અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે ૧/૪

અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે,
	જીવનમુક્ત જોગિયા અંતર અરોગી રે		...અનુ૦ ૧
જે શીખે જે સાંભળે ત્રિપુટીને તાને રે,
	મનનું કૃત્ય તે મન લગી અસત્ય માને રે		...અનુ૦ ૨
જહાં લગી જગ વિસ્તર્યો મૃગતૃષ્ણા પાણી રે,
	તેમાં મોહ ન પામે મહામુનિ સ્વપ્નું પ્રમાણી રે	...અનુ૦ ૩
જે વડે આ જગત છે તેને કોઈ ન જાણે રે,
	મુક્તાનંદ કહે ગુરુમુખી તે સુખડાં માણે રે		...અનુ૦ ૪
 

મૂળ પદ

અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે

મળતા રાગ

કાફી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

વિવેચન

મુક્તાનંદ સ્વામીનો જન્મ વિ. સં. ૧૮૧૪ પોષ સુદ સાતમના રોજ અમરેલી પાસેના અમરાપર ગામે થયો હતો. એમનું બાળપણનું નામ ‘મુકુંદદાસ’ હતું. સૌરાષ્ટ્રના મહાન સંત મૂળદાસે બીજાનું આળ પોતાના ઉપર ઓઢી આત્મહત્યાથી બચાવેલી સાધ્વી બાઈની દીકરી રાધાબાઈ એમનાં માતા હતાં અને આનંદરામ એમના પિતા હતા. મહાત્મા મૂળદાસે આ નાનકડા બાળકના હૃદયમાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિના સંસ્કારો રેડ્યા હતા. મુકુંદનો કંઠ કામણગારો હતો. અમરાપરને ચોરે એમના કંઠથી ગવાતી રામાયણનું પાન કરવા લોકોની ભારે ભીડ જામતી. મહાત્મા મૂળદાસના સ્વધામગમન બાદ મુકુંદનું મન સંસારમાં ક્યાંય ચોંટતું ન હતું. સદ્‍ગુરુની શોધમાં એમણે ઘણી રજળપાટ કરી હતી અને આખરે ઉધ્ધવાવતાર રામાનંદ સ્વામીના ચરણમાં એનું દિલ ઠર્યું હતું અને ‘મુકુંદ’માંથી ‘મુક્તાનંદ’ થયા હતા. વિ. સં. ૧૮૫૬ શ્રાવણ વદિ છઠના દિવસે લોજ ખાતે એ સમયે ‘નીલકંઠવર્ણી’ તરીકે પ્રસિદ્ધ ભગવાન સ્વામિનારાયણનો એમને પ્રથમ જોગ થયો હતો. રામાનંદ સ્વામીના શિષ્યોમાં મુક્તાનંદ સ્વામી સર્વથી મોટા અને સદ્‍ગુણનો ભંડાર હતા. છતાં રામાનંદ સ્વામીએ વીસ વર્ષના યુવાન નીલકંઠને સર્વના ગુરુપદે સ્થાપી એની આજ્ઞામાં રહેવા કહ્યું. ત્યારે ગુરુવચને પોતે જીવનભર ‘નીલકંઠ’ના સેવક થઈને રહ્યા હતા. જ્યારે સામે ભગવાન સ્વામિનારાયણ પણ સદ્‍ગુરુ રામાનંદ સ્વામીના જેવી જ એમની આમન્યા જાળવતા હતા. મુક્તાનંદ સ્વામી બહુમુખી પ્રતિભા ધરાવતા સંત હતા. તેઓ સારા વૈદ્ય અને નાડીપરીક્ષક હતા. સંસ્કૃત ભાષાના પ્રકાંડ પંડિત હતા. વડોદરાના વિદ્ધાનો સાથે શાસ્ત્રાર્થમાં વિજય મેળવી એમણે સ્વામિનારાયણ સંપ્રદાયની શાન વધારી હતી. એમણે બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્યની રચના કરેલી છે. નૃત્યકળા તેમજ સંગીતમાં પણ તેઓ એટલા જ નિપુણ હતા. તેઓ જન્મજાત