બોલ્યા શ્રી હરિ રે, સાંભળો નરનારી હરિજન૩/૪

પદ ૨૦૦૫ મું.૩/૪

બોલ્યા શ્રીહરિ રે, સાંભળો નરનારી હરિજન;

મારે એક વારતા રે, સહુને સંભળાવ્યાનું છે મન. બોલ્યા. ૧

મારી મૂરતિ રે, મારાં લોક ભોગ ને મુક્ત;

સરવે દિવ્ય છે રે, ત્યાં તો જોયાની છે જુક્ત. બોલ્યા. ૨

મારું ધામ છે રે, અક્ષર અમૃત જેનું નામ;

સરવે સામ્રથી રે, શક્તિ ગુણે કરી અભિરામ. બોલ્યા. ૩

અતિ તેજોમય રે, રવિશશિ કોટિક વારણે જાય;

શિતલ શાંત છે રે, તેજની ઉપમા નવ દેવાય. બોલ્યા. ૪

તેમાં હું રહું રે, દ્વિભુજ દિવ્ય સદા સાકાર;

દુર્લભ દેવને રે, મારો કોઇ ન પામે પાર. બોલ્યા. ૫

જીવ ઇશ્વર તણો રે, માયા કાળ પુરુષ પ્રધાન;

સહુને વશ કરું રે, સહુનો પ્રેરક હું ભગવાન. બોલ્યા. ૬

અગણિત વિશ્વની રે, ઉત્પતિ પાલન પ્રલય થાય **;

મારી મરજી વિના રે, કોઇથી તરણું નવ તોડાય. બોલ્યા. ૭

એમ મને જાણજો રે, મારા આશ્રિત સહુ નરનારી;

મેં તમ આગળ રે, વારતા સત્ય કહી છે મારી. બોલ્યા. ૮

હું તો તમ કારણે રે, આવ્યો ધામ થકી ધરી દેહ;

પ્રેમાનંદનો રે, વહાલો વરસ્યા અમૃત મેહ. બોલ્યા. ૯

** “ઉત્પતિ સ્થીતિ પ્રલ્લે થાય” પાઠાન્તર છે.

મૂળ પદ

આજ મારે ઓરડે રે, આવ્યા અવિનાશી અલબેલ;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

નોન સ્ટોપ કીર્તન વિગત

આજ મારે ઓરડે રે..... ૦૦-૦૦ સજની સાંભળો રે ....... ૦૬-૪૫ બોલ્યા શ્રી હરિ રે........ ૧૨-૩૭ વળી સૌ સાંભળો રે..... ૧૭-૫૯

ઉત્પત્તિ

ઉત્પત્તિઃ- પ્રસ્તુત કીર્તનની ઉત્પત્તિના ઈતિહાસમાં આપણે જાણ્યું તેમ હવે પછીના નિમ્નલિખિત બે પદો ખુદ શ્રીજી મહારાજે જ રચેલા છે. જેથી આ પદોની વાસ્તવિક્તા અને વિશેષતા વધુ મહત્વપૂર્ણ ગણાય છે. અષ્ટનંદ સંતો રચિત લાખો પદો જોવા મળે છે. પરંતુ ખુદ શ્રીજી મહારાજ રચિત આ બે પદો જ જોવા મળે છે. સંપ્રદાયમાં આ બે પદોને “પ્રસાદીના પદો” માનવામાં આવે છે. કારણ કે ગદ્યાત્મક શાસ્ત્રોમાં જેમ શિક્ષાપત્રી શ્રીજીનું હસ્તલિખિત શાસ્ત્ર ગણાય છે, તેમ પદ્યાત્મક શાસ્ત્રોમાં આ બે પદો શ્રીજીએ જ રચેલા છે. તેથી પ્રગટ ઉપાસી ભક્તોને મતે અતિ મહત્વનાં અને અતિ પ્રસાદીના ગણાય છે. તો કીર્તન ભક્તિના પ્યાસી ભક્તોને વિનંતી કે આ બે પદોને રોજ ગાવાં અને સાંભળવાં એટલે પરમકૃપાળુ પરમાત્મા પ્રસન્ન થશે. વળી, ધામ-ધામીની વાત અને વર્ણન તેમ જ શ્રીજીનો પરમ સિદ્ધાંત શ્રીજીએ પોતે જ આ પદોમાં આલેખ્યો છે. તો વાંચકો ! વધુ સ્થિર થઈ ધ્યાનપૂર્વક આ પદોના રહસ્યને જાણવું જરૂરી ગણાય. માટે આવો, એ શ્રીજીની પ્રસાદીના આસ્વાદનો અનુભવ કરીએ.

વિવેચન

ભાવાર્થઃ- સ્વયં શ્રીહરિ દરેક ભક્તજનને સાવધાન કરી પોતાની અતિ રહસ્યની, અગત્યની એક વાર્તા કરવામાં તત્પરતા બતાવે છે. II૧II મારી મૂર્તિ, મારું ધામ, એ ધામના ઉપયોગમાં આવતા સર્વભોગ અને ધામના સંગી સર્વ મુક્ત વિશુદ્ધ બ્રહ્મરૂપ અને મનુષ્યાકારે હોવા છતા દિવ્ય છે. પરંતુ સત્પુરુષ પાસેથી યુક્તિ શીખ્યા વિના તેને જોઈ કે અનુભવી શકાતા નથી. અદ્વિતીય આત્મસાક્ષાત્કારને પામેલા તત્વજ્ઞ ગુરુની દ્રષ્ટિ લીધા વિના ધામ-ધામી નયન ગોચર હોવા છતાં અગોચર અને અપ્રાપ્ય રહે છે. II૨II નિરાકાર એવું જે અક્ષરબ્રહ્મ તે મારું ધામ છે. અમૃતના વિશેષણથી અક્ષરના નામનો નિર્દેશ કરે છે. અમૃત દ્વિઅર્થી શબ્દ છે. અ + મૃત =’અમૃત’ એટલે કે જેનું મ્રુત્યુ નહીં કહેતા જેનો ક્ષય નથી. અર્થાત્ જે તત્વ ક્ષરભાવને પામતું નથી તેવા તત્વને પણ અમૃત કહેવાય છે. ‘न क्षरति इति अक्षर’ અક્ષર પોતે તો કદી ક્ષર ભાવને પામતું જ નથી. પરંતુ ક્ષર તત્વનો સંયોગ કરનાર સર્વપદાર્થ માત્ર અમર બની જાય છે. જેમ અમૃત કદી વિષથી પરાભવ પામતું નથી તેમ અક્ષરામૃતનું પાન કરનાર પામર પણ પંચવિષયોરૂપ વિષથી પરાભવને પામતો નથી. એટલે અહીં શ્રીહરિએ અક્ષરને અમૃતની ઉપમા આપી છે. વળી અક્ષર સર્વ, સામર્થી, દિવ્ય શક્તિ તથા દિવ્ય અને માનુષી કલ્યાણકારી ગુણેયુક્ત અને પુરુષોત્તમના આનંદેયુક્ત રહી એકકળાવચ્છિન્ને સર્વને પ્રત્યક્ષ કરનાર છે. મુક્તોને શુદ્ધ કરી ધામીનું મિલન કરાવનાર છે વળી, દિવ્યગુણોએ અતિ તેજોમય છે. જેના તેજની આગળ કોટિ સૂર્ય-ચંદ્રનું તેજ શા હિસાબમાં! અતિ તેજોમય હોવા છતાં મનુષ્યરૂપ અક્ષરનું ગુણમય તેજ શીતળ છે, શાંત છે. આનંદમય છે. અને મુક્તને ઉપાસના કરવા યોગ્ય છે . છતાં, તે અનુપમ છે. II૩-૪II “स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात्“ ‘ભગવત્ સ્વરૂપના બળનો લેશમાત્ર હોય તો પણ મોટા ભય થકી રક્ષાને કરે છે.’ એવા મનુષ્યરૂપ અક્ષરમાં હું દિવ્ય છતાં દ્વિભુજપણે સદા સાકાર સ્વરૂપે વિચરું છું તો પણ દેવોને દુર્લભ છું, કારણ પરમ ગુરુના પરમાશ્રય વિના મારા મહિમાના પારને કોઈ પામી શક્તું નથી કારણ કે એ સ્વતઃ સિદ્ધ છે. નિર્ગુણ છે. ચોવીસ તત્વાત્મક બ્રહ્માંડને પણ ચૈતન્ય કરી સર્વ ક્રિયા કરવાનું સામર્થ્ય આપનાર છે. અન્વયપણે વર્તી જડને ચૈતન્ય અને ચૈતન્યને જડ કરવામાં શક્તિમાન છે. છતા પ્રકૃતિ પુરુષથી પર છે. “निरंजन: परमं साम्यमुपैति” માયાનાં અંજનથી કહેતા માયાના આવરણ રહિત છે. વળી, ઉપાસક પરમાત્માની ઉપાસના કરવાથી પરમ સામ્ય અર્થાત્ તુલ્યભાવને પામે છે. એ બ્રહ્મમુક્તોની સભામાં સ્વતંત્ર છે. જ્યારે પુરુષોત્તમની આગળ પરતંત્રપણે વર્તે છે. વળી, મુણ્ડક ઉપનિષદમાં કહ્યું છે કે “ तपसा चीयते ब्रह्म” બ્રહ્મ પોતે પોતાના અસાધારણ વિજ્ઞાનથી સૃષ્ટિ કરવામાં ઉન્મુખ થાય છે. અર્થાત્ ‘ सः ऐक्षत ‘ એમ બ્રહ્મનું માયા સામું ઈક્ષણ થવાથી સર્ગ થાય છે. ભક્તો આવું મારું પારલૌલિક પરમ શ્રેષ્ઠ ધામ તેમા હું સદાય રહું છું, તે ધામની દ્રષ્ટિથી જ મને પામી શકાય છે. II૫II હવે શ્રીહરિ પોતે, પોતાની શક્તિનું વર્ણન કરતાં કહે છે કે જીવ, ઈશ્વર, માયા, કાળ પ્રધાન પુરુષ અને અક્ષર સહિત હું સર્વનો નિયંતા છું. સહુને મારા પરવશપણામાં રાખું છું. વળી, એ સહુનો પ્રેરક એવો હું સર્વોપરી ભગવાન છું. મારી ઈચ્છાથી અનંત બ્રહ્માંડોની ઉત્પત્તિ, પાલન અને લય થાય છે. મારી મરજી ન હોય તો કોઈથી સૂકું તરણું પણ તોડી શકાતું નથી. સમસ્ત ચેતન-અચેતન શરીરનો હું શરીરી છું. જ્ઞાન, શક્તિ, બળ ઐશ્વર્ય, વીર્ય, અને તેજ એ આદિક અનેક કલ્યાણકારી શક્તિઓથી હું સભર છું. માટે હે મમ્‍ આશ્રિત ભક્તજનો ! આવી રીતે મને સર્વ અવતારનો અવતારી સર્વોપરી ભગવાન સમજજો. અતિ કરુણા કરી, મેં મારી અને મારા સ્વરૂપની સત્ય વાર્તા તમારી આગળ કહી છે. તેને ભક્તબુદ્ધિથી સમજજો. મેં તો કેવળ તમારા માટે જ મારા ધામ થકી દેહ ધર્યો છે. ભક્તો ! હું ક્રિયાસાધ્ય નથી. કૃપાસાધ્ય છું. આ પદમાં સ્વયં શ્રીહરિએ જ ધામધામીનું સ્વરૂપ પ્રકાશ્યું જાણી પ્રેમાનંદસ્વામી કહે છે કે આજ તો મારો વ્હાલો અમ્રુતના મેહરૂપ વરસ્યા તે વરસ્યા જ છે. અઢળક ઢળ્યા છે.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૨
Studio
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
સમૂહગાન

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી

કીર્તનધારા-મારા ઘનશ્યામ
Studio
Audio
0
0