સુણજો વિનતી દયા કરી , મુજ સ્વામી લઘુ ભ્રાત હે ! હરિ; ૧/૧

પદ-૨૧૨ …………………..૧/૧

શ્રીહરિ અયોધ્યાથી વર્ણિને વેષે વનમાં વિચર્યા

પછી શ્રીહરિના જેષ્ટબંધુ રામ પ્રતાપજી મહારાજનાં

પત્ની સુવાસિનિ બાઇનો વિલાપ.

(વૈતાળિય છંદ)

સુણજો વિનતી દયા કરી , મુજ સ્વામી લઘુ ભ્રાત હે ! હરિ;

તજીને અમને ગયા તમે, ન ઘટે નાથજી આવું આ સમે, (૧)

ઉર આશ અધિક તો હતી, પ્રભુ જાણે સુખ આપશે અતિ;

તજી બાળપણે ગયા અરે , મુજ આંખે થકી આંસુડાં ખરે. (૨)

તજી છે હરિ પાવ મોજડી, તજી ચાલ્યા જરીઆની ઝૂલડી;

જળઝારી અહીં પડી રહી, વનની વાટ હશે તમે ગ્રહી. (૩)

હરિ આપ સખા અહીં સહુ, દુઃખ પામે તમ વિણ શું? કહું;

ઘરમાં મુજને નહીં ગમે, મુજ સ્વામી પ્રભુ ખોળવા ભમે. (૪)

જોઇને ઘનશ્યામ મૂરતિ, ઉરમાં હું સુખ પામતી અતી ;

નિરખી મુખચંદ્ર આપનું, ટળતુ, દુઃખ ત્રિવિધ તાપનુ. (૫)

કહી ભાભી સમીપ આવતા, લઇ ખાવું ખુબ ખુશી તો થતા;

સમરું હરિ મુખ વેણને, સમરું નેહ ભરેલ નેણને. (૬)

પળ જુગ સમાન જાય છે, ઉરમાં કષ્ટ અપાર થાય છે;

બની છેક કઠીન છાતડી, નહીં તો ફાટી ન કેમ આ ઘડી. (૭)

રજની દિન ઝુરતી રહું, અબળા હું દુઃખ કેટલું સહું;

વિધિએ કરી હોત વાદળી, તવ શિરે પ્રભુ રહેત હું મળી. (૮)

મુજથી સદ્ભાગી ગુટકો, રહી અંગે તવ સંગમાં ટક્યો;

વિધિ તું અતિ ઠોઠરે ઠર્યો, પ્રભુનો કેમ વિજોગ તેં કર્યો. (૯)

દુઃખ આ કહું ક્યાં અરે જઇ, ક્યેમ જાશે અતિ વેદના સહી;

કરુણા કરુણાળુ રે કરી, હરખી ઘેર પધારિયે હરિ. (૧૦)

જનવત્સલ છો સદા તમે, સુધ લ્યો છો જનની સમે સમે;

ઉરમાં ધરીને વહાલજી , વળજો વિશ્વવિહારીલાલજી. (૧૧)

_____________________________________________

મુજ સ્વામી= મારા સ્વામીથી નાના ભાઇ શ્રીહરિ= દીયરજી

મૂળ પદ

સુણજો વિનતી દયા કરી , મુજ સ્વામી લઘુ ભ્રાત હે ! હરિ;

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી