અજ્ઞાન હોવાને કારણે, ઇચ્છા રહે મનમાંય ૧/૧

અજ્ઞાન હોવાને કારણે, ઇચ્છા રહે મનમાંય;
	‘જ્ઞાન’ ઇચ્છાને કારણે, સંકલ્પ થઈ જાય...૧
ભક્તસંકલ્પને ભૂધરો, સફળ કરે સદાય;
	‘જ્ઞાન’ તેથી આ જીવને, કર્મો વિધ વિધ થાય...૨
કર્મો થાતાં આ જીવને, વાસના વધતી જાય;
	‘જ્ઞાન’ વાસનાને કારણે, ઇચ્છા રહે મનમાંય...૩
ઇચ્છા સંકલ્પ ને કર્મો, ક્રમશ થાતું જાય;
	‘જ્ઞાન’ અજ્ઞાન ટાળતાં, સદા સુખિયાં થવાય...૪
અજ્ઞાન અંતરથી કાઢવા, જોઈએ સામું જ્ઞાન;
	યથાર્થ જોઈએ જાણવા, જીવ માયા ભગવાન...૫
ત્રણના પૂરા ‘જ્ઞાન’થી, ખબર પડે મનમાંય;
	સાચા જાણી શ્રીહરિ, વૃત્તિ રહે પછી ત્યાંય...૬
વૃત્તિ રહેતાં શ્રીજીમાં, પ્રીત અતિશે થાય;
	‘જ્ઞાન’ અખંડવૃત્તિ પછી, આપોઆપ થઈ જાય...૭
વૃત્તિ અખંડ રાખતાં, વાલોજી વશ થાય;
	‘જ્ઞાન’ અખંડ પછી શ્રીહરિ, સર્વત્ર અનુભવાય...૮
માટે અજ્ઞાન ટાળવા, સાચું કરવા ‘જ્ઞાન’;
	અતિ નિર્માની થઈને, સેવવા સંત મહાન...૯
જાણ્યા વિના શ્રીહરિ, એકવાસના ન થાય;
	એકવાસના થયા વિના, બીજી ઇચ્છા ન જાય...૧૦
બીજી ઇચ્છા ટળ્યા વિના, સંકલ્પો બંધ ન થાય;
	‘જ્ઞાન’ સંકલ્પો ટળ્યા વિના, વિરામ ક્યાંથી થાય...૧૧
મૂર્તિમાળે વિરમ્યા પછી, અખંડ આનંદ થાય;
	‘જ્ઞાન’ યથાર્થ પામવા, સદ્‌ગુરુ સેવો સદાય...૧૨
અજ્ઞાન હોવાને કારણે, મનમાં રહે છે માન;
	માન બચ્યું જો મનમાં, તો ઈર્ષા રહે નિદાન...૧૩
કારણ સર્વે દુ:ખનું, એક જ છે અજ્ઞાન;
	સર્વે સુખનું મૂળ સદા, જાણજો એક જ જ્ઞાન...૧૪
 

મૂળ પદ

અજ્ઞાન હોવાને કારણે, ઇચ્છા રહે મનમાંય

મળતા રાગ

દોહરા (પૂર્વછાયો)

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી