સોનેરી મોળિયું સુંદર, સોનેરી મોળિયું (ર) ધર્મકુંવરનું ૧/૪

સોનેરી મોળિયું સુંદર, સોનેરી મોળિયું (ર) ધર્મકુંવરનું;
	મોતીડે મોરિયું સુંદર, મોતીડે મોરિયું (ર) રસિક સુંદરનું...૧
ભાલ વિશાળમાં સુંદર, ભાલ વિશાળમાં (ર) તિલક કેસરનું;
	ભ્રકૂટિ સુંદર જાણીએ, ભ્રકૂટિ સુંદર રે (ર) ઘર મધુકરનું...૨
કરણે કુંડળિયાં કાજુ, કરણે કુંડળિયાં (ર) જડિયલ મોતીએ;
	ગૌર કપોળમાં રૂડાં, ગૌર કપોળમાં (ર) ઝળળળ જ્યોતિએ...૩
નેણાં રંગીલાં લાલ, નેણાં રંગીલાં (ર) કમળની પાંખડી;
	પ્રેમાનંદ નીરખી છબી, પ્રેમાનંદ નીરખી (ર) ઠરી છે આંખડી...૪
 

મૂળ પદ

સોનેરી મોળિયું સુંદર, સોનેરી મોળિયું (ર) ધર્મકુંવરનું

મળતા રાગ

પરજ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ઉત્પત્તિ

સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રમુખ ધર્મગ્રંથ વચનામૃતમાં ઠેર ઠેર સ્વામી સહજાનંદજી મહારાજની સાથે જેનું નામ , જેના દરબારનું નામ ગૌરવપૂર્વક ગવાય છે એ ગઢપુરના ગરાસદાર દાદા ખાચર ભગવાન સ્વામિનારયણના અનન્ય આશ્રિત અને પરમ ભક્ત હતા . દાદા ખાચરનાં ધર્મપત્ની કુમુદબાને કંઈ સંતાન ન હતું . તેથી કુમુદબાની આગ્રહભરી આજીજીને લીધે મહારાજે દાદાને ફરી પરણવાનો વિચાર કર્યો . આ માટે મહારાજે પહેલા દાદાની સંમતિ મેળવી અને પછી ભટવાદરના દરબાર નાગપાલ વરુની દીકરી જસુબા સાથે તેમનું સગપણ કર્યું. ઘણી આનાકાની પછી દાદાએ આ લગ્ન માટે મહારાજને એ શરતે સંમતિ આપી હતી કે ‘ જો આપ જાનમાં પધારો , મારો રથ ચલાવો તો જ હું લગ્ન કરવા જઈશ. ‘ સં. ૧૮૮૧નો વસંત પંચમીનો મહોત્સવ ગઢપુરમાં ધામધૂમથી ઊજવી મહારાજ ત્યાં આવેલા સર્વે સંત હરિભક્તોને દાદા ખાચરની જાનમાં લઈને મહાસુદી આઠમને દિવસે ભટવદર જવા માટે તૈયાર થયા. મહારાજે સોનેરી મોતીડે મઢેલી પાઘ તથા કાનમાં મોતી જડિત સુંદર કુંડળ પહેર્યા હતાં. દાદા ખાચરને શણગારેલા રથમાં બેસાડી શ્રીજી સ્વયં એ રથ હાંકવા બેઠા . એ દિવ્ય દ્રશ્યનુ દર્શન કરવા પાર્ષદો પોતાના ઘોડા આગળ લાવ્યા.સંતો, હરિભક્તો પણ પોતાના વાહનોમાંથી ઊતરી દાદાના રથ પાસે આવી ગયા. મહારાજે બળદની રાશ હાથમાં પકડી હતી. તેમના મુખારવિંદ ઉપર આજે અપાર આનંદ હતો. દાદાના સંસારના સારથિ‌ બની પ્રભુએ આજે પોતાનું ભક્ત-વત્સલપણું વ્યક્ત કર્યું હતું. જાન રળિયાણા જઈને ગુંદાળે પંહોચી. ત્યાં મૂળુ ખાચરની આગતા સ્વાગતા સ્વીકારી જાન માલપરા, ઢસા તથા મેથવી થઈને ઈંગોરાળે આવી. ત્યાંના હરિભક્તો સુંદરજી શેઠ, લાલજી શેઠ વગેરેએ મહારાજનું પૂજન કરી જાનની સરભરા કરી, ત્યાંથી તરત જ નીકળી મહારાજ સાથને ઉતાવળા ચલાવતા કેરાળાની સીમમાં