મેં તો સર્વે સંગાથે તોડી રે સાહેલી, એક જગના જીવન સાથે જોડી રે ૧/૪

	મેં તો સર્વે સંગાથે તોડી રે સાહેલી,
		એક જગના જીવન સાથે જોડી રે...સાહેલી૦ ૧
શું કરશે પિયર સાસરિયાં રે-સા૦ મેં તો સમજીને પગલાં ભરિયાં રે-સા૦ ૨
મેં તો નિશ્ચે કર્યું મનમાંથી રે-સા૦ શિર સાટે એ વર ક્યાંથી રે-સા૦ ૩
પહેલું માથું પાસંગમાં મેલ્યું રે-સા૦ પછી વરવાનું બીડું ઝીલ્યું રે-સા૦ ૪
હું તો રહું નહીં કોઈની વારી રે-સા૦ ધાર્યા એક ધણી ગિરધારી રે-સા૦
છાની વાત નહિ એ તો છાવી રે-સા૦ બ્રહ્માનંદના વાલાની કા’વી રે-સા૦ ૬
 

મૂળ પદ

મેં તો સર્વે સંગાથે તોડી રે સાહેલી

મળતા રાગ

ધોળ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ઉત્પત્તિ

પૂર્વ ઇતિહાસ બ્રહ્માનંદ સ્વામીનું મૂળ નામ લાડુદાન. લાડુદાન સાધુ થયા. સ્વામીના પિતાશ્રી શંભુદાન, માતા લાલુબા તથા મામા સ્વામીને મનાવવા આવ્યાં. લાડુદાનનું સગપણ ખીમબાઈ સાથે થયેલું. ખીમબાઈનાં એક બહેન હતાં. નામ મોજબાઈ હતું. બંને જોડિયાં બહેનો હતી. ચારણ કુળની આ બંને દીકરીઓ પણ બ્રહ્માનંદ સ્વામીને મનાવવા આવેલી હતી. બ્રહ્માનંદ સ્વામી દરરોજ સભામાં આવે, પણ આજે સ્વામીને ખબર હતી કે આ બધાં મને પાછો સંસારમાં લઈ જવા આવ્યાં છે, માટે પોતે સભામાં આવ્યા નહીં. શ્રીજી મહારાજ કહે, ‘બ્રહ્માનંદ સ્વામીને સભામાં બોલાવો.’ બોલાવવા આવનારને સ્વામીએ કહ્યું, ‘આજની સભામાં મારી સામે તોપુ મંડાવાની છે, માટે મારે સભામાં આવવું નથી.’ મહારાજે આદેશ કર્યો કે ‘સભામાં આવવું જ પડશે’ પુરુષોત્તમ નારાયણની આજ્ઞા બ્રહ્માનંદ સ્વામીએ જીવનભર અવગણી નહોતી. ભક્તની કસોટી બહુ આકરી હોય છે. ગમતું હોય તેમાં આજ્ઞા થાય ત્યારે આનંદથી કરે પણ અણગમતામાં આજ્ઞા થાય અને એ આજ્ઞા ઝિલાય ત્યારે ભક્ત ખરો કહેવાય. શ્રીહરિની આજ્ઞા થઈ એટલે સ્વામી સભામાં પધાર્યા. સગાંસંબંધીઓએ સ્વામીને સંસારમાં પાછા ફરવા માટે આગ્રહ કર્યો પણ સ્વામી પીગળ્યા નહીં. સ્વામીએ સર્વેને સ્પષ્ટ જણાવી દીધું. રે સગપણ હરિવરનું સાચું બીજું સર્વે ક્ષણભંગુર કાચું, રે સૌ સાથે પ્રીતિ ટાળી રે ભાગ્યું મન મિથ્યા ભાળી, છે વરવા જેવા એક વનમાળી, રે સગપણ...... રે ફોગટ ફેરા નવ ફરીએ રે પરઘેર પાણી શું ભરીએ, રે વરીયે તો નટવરને વરીએ, રે સગપણ...... સર્વ સાંસારિક સંબંધોને તોડી એકમાત્ર શ્રીહરિ સાથે જ મેં સ્નેહ જોડ્યો છે એની સ્પષ્ટતા કરતાં શીધ્રકવિ બ્રહ્મમુનિના અંતરના ભાવો કીર્તનોની વાટે વહેવા લાગ્યા. ‘મેં તો સર્વે સંગાથે તોડી રે સાહેલી, એક જગના જીવન સાથે જોડી રે... સાહેલી’ બ્રહ્માનંદ સ્વામીના મુખેથી ત્યાગ-વૈરાગ્યની અજોડ ખુમારી ભરેલાં વચનો સાંભળી મામા અને માવતરને થયું કે હવે આ દીકરો ઘરે પાછો નહીં આવે. ખાણ ગામથી સાથે આવેલાં ખીમબાઈ અને મોજબાઈની તો વાત જ ન્યારી હતી. સ્વામીના વેણે વેણે એમનાં અંતર ભેદાઈ ગયાં. બન્ને બહેનોને ત્યાગ-વૈરાગ્યની ખુમારી ચઢી. બન્ને બહેનોએ આજીવન સંસાર હરામ કર્યો. આટલા પૂર્વ ઇતિહાસ સાથે હવે આપણે આ પદનો આસ્વાદ માણીએ.

