પ્રભાતે ફૂલડીયાં ફૂલે, સાંજે તે કરમાશેજી;૨/૯

 પ્રભાતે ફૂલડિયાં ફૂલે, સાંજે તે કરમાશેજી;
	નિત્ય બાગમાં નવીન કળીઓ, ખીલી ને ખરી જાશેજી...૧
એ પ્રમાણે જગત જાય છે, જળની પેઠે વહેતુંજી;
	નાનાં મોટાં નિત્ય મરે છે, અમર નથી કોઈ રહેતુંજી...૨
કુંભકરણ ને રાવણ સરખા, કાયા મૂકી ચાલ્યાજી;
	કળિયા છળિયા બળિયા ચાલ્યા, હાથ ધસીને ઠાલાજી...૩
સુરાસુર ને ઇન્દ્ર ચંદ્ર, અવનિ તે પણ જાશેજી;
	દાનવ ને માનવ મરવાના, કહ્યું છે નારણદાસેજી...૪ 
 

મૂળ પદ

જનમ્યા ત્યાંથી જરૂર જાણો, મરવાનું છે માથેજી;

મળતા રાગ

દાટયો રે’ને ચોર દૈવના

રચયિતા

નારાયણદાસ

વિવેચન

ભગવાન શ્રી સ્વામિનારાયણના સમયમાં વડોદરા પાસેના છાણી ગામે વણકર તેજા ભગત હતા. સદ્‍ગુરુ ગોપાળાનંદ સ્વામીના સમાગમથી તેજા ભગત ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થયેલા. તેજા ભગતના જોગથી હરિજન કવિશ્રી નારણદાસને ભગવાન સ્વામિનારાયણમાં અનન્ય આસ્થા બંધાયેલી. કવિશ્રી નારણદાસનો જન્મ વિ.સં.૧૯૦૫માં થયો હતો. તેમનો અક્ષરવાસ વિ. સં. ૧૯૯૪માં થયેલો. નેવું વર્ષના જીવનકાળમાં આ મહાન ભક્ત અનેક નંદસંતોના યોગમાં આવેલા. તેજા ભગત તેમજ નારણદાસને લીધે છાણી ગામના મોટા ભાગના હરિજનો ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થયેલા. ઇતિહાસ એ વાતની સાક્ષી પૂરે છે કે, વરતાલમાં ભગવાન સ્વામિનારાયણે જ્યારે ગોમતી સરોવર ગળાવ્યું ત્યારે આ હરિજન ભાઈ-બહેનોએ એમાં હોંશે હોંશે કારસેવા કરી હતી. ભગવાન સ્વામિનારાયણના સંતોના સમાગમથી આ હરિજન બંધુઓ બ્રાહ્મણોને પણ શરમ આવે એવા ઊજળા આચારધર્મને પાળતા થયેલા. જોકે ભગવાન સ્વામિનારાયણના સ્વધામગમન બાદ એમની આ ઉદાર ગંગાધારાનાં નીર પાતળાં થયેલાં જોવા મળે છે. વર્ષોજૂની સમાજવ્યવસ્થાએ એમાં પ્રભાવી ભાગ ભજવ્યો હોય તે સહજ છે. શ્રીહરિ અને નંદસંતોના હૃદયની વિશાળતા અને ઉદારતાની ગંગાધારા પાછળથી પણ જો એમ ને એમ અવિરત વહી હોય તો સ્વામિનારાયણીય સત્સંગનું રૂપ આજે કંઈક અનોખું જ હોત. ખેર! યોગાનુંયોગ આ વર્ષે ભગવાન સ્વામિનારાયણને ૨૨૫ વર્ષ થઈ રહ્યાં છે. સ.ગુ. નિષ્કુળાનંદ સ્વામીએ રચેલ ‘ભક્તચિંતામણી’ ગ્રંથને ૧૭૫ વર્ષ થઈ રહ્યાં છે. ત્યારે આ ગ્રંથ છાણી ગામના કવિરાજ શ્રી નારણદાદાસને અર્પણ કરતાં મારા હૃદયમાં અપાર હર્ષ અનુભવું છું. આ સાથે નારણદાસનાં થોડાં પદો આપેલાં છે જે ખરેખર માણવા જેવાં છે. નારણદાસે રચેલાં કીર્તનોનો સંગ્રહ પણ રાજકોટ ગુરુકુળ તરફથી પ્રકાશિત થયો છે. નારણદાસની રચનાઓ સાદી સરળ ભાષામાં છે પણ શૈલી ભારે ચોટદાર છે. લય પ્રવાહી છે કે જે ગાનાર અને ઝીલનારને ભારે ઉત્સાહ પ્રેરે છે. જીવનમરણ એક જ સિક્કાની બે બાજુઓ છે. મનુષ્યદેહથી કરેલાં કર્મના બદલા જીવને ભોગવવા જ પડે છે. કાળ કોઈને છોડતો નથી. માટીનો ઘડો ઠોકર લાગતાં ફૂટી જાય એમ ક્ષણભંગુર દેહ છુટી જાય છે. દેવદુર્લભ માનવદેહની સફળતા ભક્તિરૂપી ભાથું બાંધી લેવામાં છે. જીવ ખાલી હાથે આવ્યો છે અને ખાલી હાથે જાય છે. રાજા હોય કે રંક સર્વ એક જ રીતે આવે છે અને જાય છે. દેહ ભલે નાશવંત હોય પણ એનાથી અવિનાશી ફળ પ્રાપ્ત થઈ શકે છે. પ્રગટ શ્રીહરિની ભક્તિ જીવનને ધન્ય બનાવે છે. આ બધી વાતોને નીચેનાં પદોમાં કવિશ્રી નારણદાસે રસાળ શૈલીથી રજૂ કરેલ છે. આ પદોનો ઢાળ સોરઠી પરજ છે. લય પ્રવાહી છે. લાવણીને ગાવામાં-સાંભળવામાં જેવો આનંદ આવે એવો જ આનંદ સોરઠી પરજના ઢાળે આ પદોને ગાવા-સાંભળવામાં આવે છે.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પૂર્ણસ્વરૂપ સ્વામી - સરધાર

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503

પરંપરાગત (સ્વરકાર)
ઉપદેશવાણી
Studio
Audio
0
0