માણસનો અવતાર મોંઘો, નહીં મળે ફરી, માન મરડાઈ મોટપ મેલી ૩/૪

માણસનો અવતાર મોંઘો, નહીં મળે ફરી...ટેક.
માન મરડાઈ મોટપ મેલી, ભજી લે હરિ;
	નહીં તો જાશો ચોરાશીમાં, જનમ બહુ ધરી...માણસ૦ ૧
દુ:ખ તણો દરિયાવ મોટો, નહીં શકો તરી;
	શામળિયાને શરણે જાતાં, જશો ઊગરી...માણસ૦ ૨
નિર્લજ્જ તું નવરો ન રહ્યો, ઘર ધંધો કરી;
	માયા માયા કરતો મૂરખ, ન બેઠો ઠરી...માણસ૦ ૩
ચેતી લે ચિત્તમાં વિચારી, ચાલજે ડરી;
	દેવાનંદનો નાથ ભજો, પ્રેમમાં ભરી...માણસ૦ ૪
 

મૂળ પદ

ભજ્યો નહીં ભગવાન મૂરખ જીવતો મર્યો

મળતા રાગ

ખમાચ

રચયિતા

દેવાનંદ સ્વામી

ઉત્પત્તિ

ઉત્પત્તિઃ- ખેડા જિલ્લાના પ્રથમ પગથારે પ્રાચીન ઈતિહાસોનાં શ્વેતાંબરો પહેરીને ઊભેલું ધોળકા. ધોળકા એટલે પાંડવોનું વિશ્રાંતિ ગૃહ અને ગુપ્તવાસનું સ્થાન. આદિકાલથી પવિત્ર મનાતા એવા ધોળકાની (૧૨ ગાઉ) નજીકમાં જ આવેલું સુંદર બળોલ ગામ. સંવત ૧૮૫૯ ના કારતક સુદિ પૂનમને દિવસે ભગવાનને પ્રિય એવા ભાલપ્રદેશના બળવાન એવા બળોલ ગામમાં રત્નુંશાખાના મારૂ ચારણ ગઢવી શ્રી જીજીભાઈને ત્યાં એક પુત્ર-રત્નનો જન્મ થયો. જેનું નામાભિધાન થયું દેવીદાન. તેમના માતુશ્રીનું નામ હતુ–બહેનજી બા. અને તેમની બન્ને બહેનનાં નામ હતાં મધુબા અને બાઈજીબા. દેવીદાનનું મોસાળ મૂળીમાં હતું. દેવીદાન પૂર્વના મહાન મુક્ત હતા. તેથી પાંચ વર્ષની વયે જ પ્રભુ પ્રસન્નતાર્થે ધીંગડા ગામના સીમાડે આવેલ સાંકળેશ્વર મહાદેવના દેવળમાં જઈ કમળપૂજા ચડાવવા તૈયાર થયા. ‘કમળપૂજા’ એટલે? ધડ ઉપરથી શિર ઉતારી શિવને ચરણે ધરી દેવું તે. તથા હાથપગની બધી આંગળીઓના જીવતા નખ ખેંચી શિવને ચડાવવા. આમ, બે પ્રકારની કમળપૂજા મનાય છે. એમાંથી દૈવી પુરુષ દેવીદાન બીજા નંબરની કમળપૂજા ચડાવવા તૈયાર થયા, કે તરત જ શંકર ભગવાને પ્રત્યક્ષ દર્શન દીધાં અને આશીર્વાદ આપતાં કહ્યું, “બેટા–દેવીદાન ! કમળપૂજા ચડાવવાની તારે જરૂર નથી. પ્રગટ પુરુષોત્તમ નારાયણ તારે ગામ આવશે. અને તેમની જીભ કોણીએ અડશે અને તને એ અપનાવશે.” આમ, સ્વજીવનની ભવિષ્યવાણી સાંભળતાં દેવીદાન રાજી થયા ને પાછા ઘરે આવ્યા. સમય જતાં સ્વામિનારાયણ ભગવાન પોતાને ગામ પધાર્યા, અને પોતે તેનું શિષ્યત્વ સ્વીકારી ભાગવતી દીક્ષા ગ્રહણ કરી. ભગવાને તેમનું નામ દેવાનંદસ્વામી પાડ્યું. વિદ્યાભ્યાસ માટે બ્રહ્માનંદસ્વામીને સોંપ્યાં. બહુ જ થોડા સમયમાં દેવાનંદસ્વામીએ ગાયન, વાદન અને કવિત્વ કળા સિદ્ધહસ્ત કરી લીધી. દેવાનંદસ્વામીએ લગભગ ૧૦ થી ૧૨ હજાર પદો બનાવ્યાં છે. તે પદોનું અવલોકન કરતાં સ્પષ્ટ જણાય છે કે વિષય ખંડાત્મક ઉપદેશ આપવાની શૈલી, સંસારની તુચ્છતા. અસારતા અને નાશવંતપણાનું બયાન ખડું કરવાની ખૂબી દેવાનંદસ્વામી જેવી બીજા કોઈની નથી. વળી, દેવાનંદ સ્વામી રાજા- મહારાજાઓની સભામાં પણ દેહ-ગેહ, સગા-સંબંધી, સંપત્તિ-સંતતિ આદિક માયિક પદાર્થની તુચ્છતાને નિર્ભયપણે સ્પષ્ટ રીતે રજૂ કરી દેવામાં પાવરધા હતા. જેનો આપણે અહીં એક પ્રસંગ જોઈએ. એક વખત ભગવાન શ્રીહરિ ધરમપુરના રાજ દરબારમાં પધાર્યા. ત્યારે રાજાએ રાજ ગવૈયાઓ પાસે ગાન કરાવ્યુ. તે ગવૈયાઓના ગાનમાં ભારોભાર અતિ માન હતું. વળી, મનુષ્યની દેહની દુર્લભતાને બદલે સુલભતા બતાવાઈ હતી. આ જોઈ સમય સૂચક શ્રીહરિએ સદ્ગુરુ દેવાનંદસ્વામીને કીર્તનો ગાવાની આજ્ઞા કરી. એટલે પૂર્ણ સંગીતજ્ઞ દેવાનંદસ્વામીએ શાસ્ત્રીય ઢબે કાનરાનાં પદ મારતે તાલમાં ગાવાનાં શરૂ કર્યા. પરંતુ રાજ ગવૈયાનાં દુક્કડ બજાવનારને તાલની ગમ જ પડી નહીં. એટલે રાજગવૈયાનું અભિમાન ઘવાણું. પહેલી જ સ્પર્ધાએ ગવૈયાઓ હાર્યા જાણી દેવાનંદસ્વામીએ તુરત જ મનુષ્યદેહની દુર્લભતાનું પ્રસ્તુત બીજું કીર્તન ઉપાડ્યું. સ્વામીની સમય સૂચકતા, શાસ્ત્રીય સંગીતનું જ્ઞાન અને સ્પષ્ટવક્તાપણું જોઈ ભગવાન શ્રીહરિ પ્રસન્ન થયા. અને પોતે પહેરેલો ઝરીનો જામો ઉતારી દેવાનંદમુનિને માથે ફેરવી આશ્વાસનરૂપે રાજગવૈયાઓને આપ્યો. પ્રસન્નતાના પ્રતીકરૂપે મુનિને પ્રસાદીની ધોળી ડગલી આપી. જે ડગલી શ્રી હરિએ ઘણીવાર પહેરી હતી. તો કીર્તનભક્તિના પ્યાસી ભક્તો! આવો આપણે સૌ સાથે માણીએ એ ધરમપુરના રાજ દરબારમાં યોજાયેલ સંગીતજ્ઞ સ્પર્ધામાં સ્પષ્ટપણે સણસણતા ચાબખારૂપે નવરચિત રજૂ કરેલ પ્રસ્તુત પદનો આસ્વાદ.

વિવેચન

ભાવાર્થઃ- દેવાનંદસ્વામી આ અમૂલ્ય મનુષ્ય તનની મહત્તા બતાવવા કહે છે કે, “હે માનવ આ મોંઘો મનુષ્ય દેહ ફરી-ફરી નહીં મળે. સાડા ત્રણ કરોડ કલ્પ વિત્યે આ માણસનો દેહ મળ્યો છે. માટે માન મરડાઈ, મોટપનું અભિમાન છોડી દે. અને ભગવાન ભજી લે નહીંતર અનેક પ્રકારનાં જન્મ ધરી ચોરાસીમાં ભટકવું પડશે. તે યોનિમાં દુઃખનો પાર નથી. એ ભયંકર દુઃખને ભોગવી શકાશે નહીં. એ દુઃખોમાંથી છૂટવા આપણી પાસે કોઈ શક્તિ નથી. એ તો આ પ્રગટ ભગવાનને શરણે જવાથી મૂક્તિ મળે. II૧ થી ૨II હે નિર્લજ્જ માનવ ! તું આ બધી વાતોને ભૂલીને કેવળ ઘરધંધામાં ઘૂસી ગયો. સારીયે જિંદગી માયા મેળવવામાં જ વિતાવી, સગા-કુટુંબને માટે અનેક પ્રકારનાં કાળાં-ધોળાં કર્મો કર્યા જ કર્યા, કોઈ દિવસ ઠરીને ઠામ ન થયો. અર્ધ ઘડી પણ ભગવાનને સંભાર્યા નહીં. II૩II દેવાનંદસ્વામીને ખબર છે કે આ જીવાત્મા ભગવાનને માર્ગે ચાલે તેમ તો નથી. છતાં પણ તેના હેતસ્વી બની પદાંતે સ્વામી કહે છે કે “હજી ચેતી લે ચિત્તમાં વિચારી, કર્મનું ફળ અફર છે. એ નક્કી કરીને જ આ જગતમાં ચાલજે. વળી કાંઈક ભગવાનનો ડર રાખજે. પ્રેમ ભક્તિમાં મશગૂલ બનીને અર્ધ ઘડી પણ ભગવાનનું સ્મરણ કરીશ તો ઉગરી જઈશ. II૪II રહસ્યઃ- પ્રસ્તુત કીર્તનના ચાર પદો છે. ચારે ચાર પદમાં જગત સંબંધી સુખની અસારતા અને ભગવાન સંબંધી સુખની અચળતા બતાવવામાં આવી છે. પદમાં લય, ભાષા, શબ્દો અને વર્ણાનુપ્રાસનું પ્રભુત્વ આકર્ષક છે. તેમજ સર્વત્ર એક જ પ્રકારના અંત્યાનુપ્રાસ ઉલ્લેખનીય છે. આ સંતકવિની સૂત્રાત્મક ઉક્તિઓ, જીવનની ધાર્મિક શક્તિઓ સચોટતાથી રજૂ કરે છે. મનુષ્ય તનની મહત્તા, કાળની કરાળતા અને કર્મોની ભયાનક્તાને કવિની કલમ પ્રત્યક્ષતા અર્પે છે. વિષય ખંડનાત્મક શબ્દોની વેદના જીવાત્માને અતિ અસહ્ય ન લાગે એટલા માટે કવિએ સૂઝપૂર્વક પદનો રાગ શૃંગાર પ્રકૃતિનો પસંદ કર્યો છે. રાગ ખમાચ અને તાલ દાદરા-હીંચ છે. ગેયતાની દ્રષ્ટિએ પદ ઘણું સુગેય, સરળ અને આકર્ષક છે.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પૂર્ણસ્વરૂપ સ્વામી - સરધાર

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503

પરંપરાગત (સ્વરકાર)
ઉપદેશવાણી
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
કરશન સાગઠીયા

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી

રસિયો રાસ રમે
Live
Audio
1
0