વિવેચન

નંદ સંતોના કીર્તનો વેદોની શ્રુતિઓ જેવાં છે. આકાશમાંથી ગંગાજી ઊતરે અને હિમાલયનાં ગૌરિશિખરો એને ઝીલે તેમ અલૌકિક દિવ્ય અનુભવ નંદ સંતોના જીવનમાં ઊતર્યો, ઝિલાયો. ગંગાની ધારા જેમ વિશ્વને પાવન કરવા માટે વહે તેમ તેમનો અનુભવ કીર્તનો દ્વારા સતત વહેતો રહ્યો. મેં તો સરવે સંગાથે તોડી રે સાહેલી... બ્રહ્માનંદ સ્વામીનાં આ પદ ખુમારીથી ભરેલાં છે. લોકોની એક ભ્રમણા હોય છે કે ભક્ત નમાલા હોય છે. પણ ભક્ત ક્યારેય નમાલા ન હોય. નમાલા એટલે નિર્માલ્ય. ભગવાન શિવની પૂજા કર્યા પછી જે ફૂલો ફેંકી દેવામાં આવે તે નિર્માલ્ય કહેવાય, ભક્તોને શિવપૂજાના ફૂલની પેઠે ફેંકી નથી શકાતા. રાવણની સભામાં અંગદનો પગ કોઈ હલાવી ન શકે તેમ મહાકાળ ને મહામાયા પણ ભક્તોનો પગ હલાવી શકતા નથી. ભક્તનું પહેલું લક્ષણ નિર્ભયતા છે. જ્યાં ભક્તિ પ્રગટે ત્યાં નિર્ભયતા સહજ હોય. પરમ સત્યને આધારે જીવનારા મહાપુરુષો ક્યારેય ભયભીત નથી હોતા. બ્રહ્માનંદ સ્વામી નિર્ભયતાથી પોતાનાં હૃદયની ખુમારીને આ પદોમાં વ્યક્ત કરે છે. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે કે, ‘એક ભક્તિ અને બીજો ભૈરવજપ એ અણમણતા ઓપે નહિ.’ ભૈરવજપ ખાવો હોય તો બીતાં બીતાં ન ખવાય, એમ ભક્તિ કરવી હોય તો ડરતાં ડરતાં ન થાય. ભક્તિ અને ભૈરવજપ શૌર્ય વગર શક્ય નથી. સતી થવા નીકળે અને અગ્નિની જ્વાળા જોઈને પાછી વળે તે સતી ન કહેવાય. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના કૃપાપાત્ર ભનુભાઈ સોની એક વાત કરતા, ‘સ્વામી! દરબારોમાં તો સતીઓ થાય પણ અમારે સોનીમાં કોઈ સતી ન થાય. પણ એક વાર એક સોનીની બાઈને સત ચડ્યું કે ‘મારે તો સતી થવું છે.’ આખા ગામમાં વાત ફેલાઈ ગઈ. આખું ગામ દર્શન કરવા માટે ઊમટ્યું. ગામમાં લોકો વાહવાહ કરવા લાગ્યા. જય જયકાર કરવા લાગ્યા ‘સતીમાનો જય હો... સતીમાનો જય હો...’ સતીમાને ચરણે નાળિયેર મુકાવા લાગ્યાં, સાકરના પડા મુકાવા લાગ્યા, ભેટ ધરાવા લાગી. લોકોના મુખેથી જયનાદ સાંભળે ને સતીને સતનું પૂર ચઢે. નાળિયેર જુએ ને સતીનું સત વધે. સાકરના પડા જુએ ને સતીનું સત વધે. ભેટ જુએ ને સતીના સતને જોબન આવે. પછી બળવાનું ટાણું થયું. ગામના લોકો વાજતેગાજતે સતીમાની જય બોલાવતા બોલાવતા દરવાજે આવી પહોંચ્યા. સામે મસાણ દેખાણું. ચિતા ખડકાયેલી, અગ્નિ પેટાવવાની તૈયારી થઈ ગયેલી. સતીએ જોયું કે, ‘નાળિયેર અને સાકરના પડા તો સારા હતા. પણ આ લાકડાં થોડાં વહમાં લાગે છે! આ તો હમણાં મને બાળશે.’ બળવાની કલ્પના થઈ કે સતીનું સત ઊતરી ગયું. સતી કહે, ‘હવે મારે સતી નથી થવું.’ ગામલોકો કહે, ‘હવે તો પરાણે બાળીયે. અમારી આબરૂનો સવાલ છે.’ પેલી બાઈ કહે, ‘આબરૂ શેની? આપણી સોનીની સાત પેઢીમાંથી કોઈને સતી થવાનો સંકલ્પ થયો? માત્ર મને થયો. આપણી સાત સાત પેઢીમાં કોઈ સતી થાવા ગામના ઝાંપા સુધી આવ્યું? હું આવી. મેં તો નાતની આબરૂ વધારી!’ હવે આ સતીને શું કહેવું? આવા દાનતના ખોટાથી સતી ન થવાય. ભક્તિનો માર્ગ તો સતી અને શૂરાના માર્ગ કરતાં પણ આકરો છે. મુક્તાનંદ સ્વામી કહે છે. સતી શૂરા કો સહેલ હૈ પલ દો પલ ઘમસાણ મુક્ત અંગીઠી પ્રેમકી, જરત હૈ આઠો જામ. આખી જિંદગી સળગવાની તૈયારી હોય તો એમણે ભક્તિનો માર્ગ લેવો. બ્રહ્માનંદ સ્વામીએ એ માર્ગ લીધો છે એટલે તેમના અંતરમાંથી આ કીર્તન પ્રગટ્યું છે. ‘મેં તો સરવે સંગાથે તોડી રે... સાહેલી એક જગના જીવન સાથે જોડી રે... સાહેલી.’ શ્રીહરિ અને સંસાર એ બેયથી એકસાથે સ્નેહ ન થઈ શકે. દૂધમાં અને દહીંમાં રમવું હોય તો શ્રીહરિનો માર્ગ ન લેવાય. દૂધમાં અને દહીમાં તો વેપારી રમે, ભક્ત ન રમે. ભાવતાલમાં ગ્રાહક દશથી શરૂ કરે, વેપારી પંદરથી શરૂ કરે. છેવટે બારમાં સોદો પૂરો કરે એ વેપારી. ભક્તનો માર્ગ એ વેપારનો માર્ગ નથી. એક મેગેઝીનની જાહેરાતમાં લખેલ કે, ‘ન ઉસ પાર ન ઇસ પાર, બસ અબ તો આરપાર.’ ભક્તિનો માર્ગ એટલે આરપાર ઊતરવાનો માર્ગ. લોટ ખાવો અને ભસવું એ બન્નેને બનતું નથી. જગતમાં પણ રમવું અને ભગવાનમાં પણ રમવું એ બન્ને શક્ય નથી. વિતરાગની તલવારથી સ્નેહના બધા પાશ કપાઈ જાય ત્યારે શ્રીહરિનો માર્ગ હાથમાં આવે છે. સત્સંગમાં એકબે વાક્ય બહુ પ્રખ્યાત છે: ‘આપણે તો બંને હાથમાં લડવા.’ ‘આપણો એક પગ અહીં, ને એક અક્ષરધામમાં.’ બન્ને હાથમાં લાડવાવાળા હોય કે બન્ને બાજુ પગ રાખવાવાળા હોય એમનાથી ભગવાનનો માર્ગ ન લઈ શકાય. બન્ને બાજુ રમવાની વાત તો ‘મીંયાના ગોખલા’ જેવી વાત છે.’ મિયાંએ ઘર વેચ્યું પણ ઘરનો ગોખલો પોતાની પાસે રાખ્યો. હિન્દુઓના અગત્યના વારતહેવારે જ મિયાં ગોખલે ઘેટાંબકરાં વધેરવા આવે. આખરે કંટાળીને લેનારે ઘર છોડવું પડ્યું. ભક્તિ સાથે ભોગનો ગોખલો પણ રાખવો એ તો મિયાંના ગોખલા જેવી વાત થઈ. એ ખરી ભક્તિનો માર્ગ નથી. ‘આ પાર કે પેલે પાર’નો નિર્ણય જે કરી શકતો નથી તે પુરુષોત્તમ નારાયણનાં ચરણોમાં પહોંચી શકતો નથી. ‘મેં તો સર્વ સંગાથે તોડી રે, સાહેલી’ સ્વામી શ્રીહરિ સિવાય બીજેથી સ્નેહપાશ તોડીને બેઠા છે. ન પિંડમાં બંધાય ન બ્રહ્માંડમાં એને ભક્ત કહેવાય. ‘તુમ સંગ જોડી પિયા, અબ કોન સંગ જોડું રે, જો તુમ તોડો પ્રીત, મૈં ના તૂટે રે... તુમ સંગ જોડી ક્રિષ્ના... મીરાંબાઈ કહે છે, ‘હે કૃષ્ણ! તારી સાથે નેહ જોડ્યા પછી હવે હું કોની સાથે નેહનો નાતો જોડું?’ બ્રહ્માંડોની સમૃદ્ધિઓ આડી અવે તો પણ ભક્તનું મન ક્યારેય લલચાતું નથી. મરજીવા થઈને કાંઠાનું મમત રાખે તે ન ચાલે. ઊંડા દરિયામાં ડૂબકી મારવાની ઇચ્છા રાખે અને કિનારાની આસક્તિ છોડે નહીં એનાથી મરજીવા ન થવાય. બન્ને હાથમાં લાડવા રાખવાવાળાનું ભક્તિના માર્ગે કામ નહીં. કાંઠા પણ સાચવવાના છે અને મોતી પણ મેળવવાં એ એકસાથે બને નહીં. કિનારાઓની મમતા છૂટે ત્યારે જ મહાસાગરનાં નવલખાં મોતી મેળવી શકાય. સ્વામી મરજીવા છે, સાથોસાથ સમજણનો સાગર પણ છે. સ્વામી કહે છે કે, ‘એક જગના જીવન સાથે જોડી રે...’ સ્વામીએ ભગવાનને એક સરસ વિશેષણ આપ્યું છે ‘જગજીવન’. સ્વામી કહેવા માગે છે કે ‘જગજીવનના સંબંધ વિના જગત મડદું જ કહેવાય. મડદાને પ્રીત કરીને શું કરવું? પ્રીત જીવંત સાથે થાય, મડદા સાથે નહીં.’ આનંદકંદ પરમાત્મા જીગતને જીવન રસ પૂરો પાડે છે. મૂળને લીધે જ પાંદડાં લીલાં રહે છે. પાંદડાંને પ્રીત કરવા કરતાં મૂળિયાને જ શા માટે ન પકડવું? ‘મેં તે સરવે સંગાથે તોડી રે. સાહેલી એક જગના જીવન સાથે જોડી રે. સાહેલી જડ-ચેતન જગત, જગતના દેવતાઓ, જગતના ઈશ્વરો, વગેરેને જીનવજળ પૂરું પાડનાર સર્વેશ્વર નારાયણ છે. એટલે સ્વામી કહે છે કે, પ્રીત કરવી તો જગજીવન સાથે કરવી, જગ સાથે નહીં. ચૈતન્ય સાથે કરવી, જડ સાથે નહીં. પરમ સાર સાથે કરવી, અસાર સાથે નહીં. પ્રકાશ સાથે કરવી, અંધકાર સાથે નહીં. દુનિયાદારોના મહેણાં-ટોણાંની ચિંતા કર્યા સિવાય પ્રીત કરવી. ‘શુ કરશે પિયર સાસરિયાં રે. સાહેલી મેં તો સમજીને પગલા ભરિયાં રે. સાહેલી.’ બ્રહ્માનંદ સ્વામીએ જે પગલાં ભર્યા છે. તે સમજીને ભર્યા છે. તેઓ લાડવાની લાલચે કે માનસન્માનની એષણાએ સાધુ નહોતા થયા. તુલસીદાસજી લખે છે તેમ, “નારી મુઈ ઘર સંપતિ નાશી મુંડ મુંડાઈ ભયે સન્યાસી.” સ્વામી આવા સાધુ નહોતા. તેમના શરીર ઉપર અધમણ સોનું રહેતું. રજવાડી ઠાઠ એમણે અનુભવ્યા હતા. રાજામહારાજાઓના સન્માન એમણે માણ્યાં હતાં. જગતના વૈભવોને અસાર સમજીને સ્વામીએ સારરૂપ શ્રીહરિનું શરણ સ્વીકાર્યું હતું. વૈભવની ટોચ ઉપર પહોંચ્યા પછી સમજણપૂર્વક જે સંન્યાસ લેવાતો હોય તેનો રંગ જુદો હોય અને શેરીમાં ચીંથરાં વીણતાં વીણતાં કોઈ બાવો થઈ હાલી નીકળે તેનો રંગ જુદો હોય. જોકે એમાં પણ અપવાદ હોય છે. સત્પુરુષોના સંગાથી બધું શક્ય છે. સદ્‍ગુરુની કૃપાદ્રષ્ટિ વરસે તો તણખલું પણ મેરુ બની જાય એ વાત જુદી છે. સ્વામી કહે છે, ‘અમે તો સમજીને પગલાં ભર્યાં છે હવે પિયરિયાં અને સાસરિયાંને જેમ કરવું હોય તેમ કરે.’ આ કડીમાં પિયરિયું અને સાસરિયું બહુ મજાના શબ્દો છે. હેત દેખાડે તેને પિયરિયું કહેવાય અને મ્હેણા મારે તેને સાસરિયું કહેવાય. આ દુનિયા રાગ અને દ્વેષના જોડલામાં જીવે છે. ‘શું કરશે પિયર સાસરિયાં રે. સાહેલી’ કોઈ પ્રશંસાનાં પુષ્પો વેરે તો કોઈ નિંદાનાં ફૂલ વરસાવે. ભગવદ્‌ ભક્તને એથી કશો જ ફેર પડતો નથી. ‘ચાહે કોઈ સારે કહે, ચાહે કોઈ કારે, હમ તો એક સહજાનંદ રૂપ સે મતવારે.’ ન હેત કરનારમાં આસક્ત થવું કે ન દ્વેષ કરનારથી દુ:ખી થવું. આ જગતમાં સારું હોય કે નરસું, બંને બંધનો કરનાર છે. એક લોઢાની બેડી છે તો બીજી સોનાની. પરંતુ બેડી એટલે બેડી. બેડી બાંધ્યા વગર ન રહે. ભગવાનનો ભક્ત ગજરાજ જેવો હોય, હાથીને કમળના વેલાથી બાંધી ન શકાય તેવી જ રીતે ભક્તને દુન્યવી બંધનોથી બાંધી ન શકાય. રણે ચઢેલા શૂરવીરને કદાચ પાછો વાળી શકાય પણ સમજીને શ્રીહરિ સામે પગલાં ભરનાર સંતને દુનિયાની કોઈ તાકાત રોકી શકે નહીં. દુનિયાનો પ્રેમ ઉપરછલ્લો છે. એ પ્રેમ દેહની સપાટી પૂરતો સીમિત છે. દુનિયા દેહને પ્રીત કરે છે જ્યારે સ્વામીએ શરીર, ઇન્દ્રિયો, અંત:કરણથી પર પરમ ચેતનને પ્રેમ કર્યો છે. સંસારીની પ્રીતના ભરોંસા ન હોય. સંસારી રૂપ, ધન, યૌવન અને સત્તા દેખીને પ્રીત કરે પરંતુ સમય આવ્યે સ્વાર્થ પૂરો થતાં પ્રીતિનાં પૂર ઓસરી જાય. કહેવાય છે કે વૈશાલી નગરીમાં એક સ્વરૂપવાન વારાંગના હતી. વારાંગના નગરવધૂ ગણાતી અને વૈશાલીનાં ગણતંત્રને આંખોના ઇશારે નચાવતી હતી. મોટા મોટા સમ્રાટો તેને ત્યાં મહેમાન થયા હતા. રૂપ, જોબન, વૈભવ, સંગીત, સાજથી એણે ભલભલા ભૂપતિઓને પોતાનાં ચરણમાં આળોટતા કર્યા હતા. એક વખત આ જ નગરીમાં ભગવાન બુદ્ધ પધાર્યા. નગરવધૂએ નક્કી કર્યું કે ‘મેં મોટા મોટા ચક્રવર્તી સમ્રાટોને મારાં ચરણોમાં ઝુકાવ્યા છે. આજે આ બુદ્ધને પણ મારે ઝુકાવવા છે.’ વારાંગનાએ મહેલના ઝરૂખેથી સાદ કરી કહ્યું, ‘જોગી! મારા મહેલમાં મહેમાન થાવ.’ મંદ સ્મિત સાથે બુદ્ધે કહ્યું, ‘સુંદરી! આજ નહીં, જ્યારે તને સાચી જરૂર હશે ત્યારે બુદ્ધ તારા આંગણે અવશ્ય આવશે.’ પથ્થરને હલાવી શકાય પણ હિમાલયને હલાવી શકાતો નથી. જેણે ઉપરથી ત્યાગ કર્યો હોય તે વૈરાગ્યને ચલિત કરી શકાય પણ અંદરથી અચળ થયેલાને ડગાવી શકતું નથી. નગરવધૂનાં રૂપ, યૌવન અને વૈભવ સામે બુદ્ધ અચળ હતા. કહેવાય છે કે વારાંગના વૃદ્ધ થવા લાગી. જોબનનાં તેજ ઝાંખાં થવા લાગ્યાં. શરીરમાં અકળ વ્યાધિ દાખલ થઈ. કોઈ ઉપચારો કામ ન આવ્યા. કાયાનાં કામણ ઓસરવા લાગ્યાં. ભ્રમરા જેવા જગતે જોયું કે હવે આ ફૂલમાં રસ નથી. એટલે એ બધાં ધીરેધીરે વારાંગનાથી દૂર ભાગવા લાગ્યા. એક સમયે નગરવધૂના જે શરીરમાંથી સુગંધ ઊઠતી હતી રોગને લીધે એ જ શરીરના રોમરોમમાંથી દુર્ગંધ પ્રગટી. આ ચેપી રોગ લોકોએ જાણ્યો. લોકોને થયું કે ‘જો આ વારાંગનાને નગરમાં રાખીશું તો બીજાને પણ ચેપ લાગશે.’ લોકોએ તેને નગર બહાર દૂર નિર્જન પ્રદેશમાં ધકેલી દીધી. એક સમયે જેની પાસે દાસ-દાસીઓનો પાર નહોતો આજે એને પાણી પાનાર કોઈ નહોતું. તે પ્રસંગે કરુણામય ભગવાન બુદ્ધે શિષ્યોને કહ્યું કે ‘આજે નગરવધૂનો સંકલ્પ પૂરો કરવો છે. મેં તેને વચન દીધું છે કે જે દિવસે તારે સાચી જરૂર હશે ત્યારે હું જરૂર આવીશ.’ ભગવાન બુદ્ધ વારાંગના પાસે પધાર્યા. વારાંગનાની દશા વિચિત્ર હતી. એની કદરૂપી કાયામાંથી દુર્ગંધ પ્રસરતી હતી. શરીર ઉપર માખીઓ બણબણતી હતી. નગરવધૂએ બુદ્ધને જોયા. એની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. ધ્રુજતા હાથે વંદના કરતાં એ બોલી, ‘તથાગત! આપ!’ ભગવાન બુદ્ધે કહ્યું, ‘હા દેવી! આજે આપને મારી ખરી જરૂર છે.’ ભગવાન બુદ્ધે વારાંગનાના મસ્તક ઉપર હાથ મૂક્યો. શરીર પર અમૃત જેવાં શીતળ જળ સીંચ્યાં. વારંગનાના શરીરની બળતરા શમવા લાગી. ભગવાન બુદ્ધે કહ્યું, ‘સુંદરી! તેં જગતનું સાચું રૂપ જોઈ લીધું. તારા શરીરના સૌંદર્યનો તાગ પણ મેળવી લીધો. હવે તારા આત્માના અજરઅમર સૌંદર્યને નિહાળી લે અને તારા જીવની સદ્‍ગતિ કર!’ તથાગતનાં અમૃત ભરેલાં વચનો સાંભળતાં વારાંગનાએ આંખો મીચી દીધી. દેહને પ્રીત કરે તેને સંસારી કહેવાય. ચૈતન્યને પ્રીત કરે તેને સંત કહેવાય. આગળ સ્વામી કહે છે કે ‘મેં તો નિશ્ચે કર્યું મનમાંથી રે સાહેલી...’ શું નિશ્ચય કર્યો? “શિર સાટે આ વર ક્યાંથી રે સાહેલી...?” માથું અર્પણ કરતાં પણ પુરુષોત્તમ નારાયણ મળે નહીં તે સહજે મળ્યા માટે હવે એને ન છોડાય. સંતોએ કહ્યું છે કે, ‘સો સો માથાં જાતા રે, સોંધા છોગાળા; એક શિર કે વાસ્તે ક્યું ડરત હૈ ગમારા’ આપણે જનમોજનમથી હજારો માથાંઓ માયાને અર્પણ કર્યાં છે. પણ આ વખતે નિશ્ચય કરી લેવો કે હવે આ એક માથું શ્રીહરિને અર્પણ કરવું છે. કોઈ પણ ભોગે ભગવાનના થઈને રહેવું છે. આગળ સ્વામી કહે છે, ‘પહેલું માથું પાસંગમાં મેલ્યું રે સાહેલી, પછી વરવાનું બીડું ઝીલ્યું રે... સાહેલી’ જુના જમાનામાં રાજામહારાજાઓ કોઈ કઠણ કામ પાર પાડવું હોય ત્યારે સોનાપિત્તળની તાસકમાં પાનનાં બીડાં ફેરવતા. એ બીડું ઉઠાવે એને મરવાની બીક ન હોય. મીંઢળબંધો શૂરવીર યુવાન ધર્મ, ગાય, સંત, બ્રાહ્મણ, ધરતીનું રક્ષણ કરવાને માટે બીડું ઝડપે. કહેવાય છે કે એક શૂરવીર યુવાન આ રીતે બીડું ઝડપી મહેલમાં નવપરિણીત સુંદરીની વિદાય લેવા ગયો ત્યારે સોહાગણ સુંદરીએ મહેણું માર્યું કે ‘તમને લડતાં લડતાં મનમાં મારી યાદ તો નહીં સતાવે ને?’ શૂરવીર માટે એ મહેણું આકરાં બાણ જેવું થયું. શૂરવીર એ જ વખતે પોતાનું માથું કાપતાં બોલ્યો, ‘દેવી! લ્યો ત્યારે! ધણી કાયર થઈ પાછો આવશે એવી બીક હવે ન રાખતા.’ આ રીતે માથાં કેડે લટકાવી શૂરવીરોનાં ધડ લડતાં. ભક્તિનો માર્ગ પણ આવોજ જ છે. માથા સાટે માલ લેવાની તૈયારી હોય તો જ ભગવાનને વરવાનું નામ લેવું. બાકી દૂધમાં અને દહીંમાં, બન્નોમાં રમવું હોય તેની આ વાત નથી. ત્રાજવાનાં પલ્લાંને પાસંગ કહેવાય. માથું પાસંગમાં મેલવું એટલે વજનિયાને બદલે ધડો કરવા માટે માથું ઉતારીને ત્રાજવાના એક પલ્લામાં મૂકી દેવું. ભક્તિરૂપી માલ ન લોખંડને તોલે તોલાય કે ન સોનાચાંદીને તોલે તોલાય. ભક્તિરૂપી માલ હીરામોતીને મૂલે ન મળે. એ માલ તો માથાની ભારોભાર મળે. માણસને વધારેમાં વધારે બીક મોતની છે. પણ જ્યારે પોતાના હાથે જ માથું વાઢી લીધું પછી મોતની બીક શું? માથા ઉપર કફન બાંધીને ફરનારા મરજીવાથી તો મોત પણ ડરે. ‘પહેલું માથું પાસંગમાં મેલ્યું રે સાહેલી, પછી વરવાનું બીડું ઝીલ્યું રે... સાહેલી’ માથું પાસંગમાં મેલવું તેનો બીજો અર્થ એ થાય કે પોતાના વિચારો છોડી દેવા. પોતાની ધારણાઓને છોડી દેવી. ભગવાન જેમ રાખે તેમ રહેવાનો સંકલ્પ કરવો. ધજાની પૂંછડી જેવું જીવન કરવું. ધજાની પૂંછડી પવનને ઇશારે ફરે. માથું કાપી શકાય, પણ મનની ધારણાઓ છોડી શકાતી નથી. ધારણા છોડ્યા સિવાય મહારાજ મળતા નથી. બ્રહ્માનંદ સ્વામીએ શ્રીહરિને ઇશારે ધારણાઓ છોડી. શ્રીહરિના ઇશારે શરીર પરનું અધમણ સોનું ઉતારી ભગવાં ધાર્યાં, કોથળા પહેર્યા, કાચા લોટના ગોળા ખાધા. રાજામહારાજાઓ જેને ગામગરાસ આપવા આતુર હોય તે મહાપુરુષે ટાટ પહેર્યાં. કાચા લોટના ગોળા ખાધા અને તે પણ દિવસો સુધી નહીં, મહિનાઓ સુધી. સ્વામી એક વાર ફરતાં ફરતાં દાદા ખાચરના દરબારમાં પધાર્યા. તેમની ઝોળીમાં ભિક્ષામાં પ્રાપ્ત થયેલા કાચા લોટના બે ગોળા વધેલા. દરબારગઢમાં એક કૂતરું સૂતું હતું. બીજી બાજું દૂર મહારાજ બેઠા હતા. સ્વામીએ પોતાના રમૂજી સ્વભાવ પ્રમાણે તૂ તૂ કરીને કૂતરાને પાસે બોલાવ્યું. દૂરથી શ્રીજીમહારાજ જોઈ રહ્યા કે ‘સ્વામી શું ખેલ કરે છે?. કૂતરું પાસે આવ્યું એટલે સ્વામીએ પેલા વધેલા લોટના ગોળા કૂતરાને નાખ્યા. કૂતરું સૂંધીને ચાલતું થઈ ગયું. એણે ગોળા ખાધા નહિ. મહારાજ કહે, ‘સ્વામી! શું કરો છો?’ સ્વામી મર્મમાં હસીને કહે, ‘મહારાજ! આ કાચા લોટના ગોળા વધેલા, તે મનમાં થયું કે કૂતરાને નાખું પણ માળું સૂંધીને જતું રહ્યું. ખાધા નહિ. મહારાજ! આ કૂતરાં જે નથી ખાતા એ અમે ઘણા સમયથી ખાઈએ છીએ!’ સ્વામીનો મર્મ શ્રીજીમહારાજ સમજી ગયા અને ગોળા પ્રકરણ બંધ કરાવ્યું. ધારણાઓ છુટે, મનનું ધાર્યું કરવાની વૃત્તિ છૂટે, અહંકારની ગ્રંથીઓ છૂટે ત્યારે માથું પાસંગમાં મેલ્યું કહેવાય. બધે ધાર્યું કરાય પણ એક શ્રીહરિ અને બીજા સત્પુરુષો પાસે ક્યારેય ધાર્યું ન કરાય. સ્વામી આગળ કહે છે – ‘હું તો નહિ કોઈની વારી રે સાહેલી, ધાર્યા એક ધણી ગિરધારી રે... સાહેલી.’ ભક્તિને માર્ગે ચાલતા ભક્તો કોઈના વાર્યા વળતા નથી. પાછાં પગલા ભરતાં નથી. દુનિયાનાં રૂપ, જોબન કે સમૃદ્ધિ એમને રોકી શકતાં નથી. ધણી તરીકે ગિરધારીને ધાર્યા પછી ભક્તને બીક કે ચિંતા હોતી નથી. સ્વામીએ શ્રીહરિને પહેલાં જગજીવન કહ્યા, અને અહીં ગિરધારી કહ્યા. ગિરધારી શબ્દથી સ્વામી કહેવા માગે છે કે ‘હવે મારે માથે ચિંતાનો બોજ શા માટે લેવો? ગિરિરાજ ગોવર્ધનને ટચલી આંગળીએ ઉઠાવી જેણે સાત દિવસ સુધી વ્રજને સાચવ્યું એ અમને નહીં આચવે? ગિરધારીના ભરોસે જ્યારે આ મારગ લીધો છે ત્યારે ચિંતા હવે એ કરે, અમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ‘ધાર્યા એક ધણી ગિરધારી રે... સાહેલી’ સ્વામી કહે છે ‘અમારું છત્ર બહુ મોટું છે. ભલે આભમાંથી બારે મેઘ અનરાધાર ખાંગા થાય, ભલે ઓગણપચાસ વાયુઓનાં વાવાઝોડાં ફૂંકાય, હવે એનો અમને ભય નથી. દુનિયા ગમે તેટલી ઊંધીચત્તી થઈ જાય, પાતાળનાં દેવતાઓ વિરોધ કરે, પૃથ્વીના દેવતાઓ વિરોધ કરે કે આકાશના દેવતાઓ વિરોધ કરે, પણ “મેં તો ધાર્યા એક ધણી ગિરધારી રે... સાહેલી” – ગિરિરાજગોવર્ધન તોળનારો ગોવિંદ માથે બેઠો છે, હવે અમારે ચિંતા શેની હોય? ઘના અંધેરા હૈ તો ક્યા હૈ? પ્યારે દીપ જલાયે જા. ડગર અગર સબ બંદ મિલે તો, રાહ નયી દિખલાયે જા. આહોં સે ડૂબી દુનિયા મેં; વેણુ નાદ બજાયે જા. સોયે બહેરે કાનોં મેં તૂ; ભૈરવનાદ ગજાયે જા. ઉઠે આંધિયાં તો ભી ક્યા હૈ? પહાડો સે ટકરાયે જા. તૂફાની લહેરો સે લડતે; સાગર કો ઠુકરાયે જા. બનકર દવ કી ચિનગારી તૂ; જંગલ આગ લગાયે જા. લાલ શિખા તાંડવ નર્તન સે; સોયે રુદ્ર જગાયે જા. કોઈ મિલે ના સાથી ફિર ભી; આગે કદમ બઢાયે જા. સત્પથ કી વેદી પર પ્યારે; તેરે પ્રાણ ચઢાયે જા. નવસર્જન કે અગ્રદૂત હો; ગીત કૂચ કે ગાયે જા. એક બીજા કી કુરબાની સે; બીજ હજાર ઉગાયે જા. હે ભારત કે ભાગ્ય વિધાતા; ધૂની અલખ રમાયે જા. અમર રહેગી તેરી કહાની; પ્યારે નામ કમાયે જા. ભલે ભયંકર તોફાન સર્જાય પણ ભક્ત ડરતો નથી. કારણ કે ગિરધારીના ભરોંસે બેઠો છે. એક બીજી વાત ભરોંસો કરવો હોય તો ગિરધારીનો કરાય, કાંકરોય ઉપાડી ન શકે તેવા ત્રેવડ વિનાના માણસોના ભરોંસા શું કામના? ભગવાનના ભરોંસે જીવવું, દુનિયાના ભરોંસે નહીં. દુનિયા તો આજે ફૂલના હાર પહેરાવશે અને કાલે જોડાના હાર પહેરાવશે. દુનિયાના માનસન્માનની ભક્તને પડી નથી હોતી. ‘છાની વાત નહિ એ તો ચાવી રે સાહેલી, બ્રહ્માનંદના વાલાની કા’વી રે..... સાહેલી’ કેટલીક વાત એવી હોય છે કે એને છુપાવવામાં આવે તો પણ તે છુપી ન રહી શકે. કવિ શ્રી રહિમન કહે છે – ખૈર ખૂન ખાંસી ખુશી, વૈર પ્રીત મધુપાન, રહિમન દાબૈ નવ દબૈ, જાને સકલ જહાઁન. ‘શરીરની કુશળતા છાની ન રહે, કોઈનું ખુન કર્યું હોય તે છાનું ન રહે, છીક-ઉધરસ છાનાં ન રહે, પ્રસન્નતા છાની ન રહે, વેર છાનું ન રહે, મદ્યપાન છાનું ન રહે અને પ્રેમ છાનો ન રહે.’ જગતના ડરથી છાનાછપના ગાપચી મારે એ પ્રેમી નથી હોતા પણ વેવલા હોય છે. પ્રીત તો જગજાહેર હોય, પ્રેમને કોઈનો ડર ન હોય. બ્રહ્માનંદ સ્વામી કહે છે, ‘છાની વાત નહીં એ તો ચાવી રે.’ એકની એક વાત જાહેરમાં ગવાય કે વગોવાય તેને ‘ચાવી’ કહેવાય. સ્વામી કહે છે કે અમે શ્રીહરિના થયા એ જગજાહેર વાત છે, તેમાં છુપાવવની કોઈ વાત નથી. ‘હું તો સ્વામીની કહાવું રે સાહેલી, સ્વામીનું માથે મેણું રે, સાહેલી...’ શ્રીહરિના થયા એમાં શરમ શું? દુનિયાને જેમ કહેવું હોય તેમ કહે. સાંવરા યાર હૈ મેરા બજાકર ઢોલ કહતે હૈ, ન ડર હૈ કોઈ દુનિયા કા કહે ચૂપચાપ સહતે હૈ, બિના પરવાહ રહતે હૈ હુએ બદનામ હોને દો. આ પ્રેમની વાત છે. દુનિયાને જેમ કહેવું હોય તેમ કહે, જીવીએ તો મસ્તીથી જીવીએ અને મરીએ તો મોજથી મરીએ. આપણો ધણી કેવડો મોટો છે! હવે ભય શાનો? ભારોભાર ભક્તિની ખુમારી ભરેલું આ પદ સ્વામીના હૈયામાંથી ગંગાની ધારાની જેમ વહ્યું છે. આવા ખુમારી ભરેલા ભક્તોને ‘ગોડ એન્ટોક્સિકેટેડ’ ભક્ત કહેવાય. એક બીડીનું ઠુંઠું મોઢામાં નાખે તો પણ તેનો કેફ ચઢે. સવારની ચા પીએ અને પીનારો કોંટામાં આવી જાય. ગુટકાની પડીકી મોઢામાં નાખે ને તુરત જ કેફ ચઢે. દારૂની તો વાત જ ન થાય. દારૂનો કેફ પીનારને તો ચડે પણ જોનારને ય ચડી જાય. લંડનમાં અમે એક વખત ભૂલા પડ્યા. શિયાળાની રાત્રિનો સમય. ચારે બાજુ સૂમસામ. એમાંય આ તો વિદેશ. અહીં ક્યાંય રસ્તે ઊભા રહીને કોઈને રસ્તો પુછાય નહીં. પૂછવું હોય તોય કોઈ મળે નહીં. કોઈ પેટ્રોલપંપે રસ્તો પૂછી શકાય. પેટ્રોલપંપ મળ્યો નહીં. અમે ખૂબ અટવાયા. મોડી રાત્રે એક દારૂનો બાર ખુલ્લો હતો. અમારી સાથે અકબરીભાઈ અને એક હરિભગત હતા. અમે એમને કહ્યું, ‘તમે આ પીઠાવાળાને રસ્તો પૂછતા આવો.’ બન્ને જણ બારમાં ગયા. હારિભગત તો લંડનના વાતાવરણથી જાણીતા પણ અકબરી સીધાસાદા ભગત. એણે કોઈ દી બારનું દ્રશ્ય જોયેલું નહીં. અહીં બધા રાજપાટમાં જાતજાતની અદાઓ સાથે બેઠા હતા. ચારે બાજુ હા...હા... હી...હી... થાય. અહીં રસ્તો પૂછવો કોને? બેય ધોયલા મૂળા જેવા પાછા આવ્યા. મેં પૂછ્યું, ‘કેમ અકબરી શું થયું?’ તો અકબરી હસતા હસતા બેવડા વળી ગયા અને બોલ્યા સ્વામી અહીં તો હા...હા... અને હી...હી... થાય છે. ત્રણ દિવસ સુધી અકબરીને વાતવાતમાં પેલું દ્રશ્ય સાંભરે અને હસે. અમે પૂછીએ, ‘કેમ! અકબરી? શું છે?’ અકબરી હસતાં હસતાં કહે, ‘કાઈ નથી, હા... હા... હી... હી... થાય છે.’ જોનારને આટલો કેફ ચડી જાય તો પીનારને કેટલો કેફ ચઢતો હશે? શરાબનો નશો આવો અસરકારક હોય તો શ્રીહરિ તો અમૃતનો સાગર છે. એની અસરની તો વાત જ શી? એમાંથી અંજલિ ભરીને છાંટે તો મડદાં પણ નાચવા માંડે. ભક્તો ભગવાનની કોરી વાતો નથી કરતા. તેઓ ભગવાનને આકંઠ પીને બેઠા હોય છે. ન માત્ર કાનથી, ન માત્ર જીભથી પણ તેઓ તમામ ઇન્દ્રિયોથી પરમાત્માને પીએ છે. પીએ અને કેફ ચડે નહીં એ શક્ય નથી. જો ખુમારી ચઢી નથી તો એનો અર્થ એ છે કે એણે ભક્તિરસ પીધો નથી. બ્રહ્માનંદ સ્વામીએ ભક્તિનો રસ પીધો છે એટલે આ ખુમારીનાં પદો એમના અંતરમાંથી ઊઠ્યાં છે.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


કીર્તનધારા-મારા ઘનશ્યામ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ગૌતમ અંબાસણા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
1