અનિહાંરે ખેલત રંગ હોરી રે, ૧/૧

અનિહાંરે ખેલત રંગ હોરી રે,
સહજાનંદ જગવંદ             ખે.ટેક
બસન બસંતી લસંતિ બિહારી,
ધારે ધરમ ધુર ધોરી રે.       ખે.૧
 કેસર કુમકુમ અંગ અરગજા,
છિરકત રંગ બરજોરી રે       ખે.૨
રંગમેં રોરત રંગ રેલ રસિલે,
કેસર ગાગર ઘોરી રે.          ખે.૩
અવિનાશાનંદ ગરક કિયે રંગમેં,
ચંચલ જન ચિત્ત ચોરી રે.    ખે.૪
 

મૂળ પદ

અનિહાંરે ખેલત રંગ હોરી રે,

રચયિતા

અવિનાશાનંદ બ્રહ્મચારી

ઉત્પત્તિ

શ્રીજીમહારાજ એકવાર અમદાવદ પધાર્યા હતા. કાળુપુર વિસ્તારના નવાવાસમાં લીમડાના વૃક્ષ નીચે સભા ભરીને શ્રીહરિ વિરાજમાન હતા, ત્યારે વિરમગામના વિસનગરા નાગર વિપ્ર ભવાનીશંકર મનમાં એવો સંકલ્પ કરીને ત્યાં આવ્યા કે જો સહજાનંદ સ્વામી પોતાના બંને ચરણોમાં સોળે ચિહ્નો આબેહુબ દર્શન કરાવે તો તેમને ભગવાન માનું. સંપ્રદાયની તવારીખમાં આવા તો સેંકડો દ્રષ્ટાંતો નજરે ચડે છે જેમાં શ્રીજીમહારાજને પોતાના ભગવાનપણાના ડગલે ને પગલે પુરાવા આપવા પડ્યા છે, ત્યારે અસંખ્ય જીવોને તેમના સ્વરૂપનો નિશ્ચય અને ઉપાસના થયા છે. ભવાનીશંકર જેવા સભામાં આવ્યા તેવા જ મહારાજે તેમને નામ દઈને પોતાની પાસે બોલાવી પોતાના બંને ચરણારવિંદમાં સોળે સામુદ્રિક ચિહ્નો સુપેરે બતાવ્યા. પોતાનો સંકલ્પ સત્ય થતાં નાગર વિપ્ર શ્રીહરિના અનન્ય આશ્રિત બન્યા. ભવાનીશંકરના પત્ની યમુનાબાઈ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખ્યાતનામ જેતલપુરના ગંગામાની ભત્રીજી હતાં ભવાનીશંકરને બે પુત્રો હતા. મોટા બાપાલાલ અને નાના મોતીલાલ બાલ્યકાળથી જ વૈરાગ્યવાન હતા. મોતીલાલ પાંચેક વરસના થયા ત્યારે ભવાનીશંકર કાયમ માટે વિરમગામ છોડી અમદાવાદ રહેવા આવી ગયા. પિતાએ નાનેરા મોતીને મયા મહેતાની પાઠશાળામાં ભણવા મૂક્યા. પ્રારંભિક શિક્ષણ પૂરું કર્યા પછી મોતીલાલે ખાડિયા પોલીસ ચોકી પાસે રહેતા બાપુ શાસ્ત્રી પાસે સંસ્કૃતનો વિશદ અભ્યાસ કર્યો. મોતીલાલ પહેલેથી જ સ્વધર્મ-નિષ્ઠા અને કૃતનિશ્ચયી હતા. એક વાર એવું બન્યું: નાગર જ્ઞાતિમાંથી નાતની વાડીમાં ઘરના સર્વેને જમવા જવાનું આમંત્રણ આવેલું. મોતીલાલે ઘરમાં કહી દીધું – હું નાતમાં જમવા નહિ આવું, ઘરે ખીચડી રાંધી ખાઈશ, તેમના ભાભીને આ ન ગમ્યું. મોતીલાલ ખીચડી જમવા બેઠા ત્યારે ભાભીએ ભવાનીશંકરના કાન ભંભેર્યા, તેથી ડોસાએ ગુસ્સે થઈ બેચાર કડવાં વેણ બોલી ખીચડીની થાળી પાછી ખેંચી લીધી. બસ આટલી અમથી વાતે જ મોતીલાલના અંતરમાં ચટકી વૈરાગ્ય પ્રેર્યો. તેઓ તત્કાળ ઘર છોડીને ચાલી નીકળ્યા. ઘરેથી નીકળી મોતીલાલ સીધા જેતલપુર જઈ મંદિરમાં સદ્‍ગુરુ શ્રી આનંદાનંદ સ્વામી પાસે રહેવા લાગ્યા. ગં���ામાને ભાળ મળતાં તેમણે યમુનાબાઈને કહેવડાવ્યું કે મોતી જેતલપુર છે, તેથી મા તાબડતોબ જેતલપુર આવી મોતીલાલને સમજાવીને અમદાવાદ પરત લઈ ગયા, પરેંતુ આ બનાવથી મોતીલાલનું અંતર સંસારમાંથી સાવ ઊડી ગયું. કિશોરાવસ્થામાં ડગ માંડતાં જ મોતીલાલને યજ્ઞોપવિત આપવાંનું નક્કી થયું. વૈદિક સંસ્કાર કર્મ દરમ્યાન સામાજિક રિવાજ પ્રમાણે બટુકને ભિક્ષા પીરસવા તેમના સાસરિયા આવ્યા. એ વખતે બાળ બ્રહ્મચારી મોતીલાલે ભિક્ષાનો સાદર અસ્વીકાર કરી લગ્ન કરવા બાબત પોતાની અનિચ્છા દર્શાવી. આથી બડવો દોડાવીને તેમને બારોબાર કાળુપુર મંદિરમાં લઈ જવામાં આવ્યા. માત્ર સોળ વરસની કુમાર અવસ્થાએ સં. ૧૯૦૬માં મોતીલાને ધ. ધુ. આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજની નિશ્રામાં સદ્‍ગુરુ શ્રી વાસુદેવાનંદ બ્રહ્મચારીને સોંપવામાં આવ્યા. વાસુદેવાનંદ વર્ણીના સતત સહવાસમાં રહેવાથી મોતીલાલમાં સાહિત્ય પ્રત્યેની અદમ્ય અભિરુચિ અને પ્રબળ ભક્તિનિષ્ઠા જન્મ્યાં. એમના દ્રઢ વૈરાગ્ય અને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયને નિહાળીને આચાર્યશ્રીએ એમને બ્રહ્મચારીની ભાગવતી દીક્ષા આપી એમનું નામ શ્રી અવિનાશાનંદ બ્રહ્મચારી પાડ્યું. કાવ્ય-સર્જન પ્રત્યેની એમની તીવ્ર અભીપ્સા જોઈને આચાર્ય મહારાજે તેમને ભુજની ખ્યાતનામ કાવ્યશાળામાં અભ્યાસાર્થે મોકલ્યા. ત્યાં પૂરા પાંચ વરસ રહીને તેમણે પિંગળશાસ્ત્રનો સઘન અભ્યાસ કર્યો. અંતરના ઉત્કટ ભક્તિ ભાવોને હવે તેઓ કાવ્યરૂપે કથિત કરવા લાગ્યા. ભુજથી પરત અમદાવાદ આવ્યા બાદ તેઓ આચાર્યશ્રી સાથે મૂળી, વડતાલ, જેતલપુર તથા છપૈયાની ધર્મયાત્રામાં જોડાયા. આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી પ્રત્યે તેમના અંતરમાં અનન્ય ગુરુભાવ હતો. બ્રહ્મચારીની દિનચર્યા એક ભક્તકવિની દિનચર્યા જેવી રહેતી. દરરોજ પ્રાંત:કાળે ચાર વાગે બ્રાહ્મ મુહૂર્તમાં ઊઠી નારાયણ ધુન્ય, માનસી પૂજા તથા પ્રભાતી કીર્તનોનું પ્રગલ્ભગાન કર્યા બાદ શૌચ-સ્નાનાદિ પતાવી તેઓ મંદિરની પ્રાત:સભામાં વચનામૃતની ચિંતન-કથા કરતા. સભા સંપન્ન થયા પછી તેઓ પોતાના આસને જઈ સ્લેટ-પેન લઈ નવા કાવ્ય-કીર્તનોની રચના કરતા. બપોરના ભોજન બાદ થોડી વાર વામકુક્ષી કર્યા પછી તેઓ ફરી વચનામૃત ગ્રંથનું વાચન-મનન કરતા. ત્યાર બાદ સવારે સ્લેટમાં જે નવું કાવ્ય રચ્યું હોય તેના ઉપર ઊંડું ચિંતન કરી તેને મઠારી પાકી નોંધપોથીમાં ઉતારતા. સાંજે સ્નાન સંધ્યા પતાવી મંદિરમાં સંધ્યા આરતી કરી વાળુ કરવા મંદિરના રસોડે જતા. ત્યાર બાદ સભામંડપમાં યોજાતી રાત્રી સભામાં પોતાના નવા રચેલા કાવ્ય-કીર્તન ગાઈ સંભળાવી તેનો વિચાર-વિસ્તાર કરતા. રાત્રે નિત્યનિયમથી પરવારી અડધો કલાક ધ્યાન કર્યા પછી રાત્રે દશના સુમારે તેઓ સૂઈ જતા. શ્રી અવિનાશાનંદ બ્રહ્મચારી દેખાવે શ્રી બ્રહ્માનંદ સ્વામીની જેમ રુષ્ટપુષ્ટ હતા. તેમનું કાઠું નીચું અને બાંધી દડીનું હતું. તેઓ હાજરજવાબી અને સ્પષ્ટવક્તા હતા. તેમની પ્રકૃતિ ઉગ્ર અને ચહેરો તેજસ્વી હતો. એક વાર કાઠીયાવાડના એક દરબારે મજાકમાં તેમને ટોણો મારતાં કહ્યું: ‘શા તોપના ગોળા જેવા બ્રહ્મચારી છે?’ એક પળનો પણ વિલંબ કર્યા વિના બ્રહ્મચારીએ દરબારને પરખાવ્યું: ‘અમારા જેવા તોપના ગોળા ના હોત તો દરબાર, તમારા જેવા પાપના પહાડ તૂટત શી રીતે?’ દરબારની હાલત કાપો તો લોહી ના નીકળે એવી થઈ ગઈ. કહેવાય છે કે એક વાર કવિશ્વર દલપતરામ બ્રહ્મચારીને મળવા કાળુપુરના મંદિરે આવેલા, ત્યારે વાતમાં વાત નીકળતાં દલપતરામે પૂછ્યું: ‘બ્રહ્મચારી મહારાજ, નંદ સંત-કવિઓમાં આપના મતે સર્વશ્રેષ્ઠ કોણ?’ દલપતરામનો આવો અણધાર્યો વિકટ પ્રશ્ન સાંભળી મુંઝાવાને બદલે મર્મમાં મલકી બ્રહ્મચારીએ શીઘ્ર કાવ્ય પંક્તિઓ રચી ઉત્તર આપતાં કહ્યું: ‘બ્રહ્મમુનિ કવિ ભાનુ સમ, પ્રેમ મુક્ત દોઉં ચંદ, ઓર કવિ ઉડુગણ સમ, કહે કવિ અવિનાશાનંદ.’ દલપતરામ જેવા સિદ્ધહસ્ત કવિ પણ બ્રહ્મચારીનો આવો જડબાતોડ જવાબ સાંભળીને દંગ થઈ ગયા. કવિરાજ અવિનાશાનંદ બ્રહ્મચારીની સત્સંગ-સાહિત્ય સેવા અદ્‍ભુત હતી. તેમણે હરિરસ, વાસુદેવ મહાત્મ્ય, નિષ્કામ શુદ્ધિ, કવિપ્રિયા ઇત્યાદિ ગ્રંથો રચ્યાં છે. તેમનું એક કાવ્ય અવધવિહાર ઉચ્ચ કોટિનું સાબિત થયું હતું. તેમના એક કાવ્ય ‘લાંઘણજ લીલા’માં શ્રીજીમહારાજે લાંઘણજમાં કરેલા ચરિત્રોનો રસમય ઇતિહાસ છે. ‘છપૈયા માહાત્મ્ય’ નામના તેમના કાવ્યમાં તેમણે ભગવાન શ્રી સ્વામિનારાયણની જન્મભૂમિ છપૈયાનું અગાધ માહાત્મ્ય સુંદર રીતે ગાયું છે. તેમની મોટામાં મોટી સાહિત્ય સેવા તો એ છે કે તેમણે હરિલીલાસિંધુના સાત રત્નો ઉત્તર ગુજરાતમાં એકાંતવાસ સેવીને નવ વરસમાં પૂરા કર્યાં હતાં. બ્રહ્મચારી માણસા મંદિરમાં મહંતપદે પણ થોડો સમય રહ્યાં હતાં. ત્યાર બાદ તેઓ મકાખાડ અને માણેકપર એ બંને પાસપાસેના ગામોમાં ઘણું રહ્યાં. સં. ૧૯૩૯ના માગશર વદ ત્રીજના દિવસે માત્ર ૪૯ વર્ષની ઉંમરે બ્રહ્મચારીએ વરસોડા ગામમાં દેહોત્સર્ગ કર્યો. ત્યાં એમના દેહોત્સર્ગના સ્થાને ઝાંઝરીના કિનારે એમના સ્મારક સ્વરૂપે ઓટો આજે પણ વિદ્યમાન છે.

વિવેચન

આસ્વાદ : કવિરાજ અવિનાશાનંદ બ્રહ્માચારીએ પ્રસ્તુત હોળીપદમાં પોતાના પ્રિયતમ સ્વામી શ્રી સહજાનંદની ધ્યાનાકર્ષક હોળીખેલન રસિકક્રીડાનું રોચક નિરૂપણ કર્યુ છે. ‘અનિહાંરે’નો ઉપાડ અહીં ભાવના લાલિત્યને પોષક થાય છે. એ લહેકો કવિના અતૃપ્ત અંતરના ઉત્કટ દર્શનોલ્લાસને પ્રગલ્ભપણે અભિવ્યક્ત કરે છે. પહેલી જ પંક્તિમાં કવિ પોતાના ઇષ્ટદેવ સહજાનંદ સ્વામીને ‘જગવંદ’ જેવા વિશેષણથી નવાજી એમના પ્રત્યેના પોતાના અનન્ય પ્રેમ અને અપરિમિત આદરભાવને દર્શાવે છે. બસન બસંતી લસંતિ બિહારી, ધારે ધરમ ધુર ધોરી.... અહીં વર્ણાનુપ્રાસ અને શબ્દાનુપ્રાસનો સુભગ સમન્વય કરીને કવિએ ભાવનું તીવ્ર સ્પંદન પ્રગટાવ્યું છે. વાસંતી વસ્ત્રોમાં શોભતા શ્રીહરિને કવિ ધર્મધુરંધર કહીને બિરદાવે છે. સદ્‍ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ પણ અન્યત્ર લખ્યું છે: ’તમ વિના ધર્મધુર જેહ રે, બીજા થકી ન ઉપડે તેહ રે.’ ધર્મની ધુરા ધારણ કરવી એ સ્વયં પરમાત્મા અથવા પરમાત્મા પાસેથી આદેશપ્રાપ્ત વ્યક્તિ સિવાય શક્ય નથી. કસુંબલ વાસંતી વસ્ત્રોમાં સજ્જ થઈને શ્રીહરિ પોતાના પ્રેમી ભક્તો સાથે રંગલીલા રમવાનો પ્રારંભ કરે છે. એક બાજુ એકલા અવિનાશી અને બીજી બાજુ ભાવનાની રસસમાધિમાં રસબસ સંત સમાજ. છતાં પણ પ્રભુ એ સર્વેને બળપૂર્વક પોતાના કેસરવર્ણા કેસૂડાંના રંગમાં રંગીને રસબસ કરી નાખે છે. ચારેબાજુ રંગની ધુમ મચી છે. શૃંગાર રસ એની પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. રંગમેં રોરત રંગ રેલ રસિલે, કેસર ગાગર ઘોરી રે.... વેદોમાં પરમાત્માને રસો વૈ સ: | કહ્યાં છે. પરાત્પર પરબ્રહ્મ રસરૂપ છે, આનંદસ્વરૂપ છે. એમના સાનિધ્યમાં આનંદરસના ઓઘ ઉતરે છે. કવિને લાગે છે કે જાણે કેસર ઘોળીને એના રંગથી ભરેલી ગાગર પ્રભુ એમના ઉપર ઢોળીને એમને પોતાના રસમય સ્વરૂપના આનંદરસમાં તરબોળ કરી દે છે. શ્રીહરિની રંગલીલાનું દર્શન અનાયાસે ચિત્તને પ્રભુના સ્વરૂપમાં ગરકાવ કરી દે છે. શ્રીજીમહારાજની રંગલીલાનું આધ્યાત્મિક રહસ્ય સમજવા જેવું છે. કેસર, કુમકુમ, અબીલ, ગુલાલ ઇત્યાદિ રંગો મુમુક્ષુની આધ્યાત્મિક અભીપ્સાઓને સંતોષી એમને પોતાના દિવ્ય સ્વરૂપમાંથી નિષ્પન્ન થતા અનિવર્ચનીય આનંદમાં રસબસ કરી દે છે. હોળી ખેલન ક્રીડા એટલે બ્રહ્મ અને પરબ્રહ્મ વચ્ચેની અલૌકિક આનંદલીલા. અક્ષરધામમાં તો આવો રંગોત્સવ મહારાજ અને મુક્તો વચ્ચે અખંડ અને અવિરતપણે અનાદિકાળથી ચાલ્યા જ કરે છે! કાફી હોરી રાગમાં તરજ બાંધીને ગવાતું આ પદ અવિનાશાનાંદની રસિક રચના છે.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી