અક્ષરના વાસી વ્હાલો આવ્યા અવની પર ૧/૪

અક્ષરના વાસી વહાલો આવ્યા અવની પર,
	નવખંડ ધરતીમાં સ્વામી છતરાયા ચાલે રાલે રાજ	...ટેક.
અવનિ પર આવી વહાલે સત્સંગ સ્થાપ્યો,
	હરિજનને કોલ કલ્યાણનો આપ્યો રાજ		...અક્ષર૦ ૧
પાંચે વર્તમાન પાળે બાઈઓ ને ભાઈઓ,
	હરિજન સંગે કીધી સાચી સગાઈઓ રાજ		...અક્ષર૦ ૨
બાઈઓ દેખીને ભાઈઓ છેટેરા ચાલે,
	પડી વસ્તુ કોઈની હાથે નવ ઝાલે રાજ		...અક્ષર૦ ૩
દેવના દેવ વહાલો ધામના ધામી,
	પ્રગટ પ્રભુનું નામ સહજાનંદ સ્વામી રાજ		...અક્ષર૦ ૪
પ્રેમાનંદનો વહાલો આનંદકારી,
	પોતાના જનની વાલે લાજ વધારી રાજ		...અક્ષર૦ ૫

 

મૂળ પદ

અક્ષરના વાસી વ્હાલો આવ્યા અવની પર

મળતા રાગ

ધોળ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

કીર્તનનો અર્થ

ભાવાર્થઃ- સર્વથી પર એવા અક્ષરનો વાસી મારો વ્હાલો આ અવનિ ઉપર પધાર્યા છે. વળી, નવખંડ ધરતીમાં આ સહજાનંદસ્વામી છતરાયા ચાલે છે. એટલે કે ચૌદ કોટિ બ્રહ્માંડમાં સહજાનંદસ્વામીની રીતભાત જેવી રીતભાત કોઈની નથી. એની મૂર્તિ જેવી બીજા કોઈની મૂર્તિ પણ નથી. આજે આ અવનિ પર આવી મારે વ્હાલે શુદ્ધ શિરોમણિ સત્સંગ સ્થાપ્યો છે. હરિજનોને કલ્યાણનો કોલ આપ્યો છે કે, ‘ મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, બિરૂદ મારું એ ન બદલે તે સૌ જનને જણાવવું.” એ કોલ પ્રમાણે કરુણાનિધિ કલ્યાણ કરી રહ્યા છે. વળી, એમના આશ્રિત બાઈઓ અને ભાઈઓ અણિશુદ્ધ પંચવર્તમાન પાળે છે. વળી, ‘સત્સંગૈવ કુટુમ્બકમ્’ ના ન્યાયે સર્વ હરિજનો શ્રીહરિના સંબંધવાળા માની અરસ-પરસ સાચી સગાઈ કરી રહ્યાં છે. અગાઉ કોઈએ બાઈઓ-ભાઈઓની સભા પણ જુદી કરી નથી. જ્યારે આજે શ્રીહરિના સંબંધે બાઇઓને દેખી ભાઈઓ છેટેરા ચાલે છે. વળી, ઘેલા કોળીની જેમ દુષ્કાળ, એકાંત અને સુવર્ણનો ત્રિવેણી યોગ થવા છતાં પડેલી પારકી વસ્તુઓને હાથ પણ ન અડાડ્યો. એવા નિઃસ્પૃહી ભક્તોના ભગવાન કોણ છે, એનો ખ્યાલ સ્વામી અહીં આપે છે કે જે દેવના દેવ, ધામના ધામી એવા પ્રગટપ્રભુનું નામ સહજાનંદસ્વામી છે. વળી, મારો નાથ છે, આનંદકારી છે. એટલું જ નહીં પરંતુ પંચવર્તમાન પળાવી પોતાના જનની લાજ વધારી છે. II૧થી૫II

ઉત્પત્તિ

ઉત્પત્તિઃ- એક વખત ગઢપુરમાં દાદાખાચરના દરબારગઢમાં લીંબુતરુ નીચે સભા ભરાઈને બેઠી હતી. તે સભામાં શ્રીહરિ સંતો-ભક્તોને સંબોધીને વાત કરી રહ્યા હતા કે, ‘સંતો ! અમે આ લોકમાં કદી આવ્યા નથી અને આવશું પણ નહીં. પરંતુ આ વખતે અમે જે અવતાર ધારણ કર્યો છે, એ કાંઈક વિશેષ અલૌલિક અવતાર છે. આ પૃથ્વી ઉપર ઈશ્વરોના અનેક અવતારો અવતર્યા છે, અને મોક્ષની રીતો સૌએ પોતપોતાની રીતે પ્રવર્તાવી છે. પરંતુ મુમુક્ષુના હૃદયમાં આદિ અનાદિ કાળથી વાસ કરીને વસેલી વાસનાનો નાશ કરીને અર્થાત્ કારણ શરીરનો ભાવ ટાળીને કલ્યાણ કરે એવી રીત કોઈએ પ્રવર્તાવી નથી એવી રીત તો આ વેળા અમે જ પ્રવર્તાવી છે. આમ, જ્યાં શ્રીહરિ વાત કરે છે. ત્યાં સદ્ગુરુમુક્તાનંદસ્વામી સુરત સત્સંગ વિચરણ કરી, તે સભામાં પધારે છે. એટલે શ્રીહરિએ ખૂબ જ આનંદથી સ્વામીનો આદર સત્કાર કરી પોતાની બાજુમાં બેસવા આસન પથરાવ્યુ. તે ઉપર સ્વામીને બેસાડી સુરતના સર્વ સમાચાર પૂછવા લાગ્યા. સમાચાર આપતાં મુક્તમુનિએ કહ્યું કે. ‘મહારાજ! આપના પ્રતાપે અને આપના સંબંધે અનેક મુમુક્ષુ નર-નારીઓ ચુસ્ત ધર્મ-નિયમ પાળતાં થયાં છે. મહારાજ ! અનેક ભક્તોએ વ્યસનો તો છોડ્યાં છે, પણ ઘણા ભક્તો તો વિષયને પણ છોડતા થયા છે. પરસ્ત્રી મા-બેન સમાન માનનાર થયા છે. અને પરધનને વિષ્ટા તરીકે દેખે છે. મહારાજ ! એક વિશેષ વાત કહુ ?’ ‘હા, સ્વામી કહોને.’ મહારાજે કહ્યું. “પ્રભુ! આ કારમા દુષ્કાળમાં આ બાજુના અનેક માનવો સુરતમાં કપરો કાળ પસાર કરવા આવ્યા હતા. એમાં લોયા નાગડકાના ભક્તરાજ ઘેલા કોળી પોતાના ધર્મપત્ની સાથે સુરત આવતા હતા. તેવામાં નિર્જન રસ્તામાં પડેલો પગનો સોનાનો તોડો જોઈ આગળ ચાલી રહેલા ઘેલા ભક્તે પાછળ આવી રહેલા પોતાના ધર્મપત્નીની વૃત્તિ બગડે નહીં તે માટે પેલા સોનાના તોડા ઉપર ધૂળ વાળી દીધી. આ જોઈ પત્નીએ કહ્યું કે, ‘પતિદેવ! પારકા સોનાને તમે સોના તરીકે જોયું ને! મારે મન તો આપણને જે દિ’થી સ્વામીનારાયણ ભગવાન મળ્યા છે તે દિ’થી પારકું દ્રવ્ય તો વિષ્ટા સમાન થઈ ગયું છે. માટે લાવો પતિદેવ ! તમારા પગ ધોવા પડશે.’ એમ કહી તેમણે ઘેલા ભક્તના પગ ધોયા. મહારાજ ! આ બધો પ્રતાપ આપનો જ છે, આપના સંબંધે અનેક મુમુક્ષુઓ મુક્ત સ્થિતિને પામ્યા છે. એટલે જ જુઓને કોળી જેવી જ્ઞાતિમાં જન્મેલ વળી, ભયંકર દુષ્કાળ અને એકાંત સ્થળ- આમ ત્રિવેણી સંયોગ થવા છતાં પારકા દ્રવ્યમાં લેવાયા નહીં. એ કેટલી ઉચ્ચ સ્થિતિ કહેવાય?” મુક્તાનંદસ્વામી પાસેથી ઘેલા ભક્તની વાત સાંભળી શ્રીહરિએ કહ્યું કે, ” સ્વામી ! તમે આવ્યા પહેલા આ સંતોને હું એ જ કહી રહ્યો હતો કે પૃથ્વી પર અમે પ્રગટ થઈ આત્યંતિક મોક્ષની અદ્ભુત રીત પ્રવર્તાવી છે. અમારા સંતો તો અષ્ટપ્રકારના સ્ત્રીધનના ત્યાગી છે, પરંતુ આવી નીચી જ્ઞાતિનાં નર-નારીઓ પણ આજ અમારા અંગે નિર્વાસનિક થયા છે. પંચવર્તમાન પાળતા થયા છે. સ્વામી ! આજે તમે ખૂબ સારા સમાચાર આપ્યા. માટે આશીર્વાદ આપું છું કે આજથી અમારું કે અમારા સાધુનું કે આવા સત્સંગીનાં જે કોઈ દર્શન કરે, એને જમાડે એનું જમે, એના ગોળાનું પાણી પીએ કે એના ગુણ લ્યે એનું પણ આત્યંતિક કલ્યાણ થશે.” આમ વાત કરી રહેલા શ્રીહરિને ધ્યાનથી સાંભળી રહેલા પેમાનંદસ્વામી આ વાતને કીર્તનમાં કંડારતા ગયા. તે જાણી અંતર્યામી પ્રભુએ પ્રેમસખીએ રચેલા કીર્તન ગાવાની આજ્ઞા કરી. પરંતુ પ્રેમાનંદ સ્વામી ઘણી શરમાળ પ્રકૃતિના હોવાથી મુંઝાયેલ અંતરને વાચા ફૂટી અને તે સમે શ્રીહરિએ જે વાત કરી તે વાતને કીર્તન સ્વરૂપે ગાવા લાગ્યા આ છે એ ઘેલા ભક્તના પ્રસંગની પ્રસાદી.

વિવેચન

રહસ્યઃ- કવિએ પ્રગટપ્રભુના અવતરણનો હેતુ અને પ્રવર્તાવેલી અનુપમ રીતનો ચિતાર આબેહૂબ આપ્યો છે. એક્તાનો ભાવ અને વચનમાં ટેકની મહત્તા સહજમાં વર્તાય છે. પ્રભુનું પ્રાગટ્ય કવિને અદ્ભુત લાગ્યું છે. પ્રસ્તુત પદનો રાગ-ઢાળ સુગેય છે. લોકભોગ્ય છે. તાલ કહરવા છે.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયાપરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
15
23
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


સત્સંગ સાગર
Studio
Audio
27
10
 
આખું
ડાઉનલોડ
વિડિયો
સંતવૃંદ સમૂહગાન
મેઘ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય
પરંપરાગત
શ્રીહરિની સ્વભાવિક ચેષ્ટા
Studio
Audio & Video
17
12