રંગીલા કાન અરજી અમારી એક ઝીલીએ, રંગીલા કાન મનની આંટી તે હવે મેલીએ ૪/૪

રંગીલા કાન અરજી અમારી એક ઝીલીએ;
		રંગીલા કાન મનની આંટી તે હવે મેલીએ...૧
રંગીલા કાન રહોને આવીને અહીં રાતડી;
		રંગીલા કાન વાલપની કરીએ જો વાતડી...૨
રંગીલા કાન ઝાઝું તમને શું કહી દાખીએ;
		રંગીલા કાન રાંકુથી રીસ નવ રાખીએ...૩
રંગીલા કાન છેટે રે’વું તે વારી નવ ઘટે;
		રંગીલા કાન મળ્યા વિના તે પીડા નવ મટે...૪
રંગીલા કાન પ્રીત કરીને અમને પરહર્યાં;
		રંગીલા કાન કુબજાનાં ઘર તે પોતાનાં કર્યાં...૫
રંગીલા કાન બ્રહ્માનંદની અરજી તે સાંભળો;
		રંગીલા કાન આવી એકાંતે મુજને મળો...૬
 

મૂળ પદ

આવોને ઓરા છેલ છબીલા મારી શેરીએ

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ઉત્પત્તિ

ઉત્પત્તિઃ- શ્રીજી મહારાજે ધામમાં જતાં પહેલાં દાદાખાચર અને ગોપાળાનંદસ્વામીને પાસે બોલાવીને કહ્યું કે, ‘બ્રહ્માનંદસ્વામીને કહેજો કે તેઓ મૂળી મંદિરનું કામ જલ્દી પૂરું કરે. મંદિર પૂરું નહીં થાય ત્યાં સુધી હું તેમને ધામમાં નહીં લઈ જાઉં.’ શ્રીજી મહારાજ ધામમાં ગયા પછી તેરમા દિવસે મૂળી મંદિરનો લેખ સદ્ગુરુ બ્રહ્માનંદસ્વામીને આપતા સદ્ગુરુ ગોપાળાનંદસ્વામીએ શ્રીજી મહારાજની અંતિમ આજ્ઞાની યાદ તાજી કરાવી બ્રહ્મમુનિને મૂળી જવા કહ્યું. એટલે બ્રહ્માનંદસ્વામી સ્વમંડળ સાથે મૂળી ગયા. મંદિરનું કામ ધમધોકાર ચાલુ કર્યું, પણ મોટામાં મોટી મૂંઝવણ એ ઊભી થઈ કે મૂળી પ્રદેશની ભૂમિમાં ક્યાંય પાણો ન મળે. તેથી સ્વામી ધ્રાગંધ્રાના રાજા પાસે મંદિર માટે પથ્થરની માગણી કરી. પણ રાજા સગીર વયના હોવાને કારણે વહીવટકર્તા કારભારીઓએ પથ્થર આપવાની ના પાડી. તેથી સ્વામી નિરાશ થઈ ફરી મૂળી આવ્યા. પાકા પથ્થરના અભાવે મંદિરનું કામ બંધ થયું. સ્વામી ચિંતાતુર થયા. મહાજનો મારફત મૂળીની આસપાસની સીમમાં તપાસ કરાવી. પણ મૂળીની આજુબાજુ દસ દસ ગાવમાં ક્યાંય પણ ચણતરમાં ઉપયોગ આવે, એવા પાકા પથ્થર મળ્યા નહીં. તેથી બ્રહ્મમુનિ વધુ ચિંતિત થયા. એક દિવસ રાત્રિના સમયે પર્ણકુટિમાં બેઠા-બેઠા પ્રભુને પ્રાર્થી રહ્યા છે કે, ‘હે મહારાજ ! તમારી આજ્ઞાથી મેં અમદાવાદ, વડતાલ અને જૂનાગઢમાં મહાન વિશાળ મંદિરો કરાવ્યાં. તેમાં કોઈ વખત આવી મૂંઝવણ આવી નથી હે પ્રભુ ! પથ્થર વિના મંદિર પૂરું કેમ થશે? પાયા પહોળા ને ઊંડા નખાવ્યા છે. તો પથ્થર વિના પૂરવા શેનાથી? આપ પૂર્ણપુરુષોત્તમ નારાયણ છો. કર્તુમ્, અકર્તુમ્, અન્યથા કર્તુમ્ શક્તિધર છો. સર્વજ્ઞ અને સર્વ નિયંતા છો માટે હે પરમકૃપાળુ પરમાત્મા ! મારા અંતરનો આ પરિતાપ શમાવો. મારી અરજી સ્વીકારો પ્રભુ !’ એમ રડતે હૃદયે પૂર્ણ આર્તસ્વરે પ્રસ્તુત પદ સરી પડ્યું.

વિવેચન

ભાવાર્થઃ- હે રંગીલા કાન! અમારી અંતરની અરજી સાંભળજો. મનની આંટી મેલી દેજો. હે મારા પ્રભુ! તમે જો એક રાત્રિ અહીં આવીને રહો તો હું મારાં હૈયાંની દુઃખદ વાતડી કહું. II૧-૨II તમે તો અધમ ઉદ્ધારણ છો. સર્વ અંતર્યામી છો. અત્યારે જે મને મૂંઝવણ થઈ રહી છે. તેને સર્વથા જાણો જ છો. માટે તમને ઝાઝું શું કહેવું ? આ તમારા ગરીબ સંતની જો કાંઈ ભૂલ થઈ ગઈ હોય તો તે ટાળવા ઠપકો આપજો. પણ રોષ રાખશો નહીં. આજ આટઆટલી મુશ્કેલી ઊભી થઈ રહી છે. ક્યારનો તમને પ્રાર્થના કરી રહ્યો છું, છતા આપ દર્શન દેતા નથી. માટે હે પ્રભુ ! આમ અમારાથી છેટે રહેવું તમને ન ઘટે. તમે આવ્યા વિના અને તમને મળ્યા વિના મારી પીડા નહીં મટે. II૩-૪II કોલ-બોલ આપી પહેલી પ્રીતું કરીને લાડ લડાવ્યા ને આજે અમને પરહર્યાને ? સર્વસ્વ સમર્પણ કરી રહેલા એકનિષ્ઠાવાન ભક્તોને પરહરી કુબજાનાં ઘર વહાલાં કર્યાં ને ? બ્રહ્માનંદસ્વામી કહે છે, જો મંદિર અધૂરું રહેશે તો તેમાં આપની લાજનો સવાલ છે ! માટે આ મારી અરજી સાંભળી જલ્દી મને એકાંતે મળો. II૫ થી ૬II રહસ્યઃ- આવાં ચાર પદો છે. આ પદની રચના પહેલી થઈ છે. પણ બ્રહ્માનંદ કાવ્યમાં આ પદને ચોથા ક્રમે લેવામાં આવ્યું છે. કવિએ સમગ્ર જીવન શ્રીજી સાથે સખાભાવથી વિતાવેલ તેથી પ્રસ્તુત પદમાં સખાત્મક શબ્દોને વિરહાત્મક ભાવે રજૂ કર્યા છે. પદ સુગેય અને સુંદર છે. વિનંતિરૂપે ગવાયેલો આ એક વિશિષ્ટ પ્રકારનો ઢાળ જોવા મળે છે. તાલ હીંચ છે. પરંતુ આજકાલ ઘણા ગાયકો કહરવાની લયમાં પણ ગાય છે.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભગવત્ચરણદાસજી સ્વામી- રાજકોટ ગુરુકુલ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
ભગવત્ચરણ સ્વામી કીર્તન
Studio
Audio
0
0