જુઓ જુઓને હાંહાંરે સાહેલીઓ આજ રસિયો રાસ રમે ૧/૧

 (રાસ)-દોહા
એક સમય શશી ઉદિત અતિ, હોય મન અધિક હુલાસ;
	યમુના તટ વ્રજનાર જુત, રચ્યો મનોહર રાસ...૧
ભર ભર તન સજ આભરણ, વન વન કરણ વિહાર;
	કર કર ગ્રહ નટવર કૃષ્ણ, સરસ અનુસર સાર...૨
જુઓ જુઓને હાં હાં રે, જુઓ જુઓને સાહેલીઓ આજ;
	રસિયો રાસ રમે;
	પંચાળામાં હાં રે, પંચાળામાં શ્રીજીમહારાજ...રસિયો૦ ટેક.
નિર્મળ રજની છે અજવાળી, નિર્મળ વેલી વન રે;
	નિર્મળ મનના નિજ સખામાં , નિર્મળ પ્રાણજીવન...રસિયો૦ ૧
દીવાની માંડવડી વચ્ચે જાણે દીપક ઝાડ રે;
	ફરફર જનમાં ફેરા ફરતાં, કરતાં રસની રાડ...રસિયો૦ ૨
તાળી પાડે શ્રીવનમાળી, મુનિ સાથે મુનિનાથ રે;
	ઇન્દ્રાદિક જોવાને આવ્યા, શિવ બ્રહ્મા સંગાથ...રસિયો૦ ૩
શ્યામ વરણના નિજ શરીરે, સોનેરી શણગાર રે;
	ગગન વિશે જેમ વિજળી ઝબકે, શોભે એમ અપાર...રસિયો૦ ૪
પાઘ વિશે છોગાં છેલાને, કમર કસી કરી જોર રે;
	ઊલટ સુલટ નટવર નાચે છે, શ્રીહરિ ધર્મકિશોર...રસિયો૦ ૫
ઊંચા સ્વરથી તાન ઉપાડે, જન સંગ જીવનપ્રાણ રે;
	સારો સ્વર કોઈ સુણી સખાનો, વ્હાલો કરે વખાણ...રસિયો૦ ૬
ધીમ ધીમ ધીમ ધીમ દુકડ વાગે, તનનન તનન સિતાર રે;
	ઝાંઝ વગાડે ઝણણણ ઝણણણ, ભેરીના ભણકાર...રસિયો૦ ૭
ધન્ય ધન્ય પંચાળાની ધરણી, ધન્ય ધન્ય ઝીણાભાઈ રે;
	ધન્ય ધન્ય ધન્ય છે ધર્મકુંવરને, રાસ રમ્યા સુખદાઈ...રસિયો૦ ૮
પંચાળામાં એવા જનને, આપ્યાં સુખ અપાર રે;
	વિશ્વવિહારીલાલજી કેરો, ધન્ય ધન્ય આ અવતાર...રસિયો૦ ૯ 
 

મૂળ પદ

જુઓ જુઓને હાંહાંરે સાહેલીઓ આજ રસિયો રાસ રમે

મળતા રાગ

ગરબી

રચયિતા

વિહારીલાલજી મહારાજ

નોન સ્ટોપ કીર્તન વિગત

નોન સ્ટોપ-૧

જુઓ જુઓ ને હાં હાંરે(૫૪-૨૦)

ઉત્પત્તિ

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સંસ્થાપક સ્વામી શ્રી સહજાનંદજી મહારાજે સત્સંગની સુવ્યવસ્થા અને સુસંચાલન માટે સમસ્ત સંપ્રદાયને બે વિભાગમાં વહેચી દક્ષીણ વિભાગના વડતાલ સંસ્થાનની ગાદી ઉપર પોતાના લઘુબધુ શ્રી ઇચ્છારામજી મહારાજના ચોથા પુત્ર શ્રીરઘુવીરજી મહારાજને આચાર્યપદે આરૂઢ કર્યા હતા. આદિ આચાર્યશ્રી રઘુવીરજી મહારાજ સં. ૧૯૫૯ માં નિ:સંતાન ધામમાં પધારતા તેમના ઉતરાધિકારી તરીકે તેમના મોટાભાઈ શ્રી બદ્રીનાથજીના ઓરસપુત્ર શ્રી ભગવતપ્રસાદજીને વડતાલ ગાદીના દ્વિતીય આચાર્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. શ્રી ઇચ્છારામભાઈના સૌથી મોટા પુત્ર શ્રી ગોપાળજી પાંડેના પુત્ર શ્રી કૃષ્ણપ્રસાદજી અત્યંત વિદ્વાન અને ભગવદીય હતા. આચાર્ય શ્રી ભગવતપ્રસાદજી મહારાજ અપુત્ર હોવાથી તેમણે પોતાના પિતરાઈ ભાઈ શ્રી કૃષ્ણપ્રસાદજીના પુત્ર શ્રી વિહારીલાલજી મહારાજને સં. ૧૯૩૫ના શ્રાવણ વદ આઠમે વડતાલ સંસ્થાનના તૃતીય આચાર્યપદે સ્થાપ્યા. પ.પૂ.ધ.ધુ શ્રી વિહરીલાલજી મહારાજનો જન્મ સં. ૧૯૦૮ના ચૈત્ર વદિ અમાસનાં દિવસે તેમના મોસાળ ઉત્તર પ્રદેશના ગૌડા જીલ્લાના દુબોલી ગામમાં થયો હતો. સદ્‍ગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ બાલ્યકાળમાં જ તેમને સત્સંગના વર્તમાન ધરાવીને કંઠી બાંધી હતી. સં. ૧૯૧૬ વસંતપંચમીના દિવસે તેમનો યજ્ઞોપવીત સંસ્કાર થયો, પછી પંડિત વિષ્ણુરામ, પંડિત ભોળાનાથ અને શાસ્ત્રી શ્રી માધવદાસજી જેવા વિદ્વાન પાસે તેમણે અભ્યાસ કર્યો. તેમનો ઉછેર તથા શિક્ષણ આચાર્યશ્રી ભગવતપ્રસાદજી મહારાજની સીધી દેખરેખ નીચે વડતાલમાં જ થયો હતો. ધ.ધુ. આચાર્યશ્રી વિહરીલાલજી મહારાજનો વિશ વરસનો કાર્યકાળ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનો સુવર્ણયુગ કહી શકાય. આચાર્ય પદે આવીને પ્રથમ તેમણે વડતાલ, ગઢપુર અને જુનાગઢના મંદિરોની સંસ્કૃત પાઠશાળાઓને સક્રિયપણે કાર્યરત કરી. તેમાં વિદ્વાન અધ્યાપકોની વ્યવસ્થા કરીને સંતો અને બ્રહ્મચારીઓને વધુ ને વધુ ઉન્નત ધર્મજ્ઞાન મેળવવા માટે પ્રોત્સાહિત કર્યા. એ સિવાય સારા ગુણીયલ સંતો તથા ગૃહસ્થ વિદ્વાનોને પોતાની સાથે રાખી સત્સંગ સાહિત્યનું સર્જન કરાવ્યું. જેમકે કવિશ્વર દલપતરામ પાસે તેમણે ઘણા શાસ્રોની રચના કરાવી હતી. પોતે પણ સંસ્કૃતના પ્રકાંડ પંડિત હોવાથી સંપ્રદાય શુદ્ધિ, દીક્ષાવિધિ પદ્ધતિ અને ઉન્મતગંગા માહાત્મ્ય જેવા સસ્કૃત ગ્રંથોનું લેખન પ્રકાશન કર્યું તથા ગુજરાતી પદ્યમાં શ્રી હરિલીલામૃત તથા આચાર્યોદય નામે બે ઐતિહાસિક દ્રષ્ટિએ મહામૂલ્યવાન દસ્તાવેજી ગ્રંથોની રચના કરી. શ્રી વિહારીલાલજી મહારાજ સત્સંગના પ્રત્યેક સમૈયામાં સ્વંય હાજર રહેતા. વ્યક્તિને પારખવાની તેમની શક્તિ અદ્‍ભુત હતી. તેમણે શ્રી સત્સંગિજીવન આદિ સદ્‍ગ્રંથોના અનેક પારાયણ પ્રસંગો ઉજવ્યા હતા. એટલું જ નહીં અનેક નવા મંદિરો કરાવીને તેમાં પ્રતિષ્ઠોત્સવ કરાવ્યા. તેઓ સત્સંગની જાહેર સભામાં એકાંતિક ધર્મ અને શ્રીહરિના મહિમાપૂર્ણ લીલા ચરિત્રો અંગે મનનીય પ્રવચનો આપતા હતા. તેમના સમયમાં સત્સંગરૂપી વાટિકા પૂરબહારમાં ખીલી હતી. મહારાજશ્રીએ સંપ્રદાયમાં જ્યાં જ્યાં પ્રસાદીની ચીજવસ્તુઓ ફેલાયેલી હતી તેણે માહાત્મ્ય સહિત એકત્ર કરી વડતાલમાં હરિમંડપની બાજુમાં અક્ષરભુવન નામે સ્મૃતિ મંદિર બનાવી તેમાં સત્સંગીઓને માટે દર્શનાથે મૂકી. શ્રીજીમહારાજ વડતાલમાં જેમાં વારંવાર નાહ્યા હતા તે ગોમતીજીનો ઘાટ બંધાવી તેને અત્યંત મનોરમ્ય તીર્થસ્થાન તરીકે પ્રસ્થાપિત કર્યું. આચાર્યશ્રી વિહરીલાલજી મહારાજ દ્વારા થયેલા મહત્વપૂર્ણ કાર્યો પૈકીનું સૌથી ઉલ્લેખનીય કાર્ય છે તેમણે ગઢપુરમાં શ્રીજીમહારાજના ઓર્ધ્વદૈહિક સંસ્કારના સ્થાનભૂત પવિત્ર લક્ષ્મીવાડીમાં ભગવાનના અંતર્ધાન મહોત્સવની સ્મૃતિરૂપે રમણીય મંદિર બંધાવી તેમાં શ્રી હરિકૃષ્ણમહારાજ, શ્રી ઈચ્છારામભાઈ તથા શ્રી રઘુવીરજી મહારાજની મૂર્તિઓ પધરાવી હતી. મહારાજશ્રી એક સમર્થ કવિ હતા. તેમણે ભિન્ન ભિન્ન રગોમાં ગાઈ શકાય તેવા ભાવવાહી પદોની રચના કરી. “શ્રી કીર્તન કોસ્તુભમાળા” રૂપે પ્રકાશિત કર્યા છે. તેઓશ્રીએ શ્રીજીમહારાજની લીલાઓને હૃદયની કમનીય ભાવોર્મિઓં દ્વારા કાવ્યરૂપે કથિત કરી છે. શ્રીજીમહારાજે પચાંલામા સાંબલીને તીરે ચાંદની રાતે જે રાસોત્સવ કર્યો હતો તેનું ભાવપૂર્ણ નિરૂપણ મહારાજશ્રીએ “જુઓ જુઓંને સહેલીઓં આજ રસિયો રાસ રમે...” એ કીર્તનમાં કર્યું છે. શ્રી વિહરીલાલજી મહારાજે 'વિશ્વવિહારી' અને 'ભગવતસુત' એ બે ઉપનામથી કીર્તનો રચ્યા છે. એમનું કીર્તન શ્રીજીમહારાજ માગું શરણ તમારું સંપ્રદાયના બંને દેશોમાં અત્યંત લોકપ્રિય છે. મહારાજશ્રીને સંતાનમાં એક માત્ર દીકરી જડાવ કુંવરબા જ હતા. તેમને પરણાવીને સાસરે વળાવ્યા હતા. પોતાને કોઈ પુત્ર ન હોવાથી શ્રીજી મહારાજના મોટાભાઈ રામપ્રતાપભાઈના વંશજ નારાયણદત્ત પાંડેના પુત્ર શ્રી લક્ષ્મીપ્રસાદજી મહારાજને પોતાના દત્તકપુત્ર તરીકે પોતાના ઉત્તરાધિકારી બનાવ્યા હતા. સં. ૧૯૫૫ના ભાદરવા સુદ અષ્ટમીના દિવસે પંચભોતિક દેહનો ત્યાગ કરીને તેઓ અક્ષરધામમાં પધાર્યા.

વિવેચન

આસ્વાદ: લોકસાહિત્યમાં ઘણાં પ્રાચીન સમયથી ગરબી એ નર્તનક્ષમ કાવ્યપ્રકાર હતો અને આજે ય એ સંઘનૃત્યનો એક કાવ્ય પ્રકાર ગણાય છે. કવિ વિહરીલાલજી મહારાજ પંચાળામાં શ્રીજીમહારાજે સંતો અને સમર્પિત હરિભક્તો સાથે જે રાસ ખેલ્યો તેનું તાદ્રશ્ય વર્ણન પ્રસ્તુત ગરબીમાં કરે છે. લૌકિક રાસ-ગરબાઓ લોકજીવનને હિલોળે ચડાવે છે. તેમાં દેહના ભાવ ઉછળે છે, અવ્યક્ત વાસનાઓ ઉભરી આવે છે, રંગ રાગ વિલાસનું વિચિત્ર વાતાવરણ જામે છે. શ્રીજીમહારાજે આવા રસોનો નિષેધ કર્યો છે. જેમાં દેહનું ભાન ભૂલાઈ જાય, ત્રણ ગુણ અને ત્રણ અવસ્થાથી પર થઈ જવાય એવા ગુણાતીત રાસ શ્રીહરિ સ્વયં ઘણે સ્થળે સંતો ને હરિભક્તો સાથે રમ્યા છે. તેથી જ મહાકવિ ન્હાનાલાલ લખે છે: 'રસિકમાર્ગનું શ્રીહરિએ ખંડન નથી કર્યું પણ તેમાં વિશુદ્ધિ આણી છે.' પરમહંસોએ શ્રીહરિ સાથે ઘણાં રાસોત્સવો કરેલા તેમાં પંચાળા ગામમાં ભક્તવર્ય ઝીણાભાઈના પ્રેમાગ્રહથી કરેલો રાસોત્સવ અત્યંત પ્રસિદ્ધ છે. પંચાળા ગામ બહાર એક વિશાળ ટેકરી ઉપર શરદ પૂર્ણિમાની રાતે શ્રીજીમહારાજે સંતો સાથે મહારાસ ખેલ્યો હતો. સંતોના સાતસાત મંડળો ચક્રાકારે ગોઠવાયેલાં હતાં. મુક્તાનંદ, બ્રહ્માનંદ, ગોપાળાનંદ, પ્રેમાનંદ, નિષ્કુળાનંદ, ઈત્યાદિ સર્વે સંતો પગમાં પાયલ અને હાથમાં કરતાલો લઈને રાસમંડળમાં ઉતરી પડ્યા હતા. શ્રીહરિના પ્રિય સખા બ્રહ્માનંદ નવા નવા પદો બનાવીને ગાતા ગવડાવતા હતા અને મહારાજ બ્રહ્મમુનિ સાથે તાન તોડતા, તાળી દઈ સામસામા હાથ મિલાવીને ફેરફુદરડી ફરતાં, કરના લટકાં કરતા ઇત્યાદિક અનેક પ્રકારે ભક્તોના મનનું આકર્ષણ કરતા હતા. શ્રીહરિની આવી દિવ્ય લીલાઓ નજરે નિહાળવા માટે ઈંદ્રાદિક સ્વર્ગના દેવો તથા શિવ બ્રહ્માદિક આંતરિક્ષમાં દોડી આવ્યા હતા. હવે કવિ શ્રીજીમહારાજના રસાત્મક સ્વરૂપનું રસમય નિરૂપણ કરતા ગાય છે: શ્યામ વર્ણ ને નીજ શરીરે, સોનેરી શણગાર રે, ગગન વિષે જેમ વિજળી ઝબકે, શોભે એમ અપાર. શ્રીજીમહારાજની સાંવરી સૂરત હતી. કવિ કહે છે 'શ્રીહરિએ શ્યામ શરીર ઉપર ધારણ કરેલા સોનેરી શણગાર અંધારી રાતે આકાશમાં અચાનક ચમકતી વિજળીની જેમ શોભે છે! રસરાજ શૃગારનું નિરૂપણ રસેશ એવા પરમાત્મા પ્રત્યે કરતા કવિ મહારાજની પાઘમાં શોભતા છોગાંની શોભા ઉપર વારી જાય છે. શ્રીહરિ કમર બરાબર કસીને બાંધીને રાસમાં ઉલટ સુલટ નાચે છે. કવિને અહીં મહારાજની એકાએક લાક્ષણીકતાઓનું અત્યંત બારીકાઈથી બયાન કર્યું છે. ઉચા સ્વરથી તાન ઉપડે, જન સંઘ જીવનપ્રાણ રે, સારો સ્વર કોઈ સુધી સખાનો, વ્હાલો કરે વખાણ. મહારાજને સંગીત અતિ પ્રિય હતું. જયારે કોઈ ગાતું ત્યારે શ્રીહરિ એની સાથે ઊંચા સ્વરે તાન ઉપાડીને ગાતા અને કોઈ સંત કે ગવૈયા બહુ સારી રીતે ગાતા ત્યારે મહારાજ હંમેશા તેના વખાણ કરી તેને મોજ આપતા. રાસનો મસ્ત માહોલ જામ્યો હતો. દુકડ, સિતાર અને ઝાંઝ ભેરી જેવા વિવિધ વાદ્યોની સુરમ્ય સૂરાવલીઓ વાતાવરણમાં અનોખા રંગની જમાવટ કરી રહી હતી. કવિ હવે ભાવાવેશમાં આવીને કહે છે આ પચાંળાની ધરતી અને દરબાર ઝીણાભાઈ ધન્ય છે! સૌથી અધિક ધન્યવાદ તો ધર્મકુંવરને છે જેમણે આવો સુખદાયી રાસ રચ્યો. જેણે જેણે પણ પચાંળામાં આ રાસ નીરખ્યો એ સર્વે જનો પણ મહાધન્યભાગી જ ગણાય. રાસનું તાત્વિક રહસ્ય સમજવા જેવું છે. નૃત્ય એકલા કરી શકાય પરતું રાસ એકલા રમી શકાતો નથી. નૃત્યમાં આપણી ઊર્જા ઉર્ધ્વગામી બની બ્રહ્મરંધ્ર તરફ ગતિ કરે છે, જયારે રાસમાં રમનારા સર્વેની ઊર્જા ઉર્ધ્વગામી પણ બને છે તેનું પરસ્પર આદાનપ્રદાન પણ થાય છે. ભગવાન સાથે ભક્તો જયારે રાસ રમે છે, ત્યારે સર્વે ભક્તોની ઊર્જા ભગવાનના તાલ સાથે તાલ મિલાવીને ઉર્ધ્વગામી બની પરમાત્માના સાધર્મ્યને પામે છે. કવિએ પ્રસ્તુત ગરબીના નૃત્યાનુસારી વર્ણો, પ્રાસાનુપ્રાસ, ઝડઝમક આદિ શબ્દાલંકારો, લય, ટેકપંક્તિની વિભિન્ન યોજના, હાં હાં રે જેવા તાલપ્રેરક ને ગીતપોષક શબ્દાવર્તનો દ્વારા ભગવદ્‍ ભાવનું તીવ્ર સ્પંદન પ્રગટાવ્યું છે.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
સારંગ
અજાણ (પ્રકાશક )

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


કીર્તનધારા
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
પ્રફુલ દવે

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી

રસિયો રાસ રમે
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
જયદીપ સ્વાદિયા

અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી

નોન સ્ટોપ રાસ નોન સ્ટોપ-૧
Studio
Audio
0
0