આવ્યા. અહીં એક ભરવાડ સીમમાં ગાયો ચરાવતો હતો. એને કસબંધ કેડિયું પહેર્યું હતું. કેડે લાલ વસ્ત્ર બાંધ્યું હતું અને એમાં વાંસળી ખોસી હતી. બે ખભા ઉપર લાકડી ટેકવી તે ઉપર બને હાથ રાખી લહેરમાં આવીને તે લલકારતો હતો; ‘ જાંબુડે જાઈશમા , ઘાયલ જાંબુડે જાઈશમા , જાંબુડે જા તો જાંબુડા ખા’શમા અરજણિ‌યા.... ‘ તેની અર્થહીન પંક્તિઓ સાંભળી મહારાજને હસવું આવી ગયું . ત્યાં તો મહારાજના હજૂરી સેવક પ્રેમસખી પ્રેમાનંદ સ્વામીનું સિગરામ પણ ત્યાં આવી પહોંચ્યું . મહારાજે પ્રેમાનંદ સ્વામીની સામે જોઇને પૂછ્યું; “ સ્વામી ! સાંભળ્યું આ ગોકળી શું ગયા છે ?” પ્રેમાંનાદ સ્વમી કહે : “હા મહારાજ , સાંભળ્યું.” વળી મહારાજે ટકોર કરતાં કહ્યું: “ ભલે તેમાં કાઈ અર્થ નથી પણ ઢાળ સારો છે.” મહારાજનો કહેવાનો મર્મ પ્રેમસખી તરત પામી ગયા. એમણે મહારાજની સામે જોઈ મહારાજની મનભાવન મૂર્તિ અંતરમાં ઉતારી; ગોકળી ગાતો હતો એ જ ઢાળમાં એક સુંદર પદ રચી ગાવા માંડયું . મહારાજે શિર પર ધરેલી મોતી મઢેલી સોનેરી કસબી પાઘ કવિના કાવ્યની ધ્રુવપંક્તિ બની ગઈ. રાગ પરજમાં પ્રેમસખીનો પ્રગલ્ભ સ્વર સીમના શાંત વાતાવરણમાં શુદ્ધ સત્વભાવ ભરતો ચોમેર વ્યાપી રહ્યો. ‘સોનેરી મોળિયું , સુંદર સોનેરી મોળિયું ; ધર્મકુંવરનું સોનેરી મોળિયું ....’ મહારજ આ સાંભળી પ્રેમસખીની અદ્‌ભૂત કાવ્યશક્તિ તથા વિષદ્‌ સંગીત કૌશલ્ય માટે અતિ પ્રસન્ન થયા અને પોતાની જે સોનેરી કસુંબલ પાઘ કવિના કાવ્યની વિષય –વસ્તુ બની , એ પાઘ મહારાજે પોતાની પ્રસન્નતાના પ્રતીકરૂપે પ્રેમાનંદ સ્વામીને પ્રસાદી ભેટ આપી. ઉત્પત્તિઃ- અનંત ધામાધિપતિ પૂર્ણપુરુષોત્તમ નારાયણ આ ભૂતલ પર અવતાર ધારણ કરી પોતાનાં અકાંતિક ભક્તો પ્રત્યે કેવી ભક્તવત્સલતા દાખવે છે. તે અંગેનો પ્રસંગ આપણે સદ્ગુરુ બ્રહ્માનંદસ્વામીના ‘જગતમેં જીવના થોરા.’ એ કીર્તનની ઉત્પત્તિના ઈતિહાસમાં વાંચી ગયા. એ પ્રસંગે જ આ કીર્તન બનેલું છે. દાદાખાચરની જાન ભટ્ટવદર ભણી ત્વરિત ગતિએ આગળ ચાલી રહી છે. એવાં સમયે રસ્તામાં ઝાડવાના છાંયે, લાકડીના ટેકે પગની આંટી વાળીને લાંબા ઢાળથી ગાઈ રહ્યો હતો, ગોકળી એક ગીત. અને એ ગીતના શબ્દો આવા હતા.- “જાંબુડે જાઈશમા ઘાયલ, જાંબુડે જાઈશમા, જાંબુડે જા તો, ઝાઝાં જાંબુડાં તું ખાઈશમા.” આ ઢાળ મહારાજને ખૂબ જ ગમી ગયો. એટલે પ્રેમપંથના પ્યાસી પ્રેમસખી પ્રેમાનંદને સહજાનંદે ટકોર કરી ક્રે ‘સ્વામી ! આવા ઢાળનું એક કીર્તન ગાવ.’ એટલે પ્રણયઘેલા પ્રેમાનંદ ભક્તાધીન ભગવાન સામે મીટ માંડી એ સમયે પહેરેલા શણગારની શોભાનું વર્ણન કરતા કરતા આ કીર્તન રચતા ગયા અને ગાતા ગયા.

વિવેચન

આસ્વાદ : પ્રેમસખી પ્રેમાનંદની સમસ્ત ભક્તિસાધના સ્વામિનારાયણના સગુણ સાકાર અવતારી સ્વરૂપ પર કેન્દ્રિત થયેલી છે. કવિએ પ્રગટ સહજાનંદની ભક્તિ પણ સખીભાવે જ કરી છે. તેથી જ પ્રિયતમાની જેમ પ્રેમસખીને પ્રિયતમ સહજાનંદજીનું રૂપસૌંદર્ય આકર્ષે છે. સહજાનંદ સ્વામીના વસ્ત્રાભૂષણોની સજાવટમાં એ મોહી પડે છે. રૂપાસક્તિથી શ્રી સહજાનંદમાં મધુર અનુરાગ અનુભવતા કવિ વિવિધ રાગાત્મિક ભાવસંવેદનો વ્યક્ત કરે છે એ સર્વે આધ્યાત્મિક હોવા છતાં , લૌકિક દ્રષ્ટિએ માનવ સહજ અને સ્વાભાવિક લાગે છે. મનુષ દેહધારી પ્રભુ સહજાનંદજી પોતાનાં વસ્ત્રાભૂષણો અંગીકાર કરતા ને ક્યારેક પ્રેમી ભક્તોને રાજી કરવા માટે એ ધારણ પણ કરતા. એવા જ એક પ્રસંગે ભક્તોએ ધરાવેલ કસુંબલ વસ્ત્રો, સોનેરી પાઘ, મોતી જડિત કુંડળ ઇત્યાદિ વસ્ત્રાભૂષણો શ્રીજીએ ધારણ કર્યા ત્યારે એમની સુશોભિત મૂર્તિના દર્શન કરતાં જ ભાવાવેશમાં આવી જઈ કવિ એ શોભાનું અહોભાવથી વર્ણન કરે છે. કવિએ શ્રીજીના સલૂણા સ્વરૂપની શોભાનું બહુ રોચક બ્યાન અહીં દોર્યું છે. ધર્મકુંવર *( શ્રી સહજાનંદજી સ્વામી ધર્મદેવના પુત્ર હતા . તેથી તેમને ‘ધર્મકુંવર’ કવિએ કહ્યા છે.) સહજાનંદ પ્રભુની સોનેરી, મોતીડે મઢેલી પાઘ, એમનું કેસર તિલકથી અંકિત વિશાળ ભાલ, મધપૂડા સમાન એમની ભમર, કાનને શોભાવતાં સુંદર મોતી જડિત કુંડળો , એમનાં ગોળ તેજસ્વી ગાલ અને કમળની પાંખડી સમાન રાતાં રસભીનાં‌ લોચન – આ સર્વનું પ્રેમાનંદ ભાવપૂર્વક વર્ણન કરે છે . આં રસિક મૂર્તિનું દર્શન કરીને પ્રેમાનંદની આંખડી ઠરે છે . એમનાં અંતરને અપાર શાંતિ મળે છે. પોતાના હ્રદયના સુક્ષ્મ પ્રણયભાવોની વ્યંજના વ્યક્ત કરતા કવિ અંતે ગાય છે; પ્રેમાનંદ નીરખી છબી, પ્રેમાનંદ નીરખી રે ઠરી છે આંખડી ...’ આ પદ પ્રેમસખી પ્રેમાનંદની સ્વેષ્ટ સહજાનંદ સ્વામીના સ્વરૂપ પ્રત્યેની પ્રગાઢ આત્મબુદ્ધિનો નિર્દેશ કરે છે. મારી અખંડ રહો માઝમ રાત’ એ પ્રેમીજનોનું સનાતન સુત્ર છે. શ્રીજીપ્રભુની પ્રત્યેક ચેષ્ટા પ્રભુને મધુર લગે છે અને એ મધુરપના પૂર્ણરા‌શિરૂપ ધર્મકુંવરના દિવ્ય સામીપ્યમાં જ પ્રેમસખીની સદા રસબસ રહેવા માગે છે. આ પદનો ઢાળ શ્રીજી પ્રેરિત છે , તેથી , તે અતિ આકર્ષક છે. ‘સોનેરી મોળિયું ‘ એ ઉપદ સાથે આરંભે કર્યા પછી ફરી ‘સુંદર સોનેરી મોલીયું ‘ એવી પુનરુક્તિ સોનેરી મોલિયાની સુંદરતાને ચાર ચંદ લગાવે છે. આ પ્રકારની પુનરુક્તિ કવિના હ્ર્દયોલ્લાસને અભિવ્યક્ત કરવામાં બહુ મહત્વનો ભાગ ભજવે છે. પદનો ઉપાડ તેમજ નિર્વાહ ભાવાત્મક વાણી- પ્રવાહને કારણે આકર્ષક છે. પ્રેમસખીની આ અનુપમ રસસિદ્ધિ છે. તેથી જ ખ્યાતનામ સાહિત્યકાર સ્વ. કનૈયાલાલ મુન્શી લખે છે: “ભક્તિ સાહિત્યની દ્રષ્ટિએ સ્વામિનારાયણ પંથમાં પ્રેમાનંદ મોટા કવિ છે. એટલું જ નહિ પણ નરસિંહ મહેતાના પછી મધ્યકાલના સાહિત્યમાં જો કોઈનાં કાવ્યોમાં શુદ્ધ ભક્તિની આંચ દેખાતી હોય તો આ પ્રેમાનંદમાં છે.”*( મધ્યકાળનો સાહિત્ય પ્રવાહ : ખંડ -૫ પૃ. ૩૮૫) ભાવાર્થઃ- આ પદમાં પ્રેમાનંદની સહજાનંદ પ્રત્યેની પ્રીતિ દેખાઈ આવે છે. સહજાનંદસ્વામીના સ્વરૂપનું ભક્તિભાવપૂર્વક વર્ણન કરતાં વાસ્તવિક છબી કવિના હૃદયમાં પ્રગાઢપણે અંકિત થયેલી છે. અને તેથી જ એમની રુચિકર શૈલીમાં પરજ રાગમાં વર્ણન થઈ શક્યું છે. સહજાનંદને સોનેરી મોતીડે મઢેલો પાઘ ધર્મકુંવરની શોભામાં અભિવ્રુદ્ધિ કરે છે. II૧II દાદાની જાનમાં પધારેલા ભગવાનના વિશાળ ભાલમાં સુંદર કેસરનું તિલક શોભી રહ્યું છે. સુંદર ભ્રૂકુટિ જાણે મધુકર (ભમરો) નું ઘર હોય ને શું ! II૨II કાનને શોભાવતાં મોતી જડિત સુંદર કુંડળો એમના ચમકતા ગોળ ગાલ ઝળહળાટ કરતી મુખાકૃતિએ મોહનવરની મૂર્તિમાં મોહ ઉપજાવે છે. II૩II કમળની પાંખડી જેવા રાતા રસિલા નયનને નીખરતા પ્રેમાનંદની આંખડી ઠરે છે! આ પદ પેમાનંદની સહજાનંદ સ્વરૂપ પ્રત્યેની તન્મયતાનો સ્પષ્ટ નિર્દેશ કરે છે. જેમને સહજાનંદના શણગારમાં એટલી પ્રીતિ છે. તો સહજાનંદમાં કેટલી હશે ? તો વળી, એ સહજાનંદનું હસવું, બોલવુ, જોવુ, સાંભળવુ, હરવુ-ફરવું ઈત્યાદિ ચેષ્ટાઓ પ્રેમાનંદને આકર્ષે એમાં શું કહેવું? II૪II રહસ્યઃ- પેમાનંદે આ પદમાં જે ઢાળ પસંદ કર્યો છે, તે આકર્ષક છે. ’સોનેરી મોળિયું’ એ કહ્યા પછી ફરી તેનું પુનરાવર્તન કરતાં “સુંદર સોનેરી મોળિયું’ એમ કહેવામાં આવે છે. આ રીતે પદ અને શબ્દ લાલિત્ય સોનેરી મોળિયા સાથે એની સુંદરતાને વિશેષ ભાવે પ્રકાશે છે. પહેલા ચરણનું આ પ્રકારનું પુનરાવર્તન કાવ્યમાંના દર્શનોલ્લાસના ભાવને વધુ પ્રબળ બનાવે છે. ઈષ્ટદેવની મૂર્તિની શીખાથી ચરણપર્યંત દરેક અંગ, ચિહ્નો અને શણગારનું વર્ણન અદ્ભુત રીતે કરાયું છે. કાવ્યમાં પ્રભુનું પ્રાસ મેળવવાનું કૌશલ તેમ જ લયપ્રભુત્વ પણ અદ્ભુત છે. જે તે ભાવને અનુકૂળ પદાવલી પ્રેમાનંદને સહજ સિદ્ધ છે. એ આ પદ જોતાં તુરત જ જણાય છે. પદરાગ પરજ્દેશી છે. લય વિલંબિત છે. તાલ દીપચંદી છે. અને પદઢાળ સૌરાષ્ટ્રના લોકઢાળનું અદ્ભુત પ્રતીક છે.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
વિનોદભાઈ પટેલ
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
સંકીર્તન સરિતા - પ્રેમાનંદ સ્વામી
Studio
Audio
2
1
 
નમુનો
આખું
ડાઉનલોડ
કરશન સાગઠીયા

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી

રસિયો રાસ રમે
Studio
Audio
0
1