રૂડી પાઘ વાલા માથે શોભે રે, જોઈ જોઈ મન મારું લોભે રે,
સરસ છોગલિયું ચિત્તચોર રે, મારા કાળજડાની એ તો કોર રે...૧
જોઈ છોગલિયું મન મોહ્યું રે, રૂડી ભાતમાં ચિત્ત મારું પ્રોયું રે,
પાઘ વળદાર પેચવાળી રે, શોભે મૂર્તિ ઘણી રૂપાળી રે...૨
કલગી છે કાળજ્યાનો કટકો રે, તેને જોવા ચિત્તે ચડે ચટકો રે,
થયા રાજી અરદેશર માથે રે, તેને આપી પાઘ નિજ હાથે રે...૩
મસ્તક પાઘડી વાળું રૂપાળું રે, મુખે ભર્યું છે હાસ્ય હેતાળું રે,
જ્ઞાન તિલક શોભે છે તમારું રે, જોતા ચંદ્રક મોહ્યું મન મારું રે...૪