ઉત્તમ દિવસ અમાસનો સુંદર શ્રી ઘનશામ; ૧/૧

 

ઉત્તમ દિવસ અમાસનો, સુંદર શ્રી ઘનશામ;
અનંત બ્રહ્માંડ અધિપતિ નાથ સદા નિષકામ ;
તેને ભજ્યે તારાં ટળે, અગણિત કરમ અપાર;
દેવાનંદ કહે દેહનો, નથી ઘડી નિરધાર. દેવાનંદ૦ ૧
પડવે જગપરપંચમાં, ભૂલી ગયો ભગવાન ;
દોલત, નારી ને દીકરા, ઇછો મોટપ્ય માન;
મિથ્યા રચ્યું માયા તણું, સુપનું સકલ સંસાર.         દેવાનંદ૦ ર
બીજ હતું બહુ જનમનું, તે ઉદે થયું આજ;
માનુષ્ય દેહ મોટો મળ્યો, ભેટવા સંત સમાજ;
તે માટે તુંજને કહું, હરિ ભજ વારમવાર.                   દેવાનંદ૦ ૩
ત્રિજે ટેક વિવેકથી રાખજે, ધરમની રીત્ય;
માધવ મંગળ મૂર્તિ જેથી મળે જગજીત;
વાસના તજ્ય વેવારની, હરિ સુખ દેવનહાર.          દેવાનંદ૦ ૪
ચોથ્યે ચાળા ચિતના, મે'લીને મોટપ્ય માન;
અંતરજામિને ઓળખી, કર્યે ગોવિંદ ગુણ ગાન;
ભરતખંડમાં પામીઓ, અતિ દુર્લભ અવતાર.          દેવાનંદ૦ પ
પાંચ વિષેના પુરમાં જગત તણાણો જાય;
સતસંગ નાવમાં બેસજે, અતિ સુખે ઉતરાય;
સાચા સાધુને સેવતાં, મટશે જમના માર,                 દેવાનંદ૦ ૬
છઠ્ઠીના લેખ લખાવીયા, તે મિથ્યા કેમ થાય;
સુખદુઃખ સરવ સંસારમાં, દેહ થકી ભોગવાય;
કુકરમ કોટિ કલપના, લાગ્યાં જીવની લાર.            દેવાનંદ૦ ૭
સાતે દ્વિપમાં શોધીયે, કરમ ન ટાળે કોય ;
સ્વર્ગ મૃત્યુ પાતાળમાં, હરિ વિના સુખ નવ હોય,
તે પ્રગટે પ્રથવી પતિ, ભજ્ય તજ્ય વિષય વિકાર. દેવાનંદ૦ ૮
આઠમે જે પ્રભુ અવતર્યા કૃષ્ણ કૃપાળુ કાન,
તે તારું દુઃખ ટાળશે, પાળશે પરમ નિધાન,
અધમ ઉધારન ઓળખો, અતિ સુખના આગાર.      દેવાનંદ૦ ૯
નોમે તેને નથી ભજ્યા તે ભટકે ભવ માઇ,
શ્વાન શુકર ખર થઇ ફરે કીધલ નીચ કમાઇ;
ખાન પાન વિસરાંમતુ નહિ ઠરવાનો ઠાર.               દેવાનંદ૦ ૧૦
દસમે દસ અવતારનું ધરજે ઉરમાં ધ્યાન;
પૂરણકામ સદા પ્રુભ, દેત અભેપદ દાન;
કાચો ઘટ કુંભારનો, એવો પિંડ અજાર.                    દેવાનંદ૦ ૧૧
એકાદશી ઉપવાસમાં, કર્ય વશ ઇન્દ્રિય ગ્યાર;
ધર્મ અરથફળ મોક્ષનાં, પામીશ ચારે પ્રકાર;
તેનું જતન કરી જાળવ્યે, મળશે પ્રગટ મોરાર.        દેવાનંદ૦ ૧ર
બારે માસમાં બોલવાં, સત્ય સનાતન વેણ;
મુક્તિને મારગે ચાલતાં, અતિ શોભે સુખદેણ;
ગ્રામ કથાનો ગોટકો, એનો ન કરજે યાર.                 દેવાનંદ૦ ૧૩
તેરમી સિધિને ટાળવા, મુક્ત ફરે તજી માન;
તેને મળ્યા વિના મુરખ, આથડી મરીશ અજાન;
આપે ન તાપ જે એકલો, શ્વાન શકટનો ભાર.          દેવાનંદ૦ ૧૪
ચૌદે લોકની સંપતિ, મે'લીને જાવું જરૂર;
સ્થાવર જંગમ જીવતે, જેમ પાણીનું પુર;
જોને તપાસીને જીવમાં, અવસર આવ્યો ઉદાર.     દેવાનંદ૦ ૧પ
સોળે કળા શોભે ઘણી, પુન્યમ ચંદ પ્રકાશ;
મનમથ માન ઉતારવા, રાસ રમ્યા ખટમાસ;
તે નારયણ નામનો, અહો નિશ કરજે ઉચાર.           દેવાનંદ૦ ૧૬
સોળતિથિ સુખધામ છે, જે શિખે જે ગાય;
તે પર રીઝે શ્રીહરિ, પાતક પરલે થાય;
દોષ દેખે નિજ દેહમાં, મિથ્યા માયા મોજાર.           દેવાનંદ૦ ૧૭

 

 

મૂળ પદ

ઉત્તમ દિવસ અમાસનો

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી