સહજાનંદસ્વામી રે ન પ્રગટત આ સમે રે, પ્રાણી કોઈ પામત નહિ ભવપાર રે ૧/૪

સહજાનંદસ્વામી રે ન પ્રગટત આ સમે રે,
	પ્રાણી કોઈ પામત નહિ ભવપાર રે;
મતિયા ને પાખંડી રે શબ્દની જાળમાં રે,
	બાંધી બાંધી બોળત જીવ અપાર રે	...સહજાનંદ૦ ૧
કામી ક્રોધી લોભી રે ગુરુ થઈ બેસતા રે,
	જતિ સતી જડત નહિ જગમાંય રે;
જ્ઞાન ને વૈરાગ્ય રે ભક્તિ ઝૂરીને રે,
	મરી ઝરી જાત ન લાધત ક્યાંય રે	...સહજાનંદ૦ ૨
કાળિંગાની ફોજુ રે કરત અતિ જોરને રે,
	કરી ગુરુ પંડિતમાં પ્રવેશ રે;
માંસ ને મદિરા રે પરત્રિયા સંગથી રે,
	ધર્મનો રહેત નહિ લવલેશ રે		...સહજાનંદ૦ ૩
વધત વટાળ રે ઘણો આ સંસારમાં રે,
	વર્ણ અઢારે થઈ એકતાર રે;
સંત ને અસંતમાં રે, કોઈ સમજત નહિ રે,
	ભવજળ બૂડત સહુ સંસાર રે		...સહજાનંદ૦ ૪
નરકના પંથથી રે કોઈ ન નિવારતા રે,
	કોઈ ન કરત ભવસેતુ ઉદ્ધાર રે;
મુક્તાનંદ કહે છે રે તેનાં દુ:ખ ટાળિયાં રે,
	જાઉં એને વારણે વારમવાર રે		...સહજાનંદ૦ ૫
 

મૂળ પદ

સહજાનંદસ્વામી રે ન પ્રગટત આ સમે રે

મળતા રાગ

ગરબી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ઉત્પત્તિ

ઉત્પત્તિઃ- ઉપરોક્ત પ્રસ્તુત પદના ઈતિહાસ પ્રમાણે મુક્તાનંદસ્વામી માર્ગી પંથના મોહાંધ, પાખંડી અને પંચ “મ” કારનું સેવન કરનારા અસાધુનું વર્તન નજરોનજર જોઈને ગઢપુર શ્રીજી પાસે આવ્યા. ત્યારે શ્રીહરિએ ધ્રાંગધ્રામાં જે જે જોયું અને જે અનુભવ્યું તેની સવિસ્તાર વાત કરવા મુક્તાનંદસ્વામીને કહ્યું એટલે મુક્તાનંદસ્વામીએ વાતના રૂપમાં નવરચિત કીર્તનનાં ચાર પદ બનાવી આંખે દેખેલ અહેવાલને અદ્ભુત રીતે આલેખી સંત અને અસંતનું ખરું સ્વરૂપ તે જ સભામાં ગાઈને મૂર્તિમંત કરી દીધું. આપણા અષ્ટકવિઓ એટલા બધા શીઘ્ર શક્તિવાળા હતા કે જેઓ વાતવાતમાં મહારાજના શણગાર, શબ્દો, પ્રસંગો અને સ્વાનુભવોને અદ્ભુત શાસ્ત્રીય ઢબથી પીંગળના આધારે કીર્તન સ્વરૂપે રજૂ કરી દેતા. પ્રસ્તુત પદમાં પણ ધ્રાંગધ્રાના અનુભવનો પડઘો ઝીલાયો છે. મુક્તાનંદસ્વામીએ પ્રસ્તુત કીર્તનનાં અતિ સુંદર ચાર પદો રચ્યા છે. તે પૈકી પહેલા અને ત્રીજા પદનો આસ્વાદ માણીએ.

વિવેચન

ભાવાર્થઃ- સ્વામી કહે છે કે આ ઘોર કલિકાલમાં સહજાનંદ સ્વામી પ્રગટ ન થયા હોત તો કોઈ પણ જીવ ભવપાર થઈ શકત નહીં. સ્વાર્થી અને દાની ગુરુઓ કપટી શબ્દોની જાળમાં અનંત મુમુક્ષુ જીવાત્માઓને બાંધીને નર્કાગારમાં બુડાડી દેત. II૧II સ્ત્રીની વાસનાવાળા કામી, ભોગેચ્છાના ભડકાથી બળી રહેતા ક્રોધી અને શિષ્ય અને શિષ્યા તથા ધનના લાલચુ એવા લોભી પુરુષો બાહ્યાડાંબરે ગુરુ થઈને બેસી જાત. કોઈ પણ જગ્યાએ સાચા જોગી અને શુદ્ધ પતિવ્રતાનું અસ્તિત્વ જ ન રહેત. ઓક્સિજનના બાટલા ઉપર જીવી રહેલાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તો ઝૂરી-ઝૂરીને મરી જાત અને એનું કોઈ પણ ગ્રાહક જ ન થાત, જો સહજાનંદસ્વામી પ્રગટ ન થયા હોત તો. II૨II કાળઝાળ સમા મૂર્તિમંત અધર્મની ફોજનું જોર વધતું જાત. તે રોજ ધર્મગુરુઓ અને પંડિતોમાં પ્રવેશ કરી માંસ મદિરા અને પરસ્ત્રીના સંગે રાચતા કરી દેત. પૃથ્વી ઉપર ધર્મનો લેશ પણ રહત નહીં. અઢારે વર્ણ એક થઈ વટલવું અને વટલાવવામાં જ મોક્ષ માની બેસત. વળી સંત અને અસંતના ભેદ તો કોઈ સમજત જ નહીં, વળી જમપુરીનો માર્ગ સાંકડો થઈ જાત. એટલા માટે મુક્તાનંદસ્વામી કહે છે કે અધર્મસર્ગથી ઉદ્ધાર કરે તેમ કોઈ પણ ન હતું. એવા સમયે સર્વાવતારી સહજાનંદસ્વામી સ્વકૃપાએ જ પ્રગટ થઈ અનંત બદ્ધ જીવોને બંધનમુક્ત કરી આત્યંતિક મોક્ષનું પ્રદાન કર્યું. પતિતોને પાવન કર્યાં. સત્-અસત્ અને ઉત્તમ સત્માં પણ ત્રિવેધ ભેદ બતાવ્યા. એવા શ્રી સહજાનંદસ્વામીનાં વારણે હું વારે વારે જાઉં છું. II ૩ થી ૫ II

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
સમૂહગાન
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૪
Studio
Audio
0
1