જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રે લોલ ૩/૪


જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રે લોલ,
	આજ ધર્મવંશીને દ્વાર નરનારી		...જોઈએ૦ ટેક.
આવો પ્રગટ પ્રભુને પગે લાગવા રે લોલ,
	વહાલો તરત ઉતારે ભવપાર નરનારી	...જોઈએ૦ ૧
જન્મ મૃત્યુના ભય થકી છૂટવા રે લોલ,
	શરણે આવો મુમુક્ષુ જન નરનારી	...જોઈએ૦ ૨
શીદ જાઓ છો બીજે શિર કૂટવા રે લોલ,
	હ્યાં’તો તરત થાશો પાવન નરનારી	...જોઈએ૦ ૩
ભૂંડા શીદને ભટકો છો મતપંથમાં રે લોલ,
	આવો સત્સંગ મેલીને મોક્ષરૂપ નરનારી	...જોઈએ૦ ૪
આણો પ્રેમે પ્રતીતિ સાચા સંતમાં રે લોલ,
	થાશે મોક્ષ અતિશે અનુપ નરનારી	...જોઈએ૦ ૫
જુઓ આંખ ઉઘાડીને વિવેકની રે લોલ,
	શીદ કરો ગોળ ખોળ એક પાડ નરનારી	...જોઈએ૦ ૬
લીધી લાજ બીજા ગુરુ ભેખની રે લોલ,
	કામ ક્રોધે વજાડી છે રાડ નરનારી	...જોઈએ૦ ૭
એવા અજ્ઞાની ગુરુના વિશ્વાસથી રે લોલ,
	જાશો નરકે વગાડતાં ઢોલ નરનારી	...જોઈએ૦ ૮
વાલો તરત છોડાવે કાળપાશથી રે લોલ,
	પ્રેમાનંદ કે’ આપે છે હરિ કોલ નરનારી	...જોઈએ૦ ૯
 

મૂળ પદ

પ્રગટ હરિ મુજને મલ્‍યારે લોલ

મળતા રાગ

ગરબી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ઉત્પત્તિ

ઉત્પત્તિઃ- એક વખત શ્રીજી મહારાજ વડતાલના આંબાવાડિયામાં સભા કરીને બિરાજ્યા હતા. એવે સમે કોઈ વૈરાગીએ મહારાજને પૂછ્યું કે, “હે જીવનમુક્તા ! તમે કલ્યાણ વેંચાતું આપો છો. અને જેને તેને સમાધિ કરાવો છો, એવું અમે સાંભળ્યું છે. તે શું કલ્યાણ કાંઈ રસ્તામાં પડ્યું છે ? અગાઉ કેટલાય ઘોર તપશ્ચર્યા કરીને મરી ગયા તો પણ કોઈને મોક્ષ મળ્યો નથી. અને આજ તમે ભાજી-મૂળાની જેમ મોક્ષ આપો છો, તે શું સાચું છે ?” મહારાજે તેને ઉત્તર આપતાં કહ્યું કે, “ આજ પૃથ્વી પર પૂર્ણપુરુષોત્તમ નારાયણ પ્રગટ્યા છે. એના સંબંધે કરીને સૌનું કલ્યાણ કહેતા મોક્ષ થાય છે. વૈરાગી ! અમારાથી જ મોક્ષ થાય એમ નથી. અમારા આ સાધુ-સત્સંગીના સંબંધે પણ આજે મોક્ષ થાય છે.” એમ કહી વૈરાગીને સમાધિ કરાવી પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવ્યું. આ પ્રસંગે પ્રેમસખી પ્રેમાનંદ સ્વામી હાજર હતા. પ્રભુએ બતાવેલ પ્રૌઢ પ્રતાપના વિચારોમાં ને વિચારોમાં પ્રેમાનંદસ્વામી પોતાને આસને ગયા અને આંખે દેખેલા અહેવાલને આલેખવા લાગ્યા કે આજ પ્રગટ હરિ મુજને મળ્યા છે. એની કોઈ વાત કહ્યામાં આવે તેમ નથી. આમ પ્રગટ ભક્તિનું એક પદ, બે પદ એમ અનેક પદો રચ્યા તે પૈકી અહીં આપણે પસ્તુત એક પદનો આસ્વાદ માણીએ.

