વળી બોલ્યા રે , કરી વિહારી વિચાર, ૨/૨

પદ – ૨૯ ………………….૨/૨

વળી બોલ્યા રે , કરી વિહારી વિચાર,

સુણો ઉદ્ધવજી ધરી પ્યાર;. (ટેક)

વસી વ્રજમાં રે , લીધા સુખ અપાર,

ઉર સાંભરે સાંજ સવાર,

અહીંના જે સુખ અનેક,

અંતર નથી ગમતા એકઃ

જ્યારે સાંભરે વ્રજનો વિવેક,

ત્યાની પ્રીતિ રે મુજ ઉપર બેસુમાર, સુણો ઉદ્ધવજી. (૧)

રાત્રિમાં રે મળીને સર્વ ગોપાળ,

આવી બેસતા વૃદ્ધને બાળ;

મુજ સામું રે, રહેતા સ્નેહે નિહાળી;

ભ્રમણાઓ સરવે ટાળી.

સભા મોટી સરસ ભરાતી,

કથા વાર્તા ઉત્તમ થાતી,

ગર્બીઓ રૂડી ગવાતી;

સહુ ઉરમાં રે, રાજી થતા સુણનાર.

સુણો ઉદ્ધવ. (૨)

રજનીમાં રે ગોપ મળીને મિત્ર,

મુજ પાસે બેસીને પવિત્ર,

નિત્ય લખતા રે, મારૂં ચારુ ચરિત્ર,

જેમાં રચના વિમળ વિચિત્ર.

ક્યારે રાત્રિ મધ્ય વહી જાય,

પણ કાયર કદી નવ થાય;

એવો ઉત્સાહ સદાય,

કેમ વિસરે રે, એ જનના ઉપકાર.

સુણો ઉદ્ધવ. (૩)

ક્યારે કરતો રે હસ્તી ઉપર અસવારી,

ઘોડા પાલખી પેદલ ભારી,

વાજીંત્રો રે , વિવિધ પ્રકારથી વાજે,

જાણે મેઘ ગગનમાં ગાજે.

શિર છત્રને ચામર છાજે,

છડીદાર અગાડી વિરાજે;

બની શોભા ગોપ સમાજે,

નિરખીને રે હરખે સહુ નરનાર.

સુણો ઉદ્ધવ. (૪)

મોટા નૃપતિ રે, નિજ મંદિર પધરાવે,

ભલા અંતરકેરા ભાવે;

રૂડી રીતે રે, પૂજે પ્રેમ જણાવે,

મળવા મોટા જન આવે.

અત્તર ગુલાબ જળ સારા,

છાંટે સુગંધ દેનારા;

પ્રેમે વદે વચનો પ્યારાં,

ધન ગોકુળ રે, ધન્ય ત્યાંના રહેનાર.

સુણો ઉદ્ધવ. (૫)

વ્રજમાંહિ રે, વસી કર્યાં મેં કામ,

જનના સુખ સારૂં તમામ ;

કરી કરુણા રે, ધર્મ રૂડો દ્રઢ સ્થાપ્યો,

અધર્મીનો વંશ ઉથાપ્યો.

કેશી ધેનુક કામને ક્રોધ,

તેને માર્યા કરીને શોધ;

બહુ લાયક દેઇને બોધ,

સુર સ્વર્ગે રે, હરખે ગુણ ગાનાર.

સુણો ઉદ્ધવ. (૬)

હરિ મંદિર રે દર્શન કરવા જાતા,

હરિને જોઇને હરખાતા;

બ્રહ્મચારી રે પ્રવિણ જે પંકાતા,

મળી રાજી હૃદયમાં થાતા..

બોલે મરમાળા બોલ,

સ્વાદે સાકર સમતોલ;

મને આનંદ કરતા અતોલ,

કેમ વિસરે રે એવા જે બુદ્ધિ ઉદાર. સુણો ઉદ્ધવ. (૭)

હું મથુરાં રે જાવા થયો તૈયાર,

ત્યારે વ્રજમાં સૌ નરનાર;

મુજ રથની રે , પાછળ પાછળ દોડે,

કોઇ કરગરીને કર જોડે.

કહે વિઠ્ઠલ વહેલા વળજો,

મન મહેર કરી ફરી મળજો;

બોલ્યા પ્રમાણે પળજો,

શી ? રીત રે, દિવસ હવે જાનાર.

સુણો ઉદ્ધવ. (૮)

એમ પ્રેમે રે વિનય વચન ઉચ્ચારે,

મુને ઉપજી કરુણા ભારે;

મળવાનું રે , વચન દીધું મેં જ્યારે,

ધરી ધીરજ કાઈંક ત્યારે.

પડે દેહથી જુદા પ્રાણ,

થયાં એવાં અચેત પ્રમાણ;

ત્યાંની દીઠી અપૂર્વ તાણ.

વળ્યાં પાછા રે, દીઠો ન રથ જે વાર.

સુણો ઉદ્ધવ. (૯)

બહુ લાયક રે , વ્રજવાસીનો પ્રેમ,

સોના રૂપાના વાસણ જેમ;

પડે ગોબો રે, એતો ઉપાડી દેવાય,

પણ નુકશાન ક્યારે ન થાય.

અન્ય સ્થળનો પ્રેમ છે કેવો,

જાણો કાચના વાસણ જેવો;

અતિ સાચવવો પડે એવો,

કદી ફુટે રે , સંધાય નહીં કોઇ વાર.

સુણો ઉદ્ધવ. (૧૦)

ઘણા દેવસ રે , વિત્યા મુજ વિયોગે,

હશે દુઃખી સહુ એ રોગે;

મારૂં કહેજો રે, ભલા થઇ વૃતાંત,

થશે સાંભળી કાંઇક શાન્ત.

માટે ઉદ્ધવ જાઓ જરૂર,

ઉર પ્રેમે ભરી ભરપૂર;

કરો રાજી દર્શનાતૂર,

કહેજો મળશે રે, રઘુવીર સુત કુમાર.

સુણો ઉદ્ધવ. (૧૧)

_______________________________________________

૧. કેશી= ઘોડારૂપ દૈત્ય ને ધેનુક-ગર્ધભરૂપ દૈત્ય .

મૂળ પદ

મથુરાંમાં રે, બોલ્યા વિહારીજી વાણ,

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી