સાચા સંતને ઉપમા શું આપીએરે ૩/૪

સાચા સંતને ઉપમા શું આપીએરે,

ત્રણ ભુવનમાં નથી તેને તુલ્યરે.

અનુપ એવા સંત છેરે.

કામધેનું કલ્પવૃક્ષ કેમ કહુંરે,

જેથી ભાગે નહિ ભ્રાંતિને ભૂલ્યરે. અ,

અર્ક ઈંદુને અમૃતની ઉપમારે,

સિંધુ સમાન તે સંત ન કહેવાયરે. અ.

એથી અલપ પ્રાપ્તિ નિશ્ચે પામીયેરે,

વળી જોતા જોતા જુઠી થઇ જાયરે, અ,

ચિંતામણી કે પારસમણી પામતાંરે,

સર્વે સિદ્ધિ એની આગે દીસે ન્યુનરે. અ,

જપ તપ નીરથ જોગ યજ્ઞનુંરે,

જેની જોડયે નવ જૂતે કોઇ પુન્યરે, અ,

ચૌદ લોકમાંહિ ચીતે જોયું ચિંતવીરે,

સર્વ સંપત્તિનું શોધી જોયું સુખરે, અ,

કોઇ પુણ્યે પામીને પાછા પડીયેરે,

અંતે રહે છે જો દુઃખનું દુઃખ રે અ,

કોઇ આપે છે રાજસાજ સંપત્તિરે,

કોઇ વિદ્યા જશ આપેછે વડાઇરે. અ.

કોઇ આપે છે જો સુત પશુ આપનેરે,

કોઇ બળકળ આપેછે કાંઇરે. અ,

એતો અલપ સુખ જો આવે જાયછેરે,

સંત આપેછે અખંડ મહા સુખરે. અ,

ધન્ય ધન્ય સંતનો મહિમા શું કહુંરે,

નથી કેવાતું નિષ્કુળાનંદે મુખરે, અ.

મૂળ પદ

સંત લક્ષણ કહે હરિ હેતસુંરે, સુણો ઉદ્ધવ એક મન ચિતરે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ઉત્પત્તિ

ઉત્પત્તિઃ- એક સમયને વિષે શ્રીહરિ સભા કરી બિરાજ્યા હતા. ત્યારે દેશ ફરવા ગયેલ મંડળ દેશ ફરી પાછું આવ્યું. શ્રીહરિએ તેમન��� બધી હકીકત પૂછી. મોટેરા સંતે કહ્યું કે, “વૈરાગીઓનું વેર વધતું જાય છે. આપે પ્રવર્તાવેલ સંતની રીત સામે એમનું અસંતપણું ઉઘાડું થાય છે. એટલે આપણા સંતો ઉપર એ કાળો કેર વર્તાવે છે. અસહ્ય માર પડે છે. એનું દુઃખ નથી પ્રભુ! પરંતુ આપના વચનમાં ટુક-ટુક વર્તનારા આ સાચા સાધુને ઓળખવાની દ્રષ્ટિ જગતના વૈરાગીઓની નથી, એનો રંજ રહ્યા કરે છે. ચોમેર ત્રાસ વરસાવી રહેલા વૈરાગીઓની રાવ રાજાને કરવા જઈએ છીએ, તો તેઓ કહે છે કે, ગાયો-ગાયો ઝઘડે એમાં અમો શો ન્યાય આપીએ?” આમ, વિગતથી વાત કરતાં કપિલેશ્વરાનંદસ્વામીએ કહ્યું. આ સાંભળી શ્રીહરિએ મુક્તમુનિને કહ્યું કે. “સ્વામી! કીડી જેવા જીવને પણ દુભવે નહીં એવા દયાળુ દિલના સંતોને શી ઉપમા આપવી? જેના દર્શને દુષ્ક્રિત નાશે, સ્પર્શેનાશે પાપ, એવા શીલ, ક્ષમા ને સંતોષાદિક ગુણે યુક્ત આ સાચા સંતોને જગતના જીવો કઈ રીતે ઓળખી શકે?” આમ તે સભામાં શ્રીહરિએ સાચા સંતોનો મહિમા ઘણો કહ્યો. તે સાંભળી નિષ્કુળાનંદસ્વામીએ આ કીર્તન બનાવ્યું કે, ‘સંત લક્ષણ કહે હરિ હેતશું રે.’ એ કીર્તનના ત્રીજા પદમાં સાચા સંતને ઉપમા શી આપવી?” એવા વિકલ્પ કરતાં થકા સરસ પ્રશ્નોતરી પદ બનાવ્યું છે. આ રહ્યું સાચા સંતની શક્તિને આરાધનારું એ જ પદ..

વિવેચન

ભાવાર્થઃ- ત્રણ ભુવનમાંથી એવી એક પણ વસ્તુ નથી કે જેની ઉપમા સંતને આપીએ? કામધેનુ અને કલ્પવૃક્ષની સાથે પણ સરખાવાય, કારણ કે એથી આપણા અંતરના દોષ અને સંશયગ્રંથિ ટળતી નથી. જ્યારે સંતથી અખંડ સુખ મળે અને પ્રગટ સ્વરૂપમાં રહેલી ભ્રમણા ભાંગે છે. II૧II સૂર્ય, ચંદ્ર, અમૃત અને સમુદ્રની સમાન સંતને ન ગણાય. એ ત્રણથી જે પ્રાપ્તિ થાય છે. તે અલ્પ છે. અને અંતે નાશ થઈ જાય છે. વળી, ચિંતામણિ, પારસમણિ કે રિદ્ધિ-સિદ્ધિ સંતની આગળ શૂન્ય છે, કારણ કે સંત જીવમાંથી શિવ બનાવે છે. અર્થાત્ પોતાથી અધિક કરી પરમાત્માના કૃપાપાત્ર બનાવે છે. II૨ થી ૩II જપ, તપ, તીર્થ, જોગ, યજ્ઞનું ફળ સંતનાં દર્શનની સમાન ન આવે. ચૌદ લોકની એક-એક બાબત વિચારી લીધી છે. કોઈ પણ પુણ્ય કરીને અક્ષરથી ઓરા ધામને પામે તો પણ શું? અંતે તો ત્યાંથી પાછું પડવાનું જ છે. વળી, પાછું દુ;ખનું દુઃખ જ રહે. II૪II કોઈ રાજ આપે કોઈ સાજ આપે કે સંપત્તિ આપે. વળી, કોઈ વિદ્યા, આબરૂ કે અધિકાર આપે. અરે! દીકરા આદિક કૌટુંબિક સુખ કે શક્તિ અગર બુદ્ધિ આપે તોય શું? આ બધાં સુખ તો માયિક અને નાશવંત છે. વાદળાની છાયા જેવાં છે. ધૂવાડાની ગાંસડી કદી બાંધી શકાતી નથી. તેમ પાણીના પરપોટાની જેમ આ કડીમાં કહ્યાં તેવાં સુખ પલવારમાં નાશ થઈ જાય એવા છે. II૫II માયિક સુખ તો જાય ને આવે, પરંતુ પ્રભુના સાચા સંતે આપેલ અખંડ અવિનાશી મહાસુખ કાળ કર્મે કરીને પણ કદી નાશ થતું નથી. સ્વામી કહે છે કે, “કીડી અને કુંજરને જીવ અને શિવનો સંયોગ કરાવી આપનાર સંતમાં શ્રેષ્ઠ સંતનો મહિમા મારા મુખથી કહી શકાતો નથી. આમ, અતિ સુંદર રીતે સંતનાં લક્ષણો આ કીર્તનમાં નોંધાયાં છે II૬II રહસ્યઃ- કવિએ પદનો ઉપાડ સુંદર રીતે કર્યો છે. સંત તો અનુપમ જ છે. સાચા સંતની પ્રતિભા જ અનન્ય હોય છે. એટલે જ સૂર્ય, ચંદ્ર, અમૃત, સમુદ્ર, કામદુધા, કલ્પતરુ આદિકની ઉપમા સંતને સંભવે નહીં. એનાથી મળતું સુખ નાશવંત છે. અને સંતથી મળતું સુખ અવિનાશી છે. કાવ્ય સરળ અને સુગેય છે. કવિની સીધી–સાદી પણ વાસ્તવિક વાણીનો આસ્વાદ કાવ્યમાં વરસે છે. કાવ્યનો ઢાળ જાણીતો ધોળ છે. તાલ હીંચ છે. લય મધ્યલય છે.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૩
Studio
Audio
1
0