સદ્‌ગુરુ સાચા રે સેવો શુદ્ધ ભાવશું રે ૩/૪

સદ્‌ગુરુ સાચા રે સેવો શુદ્ધ ભાવશું રે,
	જેથી ટળે મનના વિવિધ વિકાર રે;
જેને સંગે વાધે રે પ્રભુ સંગ પ્રીતડી રે,
	ટળી જાય જાત વર્ણ અહંકાર રે		...સદ્‌ગુરુ૦ ૧
વર્તમાન પાંચ રે પળાવે દૃઢ કરી રે,
	સંભળાવે હરિનાં ચરિત્ર પરમ ઉદાર રે;
એવા ગુરુદેવ રે ગોવિંદ સમ જાણજો રે,
	જેને સંગે પામીએ ભવજળ પાર રે	...સદ્‌ગુરુ૦ ૨
ગુરુ વિના જ્ઞાન રે ન પામે મનમુખી રે,
	કહે છે એમ મહામુનિ વેદ પુરાણ રે;
એવું તે વિચારી રે સદ્‌ગુરુ સેવજો રે,
	જેથી હરિ પામીએ પ્રગટ પ્રમાણ રે	...સદ્‌ગુરુ૦ ૩
ગુરુજીનાં વચન રે વિચારી ઉર ધારજો રે,
	ટાળો તમે મોહ મમતા અભિમાન રે;
મુક્તાનંદ કહે છે રે એવી રીતે વર્તતાં રે,
	તેને ઉર વાસ કરે ભગવાન રે		...સદ્‌ગુરુ૦ ૪
 

મૂળ પદ

સહજાનંદસ્વામી રે ન પ્રગટત આ સમે રે

મળતા રાગ

ગરબી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

વિવેચન

ભાવાર્થઃ- ઉપરોક્ત કીર્તનનાં આ ત્રીજા પદમાં મુક્તાનંદસ્વામી સાચા સદ્ગુરુની શુદ્ધતા અને તેની ભક્તિ બતાવે છે. સ્વામી કહે છે કે જે સદ્ગુરુના સેવા-સમાગમથી મનના વિકાર ટળી જાય એવા સદ્ગુરુને શુદ્ધ ભાવથી સેવવા, જેના સંગથી પ્રગટ પ્રભુમાં પ્રીત જાગે અને જાતિ તથા વર્ણનો અહંકાર ટળી જાય એવા સદ્ગુરુને તન મન ધનથી સેવવા. II૧II જે સદ્ગુરુ નિષ્કામ, નિર્લોભ, નિર્સ્વાદ, નિર્સ્નેહ અને નિર્માન એ પંચવર્તમાન આગ્રહપૂર્વક અણીશુદ્ધ પળાવે. વળી, ઉદાર નહીં પણ પરમ ઉદાર બની શ્રીહરિનાં ચરિત્રો અખંડ સંભળાવે એવા ગુરુદેવને ગોવિંદ સમાન જાણવા. કારણ કે એના સંગથી દોષાત્મકપીંડ બ્રહ્માંડનો ભવજળ પાર પામી શકાય છે. એટલું જ નહીં, પરંતુ પ્રત્યક્ષ ભગવાન સન્મુખ ઉછળતા સંશયાત્મક સમુદ્રને પણ સહેજે તરી શકાય છે. II૨II સંશયગ્રંથી, મમત્ત્વગ્રંથિ અને અહંગ્રંથિ ગુરુ જ્ઞાન આપીને ટાળે છે. શુદ્ધજ્ઞાન મનમુખી થવાથી થતું નથી. એમ મોટા મોટા ૠષિમુનિઓ અને વેદપુરાણ પણ કહે છે. માટે આ વાતને શુદ્ધ મનથી વિચારી શુદ્ધ સદ્ગુરુને સેવશો તો જ પ્રગટ શ્રીહરિને પામશો. II૩II હે મુમુક્ષુ જીવાત્માઓ! ગુરુજીનાં નાનાં-મોટાં તમામ વચનોને વિચારપૂર્વક ઉરમાં ધારજો, ગુરુજીએ આપેલ વિચારને સહારે મોહ-મમતા અને અભિમાનને ટાળવા. મુક્તાનંદસ્વામી કહે છે કે; “આ પદમાં જે ઉપાસના અને ધર્મ બતાવ્યો છે, તે પ્રમાણે વર્તશે તેના ઉરમાં ભગવાન શ્રીહરિ અખંડ વાસ કરીને રહેશે. એમાં લેશ પણ શંકાને સ્થાન નથી.” II૪II રહસ્યઃ- પ્રસ્તુત બંને પદોમાં ધ્રાંગધ્રાના સ્વાનુભવો સહજમાં વર્તાય છે. કવિ પોતાના સ્વેષ્ટદેવ એવા સહજાનંદસ્વામીના પ્રાકટ્ય વિના કોઈનો પણ ઉદ્ધાર નહીં થાય એવી સચોટતા શ્રદ્ધાપૂર્વક બતાવે છે. ઈષ્ટદેવના સામર્થ્યમાં કવિને ઊંડો ભરોસો છે. એટલે જ તેમના પ્રાકટ્ય વિના જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ઝૂરી-ઝૂરીને મરી જાત, એવું બતાવ્યું છે. વળી, ઈષ્ટદેવમાં જ ભરોસો છે એવું નથી. સાચા સદ્ગુરુમાં જ પૂર્ણ ભરોસો છે. એવું પદના એક એક શબ્દના પ્રેક્ષણથી નક્કી થાય છે. ગુરુ અને ગોવિંદનું એકાત્મપણું કેટલું સુંદર બતાવ્યુ છે. તાલ અને ગાયનની લયમાં સંગીતની પારંપરિક ભજન શૈલીની પૂર્ણ છાંટ વર્તાય છે. પદની સુગેયતા આકર્ષક અને લોકભોગ્ય છે. ચરણાંતે ‘ર’ નો ઉપાડ અદ્ભુત છે. પ્રસ્તુત કીર્તનના ચારેય પદો નિત્ય ગાવા જેવાં છે. અને સમજવા જેવાં છે. તાલ કહરવા છે અને લય દ્રુત છે.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૧
Studio
Audio
0
2
 
નમુનો
આખું
ડાઉનલોડ
જેમીશ વિઠ્ઠાણી

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494



Studio
Audio
0
0