અવિનાશી આવોરે, જમવા કૃષ્ણ હરિ૧/૧

 પદ ૯૩૯ મું. – રાગ થાલ૧/૧

અવિનાશી આવોરે, જમવા કૃષ્ણ હરિ;
શ્રીભક્તિધર્મસુતરે, જમાડું પ્રીત કરી.                ૧
શેરડીયું વાળીરે, ફૂલડાં વેર્યાં છે;
મલીયાગરે મંદિરરે, લીપ્યાં લેર્યાં છે.               ૨.
ચાંખડીયું પે'રીરે, પધારો ચટકંતા;
મંદિરીયે મારેરે, પ્રભુજી લટકંતા.                      ૩
બાજોઠે બેસારીરે, ચરણ કમળ ધોવું;
પાંપણીયે પ્રભુજીરે, પાવલીયા લોવું.                ૪
ફૂલેલ સુગંધીરે, ચોળું હું શરીરે;
હેતે નવરાવુરે, હરિ ઉને નીરે.                           ૫
પે'રાવું પ્રીતેરે, પીતાંબર ધોતી;
ઉપરણી ઓઢાડુંરે, અતિ ઝીણા પોતી.              ૬
કેસર ચંદનનુંરે, ભાળે તિલક કરું;
વંદન કરી વિષ્ણુરે, ચરણે શિશ ધરું.                 ૭
ઉર હાર ગુલાબીરે, ગજરા બાંધીને;
નિરખું નારાયણરે, દ્રષ્ટિ સાંધીને.                      ૮
શીતલ સુગંધીરે, કલશ ભર્યા જળના;
ઉલેચ બાંધ્યા છે રે, ઉપર મખમલના.             ૯
કંચન બાજોઠેરે, બીરાજો બહુનામી;
પકવાન ને પીરસીરે થાળ લાવું સ્વામી.          ૧૦
મોતૈયા લાડુરે, સેવૈયા સારા;
તમ કાજ કર્યા છે રે, લાખણસાઇ પ્યારા.          ૧૧
મગદળ ને સેવદળરે, લાડુ દળના છે;
ખાજાં ને ખુરમારે, ચુરમા ગોળના છે.               ૧૨
જલેબી ઘેબરરે, બરફી બહુ સારી;
પેંડા ને પતાસારે, સાટા સુખકારી.                    ૧૩
મરકીને મેસુબરે, જમો જગવંદનજી;
સુતરફેણી છેરે, ભક્તિનંદનજી.                         ૧૪
ગગન ને ગાંઠીયારે, ગુંદવડાં વહાલા;
ગુલાબપાક જમજોરે, ધર્મ તણા લાલા.            ૧૫
એલાયચીદાણારે, ચણા છે સાકરીયા;
ગુંદરપાક સુંદરરે, જમજો ઠાકરીયા.                  ૧૬
ટોપરાપાક ટાઢોરે, સકરપારા સારા;
સેવો ઘી સાકરરે, તમે છો જમનારા.                 ૧૭
કેસરિયો બીરંજરે, ગળ્યો ને મોળો છે;
સાકરનો શિરોરે, હરીસો ધોળો છે.                     ૧૮
લાપસી કંસારમાંરે, ઘી બહુ રસબસ છે;
ખીર ખાંડ ઘી રોટલીરે, જમો બહુ સરસ છે.      ૧૯
બદામ ચારોળીરે, દ્રાખ તે નાંખીને;
દૂધપાક કર્યો છેરે, જુવો હરિ ચાખીને.               ૨૦
પૂરી ને કચોરીરે, પૂરણપોળી છે;
રોટલીયું ઝીણીરે, ઘીમાં ઝબકોળી છે.              ૨૧
પાપડને પુડલારે, મીઠા માલપૂડા;
માંખણ ને મિસરીરે, માવો દહીં ચુડા.               ૨૨
ઘંઉની છે બાટીરે, બાજરાની પોળી;
ઝાઝીવાર ઘીમાંરે હરિ મેં ઝબકોળી.                ૨૩
તલસાંકળી સુંદરરે, બીજી ગળપાપડી;
ગાંઠીયા ને કળીરે, ત્રીજી ફૂલવડી.                    ૨૪
ભજીયા ને વડાંરે સુંદર દૈથરીયાં;
વઘાર્યા ચણારે, માંહી મીઠું મરીયાં.                  ૨૫
ગુંજા ને મઠીયારે, ફાફડા ફરસા છે;
અળવી આદાંનારે, ભજીયા સરસાં છે.              ૨૬
કંચન કટોરેરે, પાણી પીજોજી;
જે જે કાંઇ જોઇયેરે, તે માંગી લેજોજી.               ૨૭
રોટલી રસ સાકરરે, જમજો અલબેલા;
રાયણ ને રોટલીરે, ખાંડ કેળા છેલા.                 ૨૮
મોરબા કર્યા છેરે, કેરી દ્રાખ તણા;
સુંદરવર જમજોરે, રાખશો માં મણા.                ૨૯
કટોરા પૂર્યારે, સુંદર શાકાના;
કેટલાક ગણાવુંરે, છે ઝાઝા વાના.                    ૩૦
સુરણ તળ્યા છે રે, સુંદર ઘી ઝાઝે;
અળવીને રતાળુરે, તળ્યાં છે તમ કાજે.            ૩૧
મેં પ્રીત કરીનેરે, પરવળ તળીયા છે;
વંત્યાકને વાલોળરે, ભેળા ભળીયા છે.              ૩૨
કંકોડાં કોળારે , કેળાં કારેલાં;
ગલકા ને તુરીયારે, રૂડા વઘારેલા.                   ૩૩
ચોળી વાલોળોરે , પ્રીત કરી તળીયો;
દુધીયા ને ડોડારે, ગુવારની ફળીયો.                ૩૪
લીલવા વઘાર્યારે, થયા છે બહુ સારા;
ભીંડાની ફળીયોરે તળીયો હરિ મારા.               ૩૫
ટાંકો તાંદલીયોરે , મેથીની ભાજી;
મૂળા મોગરીયોરે, સુવાની તાજી.                      ૩૬
ચણેચીને ડોંડીરે, ભાજી સારી છે;
કઢી ને વડીરે, સુંદર વઘારી છે.                       ૩૭
નૈયાના રાયતાંરે, અતિ અનુપમ છે;
મીઠું ને રાઇરે, માંહી બે સમ છે.                       ૩૮
કેટલાક ગણાવુંરે, પાર તો નહીં આવે;
સારું સારું જમજોરે, જે તમને ભાવે.                  ૩૯
ખારું ને મોળુંરે, હરિવર કે'જોજી;
મીઠું મરી ચટણીરે, માંગી લેજોજી.                   ૪૦
અથાણા જમજોરે, સુંદર સ્વાદુ છે;
લીંબુ ને મરચાંરે, આમળા આદુ છે.                  ૪૧
રાયતી કેરીરે, કેરી બોળ કરી;
ખારેક ને રાઇમાંરે, નાખ્યાં લવીંગ મરી.          ૪૨
કેરાં ને કરમદાંરે, તળી છે કાચરીયો;
બીલાં બહુ સારાંરે, વાંસને ગરમરીયો.             ૪૩
દાળ ને ભાત જમજોરે, તમને ભાવે છે;
ચતુરાઇ જમતાંરે, પ્રીતિ ઉપજાવે છે.                ૪૪
પખાલીના ભાતમાંરે, સુંદર સુગંધ ઘણો;
એલાયચીનો પીરસ્યોરે, આંબામોર તણો.         ૪૫
મેં કઠણ કરી છે રે, દાળ હરિ તુરની;
પાતળી પીરસી છે રે, કે દાળ મસુરની.            ૪૬
મગને અડદની રે કરી છે ધોઇને;
ચોળા ને ચણાનીરે , ઘીમાં કરમોઇને.              ૪૭
દહીં ને ભાત જમજોરે, સાકર નાંખી છે;
દૂધ ને ભાત સારુરે, સાકર રાખી છે.                 ૪૮
દૂધની તર સાકરરે, ભાત જમજો પે'લા;
સાકર નાંખીને રે, દૂધ પીજો છેલા.                   ૪૯
જે જે કાંઇ જોઇયે રે, તે કે'જોજી અમને;
કાંઇ કસર રાખોતોરે, મારા સમ તમને.            ૫૦
જીવન જમીનેરે, ચળું કરો નાથ;
ચંદનગારેસુંરે, ધોવરાવું હું હાથ.                       ૫૧
તજ એલચી જાયફલરે, જાવંત્રી સારી;
કાથો ને ચુનોરે, સરસ છે સોપારી.                    ૫૨
નાગરવેલીનારે, પાન લાવી પાકા;
ધોઇને લૂછ્યાછેરે, અનોપમ છે આખા.              ૫૩
માંહી ચૂરણ મેલીરે, બીડી વાળી છે;
લલીત લવીંગનીરે, ખીલી રસાળી છે.              ૫૪
મુખમાં હું મેલુંરે, બીડી પ્રીત કરી;
આરતી ઉતારુંરે, પ્રભુજી ભાવ ભરી.                  ૫૫
ફૂલ સેજ બીછાવીરે, પોઢો પ્રાણપતિ;
પાવલીયા ચાંપુરે, હૈડે હરખ અતિ.                   ૫૬
થાલ ગાયો પ્રીતેરે, ધર્મકુળ મુકુટમણી;
આપો પ્રેમાનંદનેરે, પ્રસાદી થાલ તણી.           ૫૭.
 

મૂળ પદ

અવિનાશી આવોરે, જમવા કૃષ્ણ હરિ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
સમૂહગાન

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

પરંપરાગત (સ્વરકાર)
શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૮
Live
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
સમૂહગાન

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી

જમોને જમાડું રે
Studio
Audio
0
0