અનુપ ઇડર દેશમાં પુર ટોડલા પ્રખ્યાત છે, ૧/૧

“સદ‌્ગુરુશ્રી ગોપાળાનંદ સ્વામીનો” મહીમા ત્થા

શ્રી ટોડલા મૂર્તિ પ્રતિષ્ટોત્સવ કાવ્ય

૬૯ ૧/૧ “હરિગીત છંદ” (૫૮)

અનુપ ઇડર દેશમાં પુર ટોડલા પ્રખ્યાત છે,

માધ્યંદીની શાખા અને ઔદીચ કુલ વિખ્યાત છે;

છે વેદપાઠી વિપ્ર તે, ખુશાલભટ્ટજી નામ છે,

સ્વામી ગોપાળાનંદજી, જન્મસ્થાન અક્ષરધામ છે .......... ૧

માતાજી જીવુબા અને, પિતાજી મોતીરામ છે,

વિક્રમ સંવત અઢારસો, સાણત્રીસો સુખ ધામ છે;

મહા સુદી આઠમ સોમવારે, જન્મ ટોડલા ગામ છે,

સ્વામી ગોપાળાનંદજી, જન્મસ્થાન અક્ષરધામ છે .......... ૨

ટોડલા ગામે પંચતિર્થો, દેવતીર્થ૧ નદી કહું,

મહાદેવ૨ અચલેશ્વર, રાધાકૃષ્ણનું૩ મંદિર લહું;

સ્વામી તણુ સંભારણું તે, મિષ્ટ૪ મહુડા નામ છે,

સ્વામી ગોપાળાનંદજી, જન્મસ્થાન અક્ષરધામ છે .......... ૩

ખુશાલ ભટ્ટના બાલમિત્ર, શામળાજી ભગવાન છે,

સૂવર્ણ કુંડલ ઝાંઝરી, ભુલ્યા રમણનું સ્થાન છે,

આકાશ વાણી ઉચ્ચરી (કે) ભુષણ ટોડલા ગામ છે,

સ્વામી ગોપાળાનંદજી, જન્મસ્થાન અક્ષરધામ છે .......... ૪

શ્રી પૂર્ણ પુરુષોત્તમ પધાર્યા ધામી અક્ષર ધામના,

અનંત કોટી મુક્ત સાથે, મુળ અક્ષર નામના,

ખુશાલ ભટ્ટજી જેહ તે, બ્રહ્માંડ કોટી ભૂપ છે,

સ્વામી ગોપાળાનંદજી, સાક્ષાત શ્રીજી સ્વરૂપ છે.......... ૫

શ્રીજી સ્વધામ પધારતાં, આજ્ઞા કરી ઉછરંગમાં

સ્વામી ગોપાળાનંદજી છે, મુખ્ય આ સત્સંગમાં

ત્યાગી ગૃહી આચાર્યથી, એ યોગીરાજ અનૂપ છે,

સ્વામી ગોપાળાનંદજી, સાક્ષાત શ્રીજી સ્વરૂપ છે.......... ૬

એ જન્મસ્થાને શિખર બંધ, મંદિર રચ્યું રળીયામણું,

ગોપાળલાલજી રાધિકા, હરિકૃષ્ણનું કોડામણું,

વિષ્ણુ પ્રતિષ્ટા યજ્ઞ આદી, વેદ વિધિ તદરૂપ છે,

સ્વામી ગોપાળાનંદજી, સાક્ષાત શ્રીજી સ્વરૂપ છે.......... ૭

શંકર, સતી, હનુમાનજી, ગણપતીજી પધરાવીયા,

ધ્વજ દંડ સાથે શોભતા, સૂવર્ણ કળશ ચડાવીયા;

શ્રી દેવ, ધર્મશાસ્ત્ર ને, સંતો સદા સુખરૂપ છે,

આચાર્ય બેઉ પધારીયા, સાક્ષાત શ્રીજી સ્વરૂપ છે.......... ૮

મહારાજ દેવેન્દ્રપ્રસાદજી, આરતી ઉતારતા,

જય સ્વામિનારાયણ તણી, સત્સંગીઓ ઉચ્ચરતા;

જમતાં જમણ પંક્તિ વિષે, હજારૂં નરને નાર છે.

સ્વામી ગોપાળાનંદનો, જગમધ્ય જય જય કાર છે.......... ૯

ટોડલા મૂર્તિ પ્રતિષ્ટોત્સવ કર્યો છે બહુ ખંતથી,

યજ્ઞ આદી કથા વાર્તા, સુણે છે સહુ સંતથી;

ત્યાગી ગૃહીની કમિટી, કવિ માવ પૂરણ પ્યાર છે,

સ્વામી ગોપાળાનંદનો, જગમાહી જય જય કાર છે.......... ૧૦

સંવત ૨૦૧૦ના વૈશાખ સુદી ૩ બુધવાર


મૂળ પદ

અનુપ ઇડર દેશમાં પુર ટોડલા પ્રખ્યાત છે,

રચયિતા

માવદાનજી કવિ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી