આજ મેં તો ભેટ્યા રે, અંકભર પ્રગટ હરિ ૧/૪

 આજ મેં તો ભેટયા રે, અંકભર પ્રગટ હરિ;
	આનંદ ઉદિયો રે, નીરખી નજર ઠરી...ટેક.
ધન્ય સખી દિન આજનો, વળી ધન્ય મુરત ધન્ય વાર;
કરુણાનિધિ મુજ કારણે, મારે મંદિર પધાર્યા મોરાર;
	દુર્બલ જાણી રે, મુજ પર મહેર કરી...આજ૦ ૧
સ્વ ઇચ્છા આવ્યા ચાલીને, આગુની ઓળખાણ;
તન મન ધન મોહન છબી ઉપર, કરી નાંખું કુરબાણ;
	અઢળક ઢળિયા રે, સખી મુને અભર ભરી...આજ૦ ૨
હું સૂતીતી ભરનિદ્રામાં, જગવી શ્યામ જરૂર;
ભેટંતા અંતરથી ભાગ્યું, મોહ માયાનું પૂર;
	અંખિયા ઉઘડી રે, થઈ છે ખબર ખરી...આજ૦ ૩
સુંદર શ્યામ મનોહર સુરત, મૂરતિ બેઉ સમાન;
બ્રહ્માનંદ થઈ છું રસબસ, દેખંતાં ગુલતાન;
	શંકા મેટી રે, હું તો વર અમર વરી...આજ૦ ૪
 

મૂળ પદ

આજ મેં તો ભેટ્યા રે

મળતા રાગ

કાફી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

વિવેચન

આસ્વાદ આજ મેં તો ભેટ્યાં રે, અંકભર પ્રગટ હરિ આનંદ ઉદીયો રે નીરખી નજર ઠરી. દરેક પ્રેમી હૈયામાં પ્રિયતમને મન ભરીને ભેટવાનો તલસાટ હોય છે. વર્ષોની ઝંખના પછી પિયુમિલનની પુનિત ઘડી આવે ત્યારે પ્રેમી દિલ સાગરની પેઠે હિલોળા લેવા માંડે. નંદસંતોનાં કીર્તનોમાં હરિ મળ્યાનો આનંદ સાગરની જેમ ઘુઘવાટા કરે છે. આ કીર્તન એ આનંદસાગરની લહેરોમાંથી ઊઠેલું સંગીત છે. હરિની વાતો કરનારા ઘણા મળે પણ શ્રીહરિને મુખોન્મુખ મળનારા વિરલા જ મળે. માત્ર વાતોથી વડાં ન થાય. હજારો વખત મીઠાઈઓનાં નામ રટવાથી મોઢાં ગળ્યાં ન થાય પરંતુ ઉપવાસીના મોઢામાં મીઠાઈનો એક ટુકડો મૂકવામાં આવે તો શરીરના બોંતેર કોઠે દીવા થઈ જાય. સ્વામીને શ્રીહરિ પ્રગટ મળ્યાનો આનંદ છે અને એ આનંદમાંથી આ કીર્તનનો ઉદય થયો છે. મોટા ભાગે જીવો ‘વિષયાનંદની’ મોજ માણે છે. જ્યારે અધ્યાત્મમાર્ગના યાત્રિકો બે પ્રકારની મસ્તીમાં ગુલતાન રહે છે. એક ‘નિજાનંદ’ની મસ્તી, બીજી ‘સહજાનંદ’ની મસ્તી. નિજાનંદમાં મસ્તી એટલે આત્મસ્વરૂપની મસ્તી. સહજાનંદની મસ્તી એટલે પરબ્રહ્મ પરમાત્મની મસ્તી. સહજાનંદની મસ્તી તો અજોડ છે જ, પણ નિજાનંદની મસ્તી પણ અનોખી છે. વાસ્તવમાં તો જે નિજાનંદને માણી શકે છે એ જ સહજાનંદને પીછાણી શકે છે. મારે વલસાડ નંદીગ્રામ અવારનવાર જવાનું થાય. નંદીગ્રામના પ્રણેતા સાંઈ મકરંદ ઊંચા ગજાના કવિ અને આધ્યાત્મિક મસ્તીમાં રહેનારા જીવ. ધાર્મિક થવું સરળ છે, આધ્યાત્મિક થવું અઘરું છે. ઘણા લોકો ઊંચી ઊંચી અને અઘરી ભાષામાં અધ્યાત્મ ઉપર પ્રવચન કરે પણ અહંકારની પાતળી દોરથી પાંખો બંધાયેલી હોય, આંખે મમતાથી અંધ હોય, હૃદય રાગદ્વેષથી ભરેલું હોય. જ્યારે મકરંદભાઈ સાચા અર્થમાં આધ્યાત્મિક પુરુષ. સાંઈ મકરંદ એટલે પ્રાચીન ઋષિઓનો પુનરાવતાર. મકરંદભાઈનું શરીર માંદલા ઘોડા જેવું પણ અંદરનો અસવાર ભારે આનંદી. મકરંદભાઈ સાથેના સત્સંગમાં સમય ભારે ઝડપથી પસાર થાય. એક વાર વાર્તાલાપમાં યામુનાચાર્યજીનો પ્રસંગ નીસર્યો. યામુનાચાર્યજીએ આલવંદાર સ્તોત્રમાં પરમાત્મા પ્રત્યે નિજાનંદભર્યો પડકાર ફેંક્યો છે. યામુનાચાર્યજી કહે છે, હે હરિ! હું દીન છું ત્યારે તમે દીનાનાથ છો. હે હરિ! દયનીય છું ત્યારે તમે દયાવાન છો. મને ભવસાગરના કિનારારૂપ તમે મળ્યા અને તમને મારા જેવો દયાનો પાત્ર મળ્યો. હવે વિધિના લેખ જેવો આપણો સંબંધ ટાળ્યો ટળે એમ નથી. યામુનાચાર્યજીની વાત સાંભળી મકરંદભાઈએ બંગાળી સંતની રચના સંભળાવી. એમના મુખેથી બંગાળી ભાષાના ‘બાઉલ’ સાંભળવા અને સમજવા એ જીવનનો લહાવો ગણાય. એમણે ગાયેલી રચનાનો સાર એ હતો. સંત ભગવાનને સ્તુતિ કરતાં કહે છે – ‘હે ભગવન્‌! શાસ્ત્રોમાં તારાં અવતારચરિત્રોનો ભારે મહિમા, પણ ક્યારે? અમે મનુષ્યલોકમાં સુખદુ:ખના સાગરમાં ડૂબકા મારીએ છીએ ત્યારે તું અમારો ઉદ્ધાર કરવા અવતાર ધારણ કરે છે. હે હરિ! જો અમારો અવતાર ન હોત તો તારો પણ અવતાર ન હોત! અમે તરી અવતારલીલાને વિસ્તરવા અવકાશ દીધો! ‘બોલ તું મોટો કે હું?’ આ પ્રાર્થનમાં નિજાનંદની મસ્તી ભરી છે. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં કહે છે – ‘જીવના હૃદયમાં વિષયનાં શલ્ય- વાગ્યાં છે. રાવણ સાથેના યુદ્ધમાં ભગવાન રામચંદ્રજીને શલ્ય વાગ્યાં ત્યારે હનુમાનજીએ વિશલ્યકરણી ઔષધિ લાવીને પિવડાવી એટલે શરીરમાં લાગેલાં સર્વે શલ્ય નીકળી ગયાં. એ જ રીતે જેને આત્મા અને પરમાત્માનો વેગ લાગી જાય એના હૃદયમાંથી વિષય-વાસનાનાં સર્વે શલ્ય બહાર નીસરી જાય છે.’ નિજાનંદે રમણ કરતા ‘સહજાનંદ’ને અંક ભરીને ભેટવા એ આપણી યાત્રાની મંજિલ છે. અધ્યાત્મપથના યાત્રિકને બીજા કોઈ વચલા પડાવે રોકાવે પાલવે નહીં. એક વાર સાપુતારાનાં જંગલોમાં ફરવા જવાનું થયું. રસ્તામાં સરસ નદી આવી. વાંકીચૂંકી વહેતી રમણીય નદીના કાંઠે સુંદર વિશ્રામસ્થળ હતું. જંગલના ઘાસમાંથી બનાવેલી ઝૂંપડીઓ હતી. વાંસની છત્રીઓ હતી. આસપાસ અદ્‍ભુતકુદરતી વાતાવરણ હતું. જતાંઆવતાં પ્રવાસીઓને બે ઘડી વિસામો લેવાનું મન થાય એવી જગ્યા હતી. અમને પણ થોડીવાર વિસામો લેવાનું મન થયું પરંતુ મધ્યમાર્ગે જગ્યા ગમે તેટલી રમણીય હોય તો પણ ત્યાં, ઘડી બે ઘડી વિસામો લેવાય, બહુ બહુ તો રાત બે રાત રોકાણ કરાય પરંતુ ત્યાં કાયમી મુકામ થોડો હોય! અધ્યાત્મને પંથે ચાલતા માર્ગમાં આવતા કેટલાક વચલા પડાવ સમજી લેવા જેવા છે. જેમાંથી એક પડાવ છે આસ્તિકતાનો. આપણે આપણા અસ્તિત્વમાં જેટલો વિશ્વાસ છે એવો જ ભરપૂર વિશ્વાસ પરમાત્માના અસ્તિત્વમાં હોય તો આસ્તિકતા કહેવાય. અધ્યાત્મપંથની યાત્રાનો આરંભ આસ્તિકતાના પડાવથી થાય છે. હિંમત, ધૈર્ય અને અખુટ શ્રદ્ધા આપણને અબાધિત રીતે ગતિશીલ રાખે છે. આ યાત્રાનો બીજો પડાવ વિવિધ સેવાપ્રવૃત્તિઓ છે. જાતજાતની સેવાપ્રવૃત્તિઓથી આપણે સંતોષ માની લેવાની જરૂર નથી. સમાજસેવાઓ આપણી મંજિલ નથી. સેવાઓ ગમે એટલી મહાન હોય પણ તે વચલો મુકામ છે. હરિસ્મરણ અને સમજણ ન હોય તો સેવાપ્રવૃત્તિઓ સાધુઓને સંસારીઓ સરખાં બનાવે. સાધુ થવું પણ સંસારી સાધુ ન થવું. કપડાં ભગવાં હોય, અંદર ભરોભાર સંસાર ભર્યો હોય તે સંસારી સાધુ કહેવાય. સરળ નિખાલસ હૃદયમાં જ આધ્યાત્મિકતાનો વાસ છે. રાજકારણીઓથી પણ ગંદા દાવપેચ ભરેલા હૈયામાં આધ્યાત્મિકતાનાં અવતરણ ન થાય. આપણે અતીત જોગીની જલતી આગ લઈને ફરવાનું છે. ‘જૈસે ધૂણી અતીતકી જબ ખોલો તબ આગ.’ અતીતની ધૂણી ઉપર રાખ વળી જાય પણ અંદર અગ્નિ જાગતો હોય એમ આપણી ભીતર અહર્નિશ આપણો માંહ્યલો જાગતો હોવો જોઈએ. દુનિયાને કદર કરવી હોય તો કરે, ન કરવી હોય તો ન કરે. કોઈ સારા કહે, કોઈ નરસા કહે પણ આપણી આગ ઠરવી ન જોઈએ. મહાત્મા મૂળદાસનું એક ભજન છે – ‘જી રે વટાવણા છીએ વાટના રે, વાટે ને ઘાટે વિલંબ ન કીજીએ; તારો જનમ પદારથ એળે જાય, હે વટાવળા છીએ વાટના.’ મહાત્મા મૂળદાસ કહે છે, ‘હે સંતો! આપણે તો વટેમાર્ગુઓ છીએ. જ્યાંત્યાં વાટે ને ઘાટે વધારે પડતું રહેવું આપણને ન પાલવ.’ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ કહેતા, ‘માંડ અસ્વાર અને મોડો ચડ્યો.’ અર્થાત્‌ કુશળ અસવારો જાતવંત ઘોડા સાથે આગળ નીકળી ગયા. આપણે ‘માંડ અસ્વાર’ એટલે ઘોડે બેસતા આવડે નહીં. એમાંય પાછા મોડા પડ્યા, એમાંય પાછું ઘોડું ટાયડું મળ્યું. હવે આળસ કરે તો આગળના અસવારોની હાર્યે કેમ થવાય! પરમહંસોએ પડાવ હાર્યે પ્રીત ન કરાય. સંત-મહાત્માઓને આજીવિકાની ચિંતા તોય નહીં. શિષ્યો સામગ્રીના ઢગલા કરતાં હોય, સેવાપ્રવૃત્તિઓથી જગમાં જશ વધતો હોય; હજારો લોકો વંદન કરતા હોય; મઠો, મંદિરો, આશ્રમો સોનાચાંદીથી છલકતા હોય. આ બધાં જ પરિબળો વચલા મુકામે રોકી રાખનારા છે. જાદુગરી માયા ભલભલાને મોહની મદિરાનાં પાન કરાવી ઘેરા ઘેનમાં પોઢાડી દે છે. સાધકે આ પરિબળોથી સાવધાન રહેવું જોઈએ. આ યાત્રાનો ત્રીજો પડાવ પોતાના અસ્તિત્વની મસ્તી છે. વિવિધ પ્રવૃત્તિઓની રાખ નીચે પણ આપણા અંતરમાં આપણા અસ્તિત્વની મસ્તી ઉછાળા મારતી હોવી જોઈએ પણ સમજી રાખવાનું છે કે ‘અસ્તિત્વનો આનંદ’ એ પણ વચલો મુકામ છે. સ્નાનાદિથી શુદ્ધ થયા પછી પૂજા કરવાની પાત્રતા મળે એ જ રીતે વિશુદ્ધ અસ્તિત્વને પામ્યા પછી પરમાત્માની પૂજાની પાત્રતા પ્રગટે છે. નિજાનંદને પામ્યાપછી સહજાનંદના મિલનનો તલસાટ હોવો જોઈએ. ઉનાળાના તાપમાં પ્રબળ પ્યાસ લાગે છે. રોમેરોમ પાણી માટે તલસે એમ આપણા અસ્તિત્વનો અણુએ અણુ પરમ અસ્તિત્વને પામવા ઝંખતો હોવો જોઈએ. પ્રબળ તલસાટ પ્રગટે ત્યારે જ હરિમિલન થાય. નંદસંતોનાં કીર્તનો પ્રગટ ભાવથી ભરેલાં કીર્તનો છે. સામાન્ય રીતે ભક્તિ પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે પરમાત્મા પ્રગટે. જ્યારે નંદસંતોએ તો વર્ષો સુધી પરમાત્માનું પ્રાગટ્ય અનુભવ્યું છે. નંદસંતો રોજેરોજ નજર ભરીભરીને નારાયણને નીરખે છે. જોગી જતીને સ્વપ્નમાંય ન આવે એ ભગવાન નંદસંતોને રોજેરોજ ભેટે છે. ‘આજ મેં તો ભેટ્યાં રે અંકભર પ્રગટ હરિ,’ આનંદ ઉદીયો રે નીરખી નજર ઠરી.’ ‘નજર ઠરવા’ના બે અર્થ છે. એક અર્થ છે ‘આંખો સ્થિર’ થવી અને બીજો અર્થ છે ‘આંખો શીતળ’ થવી. દમયંતીના સ્વયંવરમાં અનેક રાજામહારાજાઓ બેઠા હતા. એ બધા સત્તા, સંપત્તિ અને સૌંદર્યના સ્વામીઓ હતા પણ દમયંતીની નજરે નિર્માલ્ય હતા. એની નજર તો એકમાત્ર મહારાજ નળ ઉપર જ ઠરતી હતી. એ જ રીતે ભક્તની આંખ જગતની રમણીયતામાં ક્યાંય ઠરતી નથી. એની આંખને ઠરવાનું ઠેકાણું એકમાત્ર શ્રીહરિ જ છે. જડ-ચેતન વિશ્વમાં જ્યાં જ્યાં નજર કરો ત્યાં નિરસ અને નિર્જીવ ખોખાં ફરતાં હોય એવું લાગે છે. આ ખોખાંઓ ઉપરથી ર���પાળાં પરંતુ અદંર જાતજાતની બીભત્સ વસ્તુઓથી ભરેલાં છે. હાડમાંસના આ નાશવંત પૂતળાઓને પ્રેમ કરવાથી શું મળે? જગતની રમણીયતા આપાત રમણીયતા છે. આ આપાત રમણીયતાની અંદરનું નિર્માલ્યપણું ભક્ત સારી રીતે જાણે છે. માટે ઉત્તમમાં ઉત્તમ પંચ વિષયોમાં પણ ભક્તની નજર ક્યારેય લોભાતી નથી. ‘નજર ઠરવી’નો બીજો અર્થ છે આંખો શીતળ થવી. તરસ્યાને શીતળ જળ મળે અને ટાઢક થાય એ જ રીતે હરિદર્શન માટે તડપતી આંખો હરિદર્શનથી અપાર શીતળતા અનુભવે. ‘કબ દેખું ભરી નૈન સાંવરીયો સુખ દૈન’ આવો તલસાટ આંખોનું તપ છે. વિરહથી તપેલી આંખો અને હૈયા માટે હરિદર્શન અષાઢી મેઘ છે. ધન્ય સખી દિન આજનો, વળી ધન્ય મુહરત ધન્ય વાર કરુણાનિધિ મુજકારણે, મારે મંદિર પધાર્યા મોરાર દુર્બલ જાણી રે, મુજ પર મહેર કરી... શાસ્ત્રોએ જાતજાતનાં શુભ મૂહુર્તો અને ઘડીઓની ગણતરી કરી છે. પણ ભક્તને માટે તો હરિમિલનની ઘડીથી બીજી કોઈ શુભ ઘડી નથી. શ્રીહરિ શુભ મુહૂર્ત જોઈને પધારતા નથી; હૃદયનો શુભ પ્રેમ જોઈને પઘારે છે. વિરહી હૈયાએ વર્ષો સુધી વેદનાઓ વેઠી હોય, આતુરતાથી રાહ જોઈ હોય અને અચાનક પ્રિયતમ ઘરે પધારે ત્યારે પ્રેમી હૈયાને કેટલો આનંદ થાય! એ આનંદ આ પંક્તિઓમાંથી વરસી રહ્યો છે. શાસ્ત્રો કહે છે, ‘ભગવાન ધર્મસ્થાપન માટે અને અધર્મના નાશ માટે અવતરે છે’, જ્યારે સ્વામી કહે છે, ‘આ શ્રીહરિ તો ‘મુજ કારણે’ અર્થાત્‌ મારા માટે પધાર્યા છે.’ ભગવાન સ્વામિનારાયણ પરમાત્માના અવતરણનો હેતુ સમજાવતાં કહે છે ‘પરમેશ્વર માત્ર ધર્મસ્થાપન માટે અવતાર ધારણ કરતા નથી. ધર્મસ્થાપન તો મોટા મોટા ઋષિઓ પણ કરી શકે છે. પરમેશ્વર માત્ર અધર્મના નાશ માટે પણ અવતાર ધારણ નથી કરતા, અધર્મનાશ તો મોટા મોટા રાજાઓ પણ કરી શકે છે. પરમેશ્વર તો પૃથ્વી પરના પોતાના એકાંકિત ભક્તોને લાડ લડાવવા માટે પધારે છે.’ આ પંક્તિમાં ‘મુજ કારણે’ શબ્દમાં ભારોભાર ધન્યતા અને અહોભાવ ભર્યાં છે. સ્વામી કહે છે, ‘મારા કેટલાં મોટાં ભાગ્ય કે શ્રીહરિ મારા માટે પધાર્યા!’ પધારવાનું કારણ શું? તો માત્ર એની ‘કરુણા’. શ્રીહરિ કરુણાનિધિ છે. આશ્રિત જીવ ઉપર અકારણ કરુણા કરવી એનો સ્વભાવ છે. નિષ્કુળાનંદ સ્વામી લખે છે – ‘જનની જાળવે બાળને એમ જાળવે દયાળ’ મા બરાબર જાણે છે કે આ બાળકને એક મારા સિવાય બીજા કોઈનોય આધાર નથી. આવા બાળક જેવા અનન્ય આશ્રિતો માટે શ્રીહરિ દોડતા આવે છે. ‘દુર્બળ જાણી રે મુજ પર મહેર કરી’ અહીં શારીરિક દુર્બળતાની વાત નથી. શારીરિક રીતે તો સ્વામી પડછંદ અને પ્રભાવશાળી હતા. અહીં દુર્બળતાનો અર્થ છે ‘અહંકારશૂન્યતા’. સાધનોનું બળ છોડી એક માત્ર શ્રીહરિની કરુણાના સહારે જીવવું. સૂર કહે છે, ‘નિર્બલ કો બલરામ.’ જગતમાં સ્ત્રીઓ ‘અબળા’ તરીકે પ્રસિદ્ધ છે. પરંતુ એમનું અબળાપણું જ પુરુષને વશ કરવાનું અમોઘ શસ્ત્ર છે. એ જ રીતે ‘અહંકારશૂન્ય પ્રેમી હૃદય’ શ્રીહરિને વશ કરવાનું અમોઘ સાધન છે. બ્રહ્માનંદ સ્વામી મહાન કવિ હતા, પ્રખર પ્રતિભાસંપન્ના હતા, રાજા મહારાજાઓ એમને ‘રાજકવિ’ પદે સ્થાપવા આતુર હતા. છતાં એ મહાન સંત શ્રીહરિના દાસ થઈને રહ્યા હતા. ઉત્તમ કોટિના પ્રેમી સંત સિવાય આવું સમર્પણ શક્ય નથી. સ્વામીએ પોતાની સર્વ ધારણાઓ શ્રીહરિના ચરણે સમર્પિત કરી અનન્ય શરણાગતિ સ્વીકારી હતી. સ્વ ઇચ્છાએ આવિયા ચાલીને, આગુની ઓળખાણ તન મન ધન મોહન છબિ ઉપરે, કરી નાખું કુરબાણ અઢળક ઢળિયા રે સખી, મને સભર ભરી આ પંક્તિમાં ‘આગુની ઓળખાણ’ શબ્દ મહત્વનો છે. ‘આગુની ઓળખાણ’ એટલે અગાઉની જૂની ઓળખાણ. જીવનમાં ઓળખાણ મહત્વનો ભાગ ભજવે છે. સજ્જન માણસો સાથેની ઓળખાણ ઘણાં કામ સરળ કરી આપે છે. સુદામાનું દારિદ્રય દૂર થયું તેમાં ‘આગુની ઓળખાણે’ મહત્વનો ભાગ ભજવ્યો છે. સામાન્ય માણસો પણ જો જૂની ઓળખાણે કામ કરી આપતા હોય તો શ્રીહરિ પોતાના ભક્તોનાં કામ કેમ ન કરે? બ્રહ્માનંદ સ્વામીને શ્રીહરિ સાથે જુગ જુગની ઓળખાણ છે. કહેવાય છે કે ભગવાન સ્વામિનારાયણે હજુ ગુજરાતમાં પગ પણ મૂક્યો નહોતો. બ્રહ્માનંદ સ્વામી પણ હજુ સાધુ થયા નહોતા. તેઓ કચ્છમાં ધમડકાગામે લાડુદાન રૂપે સંગીતશાસ્ત્રનો અભ્યાસ કરતા હતા. એક વાર ગામના પાદરમાં વહેતી સાસણગંગાને કિનારે ખીજડાના વૃક્ષ નીચે તેઓ બેઠા હતા. એ સમયે ભગવાન સ્વામિનારાયણે સ્વામીને દિવ્ય વર્ણીવેશે દર્શન દીધેલાં અને ભવિષ્યમાં મળવાનો કોલ આપેલો. આજે પણ ધમડકાના પાદરમાં સારણગંગાને કિનારે એ ખીજડો મોજૂદ છે. સહજાનંદ સ્વામી મળ્યા ત્યારે સ્વામીને ઓળખાણ તાજી થયેલી એટલે સ્વામી કહે છે – ‘આગુની ઓળખાણ’ અધ્યાત્મની યાત્રા એક જ જન્મે પૂરી થાય એવું નથી. ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં કહે છે – अनेकजन्मसंसिद्धस्ततो याति परां गतिम् I જન્મોજનમના શુભ સંસ્કારો પરિપક્વ બને ત્યારે યોગી શ્રેષ્ઠગતિને પામે છે. ભક્તિમાર્ગમાં ભક્તની રક્ષા ભગવાન કરે છે. યાત્રા અધૂરી રહે તો ભક્તને એકડે એકથી ફરીને ગણિત ગણવાનું રહેતું નથી, જ્યાં વિરામ છે ત્યાંથી જ આગળની યાત્રા શરૂ થાય છે. નિષ્કુળાનંદ સ્વામી ભક્તિતત્વનો મહિમા સમજાવતાં કહે છે, ભાંગ્યો તોય કળશ સોનાનો રે સંતો, ભક્તિ ઉપર ભય શાનો! તાંબાપિત્તળના ઘડા ભાંગે તો ભંગારના ભાવે વેચાય, માટીનો ઘડો ભાંગે તો માટી ભેગો ભળે પણ સોનાનો કળશ ભાંગે તો બહુ બહુ ઘડામણ જાય પણ સુવર્ણનું મૂલ્ય તો મળે જ. ભક્તિ સોનાના કળશ જેવી છે. જડભરત ચરિતમાં જોગી જડભરત રાજા રહુગણને કહે છે, सा मा स्मृतिर्मृगदेहेपि वीर I ‘હે રાજન્‌! એક વાર હું રાજર્ષિ ભરત હતો. શ્રીહરિની આરાધના કરતો હતો. દૈવયોગે મને હરણબાળમાં આસક્તિ થઈ. પરિણામે મારે હરણીને પેટે હરણ રૂપે જન્મ લેવો પડ્યો. પણ આરાધનાનો મહિમા તો જુઓ, હરણના દેહમાં પણ મને પૂર્વની સ્મૃતિ યથાવત્‌ રહી.’ પ્રાચીન સમયમાં અશ્વમેઘ યજ્ઞો થતા. અશ્વમેઘ યજ્ઞનો અશ્વ સ્વછંદ વિહરતો. અશ્વની રક્ષા માટે રાજસેના સાથે ચાલતી. એ જ રીતે ભક્તની યાત્રામાં રક્ષક તરીકે સ્વયં ભગવાન સાથે ચાલે છે. આ પંક્તિમાં કરુણાસાગર શ્રીહરિનો કરુણામય સ્વભાવ પ્રગટ થાય છે. પ્રભુને મળવા જીવ પાંચ ડગલાં માંડે તો શ્રીહરિ સામેથી દોડતા આવે છે. મુમુક્ષુઓની આંતરયાત્રામાં જાતજાતના અવરોધો આવે છે. જંગલનાં હિંસક પશુઓ જેવા અંત:શત્રુઓ લાગ સાધીને આક્રમણ કરે છે. એમાંય જો સાધકની યુવાન અવસ્થા હોય તો ઉપાધિઓ પારાવાર હોય છે. છતાં મુમુક્ષુએ મૂંઝાવાની જરૂર નથી. હિંમતથી પગલાં માંડે તો હાથ પકડવા હરિ દોડતા આવે છે. પ્રેમી હૈયાનો પોકાર ઊઠે અને એ દોડ્યા ન હોય એવો દાખલો નથી. એક વાર મધરાતે અમરા પટગર ભાવપૂર્ણ હૃદયે, ઊંચે સાદે ‘સ્વામિનારાયણ સ્વામિનારાયણ’ રટણ કરવા લાગ્યા ત્યાં ભગવાન સ્વામિનારાયણે ખડકી ખખડાવી. અમરા પટગરે ખડકી ખોલી તો મંદ મંદ હસતા શ્રીહરિને જોયા. અમરા પટગરે આશ્ચર્યથી પૂછ્યું, ‘અરે મહારાજ! અત્યારે મધરાતે આપ મારે આંગણે ક્યાંથી!’ શ્રીહરિ કહે, ‘દરબાર! તમે અમને યાદ કર્યા એટલે અમે દોડતા આવ્યા.’ અમરા પટગર કહે, ‘મહારાજ! મને તો તમને યાદ કરવાની ટેવ પડી છે.’ શ્રીહરિ કહે, ‘અમનેય યાદ કરે ત્યાં દોડતા જવાની ટેવ પડી છે.’ આપણી પ્યાસ પરાકાષ્ઠાએ પહોંચે તો પ્રભુ પધાર્યા સિવાય રહેતા નથી. શરત એક જ છે, અંતરનો અહંકાર શ્રીફળની જેમ વધેરાઈ જવો જોઈએ. ‘નિર્બલ કે બલરામ.’ નિર્બલ થતાં આવડવું જોઈએ. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં કહે છે, ‘ભક્તને કોઈ પ્રકારનું માન ન જોઈએ. પછી એ માન જ્ઞાનનું હોય, તપનું હોય, ત્યાગનું હોય કે ભક્તપણાનું હોય.’ અહંકાર રાવણના માથા જેવો છે. એને ગમે એટલી વાર કાપો તોય પાછો ઊગ્યા સિવાય રહેતો નથી. કહેવાય છે કે ભગવાન શ્રીરામચંદ્રજી રાવણનાં માથાં કાપી-કાપીને થાક્યા પણ પીપળો કોળે તેમ માથા કોળાતાં રહ્યાં. છેવટે વિભીષણે પ્રભુને એક ગુપ્ત રહસ્યની વાત કરતાં કહ્યું, ‘પ્રભુ! એના નાભિકેન્દ્રમાં જ્યાં સુધી સંજીવની છે ત્યાં સુધી માથા ઊગતા રહેશે. રાવણની અમરતાનું રહસ્ય એના નાભિકેન્દ્રમાં સંઘરાયેલું છે. આપ નાભિમાં બાણ મારો તો જ એ મરશે.’ વિભીષણજીના સંકેત પ્રમાણે ભગવાન રામચંદ્રજીએ એકત્રીસ બાણ એકસાથે છોડ્યા. એક બાણે નાભિકેન્દ્રને તોડ્યું. ત્રીસ બાણે વીસ હાથ અને દસ માથાં છેદ્યાં. નાભિકેન્દ્ર રાવણના માથા ઊગવાનું મૂળ હતું. મૂળમાં પ્રહાર થયો ત્યારે રાવણ નાશ પામ્યો. મુમુક્ષુની અધ્યાત્મયાત્રામાં અવરોધ કરનારાં તમામ પરિબળોનું મૂળ અહંકાર છે. અહંકાર આપણું નાભિકેન્દ્ર છે. ભગવદ્‌ ભક્ત માયાના મૂળ સમા અહંકારને જ ભેદી નાખે છે. અહંકારનાં સૂક્ષ્માતિસૂક્ષ્મ આવરણ ભેદાય ત્યારે જ હરિમિલન થાય છે. આ પંક્તિમાં બીજા મહત્વના શબ્દો છે. ‘સ્વ ઇચ્છાએ આવીયા ચાલીને’ પ્રાર્થના કરે અને પધારે એ વાત જુદી છે. અહીં તો વગર પ્રાર્થનાએ કરુણા કરી સ્વ-ઇચ્છાએ સામે ચાલીને શ્રીહરિ પધાર્યા છે. ઉપનિષદ્નું સૂત્ર છે – यमैवेष वृणुते तेनैष लभ्यः I ‘પરમાત્મા આપણા પુરુષાર્થથી મળતા નથી. એ તો એ જેનું વરણ કરે એને જ મળે છે.’ આપણું કાર્ય છે ‘આપણું વરણ થાય’ એવી પાત્રતા કેળવવાનું. સ્વામીની પાત્રતા પૂર્ણ થઈ ચૂકી છે. એટલે અહીં સામે ચાલીને વરણ થઈ રહ્યું છે. શ્રીહરિ સામે ચાલીને પધાર્યા છે. હવે સવાલ એ છે કે આંગણે ઊભેલા શ્રીહરિનું સ્વાગત કઈ સામગ્રીથી કરવું? ક્યા મોતીડેથી એમને વધાવવા? ક્યાં પુષ્પોની માળા પહેરાવવી? તો સ્વામી કહે છે, ‘તન મન ધન મોહન છબિ ઉપરે, કરી નાખું કુરબાણ’ સ્વામી કહે છે ‘હે મોહન! તારા સ્વાગતમાં મારું તન-મન-ધન સર્વસ્વ ન્યોછાવર કરી દઉં તોય ઓછું પડે.’ અહીં તન-મન-ધન કુરબાન કરવાની વાત છે. સ્વામી અપરિગ્રહી સંત હતા. એમની પાસે લોકો પાસે હોય તેવું ધન નહોતું. પણ પ્રતિભાનું ધન પુષ્કળ હતું. સ્વામી પોતાની એ મૂડી કોઈ રાજામહારાજાને માથે ઓળઘોળ કરી શક્યા હોત! પણ સ્વામીએ પોતાની મૂડી સંસારીઓને સમર્પણ કરવાને બદલે શ્રીહરિ ઉપર ઓળઘોળ કરી. સદ્‍ગુણો સાધકની મૂડી છે. કોઈ સારા લહિયા હોય, કોઈ સારા સંગીતકાર હોય, કોઈ સારા પ્રવક્તા હોય, કોઈ સારા શાસ્ત્રવેત્તા હોય, કોઈ સારા કવિ હોય. આ રીતે અનેકવિધ ક્ષેત્રોમાં અનેક પ્રકારની કુશળતા આપણી મૂડી છે. આ મૂડી શ્રી કૃષ્ણાર્પણ થાય તો જ કામની છે, નહીંતર એ કુશળતાનો કોઈ અર્થ નથી. ગુજરાતની ધરતીને હરિયાળી કરવા નર્મદાની કેનાલો બની. નર્મદાનાં નીર મહીસાગર, સાબરમતી અને સરસ્વતીમાં મળ્યાં. પાણીનો પ્રવાહ સારી રીતે વહે તો હજારો હેક્ટર ધરણી હરિયાળી બને. નહીંતર એ જ પાણી ખારા દરિયામાં ભળે. જીવમાત્રમાં શક્તિઓ પડી છે. આપણે આપણી એ ઊર્જાને યોગ્ય માર્ગે વહાવીએ તો જીવન હરિયાળા બની જાય. આકાશી વીજળીને નાથતાં આવડે તો વીજળીની ખોટ્ય જ ન રહે. નાથતાં ન આવડે તો એ જ વીજળી જ્યાં પડે ત્યાં સત્યાનાશ વાળે. સાંસારિક જીવનમાંથી સંન્યાસ લેનારા સાધુસંતો પાસે વીજળીના જેવી અમાપ ઉર્જા ફાજલ પડે છે. એ ઊર્જાને વાપરતાં આવડે તો જીવનમાં અજવાળાં અજવાળા થઈ જાય. અન્યથા એ જ ઊર્જા ભસ્માસુર બની ભરખી જાય. ભારતના ગણમાન્ય રાષ્ટ્રપતિ શ્રી એ.પી.જે. અબ્દુલકલામ સંશોધનમાં એવા ડૂબી ગયા કે પરણવાનું જ વીસરાઈ ગયું. કલામની અંદર રહેલી ઊર્જાએ પૂરા રાષ્ટ્રને નવી દિશા અને નવી ઊર્જાથી ભરપૂર કર્યો. સાધુ-સંતો માટે આ વાત અતિ પ્રેરણાદાયક છે. બ્રહ્મસૂત્રો ઉપર શાંકર ભાષ્ય છે. શાંકર ભાષ્ય ઉપર વિદ્વાનોએ ટીકાઓ લખી છે પરંતુ તેમાં વાચસ્પતિ મિશ્રએ લખેલી ‘ભામતી ટીકા’ શિરમોડ છે. વાચસ્પતિ મિશ્ર શાસ્ત્રચિંતનમાં અને લેખનમાં એવા ડૂબેલા કે વર્ષો પછી એમને ખબર પડી કે મારાં તો લગ્ન પણ થઈ ગયાં છે. વચસ્પતિ મિશ્ર તો પોતાની ધૂનમાં મગ્ન હતા. સમય ઉપર સગાંસંબંધીઓએ પરણાવી દીધાં. પત્નીનું નામ ‘ભામતી’ હતું. વચસ્પતિ મિશ્રને આ વાતનો જ્યારે ખ્યાલ આવ્યો ત્યારે વર્ષો વીતી ચૂક્યાં હતાં. વાચસ્પતિ મિશ્રને થયું કે, ‘સતી ભામતી’ મારા કરતાંય મહાન છે. હું તો મારા ચિંતનમાં ડૂબ્યો હતો એટલે ખબર ન રહી કે સમય કેમ પસાર થયો? જ્યારે દેવી ભામતીએ તો મારી સેવામાં સમય પસાર કરી દીધો. ધન્ય છે એનાં તપ, સંયમ અને સમર્પણને. વાચસ્પતિ મિશ્રે શાંકર ભાષ્યની ટીકાનું નામ જ ‘ભામતી ટીકા’ રાખી, દેવી ભામતીને અમર કરી દીધાં. ઊર્જાના ઉત્તમ ઉપયોગ અથવા ઊર્ધ્વીકરણનાં આ ઉદાહરણો છે. બ્રહ્માનંદ સ્વામી પણ ઊર્જાનો અખૂટ ભંડાર હતા. એમની ઊર્જા શ્રીહરિને ચરણે સમર્પિત થઈ હતી. પરિણામે એ ઊર્જામાંથી અજોડ ‘સંતકવિ’નો જન્મ થયો હતો. અઢળક ઢળિયા રે સખી મને સભર ભરી પાત્ર પૂર્ણ ભરાય ત્યારે સભર ભર્યું કહેવાય. સ્વામી કહે છે, ‘અષાઢી મેઘ વરસે અને ધરતીના ખોબામાં પાણી સમાય નહીં, એમ શ્રીહરિએ સ્વામીને કૃપા અને પ્રેમથી અભરે ભરી દીધા.’ હું સૂતી’તી ભર નિદ્રામાં, જગવી શ્યામ જરૂર ભેટંતા અંતરથી ભાગિયું, મોહ માયાનું પૂર અખિયાં ઊઘડી રે, થઈ છે ખબર ખરી... અધ્યાત્મ-માર્ગે ચાલતા યાત્રિકને કયા પડાવે ઊંઘ આવી જાય એનો કોઈ ભરોંસો નથી. બ્રહ્માનંદ સ્વામી સ્વયં એક પ્રકારની ઊંઘમાંથી પસાર થયા હતા. સ્વામી શીઘ્રકવિ હતા. રાજામહારાજાઓના માનીતા હતા. પ્રભાવશાળી પડછંદ કાયા હતી. રાજસી ઠાઠ અને સુવર્ણ અલંકારોના શોખીન હતા. ભાવનગર નરેશના કહેવાથી તેઓ ભગવાન સ્વામિનારાયણની પરીક્ષા કરવા ગયા પણ સાગરના તળિયા માપવા ગયેલી મીઠાની ગાંગડી પાણીમાં ઓગળી જાય તેમ ઓગળી ગયા. શ્રીહરિની જુગ જુગની ઓળખાણ તાજી થઈ. પણ હજુ શરીર પરથી રાજસી ઠાઠ ઊતર્યો નહોતો. શ્રીહરિએ લાડુદાનને જીવુબા અને લાડુબાની ટકોર દ્વારા જગાડી દીધા હતાં. ગઢપુરમાં દાદાખાચરના ભહેનો લાડુબા અને જીવુબા સાંખ્યયોગ પાળી સાધ્વી જેવું જીવન ગાળતા હતા. કવિરાજ લાડુદાનજી એમને સાધ્વીજીવન છોડી સંસારી જીવન માંડવાનું સમજાવવા ગયા. કવિરાજે પોતાની આગવી છટાથી શ્રૃંગારરસ ખડો કર્યો. ત્યારે પરડા પાછળથી બન્ને બહેનો બોલ્યો, ‘કવિરાજ લોહી, માંસ અને દુર્ગંધથી ભરેલા હાડમાંસના પૂતળાના ગુણ બહુ ગાયા હવે હરિના ગુણ ગાઈને તમારી વૈખરીને પાવન કરો. અને સાંભળો કવિરાજ રાજસીઠાઠમાં લાલ ગલોલા જેવા થઈને ફરો છો. તમને જોઈને કોઈ બાઈ માણસની નજર બગડશે તો એનું પાપ કોને માથે?’ તેજીને ટકોરો બસ હોય લાડુબાને વેણે લાડુદાનનો આત્મા જાગી ગયો. રાજસી ઠાઠનો ત્યાગ કરી સાધુ થયા. એમણે રમૂજમાં શ્રીજી મહારાજને કહ્યું પણ ખરું, ‘મહારાજ! ઠપકો જ દેવોતો તમારે દેવોનો ને બાઈઓના મોઢે મે’ણા મરાવ્યા.’ લાડુબા લાડુદાસને જગાડનારા સદ્‍ગુરુ બન્યા. શ્રીજી મહારાજે લાડુબા દ્વારા લાડુદાનને જગાડી દીધા. અહીં પંક્તિમાં ‘જગવી’ શબ્દ છે. જગવી એ જગાડવાનું પ્રેરક રૂપ છે. એનો અર્થ છે પોતે નહીં પણ કોઈ બીજા દ્વારા જગાડવું. જગાડવાનાં ઘણાં સાધન છે. કોઈ ઘડિયાળને ટકોરે જાગે, કોઈ કંઠને મીઠે લ્હેકે જાગે. કોઈ કુંભકર્ણ જેવા હોય તો ઢોલ વગાડો તોય ન જાગે. મુમુક્ષુઓ સદ્‍ગુરુના શબ્દોથી જાગે છે. જ્ઞાનીઓ સ્વપુરુષાર્થથી જાગે છે. ભક્તને જગાડવાની ચિંતા સ્વયં ભગવાન કરે છે. ક્યારેક સ્વયં જગાડે છે. ક્યારેક કોઈ ગોરખ જેવા જાગતલ જોગીને મોકલી ‘ચેત મચ્છન્દર ગોરખ આયા’ના નાદ ગજવીને જગાડે છે. બ્રહ્માનંદ સ્વામી માટે લાડુબા અને જીવુબા જગાડનારી જોગણીઓ બન્યા. સ્વામીનો રાજસી ઠાઠ ખોટાં રૂંવાડાંની જેમ ખરી ગયો અને શરીર ઉપર ભગવાં શોભવા લાગ્યાં. ભેટંતા અંતરથી ભાગિયું, મોહ માયાનું પૂર ‘વસુદેવ ગોકુલ જતા હતા ત્યારે ભગવાન શ્રીકૃષ્ણનાં ચરણનો સ્પર્થ થતાં બે કાંઠે વહેતી યમુનાનાં નીરના પૂર ઓસરી ગયાં અને જમનાજીનાં જળમાં મારગ થયો’ એવી કથા છે. મોહ-માયાના પૂર ભારે છે. વસિષ્ઠ, વિશ્વામિત્ર જેવા મોટા મોટા મહાત્માઓ એમાં તણાય છે. કોઈ ગમે એટલા પુરુષાર્થ કરે પણ એ પૂર ઓસરતાં નથી. શ્રીહરિ કૃપા કરે તો પળ વારમાં ઓસરી જાય. કીર્તનની આ પંક્તિના આસ્વાદને જરા જુદી રીતે માણીએ. સ્વામી અહીં જે ‘ભર નિદ્રા’ની વાત કરે છે તે સામાન્ય માનવીને હોય એવી ઊંઘ નથી. અહીં ‘નિદ્રા’ શબ્દનો સંકેત ‘યોગિઓની નિર્વિકલ્પ સમાધિ’ તરફ છે. આ નિંદમાં જોગી નિજાનંદની મસ્તીમાં ડૂબી જાય છે. દેહભાવ કે આસપાસનું સર્વ લીન થઈ જાય છે. અરે ‘હું હરિનો છું’ એ ભાવ પણ જાગતો નથી. આ ‘બ્રાહ્મી નિદ્રા’ છે. આને વેદાંતમાં ‘બ્રહ્મસુષુપ્તિ’ પણ કહે છે. શ્રીહરિ સ્વામીને આવી બ્રાહ્મી નિદ્રામાંથી જગાડે છે. અહીં મોહ અને માયા પણ સંસારીઓને હોય છે એવાં નથી. પરંતુ અહીં ‘હું જ સર્વસ્વ છું’ એ માન્યતા મોહ છે અને ‘હું સ્વતંત્ર છું’ એ માન્યતા માયા છે. ભલભલા જ્ઞાનીઓ અને યોગીઓ આવાં મોહ-માયાનાં પૂરમાં તણાયાં છે પરંતુ પ્રેમીઓની વાત ન્યારી છે. પ્રેમીઓને નિજાનંદમાં મગ્ન થવા કરતાંય એમની નિજાનંદની સરિતાને પરમાનંદના સાગર સાથે સંગમ રચવામાં વધારે આનંદ છે. થઈ છે ખબર ખરી સ્વામી કહે છે ‘હરિવર’ તો સામે જ છે પણ આપણાં અવનવાં આવરણો એમનું યથાર્થ દર્શન થવા દેતાં નથી. આશ્ચર્ય તો એ છે કે એ આવરણો માત્ર માયાનાં નથી, આપણા અસ્તિત્વનાં પણ છે. ઈશ ઉપનિષદમાં શ્રીહરિની સ્તુતિ કરતાં ઋષિ કહે છે, हिरण्यमयेन पात्रेण सत्यस्यापिहितं मुखम् I तत्वं पूषन् अपावृणु सत्यधर्माय द्रष्टये II અંધકાર આવરણ કરે એ જ રીતે અતિ અજવાળું પણ અવરોધો પેદા કરે. આંખોને આંજી નાખે એવા અજવાળામાં આપણે કાંઈ જોઈ શકતા નથી. સંસારીઓને અજ્ઞાનનાં આવરણો અવરોધે છે. જ્ઞાનીઓને અજવાળાનાં આવરણો અવરોધે છે. જેમ કોઈને તડકો દેખાય પણ સૂર્ય ન દેખાય એ જ રીતે અતિ અજવાળાથી અંજાયેલી આંખોવાળા જ્ઞાનીઓને પરમ તેમના ઉદ્‌ગમરૂપ હરિવરના દિવ્યરૂપનાં દર્શન થતાં નથી. એટલે અહીં આ પ્રાર્થનામાં ઋષિ માત્ર મોહમાયાનાં આવરણો દૂર કરવાની પ્રાર્થના કરતાં નથી પરંતુ પરમ તેજના આવરણોનું પણ સંવરણ કરવાની પ્રાર્થના કરે છે. सत्यधर्माय द्रष्टये પરમ તેજનાં આવરણો હટ્યા બાદ જ હરિવરના ખરા રૂપનાં દર્શન થાય છે. માટે સ્વામી કહે છે, અંખિયા ઊઘડી રે થઈ છે ખબર ખરી પ્રિયતમ પાસે જ હતા પણ પરદામાં હતા એટલે પૂરો પરિચય નહોતો થયો. આવરણો દૂર થયાં કે સાચી ઓળખ થઈ ગઈ. સુંદર શ્યામ મનોહર સુરત, મૂરતિ બેઉ સમાન બ્રહ્માનંદ થઈ છું રસબસ, દેખંતાં ગુલતાન શંકા મેટી રે, હું તો વર અમર વરી... આ પંક્તિમાં ‘મૂરતિ બેઉ સમાન’ શબ્દો ભારે માર્મિક છે. બેઉ એટલે બે. મૂરતિ એટલે સ્વરૂપ. સ્વામી કહે છે, ‘બેય સ્વરૂપો સમાન છે.’ અહીં પ્રશ્ન થાય છે ‘ક્યાં બેય સ્વરૂપો સમાન છે?’ કોઈ કહે છે ‘ભગવાન સ્વામિનારાયણે અમદાવાદમાં નરનારાયણ દેવ પધરાવ્યા છે. બન્ને સ્વરૂપો બેહદ રૂપાળાં અને સમાન ભાસે છે. એટલે સ્વામી નર-નારાયણદેવની સ્તુતિ કરતાં કહે છે, ‘મૂરતિ બેઉ સમાન.’ નર અને નારાયણમાં અમને કોઈ ભેદ ભાસતો નથી. બન્ને સમાન છે.’ ભક્તચિંતામણિમાં નિષ્કુળાનંદ સ્વામીએ પણ નરનારાયણની સ્તુતિ પ્રસંગે કહ્યું છે, ‘છો એક ને દિસો છો દોઈ.’ કોઈ કહે છે, ‘ગઢપુરમાં ગોપીનાથજી મહારાજની મૂરતિ ભગવાન સ્વામિનારાયણના શરીરના એક એક અવયવોના માપ પ્રમાણે બની છે. ગોપીનાથજી મહારાજની મૂરતિનાં દર્શન કરતાં સ્વામી કહે છે, ‘મૂરતિ બેઉ સમાન.’ અમને ગોપીનાથજી અને સહજાનંદ સ્વામીમાં કોઈ ભેદ ભાસતો નથી. બન્ને સમાન છે.’ કોઈ કહે છે, “રાધાજી અને કૃષ્ણ વચ્ચે અનુપમ એકતા છે. એટલે સ્વામી કહે છે બન્ને સમાન છે.” વાસ્તવમાં આ પંક્તિનો ભાવ જ કોઈ અનોખો હોય તેમ લાગે છે. બ્રહ્મી અવસ્થાએ બ્રહ્મ અને પરબ્રહ્મ વચ્ચે અનુપમ સામ્ય પ્રગટે છે. બ્રહ્માનંદ સ્વામી સ્વયં બ્રાહ્મી અવસ્થાને પામેલા સંત છે. આ અવસ્થાએ બ્રહ્માનંદ સ્વામી શ્રીહરિ સાથે કોઈ અદ્‍ભુતસામ્ય અનુભવી રહ્યા છે. સ્વામી કહેવા માગે છે, ‘હે ભગવાન! એક સમય હતો જ્યારે અમારા ચૈતન્ય ઉપર મોહમાયાનાં આવરણો ચઢેલાં હતાં. આપના જેવાં જ અનુપમ અમારાં મૂળરૂપ માયાથી અવરાયેલાં હતા. અમારામાં અને તમારામાં ભારે ભેદ ભાસતો હતો. પણ સૂર્યોદય થતાં અંધકાર નાશ થાય તેમ આપનું મિલન થતાં અમારા અંતરમાંથી મોહમાયાનાં આવરણો નાશ પામ્યાં છે. અમારાં મૂળરૂપ અર્થાત્‌ અક્ષર બ્રહ્માત્મક સ્વરૂપ પ્રગટી ચૂક્યાં છે. બ્રહ્મસૂત્રો કહે છે – स्वस्वरूपेण आविर्भावः मोक्षः I ચૈતન્યનું મૂળ સ્વરૂપ પ્રગટ થાય એ મુક્તિ છે. ભગવાનનો ભક્ત ભગવાનની કૃપાએ કરીને મુક્તિ દશામાં ભગવાન જેવા જ રૂપ, ગુણ, તેજ અને વિભૂતિનો ભંડાર બને છે. સ્વામી કહે છે, ‘હે હરિ! તમે કરુણા કરીને તમારામાં અને અમારામાં હવે કોઈ ભેદ રહેવા દીધો નથી. જેવા તમે છો એવા જ અમને કર્યા છે: ‘મૂરતિ બેઉ સમાન’. તમે સચ્ચિદાનંદ રૂપ છો. અમને પણ સચ્ચિદાનંદ કર્યા. અમારો વિષયાનંદ વિસરાવી અમને બ્રહ્માનંદી કર્યા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં બ્રહ્માનંદ સ્વામી, સહજાનંદ સ્વામીના સખાનું બિરુદ પામેલા છે. બન્ને વચ્ચે અનુપમ સામ્ય હોય તો જ સખાભાવ પ્રાપ્ત થઈ શકે, અન્યથા નહીં. ‘બ્રહ્માનંદ થઈ છું રસબસ.’ ‘એક સમય હતો દૂધ અને સાકર અલગ અલગ હતા. પરંતુ હવે દૂધ અને સાકર એકરસ બને એમ અમે તમારી સાથે રસબસ થયા. હવે આપથી અલગ થવું મુશ્કેલ છે.’ રૈદાસજી કહે છે – પ્રભુજી, તુમ ચંદન હમ પાની, જાકી અંગ અંગ બાસ સમાની. પ્રભુજી, તુમ ઘન વન હમ મોરા, જૈસે ચિંતવત ચંદ ચકોરા. પ્રભુજી, તુમ દીપક હમ બાતી, જાકી જ્યોત જલે દિન રાતી. પ્રભુજી, તુમ મોતીન હમ ધાગા, જ્યું સોનહિ મિલે સોહાગા. પ્રભુજી, તુમ સ્વામી હમ દાસા, એસી ભક્તિ કરે રૈદાસા. મીરાં કહે છે – તુમ સંગ જોડી કૃષ્ણ અબ કૌન સંગ જોડું પ્રીત જો તુમ તોડો પ્રીત મૈં ના તૂટે રે પ્રેમસખી કહે છે – ઘનશ્યામ પિયા, તેરા મેરા જીયરા એક, કાચ મેં કંચન રેખ, ઘનશ્યામ પિયા, તેરા મેરા જીયરા એક..... પદને અંતે બ્રહ્માનંદ સ્વામી કહે છે, શંકા મેટી રે હું તો વર અમર વરી અમર વર વર્યા પછી હવે અમારે રંડાવાની શંકા નર્મૂળ થઈ છે. હવે અમારે અખંડ એવાતન છે. કારણ કે – ‘આજ મેં તો ભેટ્યા રે, અંકભર પ્રગટ હરિ’

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
વિનોદભાઈ પટેલ
ગરબી
અજાણ (પ્રકાશક )

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
5
2
 
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૧
Studio
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
શ્રીજીવલ્લભદાસજી સ્વામી ગુરુ શાસ્ત્રી ઘનશ્યામપ્રકાશદાસજી
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ મંદિર, વડતાલ, તા.નડિયાદ, જી.ખેડા ફોન.+૯૧ ૨૬૮-૨૫૮૯૭૭૬/૭૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
અજાણ સ્વરકાર
હરિકૃષ્ણ અવતારી
Studio
Audio
1
0