વિવેચન

ભાવાર્થઃ- જેમ કોઈ મોટો ધનાઢ્ય છૂટા હાથે ધન આપે, તેમ સ્વામી કહે છે કે આજે આ ધર્મવંશીને દ્વારે મોક્ષનું અભયદાન અપાઈ રહ્યું છે. માટે જેને જોઈએ તે મોક્ષ માગવા આવજો. જ્ઞાની-અજ્ઞાની, ઊંચ-નીચ સર્વને સાગમટે સ્વામી નોતરું આપે છે કે આવો આ પ્રગટ પ્રભુને પગે લાગવા. જો એક વાર પગે લાગશોને તો પણ આ મારો વ્હાલો ભવપાર ઉતારી દેશે. II૧II હે મુમુક્ષુઓ, જો જન્મ-મ્રુત્યુના ભય થકી છૂટવું હોય તો આ સહજાનંદને શરણે આવો. II૨II બીજે માથું કૂટવા જવાની જરૂર નથી. અહીં તો ઘડીના છઠ્ઠા ભાગમાં પાવન થઈ જાશો. મૂઢ જીવાત્માને પ્રગટ પ્રભુનો પ્રતાપ સમજાવતા-સમજાવતા સ્વામીની કલમ લાગણી વિવશ બની થોડી કડક બની ઘૂવડ જેવા જીવાત્માઓને સ્વામી કહે છે કે, હે ભૂંડાઓ ! આવો મોક્ષરૂપી સત્સંગ મેલીને મતપંથમાં શા માટે ભટકો છો ? II૩-૪II અંતરની આંખ ઉઘાડી આ સ્વામિનારાયણના સાચા સંતમાં પ્રતીતિ કહેતાં વિશ્વાસ લાવો. તો અતિ અનુપમ અને ઉત્તમ મોક્ષ થશે. વિવેકની આંખ ઉઘાડ્યા વિના ગોળ અને ખોળને એક ન કરી દો. સંતને અને અસંતને એક પંક્તિમાં ન બેસાડી દો. આ તો અષ્ટપ્રકારના સ્ત્રી-ધનના શ્રેષ્ઠ ત્યાગી સંતો છે. પ્રગટપ્રભુના પ્રતાપે કામાદિક રિપુઓને તો મારી, મચકોડીને જમીન દોસ્ત કરી દીધી છે. અરે, સ્વામિનારાયણે તો આ સંતોને સુવર્ણ ઉપર ઝાડે ફેરવ્યા છે. લાજું કાઢીને માયાનો તિરસ્કાર કરી તરછોડી મેલી છે. જ્યારે એ જ કામક્રોધાદિકે બીજા દંભી ગુરુઓ અને ભેખને તો રાનમાં રોળી નાખ્યાં છે. કેવળ વૈષ્ણવ વેશધારી શિષ્યાંગનાઓનો સ્વાદ ચાખનારા કામી અને અજ્ઞાની ગુરુના વિશ્વાસથી ધિત્તતાન, ધિત્તતાન એમ ઢોલ વગાડતાં-વગાડતાં નરકમાં જવું પડશે. માટે હે નરનારીઓ ! હું પોકારી પોકરીને કહું છું કે આ મારા સહજાનંદને શરણે આવો તો તે કાળપાશથી તરત જ છોડાવી દેશે. પ્રેમાનંદસ્વામી કહે છે કે આ મારો હરિવર સો ટકા ખાતરીવાળો કલ્યાણનો કોલ આપે છે. તો હવે આવા પ્રગટપ્રભુને મેલી મન માન્યા મતપંથમાં મોહાંધ બનનાર મૂર્ખ જ કહેવાય ને ? ભવ બૂડતા જેણે આપણી બાંય ઝાલી છે તેનાથી અધિક કોણ કહાવે ? માટે જ આ ધર્મવંશી ધર્મકુંવરને વારણે જાઉં છું II ૫ થી ૯ II રહસ્યઃ- પ્રસ્તુત પદમાં પ્રગટની પ્રાપ્તિનો પમરાટ પ્રસરે છે. કવિને પોતાના પ્રિયતમમાં પૂર્ણ ભરોસો છે. થોડા કઠોર શબ્દોથી પણ અજ્ઞાનીની આંખ ઉઘાડવા પ્રયત્ન કરે છે. પદ ઢાળ સુગેય છે અને લોકભોગ્ય છે. ઢોલમાં વગાડવામાં આવતી મધ્યલય હીંચનો ઢંગ પદમાં ઝીલાયો છે. એટલે જ કવિએ નહીં માનનાર અજ્ઞાનીઓને ઢોલ વગાડતાં નરકમાં જવાનું સૂચવ્યું છે.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૧
Studio
Audio
3
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
રઘુવીર કુંચલા

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

પરંપરાગત (સ્વરકાર)
શ્રી હરિ કીર્તનમાળા-૧
Studio
Audio
0
0