વાલા ભક્તિધર્મ સુત શ્યામ રે, આવોજી અવતારી ૧/૧

વાલા ભક્તિધર્મ સુત શ્યામ રે, આવોજી અવતારી;
	પ્યારા છો પ્રભુ પૂરણકામ રે, સુણો વિનંતી મારી...ટેક.
			સાખીઓ
કષ્ટ ઘણું દેખી દાસનું રે, કાયર ન થાશો કૃપાળ;
	જીવ કોટી મુક્ત કોટીના, હાં રે તમે રસિયાજી છો રખવાળ રે-આવો૦ ૧
અતિ અદ્‌ભુત સૃષ્ટિને રે, રચતાં થાક્યા નહિ રાજ;
	આ એક સેવકને કારણે, હાં રે કેમ આળસ કરી બેઠા આજ રે-૨
સત્યયુગ ત્રેતા દ્વાપરે રે, આવતા આપ અચીર;
	આજ કળિકાળ દુષ્ટ છે, હાં રે એમ જાણી બેઠા છો શું સ્થીર રે-૩
એક સેવકને કારણે રે, આગે લીધા અવતાર;
	તે વાત શું વિસરી ગયા, હાં રે કેમ આળસ આણી આ વાર રે-૪
આ અવતાર છે આપનો રે, કરુણામય મહારાજ;
	કેડ બાંધી દૃઢ આ સમે, હાં રે પ્યારા કર્યાં છે કોટીનાં કાજ રે-૫
મુક્ત મુનિને ઉગાર્યા રે, ઝેર થકી જગરાય;
	મહાવનમાં નદી જળ થકી, હાં રે કરી શ્યામળા જઈને સહાય રે-૬
વ્યાપકાનંદના વચનથી રે, જાણી વણિક અનાથ;
	મ્લેચ્છના કરથી મુકાવ્યો, હાં રે તમે દામ દઈ દીનાનાથ રે-૭
અખંડાનંદને વન વિષે રે, વાઘ મળ્યા વિકરાળ;
	તુર્ત ઉગાર્યા એ કષ્ટથી, હાં રે થવા દીધો નહિ વાંકો વાળ રે-૮
નિષ્કુળાનંદ મુનિને નાથજી રે, તરસ લાગી તેહ વાર;
	ખારો સમુદ્ર મીઠો કર્યો રે, હાં રે એવા ધન્ય ધન્ય ધર્મકુમાર રે-૯
સ્વામી ગોપાળાનંદજી રે, જે આદિ અક્ષર રૂપ;
	તેની સાથે નિત્ય જમતા, હાં રે વાલા વડોદરામાં અનુપ રે-૧૦
પર્વતભાઈને ઇચ્છા થઈ રે, જોવા નૃસિંહ અવતાર;
	આપ ચોવીશ રૂપે થઈ, હાં રે દીધાં દર્શન જગકિરતાર રે-૧૧
જીવુબાઈ ગઢપુરમાં રે, જીવન મુક્ત જરૂર;
	દૂધ પીધું તમે તેહનું રે, હાં રે પ્યારા પ્રેમ આણી ભરપૂર રે-૧૨
જીવરામ વાંકાનેરનો રે, જાણી મોટો ભક્તરાજ;
	ભર દરિયામાં તારિયો રે, હાં રે તમે જીવન લઈને જહાજ રે-૧૩
અરદેશરજી પારસી રે, સુરતના કોટવાળ;
	તેને ઐશ્વર્ય જણાવીને, હાં રે દીધી દીવાનગીરી દયાળ રે-૧૪
વિકટ વેળા અંતકાળની રે, ત્યારે આવો છો દયાળ;
	દુ:ખ હરવા નિજદાસનાં રે, હાં રે સાથે લઈ વાહન વિશાળ રે-૧૫
બ્રહ્મપુરે લઈ જાવો છો રે, બિરુદ સંભારીને શ્યામ;
	એવું જાણીને મેં આપના રે, હાં રે પ્રભુશરણે કર્યો છે મુકામ રે-૧૬
કાળ કર્મ માયા તણો રે, ભય નથી હવે લેશ;
	હાથ ઝાલ્યો છે હેત કરી રે, હાં રે તમે બળવંત હે અક્ષરેશ રે-૧૭
ધ્રુવ તણી જેમ માછલી રે, ધ્રુવ ભણી ખેંચાય;
	આપ તરફ વાલા માયરો રે, હાં રે સદા તેમ જ પ્રાણ તણાય રે-૧૮
ચંદ્ર ઉગે આકાશમાં રે, જલધિ તણું વધે જોર;
	તેમ આનંદ ઊભરાય છે રે, હાં રે જ્યારે નીરખું છું ધર્મકિશોર રે-૧૯
વારે વારે શું આપને રે, કહેવું કૃપા નિધાન;
	સુખ દુ:ખમાં કરો સહાય રે, આવી ભક્તવત્સલ ભગવાન રે-૨૦
ગુણ ને અવગુણ અમ તણા રે, અળગા કરીને અલબેલ;
	વિશ્વવહારીલાલજી રે, હાં રે આવો છોગાવાળા રંગછેલ રે-૨૧
 

મૂળ પદ

વાલા ભક્તિધર્મ સુત શ્યામ રે, આવોજી અવતારી

મળતા રાગ

ગરબી
ઢાળ : મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
વિનોદભાઈ પટેલ

અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0