ધીરજ ધર તું અરે અધીરા, ઈશ્વર પૂરે અન્ન જોને ૧/૪

ધીરજ ધર તું અરે અધીરા, ઈશ્વર પૂરે અન્ન જોને;
	ખલક તણો છે ખટકો પ્રભુને, સાચું માને મન જોને	...૧
જનમ્યું તેને જિવાડવાને, ઉપાય શોધ્યો શુદ્ધ જોને;
	હાડ માંસના હૈયા મધ્યે, દેવે સરજ્યાં દૂધ જોને	...૨
કીડીને કણ હાથીને મણ, ચાર પગાને ચાર જોને;
	કોશીટામાં કીટ વસે છે, ઈશ્વર પૂરે આહાર જોને	...૩
મસીદ કેરા કોટ મિનારા, ઉપર ઊગ્યાં ઝાડ જોને;
	પથ્થર ઉપર પાણી વરસે, તે ઈશ્વરનો પાડ જોને	...૪
અરણ્ય વનમાં અજગર રહે છે, ડગલું ન ભરે દોટ જોને;
	વિશ્વંભરનું બિરુદ વિચારો, ખાવાની શી ખોટ જોને	...૫
અનળ પક્ષી આકાશે રહે છે, મદઝર ભરખે મોટા જોને;
	પરમેશ્વરની કૃપા વડે તો, બનિયા જળના ગોટા જોને	...૬
મરાળને મોતીનો ચારો, વખતે આપે વાલો જોને;
	દેવાનંદ કહે દેવ ભરોંસે, મગન થઈને મા’લો જોને	...૭
 

મૂળ પદ

ધીરજ ધર તું અરે અધીરા

મળતા રાગ

ધોળ

રચયિતા

દેવાનંદ સ્વામી

ઉત્પત્તિ

ઉત્પત્તિઃ- રાજકોટ દરબારમાં પડધરી તાલુકાના રતનપર ગામના દરબાર રતનસિંહનાં બહેન કુસુમકુંવરબાને મોરબી સ્ટેટમાં પરણાવેલાં પણ તેમને સંતાન ન થવાથી દરબારે બીજાં લગ્ન કર્યા. અને બીજા રાણીએ કુંવરને જન્મ આપ્યો. તેથી રાજ્યમાં આનંદ થયો. સ્ત્રી સ્વભાવ પ્રમાણે કુસુમકુંવરબાને પોતાને પુત્ર ન થવાથી ક્ષોભ થયો. રતનસિંહ ઘોડા ખેલવવામાં ઘણાં કુશળ હતા. હાથમાં ભાલા સહિત ઘોડો ખેલવતા. એક વખત એ રમતમાં મોરબીનાં કુંવરને ખૂબ રસ પડ્યો. તેઓ ઘોડા પાસે ગયા. ઘોડો અચાનક કૂદ્યો. અને રતનસિંહના હાથમાંનો ભાલો કુંવરનાં ગળામાં લાગવાથી કુંવરનું મૃત્યું થયું. દરબારમાં આનંદને બદલે શોક વ્યાપ્યો. રતનસિંહ ગભરાયા અને ભાગ્યા. તેમના ઉપર કુંવરના ખૂનનો આરોપ મૂકાયો. રતનસિંહ ખૂબ જ મૂંઝાયા. છેવટે સદ્ગુરુ દેવાનંદસ્વામીનો પ્રતાપ સાંભળીને મૂળી ગયાં. પોતાનાં દુઃખની સ્વામીશ્રીને વાત કરી. સ્વામીએ ધીરજ આપી. અને ઘરે જવાની આજ્ઞા કરી. પણ દરબારને ભય હતો. ઘેરે જાય તો પકડાય જાય. અને ફાંસીની સજા થાય. દરબાર ઘણા ગભરાયા, તેથી સ્વામીશ્રી તેમની સાથે રતનપર જવા નીકળ્યા. ત્યાં ગામનાં પાદરમાં રતનસિંહે એક ઘોડેસવાર આવતો જોયો. તેથી વધુ ગભરાયા. સ્વામીશ્રીએ ધીરજ આપીને કહ્યું કે, “આ અસવાર તમને પકડવા નથી આવતો, પણ વધામણી આપવા માટે આવે છે. ઘોડેસ્વાર નજીક આવ્યો. અને રતનસિંહના હાથમાં લાલ અક્ષરે લખેલી કંકોત્રી આપી જેમાં જણાવ્યું હતું કે, કુસુમકુંવરબાએ કુંવરને જન્મ આપ્યો છે. અને રતનસિંહના અપરાધને માફ કરવામાં આવ્યો છે. તેમ જ તેમને રતનપર ગામ બક્ષિસ કરવામાં આવે છે. ફાંસીને બદલે ગામ-ગરાસની પ્રાપ્તિ એ સ્વામીશ્રીના આશીર્વાદનું જ ફળ છે. એમ જાણી દરબારે સ્વામીશ્રીની પાસે વર્તમાન ધાર્યા. અને શ્રીજી મહારાજના આશ્રિત થયા. મૂળીના મંદિરમાં ૧૦૦ વીઘા જમીન પણ શ્રીકૃષ્ણાર્પણ કરી. આ પ્રસંગે રતનસિંહને ધીરજ આપવા, આશ્વાસન આપવા અને પ્રભુ પર પૂર્ણ ભરોસો રાખવા સદ્ગુરુ દેવાનંદસ્વામીએ પ્રસ્તુત કીર્તનનાં ચાર પદો રચી રતનસિંહને સંભળાવેલ. તો આવો આપણે પણ સ્વજીવનની જટિલ સમસ્યાઓના સારા-માઠા પ્રસંગોમાં તથા દુષ્કાળ અને દારિદ્રતાના નબળા દેશકાળોમાં પ્રેરણા પીયૂષનો પમરાટ પ્રસરાવનાર પ્રસ્તુત પદમાં પ્રયોજાયેલ ધીરજનો અનુભવ કરી ધીરજવાળા બનીએ.

વિવેચન

ભાવાર્થઃ- આ પદમાં દેવાનંદસ્વામીએ ઈશ્વરની વિશ્વંભરશક્તિપર શ્રદ્ધા રાખીને નચિંતપણે, આનંદમયી જીવન જીવવાનો મનુષોને બોધ કર્યો છે. ઈશ્વરે જેને દાંત આપ્યા છે, તેને એ ચાવવાનુંયે આપે જ છે. જે જગત એણે સર્જ્યું છે, તેનું પાલન-પોષણ કરવાની જવાબદારીઓ તે સ્વાભાવિકતયા જ ઉઠાવે છે. દેવાનંદ આપણા રોજિંદા જીવનમાંથી દાખલાઓ આપી ઈશ્વરની વિશ્વનું ભરણ-પોષણ કરવાની જે શક્તિ છે તેનું સરસ રીતે નિરૂપણ કરે છે. વાસ્તવિક ઘરેલું ઉદાહરણો દ્વારા પરમાત્માની એ ચમત્કારિક શક્તિનું કાવ્યગત ચમત્કૃતિ સાથે બયાન કરે છે. ભગવાન માતાનાં સ્તનમાં જે રીતે દૂધ ભરે છે, જે રીતે કીડીને કણ અને હાથીને મણ ખોરાક મળે એવી ગોઠવણ કરે છે. જે રીતે ઢોરને માટે ઘાસ, કોશેટામાં બંધ કીડા માટે આહાર, હંસને માટે મોતીનો ચારો તે સુલભ કરી આપે છે. જે રીતે મસીદના કોટમીનારામાંથી ફૂટી નીકળતાં ઝાડનેય ઉછરવા માટે જરૂરી ખોરાક-પાણીની સગવડ કરે છે. એ એની વિશ્વંભરતાનો બરાબર ખ્યાલ આપે છે. આ પરમાત્માના રાજમાં તો ડગલુંયે નહીં દોડતા અજગરનું પણ ભરણપોષણ થાય છે. ઈશ્વરને પોતે સર્જેલી પોતાની સૃષ્ટિના નિર્વાહની ચિંતા છે જ, એક જ જગ્યાએ ઝાળું બાંધીને બેઠેલા કરોળિયાનું પણ પેટ પ્રભુ ભરે છે. તો પછી મનુષ્યે નાહક ઈશ્વરમાં અશ્રદ્ધા રાખીને ઉદ્વિગ્ન થવું જોઈએ નહીં. ઈશ્વરની કરુણાએ આકાશમાં વાદળ બંધાય છે ને વરસાદ આવે છે. એની કરુણા સર્વ કોઈને સાંપડે છે. એની નજરમાં સૌ કોઈ સરખા છે. ઈશ્વર દરેક જીવને યોગ્ય વખતે યોગ્ય વસ્તુ આપી રહે છે. આથી મનુષ્યે ધીરજ રાખીને, ઈશ્વર ઉપર જ પોતાની ચિંતાનો ભાર છોડી દઈને એની ભક્તિમાં મસ્ત રહેવું જોઇએ. એની કરેલી ભક્તિ કદીયે નિષ્ફળ જનારી નથી. વાવેલું તો ઊગે જ છે. ફક્ત ફેકેલું ફોગટ જાય છે. રહસ્યઃ- આ પદમાં દેવનંદસ્વામીની શબ્દપ્રભુતા ને લયપ્રભુતા સ્પષ્ટપણે વરતાઈ આવે છે. ‘ખલક તણો ખટકો.’ જન્મ્યુ તેને જીવાવડવાનો, ઉપાય શોધ્યો શુદ્ધ જોને,’ ‘હાડમાસનાં હૈયા મધ્યે, દેવે સરજ્યાં દૂધ જોને’ એ રીતે પંક્તિએ પંક્તિએ વર્ણસંવાદે ઉક્તિની જે મધુરતા, વેધક્તા, સુશ્લિષ્ટતા ને સચોટતા સિદ્ધ કરી છે, તે ધ્યાનપાત્ર છે. કવિને વર્ણાનુપ્રાસ ને અંત્યાનુપ્રાસ મેળવવાનું કેટલું આસાન છે! આ પદનો ઢાળ પ્રીતમના ‘હરિનો મારગ છે શૂરાનો’- એ પદના ઢાળનું સ્મરણ કરાવશે. આ પદમાં અનળ પક્ષી આકાશે રહે છે ને મોટા હાથી ગળી જાય છે. હંસ મોતીનો ચારો ચરે છે.- એવી એવી લોકોમાં પ્રચલિત માન્યતાઓ છે. તેનોય સુંદર વિનિયોગ કર્યો છે. સંતકવિ દેવાનંદનાં આ પદમાં અર્થ અને શબ્દ-ઉભયનું સૌન્દર્ય ઊતરી આવ્યું છે. ‘અરે’ ના ઉદ્ગારની માર્મિકતાય કાવ્યજ્ઞો નોંધશે જ. પદમાં જે વાત કહેવામાં આવી છે. તે જાણીતી છતાં એની કથનશૈલી સરસ હોઈ તેને વારંવાર સાંભળવી ગમે છે. આ પદ દેવાનંદ સ્વામીની કવિ તરીકેની સજ્જતાનું સુંદર ઉદાહરણ બને છે. આ કાવ્ય પ્રાસાદિક સુગેય છે જ. ઢાળ પણ ધીરજની અનુભૂતિ કરાવે છે. તાલ પણ ધીરજપૂર્વક વગાડાય છે. અર્થાત્ તાલનો લય ઘણો ધીમો દર્શાવાયો છે. વળી, નાના-મોટા દેશકાળોથી બનેલા માનવીનાં મનને શાંતિ, સુખ, સંતોષ અને આનંદ અર્પનાર પ્રસ્તુત પદનાં જ બીજા ત્રણ પદમાં અગાઉ જેણે–જેણે વિપરીત દેશકાળોમાં પણ ધીરજ ધારી તેના દ્રષ્ટાંતો, પ્રદ્રષ્ટાંતો ટાંકી ધીરજની વાત અદ્ભુત રીતે આલેખી છે. જે પદો અતિ ચિંતનીય, સ્મરણીય અને નિશદિન કથનીય છે.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી