સર્વે સખી જીવન જોવાને ચાલો રે..૧/૪


સર્વે સખી જીવન જોવાને ચાલો રે,
	શેરડિયુંમાં આવે લટકંતો લાલો રે	...૧
એની શોભા મુખે વર્ણવી ન જાય રે,
	જેને નિગમ નેતિ નેતિ કરી ગાય રે	...૨
રોઝે ઘોડે રાજેશ્વર બિરાજે રે,
	છબી જોઈ કોટિક કંદર્પ લાજે રે	...૩
મળ્યાં આવે મહા મુનિનાં વૃંદ રે,
	તેમાં શોભે તારે વીંટયો જેમ ચંદ રે	...૪
શુક સનકાદિક ઉત્તમ જશ ગાવે રે,
	નૃત્ય કરી નારદ વીણા બજાવે રે	...૫
નિજ સખા ચમર કરે લઈ હાથ રે,
	આ જો આવ્યા ભૂમાનંદના નાથ રે	...૬
 

મૂળ પદ

સર્વે સખી જીવન

મળતા રાગ

ધોળ

રચયિતા

ભૂમાનંદ સ્વામી

કીર્તનનો અર્થ

ભાવાર્થઃ- હે સાહેલીઓ! શેરીમાં આવનાર લટકતાં લાલને ચાલો જોવાને II૧II જેને વેદો પણ નેતિ નેતિ કહી થંભી જાય છે. એવા શોભાનિધિની શોભા એક મુખે કેમ વર્ણવવી. II૨II રોઝે ઘોડે બિરાજેલા ઘનશ્યામની છબી જોઈને કોટિ કામદેવો પણ લજ્જા પામે છે. II૩II તારલાઓની વચ્ચે જેમ ચંદ્રમાં શોભે છે, તેમ મુનિના વૃંદની વચ્ચે ભગવાન શ્રીહરિ શોભે છે. II૪II આ ઉપવિત ઉત્સવમાં ભગવાનનું મન એવા નારદજી વીણા બજાવી રહ્યા છે. અને શુકસનકાદિક ઉત્તમ જશ ગાઈ રહ્યા છે. II૫II હજુરી પાર્ષદ ભગુજી ચમર કરી રહ્યા છે. એવા ભૂતલે પધારેલા ભગવાનને ભાળવા ભૂમાનંદસ્વામી ભાવભીનું આમંત્રણ આપી રહ્યા છે. II૬II

ઉત્પત્તિ

ઉત્પત્તિ ૧ જોગાનુજોગ ભક્ત કવિ રૂપજીભાઇ કડિયાને વઢવાણ પાસેના ખારવા ગામે ધનારાબા નામના એક સત્સંગી હરિભક્ત ભેટી ગયા. ધનારાબાએ રૂપજીભાઈને ભગવાન શ્રી સ્વામિનારાયણનો અનન્ય મહિમા સમજાવ્યો‌ . રૂપજીભાઇ તો પૂર્વના મુક્ત હતા, એમણે સત્ય સમજાતાં વાર ન લાગી. ધનારાબાની વાતો સાંભળીને એમના અંતરમાં ભગવાન શ્રી સ્વામિનારાયણનાં દર્શનની અદમ્ય ઈચ્છા જાગી. એ વખતે શ્રીજીમહારાજ ગઢડામાં વિરાજમાન હતા. રૂપજીભાઇ ધનારાબા સાથે ગઢડા જવા ઉપડ્યા. બે દિવસે તેઓ ગઢડા પહોંચ્યા. એ વેળા મહારાજ ભારે ભારે વસ્ત્રાભૂષણ પહેરીને રોઝે ઘોડે બેસીને દાદા ખાચરના દરબારમાંથી લક્ષ્મીવાડીએ જતા હતા. રૂપજીભાઇને શેરીમાં જ મહારાજના દૂરથી દર્શન થયા.એમનું અંતર મહારાજની મૂર્તિના દર્શન માત્રથી દ્રવી ગયું અને તરત જ તેમણે ‘ સર્વે સખી જીવન જોવાને ચાલો રે ...’ એ કીર્તન બનાવી ગાયું. ભરચક જનસમુદાય વચ્ચે પણ આ શબ્દો મહારાજના કાને પડ્યા. મહારાજે દ્રષ્ટિ ફેરવી જોયું તો ધાનારાબાની સાથે રૂપજીભાઇને દીઠા. ભારે ભીડ વચ્ચેથી જ મહારાજે રૂપજીભાઇને હાંકલ કરી પાસે બોલાવ્યા. રૂપજીભાઇએ મહારાજ પાસે સાષ્ટાંગ દંડવત્‍ પ્રણામ કર્યા ને નયનમાંથી ઝરતા પ્રેમાશ્રુથી શ્રીહરિના ચરણોને પખાળ્યા. મહારાજે રૂપજીભાઇને છાતીમાં ચરણારવિંદ આપ્યાં ને પછી પ્રેમથી પ્રગાઢ આલિંગન આપ્યું. મહારાજ લક્ષ્મીવાડી પહોંચ્યા, ત્યાં આંબાના વૃક્ષ નીચે સભા કરી રૂપજીભાઇને પોતાની પાસે બેસાડ્યા. પછી મહારાજે સર્વ સભાને સંબોધતા કહ્યું: “ આ રૂપજીભાઇ પરમ ભક્તરાજ છે ને નૈષ્ઠિક બ્રહ્મચર્યવાળા છે .” પછી રૂપજીભાઇ તરફ જોઇને બોલ્યા: “કેમ રૂપજી ! હવે ક્યાં સુધી સંસારાબ્ધિના ખૂણામાં છુપાઈ રહેવું છે?” રૂપજીભાઇએ તત્કાળ ઉત્તર આપ્યો : “મહારાજ, આપના દર્શનની જ રાહ જોતો હતો. હવે ઘેર જવાની જરાય ઈચ્છા નથી. આપની પાસે યાચના કરવાનો જ ઈરાદો હતો કે આપના ચરણારવિંદના સેવનનો લાભ આપવા કૃપા કરો તો સારું.” મહારાજ રૂપજીભાઇનો ઉત્તર સાંભળી અત્યંત પ્રસન્ન થયા અને ત્યાં એ વખતે જ રૂપજીભાઇને દીક્ષા આપી પરમહંસ બનાવ્યા ને ભૂધારાનંદ નામ આપ્યું. જે કાળાન્તરે ભૂમાનંદ થયું. ઉત્પત્તિ ૨ આ કીર્તન લગ્નમાં ગાવાતા ધોળ ઢાળમાં રચાયેલું છે. આ કીર્તન વરરાજાની વધામણીનું કીર્તન છે. આ કીર્તનનો ઇતિહાસ અતિ સુંદર છે. એક સમયે ભગવાન શ્રી સ્વામિનારાયણ અગતરાઈ ગામે પધારેલા. અગતરાઈમાં ગોવિંદરામ ભટ્ટના દીકરાની જનોઈનો પ્રસંગ હતો. ગોવિંદરામ ગરીબ બ્રાહ્મણ હતા. એમના માટે જનોઈનો પ્રસંગ ઉકેલવો એ મુશ્કેલ કાર્ય હતું. કરુણામય ભગવાન સ્વામિનારાયણે ગિવિંદરામ ભટ્ટને પૂછ્યું, ‘ભટ્ટજી! આ જનોઈનો પ્રસંગ ઉકેલવામાં કેટલો ખર્ચ થાય?’ ભટ્ટજી કહે, ‘મહારાજ! આશરે રૂપિયા ત્રણસો જેટલો થાય!’ મહારાજ કહે, ‘ભટ્ટજી! એટલા બધા રૂપિયા ક્યાંથી કાઢશો?’ ભટ્ટજી કહે ‘મહારાજ! સાંજે છોકરાનું ફુલેકું ફરશે, લોકો શ્રદ્ધા પ્રમાણે ‘પહ’ ભરશે એમાંથી થોડો ટેકો થઈ રહેશે.’ મહારાજ કહે, “પહ’માં લોકો શું આપે?’ ભટ્ટજી કહે, ‘મહારાજ! શ્રીફળ, સાકરનાં પડાં અને શ્રદ્ધા પ્રમાણે રૂપિયા! શ્રીહરિ કહે, ‘ભટ્ટજી! તમારા અંદાજ પ્રમાણે ફુલેકામાં કેટલાક રૂપિયા મળે?’ ભટ્ટજી કહે, ‘મહારાજ! કાંઈ નક્કી નહીં, પણ સો-સવાસો રૂપિયા તો થઈ જાય.’ મહારાજ કહે, ‘તો બાકીના ક્યાંથી લાવશો?’ ગરીબ બ્રાહ્મણ નીચે જોઈને બોલ્યા, ‘મહારાજ! ઉપરવાળા બધાયનું પૂરું કરે છે, તો મારુંય કરશે!’ બિચારા ભટ્ટજીને ક્યાં ખબર હતી કે ‘ઉપરવાળો’ જ આજે સામે બેઠો છે. મહારાજ મંદ મંદ હસવા લાગ્યા અને મનોમન બોલ્યા, ‘ભૂદેવ! આજે તો ઉપરવાળો નહીં, ‘સામેવાળો’ પૂરું કરશે અને ગરીબનો પ્રસંગ ઉકેલશે!’ ભૂદેવનો પ્રસંગ ઉકેલવા શ્રીહરિએ એક રહસ્યમય ચરિત્ર કર્યું. એમણે પાસેના ભક્તોને પૂછ્યું, ‘આ ભટ્ટજી ફુલેકાની વાત કરે છે. અમે કોઈ દી ફુલેકું જોયું નથી! ફુલેકું કેવું હોય?’ ભક્તો કહે, ‘મહારાજ! બાઈઓ ધવલ-મંગળ ગાય. મુરતિયો ઘોડે ચઢે અને વાજતે ગાજતે ગામમાં ફરે. લોકો મુરતિયાને શ્રદ્ધા પ્રમાણે ભેટ ધરે. આને ફુલેકું કહેવાય!’ શ્રીહરિ કહે, ‘આ તો આનંદ આવે એવી વાત છે. અમે કોઈ દી’ ફુલેકું ફર્યા નથી તો આ ભટ્ટના છોકરાની હારોહાર્ય અમને પણ ફુલેકે ફેરવો!’ શ્રીહરિની વાત સાંભળતા સંતો-ભક્તો તો રાજી રાજી થઈ ગયા! શ્રીહરિ સ્વયં ઘોડે ચઢી અગતરાઈની શેરીએ શેરીએ ફરે એનાથી મોટી આનંદ-ઉત્સવની વાત બીજી કઈ હોઈ શકે! સંતોભક્તોએ શ્રીહરિની વાતને વધાવી લીધી. શ્રીહરિ કહે, ‘પણ સાંભળો. અમે ફુલેકે ફરીએ પણ અમારી એક શરત છે. ભક્તો કહે, ‘મહારાજ! તમારી બધી શરતો અમને મંજૂર પણ ફુલેકાની વાત હવે ફેરવશો નહીં. બોલો શી શરત છે?’ શ્રીહરિ કહે, ‘ફુલેકામાં જેટલા રૂપિયા આવે એ અમારા. શ્રીફળ અને સાકરનાં પડાં આવે એ ભટ્ટના છોકરાનાં.’ શ્રીહરિની વાત સાંભળતાં ગોવિંદરામ ભટ્ટનું મોઢું દિવેલ પીધું હોય તેવું થઈ ગયું. એના મનમાં થયું ‘મહારાજ આવા તે કેવા? માંડ થોડા ખર્ચ નીકળવાની આશા હતી. પણ આણે તો ગરીબ બ્રાહ્મણની માટલી ફોડી નાખી!’ આ રીતે જાતજાતના ઘાટ-સંકલ્પમાં ભટ્ટજીનું ચિત્ત ચકડોળે ચડી ગયું. આ બાજુ સંતો અને ભક્તો ભારે ઉત્સાહથી મહારાજના ફુલેકાની તૈયારી કરવા લાગ્યા. મહારાજના રોઝા ઘોડાને ભાતભાતના શણગારોથી શણગારવામાં આવ્યો. શ્રીહરિએ પણ નવાં નવાં વસ્ત્રો –અલંકારો ધારણ કર્યાં. સજી ધજીને શ્રીહરિ રોઝે ઘોડે બિરાજમાન થયા. ઢોલ-નગારાં-શરણાઈઓ વાગવા લાગી. ધવલ-મંગળ ગીતો ગવાવા લાગ્યાં. સંતો અને ઉત્સવીયા ભક્તો ઝાંઝ-પખવાઝ લઈને કીર્તન કરવા લાગ્યા. આગળ રોઝે ઘોડે શ્રીહરિ, પાછળ દુબળે ઘોડે ભટ્ટનો છોકરો! અગતરાઈની શેરીએ શેરીએ આ અનોખું ફુલેકું ફરવા લાગ્યું. લોકો ઉત્સાહથી ભેટ સોગાદ, રૂપિયા, સાકરનાં પડાં, શ્રીફળ ધરવા લાગ્યાં. શ્રીહરિએ પણ ગજબની લીલા કરી. સાકર અને શ્રીફળ ભટ્ટના છોકરા પાસે મોકલે અને રૂપિયા પોતા પાસે રખાવે. જેમ જેમ મહારાજ પાસે ભેટ ધરાતી જાય, તેમ તેમ ગોવિંદરામના હૈયામાં બળતરા વધતી જાય. ‘આ સમે, મહારાજે ગરીબ બ્રાહ્મણનું ટાળ્યું. કહેવાય ભગવાન અને લોભ કેવો? આકાશને આંબે એવો! આ તે ભગવાન કહેવાય? અંતર્યામી શ્રીહરિ ભટ્ટજીના ઘાટ વાંચતા જાય અને મનોમન હસતા જાય! સર્વ પ્રથમ પરવતભાઈએ રાણી સિક્કાના નગદ રૂપિયા સો શ્રીહરિને ચરણે ધર્યા. પછી તો ગામમાં જેને જેવો ઉછરંગ એવી ભેટ ધરાવા લાગી. આ અલૌકિક ફુલેકાના અવસરે નંદ-સંત-કવિઓનાં હૈયા હાથમાં કેમ રહે! અષાઢી મેઘનો ઉદય થાય અને મયૂરો ટહુકાર ન કરે તો મયૂર ન કહેવાય! શ્રીહરિની અલૌકિક છબીને નીરખતા નીરખતા શીઘ્રકવિ ભૂમાનંદ સ્વામીના હૈયામાંથી કીર્તનની સરવાણી છૂટી... ‘સર્વે સખી જીવન જોવાને ચાલો રે’ આ ચાર ચાર પદોની રચના થઈ. જનોઈની શોભાયાત્રાને સ્વામીએ અમરવરની જાનના વરઘોડામાં રૂપાંતરિત કરી દીધી. સ્વામીના કંઠમાંથી ધવલમંગળ ઢાળનું આ ઝીલણીયું પ્રગટવા માંડ્યું, તો સામે જેમ સાગરની ગર્જના થાય તેમ ભક્તોનો સમુદાય કીર્તન ઝીલવા લાગ્યો. આ વરઘોડાના દર્શનથી આખા ગામને હૈયે ટાઢક થઈ. પણ ગોવિંદરામ ભટ્ટને હૈયે ટાઢક ન થઈ. એને તો જેમ જેમ મહારાજ પાસે ભેટ ધરાય તેમ તેમ હૈયામાં બળતરા થાય. કહેવાય નહીં અને સહેવાય નહીં એવી વેદનામાં એણે છોકરાનું ફુલેકું પૂરું કર્યું. અગતરાઈ ગામની ગલી ગલીને પાવન કરી શ્રીહરિ ઉતારે પધાર્યા. શ્રીહરિ પર્વતભાઈ સામે જોઈને બોલ્યા ‘પર્વતભાઈ! ગામમાં બધાએ ‘પહ’ ભરાવ્યો હશે!’ પર્વતભાઈ કહે, ‘હા મહારાજ! લગભગ કોઈ બાકી નહીં હોય. આજે તો આખા ગામનો ઉત્સાહ જ અનેરો છે. અગતરાઈમાં આવો વરઘોડો ક્યારેય નીકળ્યો નથી. આજે તો ગરીબમાં ગરીબ માણસે પણ શક્તિ પ્રમાણે વધામણી કરી છે.’ મહારાજે રૂપિયા સાચવનારા સેવકોને પૂછ્યું, ‘કેટલા રૂપિયા આવ્યા? સેવકોએ ગણીને કહ્યું, ‘મહારાજ! પાંચસો પૂરા.’ મહારાજે વળી મર્મમાં પૂછ્યું, ‘જેટલાંએ અમને વધાવ્યા એટલાંએ ભટ્ટના છોકરાને પણ વધાવ્યા હશેને?’ એક બટકબોલો ભગત મર્મમાં હસીને કહે, ‘મહારાજ! વધામણી તો હારે જ હાલી પણ અહીં રૂપિયા અને ત્યાં શ્રીફળ ને સાકરનાં પડાં!’ વળી મહારાજે વાત દોહરાવી, “પહ’ ભરવામાં કોઈ બાકી નથી ને?’ ભક્તો કહે, ‘ના મહારાજ, કોઈ બાકી નથી.’ મહારાજ કહે, ના, એવું નથી. ભટ્ટજીના છોકરાને આખા ગામે ‘પહ’ ભરાવ્યો પણ અમે બાકી છીએ.’ મહારાજ શું કહેવા માગે છે? તે કોઈથી સમજાયું નહીં. મહારાજ કહે, ‘ગોવિંદરામ અને એના છોકરાને અહીં બોલાવો. અમારે ભટ્ટના છોકરાને ‘પહ’ ભરાવવો છે.’ ગોવિંદરામ ભારે હૈયે છોકરાને લઈને શ્રીહરિ પાસે આવ્યા. એના મનમાં તો ભારે રમખાણ ચાલતું હતું. ‘મહારાજે ભગવાન થઈને ગરીબોનું ટાળ્યું. એને ક્યાં રૂપિયાની તાણ હતી? તે મારા છોકરાની હારોહાર ફુલેકે ચઢ્યા?’ હૈયાના ભાર સાથે ઉદાસ ઊભેલા ગોવિંદરામ સામે જોઈ શ્રીહરિ હસ્યા અને બોલ્યા ‘તમારાં છોકરાને પહ ભરાવવામાં અમે બાકી રહી ગયા તે કેમ ચાલે! આજે ફુલેકામાં અમારી પાસે જે ભેટ આવી છે તે તમારા છોકરાની! લ્યો ભટ્ટજી ત્રણસે રૂપિયાથી જનોઈનો ખર્ચ કાઢજો અને બસો વાપરવા રાખજો અમારા ગરીબ ભક્તોને વરાં, પ્રસંગે રોટલા અને રૂપિયાની મૂંઝવણ થાય તો અમને ‘લક્ષ્મીપતિ’ને શરમ આવે!’ શ્રીહરિનાં શીતળ શાંત અમૃત જેવાં વચનો સાંભળતા ભટ્ટજીના હૈયામાં ટાઢા શેરડા પડ્યા. હૈયાની બળતરા આનંદની હેલીમાં પલટાણી. આંખેથી આંસુડાંની ધારા વહેવા માંડી. બે હાથ જોડી ભટ્ટજી બોલ્યા, ‘મહારાજ! આ અભાગિયો બ્રાહ્મણ તમને ઓળખી ન શક્યો. મહારાજ! મને માફ કરો. મેં તમને મનોમન બહુ ગાળો દીધી છે!’ શ્રીહરિ મંદ મંદ હસીને કહે, ‘ગોવિંદરામ! એનો વાંધો નહીં. રોજ અમારા સ્તવન કરે એની ગાળો પણ અમને મીઠી લાગે! એમ તો સુદામા અને નરસૈયાએ પણ ક્યાં બાકી રાખ્યું હતું? અમને અમારા ભક્તોની ગાળો અને મેણાં-ટોણાં ખાવામાં ભારે મજા આવે છે.’ વાયુવેગે આ વાત ગમમાં ફેલાણી. શ્રીહરિની ઉદારતાના વાવટા આકાશે આંબ્યા. આવા પાવનકારી પ્રસંગને હૃદયમાં સમાવીને આ કીર્તન વહે છે... ‘સર્વે સખી જીવન જોવાને ચાલો રે’ આજે પણ હજારો હૈયાં ભાવથી આ કીર્તન બોલે છે અને ઝીલે છે. વારંવાર બોલાય છે, વારંવાર ઝિલાય છે છતાં આ કીર્તનમાંથી નિત નવા રસનો અનુભવ થાય છે. ઉત્પત્તિઃ- ૩ એક સમયે શ્રીહરિ જન્માષ્ટમીનો ઉત્સવ કરવા સોહામણા સૌરાષ્ટ્રના પવિત્ર અગતરાય ગામે પધાર્યા. ભક્ત શિરોમણી પર્વતભાઈના ઉત્સાહ, ઉમંગ અને ભાવથી એ જન્માષ્ટમીનો ઉત્સવ અતિ ધામધૂમથી ઉજવાયો. ઉત્સવ બાદ શ્રીહરિ અને સંતો ઘણો સમય સુધી રોકાયા. એ દરમિયાન માણાવદરના મયારામ ભટ્ટના ભાઈ ગોવિંદરામ ભટ્ટના પુત્ર નારાયણજીભાઈને જનોઈ આપવા માટે તેઓ સહકુટંબ શ્રીહરિ પાસે આવ્યા. બ્રાહ્મણકુળમાં બ્રહ્મપુત્રને વેદવિધિથી યજ્ઞોપવિત આપવામાં ખર્ચ ઘણો થાય એટલે ભક્તવત્સલ ભગવાને પોતાના ભક્તની પરિસ્થિતિ સમજીને અત્યંત કૃપા કરીને કહ્યું કે, “તમારા પુત્ર નારાયણજીભાઈને ગામમાં ફૂલેકે ફેરવીએ અને તે ફૂલેકામાં રોઝા ઘોડા પર બેસી અમે પણ સામેલ થશું. એટલે આપના સર્વ મનોરથ સિદ્ધ થશે.” આહાહા…! કેવી ભક્તવત્સલતા, કેવી અદ્ભુત કરુણા !! અનંત ધામનાં અધિપતિ પૂર્ણપુરુષોત્તમનારાયણ આજે ભક્તદુઃખભંજક બની અંતરાયની શેરીએ-શેરીએ ફૂલેકામાં ફરી રહ્યા છે. ચારેય બાજુ મંગળ વર્તાવા લાગ્યું છે. પ્રગટ ઉપાસી ભક્તોના અંતરમાં આનંદ સમાતો નથી. હજારો નર-નારીઓ ઓવારણાં લઈ રહ્યાં છે. સોના-રૂપાનાં પુષ્પોથી શ્રીહરિને વધાવી રહ્યા છે. બધા મુમુક્ષુઓ અનેક પ્રકારની ભેટો ધરી રહ્યાં છે. આમ, આનંદનો મહાસાગર અગતરાયની શેરીઓમાં હિલોળતો હોય અને ભૂમાનંદ જેવા સંતકવિ આંખે દેખેલા અહેવાલને આલેખ્યા વિના રહી શકે ખરા? તો આવો! એ આનંદાત્મક ઝડીઓની ઝાંખી કરીએ, સદ્ગુરુ ભૂમાનંદસ્વામીના પ્રસ્તુત પદોથી.

