તારે ચટક રંગીલો છેડલો, અલબેલા રે ૧/૮

	તારે ચટક રંગીલો છેડલો, અલબેલા રે,
	કાંઈ નવલ કસુંબી પાઘ, રંગના રેલા રે		-ટેક.
શિર અજબ કલંગી શોભતી-અલ૦ હૈડામાં રાખ્યા લાગ	-રંગ૦ ૧
મોળીડું છાયું મોતીએ-અલ૦ ફૂલડાંની સુંદર ફોર		-રંગ૦ ૨
ઘેરે રંગે ગુચ્છ ગુલાબના-અલ૦ જોઈ ભ્રમર ભમે તે ઠોર	-રંગ૦ ૩
તારી પાઘડલીના પેચમાં-અલ૦ મારું ચિત્તડું થયું ચકચૂર	-રંગ૦ ૪
બ્રહ્માનંદ કહે તારી મૂરતિ-અલ૦ વણદીઠે ઘેલી તૂર		-રંગ૦ ૫
 

મૂળ પદ

તારે ચટક રંગીલો છેડલો

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

નોન સ્ટોપ કીર્તન વિગત

નોન સ્ટોપ-૧

તારો ચટક રંગીલો છેડલો(૧૬-૦૮)

નોન સ્ટોપ-૩

તારો ચટક રંગીલો(૨૭-૪૦)નોન સ્ટોપ-૬

તારે ચટક રંગીલો છેડલો  (૪૧-૧૨)

ઉત્પત્તિ

શ્રીજીમહારાજ જયારે જયારે કથા કીર્તન પ્રસંગે સભામાં વિરાજમાન થતા ત્યારે પોતાની પાસે સોપારીનો એક બેરખો રાખતા. જેને સભામાં ઊંઘનું‌ ઝોકું આવી જય તેની તરફ એ બેરખો છૂટો ફેંકતા. જેના ઉપર બેરખો પડ્યો હોય તેને તે બેરખો ઊભા થઈને મહારાજને આપી આવવાનો . આથી કથા શ્રવણ સૌ સાવધાની રાખતા. એકવાર બ્રહ્માનંદ સ્વામીને કથા પ્રસંગમાં ઝોલું આવ્યું અને મહારાજે તેમને બેરખો માર્યો. બેરખો વાગતાં જ સ્વામી ઝબકી ગયા. તેમણે મહારાજને પૂછ્યું ; “ મહારાજ! મને કેમ બેરખો માર્યો?” મહારાજ કહે ; “ તમે ઝોલું ખાધું એટલે . નિયમ એટલે નિયમ.” “ અરે .... પણ મહારાજ! હું તો આંખો મીંચીને કીર્તનને કડીઓ ગોઠવતો હતો .” હાજર જવાબી બ્રહ્માનંદે તરત જ ઉત્તર વાળ્યો. મહારાજ તેમની આ યુક્તિથી હાસ્ય. તેમણે કહ્યું: “ તો બોલો તે કીર્તનની કડીઓ. “ બોલું મહારાજ! પણ એક શરતે. હું બોલવું અને સભા ઝીલે તો જ ! ઝીલાણિ‌યું કીર્તન છે ને એટલે.” શીઘ્ર કવિએ યુક્તિ રચતાં કહ્યું : શીઘ્રકવિ બ્રહ્માનંદે તત્કાળ કીર્તન બનાવતા જઈ ગાવા માંડયું: ‘તારો ચટક રંગીલો છેડલો, અલબેલા રે; કાંઇ નવલ કસુંબી પાઘ, રંગના રેલા રે .’ સભાએ આ પંક્તિ ઝીલી ત્યાં તો શિઘ્રકવિએ બીજી કડી રચી દેતાં ગાયું : ‘શિર અજબ કલંગી શોભતી, અલબેલા રે ; હૈડામાં રાખ્યા લાગ, રંગના રેલા રે.’ આમ ચાર પદની શીઘ્ર રચના કવિ કરી ગયા. સ્વામીની શીઘ્ર કવિત્વ શક્તિ ઉપર મહારાજ મુગ્ધ થઈ ગયા. તેમણે કહ્યું; “સ્વામી ! અમારી ભૂલ થઈ ગઈ . તમે અમારા સ્વરૂપનું આવું સરસ ધ્યાન કરતા હતા ને છતાય અમે તમને બેરખો માર્યો.” મહારાજ તો બધું જાણતા હતા, પણ એમણે સ્વામીને ઉત્તેજિત કરી સાચી વાત સભામાં કઢાવવી હતી. મહારાજનાં વચન સાંભળી સ્વામી એકદમ બોલી ઉઠ્યા : “ નાં રે’ મહારાજ! અપની કેમ ભૂલ થાય? એ તો અમારો ચારણી જીવ તેથી એક કડી સભાજનો ઝીલે ત્યાં બીજી કડીની રચના કરી દઈએ. બાકી હું તો તમારા બેરાખાને યોગ્ય જ હતો!” આખી સભા આ સાંભળી હસી પડી મહારાજ પણ તેમના નિષ્કપટભાવ’થી પ્રસન્ન થયા. ઉત્પત્તિઃ- શ્રીજી મહારાજે અનેક પ્રકરણો ફેરવી પાંચસો પરમહંસોને કસણીમાં એવા તો તૈયાર કર્યા હતા કે જેની કોઈ કલ્પના ન થઈ શકે. દિવસ ઉગે અને પ્રકરણ બદલે રોજ રોજ નવા પ્રકરણો, રોજ નવી આજ્ઞા, રોજ નવો રંગ. એમાં મહારાજે એક વખત એવું પ્રકરણ ચલાવેલું કે કથામાં જે ઝોલાં ખાય તેની ઉપર સોપારીનો બેરખો મારવો અને ઝોલાં ખાનારો ઊભો થઈને તે બેરખો મહારાજને પાછો આપી આવે. ધ્યાનસ્થ અવસ્થામાં રહેનારા સંતો મોડી રાતે સૂવે અને વહેલી રાતે જાગે. જેથી સાંજની સભામાં સંતોને ઊંઘ આવતી. ઝોલું આવે અને માથામાં તડીંગ દઇને બેરખો વાગે. વળી, બેરખો આપવા જતાં થોડી ઓછપ પણ લાગે. પરંતુ આ પ્રકરણ તો ઘણો લાંબો સમય સુધી મહારાજે ચલાવ્યું. એક વખત સદ્ગુરુ બ્રહ્માનંદસ્વામીને ઝોલું આવ્યું ને મહારાજે સોપારીનો બેરખો માર્યો. તે તડીંગ દઈને બ્રહ્માનંદસ્વામીના માથામાં વાગ્યો. સ્વામી બેરખો આપવા ગયા ને મહારાજને કહે, ‘કાં મહારાજ, આ ગરીબ સાધુને વગર વાંકે શું કરવા મારો છો!” ‘વગર વાંકે નથી માર્યા’ મહારાજે કહ્યું. ‘શો વાંક હતો પ્રભુ!’ ‘શો વાંક શું, ઝોલા ખાતા હતાને ? તમને તો ખબર છે કે ઝોલાં ખાનાર ઉપર બેરખો પડે છે.’ ત્યારે સ્વામી કહે, ‘હું ઝોલા ક્યાં ખાતો હતો? હું તો તમે જે વસ્ત્રો પહેર્યા છે તેનું ને આપની મનોહર મૂર્તિનું ધ્યાન કરતાં કરતાં કીર્તન ગોઠવતો હતો’ ‘તો તમે અત્યારે જે નવું કીર્તન બનાવ્યું તે ગાવ જોઈએ’, મહારાજે કહ્યું. “હા, મહારાજ! ગાઉં ખરો પણ આપ બધા ઝીલો તો ગાઉં.’ એમ કહી સ્વમીએ સૂઝપૂર્વક શીઘ્રતાથી સુંદરમજાની મૂર્તિનું વર્ણન કરતું આ કીર્તન ઉપાડ્યું. સ્વામી મહારાજની મૂર્તિ સામે જોતાં જાય, ડોલતા જાય, નાચતા જાય, નવી કડી રચતા જાય અને ગાતા જાય. જોતજોતામાં તો ચાર પદના ચોગઠામાં એ મનોહર માવની મનમોહક મૂર્તિનો અને શણગારનો આબેહૂબ ચિતાર ચીતરી દીધો. આવી હતી બ્રહ્મમુનિની બ્રહ્મત્વસભર શીઘ્ર કાવ્ય શક્તિ! તો આવો એ શીઘ્ર કાવ્યશક્તિની અનુભૂતિ કરીએ પ્રસ્તુત પદથી.

વિવેચન

આસ્વાદ : પૂર્વાવસ્થામાં શિરોહીના રાજ્કવીના પુત્ર અને દશ વર્ષ ભૂજની- લખપત વ્રજભાષા પાઠશાળામાં પિંગળ અને કવિતાનો અભ્યાસ કરી આવેલા સ્વામી બ્રહ્માનંદ સાહિત્યદ્રષ્ટિએ સ્વામિનારાયણ સંપ્રદાયના એક મોટા કવિ છે. છંદ અને ભાષા પરનું તેમનું પ્રભુત્વ તેમના સવૈયા , ચન્દ્રવળા, ઝૂલણા, છપ્પા, કુંડળિ‌યા, ચર્ચરી અને રેણકીમાં તરત જ પરખાઈ આવે છે અને તેમની પદસિદ્ધિ પણ એટલી જ નોંધપાત્ર છે. મધ્યકાલીન સ્વામિનારાયણ‌ય સંતકવિઓના એક અનુગામી કવિ અવિનાશાનંદ બ્રહ્મચારીએ પોતાના પુરોગામી સંત-કવિઓને મૂલ્યદર્શી અર્ધ્ય આપતા લખ્યું છે: બ્રહ્મમુનિ કવિ ભાનુસમ, પ્રેમ , મુક્ત દોઉ ચંદ; ઓર કવિ ઉડુગણ સમ, કહે કવિ અવિનાશાનંદ.” આમ સંપ્રદાયના સર્વ કવિવૃંદમાં બ્રહ્માનંદ સ્વામીનું સ્થાન સૂર્ય સમાન સર્વોપરી ને પ્રભાવક રહ્યું છે, બ્રહ્મમુનિની કવિતામાં મધ્યકાલીન ગુજરાતી કવિતાની જેમ ભક્તિ અને જ્ઞાનની બંને ધારાઓ સમાંતરે વહેતી જણાય છે. બ્રહ્માનંદ સ્વામીની કવિતામાં શૃંગારથી પ્રાણમય બનેલી ભક્તિ તેમ જ વૈરાગ્યના સચ્ચાઈ ભરેલા સૂરથી મુખરિત થયેલું જ્ઞાન બંને જોવા મળે છે. આ પદમાં કવિ બ્રહ્માનંદ સ્વેષ્ટ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજના રસિક રૂપશૃંગારનું સજીવ નિરૂપણ કરે છે. અલબેલા પ્રીતમ શ્રી સહજાનંદજી મહારાજ કવિના અંતરમાં, એમનાં રોમેરોમમાં વસેલા છે તેથી જ એ પ્રિયંકર પ્રભુની પ્રત્યેક ચેષ્ટ, પ્રત્યેક શૃંગાર એમને ખૂબ હૃદયસ્પર્શી અને મધુર લાગે છે. પ્રેમીને પ્રેમાસ્પદની પ્રત્યેક ચીજ પ્યારી લાગતી હોય છે, પ્રેમની એ જ વિશિષ્ટતા છે. તેથી જ બ્રહ્માનંદ સ્વામી પ્રિયતમ પ્રભુ સ્વામી સહજાનંદજીના લાલચટક રંગના છેડાવાળી કસુંબી પાઘ જોઇને આનંદના ઉલ્લાસમાં ઘેલા થઇ જાય છે. કહે છે ને કે ‘દ્રષ્ટિ એવી સૃષ્ટિ .’ કવિના હૈયામાં પ્રેમનો જે લાલ રંગ જામ્યો હતો એ જ એમને પ્રભુજીની પાઘમાં જણાતો હતો. પ્રેમના એ લાલ રંગમાં મહિમાનાં મોતી ગૂંથાયેલા છે, જ્ઞાનના ગુચ્છ-તોરા ખોસેલા છે. તેથી કવિ ગાય છે: ‘મોળી‌ડું છાયું મોતીએ, અલબેલા રે; ફૂલડાંની સુંદર ફોર , રંગના રેલા રે’ તોરણ એ ફૂલ પણ ઘેરા રંગના ગુલાબના છે, જે જોતાં ભ્રમર તો દૂર જાય જ શાના? ભ્રમરને અને ગુલાબને અનાદિનો સંબંધ છે, જે સંબંધ મનનો સૌન્દર્ય સાથેનો છે- માધુર્ય સાથેનો છે એ જ પ્રકારનો એ સંબંધ કવિને અહીં અભિમત છે. કવિનું રસિક મન મધુકરની જેમ પ્રિયતમ પ્રભુના શૃંગારમાં રસભ્રમણ કરતું રહે છે. એમનું ચંચળ ચિત્ત પાતળિયા પ્રિતમની પાઘલડીના પેચમાં અટવાય છે. ચંચળ ચિત્ત દુન્યવી સૌંદર્યના ઉપભોગથી વિકળ બનતું હોય છે, પરંતુ પરમાત્માના સંબંધને પામેલો શૃંગાર પણ એટલો દિવ્ય હોય છે કે એના આકંઠ ઉપભોગથી ચિત્ત એની ચંચળતા ત્યજી શાંત ને એકાગ્ર બને છે! કવિએ પદની પંક્તિએ પંક્તિએ શ્રી સહજાનંદજી પ્રત્યેની પોતાનો અનન્ય પ્રેમભાવ અભિવ્યક્ત કર્યો છે . એ જોતાં સહેજે સમજાય છે કે કવિની સ્વરૂપનિષ્ઠા અને સખાભાવ અદ્વિતીય હતાં. પદમાં ‘અલબેલા રે’ અને ‘રંગના રેલા રે ‘ એ બંને ધ્રુવપદોનું ક્રમિક આવર્તન મૂકીને કવિએ કાવ્યના ગેયતત્વને વધુ પ્રભાવક બનાવ્યું છે. પદ ઝિલણિ‌યુ છે , સમુદાયમાં ગવાય છે અને સંપ્રદાયમાં બહુ લોકપ્રિય છે. નિજ મંદિરમાં વસતા .... પ્રભુને પ્રસન્ન મુદ્રામાં દેખાવાની ઊંડી ઉત્કંઠા અને પ્રબળ આતુરતા પ્રેમઘેલા નયનમાં નીતરે છે ત્યારે કવિ ગાય છે: ‘ક્યારે હવે દેખું રે હરિ હસતા........’ ભાવાર્થઃ- સહજાનંદનું સ્મરણ થતાં સહજાનંદ બ્રહ્માનંદના હૃદયમાં વિરાજમાન થયા. એમના પ્રત્યે બ્રહ્માનંદનો એવો ઉત્કુટભાવ છે કે સહજાનંદ સ્વામી જે કાંઇ પહેરે, ઓઢે કે જે કાંઈ કરે તે બધું જ પ્રેમસ્નેહના કારણે બ્રહ્માનંદને તો રમણીય અને પ્રસન્નકર જ જણાય છે. એથી જ લાલ ચટકરંગના છેડાવાળો કસુંબી પાઘ જોઈને જ સ્વામી આનંદ પામે છે. હૈયામાં જે સ્નેહનો લાલ રંગ છે. એ જ જાણે નવલપ્રભુની અવલ કસુંબી પાઘના રંગમાં રેલાય છે. IIટેકII શિર ઉપર શોભી રહેલી પાઘમાં સુંદર કલંગી શોભે છે. એવી મૂર્તિને હૈડામાં રાખીને મારે તો રંગડાની રેલ વળી છે. II૧II વળી, એ પાઘમાં મોતીની માળાઓ પણ મોહ ઉપજાવે છે. ફૂલના તોરા પણ ઝૂકી રહ્યા છે. એ ફૂલ ગુલાબનાં છે. ઘેરા રંગનાં છે. અને સુગંધિત છે. એટલે જ ભક્તોરૂપી મધુકરો આસપાસ ભમી રહ્યા છે. બ્રહ્માનંદસ્વામીનું મન પણ પેલા મધુકર જેવું બની એ પાઘના પેચની શોભાને જોતાં જોતાં ત્યાં રસભ્રમણ કરી રહ્યું છે. Ii ૨-૩II એમનું મન તો ઠીક પણ પાઘલડીના પેચથી સ્વામીનું ચિત્ત પણ ચોરાઈ ગયું છે. બ્રહ્માનંદસ્વામી મહારાજની સામે હાથનું લટકું કરીને કહે છે કે, “હે તારણહાર ! તારી મૂર્તિને જોયા વિના પ્રેમદિવાની કે’તા પ્રેમમાં પાગલ બની ઘેલી બની જાઉં છું.“ II૪-૫II રહસ્યઃ- પ્રસ્તુત પદ સભાને ઝીલાવતાં ઝીલાવતાં રચ્યું છે. પદમાં ‘અલબેલા રે’ અને ‘રંગના રેલા રે’ એ ધ્રુવ પદોનું આવન જાવન થવાથી ગેયતાની દ્રષ્ટિએ પદ ખૂબ આકર્ષક બને છે. સહજાનંદનું દર્શન રસરૂપ અને આહ્લાદક છે. જેથી એ ભાવને ઘૂંટવામાં એનું રટણ ઉપયોગી થાય છે. કવિની પ્રાસ રચના સહજ સિદ્ધ છે, ને ગેયતાનો પરિતોષ કરનારી છે. આ પદ સુંદર રીતે સમુદાયમાં ગાઈ શકાય છે. પદના ઢાળમાં ને તાલ-લયમાં નૃત્યનો ભાવ ઝીલાયો છે. આ કીર્તન ઝીલણિયાં કીર્તન તરીકે પ્રખ્યાતિ પામ્યું છે. તાલ દાદરા હીંચ છે. ઢાળ લોકભોગ્ય અને સહેલો છે.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૧
Studio
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૪
Studio
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનધારા-મારા ઘનશ્યામ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


કીર્તનમાળા
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
મહેન્દ્ર કપુર

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


સ્વામિનારાયણ ગુણગાન
Studio
Audio
2
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
જયદીપ સ્વાદિયા

અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી

નોન સ્ટોપ રાસ નોન સ્ટોપ-૧
Studio
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હરિકૃષ્ણ પટેલ

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી

નોન સ્ટોપ રાસ નોન સ્ટોપ-૩
Studio
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હરિકૃષ્ણ પટેલ

અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી

નોન સ્ટોપ રાસ નોન સ્ટોપ-૬
Studio
Audio
1
0