મેં તો સગપણ કીધું રે, કે શામળિયા સાથે, માવાનું મેણું રે ૧/૪

મેં તો સગપણ કીધું રે, કે શામળિયા સાથે;
			માવાનું મેણું રે, કે લીધું છે માથે...૧
તન મન ધન સર્વે રે, કે મિથ્યા ધારીને;
			વરી મગન થઈને રે, કે કુંજવિહારીને...૨
તુચ્છ જાણી સર્વે રે, કે લજ્જા ત્યાગીને;
			મોહનનું મેણું રે, કે લીધું માગીને...૩
દુર્મતિ દુર્જનિયાં રે, કે કહીને શું કરશે;
			પોતાને પાપે રે, કે બળી બળીને મરશે...૪
મતવાલા સંગે રે, કે થઈ છું મતવાલી;
			માથાથી મોંઘા રે, કે કીધા વનમાળી...૫
ખાંતે હું ખેલું રે, કે સુંદરવર સંગે;
			બ્રહ્માનંદ કહે રીઝી રે, કે રસિયાને રંગે...૬
 

મૂળ પદ

મેં તો સગપણ કીધું રે, કે શામળિયા સાથે

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

નોન સ્ટોપ કીર્તન વિગત

નોન સ્ટોપ-૧૦

મેં તો સગપણ કીધુ રે કે શામળિયા સાથે (૨૦-૨૬)

કીર્તનનો અર્થ

ભાવાર્થઃ- રકઝકના ત્રીજા દિવસે વાક્દાન થયેલી બન્ને દેવકન્યાઓએ સ્ત્રીહઠ લીધી. અને લાડુદાનને સંદેશો કહેવડાવ્યો કે અમોને તમે નહીં વરો તો અમો ચારણ કન્યાઓ છીએ તે મરવાથી નહીં બીએ. અમારાં બન્નેનાં માથાં તલવારથી ઉતારી આપના ચરણે ધરી આપને બે સ્ત્રી હત્યાનું પાપ વળગાડીશું. સમજીને સહજાનંદને શરણે થયેલા બ્રહ્માનંદ કાંઈ એ ડારાથી ડરી જાય એમ નહોતા. તેઓશ્રી દ્રઢ નિશ્ચયી હતા. પ્રગટનો મહિમા ભરપૂર હતો. વળી શૂરવીર સંત હતા. એટલે એ કન્યાઓના કડકડાટને કોતરી જાય એવા સણસણતા શબ્દોસભર સ્વામી એક ચોસર રચીને તેઓને મોકલે છે. તેમાં સ્વામી કહે છે મેં તો શામળિયા સહજાનંદ સાથે દ્રઢ સગપણ કરી લીધું છે. એ માવાનું મેણું મારા માથે લાગી ગયું છે. નાશવંત એ દેહ અને દેહના સગાં-સંબંધી તેમ જ અસાર અને ચંચળ ધનસંપત્તિને મેં મિથ્યા માની છે. અને ભક્તોરૂપી બગીચામાં વિહરનારા કુંજવિહારીને આનંદપૂર્વક વરી ચૂક્યો છું.II૧-૨II આ લોકની તમામ વસ્તુઓને તુચ્છ જાણીને તથા લોકડિયાની લજ્જાનો ત્યાગ કરીને મોહનવરનું મેણું મે માગી લીધું છે. એટલે દુષ્ટમતિવાળા દુરિજનિયા હવે શું કહેવાના છે ? એ તો આ પ્રગટ ભગવાન અને તેના સંબંધવાળા ભક્તોનો અવગુણ લેવારૂપ પાપથી બળી મરશે. એને ભલેને જેમ બોલવું હોય તેમ બોલે, પણ હું તો મતવાલા સંગે મતવાલી થઈને રાચી છું. તમે બન્નેએ તો એક–એક માથું ઉતારવાની વાત કરી, પરંતુ આ મહારાજ સો માથાથી પણ મોંઘા છે. માટે જ મેં મારા માથાંથી મહારાજને મોંઘા કરીને માન્યા છે. એટલે જ તો હું, આનંદપૂર્વક એની આગળ ખેલું છું. સ્વામી કહે છે કે આ રસિકવર રસિયાને સંગે હું રીઝી કે’તા આનંદ પામી છું. માટે હવે તમે ગમે તેમ કરો તો પણ હું ફરી પાછો સંસારમાં આવવાનો નથી. તમારે મરવું હોય તોય ભલે ! જાવું હોય તોય ભલે ! અને મારી જેમ આ ભગવાનની ભક્તિ કરી છેલ્લો જન્મ કરી લેવો હોય તો કૃતનિશ્ચયી બની સંસારનો મળવત્ ત્યાગ કરી અહીં રહી ભક્તિ કરવામાં લાગી જાવ. કહેવાય છે કે આ પદો વાંચીને એ લાડુદાનની સાથે વાકદાનથી વરી ચૂકેલ ખીમબાઈ અને મોજબાઈએ સાંખ્યયોગ ગ્રહણ કરી શેષ જીવન શ્રીજી મહારાજની સાન્નિધ્યમાં જીવુબા-લાડુબાની સાથે જ પૂર્ણ કર્યું. II ૩ થી ૬ II

વિવેચન

રહસ્યઃ- પ્રસ્તુત પદનો પમરાટ પૂર્ણપુરુષોત્તમની શુદ્ધ ઉપાસના મિશ્રિત બૃહદ વૈરાગ્યથી મહેકે છે. પદ ઠાળ સુગેયતાની દૃષ્ટિએ અતિ સુંદર અને આકર્ષક છે. પદની લય દ્રુત લય છે. તાલ હીંચ છે. આ પદ સરળતા સાથે ગાઈ શકાય છે. પદના દરેક શબ્દો મર્મવેધક સચોટ અને શૂરવીરતાસભર છે. ભગવાનને પામ્યાનો તરવરાટ કવિની કૃતિમાં સહેજે કળાય છે.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હરિકૃષ્ણ પટેલ
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત (સ્વરકાર)
રાસના કીર્તનો વોલ.૨ નોન સ્ટોપ-૧૦
Studio
Audio
2
0