માણકીએ ચડયા રે મોહન વનમાળી, શોભે રૂડી કરમાં લગામ રૂપાળી ૧/૪

માણકીએ ચડયા રે મોહન વનમાળી, શોભે રૂડી કરમાં લગામ રૂપાળી-ટેક.
માણીગર સૌને કહે છે થાઓ ત્યાર, મુનિ વરણી પદાતિ ને અસવાર;
			વ્રતપુરી જાવા કર્યો નિરધાર...માણકીએ૦ ૧
કેસર બેરી બોદલી ને ફૂલમાળ, તાજણ તીખી વાંગળીનો ઘણો તાળ;
			શોભે ઘણા વાલા લાગે છે મરાળ...માણકીએ૦ ૨
પ્રેમી ભક્ત વિનંતિ કરે દોડી દોડી, લોહચુંબક તુલ્ય વૃત્તિ મૂરતિમાં જોડી;
			નથી જાતી દરબારમાંથી ઘોડી...માણકીએ૦ ૩
આજ્ઞા આપો અમે જઈએ વ્રતપુરી, જાઓ પ્રભુ રામનવમી નથી દૂરી;
			સેવક દાસ પ્રેમાનંદ હજૂરી...માણકીએ૦ ૪
 

મૂળ પદ

માણકીએ ચડયા રે મોહન વનમાળી, શોભે રૂડી કરમાં લગામ રૂપાળી

મળતા રાગ

માઢ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ઉત્પત્તિ

સં. ૧૮૭૪માં ધરમપુરનાં રાજમાતા કુશળકુંવરબાના આગ્રહભર્યા આમંત્રણને લીધે શ્રીજીમહારાજ સંત- હરિભક્તો સહિત ધરમપુર પધાર્યા હતા. ત્યાંથી પાછા વળતાં મહારાજ વડતાલ રોકાયા . વડતાલના જોબન પગી અને તેમના ભાઈઓની ધરમપુરની યાત્રા દરમ્યાનની અખંડ સેવા જોઇને મહારાજ ખૂબ પ્રસન્ન થયા હતા. મહારાજે વડતાલ રોકીને જોબનપગીની ઉપર ખૂબ પ્રસન્નતા જણાવી કાંઈક વાર માગવાનું કહ્યું. જોબન પગી કહે ‘મહારાજ! આપે કહ્યું તેથી માગું છું કે આપ ફૂલડોલનો રંગોત્સવ વડતાલમાં કરો તો અમને સૌને આપની તથા સંત-હરિભક્તોની સેવાનો વિશેષ લાભ મળે.’ મહારાજ પગીના ભાવને જોઈ ખોબ રાજી થયા. એમને થયું આ અબૂધ દેખાતા માણસમાં પણ કેટલી બધી સમજણ છે, ને અમારી સેવાનું તે કેટલું બધું માહાત્મ્ય જાણે છે ! મહારાજે કહ્યું ‘પગી ! તમારી એવી જ ઈચ્છા છે તો ભલે ફૂલડોલનો ઉત્સવ અહીં કરીશું .’ જોબન પગી તથા એમનો સમગ્ર પરિવાર મહારાજના આ શબ્દોથી રાજી રાજી થઈ ગયો. ફૂલડોલના ઉત્સવ પ્રસંગે વહેલા આવવાનું વચન દઈને મહારાજ ગઢડા પધાર્યા. મહારાજનાં દર્શન થતાં ગઢપુરના ભક્તોના જીવમાં જીવ આવ્યો. મહારાજ ધરમપુર જવા નીકળ્યા ત્યારથી મહારાજના વિયોગમાં વિરહાકુળ બનેલા પ્રેમી ભક્તોનાં હૈયા ત્યારથી મહારાજના વિયોગમાં વિરહાકુળ બનેલા પ્રેમી ભક્તોનાં હૈયા શ્રીજીના દર્શનથી ટાઢાં થયા. દાદા ખાચરે મહારાજને કહ્યું: ‘ મહારાજ ! લાડુબા –જીવુબાની બહુ તાણ છે કે મહારાજ ઘણા મહીને પાછા ગઢપુર પધાર્યા છે તો અહીં જ ફૂલડોલોત્સવ કરો ને ! મહારાજ કહે : “ દાદા ! અમે જોબન પગીને વચન આપીને આવ્યા છીએ એટલે હવે આ વખતે તો વડતાલ ઉત્સવ કરવાનું ધાર્યું છે.” ગઢપુરમાં મહારાજ પંદર દિવસ રહ્યા ત્યાં તો ફૂલડોલનાં ઉત્સવ માટે વડતાલ જવાનો સમય થઈ ગયો. જે કાઠી- દરબારો મહારાજ સાથે જવાના હતા તે બધા આવી ગયા. જીવ ખાચર અને તેમના દીકરા મૂળુ ખાચર પણ આવી ગયા. દાદાના દરબારમાં બધાં સભાભરીને બેસી ગયા હતા. નાજા જોગીયાએ મહારાજની માણકી તૈયાર રાખી હતી. એટલામાં મહારાજ પધાર્યા . ઢોલિયા ઉપર બિરાજ્યા. મહારાજે વાત કરતાં કહ્યું: “ આવા સામૈયા ઉત્સવમાં , સંતો, હરિભક્તો આવે, તેમનાં સૌનાં દર્શન થાય, એકબીજા સાથે ભળી જવાય અને સમાસ બહુ થાય. ખોટી ટેવો પણ છૂટી જય. મન ઘસાય, ખોટા સ્વભાવ ટળે . આ બધું અન્ય સાધનો કરતાં કોઈ દિવસ ટળે નહિ. આવા દિવ્ય સત્સંગનું આ ફળ છે. તેમાં જયારે સમજણવાળા સંત મળે ત્યારે અમારા સ્વરૂપની સાચી ઓળખાણ થાય, અમે દૂર છીએ એવું ક્યારેય મનાય નહિ. સદા સમીપમાં જ છીએ એવું જ્ઞાન થાય. એવા જ્ઞાનથી સ્થિતિવાળા ભક્તની અંતર્દ્રષ્ટિ ઊઘડે છે અને ભગવાન પોતાના ધામ સહિત સદા તેની સમીપમાં જ છે એવો નિશ્ચય થાય છે.” એટલી વાત ���રીને મહારાજ ઊઠયા . મહારાજે લાધા ઠક્કરને બોલાવ્યા. તેમણે કહ્યું: “ રામદાસ સ્વામી ચરોતરમાં છે . તેમને કાગળ લખજો કે ફૂલડોલના ઉત્સવમાં પાંચ દિવસ વહેલા અમે વડતાલ પહોંચી જઈશું માટે વીસ–પચીસ ગાડાં ભરીને કેસૂડાનાં ફૂલ મંગાવજો .” એટલું કહીને ફરી પૂછ્યું “બધે કંકોત્રીઓ લખી છે ને? કોઈ રહી ન જાય . આ વખતે ભારે રગોત્સવ કરવો છે !’ તે પ્રમાણે લાધા ઠક્કરને સૂચના આપી પોતે માણકી ઉપર બિરાજ્યા . કાઠી ભક્તો પણ પોતપોતાના અશ્વો ઉપર બેસી ગયા. સૌ રાહ જોઈ રહ્યા હતા, માણકી ઊપડે એટલે પાછળ નીકળીએ . મહારાજે લગામ પકડી સૌને ‘જય સ્વામિનારાયણ’ કહ્યા . ચોક્ડું ખેંચ્યું, માણકીના પેટે પેંગડું‌ અડાડ્યું . પરંતુ માણકી સ્થિર થઈ ગઈ હતી. મહારાજને થયું કેમ માણકી આજે ડગ ભરતી નથી? રોજ તો ઈશારામાં સમજી જાય છે અને આજે એને શું થયું? કેમ હઠ પકડી ? મહારાજે ફરી ચોક્ડું ખેંચ્યું. જોરથી ઊતરી માણકી પાસે આવ્યા. એની પીઠ થાબડી છતાં માણકી અચલ રહી. સૌ જોઈ રહ્યા. મહારાજની આજ્ઞામાં સદા વર્તનારી, મહારાજની મરજીને જાણનારી માણકી આજે આ શું થયું? નાજા જોગીયાએ હાથમાં લગામ પકડી આગળ જઈ માણકી દોરવાનો પ્રયત્ન કર્યો પણ માણકી તો સ્થિર જ રહી . જાણે તેના ડાબલા ધરતીમાં ચોંટી ન ગયા હોય ! મહારાજ વિચારમાં પડી ગયા. કોઈકે કહ્યું: ‘જરા પાછળ સોટી ધીરેથી અડાડો’ મહારાજે તરત જ કહ્યું: “ના ના , જોજો એવું કરતા. આ તો મુક્ત છે, એને સોટી ન અડાડાય.” પણ થોડીવાર શાંત રહી મહારાજ બોલ્યા: “ એ કેમ અહીંથી હઠતી નથી એનું કારણ હવે અમે સમજ્યા. “ પછી મર્મમાં સ્વગત બોલ્યા: “ અમારા કરતાં તેને સંદેશો વહેલો મળી ગયો લાગે છે.” એમ કહીને મહારાજ નીચે ઊતર્યા . મહારાજ સીધા લાડુબા-જીવુબા પાસે ગયા. બધી ભાઈઓ આથમણા બારના ઓરડાની ઓસરીમાં ઊભી હતી. મહારાજ ત્યાં પહોંચી ગયા. મહારાજે સર્વેને પ્રણામ કરી કહ્યું: “ લાડુબા ! હવે અમને રજા આપો. તમારી મરજી આ માણકી જાણી ગઈ છે, એટલે એ અમને દરબારમાંથી લઈ જતી નથી. અમે વડતાલ જઈએ છીએ . ત્યાં મોટો રંગોત્સવ કરવો છે, હજારો હરિભક્તો આવશે, સૌને બ્રહ્માનંદ કરાવવો છે. તમને અહીં બેઠા સુખ આવશે. માટે અમને આજ્ઞા આપો. તમે આ માણકીને વૃતિથી બાંધી લીધી છે તેથી એ ડગ માંડતી નથી. તમે રજા આપો તો એ હઠ છોડી અમને વડતાલ લઈ જાય.” એમ કહી મહારાજ ઓસરીથી નીચે ઊતર્યા ને બોલ્યા: “લ્યો , ત્યારે હવે રાજી થઈને રજા આપો, જય સ્વામિનારાયણ!” લાડુબા – જીવુબા તથા બધી બાઈઓ મહારાજના શબ્દો સાંભળી હસવા લાગ્યાં. જીવુબાએ મહારાજને કહ્યું: ‘ મહારાજ! પધારો , પણ પાછા વહેલા ગઢપુર આવી જજો. રામનવમી પણ હવે દૂર નથી આપનો જન્મોત્સવ અમારે અહીં ઉજવવાનો છે .’ મહારાજ ફરી માણકી ઉપર ચડ્યા ને પેગડું અડતા જ માણકીએ ડગ માંડ્યાં. આ વખતે પ્રેમાનંદ સ્વામી પણ ત્યાં જ ઊભા હતા. આ પ્રસંગના પ્રત્યક્ષ સાક્ષી એવા સ્વામીએ તરત જ પ્રભુની આ લીલાનું સંકીર્તન રચીને સર્વનિ હાજરીમાં ગાવા માંડ્યું: ‘માણકીએ ચડ્યા રે મોહન વનમાળી .....’ મહારાજ અને સંત-હરિભક્તો વડતાલ તરફ જવા રવાના થયા. ઉત્પતિ ૨ ઉત્પત્તિઃ- એક વખત માણાવદરના મયારામ ભટ્ટ શ્રીજીનાં દર્શને ગઢપુર આવ્યા. શ્રીહરિએ કહ્યું કે, ‘ભટ્ટજી! હું તમારી જ રાહ જોતો હતો. અમારે વડતાલ રામનવમીનો સમૈયો કરવા જવું છે. તો મુહૂર્ત જોઈ આપો.’ તુરત જ ભટ્ટજીએ કાન ઉપર કલમ મૂકી ખડિયામાંથી ટીપણું કાઢ્યું. બે-ચાર પાના ઉથલાવી આમ-તેમ આંગળાઓના વેઢા ગણીને કહ્યું કે, ‘કૃપાનાથ ! ઉત્તમમાં ઉત્તમ મુહૂર્ત તો કાલ સવારના છ વાગ્યાનું જ છે.’ ‘ભલે તો કાલ સવારમાં જ નીકળીશું, પણ તમે તો સાથે આવશો ને?’ શ્રીહરિએ કહ્યું, ‘હા પ્રભુ આપ હો ત્યાં આ દાસ તો હોય જ ને ! પણ મહારાજ દરબારગઢમાંથી રજા તો લીધી છે ને?’ ટીપણું ખડિયામાં નાખતાં-નાખતાં ભટ્ટજીએ કહ્યું.’ભટ્ટ્જી ! અમારે જ જવાનું છે. એમાં તે વળી કોની રજા લેવી ? અનંતધામના અધિપતિને કોઈના આદેશની જરૂર પડે ખરી ?’ મહારાજે કહ્યું. ‘હા પ્રભુ ! આપ તો સર્વજ્ઞ અને સર્વાધાર છો. માટે કરો તૈયારી.” આમ, ખભે ખડિયો ભેરાવતાં ભટ્ટજીએ મર્મમાં કહ્યું. પછી શ્રીહરિએ સાથે આવનાર સંતો ભક્તોને કહ્યું કે અત્યારે જ બધી તૈયારી કરી લો. સવારે વહેલું નીકળવું છે. કાલે જ વહાલો વડતાલ પધારવાના છે. એવી જાણ દરબારગઢમાં કોઈને નથી. પરંતુ તે રાત્રે મોટીબાને સ્વપનાવસ્થામાં એવું દેખાયું કે મહારાજ માણકી ઉપર સવાર થઈ સંતો-ભક્તો સાથે તાબડતોડ વડતાલ તરફ જઈ રહ્યાં છે. આ જોઈ મોટીબા પથારીમાંથી સફાળાં જાગી ગયાં. ને અક્ષર ઓરડી તરફ જ્યાં જુએ છે ત્યાં તો સાચે જ શ્રીહરિ અને સંતો વડતાલ જવાની તૈયારી કરી રહ્યાં હતા. એટલે તેઓ જલ્દી પહોંચ્યાં દાદા ખાચર પાસે અને કહ્યું, ‘ અહીં બેઠાં-બેઠાં શું ટોકરી ખખડાવી રહ્યાં છો ? પૂજા મૂકો પડતી અને પ્રભુ વડતાલ પધારે છે તેને પાછા વાળો.’ આ સાંભળી દાદાખાચર દોડાતાં પ્રભુ પાસે આવ્યા અને કહ્યું કે, ‘દયાળુ ! આમ એકાએક શાની તૈયારી માંડી છે? પ્રભુ ! અમને જાણ પણ ન કરી ! એવો અમારો ક્યો ગુનો છે ? તે આપ એભલ પરિવારને છોડી જતા રહો છો? ‘બા’ એ કહેવડાવ્યું છે કે જેમ કહો તેમ કરશું પણ આપ રોકાઈ જાઓ. આપના કામમાં આડે આવવું એ ઠીક તો નહીં પણ પછી….’ આટલું બોલતાં-બોલતાં ગળે ડૂમો ભરાઈ ગયો. છતાં પ્રભુએ કાંઈ ન સાંભળ્યું હોય તેમ કહ્યું કે ‘દાદા! અમે તો જશું જ.’ આ સાંભળી દાદાખાચર નિરાશવદને પાછા ફર્યા. આ બાજુ જીવુબા, લાડુબા, પાંચુબા આદિક બહેનો એક ઓરડામાં બેસી અલબેલાને આરાધવા લાગ્યા. ત્યાં દાદાએ આવીને કહ્યું કે.’મહારાજ તો જાય છે. રોકવાની ના કહી છે.’ ‘ઠીક તો હવે જોઉ છું કે પ્રેમભીનો પાતળિયો કેમ જઈ શકે? ‘એમ કહી જીવુબાએ સમાધી લગાવી માણકીની વૃત્તિ ખેંચી લીધી. તો આ તરફ મહારાજ માણકી ઉપર અસવાર થઈ ચાલ્યા. પણ દરબારગઢની ડેલીએથી માણકી પાછી ફરી. કેમેય કરી માણકી આગળ ચાલતી નથી. પાર્ષદો ધક્કા મારે અને પ્રહાર કરે છે. છતાં માણકી કોઈને દાદ દેતી નથી. ‘ભગુજી! મારી પેલી સોટી લાવો. આજ માણકી ઉદ્ધત બની લાગે છે. અબઘડી ખબર પાડી દઉં કે અમારી મરજી લોપવાનું શું ફળ મળે?’ ક્રોધાયમાન ચહેરે મહારાજે કહ્યું. ભગુજીએ સોટી આપી. માણકીના બરડામાં પ્રભુએ જોરથી મારી. પણ પરિસ્થિતિ તેની તે જ રહી. માણકી, મહારાજ અને પાર્ષદો પરસેવે રેબઝેબ થઈ ગયા. પણ માણકી કોઈપણ ભોગે ગઢની ડેલી બહાર ન ગઈ. અંતર્યામીએ કહ્યું કે ‘આજે માણકીની વૃત્તિ કોઈએ ખેંચી લીધી લાગે છે. માટે ભગુજી સરક છોડી દો. માણકીને જ્યાં જવું હોય ત્યાં જવા દો.’ સરક ઢીલી મૂકી કે તરત જ માણકી જે ઓરડામાં પાંચેય ભાંડરડાં બેઠાં હતાં તે ઓરડાની ઓસરીની કોરે જઈ ઊભી રહી. પ્રભુએ કાન માંડ્યો તો અંદરથી આર્તનાદનો અવાજ આવી રહ્યો છે. પ્રભુ નીચે ઉતર્યા. માણકીની કેશવાળી ઝાલી ગળગળા અવાજે શ્રીહરિ બોલ્યા કે, ‘જીવુબા ! તમે આજ્ઞા આપો તો અમે વડતાલ જઈએ.’ આહાહાહા…અનંત ધામનો ધણી ભક્તાધીન બની આજે ભક્ત પાસે આજ્ઞા માગી રહ્યા છે. કેવું હશે એ દ્રશ્ય ! એ પ્રસંગને તાદ્રશ કરતું આ કીર્તન પ્રેમાનંદસ્વામીએ તે જ વખતે બનાવ્યું છે. પ્રભુ પહેલા પદની છેલ્લી કડીમાં નિશ્ચયાત્મક સહી કરે છે કે આ પ્રસંગ બન્યો ત્યારે હું હાજર જ હતો. કોઈ કલ્પેલી વાત નથી. આ તો નજરોનજર જોયેલી જ વાત કહું છું તો આવો ! માણીએ અનંતના આધારને પણ આધીન કરનાર જીવુબાની જીવોર્મિઓને.

વિવેચન

આસ્વાદ: પ્રેમસખી પ્રેમાનંદ અદ્વિતીય સંગીત-કવિ છે. એ નરસિંહ અને મીરાંની પ્રકૃતિના પ્રેમી ભક્ત-કવિ છે. દયારામ જેવા માધુર્યના કવિ છે. સાહિત્યની પરિભાષામાં કહીએ તો એ ઊંચી કોટીના ઊર્મિ કવિ છે. એમનામાં રહેલો અનન્ય ભક્ત જ પ્રભુકૃપાએ સંગીત – કવિ બન્યો છે, આથી એમની ભક્તિ જ એમનાં પદો દ્વારા સંગીતમય અભિવ્યક્તિ પામી છે . ગઢપુરથી શ્રી સહજાનંદ સ્વામીનું વડતાલ પ્રતિ પ્રસ્થાન એ પ્રસ્તુત કૃતિનું વર્ણ્યવસ્તુ છે. એક સામાન્ય પ્રસંગના સરળ કાવ્યાત્મક નિરૂપણ પાછળ કવિનો આશય કંઇક જુદું જ કહેવાનો છે. અહીં માણકી ઘોડીના ઉલ્લેખથી જ કૃતિનો પ્રારંભ થાય છે અને એ જ પદની પાસાદાર ધ્રુવપંક્તિ બની રહે છે. ‘માણકી’ ભગવાન સ્વામિનારાયણની ‘ પ્રિયતમાદપિ‌ પ્રિયતર ‘ ઘોડી હતી, મહારાજ એની પર જ સવારી કરતા. માણકી પણ પુરેપૂરી મહારાજ્મય બની ગઈ હતી! મહારાજ પણ ઘણીવાર કહેતા કે “આને ઘોડી ના સમજશો, આ તો મહામુક્ત છે,” મહારાજની આજ્ઞાનો પડ્યો બોલ ઝીલવા હંમેશા આતુર રહેતી માણકી એક દિવસ મહારાજની આજ્ઞાની અવજ્ઞા કરે છે અને એ અવજ્ઞા કરવા પાછળનું કારણ જ કાવ્યનો ભેદ છે ! કાવ્યપ્રસંગના અનુસંધાનમાં જોઈએ તો ફૂલડોલોત્સવ ઉજવવા માટે વડતાલ જઈ રહેલા શ્રી સહજાનંદ સ્વામી માણકીએ ચડીને લગામ પકડીને પ્રસ્થાન માટે બિલકુલ તૈયાર છે. મહારાજે સૌને પ્રસ્થાન માટે તૈયાર થવા આદેશ આપ્યો છે અને મહારાજના આદેશ અનુસાર ‘ મુનિ વર્ણી પદાતી ને અસવાર’ સૌ તૈયાર થયા છે . વાહન તરીકે ઘોડીઓ છે. કવિ માણકી ઉપરાંત ઘોડીઓના નામ આ પ્રમાણે આપે છે: ‘કેસર બેરી બોદલી ને ફૂલમાળ , તાજણ તીખી વાંગળી નો ઘણો તાલ.’ આમ દાદા ખાચરના દરબારમાં સૌ સજ્જ થઈને ચાલવાની તૈયારી કરે છે ત્યાં, ‘પ્રેમી ભક્ત વિનંતી કરે દોડી દોડી , લોહચમક વૃત્તિ મૂરતિમાં જોડી ,’ રાધા અને લક્ષ્મી જેવા પરમ એકાંતિક અને અનાદિ મુક્તની સ્થિતિવાન ગણતા , દાદા ખાચરનાં બહેનો જીવુબા અને લાડુબા નહોતાં ઇચ્છતાં કે મહારાજ એમને મૂકીને વડતાલ જાય. એથી એમણે પોતાની વૃતિ મહારાજની મૂર્તિમાં જોડી દીધેલી. પરમાત્મા તો પ્રેમવશ હોય છે. ‘ પ્રેમીજનને પાતળિયો વશ.’ ટાગોરે કહ્યું છે તેમ For love is most free and at the same time most bound . પ્રેમમાં સદંતર મુક્તિ છે અને એ સદંતર મુક્તિમાં જ એક પ્રકારનું સ્વૈચ્છિક બંધન છે! ભક્ત- વત્સલ ભગવાન ભક્તાધીન થઈને આ સ્વૈચ્છિક બંધન ક્યારેક સ્વીકારે છે. ભગવાન સ્વામિનારાયણે‌ પણ ભક્તાધિન થઈને આ સ્વૈચ્છિક બંધન આજે સ્વીકાર્યું છે. પ્રેમીભક્તોએ મહારાજની મૂર્તિમાં વૃતિ જોડી તેથી મહારાજમય બનેલી માણકી ઘોડીની ચિત્તવૃત્તિ પણ ખેંચાઈ અને મહારાજની આજ્ઞા થવા છતાં તે આગળ ચાલી ન શકી. ત્યારે પ્રેમવશ પ્રભુએ ભક્તોને કહ્યું: ‘આજ્ઞા આપો અમે જઈએ વ્રતપુરી ‘ પરમાત્માને પણ પ્રેમી –ભક્તોની આજ્ઞા માગવી પડે છે , એ જ બાબત બતાવી આપે છે કે ભગવાન ભક્તોના પ્રેમથી બંધાયેલા- ભક્તાધીન છે . મહારાજની મરજી જોઈ એટલે હરિનવમી પહેલાં ‘ વહેલા વળજો ગઢપુર ‘ એમ કહી ભક્તોએ ‘જાઓ પ્રભુ હરિ નવમી નથી દૂરી ‘ કહી વિદાય આપી. આ પ્રસંગે પ્રેમાનંદ સ્વામી આ બનાવના પ્રત્યક્ષ સાક્ષીરૂપ હજૂરી હતા. પદ સુગેય છે અને સંપ્રદાયમાં અતિ પ્રચલિત છે . વિવેચન ૨ ભાવાર્થઃ- મોહનવર માણકી ઉપર અસવાર થયા છે. હાથમાં રૂડી રેશમી લગામ શોભે છે. સહજાનંદજીએ સોળે શણગાર સજ્યા છે. IIટેકII રસિકવર સાધુ, બ્રહ્માચારી અને કાઠી ભક્તોને તૈયાર થાવા કહે છે. કારણ વૃતપુરી જાવાનો ચોક્કસ નિર્ધાર કર્યો છે II૧II ઘોડીઓમાં ઘણી પ્રકારની જાત અને ઘણાં પ્રકરનાં નામો હોય છે. તેમાં ઉત્તમ જાતિ બાજ, તુલાન અને તુષાર. મધ્યમ જાતિ ગોગય, કેકાન અને પટ્ટહરી, અને કનિષ્ટ જાતિ સિંધુપાર, સાંવરા અને ગોહર, આમાંથી ઉત્તમ જાતિનાં કેસર, બેરી, બોદલી, તાજણ અને વાંગણી- એવાં નામો ઘોડીઓના હોય છે. સ્વામીએ આ પદમાં કાઠીભક્તો પાસે આવી ઉત્તમ ઓલાદની ઘોડીઓ અને ઘોડાઓ છે એવું દર્શાવ્યું છે. વળી, ઘણા પગપાળા સંતો અને અસવારોની વચ્ચે વાલમજી ઘણા શોભે છે. II૨II લોહચુંબકની જેમ પ્રેમીભક્તની વૃતિરૂપી ભમરો મરમાળાની મૂર્તિમાં ચોંટી ગયો છે. એભલ પરિવાર વારેવારે મહારાજને વિનંતી કરી રહ્યો છે. એ પ્રેમીભક્તોના પ્રેમને પરવશ થયેલી માણકી ઘોડી આજે કેમેય કરી દરબારગઢમાંથી નીકળતી નથી. II૩II અનંત ધામાધિપતિ પૂર્ણપુરુષોત્તમ નારાયણ સર્વ નિયંતા સ્વતંત્ર હોવા છતાં ભક્તાધિન બની જીવુબા-લાડુબા પાસે આજે વૃતપુરી જવાની આજ્ઞા માગી રહ્યા છે. અવતારીના ભક્તની વિશેષતા તો એ છે કે સ્વેષ્ટદેવને સફલતાપૂર્વક જલ્દી પાછા આવી જવાની શરતે આજ્ઞા આપે છે. પૂર્વે કૃષ્ણ પરમાત્માની પ્રેમઘેલી ગોપીઓ (પિયુને પ્રેમ-પાશમાં વશ કરી શકી નહીં.) મથુરા જતા કૃષ્ણને અટકાવવા લાગી, પરંતુ કૃષ્ણએ કોઈનું કેણ ન માન્યું. જ્યારે અવતારી પુરુષ અને તેના સાકાર નિષ્ઠાવાળા ભક્તની શક્તિ તો કોઈ અનોખી છે. પરાપ્રીતિના પાશથી પરમ તત્વરૂપ પરમાત્મા પણ તે ભક્તની પાછળ પાછળ ફરે છે. આર્થાત્ તેને વશ વર્તે છે. એવા ઉત્તમભક્તોની આ વાતને પ્રેમાનંદસ્વામી નજરે જોઈને જ કીર્તનમાં કંડારે છે. ધન્ય છે એ પ્રેમસખી પ્રેમાનંદને કે જેણે પોતાની શીઘ્રતાથી આ અદ્ભુત પ્રસંગને હૈયા ઊર્મિઓથી ઈતિહાસના પાને અંકિત કરી દીધો.II૪II રહસ્યઃ- પ્રસ્તુત પદમાં એક બાજુ વડતાલ જતા શ્રીહરિ અને સાથે જનાર ભક્તોનો આનંદ ઝીલાયો છે. ઘોડાઓની જાત અને ચાલમાં પણ આનંદ બતાવાયો છે. તો બીજી બાજુ માણકીના અસવાર સહજાનંદ પંચભૌતિક શરીરથી દૂર જતા હોવાથી જીવુબા, લાડુબા અને દાદાખાચરને થતો વિયોગ વણાયો છે. કવિએ પ્રસ્તુત પદની છેલ્લી કડીમાં ભક્ત અને ભગવાન વચ્ચેની આત્મીયતા, નિકટતા, ભક્તવત્સલતા અને સ્વતંત્રતા-પરતંત્રતા નો આબેહૂબ ચિતાર આપ્યો છે. પદઢાળ સુગેય છે તાલ દીપચંદી છે. અને લય વિલંબિત છે.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
સંકીર્તન સરિતા - પ્રેમાનંદ સ્વામી
Studio
Audio
10
3
 
નમુનો
આખું
ડાઉનલોડ
નિર્વેશ દવે

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

પરંપરાગત (સ્વરકાર)
સ્મરણાંજલિ
Live
Video
6
7
 
નમુનો
આખું
ડાઉનલોડ
ઇન્સ્ટ્રુમેન્ટલ



હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
ઇન્સ્ટ્રુમેન્ટલ-૧
Studio
Audio
5
0