કદીક હાથી ઘોડા કદીક પગપાળા ગતિ કરે, ૧/૧

પદ- ૬૪ ……………………૧/૧
ત્યાગી પુરુષની સમાન દ્રષ્ટી વિષે.
( શિખરણી છંદ )
કદીક હાથી ઘોડા કદીક પગપાળા ગતિ કરે,
કદી સારા વસ્ત્રો વનકલ કદી સંતત ધરે;
કદી ભિક્ષા વૃત્તિ, કદીક પકવાન્નો પણ જમે,
હરિ ધારી ઉરે ધીરજ દ્રઢ રાખી ભૂમિ ભમે.             (૧)
કદી સારી શૈયા કદીક શુભ દર્ભાસન ગમે,
કદી લોકો માને અધિક અપમાને કંઇ સમે;
રહે રાજી રાજી પણ દુઃખથી દાઝી નહિ મરે;
અહો ! એવા સાધુ નિરખી નિરખી અંતર ઠરે.         (૨)
ઘણા ઉરે જ્ઞાની અધિક નિરમાની પણ ખરા,
દયા શાન્તિ ક્ષાન્તિ ત્રિગુણપર વૃત્તિ મતિવરા;
અતિશે નિષ્કામી સ્મરણ બહુનામી તણું કરે,
સુલજ્જામાં સ્નેહી અધિક નિસ્પ્રેહી થૈ ફરે.              (૩)
નહીં ઇચ્છે દારા જગત થકી ન્યારા નિત્ય રહે,
નહીં ઇચ્છે સેવા મુદલ પણ મેવા નહીં લહે;
સદા ઇચ્છે શ્રીજી ચરણરજનું ધ્યાન ધરવું,
સદા ઇચ્છે નીતિ ઉપર ધરી પ્રીતિથી ફરવું.           (૪)
મુમુક્ષુને શોધે અધિક પર બોધે ધીર ધરી,
હરિ લે અજ્ઞાન હૃદય મહી વિજ્ઞાન જ કરી;
હરિજીના ગુણો ગણી ગણી મુખે નિત્ય ઉચરે,
અહો ! એવા સાધુ નિરખી નિરખી અંતર ઠરે.         (૫)
__________________________________________
ત્રિગુણપર વૃત્તિ મતિવરા= માયાના ત્રણ ગુણ , સત્વ, રજ ને તમ
તેથી પરવૃત્તિવાળાને બુદ્ધિમાનમાં શ્રેષ્ઠ, દારા= સ્ત્રી. 

મૂળ પદ

કદીક હાથી ઘોડા કદીક પગપાળા ગતિ કરે,

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી