ગુણસાગર તીરથ તું ગુણવંત ગોમતી, ૧/૧

પદ- ૯૬ ……………………૧/૧
શ્રી વરતાલ ધામનાં ગોમતીજીના માહાત્મ્ય વિષે.
(રાગ ગરબી)
મોહનને ગમવાને ઇચ્છો માનની – એ રાગ
“ ઓધવજી સંદેશો કહેજો શામને, ” એ રાગ
 
ગુણસાગર તીરથ તું ગુણવંત ગોમતી,નાહ્યા તુજમાં ભક્તિ તનુજ ભગવાન જો;
નાહ્યા સંત અનંત પ્રગટ પ્રભુજી તણા,અન્ય નહીં કોઇ તીરથ તુજ સમાન જો.  ગુણ. (ટેક)
નિરમળ જળ તારું નિરખવા જોગ છે.આવી તુજમાં વસિયાં તીર્થ અનંત જો;
ગુણ તારા ગંગાધર ગાન કરે ગણી,સંભારે સનકાદિક જેવા સંત જો.  ગુણ. (૧)
પતિત તણી પાવન કરનારી સ્પર્શથી,દરશનથી દુઃખડાં કરનારી દૂર જો;
પાન કરે કોઇ જળ તારું જો પ્રીતથી,જન પામે તે અક્ષરધામ જરૂર જો.  ગુણ. (૨)
જળજંતુ તારા જળના તનને તજી;સ્વર્ગ વિષે સુંદર પામે છે સુખ જો;
તો તુજમાં સ્નેહે જે સ્નાન કરે સદા,ક્યાંથી ? તેને જ્ન્મ મરણનું દુઃખ જો.  ગુણ. (૩)
શ્રાદ્ધ કરે કોઇ આવી તુજમાં સ્નેહથી,પામે પૂર્વજ એના અતિ ઉદ્ધાર જો;
માટે દેશ વિદેશ થકી નર નરિયો,શ્રાદ્ધ કરે છે આવી, તુજમાં સાર જો.  ગુણ. (૪)
ગયા તીરથમાં શ્રાદ્ધ કરે જઇ સ્નેહથી,સરસ્વતીમાં શ્રાદ્ધ કરે સિદ્ધપુર જો;
તે સરવેથી પુણ્ય અધિક તે પામશે,કરશે તુજમાં જન જે શ્રાદ્ધ જરૂર જો.  ગુણ. (૫)
ગંગાને જમુના રે સરજ્યું સરસ્વતી,મહીસાગરને સાબરમતી સુખરૂપ જો;
એથી અધિક ગણાઇ ગુણવંત ગોમતી,નાહ્યાં તુજમાં કોટી ભુવનના ભૂપ જો.  ગુણ. (૬)
સોના દાન તથા કન્યાનું દાન છે,વિદ્યાદાન તથા ગૌદાન ગણાય જો;
તુજમાંહિ તે સ્નેહે સ્નાન કર્યા થકી,એ સરવેથી પુણ્ય અધિક પમાય જો.  ગુણ. (૭)
અક્ષરપદમાં જાવા જે ઇચ્છા કરે,તેહ કરે તુજ માંહિ સ્નાન ત્રિકાળ જો;
પૂનમને દિવસે જે પ્રીતે નહાય છે,તેની ટળે છે જન્મ મરણની જાળ જો.  ગુણ. (૮)
દર્શન શ્રીલક્ષ્મીનારાયણ દેવનાં,કરીને જન જે લે છે પ્રીતે છાપ જો;
નિરમલ જળ તારામાં આવી નહાય છે,પ્રજળે તે પ્રાણીનાં પાપ અમાપ જો.  ગુણ. (૯)
પુરુષોત્તમનાં ચરનકમલને સેવવા,દ્વારામતીથી આવ્યાં હરવા દુઃખ જો;
ધન્ય ધન્ય છે તમને રે ગુણનિધિ ગોમતી,ભાગી જનની કોટી જનમની ભૂખ જો.  ગુણ. (૧૦)
બુદેલખંડ તણો બ્રહ્મરાક્ષસ આવીને,એતો પામ્યો આપ વિષે ઉદ્ધાર જો;
અંતકાળે જળ તારું જો મુખમાં પડે.નર થાશે તેતો નૃપતિ નિરધાર જો.  ગુણ. (૧૧)
અક્ષરધામ તણા મુક્તો નિત્ય આવીને,તુજમાં સ્નાન કરે છે, તે ત્રિકાળ જો;
શારદ નારદ હારદ જાણી હેતથી;દરશન કરવા આવે દેવ દયાળ જો.  ગુણ (૧૨)
સર્વોપરિ અવતાર પ્રભુનો આ સમે,સર્વોપરિ છે મોક્ષ તણું કંઇ દાન જો;
દરશન છે સર્વોપરિ શ્રીપતિ દેવના,સર્વોપરિ છે ગોમતીજીમાં સ્નાન જો.  ગુણ. (૧૩)
જે નરદેહ ધરી તુજમાં નહાતા નથી,દેખી તુજને નમતા નથી લગાર જો;
તે પાપે તો ઘોર નરક વિષે પડે,ઘણી રીતે ત્યાં ગોથાં ખાય ગમાર જો.  ગુણ. (૧૪)
ધન્ય ધન્ય આ ધરણીને ધન્ય આ પુરને,ધન્ય તમને ઉધાર્યાં બહુ નરનાર જો;
વિશ્વવિહારીજીને છો વહાલા અતિ,ભારે ઘાટ કરાવ્યો ભભકાદાર જો.  ગુણ (૧૫)
_________________________________________
ગંગાધર = ગંગાજીના ધરનાર= સદાશિવ.
બુદેલખંદમાં ગ્વાલિયરના રાજ્યના કોઇ ગામમાં શ્રીમંત
વણીકના દિકરાને (બ્રહ્મરાક્ષસ) વળગ્યો હતો, તે વણીક
પુત્રને મહાભૂતનો વળગાડ , શ્રીવરતાલ ધામમાં ગોમતીજીમાં
સ્નાનથી નાશ થઇ ગયો હતો, ને બ્રહ્મરાક્ષસ ઉદ્ધાર પામ્યો,
એવી વાર્તા સંતમુખથી સાંભળી છે. 

મૂળ પદ

ગુણસાગર તીરથ તું ગુણવંત ગોમતી,

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી