સહજાનંદ કે દર્શન કરકે, મગન ભયે સબ ગુરુ જ્ઞાની ૧/૧


સહજાનંદ કે દર્શન કરકે, મગન ભયે સબ ગુરુ જ્ઞાની;
	અદ્‌ભુત રૂપ વિચારત મનમેં, નહિ આવે મુખસે બાની	...ટેક.
અનંક કોટિ જાકે ચરન પરત હૈ, બ્રહ્મમહોલ કે સુખયાની;
	સો હરિ કો હમ પ્રગટ બતાવે, ભેદ વિના ભટકત પ્રાની	...સહ૦ ૧
કોટિ વિષ્ણુ બ્રહ્મા કર જોડી, શંકર કોટિ સુરત આની;
	શારદ શેષ નારદ યું પ્રણવે, નહિ માનત નર અભિમાની	...સહ૦ ૨
નિ:સ્વાદી નિ:સ્પૃહી નિર્લોભી, નિષ્કામી જન નિર્માની;
	પાયો ભક્તિ પદારથ મોટો, તન મન કીનો કુરબાની		...સહ૦ ૩
પરબ્રહ્મ પૂરણ પુરુષોત્તમ, સ્વામિનારાયણ સુમરાની;
	સુખાનંદ શરણે સુખ પાયો, ભજન ભરૂંસા ઉર આની	...સહ૦ ૪
 

મૂળ પદ

સહજાનંદ કે દર્શન કરકે, મગન ભયે સબ ગુરુજ્ઞાની;

મળતા રાગ

લાવણી

રચયિતા

સુખાનંદ

ઉત્પત્તિ

સં.૧૮૫૬ના શ્રાવણ મહિનાની વદ સાતમનો અભૂતપૂર્વ દિવસ સ્વામિનારાયણ સંપ્રદાયની તવારીખમાં સુવર્ણ અક્ષરે લખાયેલો રહેશે. એ દિવસે નીલકંઠ વર્ણીની વનવિચરણ લીલાની પૂર્ણાહુતિરૂપે એમનો સદ્‍ગુરુ રામાનંદ સ્વામીના લોજ ખાતેના આશ્રમમાં મંગલ પ્રવેશ થયો હતો. નીલકંઠ વર્ણીના એ સત્સંગ પદાર્પણ માટે નિમિત્તરૂપ બનનાર રામાનંદ સ્વામીના એક વિરલ સંતનું નામ પણ સંપ્રદાય હંમેશાં યાદ રાખશે. પ્રાત:કાળનાં પહેલા કિરણો હજી પૂર્વ ક્ષિતિજે પૂરેપૂરા પ્રગટ્યા પણ નહોતાં ત્યારે સૌરાષ્ટ્રના એક નાનકડા ગામ લોજના ઉત્તર સીમાડે આવેલી વાવને કાંઠે પથ્થરની મોટી શીલા ઉપર નીલકંઠ વર્ણી આસન જમાવી ધ્યાનસ્થ થયા હતા. પંખીઓનો મધુર કલરવ અને મંદ મંથર ગતિએ વાતો શીતળ સમીર વાતાવરણને આહ્‌લાદક બનાવતો હતો. બ્રાહ્મ મુહૂર્તની એ શુભ ઘડીએ ગામમાંથી એક સાત્વિક સંત સ્નાન કરવા માટે ત્યાં આવ્યા. સ્નાન કરીને પાછા વળતા સંતની નજર વાવની એક કોરે બેઠેલા નીલકંઠ વર્ણી ઉપર પડી. વર્ણીનું તેજસ્વી મુખારવિંદ અને અત્યંત કૃશ શરીર જોઈ સંત પ્રભાવિત થયા. એમનાં અંતરમાં પ્રેરણાનો પ્રકાશ થાય: નક્કી આ કોઈ સિદ્ધ મહાત્મા લાગે છે! તેમણે વર્ણીની પાસે જઈ પૂછ્યું : “વર્ણિ‌રાજ , આપનું દૂધ*(કુળ) કયું? વર્ણીએ કહ્યું : “અમારું દૂધ તો ભગવાન છે.” સંતે ફરી પૂછ્યું: તમે કહ્યું તે યથાર્થ છે, પરંતુ હું તો લોક્વ્યવહારે પૂછું છું.” વર્ણીએ સામો સવાલ કર્યો: “ તમે કોના સાધુ છો!” સંતે હાથ જોડી જવાબ આપ્યો: “હું સદ્‍ગુરુ રામાનંદ સ્વામીનો શિષ્ય સાધુ સુખાનંદ છું. રામાનંદ સ્વામીના અમે ચાળીશ સાધુ અહીં લોજ આશ્રમમાં રહીએ છીએ. અમારા મોટેરા મુક્તાનંદ સ્વામી પરમ દર્શનીય સંત છે. આપ કૃપા કરી અમારા આશ્રમમાં પધારો, જેથી અમારી સાથે આપની મુલાકાત શક્ય બને.” નીલકંઠ વર્ણી સુખાનંદ સ્વામી સાથે રામાનંદ સ્વામીના આશ્રમે પધાર્યા.૧(શ્રી હારી ચરિત્ર ચિંતામણી (ભાગ -૧ વાર્તા-૮૩)) સ્વામિનારાયણ સંપ્રદાયમાં શ્રીજી સમકાલીન પરમહંસોમાં સુખાનંદ નામે ચાર નંદ સંતોનો ઉલ્લેખ છે. તેમાં નીલકંઠ વર્ણીનો મુક્તાનંદ સ્વામી સાથે મેળાપ કરાવનાર સંત મોટા સુખાનંદ સ્વામી તરીકે સંપ્રદાયમાં ઓળખાય છે. તેઓ ગ્વાલિયરના વતની હતા. શ્રીહરિની પ્રેરણાથી તેઓ હિંદી તેમ જ વ્રજ ભાષામાં કાવ્ય રચના કરતા હતા. લોજની વાવ પર એમણે નમણા નીલકંઠ વર્ણીને નીરખ્યા ત્યારથી એ સલૂણા ઘનશ્યામની માધુરી મૂરત એમનાં અંતરમાં ઊતરી ગઈ હતી, તેથી જ એમણે એ દર્શનનો યથાર્થ મહિમા સમજાવતા મગ્ન થઈને ગાયું હતું: “સહજાનંદકે દર્શન કરકે , મગન ભયે સબ ગુરુ જ્ઞાની ...” તેઓ સારા સંગીતજ્ઞ હતા. શ્રીજીમહારાજે સંગીત વિદ્યાના વિશદ્‌ અભ્યાસ આર્થે તેમને બુરાનપુર મોકલ્યા હતા. સદ્‍ગુરુ આધારાનંદ સ્વામી ‘હરિચરિત્રામૃતસાગર’ માં નોંધે છે કે, સુખાનંદ સ્વામી સિતાર સારી વગાડતા હતા. તેઓ ક્યારેક બંસી પણ બજાવતા.૨(શ્રીહરિચરિત્રામૃત સાગર (પૃ -૬ તરંગ-૩૩)) આવા સંગીત રસિક કવિ હૃદય સંત પણ શ્રીજીમહારાજ પ્રસ્થાપિત કડક ‘પ્રકરણો’ ન પળાતા સંપ્રદાયથી વેગળા પડી એકડમલ થયા હતા. શ્રીજીમહારાજ પોતાના ભક્તોને કસવામાં અતિશય કડક હતા. જેને તેમણે પોતાના કરી માન્યા તેનામાં અણુમાત્ર પણ કસર ના રહેવા દેવી એવું તેમનું ‘પણ’ હતું. તે માટે સખતમાં સખત નિયમો કાઢી તેઓ પોતાના શિષ્યોની પરીક્ષા લેતા. તેમણે જુદે જુદે સમયે કાઢેલા નિયમોને સાંપ્રદાયિક પરિભાષામાં ‘પ્રકરણો’ કહે છે, આવું કડક નિયમન ન પાળી શકાવાથી કેટલાક સાધુઓ સંપ્રદાયની મર્યાદા બહાર જઈને રહ્યા. આવા સાધુઓ ‘એકડમલ’ તરીકે ઓળખાતા. આવા એકડમલો સંપ્રદાયની માર્યાદા બહાર મસ્ત કલંદર બનીને ઘૂમતા રહેતા. તેઓ ભગવાન સ્વામિનારાયણનું જ ભજન કરતા, લોકોને ઉપદેશ પણ સ્વામિનારાયણ સંપ્રદાયનો જ કરતા, પરંતુ પહેરવેશમાં ધોતિયું ને સીવેલી કફની પહેરતા અને માથે રૂમાલ બાંધતા.તેઓ સ્ત્રીધનના ત્યાગી રહેતા. આમ તો એકડમલો ગામેગામ ફરી ભિક્ષા માગી પોતાનો નિર્વાહ ચલાવતા , પરંતુ તેઓ ગઢપુરમાં હોય ત્યારે જીવુબા તેઓને ભિક્ષા કરાવી રોટલા આપતાં હતાં. એકડમલો ને અંતરમાં હમેશ એક પ્રકારનો અજંપો રહ્યા કરતો કે પોતાના ઇષ્ટ આરાધ્યની આજ્ઞાનું યથાર્થ પાલન પોતે નથી કરી શક્યા. તેઓ શ્રીજીમાંહારાજનાં દર્શન અને સેવા માટે હમેશાં ઉત્સુક રહેતા. સહજાનંદી સાધુસંઘમાંથી બહાર હોવા છતાં તેઓ વિમુખ નહોતા ગણાતા. સુખાનંદ સ્વામી પણ આ પાંસઠ એકડમલોની જમાતમાં રહેતા હતા. ગઢપુરમાં ભક્તીબાગ સામે પાર્ષદોએ એક કૂવો ગાળ્યો હતો. લાડુબાએ ઉગામેડીને રસ્તે બાગ કરાવવા બીજો કૂવો ગળાવી આપવા શ્રીજીમહારાજને પ્રાર્થના કરી. મહારાજની અનુજ્ઞા લઈ આ પાંસઠ એકડમલોએ કૂવો ગાળી આપ્યો. એકડમલોની સેવા‌થી મહારાજ બહુ રાજી થયા. મહારાજને પ્રસન્ન થયેલા જોઇને એકડમલોએ વિનંતી કરી: “ મહારાજ, અમારે દરેકે તમારી પૂજા કરવી છે અને દેશદેશાવરથી અમે તરેહતરેહની ચીજો લાવ્યા છીએ તે આપને ભેટ ધરવી છે.” મહારાજે રાજી થઇ હા પાડી, તેથી એકડમલોએ પૂજા કરી મહારાજને અવનવી ભેટ ધરી. મોટા સુખાનંદ સ્વામીએ મહારાજની પૂજા કરી, ચંદર ચર્ચી કેસરના વાળાના હારનો કાંઠલો મહારાજને પહેરાવ્યો. મહારાજે પ્રસન્નપણે કહ્યું: “ આ સુખાનંદ સ્વામી એકડમલમાં ગણાય એવા નથી. તેમણે લોજમાં મુક્તાનંદ સ્વામી સાથે અમારો મેળાપ કરાવ્યો હતો. આ સાધુ ઓ શુદ્ધાત્મક અનાદિમુક્ત છે અને અમારી આંખોની કીકી સમાન છે, માટે જો તે અમારી સેવામાં રહે તો રાખીએ.” ત્યારે સુખાનંદ સ્વામી બોલ્યા : “ મહારાજ , મેં આપની આજ્ઞા લોપી નથી ને લોપવી પણ નથી પણ એક સંકલ્પ રહે છે કે આપ પૂર્ણ પુરુષોત્તમનારાયણ અમને મળ્યા તેથી અમારું તો કલ્યાણ થયું, પરંતુ મારા માબાપનું કલ્યાણ કરવા એમને આપના સ્વરૂપનો નિશ્ચય કરાવવો એ મારી પવિત્ર ફરજ છે.” મહારાજે જોયું કે સુખાનંદ સ્વામીના શુભ સંકલ્પમાં સૂક્ષ્મ આસક્તિનો ભાવ ભળેલો છે. તેમણે સ્વામીને સમજાવતા કહ્યું: “સ્વામી, જે કોઈ જીવને આપણે વર્તમાન ધરાવીએ તે જ આપણા સાચાં સંબંધી, બાકી તો આપણે સાથે આપણને અત્યારે સ્નાનસૂતકનો પણ સંબંધ નથી કે કોઈને જાણતા પણ નથી. માટે આ દેહના સંબંધીઓને પણ ગયાને કરીને વિસારી દેવા. વળી પોતાના દેહનાં સંબંધીઓમાં પ્રીતિ રાખવી તે પણ ત્યાગીપણામાં ખોટ ગણાય . મહારાજની જ્ઞાનવાર્તા સુખાનંદ સ્વામી અદ્ધરથી ઝીલી ન શક્યા. તેમનો સંકલ્પ ન મટ્યો. વતનમાં જઈને માબાપને મળી એમનું કલ્યાણ કરવાની ઘેલછામાં સ્વામી ફરી એકડમલ થઈને ચાલી નીકળ્યા. માર્ગમાં ઠેર ઠેર શ્રીહરિના પ્રાગટ્યની, ઐશ્વર્યની, મહિમાની અને અપાર પ્રતાપની વાતો કરતા કરતા અને અનેક મુમુક્ષુઓને સત્સંગ પરાયણ બનાવતા સ્વામી વૃંદાવન પહોંચ્યા. વૃંદાવનમાં લાલાબાબુ નામના એક બંગાળી કાયસ્થ કરોડપતિએ કરોડોના ખર્ચે રાધાકૃષ્ણનું ભવ્ય મંદિર બંધાવી તેમાં સોનાનો સ્તંભ ઉભો કરાવ્યો હતો. વળી મંદિરના પ્રવેશદ્વાર પાસે પગથિયામાં પોતાની એક સૂતેલી પ્રતિમા જડાવી હતી જેથી ભગવાન કે ભગવાનના કોઈ સાચા સંતનો ચરણસ્પર્શ થાય તો પોતાનું કલ્યાણ થાય. ભેખમાં ભગવાન હોય છે એમ પોતે માનતા હોવાથી સાધુ વેશે આવેલા ભગવાન ભૂખ્યા ન જાય એવી ભાવાનાથી તેમણે એક સદાવ્રત પણ ખોલેલું. લાલાબાબુની અસીમ ભક્તિ અને ભગવત્પરાયણતા જોઇને સુખાનંદ સ્વામીને આ ધર્મભીરુ દંપતીનું કલ્યાણ કરવાનો સંકલ્પ થયો. તેમણે મર્યાદા રાખીને કથાવાર્તા કરી અને સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય કરાવ્યો. સ્વામીના શબ્દો સાંભળી લાલાબાબુએ કહ્યું: ‘આપ પ્રગટ ભગવાનને મળેલા છો અને આપના થકી મને પ્રગટ ભગવાનનો નિશ્ચય થયો ત્યારથી જ હું એમને શરણે છું. હવે આપ મને પ્રગટ ભગવાનનાં દર્શન કરાવો.” સ્વામીએ કહ્યું : “ બાબુજી, સઘળાં સત્કાર્યોની સાર્થકતા પ્રગટ પરમાત્માના પ્રત્યક્ષ મિલનમાં છે. માટે તમે શીઘ્ર ગઢપુર સીધાઓ અને પ્રભુના દર્શનનો લ્હાવો લો.” પરંતુ લાલાબાબુનાં પુણ્ય હજી પ્રગટ પ્રભુના મિલન સુધી નહોતાં પહોંચતાં. તેમણે શ્રીહરિને પોતાના આ દર્શનાભિલાષી‌ ભક્તને દર્શન દેવા માટે વૃંદાવન પધારવાની પ્રાર્થના કરતો એક પત્ર લખી સુખાનંદ સ્વામીને આપ્યો. સાથે મથુરાનાં પેંડા અને અત્તરની એક શીશી શ્રીહરિને ભેટ ધરવા માટે મોકલી. સુખાનંદ સ્વામી એમના બે શિષ્યો સાથે વૃંદાવંનથી ગ્વાલિયર જવા માટે નીકળ્યા. માર્ગમાં એમનું સ્વાસ્થ્ય કથળ્યું. સ્વામીને એમનો અંત:કાળ નજીક જણાયો. એમને થયું, ભગવાનની મરજી લોપીને કોણ સુખી થઇ શક્યું છે? સ્વામીએ પોતાના શિષ્યોને બોલાવીને જણાવ્યું : “મારું આયખું તો હવે અહીં‌ જ પૂરું થવાનું છે એટલે તમે આગળ ન જતા ગઢપુર પાછા જાઓ અને શ્રીહરિને મળી મારા દેહ્ત્યાગની તથા લાલબાબુની વાત જણાવજો.” એમનાં શિષ્યોને માથે તો આભ તૂટી પડ્યું. તેઓએ રડતા રડતા સ્વામીને પૂછ્યું: “ ગુરુ , શ્રીહરિ અમને શી રીતે ઓળખશે?” ત્યારે ‘સુખાનંદ સ્વામીએ તેમને વિશ્વાસ આપતા કહ્યું: “ શ્રીહરિ તમને ‘સુખાનંદ સ્વામીના સાધુ છો ને?’ એમ કહી બોલાવશે અને સ્વકારશે.” ત્યાર બાદ થોડા જ સમયમાં માતાપિતાને મળવા નીકળેલા સુખાનંદ સ્વામી મારગમાં જ અક્ષરવાસી થયા. સુખાનંદ સ્વામીના પાર્થિવ શરીરની અંતિમ ક્રિયા પૂર્ણ કાર્ય બાદ એમનાં શિષ્ય- સંતો કાળાન્તરે ગઢપુર પહોંચ્યા. શ્રીજીમહારાજ દાદા ખાચરના દરબારમાં સંત હરિભક્તોની સભા ભરીને બેઠા હતા, એ ટાણે સંતો ત્યાં પહોંચતા મહારાજે સુખાનંદ સ્વામીના સાધુ તરીકે તેમની ઓળખાણ આપીને તે બંનેનું ભાવભીનું સ્વાગત કર્યું. મહારાજે એ બંનેને પરમહંસની દીક્ષા આપી એમનાં નામ રામાનુજાનંદ અને બાળમુકુંદાનંદ પડ્યા. લાલાબાબુની અત્તરની શીશી અંગીકાર કરી મહારાજે એ અત્તર સંતોના નાક પરચર્ચિ કહ્યુ: “સંતો આ લોકમાં તમારા સદ્ચરિત્રની સુવાસ આ અત્તરની જેમ ચોમેર ફેલાશે.”

વિવેચન

આસ્વાદ : સંત કવિ સુખાનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયમાં પ્રસિદ્ધ તેમના પ્રસ્તુત પદમાં શ્રી સહજાનંદ સ્વામીનો યથાર્થ મહિમા પોતાની રોચક શૈલીમાં રજુ કરે છે. કવિ પોતાના ઇષ્ટ આરાધ્ય શ્રી સહજાનંદ સ્વામીના સમકાલિન હતા તેમ જ તેમના અંતેવાસી સેવક હતા. તેથી તેમણે પોતાના પ્રીતમ પ્યારા પ્રભુના સાનિધ્યમાં જે જોયું, જે માણ્યું, જે અનુભવ્યું એને પરિણામે એમના અંતરમાં શ્રીજીમહારાજનો સર્વોપરી સ્વરૂપનિશ્ચય તથા મહાત્મ્ય જ્ઞાનેયુક્ત ભક્તિ દ્રઢ થયા. પોતે પ્રગટ પ્રભુ જે રીતે પિ‌છાન્યા એ પ્રચ્છન્ન પરિચયને તેઓ આપની સમક્ષ મૂકવા માગે છે. જ્ઞાનમારગમાં ગુરુપદને પામેલા સર્વે મુક્તાત્માઓ શ્રી સહજાનંદ સ્વામીની રસિક રૂપમાધુરીમાં આકૃષ્ટ થઈને ભક્તિના કેફમાં ગરકાવ થઇ જતા અને ત્યારે ધ્યાન અને સમાધિ એમનાં માટે સહજ બની જતા. શ્રીહરિનું અદ્‌ભુત દિવ્ય સ્વરૂપ જેઓ ધ્યાન કે સમાધિમાં નિહાળતાં તેમની વાણી વિલાઈ જતી. એ વિરલ અનુભૂતિને અભિવ્યક્તિ માટે ક્યારેક શબ્દોનો સાથ નહોતો મળતો. કવિનું મહિમાગાન હવે એની ચરમસીમા પર પહોંચે છે. આધ્યાત્મિક જગતમાં જીવ દશાથી માંડીને પૂર્ણ પુરુષોત્તમ પરમાત્માના પરમ સાધર્મ્ય પર્યન્ત અસંખ્ય ભૂમિકાઓ આવે છે. આ ભૂમિકાઓને જીવકોટિ , ઈશ્વરકોટિ, બ્રહ્મકોટિ, અક્ષરકોટિ ઇત્યાદિ નામો દ્વારા ઓળખવામાં આવે છે. આવી વિવિધ ભૂમિકાઓએ પહોંચેલા અસંખ્ય આત્માઓ અક્ષરધામના અલભ્ય સુખની યાચના સાથે જેમના ચરણોમાં વારંવાર વંદન કરે છે એવા શ્રી સહજાનંદ સ્વામી એ જ પ્રગટ પ્રમાણે પૂર્ણ પુરુષોત્તમનારાયણ છે એમ કવિ કહે છે. સાથે કવિ એક ટકોર પણ કરે છે કે શ્રીહરિની સર્વોપરી ઉપાસનાનું આ રહસ્યજ્ઞાન જ્યાં સુધી લક્ષ્યાર્થભાવે આત્મસાત્‌ થતું નથી ત્યાં સુધી જીવ જન્મમરણના બંધનમાં ભટક્યા કરે છે. શ્રીજીમહારાજની મૂર્તિના એક એક રોમમાં અનંત કોટિ બ્રહ્માંડો ઊડતાં ફરે છે. એ સર્વે બ્રહ્માંડોના કોટિ બ્રહ્મા, વિષ્ણુ અને સહકાર અહોનિશ શ્રીહરિની વંદના કરતા રહે છે. શારદા, શેષ અને નારદની ઉપમા કવિ શ્રીજીમહારાજના પ્રતાપી મુક્તોને આપી એમ સમજાવવા માગે છે કે જે શ્રી સહજાનંદને ગોપાળાનંદ સ્વામી , નિત્યાનંદ મુનિ તથા મુક્તાનંદ સ્વામી જેવા સમર્થ, જ્ઞાની અને પ્રેમી સંતો નિત્ય આરાધતા એવા શ્રીહરિ યથાર્થ મહિમા નહિ સમજનાર વ્યક્તિ મિથ્યાભિમાની છે. ભક્તિનો માર્ગ સ્વાર્પણનો માર્ગ છે. શહિદીનો માર્ગ છે. જે જ્ઞાની ભક્ત નિ:સ્વાદી, નિ:સ્પૃહી, નીર્લોભી, નિષ્કામી તથા નિર્માની બનીને પોતાના તન અને મન શ્રીહરિ ભક્તિમાં ન્યોછાવર કરે છે તેના જ અંતરમાં નવધા ભક્તિને અંતે પર્યવસાન પામતી પ્રેમલક્ષણા ભક્તિનો પાદુર્ભાવ થાય છે ! અંતે કવિ કહે છે, હે ભક્તો ! પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનનું અહોનિશ સ્મરણ કરો અને જેમ જેમ તમારા અંતરમાં પ્રભુ પ્રત્યેની પ્રગાઢ શ્રદ્ધાનો વધુ ને વધુ આવિષ્કાર થતો જશે તેમ તેમ તમારા અંદરમાં શ્રીહરિની નિર્વિકલ્પ શરણાગતિનો અલૌલિક આનંદ આવતો જશે, આવતો જ જશે !! રાગ લાવણીમાં ગવાતું પ્રસ્તુત પદ સદ્‍ગુરુ સુખાનંદ સ્વામીનું એક ઉત્કૃષ્ટ સર્જન છે. કાવ્યમાં પ્રાસાદિક્તા પ્રાસ અને લયમાં ઘૂંટાઈને નખશિખ વ્યાપી રહે છે.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હેમંત ચૌહાણ
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન સાગર ભાગ-૩
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૧
Studio
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
પરંપરાગત
રહેજો આનંદમાં
Studio
Audio
0
0