સરસર પર સધર અમરતર અનુસર ૧/૧

 સરસર પર સધર અમરતર અનુસર, કરકર વરધર મેલ કરે;
હરિહરસુર અવર અછર અતિ મનહર, ભરભર અતિ ઉર હરખ ભરે;
	નીરખત નર પ્રવર પ્રવરગણ નીરજર, નિકટ મુકટ શીર સવર નમે;
	ઘણ રવ પટ ફરર ઘરર પદ ઘૂંઘર, રંગભર સુંદર શ્યામ રમે...૧
ઝણણણણણ ઝણણ ખણણ પદ ઝાંઝર, ગોમ ધણણ ગણણણ ગયણે,
તણણણ બજતંત ઠણણ ટંકારવ, રણણણ સુર ઘણણણ રયણે;
	ત્રહ ત્રહ અતિ ત્રણણ ઘ્રણણ બજત્રાંસા, ભ્રમણ ભ્રમરવત રમણ ભમે,
	ઘણ રવ પટ ફરર ઘરર પદ ઘૂંઘર, રંગભર સુંદર શ્યામ રમે...જીયરંગ૦ ૨
ઝટપટ પટ ઉલટ પલટ નટવટ ઝટ, લટપટ કટ ઘટ નિપટ લલે;
કોકટ અતિ ઉકટ ત્રુટક ગતિ ધીનકટ, મન ડર મતલટ લપટ મલે;
	જમુના તટ પ્રગટ અમર અટ રટ જુટ, સુર થટ ખેખટ તેણ સમે;
	ઘણ રવ પટ ફરર ઘરર પદ ઘૂંઘર, રંગભર સુંદર શ્યામ રમે...૩
ઘમ ઘમ અતિ ઘમક ઠમક પદ ઘુંઘર, ધમધમ ક્રમસમ હોત ધરા;
ભ્રમ ભ્રમવત વિષમ પરિશ્રમ વત ભ્રમ, ખમખમ દમ અહિ વિફમ ખરા;
	ગમગતિ અતિ અગમ નિગમ ન લહત ગમ, નટવટ રમઝમ ગમ મનમેં;
	ઘણરવપટ ફરર ઘરર પદ ઘૂંઘર, રંગભર સુંદર શ્યામ રમે...૪
ગતગત પર ઉગત તૂગત નૃત પ્રિયગત, રત ઉનમત ચિત્ત વધત રતિ,
તતપર ધ્રત નચત ઉચત મુખ થૈતત, આવ્રત અત ઉત ભ્રમત અતિ;
	ધીધીતત ગત બજત મૃદંગ સુર ઉધધત, ક્રત ભ્રત નરતત અતંત ક્રમે,
	ઘણ રવ પટ ફરર ઘરર પદ ઘૂંઘર, રંગભર સુંદર શ્યામ રમે...જીયરંગ૦ ૫
થનગન તન નચત પવન પ્રચલન થન, સુમન ગગન ધુન મગનસુરા,
મન મન વર કૃષ્ણ પ્રશન ઘન તન મન, ધન ધન વન ધન તાસ ધરા;
	વિસરે તન ભાન ખાન પાન વિધિ, ગાન તાન જેહિ કાન ગમે,
	ઘણ રવ પટ ફરર ઘરર પદ ઘૂંઘર, રંગભર સુંદર શ્યામ રમે...જીયરંગ૦ ૬
ઢલઢલ રંગ પ્રગલ અઢલ જન પર ઢલ, ઝલ ઝલ અનકલ તેજ ઝરે,
ખલખલ ભુજ ચુડ ચપલ અતિ ખલકત, કાન કતોહલ પ્રબલ હરે;
	વલવલ ગલહસ્ત તુમલ ચલ ચિતવલ, જુગલ જુગલ પ્રતિરંગ જમે,
	ઘણ રવ પટ ફરર ઘરર પદ ઘૂંઘર, રંગભર સુંદર શ્યામ રમે...જીયરંગ૦ ૭
સરવસ વસ મોહ દરસ સુરથીત શશી, અરસપરસ ત્રસ ચરસ અતિ,
કસકસ પટ હુલસ વિલસ ચિત આક્રસ, સરબસ ખુસ હસ બરસ રતિ;
	દ્રસ નવરસ સરસ ભયો બ્રહ્માનંદ, અનરસ મનસ તરસ અથમેં,
	ઘણ રવ પટ ફરર ઘરર પદ ઘૂંઘર, રંગભર સુંદર શ્યામ રમે...જીયરંગ૦ ૮
 

મૂળ પદ

સરસર પર સધર અમરતર અનુસર

મળતા રાગ

રેણકી છંદ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

નોન સ્ટોપ કીર્તન વિગત

નોન સ્ટોપ-૮

કંઠિ ધાર ટિકા કિયા ૦૧-૪૦ થી ૧૧-૩૫ સુધી

ભટ વેદ પઢંદા, સંધ્યા ૧૧-૩૫ થી ૨૧-૦૦

સરસર પર સધર અમર ૨૧-૦૦ થી અંત સુધી

કીર્તનનો અર્થ

અર્થઃ-   તે જમનાજીના કાંઠા કાંઠા ઉપર સધર એટલે સારા દેવતરુ એટલે કલ્પવૃક્ષનાં જેવાં ઝાડ જોર કરીને મતલબ કે ફળને ભારે નમી નમીને પૃથ્વીનો મેળાપ કરે છે. ને તે સમે આકાશમાં હરિ એટલે ઈન્દ્ર શિવ તથા બીજા દેવતાઓ અને અતિશે મનને હરણ કરે એવી અપ્સરાઓ તે ભરી ભરીને અંતઃકરણમાં અતિશે હરખ ભરે છે. અને નર રૂપે ગોવાળિયાઓ ત્યાં પરવરી પરવરીને એટલે જઈ જઈને નિરખે છે. તથા નિર્જર એટલે દેવતાઓના જથા કે જેઓને માથે મુગટ ધરેલા છે તે નિકર એટલે જથાબંધ  વર એટલે મોટેરા સહિત ભગવાનને નમે છે. ત્યાં ઘણા શબ્દ થાય છે. લૂગડાં ફરર થાય છે. અને પગના ઘુઘરા ઘરર વાગે છે. અને રંગ ભર્યા સુંદરશ્યામ રમે છે. ૧

અર્થઃ-   ઝણણણણણ ઝણણ અને ખણણ એમ પગનાં ઝાંઝર વાગે છે. (ગો) પૃથ્વી ઘણણણ થાય છે. અને ગયણ એટલે આકાશમાં ગણણણ એવો શબ્દ થાય છે  અને તણણ એમ સરોદાની તાંત વાગે છે અને ઠણણ એમ મંજીરાના ટકોરા થાય છે તથા બીજા વાજાના રણકારા તથા ઘણકારાના સ્વર તે રાત્રિમાં થાય છે ત્રણ ત્રણ ત્રણણ અને ધ્રણણ એમ અતિશે ત્રાંસાં વાગે (પે-૩૭) છે. અને જેમ ભમરા ભમે તે રીતે ગોપ ને ગોપિયો રમણ કરતાં ભમે છે. ત્યાં ઘણા શબ્દ થાય છે. ૨

અર્થઃ-   ઝટપટ લૂગડાં અવળાં સવળાં થઈ જાય છે અને નટની પેઠે લટપટ થઈ જઈને કેડેથી શરીર અતિસે લળે છે. કોઈ તો કેડેથી અતિસે ઉત્કૃષ્ટ રીતે ત્રણ કટકા એટલે નિભંગીની રીતે ઘણી કેડ મરડે છે. અને મનમાંથી લોકલજ્જાનો ડર મટી ગયો છે. અને પરસ્પર લટીને લપટ થઈને મળી ગયાં છે. જમુનાજીને કાંઠે પ્રગટ ભગવાન અમટ એટલે અવિનાશી અટન એટલે ફરવામાં અને રટન એટલે ગાવામાં જોડાયા છે. તે સમે દેવતાઓનો (થટ) જથો આકાશમાં ઊભો છે. ત્યાં ઘણા શબ્દ થાય છે. ૩.

અર્થઃ-   પગના ઘૂઘરાના ઘમ ઘમ ઘમકારા અને ઠમકારા અતિશે થાય છે. અને ધમ ધમ એમ પગલા માંડે છે. તેથી પૃથ્વી ઊંચીનીચી હોય તે સરખી થઈ જાય છે. એમ મંડળને ફેરફુંદડી ફેરવે છે. તેથી વિશમ એટલે સહન ન થઈ શકે એવો પરિશ્રમ એટલે મહેનત પડે એવી રીતે ભમાવે છે તેથી શેષનાગ દુઃખ સાંખી સાંખીને વિફમ એટલે ભાન ભૂલીને ઊભો રહ્યો છે. જે ભગવાનનું જ્ઞાન અને ગતિ (પે-૩૮) અતિશય છે.તેનું પુરું જ્ઞાન શાસ્ત્ર કે વેદ લઈ શક્તા નથી. તે ભગવાન નટની જેમ રમઝમ નાચે છે. તેનું જ્ઞાન તેમનાં જ મનમાં છે. ત્યાં ઘણાં  શબ્દ થાય છે. ૪

અર્થઃ-   જુદી જુદી ચાલ ઉપર ઉક્તિ એટલે વાણી બોલે છે. અને તેમજ પિયા એટલે ભગવાન જેવી ચાલ ચાલે તેવી ચાલ ઉપર પોતાની ચાલ બીજાઓ ચાલે છે. અને સૌ ઉન્મત્ત રહે છે અને ચિત્તમાં પ્રીતિ વધે છે. તત્પરપણું એટલે હોંશિયારી ધરીને નાચે છે. અને મુખેથી થેઈતત થેઈતત એમ ઉચરે છે. અને આમતેમ અતિશે ફુદડી ફરે છે. ત્યાં મૃદંગ ધિધિતત ધિધિતત એવી ગતિથી વાગે છે. તેનો સ્વર ઉધ્ધત એટલે ઉંચો થાય છે. અને સૌને ભ્રત એટલે દાસ કરી લીધાં છે. તેઓ અત્યંત અનુક્રમે નાચે છે. ત્યાં ઘણા શબ્દ થાય છે. ૫.

અર્થઃ-   ગોપી અને ગોવાલ શરીરે થનગન થન ગન નાચે છે. (થન) તે સ્થાને પવન ચાલતો નથી, અને આકાશમાં દેવતાઓ મગ્ન થઈને ધુનિ કરે છે , અને સુમન એટલે પુષ્પ વરસાવે છે. અને તેઓ મનમાં એમ માને છે કે વર એટલે સુંદર શ્રીકૃષ્ણ જેના (પે-૩૯) ઉપર પ્રસન્ન થયા છે. તેઓના તનને અને મનને ધન્ય છે. તથા તે વ્રંદાવનને અને તે પૃથ્વીને ધન્ય છે. જેઓને તે ભગવાનનું ગાન તાન ગમે છે. તેઓને શરીરનું ભાન વિસરી ગયું અને ખાવા પીવાની રીત પણ વિસરી ગઈ. ત્યાં ઘણા શબ્દ થાય છે. ॥૬ ॥

અર્થઃ-   ત્યાં ભગવાન દયાથી પીગળીને દયાના રંગ વડે વ્રજજન ઉપર ઢળી ઢળીને અઢળક ઢળ્યા છે. અને તેમના શરીરનું તેજ કળી શકાય નહીં. એવું ઝળઝળાટ થઈ રહ્યું છે. ગોપિયોના હાથની ચૂડિયો અતિ ચપલ અને ખલ ખલ એમ ખખડે છે અને ત્યાં શ્રીકૃષ્ણ ભગવાન મોટું કૌતક કરે છે. એક બીજાને ગળે હાથ વાળી વાળીને તેમજ ચપલ ચિત્ત તે પણ વળી વળીને મળી ગયાં છે અને બબે જણ વચ્ચે રંગ જામ્યો છે. ત્યાં ઘણા શબ્દ થાય છે. ૭.

 

            અર્થઃ-   તે દેખીને સર્વે મોહને વશ થઈ ગયાં. અને સૂરજ અને ચંદ્ર પણ સ્થિર થયા અને ગોપી તથા ગોવાળાને પરસ્પર તે રાસ રમવાની તૃષ્ણા તથા ચડસ અતિશય વધ્યો છે. લૂગડાં તાણીને પહેરી પહેરીને હુલ્લાસથી વિલસે છે. અર્થાત્ રમે છે. અને એક બીજાના ચિત્તનું આકર્ષણ કરે છે. અને રસબસ થઈને ખૂશી થઈ ને હસે છે અને પ્રીતિની વૃષ્ટિ થઈ રહી છે. બ્રહ્માનંદ સ્વામી કહે છે. (પે-૪૦) કે નવરસમય ભગવાનનું દર્શન સારૂં થયું અને અનરસ એટલે ખોટો રસ તથા તૃષ્ણા આથમી ગઈ ત્યાં ઘણા શબ્દ થાય છે.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
હસમુખભાઈ પાટડિયા
ચરચરી છંદ
અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત (સ્વરકાર)
નોન સ્ટોપ છંદ-૮
Studio
Audio
24
6