વ્રજનારી વધાવા જાયે રે નાગર નંદના નંદાને ૧/૪

વ્રજનારી વધાવા જાયે રે, નાગર નંદના નંદાને ;
ઘેરે સ્વર મંગળ ગાયે રે, કાનકુંવર સુખકંદાને.
ચોખલિયા ચોડયા ભાલ રે, નાગર નંદના નંદાને ;
જોઇ રૂપ થઇ નિહાલ રે, ગોકુળ કેરા ચંદાને.
જય જય બોલે નરનાર રે, નાગર નંદના નંદાને ;
જાય વારણિયે બહુ વાર રે, કોમલ બાલમુકુંદાને.
લઇ માત ઉતારે લૂણ રે, નાગર નંદના નંદાને ;
બ્રહ્માનંદ કહે જાણે કુણ રે, ગૂઢ ચરિત્ર ગોવિંદાને.

મૂળ પદ

વ્રજનારી વધાવા જાયે રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ઉત્પત્તિ

ઉત્પત્તિ- એક વખત શ્રીહરિએ ફૂલડોળનો ઉત્સવ ખૂબજ ધામધૂમપૂર્વક વડતાલ જ્ઞાનબાગમાં ઊજવવાનું નક્કી કર્યું. ઈષ્ટદેવની ઈચ્છા સમજી વૈરાગ્યમૂર્તિ શ્રીનિષ્કુળાનંદ સ્વામીએ વિશ્વકર્માની કળાની ઝાંખી કરાવતો અદ્ભુત કારીગરીસભર બાર બારણાંનો હિંડોળો બનાવ્યો. અને એક આંબાની મજબૂત ડાળે એ હિંડોળો બાંધ્યો. ખૂબ જ ઉત્સાહભેર રંગોત્સવ રમ્યા પછી સંતો-ભક્તોની પ્રેમભીની વિનંતીથી પરમક્રુપાળુ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણ એકી સાથે બાર-સ્વરૂપ ધારણ કરી એ દ્વાદશદ્વારના હિંડોળામાં બિરાજ્યા આવાં અનંત સ્વરૂપે અલૌલિક દર્શન કરી લાખો ભક્તોનાં હૈયાં અતિ આનંદથી હિલોળા લેવા લાગ્યાં. વિશાળ મેદાનમાં છેલ્લે ઊભેલ ભક્તો પ્રભુની પૂજા કરવા હાર અદ્ધર કરે કે તુરત શ્રીહરિ લાકડી દ્વારા હાર લઈ પોતે ધારણ કરે. હિંડોળો ઝૂલતો અને ફરતો હતો. તેથી બારેબાર સ્વરૂપનાં દર્શન ભક્તોને અદ્ભુત રીતે થઈ રહ્યાં હતાં. આનંદનો મહાસાગર હિલોળે ચડ્યો હોય ત્યારે અષ્ટ નંદસંતોનો વાક્પ્રવાહ શાંત હોય ખરો ? એ કવિઓના હૃદયકમળમાંથી કલાકૃતિસભર પ્રસંગોચિત્ પૂજાપાની થાળીરૂપે કાવ્યકુસુમો ખરી પડ્યાં. આ રહ્યું એ પ્રસંગની યાદ તાજી કરતું વધાઈનું પદ.

વિવેચન

ભાવાર્થઃ- વડતાલમાં ઉમટેલ ભક્તોને વ્રજનારી તરીકે સંબોધી સ્વામી કહે છે કે આજ નંદના નંદને વધાવવા માટે અનેક ભક્તો ભાવોત્સુક બન્યા છે. સુખકંદ એવા કાનકુંવરને માટે અનેક ભક્તો ઘેરે સ્વરે મંગળ વધાઈ ગાઈ રહ્યા છે. ii૧II નટવરનાથને ભાલમાં કુમકુમ સાથે સુંદર ચોખા ચોડ્યા છે. ચકોર ભક્તના ચંદ એવા મનમોહક મનોહર માવનું રૂપ જોઈ સૌ નિહાલ થઈ પૂર્ણકામપણાને પામ્યા છે. Ii૨II આજ આનંદનિધિ ઉમટતાં જયકારી જગદીશની જય ભક્તો ભાવવિભોર બની બોલી રહ્યા છે. જે કોમળ છે, દયાળુ છે, ભક્તવત્સલ છે એવા ભગવાન બાલમુકુંદના વારણે ભક્તો વારંવાર જાય છે. Ii૩II આનંદિત ચહેરે ભક્તો જેનું લૂણ ઉતારે છે, એવા ગોવિંદના ગૂઢચરિત્રને બ્રહ્માનંદસ્વામી કહે છે કે કોણ જાણી શકે ? ii૪II રહસ્યઃ- પદનો ઢાળ ત્રણ તાલનો રાસડો છે. દ્રુત લયમાં વાગે છે. રાગ, ઢાળ, લય અને શબ્દો વાતાવરણમાં આનંદની ઝલક ફેલાવે તેવા છે. કવિ હૈયાના હિલોળાથી હરિવરને હુલાવતા હોય એવો ભાવ આ પદમાં રજૂ કરવામાં આવ્યો છે. પદ સુગેય છે. પ્રાસ રચના અદ્ભુત છે.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૪
Studio
Audio
3
4