સજની કોડે આનંદ મારે ઘેર શ્રીજી પધાર્યા ૧/૧


સજની કોડે આનંદ મારે ઘેર શ્રીજી પધાર્યા,
		આવી મારા તનડાના તાપ શમાવ્યા રે	...ટેક.
હરખે શું ઊઠી હું તો સનમુખ ચાલી, તેડી બેસાર્યા મેં તો બાંહ્યલડી ઝાલી;
	અક્ષરના વાલીડાને થાવાને વાલી (૩)		...સજની૦ ૧
સનમુખે બેસી હું તો નીરખવા લાગી, લોકડિયાની મેં તો લાજ રે ત્યાગી;
	મુખડું નીરખીને મારી ભૂખડલી ભાંગી (૩)		...સજની૦ ૨
હરિને જમાડયા મેં તો હાથે સાહેલી, કુળની મરજાદા મેં તો કોરે લઈ મેલી;
	શ્રીજીને જોઈ હું તો થઈ છું રે ઘેલી (૩)		...સજની૦ ૩
પાનની બીડી મેં તો પ્રેમે શું આલી, હસીને હોંસીલે વાલે મુખડામાં ઝાલી;
	પ્રીતે આવીને મારા, મુખડામાં આલી (૩)		...સજની૦ ૪
સુંદર અગાસી મારી નૌતમ મેડી, ઊંચી અગાસી મુજને એકાંતે તેડી;
	હૈડાની રાવું મેં તો, હરિ આગે રેડી (૩)		...સજની૦ ૫
મનગમતી મોજુ વાલે મુજને રે આપી, વચને કરીને વાલે સ્થિર કરી સ્થાપી;
	કોટિ જન્મનાં દુ:ખ, નાખ્યાં છે કાપી (૩)	...સજની૦ ૬
પ્રેમનાં આંસુ મારે નયણે ઝરે છે, હાથે લુવે ને કર છાંયા કરે છે;
	કંઠે વળગું ને મારાં, નયણાં ઠરે છે (૩)		...સજની૦ ૭
વણતેડયા વેલા મારે મંદિરીએ આવો, મરકલડે મોહન મીઠી વેણુ બજાવો;
	હેતે કરીને મુજને, હસીને બોલાવો (૩)		...સજની૦ ૮
રંગના રંગીલા મુજને રંગ લાગ્યો તારો, કેડે ફરે છે જીવનપ્રાણ અમારો;
	મુક્તાનંદ કહે છે મારો, જનમ સુધારો (૩)	...સજની૦ ૯
 

મૂળ પદ

સજની કોડે આનંદ મારે ઘેર શ્રીજી પધાર્યા

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ઉત્પત્તિ

ઉત્પત્તિઃ- જેતલપુરના અહિંસક યજ્ઞના પ્રારંભમાં શ્રીહરિ જેતલપુરની સ્ત્રીઓને ઘઉં દળવાની સેવા આપી કૃતાર્થ કરી રહ્યા છે. ત્યારે ગામની એક ગણિકાને પણ આ સેવા કરી પાવન થવાના કોડ જાગ્યા. તેણે સેવાની યાચના કરી. પ્રભુએ એ પતિતાને પાવન કરવા સ્વહાથે જ દળવાની શરતે ઘઉં આપ્યા. જે મહેલમાં હંમેશાં વાસનાનાં ભૂખ્યાં વરુઓને પોષવામાં આવતાં ત્યાં આજે સેવાની સરવાણીઓ ફૂટી. જે મુખમાં નિશદિન વિષયોનું જ ગાન થતું, તે મુખે આજે પ્રભુનાં કીર્તનો ગુંજવા લાગ્યાં. ભક્ત અને ભગવાનની સેવા કરવાથી પાવન બનેલ એ મહિલાના મહેલમાં મહારાજ પધાર્યા. આ પ્રસંગને નજરે નિહાળી મુક્તાનંદસ્વામીએ પતિતાના પ્રેમને શૃંગારાત્મક શબ્દોથી સાકાર કર્યો છે

વિવેચન

ભાવાર્થઃ- પ્રસ્તુત પદમાં ગણિકા પોતાની સાહેલીને ઉદ્દેશીને કહે છે કે હે સખી! આજે મારા અંતરનાં ભાવ પૂરા કરવા કરુણા કરી આનંદપૂર્વક મારે ઘેર શ્રીજી પધાર્યા, અને મારાં તનમનનાં દુઃખ નિવાર્યા. ગણિકા પોતાની વિશ્વાસી સખીને સહજાનંદ સાથેના પોતાના સ્નેહમિલનની ગૂઢ વાત ખૂબજ રસથી કરે છે. ગણિકા સહજાનંદના મિલન માટે ઘણા સમયથી આતુર હશે એવું તનના તાપનું સંદર્ભ જોતાં સ્પષ્ટ જણાય છે. એટલે જ હર્ષઘેલી બનેલી એ ગણિકા શ્રીહરિને આવતા જોઈ સન્મુખ ચાલી. વળી, વહાલમજીને વહાલી થવા પ્રીતમજીનો હાથ પકડી પલંગ પર બેસાડ્યા. અને ધારી – ધારીને એણે ધરમકુંવરનું મુખડું નીરખ્યું. કેમ કે એ તો એનો પ્રિયતમ સુંદર શ્યામ હતા. II ૧-૨ II હે સહેલી! કોઈની પણ આમન્યા રાખ્યા વિના મારે હાથે જ મેં હરિને જમાડ્યાનો લહાવો માણ્યો. વળી, એ ભાવનાં ભૂખ્યા ભગવાનની ભોજન આરોગવાની રીતે જોઈ હું તો પ્રેમ દીવાની જ બની ગઈ. II ૩ II હે મારી વિશ્વાસી સખી! હું તને વિશેષ તો શું કહું? પણ પ્રેમથી અર્પેલ પાનનું બીડું એણે પ્રેમથી લીધુ. પ્રસાદીનું કરી અડધું મને પાછું આપ્યું. પછી તો અમે સામસામી પાન બીડી દીધી અને લીધી. II૪II ગણિકાએ પોતાના સ્વામીનાથ એવા સહજાનંદની સાથે પોતાનું પૂર્ણ સાયુજ્ય થઈ શકે એ માટે જ એણે પોતાના ભવનની ઊંચી મેડીએ એકાંતમાં મિલન ગોઠવ્યું. ત્યાં એણે સહજાનંદની આગળ પોતાના હૃદયની બધી જ વેદનાનું નિવેદન કર્યું. કારણ કે એના માટે સહજાનંદ હવે કોઈ રીતે પરાયા રહ્યા જ નહોતા. II૫II પ્રેમઘેલી બનેલી એવી મારી આંખોમાંથી પડતાં પ્રેમનાં આંસુઓને તે હાથ વડે લૂછે છે. અને એને કંઠે વળગું ત્યાં તો મારા નયણાં ઠરે છે. વળી, એ સહજાનંદ મારી એટલી બધી કાળજી લે છે. મારે ઉપર કેટલો બધો સ્નેહ કરે છે. એણે તો મને દર્શ-સ્પર્શનું સુખ આપી કૃતાર્થ કરી દીધી છે સાહેલી! II૬II વળી, મારી મનગમતી મોજું, વહાલે મુજને આપી છે, એટલુ જ નહીં પરંતુ વચનથી બંધઈને તેણે મને પોતાની કરી સ્થિર કરી સ્થાપી છે. આગળના દિવસોમાં, જન્મોમાં મે કરેલા પાપો અને દુઃખો એણે કાપી નખ્યા છે. II૭II ગણિકા સહજાનંદનાં દર્શ-સ્પર્શ, પ્રસાદીનાં, પ્રસાદીના સુખથી આનંદિત બની. વળી પાછું આવું જ સુખ આપવા વણતેડ્યા વહેલામાં વહેલા પોતાની કને મોરલી વગાડતાં વાગડતાં પ્રીતથી બોલાવતાં થકા આવવાનું આમંત્રણ આપે છે. II૮II ગણિકાને હવે બરાબર સહજાનંદના સંગનો રંગ લાગ્યો છે. એટલે જ બન્નેના જીવ એકબીજાની આસપાસ ઘૂમે છે. ભગવાનનાં સાન્નિધ્યનું સુખ સાંપડે પછી બીજી કઈ અપેક્ષા રહે? એવું સુખ મળ્યા પછી ગણિકાને તો સ્વજન્મ સાર્થક થયાનું જ લાગે ને? મૂકતાનંદ સ્વામીએ પણ ભક્ત અને ભગવાન એકબીજામાં લીન થયાના સ્નેહભાવને સર્વોત્તમ માની આ પદમાં કંડારી લીધો. આપણું જીવન પણ એવું હોવું જોઈએ કે આપણા સ્વેષ્ટદેવ પણ ત્યાં પધારવા, નિવસવા અને વિવિધ રીતે મુક્તલીલા કરવા ઉદ્યત થાય. II૯II રહસ્યઃ- કવિએ ગણિકા અને સહજાનંદનું રમણીય, સ્મરણીય અને ચિંતનીય મિલનનું બયાન આબેહૂબ રીતે વર્ણવ્યું છે. સમસ્ત રચના ભાવપ્રધાન અને પેમપ્રધાન છે. જે સદ્ય-સંવેદ્ય બની રહે છે. નિઃસ્વાર્થ અને નિષ્પાપ સ્નેહની વાત નિખાલસ હૃદયે સાદી રીતે કહેવાણી છે છતા આકર્ષક લાગે છે. પદ સુગેય છે. સારંગ રાગમાં ગાવાથી શૃંગારાત્મક ભાવ વધુ સાકાર થાય છે. તાલલયનો પણ ભાવ રસમય છે. અને પદ-શબ્દનાં ભાવ પ્રમાણે સ્વરોનો ભાવ બદલી શકાય છે. આવું અદ્ભુત સ્વરોનું વૈવિધ્ય સ્વામીએ આ પદમાં મૂક્યું છે. તાલ કહરવા છે. સંગીતમાં મધ્યલયનો કેરવા તાલ એ અતિ ઉત્તમ અને આનંદદાયક ગણાય છે.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
સારંગ
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
સંકીર્તન સરિતા - મુક્તાનંદ સ્વામી
Studio
Audio
10
5
 
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)
સારંગ
શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૨
Studio
Audio
5
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
નિર્વેશ દવે
સારંગ
અજાણ (પ્રકાશક )

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)

Studio
Audio
2
2
 
નમુનો
આખું
ડાઉનલોડ
ઇન્સ્ટ્રુમેન્ટલ
સારંગ


ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
ઇન્સ્ટ્રુમેન્ટલ-૧
Studio
Audio
0
0