, એમની પ્રસન્નતાના ભાજન બનો તો ધન્યતાનો પાર નહિ રહે. એ વાત જેને સત્ય માનશે એ બડભાગીને અમે અક્ષરધામમાં દિવ્ય સુખના અધિકારી બનાવીશું,પણ જે અમારો કે અમારા સંતનો દ્રોહ કરશે એ તો નિશ્ચે અધોગતિ પામશે. આ અવસર જે ચૂકી જશે એના પસ્તાવાનો પાર નહિ રહે. આ વાત સાંભળીને સૌ અંતરમાં એને સંઘરી રાખજો ને એમાં લેશમાત્ર પણ સંશય ન કરશો. વળી એક બીજી વાત પણ ધ્યાનમાં રાખવા યોગ્ય છે. કેવળ પુરુષ પ્રયત્નથી જ કલ્યાણ ક્યારેય સધાતું નથી. જયારે પરમેશ્વરની કૃપા થાય છે ત્યારે જ મોક્ષપ્રાપ્તિ થાય છે. માટે હું કાંઈ પાપ કરતો જ નથી એવો ગર્વ ક્યારેય ન કરવો. આ વાત સમજવા એક દ્રષ્ટાંત કહું છું તે સાંભળો. એ સાંભળીને તમારા મનની ભ્રાંતિ દૂર થશે. એક અવસરે એક રાજાએ પોતાના રાજ્યની સમસ્ત પ્રજાની એક જાહેર સ્થળે વિરાટ સભા ભરી. રાજ્યના મોટા કારભારીઓથી માંડીને સામાન્ય પ્રજાજન સહિત સર્વે રાજાની આજ્ઞા માનીને ત્યાં આવ્યા હતા. પછી સભામાં રાજાએ કહ્યું: ‘ આ સભામાં બેઠેલા સર્વેમાંથી જેણે પણ નાના મોટા ગુના કાર્ય હોય એ સહુ ઊભા થઇ પોતાના ગુનાઓની જાહેરમાં કબૂલાત કરી લેશે તો એને માફી બક્ષવામાં આવશે. પણ જે ગુનેગાર હોવા છતાં જાહેરમાં એની કબૂલાત કરી માફી નહિ માગે તો એને સખતમાં સખત શિક્ષા કરવામાં આવશે.’ રાજાએ આવી જાહેરાત ત્રણ વાર કરી. પ્રજાજનોમાંથી જેણે જેણે નાના મોટા ગુના કર્યા હતા એ બધાં જ સભામાં ઉભા થઇ માફી માગી, રાજાની આજ્ઞા લઈને ઘેર ગયા. પણ રાજાએ કહ્યું: ‘ કારભારીઓ! હું જાણું છું કે તમે બધાં ભ્રષ્ટાચારી છો, છતાં તમે કોઈ પોતાના ગુનાઓની કબૂલાત કરતા નથી. બીજા લોકો તો મારાથી ડરીને ગુનો કબૂલ કરી લે છે, પણ તમે સૌ તો અતિશય અભિમાની છો તેથી તમારા વાંકની વાત છાની રાખી તમે ગુના કર્યા જ કરો છો. તમે જ સખત શિક્ષાના અધિકારી છો.’ પછી રાજાએ એ સર્વના ગુનાની તપાસ કરાવી એમણે કડકમાં કડક શિક્ષા કરી.” આ પ્રસંગે ધ. ધૂ. આચાર્યશ્રી વિહારીલાલજી મહારાજે એમનાં ‘શ્રીહરિલીલામૃતમ્‌’ ગ્રંથના પ્રથમ ભાગમાં બહુ વિસ્તારથી વર્ણવ્યો છે. ઉપરોક્ત દ્રષ્ટાંતનો સાર કહેતાં શ્રીજીમહારાજ આગળ કહે છે: “સુણો તે વાતનો હવે સાર, જેને છે અભિમાન અપાર. તે તો જાણે છે તપ જપ કરી, ભવસાગર હું જઈશ તરી નથી કરતો હું પાપ લગારે, પ્રભુ શું કરશે મને ત્યારે. જેવું કરીએ તેવું જ પમાય, ત્યારે પ્રભુની ગરજથી શું થાય. એમ સમજે છે મૂઢ અજ્ઞાની, પ્રભુ ન ભજે અહં બ્રહ્મ માની. મારા આશ્રિત છો જન જેહ, તેવા કોઈ થશો નહિ તેહ.”૧(શ્રીહરિલીલામૃત, ભાગ-૧ . વિશ્રામ -૧૦ (શ્લોક ૪૬ થી ૪૮ પૃ. ૪૧૫.)) આ વાત સંતો તથા હરિભક્તો આગળ મહારાજે કરી તે વખતે પ્રેમાનંદ સ્વામી પણ સભામાં બેઠા હતા. એમણે શ્રીજીમહારાજની વાતનું તાત્પર્ય તત્કાળ ગ્રહણ કરીને નિષ્કપટ ભાવે અંતર્વૃત્તિ કરીને શ્રીજીમહારાજ પાસે માફી માગી. જાણ્યે-અજાણ્યે થયેલી ભૂલને પણ અંતર્યામી અને સર્વજ્ઞ મહારાજ જાણે જ છે તો તેમની પાસે શું છુપાવવું? આવા અંતરભાવને કાવ્યરૂપે નિરૂપી પ્રેમાનંદ સ્વામીએ એ જ વખતે સભામાં કીર્તન રચીને શ્રીહરિ પાસે ક્ષમાયાચના કરી. મેં તો ગુનેગાર તેરા રે, હો સ્વામીન્‌ મેરા; ટેક. હું ગુનેગાર તેરા કિરતાર, દે શરણ ચરન કેરા રે; મેં તો.’૨(ધ.ધૂ.શ્રી વિહારીલાલજી મહારાજ લખે છે: રચ્યું પદ પ્રેમાનંદે તે વૈરા, પ્રભુ મેં તો ગુનેગાર તેર.’ (શ્રીહરિલીલામૃતમ્‌, પૃ. ૪૧૫)) આ પદના અનુસંધાનમાં બીજા ત્રણ પદો છે, તેથી આ ચાર પદોની એક સરસ ચોસર બની છે. સંપ્રદાયમાં આ ચોસર ખૂબ જ મનનીય ગણાય છે અને મંદિરોમાં ગવાય છે.

વિવેચન

આસ્વાદ : રા‌ગ ભૈરવીમાં પ્રયોજાયેલું પ્રસ્તુત પદ પ્રેમસખી પ્રેમાનંદનું અતિ ભાવુક પદ છે.પ્રેમાનંદે ગુજરાતી ઉપરાંત હિન્દી અને વ્રજ ભાષામાં પણ સુંદર પદો રચ્યા છે. ખ્રિસ્તી ધર્મમાં જે મહત્વ જીવનમાં થતા નાના મોટા ગુનાઓની કબૂલાત – Confession નું છે, અને ચર્ચમાં confession box પાસે જઈ દિલના ગુનાહિત ભાવને હળવો કરવાની જે પ્રથા છે તેની પાછળ પણ પશ્ચાત્તાપ અને પ્રાયશ્ચિતનું જે તત્વજ્ઞાન શ્રીજીમહારાજે સભામાં સમજાવ્યું એ જ છુપાયેલું છે. પ્રેમસખી અહીં દીનભાવે પોતાના ગુનાહિત હ્રદયનો નિખાલસ એકરાર કરે છે. હે માલિક! હું તો તારો અપરાધી છું, એક અદનો અપરાધી. મને માફ કરી દે, મારા નાથ! અને વ્હાલા! તારા ચરણોમાં સદાય માટે મને શરણ આપ. પ્રભુ ! તું તો અધમ એવા પાપી જીવોનો ઉદ્ધારક છે- તારક છે. અરે! પાપી અને પતિતને પૂણ્યશાળી બનાવવાનું કામ તો તારું છે. જન્મ મરણના ફેર તારા અભય આશ્રયે જ ટળે એમ છે. હે ઘનશ્યામ! તારી આવી મહત્તા જોઇને જ મેં તારો આશરો લીધો છે. તારો આવો મહિમા સમજીને જ તારી પાસે આવ્યો છું. માટે, પ્રભુ! મારા ગુના માફ કરી મને તારા, શરણમાં રાખી મારી જીવનનૈયાને સંસાર સાગરની પાર ઉતારજે. પ્રેમાનંદ સ્વામીને તો ગુનો હોય જ ક્યાંથી? આ તો શ્રીજીની પ્રેરણાથી આપણા જેવા સામાન્ય સંસારી મુમુક્ષુ જીવોને પશ્ચાતાપ અને પ્રાયશ્ચિતની રીતિ અને નીતિનો મર્મ સમજાવવા કવિએ આ કાવ્ય રચ્યું છે. પ્રેમસભર ભક્તિ દ્વારા પ્રભુ સાથે તન્મયતા સાધી પ્રમાદ્વૈત કેળવી કવિ ભક્તિની સિદ્ધાવસ્થાની પરમ ચરમ દશા અનુભવતા હોવા છતાં, વૈરાગ્યમૂલક દાસ્યભાવ ભૂલતા નથી, એ એમની અનન્ય દીનતા સિદ્ધ કરે છે. આ કાવ્ય પ્રેમાનંદની ભાવ સમૃદ્ધિને કારણે, ભગવાન પ્રત્યેની એમની અનન્ય નિષ્ઠાને કારણે પ્રભાવક બન્યું છે. ભાવની સચ્ચાઈ ને સધનતા પદને કેવું માર્મિક રૂપ આપે છે તે અહીં જોઈ શકાય છે. કવિને પ્રાસ પણ સહજ સિદ્ધ છે. પ્રેમાનાન્દનું હિન્દી પરનું પ્રભુત્વ અહીં પદમાધુર્ય નિષ્પન્ન કરવામાં ઉપકારક નીવડ્યું છે. જપ એ ધ્યાનનો જ એક પ્રકાર છે અને ધ્યાનની અનુભૂતિની અભિવ્યક્તિ ક્યારેક નૃત્ય દ્વારા પણ થતી હોય છે; તેથી જ નર્તન-મસ્ત સંત કવિ મુક્તાનંદ ���્વામી ગાય છે : ‘ ભજો ભાવ શું અખંડ જપમાળા રે ....’

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
ભૈરવી
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
પ્રેમ આરાધના
Studio
Audio
1
0