વિવેચન

આસ્વાદ :- ભૂમાનંદ (સ. ૧૮૫૨-૧૯૨૪)નાં પ્રસ્તુત પદ્મા લાલિત્ય, રસસિંચન અને પ્રભુના સ્વરૂપમાધુર્યનું ઉત્કટ આકર્ષણ જણાય છે. શ્રીજી માટે કવિ જે શબ્દ “જીવન” પ્રયોજે છે એ એમની પ્રભુ પ્રત્યેની પ્રગાઢ પ્રીતિ દર્શાવે છે. કવિના પ્રભુના દર્શન માટેની જે ઊંડી આતુરતાં છે તે પ્રથમ પંક્તિમાં જ વ્યક્ત થઇ જાય છે. વિવેચન ૧ “સર્વે સખી જીવન જોવાને ચાલો રે.” કવિ પોતે તો શ્રીહરિને નીરખવા જાય છે, પણ સાથે સાથે બીજાને પણ આગ્રહપૂર્વક આમંત્રણ આપતા જાય છે, જીવનપ્રાણ પ્રભુને જોવા આવવા માટેનું! અહીં‌ કવિનો હિતકારી સંત સ્વભાવ છતો થાય છે. સંત કદીયે સ્વાર્થી કે સ્વકેન્દ્રી ન સંભવે. એનું હૈયું હમેશા ઉપકારક સંવેંદનાઓથી જ ભરેલું હોય છે. પ્રભુની શોભા વાણીથી વર્ણવી શકાય એવી નથી. શબ્દની શક્તિની છેક મર્યાદા બહારની એ વાત છે. તેથી જ તો વેદો પ્રભુને માટે नेति नेति સિવાય કાંઈ કહી શકતા નથી. રોઝા ઘોડા ઉપર રાજાઓના પણ રાજા એવા રાજેશ્વર પ્રભુ શ્રી સહજાનંદ સ્વામી બિરાજ્ય છે. એમની રૂપમાધુરી જોઈ કવિને થાય છે કે આ રૂપ આગળ તો કરોડો કામદેવ પણ લજવાઈ મરે એવી આ પૂર્તિની રૂપરસિકતા છે ! મહારાજની સાથે સંતોના મંડળ પણ ચાલ્યા આવે છે, કવિએ ચંદ્રની સુંદર ઉપમાથી અહીં પ્રભુને નવાજ્યા‌ છે. “તેમાં શોભે તારે વીંટ્યો જેમ ચંદ્ર રે.” સંતોને તારાગણ સાથે અને શ્રીજીને ચંદ્ર સાથે સરખાવી સ્વામીએ બહુ સુંદર રૂપક અલંકાર પ્રયોજ્યો છે. અંતે કવિ ગૌરવવંતા મહિમા સાથે શ્રીહરિનો પરિચય આપતા કહે છે કે જેની ઉત્તમ યશગાથા અસંખ્ય ભક્તો ને મુકતો પણ ગાયાં કરે છે, જેની આગળ મહાસમર્થ સંતો જુદા-જુદા વાજિંત્રો વગાડીને નૃત્ય કર્યા કરે છે અને નિજ સખા હાથમાં ચમાર લઈને ઢોળે છે, એ પ્રભુ ! એ મારો નાથ! જુઓ આ આવી રહ્યો છે. અહીં‌ કવિએ સુખ સનકાદિક, શુકમુનિ તથા શતાનંદ મુનિને કહ્યા છે, શતાનંદ સ્વામીએ ‘ સત્સંગી જીવન’ ગ્રંથમાં શ્રીજીનો અપાર યશ ગાયો છે. અહીં નિજ સખા મૂળજી બ્રહ્મચારીને કહ્યા છે. રાગ ધોળમાં ગવાયેલું આ સુગેય પદ શ્રીજીમહારાજને ખૂબ પસંદ હતું અને પ્રભુ ઘણીવાર ભૂમાનંદ સ્વામી પાસે આ ગવડાવતા હતા. કવિનો હૃદયોલ્લાસ કાવ્યની પંક્તિએ પંક્તિમાં ખૂબ પ્રગલ્ભપણે વ્યક્ત થયો છે. વિવેચન ૨ ભૂમાનંદ સ્વામીએ આ કીર્તનનો લય અદ્‍ભુત પસંદ કર્યો છે. કીર્તનના શબ્દો અને ભાવ આપણા હૃદયને ઝંકારથી ભરી દે છે. ભૂમાનંદ સ્વામીની અનેક રચનાઓ છે પણ કદાચ એ ન હોય અને ચાર પદનું આ એક જ કીર્તન હોય તો પણ સ્વામી કાયમ માટે અમર બની જાત. ગામને પાદર જાન આવે. વરરાજાને વાજતેગાજતે ગામમાં પધરાવવામાં આવે ત્યારે જાનડીઓ મધુર હલકથી વરને વધાવવા મટે આ ઢાળમાં લગ્નગીતો ગાય છે. જૂના જમાનાની વાત છે. જાન આવવાની થાય ત્યારે આબાલવૃદ્ધ નરનારીઓ ગામના પાદરમાં ઊભાં રહીને જાનની રાહ જોતાં, ‘ક્યારે જાન આવે? ક્યારે જાનડીઓના મધુર સ્વર સંભળાય?’ આજે તો લગ્નો પણ ‘ફાસ્ટ સ્પીડે’ ચાલતા જમાના જેવા થઈ ગયા છે. જૂના જમાનામાં નાનપણમાં સગપણ થતાં, યુવાન ઉંમરે લગ્ન થતાં. વચ્ચેના ગાળામાં બન્ને પરિવારો પરસ્પર એકબીજાને ત્યાં આવજા કરી પ્રેમના સંબંધો પ્રગાઢ બનાવતા. પરિણામે લગ્ન-જીવન લાંબાં ટકતાં. લગ્નજીવનમાં મુશ્કેલીઓ ન આવતી એવું નથી પણ સાથોસાથ મુશ્કેલીઓ પાર કરવાની ધીરજ અને સમજણ પણ આવતી. બાળલગ્ન સારાં ન ગણાય પણ નાનપણથી સગપણની રીત ઘણી સારી ગણાય. લગ્ન કોઈ વેપાર નથી. લગ્ન તો બે હૈયાંને જોડનારો સેતુ છે. લગ્નથી બે પરિવારો વચ્ચે બે નદીઓ જેવો સંગમ રચાય છે. જૂના જમાનામાં લગ્નો મહોત્સવની જેમ ઊજવાતાં. લોકો લગ્નસંબંધી એક એક પ્રસંગ આનંદથી ઊભરાતા હૈયા માણતા. સગપણમાં શ્રીફળ, ચાંદલા અને ચૂંદડીનો વિધિ થાય! ધામધૂમથી લગન લખાય! મોજથી મંડપરોપણ થાય! વરકન્યાને પીઠી ચોડવામાં આવે! જાનનાં આગમન થાય! વરનાં વધામણાં થાય! માંડવે પોંખવાનો વિધિ થાય! પરિવાર, સમાજ, બ્રાહ્મણો, અગ્નિ અને દેવોની સાક્ષીએ ચાર ફેરા ફરાયા! સપ્ત્પદીના મંત્રો ભણાય! જીવનભર સુખદુ:ખમાં એકબીજાના સાથ નિભાવવાની પ્રતિજ્ઞાઓ લેવાય! છેલ્લે ક���્યાવિદાયનો પ્રસંગ તો ભલભલાને રડાવે એવો હોય! જોકે કાળક્રમે લગ્નસંસ્થામાં અનેક પ્રકારની વિકૃતિઓ આવેલી છતાં લગ્નઉત્સવની રોનક અનેરી હતી. આજે તો ફેક્ટરીનો માલ વેચવો હોય તેમ છાપામાં જાહેરાત આપે! પટ દઈને પસંદગી થાય, ઝટ દઈને લગ્ન થાય પછી બટ દઈને બટકી જાય. આ કાંઈ સભ્યતાની નિશાની ન ગણાય! છોડો આ બધી સાંસારિક લગ્નોની વાતોને! ભૂમાનંદ સ્વામીના આ કીર્તનમાં કોઈ જુદી જ જાતની જાનનું વર્ણન છે. આ જાનમાં જાનૈયાંઓ અલૌકિક, મુરતિયો તો સહુથી અલૌકિક છે. વરની વધામણી માટે ભૂમાનંદ સ્વામી સર્વે સખીઓને સાબદી કરતાં કહે છે, સર્વે સખી જીવન જોવાને ચાલો રે, શેરડીઓમાં આવે લટકંતો લાલો રે. અહીં સર્વે સખી એટલે શ્રીહરિના લાડીલા સંતોનો સમુદાય. આ અમરવરની જાનનું દ્રશ્ય અલૌકિક છે. જેણે સંસારનાં સુખ હરામ કર્યાં છે એવા સંતો આ સામૈયામાં સામેલ થયા છે. જેણે સંસારિક લગ્નસંબંધો તોડી નાખ્યા છે એ આજે જાનડીયું થઈને ફરે છે. અહીં વરરાજા ‘પુરુષોત્તમ’ છે. જાનડીયું ‘પરમહંસો’ છે. સંસારમાં રહી હરિભજન કરનારા હરિભક્તો જાનૈયા થયા છે. આ અલૌકિક વરને ભૂમાનંદ સ્વામી અતિ પ્રેમથી ‘જીવન’ કહે છે. આ વરરાજા સાધારણ નથી પણ સર્વના જીવનદાતા છે. ચરાચર જગત એની કૃપાથી જીવે છે. સર્વ પ્રાણધારીઓનો એ મહાપ્રાણ છે. એ મહાપ્રાણની પ્રેરણાથી ચરાચર વિશ્વમાં સ્પંદનો જાગે છે. જડ-ચેતન સમસ્ત સૃષ્ટિના અસ્તિત્વનો એ આધાર છે. એમાં પણ પ્રેમી ભક્તો માટે તો એ વિશેષપણે ‘જીવનપ્રાણ’ છે. પ્રેમીઓના પ્રાણ એ પ્રિયતમને સહારે જ ટકે છે. વરને નીરખવા માટે એક સખી બીજી સખીને સાબદી કરે તેમ ભૂમાનંદ સ્વામી બીજા પરમહંશોને પ્રાણપ્યારા પરમાત્માને નીરખવા હાકલ કરે છે. સર્વે સખી જીવન જોવાને ચાલો રે, શેરડીઓમાં આવે લટકંતો લાલો રે, જેના ઉપર વહાલ વરસાવી શકાય ને ‘લાલ’ કહેવાય. જેને પ્રેમથી ભીંજવી શકાય તેને લાલ કહેવાય. જે પ્રેમથી પરિપૂર્ણ હોય એને લાલ કહેવાય. કીર્તનોમાં ‘લાલ’ શબ્દ અવારનવાર આવે છે. ‘લાલ’ શબ્દની વ્યાખ્યા કીર્તન-આસ્વાદમાં અન્યત્ર થઈ ચૂકી છે. અહીં મઝાની વાત વરરાજાના હાવભાવ વિષેની છે ‘શેરડીઓમાં આવે લટકંતો લાલો રે’ મોટે ભાગે વરરાજો ભારે ધીર-ગંભીર હોય, ચઢાવેલા તબલા જેવો હોય. આમ તો કામકાજ વિના રોજ માખીઓ મારતો હોય પણ પરણવા ટાણે માખી ઉડાડનારા પણ બીજા હોય! જમાડવામાં મોઢે કોળિયા દેનારા જુદા હોય! વરરાજાનું મોઢું હસતું હોય પણ મન તો ઘરસંસાર ચલાવવાની જાતજાતની ઉપાધિઓથી ઘેરાયેલું હોય. જાતજાતના ભારા માથે ઉપાડીને ચાલનારો માણસ ગંભીર ન હોય તો કેવો હોય! પ્રેમ ન હોય તો લગ્ન બોજ બની જાય. પણ ભૂમાનંદ સ્વામીનો આ વરરાજો તો સાવ ‘હળવો ફૂલ છે.’ અનંત કોટિ બ્રહ્માંડોના ભારની એને કાંઈ પડી નથી. હસતો આવે છે. વળી હાથના લટકાં કરતો આવે છે. કોઈ વરરાજો લટકાં કરતો કરતો આવે તો કેવો લાગે? શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો નખરાં કરતો કરતો આવે કે, ટીખળ કરતો કરતો આવે તો કેવો લાગે! પ્રેમ સહજ સુંદર છે. પ્રેમમાં હળવાશ હોય, પ્રેમમાં સાહજિકતા હોય, પ્રેમમાં દંભ અથવા આટાટોપ ન હોય. આ જ કીર્તનનો ભાવ આધ્યાત્મિક રીતે પણ માણવા જેવો છે. શરીરરૂપી નગરી છે, ઇન્દ્રિયોરૂપી શેરીઓ છે. ચેતનની વૃત્તિઓરૂપી સાહેલીઓ છે. પરમાત્મા વરણીય છે. અનુરાગમયી ચૈતન્યવૃત્તિ અન્ય વૃત્તિઓને આમંત્રે છે. ‘સર્વે સખી જીવન જોવાને ચાલો રે’ શરીરરૂપી નગરીના દરવાજે જે વર ઊભો છે એ સામાન્ય નથી. ‘જીવન’ છે. સર્વ ઇન્દ્રિયોનો જીવનદાતા છે. એને લીધે જ આંખ દર્શન કરે છે. એને લીધે જ કાન સાંભરે છે. એને લીધે જ જીભ બોલે છે. એને લીધે જ પ્રાણ પ્રાણવાન છે. એ જીવન સર્વ ઇન્દ્રિયો-અંત:કરણનો પ્રકાશક અને પ્રેરક એ છે. ‘શેરડીઓમાં આવે લટકંતો લાલો રે’ નંદસંતોનાં કીર્તનોમાં પ્રભુની પધરાણી પ્રસંગે ‘શેરી’નાં વિવિધ રસમય વર્ણનો છે. બ્રહ્માનંદ સ્વામીનું એક કીર્તન છે: શેરી ભલી પણ સાંકડી રે નગર ભલાં પણ દૂર રે શામળીયા, એક વાર ગઢડે પધારજો રે. ક્યાં અક્ષરધામના ચૈતન્ય મહેલો, ક્યાં માયામય કંગાલ ઝૂંપડી! ક્યાં બ્રહ્મપુરીનાં બ્રહ્માંડો ઊડે તોય અથડાય નહીં એવા રાજમાર્ગો, ક્યાં આપણા અહં-મમત્વથી ઊભરાતી ઇન્દ્રિયો અંત:કરણની સાંકડી શેરીઓ! નિષ્કુળાનંદ સ્વામી કહે છે, કિયાં કીડી કરી મેળાપ ભેળો થાવા ભારે ભેદ છે રે, કિયાં પૂર્ણ પુરુષોત્તમ આપ, કિયાં જીવ જેને બહુ કેદ છે રે. સસલાને ઘેર હાથી પધારે તો સસલો શું સ્વાગત કરે! મોટા ઘરની જાન ગરીબને માંડવે આવે ત્યારે કેવાં સામૈયાં થાય! એ જ રીતે જીવ પુરુષોત્તમની જાનને કઈ સામગ્રીથી વધાવે! સર્વવ્યાપી પરબ્રહ્મની જાન આપણાં ઇન્દ્રિયો – અંત:કરણની સાંકડી શેરીમાં કેમ સમાય! નંદસંતોના સામાન્ય જણાતા લોકઢાળનાં કીર્તનોમાં અદ્‍ભુતભાવો ભર્યા છે. ‘શેરી ભલી પણ સાંકડી, નગર ભલાં પણ દૂર રે.’ અર્થાત્‌ શેરી સારી છે પણ સાંકડી છે, નગર ભલાં છે પણ દૂર છે. અહીં શેરીને ‘ભલી’ વિશેષણ આપવામાં આવ્યું છે. ભલી એટલે સારી. ભલી એટલે સુંદર! જીવની ઇન્દ્રિયો, અંત:કરણરૂપી શેરીઓમાં મુંબઈની ઝૂંપડપટ્ટી જેવા ગંદકીના થર જામ્યા છે. ચોતરફ રાગ-દ્વેષ અને ઇર્ષ્યાના ઉકરડા છે. વિષયવાસનાની માથાફાડ દુર્ગંધી છે. જ્યારે સંતોએ એમની શેરીઓને શ્રીહરિના સામૈયા માટે સજાવીને સાબદી કરી છે. ‘મેં તો શેરી વળાવીને સજ્જ કરી હરિ આવો ને’ ‘આંગણીએ પધરાવું ફૂલ વાલમ ઘેર આવો ને’ ચૈતન્યના રાજમાર્ગ ઉપર અહંકારે કરેલા દબાણોને સંતોએ જ્ઞાનના બુલડોઝરથી દૂર કર્યાં છે. વૈરાગ્યનાં વારિથી વાસનાની ગંદકી સાફ કરી છે. સત્કર્મોની ધૂપસળીઓ સળગાવી છે. ધ્યાન-ભજન-ઉપાસનાના સાથિયા પૂર્યા છે. પ્રેમની પુષ્પમાળાઓ સજાવી છે આંખોના અમૃતકુંભમાં અભિષેકનાં જળ ભર્યાં છે. ઝૂપડી ભલે ગરીબની હોય પણ સાફસૂથરી અને ભાવભરી હોય તો ચક્રવર્તી સમ્રાટનેય રહેવાનું મન થઈ જાય! હૈયાના ભાવપુષ્પોથી મોટી સ્વાગતસામગ્રી બીજી કોઈ નથી! શ્રીહરિ અનંત કોટી બ્રહ્માંડોના સ્વામી હોવા છતાં પ્રેમી ભક્તોની ઝૂંપડીએ હોંશથી પધારે છે. પ્રશિદ્ધ ભજન છે: ‘હાલોને વિદુર ઘર જાઈએ ઓધવજી હાલોને વિદુર ઘર જાઈએ.’ સર્વતંત્ર સ્વતંત્ર હોવા છતાં શ્રીહરિ પ્રેમીઓ પાસે પરવશ થઈ જાય છે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, ‘હે ઉદ્ધવ! અહં ભક્ત પરાધીન: હું મારા ભક્તને આધીન છું.’ विसृजति हृदयं न यस्य साक्षात् हरिरवशोभिहितोप्यधौधनाशः प्रणयरशनया धृताङिधपद्‍मः स भवति भागवत प्रधान उक्तः II ‘સર્વ પાપોનો નાશ કરનારા અને કોઈને ક્યારેય આધીન નહીં થનારા એવા શ્રીહરિ સર્વતંત્ર સ્વતંત્ર હોવા છતાં ભક્તના હૃદયમાંથી બહાર નીકળી શકતા નથી, કારણ કે ભક્તે પ્રેમની પાતળી દોરડીથી શ્રીહરિના ચરણારવિંદને બાંધી દીધા છે. જે પરમાત્માને આ રીતે પરાધીન કરી શકે તે ઉત્તમ ભાગવત સંત છે.’ ‘શેરી ભલી પણ સાંકડી રે.’ સ્વામી કહે છે, ‘શેરી સારી છે પણ સાંકડી છે.’ અમાપ અસીમ પુરુષોત્તમની જાનને સમાવવા માટે ઇન્દ્રિયો-અંત:કરણની શેરીઓ સાંકડી પડે! બુદ્ધિમાનોની બુદ્ધિ અને મનસ્વીઓના મનરૂપી ભવનો એના ઉતારા માટે નાનાં પડે! અરે! જે જોગીઓના વિશુદ્ધ ચિત્તમાં નથી સમાતો, જે ઋષિઓની ઋતંભરા પ્રજ્ઞામાં નથી સમાતો એ અન્યત્ર કેમ સમાય! નગર ભલાં પણ દૂર રે, શામળીયા... શ્રીહરિનું ‘નગર’ એટલે ‘બ્રહ્મપુર’. બ્રહ્મપુર એટલે અનંત અનંત બ્રહ્માંડો જેમાં અણુંની જેમ ઊડતા ફરે એવું વિશાળ! આ નગરમાં કોઈ સંકડાશ નથી પણ એ અતિ દૂર છે. કોઈ સાધનોથી ત્યાં પહોંચી શકતું નથી. અધ્યાત્મની યાત્રાનાં સર્વ સાધનો એ પંથ કાપવા ટૂંકાં પડે છે. મીરાં કહે છે, દૂર નગરી રે બડી દૂર નગરી, કૈસે આઉ રે કનૈયા તેરી ગોકુલનગરી, બડી દૂર નગરી. સ્વામી કહેવા માગે છે કે એ દૂર નગરમાં અમારે કેમ પહોંચવું? સાધક માત્રના મનની આ વિમાસણ છે. પણ શ્રીહરિની કરુણા કેવી છે! જેમ દૂરદૂરથી જાન લઈને વર કન્યાને પરણવા આવે એમ શ્રીહરિ સામે ચાલીને ‘દૂર નગરી’થી જાન લઈને સાજન-માજન સાથે, એકાંતિક સંતો સાથે જીવને વરવા અવની ઉપર અવતરે છે. પરણ્યા પછી નવવધૂને ઘરે લઈ જવાની જવાબદારી વરની હોય તેમ હવે જીવને ‘દૂર નગરી’માં પહોંચાડવાની જવાબદારી શ્રીહરિએ પોતાને શિરે લીધી છે. સ્વામી બહુ સમજીને પ્રાર્થના કરે છે, એક વાર ગઢડે પધારજો રે. હે ભગવાન! અમારું ગજું નથી કે તમારા બ્રહ્મપુરે અમે અમારા પુરુષાર્થથી પહોંચી શકીએ. તમે જ સામે ચાલીને અમને તેડી જજો. ‘એની શોભા મુખે વર્ણવી ન જાયે રે, જેને નિગમ નેતિ નેતિ કરી ગાય રે.’ દુનિયાના વરમાં કાંઈ માલ ન હોય, રૂપે ભેંસના ભાઈ જેવો હોય અને અક્કલમાં ગાયના વર જેવો હોય છતાં જાનડીયું ગળાં ફાડી-ફાડીને ગાતી હોય, ‘વીરો મારો ઝગમગ ઝગમગ થાય! જ્યારે આ વર તો શોભાનો સાગર છે. સર્વ ગુણોનું ધામ છે. એની શોભાને શેષ શારદા પણ વર્ણવી શકે તેમ નથી. એના લોકોત્તર મહિમાનું વર્ણન વેદો પણ કરી શકતા નથી ત્યારે ‘નેતિ’ ‘નેતિ’ કહીને ઉપરામ પામે છે. રોઝે ઘોડે રાજેશ્વર બિરાજે રે, છબિ જોઈ કોટિક કંદર્પ લાજે રે. મધપૂડામાંથી મધ ઝરે એમ આ પંક્તિઓમાંથી મધુર રસ ઝરે છે. શણગારાયેલા રોઝા ઘોડા ઉપર વિરાજમાન નરતનુધારી રાજરાજેશ્વર શ્રીહરિની અપૂર્વ શોભા જોઈને કરોડ કરોડ કામદેવ શરમિંદા બની રહ્યા છે. અહીં કંદર્પ શબ્દ છે. ભલભલાના ગર્વને ભૂકો કરે તેને કંદર્પ કહેવાય. જેના ગર્વનો પાર ન હોય તેને કંદર્પ કહેવાય. આવા એક નહીં, કોટિ કોટિ કામદેવનો ગર્વ આજે ભાંગીને ભૂકો થઈ રહ્યો છે. કામદેવને લજ્જિત થવાનાં કેટલાંક કારણો છે. એક તો કામદેવને અભિમાન હતું કે ‘મારા જેવું કોઈ સુંદર નથી.’ પરંતુ અહીં શ્રીહરિના લોકોત્તર સૌંદર્યને જોતાં કામદેવ ઝંખવાળો થઈ ગયો. બીજું શ્રીહરિની જાનમાં શામેલ થયેલા મોટા મોટા મુનિવરોનાં મન શ્રીહરિની અલૌકિક રૂપમાધુરીનું પાન કરવામાં મગ્ન છે. પરિણામે ‘परं द्रष्ट्वानिवर्तते’ – પરમ સૌંદર્યનું પાન કરતા મુનિવરોના મનમાં રતિપતિની રમણીયતા તુચ્છ થઈ ગઈ છે. એમની આંખો કામદેવના અસ્તિત્વની નોંધ સુધ્ધાં લેતી નથી. એમના હૈયામાં કામદેવનો પ્રવેશ અશક્ય થયો છે. એમની કામની ઊર્જા રામની ઊર્જામાં રૂપાંતરિત થઈ છે.. પોતાનાં રૂપસૌંદર્ય ‘બધાને મોહાંધ કરે છે’ એવા ગર્વમાં રાચતી વ્યક્તિની નોંધ સુધ્ધાં ન લેવાય ત્યારે એના મનમાં જેવી ગ્લાનિ ઊપજે એવું જ કંઈક કામના અંતરમાં થઈ રહ્યું છે. સમસ્ત વિશ્વને ઘેલું લગાડે એ કામની અહીં ઘોર ઉપેક્ષા થઈ રહી છે. સોળે શણગારોથી સજ્જ સર્વાંગસુંદર વ્યક્તિ પાસે મેલાંઘેલાં, લઘરવઘર લૂગડાંવાળા માણસની જે દશા થાય એવી દશા આજે કામદેવની થઈ રહી છે, આ પરિસ્થિતિ કામદેવને લજ્જિત કરી રહી છે. કામદેવની લજ્જાનું ત્રીજું કારણ શ્રીહરિનો રોઝો ઘોડો છે. શ્રીહરિની વાત તો પછી. શ્રીહરિના રોઝા ઘોડાની રમણીયતા પાસે પણ કામદેવ તુચ્છ ભાસી રહ્યો છે. શ્રીહરિનો અશ્વ કામને લજવે એવો છે. શ્રીહરિ સ્વયં કોટિ કોટિ કામને લજવે એવા છે. ‘છબી જોઈ કોટિક કંદર્પ લાજે રે.’ અશ્વ કામશક્તિનું પ્રતીક છે. કામદેવ ભલભલા ઋષિમુનિ, જોગીજતિ, રાજા-મહારાજાઓને ઘોડા બનાવી પોતે અસવાર બને છે. આજે કામદેવને પોતાને અશ્વ થવાનો વારો આવ્યો છે. રામાયણમાં પણ ભગવાન રામચંદ્રજીના વિવાહ પ્રસંગે ‘કામદેવ’ અશ્વનું રૂપ ધાર્યાની કથા છે. બીજાને ઘોડા બનાવનારને સ્વયં ઘોડો થવું પડે ત્યારે લજ્જા થાય એ સહજ છે. બેજી દ્રષ્ટિથી આ પંક્તિના ભાવમાં અવગાહન કરીએ, સમગ્ર સૃષ્ટિનું મૂળ કારણ ‘રાગ’ છે, ચરાચર વિશ્વમાં ‘રાગનું સામ્રાજ્ય’ છે. ફૂલોના વિકાસમાં એનો વિલાસ છે, ફળોના રસોમાં એનાં પરિણામ છે. પંખીઓનાં ગાનમાં એનું ગુંજન છે, સૃષ્ટિના એક એક સ્પંદનમાં એનું સંગીત છે. આ રાગની ગતિ ચંચલ છે, અધોગામિની છે. આ રાગ જીવને મોહપાશથી બાંધી સૃષ્ટિચક્રમાં નિરંતર ધુમાવે છે. આજ ‘રાગ’ ઉપર શ્રીહરિ બિરાજે તો એ રાગ અનુરાગમાં રૂપાંતરિત થઈ જાય! આ કીર્તનમાં અનુરાગે રોઝા ઘોડાનું રૂપ ધાર્યું છે અથવા તો ચરાચર વિશ્વમાં વ્યાપ્ત રાગ મૂળ તો અનુરાગ જ હતો પણ રતિપતિના સ્પર્શે એને વિકારી બનાવ્યો હતો. હવે રાજરાજેશ્વરના સ્પર્શે એનું મૂળ રૂપ પ્રગટ થયું છે. આ અનુરાગના અશ્વ ઉપર રાજ રાજેશ્વર બિરાજે છે. અત્યાર સુધી આ અશ્વની લગામ કામના હાથમાં હતી, હવે રામનાં હાથમાં છે. રાગની ચંચળતા અનુરાગના નર્તનમાં પરિવર્તન પામી છે, અધોગામી અશ્વને આકાશમાં ઊડવા માટેની પાંખો ફૂટી છે. બલાત્‌ બંધન તરફ દોડતા અશ્વે હવે મુક્તિના બ્રહ્મદ્વાર તરફ મીટ માંડી છે. ભક્તિ તત્વોનું આ મોટામાં મોટો ચમત્કાર છે. યોગીઓ, જ્ઞાનીઓ, તપસ્વીઓ મુક્તિની લાલસામાં રાગની ધારાઓને જ સૂકવી નાખે છે. જ્યારે અહીં એ જ રાગની ધારા અનુરાગની ભાગીરથીમાં ફેરવાઈ ગઈ છે. અહીં શ્રીહરિને ‘રાજેશ્વર’ કહ્યું છે, યોગેશ્વર કે જ્ઞાનેશ્વર નહીં. રાજેશ્વર છે. માટે અશ્વ અનુરાગમય છે. યોગેશ્વર હોત તો પ્રાણનો પવનવેગી અશ્વ હોત. જ્ઞાનેશ્વર હોત તો ઇન્દ્રિઓના ઉન્મત અશ્વ હોત. ઉપનિષદો ઇન્દ્રિયોને અશ્વ કહે છે. મનને લગામ કહે છે. બુદ્ધિને સારથિ છે અને જીવનને રથી કહે છે. ઇન્દ્રિયોના અશ્વો ક્યારે ઉન્મત્ત થાય એનો કોઈ ભરોંસો નથી. મનની લગામ ક્યારે શિથિલ થાય એનો કોઈ ભરોંસો નથી, બુદ્ધિનો સારથી ક્યારે ભમી જાય એનો કોઈ ભરોંસો નથી. યોગીઓ પ્રાણના અશ્વને નાથવા ભગીરથ પ્રયાસો કરે છે પણ ભાગ્યે જ સફળ થાય છે. જ્ઞાનીઓ ઇન્દ્રિયોના અશ્વને નાથવા મથે છે પણ ભાગ્યે જ સફળ થાય છે. ભૂમાનંદ સ્વામીએ કમાલ કરી છે. અશ્વની લગામ રાજેશ્વરના હાથમાં સોંપી છે. હવે કોઈ ભય નથી. અર્જુનનો સારથી જબરો છે માટે અર્જુનનો રથ નિર્ભય છે. કામનાના અશ્વને નાથવા માટે કરેલા ભગીરથ પ્રયાસોને લીધે યોગીઓ અને જ્ઞાનીઓના મુખ ઉપરથી પરેશાની અને ગંભીતા નીતરતી હોય છે. અહીં રાજ-રાજેશ્વરના મુખ ઉપર મંદ હાસ્યો રમે છે. અહીં રાજેશ્વરના રોમેરોમમાંથી રમણીયતાની રસધારા વહે છે. જેમાં કરોડ કરોડ કામદેવના ગર્વ તણખલાની જેમ તણાય જાય છે. મળ્યાં આવે મહામુનિના વૃંદ રે, તેમાં શોભે તારે વીંટયો જેમ ચંદ રે. આ રાજેશ્વરની જાન અનોખી છે. જેમણે સંસારના સુખ હરામ કર્યાં છે એવા વિતરાગી છતાંય અનુરાગી મુનિઓનાં વૃંદ જાનમાં જોડાયા છે. સામાન્ય રીતે સાધુ સંન્યાસીઓથી જાનમાં ન જવાય, ‘બાવો બેંકમાં ન શોભે તેમ જાનમાંય ન શોભે.’ જાનના માંડવે સાધુસંતોના આગમન અમંગળ ગણાય પણ આ તો રાજેશ્વરની જાન! આ જાન ભોગેશ્વરી સંસારીઓની જાન જેવી નથી. આ જાનમાં તો વૈરાગીઓ જ શોભે! આ જાનમાં જોડાવા માટે તો આ બધાએ સંસાર છોડ્યા છે. તેમાં શોભે તારે વીંટયો જેમ ચંદ રે. તારાઓના મંડળમાં ચંદ્ર શોભે એમ મુનિઓના મંડળમાં શ્રીહરિ શોભી રહ્યા છે. શ્રીહરિને અહીં સૂર્યની ઉપમા નથી આપી સૂર્યના પ્રકાશમાં તો તારાની શોભા લીન થઈ જાય. સૂર્યનો પ્રકાશ સર્વથી સહન ન થાય. શ્રીહરિ જેવા અક્ષરધામમાં બિરાજે છે એવા જ પધારે તો પૃથ્વીવાસીઓ એના તેજને સહન જ ન કરી શકે. એટલે તો પરમ તેજોમય પરબ્રહ્મે પોતાના સમસ્ત ઐશ્વર્યને છુપાવીને ચંદ્ર જેવો શીતળ શાંત અવતાર ધારણ કર્યો છે. ચંદ્ર પોતે પ્રકાશે છે સાથે તારાઓને પણ પ્રકાશવાનો અવસર આપે છે. સૂર્યના તેજમાં એ શક્ય નથી. અહીં તો ચંદ્રથી તારાઓની શોભા છે. તારાઓથી ચંદ્રની શોભા છે અને બેયથી નભોમંડળની શોભા છે અને નભોમંડળમાંથી વરસતી ચાંદનીથી સમસ્ત પૃથ્વીની શોભા છે. એ જ રીતે મુનિવૃંદથી શ્રીહરિની શોભા છે, શ્રીહરિથી મુનિવૃંદની શોભા છે અને એ બેયથી સમસ્ત પૃથ્વીની શોભા છે. શુક સનકાદિક ઉત્તમ જશ ગાવે રે, નૃત્ય કરી નારદ વીણા બજાવે રે. શ્રેષ્ઠ પંચ વિષયો જેમના ચિત્તને સ્વપ્નમાં પણ આકર્ષી શકતા નથી એવા પરમ વિતરાગી પરમહંસો શુક સનકાદિક વગેરે આ રાજેશ્વરનાં યશોગાન કરે છે. આ મહાત્માઓની વાણી માત્ર પુરુષોત્તમને વરેલી છે. કાળ-કર્મ અને માયાનાં પૂતળાંઓને નહીં. શ્રીહરિના આ વરઘોડામાં પ્રેમમૂર્તિ નારદ ન જોડાય તો આ ભક્તિ-મહોત્સવ અધૂરો લાગે માટે સ્વામી કહે છે. ‘નૃત્ય કરી નારદ વીણા બજાવે રે.’ સ્વામીની રચના અદ્‍ભુતછે. આ જાનમાં વિતરાગીઓ અનુરાગનાં ગીત ગાય છે અને અનુરાગ એટલે કે ભક્તિમાર્ગના આચાર્ય નારદ નૃત્ય કરે છે. માત્ર નૃત્ય નથી કરતા, વીણાવાદન સાથે નૃત્ય કરે છે. નારદજી નૃત્ય ,ગાન અને વાદન ત્રણેય કળામાં કુશળ છે. સામાન્ય રીતે ગાવું અને નાચવું સાથે ચાલે પણ વીણાવાદ સાથે નૃત્ય કરવું એ તો કોઈ કુશળ કલાકાર જ કરી શકે! નારદજીએ નર્તન સાથે વાદન કરવાનું સ્વીકાર્યું છે. નારદ ગાન કરતાં નથી પણ એની પ્રેમ ભરેલી વીણાના સૂરોએ ભલભલા વૈરાગીઓને ગાન કરતા કરી દીધા છે. નિજ સખા ચમર કરે લઈ હાથ રે, આ જો આવ્યો ભૂમાનંદ નાથ રે, છત્ર અને ચામર ચક્રવર્તી સમ્રાટની એંધાણી કહેવાયઈ છત્ર ચામરની એંધાણીએ શ્રીહરિ રૂપી વરરાજા જાનડીયું અને જાનૈયાના વિશાળ વૃંદમાંથી જુદાં તરી આવે છે. આ જો આવ્યા ભૂમાનંદના નાથ રે. આ શબ્દોમાં દર્શન માટેની ભારોભાર ઉત્સુકતા ભરી છે. બીજા પદમાં શ્રીહરિએ પોતાનાં શ્રીઅંગો ઉપર ઘારણ કરેલાં વસ્ત્ર-અલંકારોનું વર્ણન છે. આ પદનું શબ્દચિત્ર અતિ રસાળ છે. છેલ્લી પંક્તિમાં સ્વામી કહે છે, ‘વેગે જુવો વરણાગિયો વનમાળી રે, શીતળ થયો ભૂમાનંદ કહે ભાળી રે.’ વરણાગી એટલે સુંદર વેશ ધારણ કરનાર, આ સુંદરવરનાં દર્શન માટે સ્વામી ‘જલ્દી કરો’નો સાદ કરે છે, ‘વેગે જુઓ.’ ધીમા રહેશો, આળસ કરશો, ગાફેલ રહેશો તો આ વરનાં દર્શન નહીં થાય. આ તો વીજળીને ઝબકારે મોતી પરોવી લેવાની વાત છે. આવી શોભાયાત્રાઓના પ્રસંગે વરદર્શન માટે નરનારીઓના વેગ અને સંભ્રમ સાહિત્યમાં પ્રસિદ્ધ છે. ભગવાન શ્રીકૃષ્ણ મથુરા પધાર્યા ત્યારે મથુરાની સ્ત્રીઓ જે રીતે દર્શન માટે દોડી છે તેનું સુંદર વર્ણન વ્યાસજીએ ભાગવતજીમાં કર્યું છે. ‘ધનુષ્યયજ્ઞનો મહોત્સવ છે. સાંજનો સમય છે. સ્ત્રીઓ જાતજાતના શણગારો સજી નગરમાં હરવાફરવાની તૈયારી કરી રહી છે. એવામાં શ્રીકૃષ્ણને પધારેલા સાંભળી બહાવરી બનેલી સ્ત્રીઓ દોડી છે. કોઈ સ્નાન કરતી હતી તો ભીના વસ્ત્રે દોડી, કોઈ અંગરાગ અધૂરા છોડી દોડી, કોઈ આંખમાં આંજણ આંજવાનું પડતું મેલી દોડી, કોઈ અવળા- સવળા અલંકારો પહેરીને દોડી, કોઈ અલંકારો પહેરવાનું પડતું મેલીને દોડી. આવો જ વેગ અને સંભ્રમ આજે અગતરાઈની શેરીઓમાં, ચોકમાં, ગવાક્ષમાં, ચંદ્ર શાળામાં ઊભરાઈ રહ્યો છે.’ શીતળ થાયે ભૂમાનંદ કહે ભાળી રે. શ્રીહરિનાં દર્શન હૃદયમાં શીતળતા અર્પે છે. આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક આ ત્રણ તાપથી જીવ માત્રના હૈયાં શેકાય છે. આધિભૌતિક તાપ એટલે શરીરની પીડા. આધ્યાત્મિક તાપ એટલે રાગ-દ્વેષ-ઈર્ષ્યા વગેરે મનની પીડા. આધિદૈવિક તાપ એટલે અણધારી કુદરતી આપત્તિ. આ બધા જાત-જાતના તાપ-સંતાપથી જીવના હૈયે તપેલાં છે. સુખ અને દુ:ખના સંતાપ ભારે છે. દુ:ખ ઉનાળાનો અગ્નિ છે, સુખ શિયાળાના હિમનો અગ્નિ છે. ઉનાળાની ગરમી વરતાય પણ શિયાળાના ટાઢા હિમની ગરમી જણાય નહીં. છતાં સળગાવી નાખે. આજના ‘માઇક્રોવેવ’ ઓવરની ગરમીનું પણ એવું જ છે. એ ગરમી દેખાય નહીં પણ શેકી નાખે. દુ:ખમાં તાપ જીરવવાં સહેલાં છે પણ સુખના સંતાપ જીરવવા મહામુશ્કેલ છે. ભૂમાનંદ સ્વામી કહે છે, ‘આ અગ્નિઓના સંતાપને શમાવવા માટે રાજરાજેશ્વર શ્રીહરિનું દર્શન રામબાણ ઇલાજ છે.’ ત્રીજા પદમાં શ્રીહરિના શ્રીઅંગ તથા ભાવભંગિમાનું વર્ણન છે. પદના અંતે વળી સ્વામી તાપ ટળવાની વાત કરે છે. જમણે ગાલે ટીબકડી રૂપાળી રે, તાપ ટળ્યા ભૂમાનંદ કહે ભાળી રે. આગળ શીતળ થવાની વાત છે, અહીં તાપ ટળવાની વાત છે. ઉપલક રીતે અવલોકતાં અહીં પુનરાવર્તન થયું હોય તેમ ભાસે છે. પણ, ભાવસાગરમાં થોડી ઊંડી ડૂબકી મારીએ તો પુનરાવર્તન નથી. આગળના પદમાં જાતજાતનાં તાપ ટાળી શીતળ થવાની વાત છે. આ પંક્તિમાં વિરહની વેદનાના તાપ ટાળવાની વાત છે. હરિદર્શન માટે ઝંખતાં હૈયાં અને આંખો વિરહની વેદનાથી સંતપ્ત હતી. મનોહર મૂર્તિ શ્રીહરિનું મિલન થતાં વિરહના એ અગ્નિ શાંત થયા. આ ચારેય પદોમાં ચોથું પદ શિરમોડ છે. જાનડીઓ ગીતમાં ને ગીતમાં વરની ઓળખાણ કરાવે એમ સ્વામીએ આ પદમાં આ પરમ વરણીય પરબ્રહ્મની ઓળખાણ કરાવી છે. ઘેરે ચાલી આવીયા બ્રહ્મમહોલવાસી રે, જેને કહે છે અક્ષરાતીત અવિનાશી રે. આ પંક્તિમાં દુર્લભતા અને સુલભતાનો સુભગ સંગમ છે. ક્ષર સંસારમાં અક્ષરાતીતનું આગમન દુર્લભ છે. નાશવંત સંસારમાં અવિનાશીનું મિલન અશક્ય છે. કાળ, કર્મ અને માયાથી મર્યાદિત વિશ્વમાં અમર્યાદ બ્રહ્મમહોલના વાસીનું અવતરણ એની કરુણા સિવાય કેમ સંભવે? અક્ષરાતીત અવિનાશીને કોણ જાણે શું મોજ ચઢી કે સામે ચાલીને ઘરે પધાર્યા. કોઈ ચક્રવર્તી સમ્રાટ ગરીબની ઝુંપડી પાવન કરે એવી આ વાત છે. ગમે તેટલા પુરુષાર્થ કરવા છતાં જે કામ ન થાય તે તેની કરુણાથી સહજ થયું. ‘જુવો જીવ મોહનિદ્રામાંથી જાગી રે, વરી એને થાઓ અખંડ સોહાગી રે.’ સર્વ સુખનાં ધામ ભગવાન સામે ઊભા છે પણ મોહનની પ્રગાઢ નિદ્રામાં સૂતેલા જીવોની ઊંધ ઊડતી નથી. ભૂમાનંદ સ્વામી સોડ્ય તાણીને સૂતેલા જીવોને જગાડે છે. અસત્યમાં અંધ આસક્તિને મોહ કહેવાય આસક્તિ પણ કેવી? દુર્યોધન પ્રત્યે ધૃતરાષ્ટ્રના આંધળા પ્રેમ જેવી. પારાવાર દુ:ખો પડે પણ જીવને દેહ અને ગેહમાંથી મોહ છૂટતો નથી. સ્વામી કહે છે, ‘હે જીવો! જાગો, જુઓ વરવા જેવા તો આ વનમાળી છે. બીજાને વરીને તો ચૂડા ભાંગવા પડે, સેંથાના સિંદૂર ભૂંસવા પડે જ્યારે આ વર સાથેનું વરણ તો અખંડ એવાતણ આપનારું છે.’ સ્વામી માત્ર જગતના જીવોને જગાડે છે એવું નથી પણ શરીરમાં રહેલી ચૈતન્યવૃત્તિઓને પણ જગાડે છે. ‘હે સાહેલીઓ! તમે સુખ માટે જે વિષયોને વરો છો એ વિષયો તો આખરે વિષમય છે, દુ:ખમય છે, નાશવંત છે, તુચ્છ છે. એ વિષયો સાથેનું વરણ તમને અખંડ એવાતન નહીં આપે કારણ કે ઝાંઝવાના નીર જેવા વિષયો લાંબા સમય ટકવાના નથી. પણ જો તમે શ્રીહરિને વરશો તો શાશ્વત સુખને પામશો. તમે અખંડ સોહાગણ સુંદરીઓ થશો. તમને જો રૂપની ભૂખ હોય તો શ્રીહરિ જેવું કોઈનું રૂપ નથી. તમને જો રસની ભૂખ હોય તો શ્રીહરિ જેવા કોઈ રસરાજ નથી. તમને જો સુગંધની ભૂખ હોય તો શ્રીહરિ જેવો કોઈ સુગંધનો સાગર નથી. તમને જો સુખદ સ્પરર્શની ભૂખ હોય તો શ્રીહરિના સ્પર્શ જેવો કોઈ સ્પર્શ નથી. તમને જો મધુર શબ્દની ભૂખ હોય તો શ્રીહરિના સ્વર જેવો કોઈનો સ્વર નથી. માટે વરવા જેવો તો આ શ્રીહરિ જ છે. સમાજમાં આજે સમૂહ લગ્નો ઉજવાય છે. જેમાં અનેક વર હોય અને અનેક કન્યાઓ હોય, જ્યારે આ શ્રીહરિ સાથેના સ્મૂહ લગ્ન અનોખાં છે અહીં વર એક છે. કન્યાઓ અસંખ્ય છે. ભગવાન શ્રીકૃષ્ણના સોળ હજાર કન્યાઓ સાથેના લગ્નની કથા રહસ્યમય છે. કોઈ પણ પતિ એકસાથે અસંખ્ય પત્નીઓને સંતોષ ન આપી શકે છતાં ભાગવતજીમાં મર્મ છે કે ‘શ્રીકૃષ્ણ બધી જ રાણીઓને સમાન અને સંપૂર્ણ સુખ આપે છે.’ આનો અર્થ છે શ્રીકૃષ્ણ આનંદસાગર છે અને અનંત અનંત જીવોને આનંદપ્રદાતા છે. એક ઇન્દ્રિયવૃત્તિ શ્રીહરિનો આનંદ માણે તે સાથે જ સહસ્રશ: ચૈતન્યવૃત્તિઓ આનંદથી ઝૂમવા લાગે છે. આ પંક્તિમાં સ્વામી વિના સંકોચે જીવમાત્રને સાગમટે નોતરું આપે છે: આવો! જુઓ અને આ વરને સાગમટે વરો! અખંડ એવાતન પ્રાપ્ત કરો.’ ‘જોતાં વાટ આવી મારે જાન રે, પોતે વર પુરુષોત્તમ ભગવાન રે.’ પ્રેમ, પ્રતીક્ષા અને ધૈર્યની એક જ અનોખી ત્રિપુટી છે. પ્રેમ હોય તો પ્રતીક્ષામાં મજા આવે. પ્રેમ ન હોય તો પ્રતીક્ષા સજા થઈ જાય. રેલવેસ્ટેશને કોઈને લેવા ગયા હોઈએ અને ચાર કલાક રાહ જોવી પડે તો મનમાં શું વીતે? એ સહુ કોઈનો અનુભવ છે. પ્રેમી ભક્તો પરમાત્માની પ્રતીક્ષામાં કલાકો નહીં, દિવસો નહીં, મહિનો નહીં, અરે વર્ષો પણ નહીં, જિંદગીની જિંદગી ગુજારી નાખે છે, એમની ધીરજ ખૂટતી નથી. જૂની પ્રસિદ્ધ કથા છે. આંબલીના ઝાડ નીચે પરમાત્માની પ્રતીક્ષામાં સાધન કરતાં પ્રેમી સંતે નારદને પૂછ્યું ‘મુનિવર! કહોને મને પ્રભુ ક્યારે મળશે?’ નારદે કહ્યું, ‘હું નારાયણને પૂછીને આપને કહીશ.’ નારદે વૈકુંઠમાં નારાયણને પૂછ્યું, ‘પેલા સંતને દર્શન ક્યારે દેશો? નારાયણે કહ્યું, ‘એ સંત જે આંબલી નીચે ભજન કરે છે એ આંબલીનાં જેટલાં પાન છે એટલા જનમ પછી એને મારાં દર્શન થશે. નારાયણની વાત સાંભળતા નારદનો શ્વાસ અધ્ધર ચઢી ગયો! આંબલીના પાન તો ગણ્યાં ગણાય નહી અને વીણ્યા વીણાય નહીં એટલા! નારદે વિચાર્યું, ‘હું એ સંતને આ જવાબ આપીશ તો બિચારો હતાશ થઈ જશે.’ નારદજી પ્રસંગોપાત સંત પાસેથી પસાર થયા પણ કાંઈ બોલ્યા નહીં. સંતે સામેથી પૂછ્યું, ‘પ્રભુએ મારા પ્રશ્નનો જવાબ દીધો?’ નારદ કહે, ‘જવાબ તો દીધો પણ તમારે સાંભળવા જેવો નથી.’ સંતે કહ્યું ‘વિના સંકોચે જે હોય તે કહો,’ નારદ કહે, ‘પ્રભુએ એવું કહ્યું કે આ આંબલીનાં જેટલાં પાન છે એટલા જનમ પછી તમને ભગવાન મળશે.’ આટલું સાંભળતાં તો સંત આનંદથી નાચવા લાગ્યા. નારદજી તો જોઈ રહ્યા, ‘અરે! આ તો હતાશ થવાને બદલે હરખાય છે! મારી વાત સમજ્યા નથી લાગતા’ એણે કહ્યું ‘મહાત્માજી! મારી વાત તમે સમજ્યા?’ આનંદઘેલા સંતે કહ્યું, ‘હા નારદજી! બરાબર સમજ્યો!’ નારદે કહ્યું, ‘તો તમારે માથું કૂટવું જોઈએ એને બદલે મોજમાં કેમ છો? તમારે આંબલીનાં પાન જેટલા જનમ વિતાવવાના છે!’ સંત કહે, ‘દેવર્ષિ! શ્રીહરિંની રાહ જોવામાં આવી તો કંઈક આંબલી જેટલા જનમ મેં વિતાવી દીધા. મને ભરોંસો નહોતો કે એ મળશે! હવે તમારી કૃપાથી મને ખાતરી થઈ ગઈ કે એ મળશે જ. રાહ જોતાં અનંત જન્મ વીત્યા હવે આટલા તો હમણા નીકળી જશે!’ પેલા સંત આટલું બોલ્યા ત્યાં તો પરમાત્મા પ્રગટ થઈ ગયા અને બોલ્યા, ‘નારદજી! માઠું ન લગાડશો’ આટલા ઘીરજવાન પ્રેમીથી હું દૂર ન રહી શકુ!’ પ્રેમપૂર્વકની પ્રતીક્ષા એટલે પરમાત્માને લખેલી લગનની કંકોતરી! અંતરમાં પ્રબળ પ્રતીક્ષા જાગે તો પરમાત્મા દોડતા આવે. અધ્યાત્મના માર્ગે સર્વ સાધનોમાં શ્રેષ્ઠ સાધન હોય તો એ છે ‘પ્રેમભરી પ્રતીક્ષા’. માટે સ્વામી કહે છે, ‘જોતા વાટ આવી મારે જાન રે.’ લગનગીતમાં વરરાજાનું નામ આવે. સ્વામી આગળની પંક્તિમાં વરનું નામ વણે છે, ‘પોતે વર પુરુષોત્તમ ભગવાન રે’ આ વર નામ, રૂપ અને ગુણથી સર્વશ્રેષ્ઠ હોવાથી ‘પુરુષોત્તમ’ છે. પુરુષાતનથી ભરેલો હોય એને પુરુષ કહેવાય. એવા પુરુષોમાં શ્રેષ્ઠ હોય તેને પુરુષોત્તમ કહેવાય. બ્રહ્મસ્વરૂપ મુક્તો પુરુષ છે. પરબ્રહ્મ સ્વયં પુરુષોત્તમ છે. વેદોએ પુરુષોને નહીં, પુરુષોત્તમ ને જ વરણીય કહ્યા છે. ગાયત્રી મંત્રમાં પુરુષોત્તમના વરણીય તેજોમય રૂપનું ધ્યાન કરવામાં આવે છે. ‘ભર્ગો દેવસ્ય ધીમહિ’. આ પુરુષોત્તમ જેવું સત્યં શિવં સુન્દરં જગતમાં બીજું કોઈ નથી માટે એ જ વરણીય છે. સ્વામી અહીં ‘ભગવાન’ વિશેષણ વાપરે છે ભગવાન એટલે ઐશ્વર્યવાન. આ વર કંગન, નિર્ધન નથી પરંતુ પરમ ઐશ્વર્યવાન છે. માગેલાં ઘરેણાં પહેરીને ઘોડે ચઢ્યો હોય એવા વરને વરીને શું કરવું? ન માત્ર મનુષ્યોના, મોટા મોટા દેવતાઓના વૈભવો પણ માગેલાં ઘરેણાં છે. જ્યારે આ ‘પુરુષોત્તમ’ સકલ ઐશ્વર્યથી સંપન્ન છે. નિરુક્તકારે ‘ભગવાન’ શબ્દનો સુંદર અર્થ કર્યો છે, ‘ભગ’નો અર્થ છે ઐશ્વર્ય. છ પ્રકારનાં ઐશ્વર્યો જેમાં સહજ વસતાં હોય તેને ભગવાન કહેવાય છે. એ છ ઐશ્વર્યનાં નામ છે: જ્ઞાન, શક્તિ, બળ, ઐશ્વર્ય, વીર્ય અને તેજ. જ્ઞાન એટલે સર્જનના રહસ્યોની જાણકારી. શક્તિ એટલે સર્જનસામર્થ્ય. બળ એટલે સમસ્ત સૃષ્ટિનું ધારણ અને પોષણ કરવાનું સામર્થ્ય. ઐશ્વર્ય એટલે સર્વનું નિયમન કરવાનું સામર્થ્ય. વીર્ય એટલે વિકારો વચ્ચે પણ નિર્વિકાર રહેવાનું સામર્થ્ય. તેજ એટલે કોઈ પરાભવ ન કરી શકે તેવું સામર્થ્ય. આ છ પ્રકારના ઐશ્વર્ય જેમાં હોય એને જ ભગવાન કહેવાય. જ્ઞાન હોય પણ સર્જનસામર્થ્ય ન હોય તો જ્ઞાન વાંઝિયું ગણાય. ઘણા વિદ્વાનો વાતો ઊંચી ઊંચી કરે પણ કાંઈ રચનાત્મક કાર્ય ન કરી શકે તો તે ‘વેદીયા’માં ખપે. સર્જન કર્યા પછી એને ટકાવી રાખવાની પણ ત્રેવડ હોવી જોઈએ. ઘણાં લોકો છછુંદરની પેઠે પરિવાર બહુ મોટો કરી નાખે પણ પછી ભરણપોષણ કે ભણાવવા-ગણાવવાની તેવડ હોય નહીં તો સર્જન અભિશાપ થઈ જાય. સર્જન કર્યા પછી નિયમન કરવાની પણ શક્તિ હોવી જોઈએ. નહીંતર મેનેજર નબળો થાય અને યુનિયનો હાવી થઈ જાય તેવી દશા થાય. પરબ્રહ્મ નારાયણ જ્ઞાનસાગર છે. સંકલ્પ માત્રથી સૃષ્ટિનું સર્જન કરે છે. કીડીને કણ અને હાથીને મણ પૂરા પાડે છે. એણે બાંધેલા ઋત અને સત્યના નિયમો પ્રમાણે સમસ્ત વિશ્વ ચાલે છે. અંતર્યામી ભાવે જડચેતન વિશ્વનું નિયમન કરે છે. જડચેતન વિશ્વમાં વ્યાપ્ત હોવા છતાં જડ ચેતન વિશ્વના કોઈ વિકારો એને સ્પર્શી શકતા નથી. આકાશ જેવા નિર્લેપ હોવાથી વેદો ભગવાનને વીર્યવાન કહે છે. એ પુરુષોત્તમ પરમ તેજસ્વી છે. ચંદ કે તારાનાં તેજ સૂર્યને પ્રભાવિત કરી શકતાં નથી તેમ પુરુષોત્તમ નારાયણને કોઈ પ્રભાવિત કરી શકતુ નથી. ભૂમાનંદ સ્વામી કહે છે આવા સકલ ઐશ્વર્યસંપન્ન શ્રીહરિ જીવને વરવા માટે સામે ચાલીને જીવને દ્વારે ઊભા છે. ‘શુક સનકાદિક ધરે જેનું ધ્યાન રે, મારાં લોચન કરે તે મુખડાનું પાન રે.’ સામાન્ય રીતે પરમાત્મા બાહ્ય નેત્રોથી દેખાતા નથી. શુક સનકાદિક યોગીઓ પોતાના વિશુદ્ધ અંત:કરણમાં અંતરની આંખોથી એમનાં દર્શન માટે મથે છે. સ્વામી કહે છે, ‘યોગીઓને અંતરની આંખોથી જે નથી દેખાતો એને અમે ઉધાડી આંખોએ નીરખી રહ્યા છીએ.’ આ પંક્તિમાં ‘પાન’ શબ્દનો પ્રયોગ છે. જોવું, દર્શન કરવું અને પાન કરવું – આ ત્રણેયમાં ફરક છે. જોવાનો અર્થ તો પ્રસિદ્ધ છે. ઓળખાણ સાથે અર્થાત્‌ માહાત્મ્યજ્ઞાને સહિત નીરખે તો દર્શન કહેવાય. પણ ‘પાન’ની તો વાત જ ન્યારી છે. ‘પાન’નો અર્થ છે ‘આત્મસાત્‌’ કરવું, મધુર રસને જિહ્‌વા માણે એમ આંખોના પાત્રોથી પ્રિયતમની રસમયી મૂર્તિને પીવી એને પાન કરવું કહેવાય. દર્શનમાં દર્શકની આંખો ‘લેસર’ કિરણની જેમ દ્રશ્યમાં આરપાર ઊતરી જાય છે. જ્યારે પાનમાં વાત ઊલટી છે અહીં ‘દર્શનીય’ દર્શકના અંતરમાં આરપાર ઊતરી જાય છે અને રસાયણની જેમ રોમરોમમાં રમવા માંડે છે. જ્ઞાનીઓ દર્શન કરે છે જ્યારે પ્રેમીઓ પાન કરે છે. આ પંક્તિમાં પ્રગટ પરમાત્માની પ્રાપ્તિનો આનંદ ઊભરાય છે. બ્રહ્મનિષ્ઠ મહાપુરુષોને ધ્યાનમાં ક્યારેક વીજળીના ઝબકારાની જેમ જેનાં અલપઝલપ દર્શન થાય છે એ જ ભગવાન પ્રેમીઓની આંખ સામે પ્રગટ બિરાજે છે. એની સરવે દેખી અલૌકિક રીત રે, ચોંટ્યું મારું સુંદરવરમાં ચિત્ત રે. શ્રીહરિ કોઈ પણ યોનિમાં અવતરે ત્યારે તે તે યોનિને અનુરૂપ જ ચેષ્ટા કરે. છતાં એની સર્વ ચેષ્ટાઓ અલૌકિક હોય. ભગવાન મનુષ્યની જેમ જ હરે, ફરે, જમે, રમે, હારે, જીતે પણ અનુભવી મહાત્માઓ જાણે છે કે એમની લૌકિકતામાં પણ અલૌકિકતા ભરી છે. એટલે તો વ્યાસ જેવા મહાજ્ઞાની મહાત્માઓએ પરમાત્માની સર્વ ચેષ્ટાઓને ‘લીલા’ કહી છે. આકાશ ચરેય ભૂતોમાં વસે છે છતાં આકાશને પૃથ્વી, પાણી, આગ અને પવનના વિકારો સ્પર્શતા નથી. તેમજ શ્રીહરિ અંતર્યામી રૂપે સર્વત્ર વસે અથવા તો જલચર, સ્થળચર, નભચર ગમે તે યોનીમાં અવતરે છતાં સદા સર્વદા નિર્વિકાર જ રહે છે. પૂરણપોળી અને રોટલી દેખાવે સરખી હોય પણ ભીતરમાં ભારે ભેદ છે. એ જ રીતે અવતાર અને અન્ય જીવ દેખાવે સરખા હોય પણ બન્ને વચ્ચે સ્વરૂપથી અને સ્વભાવથી આકાશપાતાળનાં અંતર હોય! વરતાલમાં એક વાર ભગવાન સ્વામિનારાયણ રાણ્યો જમતા હતા. એવામાં ભાલના ભક્તો દર્શને આવ્યા. ભાલમાં લીંબોળી ખૂબ જ થાય. રાણ્ય અને લીંબોળી દેખાવે લગભગ સરખા હોય પણ સ્વાદમાં આકાશપાતાળનું અંતર હોય. ભાલના ભક્તોએ રાણ્યો કોઈ દી’ ભાળી નહોતી એટલે એમને થયું... ‘ભગવાન અમારા ભાલનો ‘મેવો’ જમે છે, દેખાવ સરખો હોવાથી આવી ભ્રાન્તિ થાય તે સહજ હતું. ભક્તોએ પૂછ્યું: ‘મહારાજ! અમારો ભાલનો મેવો ���ેવો મીઠો છે?’ મહારાજ હસીને કહે ‘આ “મેવો” ભાલનો નથી, ગુજરાતનો છે.’ મહારાજે ભક્તોને રાણ્યોની પ્રસાદી આપી. રાણ્યોની મધુરતા માણી ત્યારે ભાલના ભક્તોની ભ્રાન્તિ ટળી. લીંબોળી અને રાણ્યો વચ્ચેનો ભેદ સમજાયો. સ્વામી કહે છે: આ રોઝા ઘોડાનો અસવાર લાગે છે લૌકિક, પણ એની એક એક રીત અલૌકિક છે. એની સર્વ ચેષ્ટાઓ દિવ્ય છે એટલું જ નહી નિર્ગુણ પણ છે. એ દિવ્ય નિર્ગુણ લીલાઓનું જે ધ્યાન ઉપાસન કરે છે તે પણ દિવ્ય અને નિર્ગુણ બની જાય છે. જગતમાં કહેવાતા બૌદ્ધિકો અને વેદાંતીઓ અવતાર તત્વને ઓળખવામાં હંમેશા થાપ ખાઈ ગયા છે. એકને માટે ‘અવતારો અસંભવ છે’, બીજાને માટે ‘અવતારો માયા શબલિત’ અર્થાત માયાથી ખરડાયેલા છે. ‘ब्रह्मसत्यंज जगन्मिथ्यां’ની વાતો કરનારા વેદાંતીઓ સ્વયં ભ્રમણામાં અટવાય છે. વેદાંતીઓને એ વિવેક નથી કે ‘બ્રહ્મ’ ક્યારેય માયાથી ખરડાય નહીં અને ખરડાય તો ‘બ્રહ્મ’ ન કહેવાય. માયા બ્રહ્મમાં ભ્રમ પેદા કરવાની તાકાત ધરાવતી હોય તો માયા બ્રહ્મથી શક્તિશાળી ગણાય. હવે આપણે બધાએ ભ્રાન્ત થયેલા બ્રહ્મ કરતાં ભ્રાન્તિ પેદા કરનાર માયાને શરણે જવું જોઈએ. આ વાત ભગવત્પાદ રામાનુજાચાર્યજીએ ‘શ્રીભાષ્ય’માં સારી રીતે સમજાવી છે. સૂર, મીરાં, તુલસી જેવા સંતોએ પણ ‘પરમાત્મા’ના અવતારોને દિવ્ય અને નિર્ગુણ જ કહ્યા છે. ચક્રવર્તી સમ્રાટ કેદખાનાની મુલાકાતે આવે. એ જ કેદખાનામાં કેદીઓ વસતા હોય. થોડો સમય બન્નેનો વસવાટ સાથે હોવા છતાં બન્ને વચ્ચે ભારે ભેદ છે. કેદીઓ પોતાની ઇચ્છાથી મુક્ત થઈ શકતા નથી. સમ્રાટ સ્વયં તો મુક્ત છે જ, પણ એ ધારે તો એક પળમાં સર્વને મુક્ત કરી પૂરા કેદખાનાને દૂધે ધોઈ શકે છે. એ જ રીતે અવતારો અને બીજા જીવો વચ્ચે જમીન-આસમાનનું અંતર છે. અવતારોને કોઈ બંધન નથી. કોઈ ભ્રાન્તિ નથી. એમનાં અવતરણ જ બંધન અને ભ્રાન્તિ તોડવા માટે છે. અનંત જીવોને નિર્ગુણ અને બ્રહ્મરૂપ કરવા માટે છે. સ્વામી કહે છે આવા અવતારી સુંદરવરમાં અમારાં ચિત્ત ચોંટી ગયા છે. હવે આ ચિત્તમાં બીજા કોઈ અવર વરની છબિ વસી શકે તેમ નથી. ‘હથેવાળો હરિ સંગાથે મેં કીધો રે, ભૂમાનંદ કહે જન્મ સુફળ કરી લીધો રે.’ આ પંક્તિ ચારેય પદના સારરૂપ છે. યેનકેન પ્રકારેણ હરિવર સાથે હથેવાળો થાય એમાં જ માનવજીવનની સફળતા છે. ભૂમાનંદ સ્વામીને એ ‘હથેવાળો’ થઈ ચૂક્યો છે. કોડભરી કન્યાને મનગમતો ભરથાર મળે અને એની આંતરવાણીના તારમાંથી જે મધુર ઝણકાર ઊઠે એવા જ અંતરના ઝણકારમાંથી આ ચારે પદોનું ગાન થયું છે. ભાવાર્થઃ- હે સાહેલીઓ! શેરીમાં આવનાર લટકતાં લાલને ચાલો જોવાને II૧II જેને વેદો પણ નેતિ નેતિ કહી થંભી જાય છે. એવા શોભાનિધિની શોભા એક મુખે કેમ વર્ણવવી. II૨II રોઝે ઘોડે બિરાજેલા ઘનશ્યામની છબી જોઈને કોટિ કામદેવો પણ લજ્જા પામે છે. II૩II તારલાઓની વચ્ચે જેમ ચંદ્રમાં શોભે છે, તેમ મુનિના વૃંદની વચ્ચે ભગવાન શ્રીહરિ શોભે છે. II૪II આ ઉપવિત ઉત્સવમાં ભગવાનનું મન એવા નારદજી વીણા બજાવી રહ્યા છે. અને શુકસનકાદિક ઉત્તમ જશ ગાઈ રહ્યા છે. II૫II હજુરી પાર્ષદ ભગુજી ચમર કરી રહ્યા છે. એવા ભૂતલે પધારેલા ભગવાનને ભાળવા ભૂમાનંદસ્વામી ભાવભીનું આમંત્રણ આપી રહ્યા છે. II૬II

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
લક્ષ્મી વેકરીયા

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


વધાઇ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


છેલાજીનું છોગલીયું
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
કૃષ્ણપ્રિયદાસ સ્વામી-BAPS

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી

શ્રીજી પધાર્યા
Studio
Audio
2
0