જગતમેં જીવના થોરા મ ભૂલે દેખી તન ગોરા ખડા શિર કાલ સા વેરી ૧/૪

જગતમેં જીવના થોરા, મ ભૂલે દેખી તન ગોરા;
	ખડા શિર કાળ સા વેરી, કરેગા ખાખકી ઢેરી...૧
કરમકું સમજકે કરના, શિરે નિજ ભાર ના ભરના;
	કાગદ નિકસતહી જબહી, કઠિન હે બોલના તબહી...૨
નહિ ત્યાં સગાં કોઉ અપના, અગનકી ઝાલમેં તપના;
	લેખા જમરાજ જબ કરહી, કિયે કૃત ભોગને પરહી...૩
બ્રહ્માનંદ કહત હે તમકું, ન દીજે દોષ અબ હમકું;
	પોકારે પીટકે તાલી, જાયેગા હાથ લે ખાલી...૪ 
 

મૂળ પદ

જગતમેં જીવના થોરા

મળતા રાગ

લાવણી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ઉત્પત્તિ

ઉત્પત્તિઃ- વિતરાગી સંતોના સહવાસે જેમની વૃત્તિઓ નિર્મૂળ થઈ ગઈ છે. સંસારના સુખ તુચ્છ થઈ જતાં જે પરણવું એ પાપ માને છે. એવા દાદાને શ્રીહરિ આજ્ઞા કરે છે કે, ‘દાદા ! તારે અમારી આજ્ઞાથી લગ્ન કરવાં પડશે.” તમારી પાસે જે આવે છે, તેને તો તમે સાધુ થવાની વાત કરો છો. અને મને આ પાપમાં નાખવો છે?’ દાદાએ હળવેકથી કહ્યું, ‘ના, દાદા ! એવું તો નથી, પરંતુ તું એભલકુળનો કુળદીપક છો. તો એ કુળના દીવા મારે ઓલવવા નથી. સંસાર પ્રત્યેની તારી અરુચિ હું જાણું છું, દાદા. છતા, કોઈપણ ભોગે તારે ગૃહસ્થાશ્રમ માંડવો જ પડશે.’ આદેશ આપતાં શ્રીહરિએ કહ્યું. ‘આપની આજ્ઞાની અવજ્ઞા હું કરું તો તો અસુર જ કહેવાઉં ને?’ આંખના આંસુ લૂંછતા-લૂંછતા દાદાએ કહ્યું. દાદા સંમત થયા કે તરત જ લગ્ન લેવાયાં અને પળ એકમાં પરિયાણ કરી સઘળું ગામ જમાડી દીધું. અને જોતજોતામાં તો જાન ઉઘલવાની તૈયારી થઈ ગઈ. પરંતુ મોટી ડેલીવાળા જીવાખાચરના રાગ, દ્વેષ, અને વિરોધના કારણે સ્ત્રીભક્તો કોઈ જાનમાં જોડાઈ શક્યાં નહીં. જેથી શ્રીહરિએ અન્યથાકર્તુ શક્તિ વાપરી જાનડિયું તરીકે નિવૃત્તિ માર્ગને વરેલા અષ્ટ પ્રકારનાં સ્ત્રીધનનાં ત્યાગી સંતોને દાદાની જાનમાં જોડાવા આજ્ઞા કરી, એટલે સ્વેષ્ટદેવની આજ્ઞામાં જ ધર્મની ઈતિશ્રી માનનારા સર્વ જોગીરાજો મોટા મોટા પાઘડા માથા ઉપર મૂકી ખંભે ખડિયો ભેરવી અને હાથમાં ગૌમુખી લઈ જાનનાં ગાડામાં માંડ્યાં બેસવા. એટલે શ્રીહરિએ કહ્યું કે “વરરાજાને ગાડે અષ્ટકવિઓ જ બેસજો.” અને ખુદ શ્રી હરિ પોતાના લાડકવાયા દાદાના સારથિ બની દાદાનું ગાડું હંકાવવા બેઠા. આ હા હા …! કેવો અદ્ભુત ત્રિવેણી સંગમ ! કેવું અલૌલિક દ્રશ્ય ! અને કેટલી ઊંચી ભક્તવત્સલતા ! ગાડા ખેડુ તરીકે લાડીલો લાલ, જાનડિયું તરીકે વિતરાગી સંતો અને વરરાજા તરીકે ભક્ત શિરોમણિ, નિર્વાસનિક એવા વિશ્વાસી ભક્ત દાદાખાચર. આવા ત્રિવિધ અલૌલિક વિભૂતિઓના સંયોગથી આનંદનો મહાસાગર માજા મૂક્યા વિના રહી શકે ખરો? અવતારી પુરુષના જીવન-કવનના ઈતિહાસના પાને સુવર્ણ અક્ષરે નોંધ્યા જેવા આ અણમૂલા અલૌલિક પ્રસંગાનંદમાં સૌ તરબોળ થતા જાનમાં જોડાયા. ને જોતજોતામાં જાન ઊપડી ભટ્ટ્વદર ભણી. પરંતુ “જેની પાસે ગુણ જેવો રે તેવો આપે સેવકને.” એ ન્યાયે શરીર, સંપત્તિ, સંતતિ અને સ્ત્રીના સુખની અસારતાનો આબેહૂબ ચિતાર આપતાં અષ્ટકવિ માંહેની એક જાનડી (બ્રહ્માનંદ) ના અંતરમાંથી લીંબુ, મરચાં અને મીઠાનાં પાણીમાં બોળેલા ચાબખારૂપ સરી પડ્યું આ પ્રસ્તુત પદ.

વિવેચન

ભાવાર્થઃ- સ્વામી કહે છે કે હે મૂઢ જીવાત્માઓ! આ જગતમાં થોડું જીવવાનું છે. છતા સુંદર રૂપને જોઈને તમે તમારી સ્થિતિનું ભાન શા માટે ભૂલો છો. માથે કાળ નામનો અનાદિનો વેરી ઘૂમી રહ્યો છે. એ તો ખ્યાલ છે ને? વાડામાં વાવેલ ચીભડાંના વેલા ઉપર દિવસમાં આંટા મારનારો વાઘરી જેમ પાકેલ ચીભડાને ઉપાડી લ્યે છે, તેમ આ ક્ષણભંગૂર શરીરનો સમય પાકતાં કાળ નામનો પોલિટિકલ એજન્ટ એક જ ઝપાટે આ ગોરા સુડોળ શરીરની રાખની ઢગલી કરી દેશે. II૧II કર્મનો સિદ્ધાંત અફર છે. કર્મની ગતિ ગહન છે. અટપટી છે. “કર્મપ્રધાન વિશ્વકરી રાખા, જો જશ કરાઈ સો તસ ફલ ચાખા.” આખું વિશ્વ કર્મનાં કાયદાને આધારે ચાલે છે. કર્મનાં ફળમાં “દેર હૈ કિન્તુ અંધેર નહીં હૈ.“ ભગવાન કે ભગવાનના મહાન ભક્તો સિવાય ત્રિવિધ કર્મોની ફળશ્રુતિમાં કોઈપણ બાંધછોડ કરી શક્તું નથી, એ નિર્વિવાદ છે. આપણને પ્રશ્ન થશે કે કર્મ એટલે શું? સીધી, સાદી અને સરળ ભાષામાં વ્યાખ્યા કરીએ તો કર્મ એટલે ક્રિયા. ખાવું, પીવું, ન્હાવું, ધોવું, ચાલવું, સાંભળવું, સૂંઘવું, સ્પર્શ કરવો, જન્મવું, જીવવું, મરવું, મારવું, ઈત્યાદિક તમામ શારીરિક કે માનસિક ક્રિયાને કર્મ કહેવાય છે. પણ આ કર્મના મુખ્યત્વે ત્રણ ભાગ છે. (૧) ક્રિયમાણ કર્મ (૨) સંચિત કર્મ અને (૩) પ્રારબ્ધ કર્મ. માણસ જાગે ત્યાંથી સૂઈ જાય ત્યાં સુધી કે જન્મે ત્યારથી મરે ત્યાં સુધીમાં જે જે કર્મો કરે તેને ક્રિયમાણ કર્મ કહેવાય. ક્રિયમાણ કર્મનું ફળ તરત મળે છે. દા.ત. તમને તરસ લાગી, તમે પાણી પીધું એટલે પાણી પીવાના કર્મથી તરત તરસ મટી ગઈ. તમે કોઇને ગાળ દીધી, તેણે તમને લાફો માર્યો. બસ, ક્રિયમાણ કર્મનું ફળ મળી ગયું. આ કહેવાય ક્રિયમાણ કર્મ. જ્યારે સંચિત કર્મ એટલે? કેટલાક ક્રિયમાણ કર્મ એવા હોય છે કે તે કર્મ કરતાંની સાથે તાત્કાલિક ફળ આપતાં નથી, કહેતાં કરેલા કર્મનું ફળ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી તેની ચિંતા રહે તેવાં એકઠાં થયેલાં કર્મને સંચિત કર્મ કહેવાય છે. દા.ત. આજે તમે કોઈપણ જાતની પરીક્ષાનું પેપર લખ્યું પણ જ્યાં સુધી તેનું પરિણામ બહાર ન પડે ત્યાં સુધી પાસ-નાપાસનો જે વિચાર મનને મૂઝવે છે એનું નામ સંચિત કર્મ. અર્થાત આજે તમે જુવાનીના જોરમાં તમારા મા-બાપ કે અન્યને દુઃખી કર્યા તો એ કર્મનું ફળ એકઠું થઈને તમારી વૃદ્ધાવસ્થામાં તમારા જ સંતાન દ્વારા દુઃખરૂપે મળે છે. ટૂંકમાં, જથ્થો થયેલા કર્મોને ‘સંચિતકર્મ’ કહેવાય છે. હવે વાત આવી પારબ્ધ કર્મની ! પ્રારબ્ધ એટલે એકઠાં થયેલાં સંચિતકર્મ પાકીને ફળ આપવાને માટે તૈયાર થાય તેવા કર્મને પ્રારબ્ધ કર્મ કહેવાય છે. અર્થાત્ જીવનાં ખાતામાં જમા થયેલા શુભ-અશુભ કર્મનું ફળ કાળાંતરે કરીને આ જન્મે યા બીજા જન્મે જે ભોગવવું પડે છે, તે પ્રારબ્ધ કર્મ કહેવાય છે. દા.ત. કોઈ માણસને ગઢપણમાં અસાધ્ય રોગ થાય ને દસ-પંદર વર્ષ સુધી ખાટલામાં પડ્યા-પડ્યા અસહ્ય વેદના ભોગવે છે. હંમેશા ભગવાનને પ્રાર્થના કરે છે.” હે ભગવાન ! હે પ્રભુ ! હવે મારો ક્યારે છૂટકારો થશે?” આમ, આર્તનાદ કરવા છતાં દુઃખનો અંત નથી આવતો. એનું કારણ એ પ્રારબ્ધ કર્મ ભોગવી રહ્યા છે. આમ, આ ત્રણેય પ્રકારનાં કર્મોનું ફળ જીવાત્માની જ સાથે રહે છે. જુઓને લૂલા , બેરા, બોબડા, બાંગા, ત્રાંસા, કેટલાય માનવીઓ જોવા મળે છે. તો શું ઈશ્વરને એવા મોડલ બનાવવાનો શોખ છે? ના, એ તો માનવ માત્રના ઉપરોક્ત ત્રિવિધ કર્મો પ્રમાણે જ ઈશ્વરી પ્લાન્ટમાં મનુષ્ય તનની બોડી બંધાય છે. માટે જ સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી મૂર્ખ જીવો ઉપર પણ અનહદ દયા લાવી પ્રસ્તુત પદની બીજી કડીમાં સમજાવે છે કે, “હે જીવાત્મા ! જે કાંઈ કર્મ કર અંતે સમજપૂર્વક કરજે. અજ્ઞાનથી કરેલાં કર્મનો પણ ભાર તારે જ ઉપાડવાનો રહેશે. ઈશ્વરી નિર્ણય મુજબ ચિત્રગુપ્ત, વિચિત્ર અને ચિત્રલેખાએ લખેલ આપણા કર્મોની ખાતાવહીનો કાગળ ધર્મરાજાની આગળ રજૂ કરશે. ત્યારે કેવળ જો અશુભ કર્મો જ કર્યા હશે તો આપણી બોલતી બંધ થઈ જશે. માટે આગળ પાછળનો વિચાર કરીને શુભ કર્મો જ કરવાં.“ II૨II જમપુરીમાં ધર્મરાજા જ્યારે આપણા કર્મનો ન્યાય જોખશે ત્યારે ત્યાં કોઈપણ પ્રકારની આજીજી કે લાગવગ નહીં ચાલે, કારણ કે ચૌદ કરોડ યમદૂતમાંથી આપણો કોઈ પણ સગો થતો નથી . એટલે જ અશુભ કર્મના ફળસ્વરૂપે ચોરાશી પ્રકારનાં નરકુંડમાં અને એકી સાથે બાર સૂર્યના તાપમાં તપવું પડશે. સ્વામી કહે છે કે, “ધર્મરાજા ઘડી ઘડીના લેખાં કાઢીને જ્યારે યમ યાતનાનાં દુ;ખોનો દંડ ફટકારશે ત્યારે તમામ દંડો ભોગવે જ છૂટકો છે.” II૩II મૂઢ જીવાત્માઓને બ્રહ્માનંદસ્વામી હિતેચ્છુ બનીને કહે છે કે, “હું તો સાચી વાત રજુ કરી દઉ છું કે, પાપમય કર્મો કદી કરવાં નહીં. જો આ વાત ન મનાય તો જ્યારે દુઃખ પડે ત્યારે અમને કહેતા નહીં કે અમને કહ્યું નહીં. હું તો તાળી વગાડીને કહું છું કે, સગાં-સંબંધી, કુટુંબ, પરિવાર કે સાંસારિક સુખ સંપત્તિ સાથે નહીં આવે. ત્યાં તો ખાલી હાથે જવાનું છે.” આપણાં પાપ-પુણ્ય પણ આપણી પહેલા ત્યાં નોંધાઈ ગયાં હશે. માટે આપણે તો પંડોપંડ જ જવાનું છે. અને મૃત્યું લોકમાં કરેલા શુભ-અશુભ કર્મનું ફળ ભોગવવાનું જ છે. એ નિર્વિવાદ છે. II૪II રહસ્યઃ- પ્રસ્તુત કીર્તનમાં ચાર પદો છે. દરેક પદમાં અનોખી રીતે સંસારની અસારતાનું, ત્રણેય અવસ્થાનું, ત્રણેય ગુણોનું, દેહ-ગેહનું અને શુભ-અશુભ કર્મનું આબેહૂબ વર્ણન કરવામાં આવ્યુ છે. આ સંત કવિની સાધુતા અને હેતસ્વિતા તો ત્યાં જ જણાય છે કે લગ્ન આનંદિત પ્રસંગે પણ વણવિચારે વરરાજાનું હિત લક્ષમાં લઈ બૃહત વૈરાગ્ય વીંટ્યા વચનો સરી પડ્યાં ! પદનો રાગ લાવણી નિર્દેશાયો છે. પરંતુ શાસ્ત્રીય સંગીતનાં શાસ્ત્રોનું અવલોકન કરતાં લાવણી રાગ ક્યાંય પણ નજરે પડતો નથી. લાવણી તાલ છે પણ રાગ નથી. વિદ્યાગુરુ પાસેથી અને સંગીતનાં અમુક શાસ્ત્રોમાંથી લાવણી ઢંગની એક વિ���િષ્ટ પ્રકારની ગાવાની શૈલી જાણવા મળે છે. અહીંયા પ્રસ્તુત પદમાં આ સુજાણ સંતકવિએ બહુ જ સુક્ષ્મ રીતે વિચારી આ શૈલીનો પ્રયોગ કરેલ છે. કારણ કે ઉત્પત્તિમાં દર્શાવેલ અદ્ભુત ત્રિવેણી સંગમના સમયે ગાયન શૈલી પણ એક વિશિષ્ટ પ્રકારની અદ્ભુત હોવી જોઈએ. એટલે પ્રસ્તુત પદમાં પ્રયોજાયેલી લાવણી શૈલી સુગેયતાની દ્રષ્ટિએ ઘણી કઠિન છે. પરંતુ આજકાલના ગાયકો સંગીતની ઊંડી સાધનાના અભાવે આ શૈલી કવ્વાલીના ઢંગથી ગાઈ છે. અને તેમાં કહરવાના આડલયના પ્રકારનો ઉપયોગ કરે છે.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫


શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૨
Studio
Audio
0
0