કવિ હતા. ગુજરાતી તેમજ વ્રજભાષામાં એમણે સેંકડો પદો રચ્યાં છે અને અનેક પદ્યગ્રંથોની રચના કરી છે. એમણે રચેલાં ‘રુક્મિણીવિવાહ’નાં પદો તથા ‘સતીગીતા’ ભારે પ્રસિદ્ધ છે. એમની ભક્તિધારા ‘પ્રગટ ગુરુહરિ’ સહજાનંદ સ્વામીમાં સતત વિરામ પામતી રહે છે. ગુજરાતી ભાષાના આદિગદ્ય-ગ્રંથ ગણાતા ‘ભગવાન સ્વામિનારાયણનાં વચનામૃતો’ના સંકલનમાં એમણે મહત્વનો ભાગ ભજવ્યો છે. પરમ વાત્સલ્યમૂર્તિ સંત હોવાથી એમને ‘સત્સંગની મા’નું બિરુદ મળેલું છે. સર્વથી શ્રેષ્ઠ વાત તો એ છે કે એ નખશિખ સાત્વિક અને સાધુતાની મૂર્તિ હતા. સદાચારી જીવન અને પવિત્ર નિર્મળ અંતરમાંથી ઊઠતા એમના શબ્દો સાંભળનારના હૃદયમાં આરપાર ઊતરી જતા. ભગવાન સ્વામિનારાયણે એમને દેહપર્યંત ‘સાહિત્યરચના’ કરતા રહેવાની આજ્ઞા કરી હતી જે એમણે અક્ષરશ: પાળી હતી. ભગવાન સ્વામિનારાયણના વિરહને નહીં સહી શકનાર આ સંતે વિ. સં. ૧૮૮૬ના અષાઢ વદ એકાદશીને પવિત્ર દિવસે પદ્માસન વાળી યોગમુદ્રામાં બેસી સ્વતંત્ર થકા જીવનલીલા સંકેલી લીધી હતી. -:આસ્વાદ:- મુક્તાનંદ સ્વામીનાં આ ચારેય પદો ચાર વેદના સાર સમાન છે. આ ચારેય પદોમાં ગીતા ઉપનિષદનું અમૃત ભર્યું છે. આ ચારેય પદોમાં ભગવાન સ્વામિનારાયણનાં વચનામૃતનું રહસ્ય ભર્યું છે. આ ચારેય પદો એટલે ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય સહિત ભક્તિરૂપી ભગવત ધર્મનો સાર. આ પદો અનુભવી સંતે રચેલાં છે. આ પદોમાં અનુભવી મહાત્માઓનો મહિમા ગવાયો છે. આ ચારેય પદોમાં જો કોઇ મહત્વપૂર્ણ અને બધા પદોના પ્રાણરૂપ શબ્દ હોય તો તે છે ‘અનુભવી’ શબ્દ. અનુભવી આનંદમાં બ્રહ્મારસના ભોગી રે, જીવન મુક્ત જોગિયા અંતર અરોગી રે... પ્રસિદ્ધ કહેવત છે – જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. બ્રહ્મ પરબ્રહ્મની વાતો કરનારા ઘણાં મળે પણ અનુભવી ઓછા મળે. શાસ્ત્રોના શબ્દોને આધારે શુષ્ક વાદ વિવાદ કરનારા ઘણાં મળે પણ શાસ્ત્રોનો રસ જેની રગેરગમાં રમતો હોય તેવા બ્રહ્માનંદી મહાત્માઓ ઓછા મળે. રસોઈના ગ્રન્થો વાંચી જવાથી રસોઇ આવડી ન જાય. રસોઇ શીખવા માટે પાકશાળામાં જવું પડે. વિજ્ઞાનની થીયરીઓ સિદ્ધ કરવા માટે પ્રયોગશાળામાં જવું પડે. એ જ રીતે શાસ્ત્રોના શબ્દોને સિદ્ધ કરવા માટે અનુભવની પ્રયોગશાળામાં અભ્યાસ કરવો પડે. કોરાં ભાષણો, કથાઓ, પ્રવચનો કરનારાઓ કરતાં અનુભવીઓની વાતો નોખી હોય છે. એક જૂનું દ્રષ્ટાંત છે. એક ગામમાં દાનભા બાપુ રહેતા. દાનભા બાપુને એક સેવક હતો. જાતે વાળંદ હતો. નામ લાલિયો હતું. દાનભા બાપુને ઘોડાનો ભારે શોખ. જાતજાતના ઘોડા રાખે અને રોજ ખેલવે. બાપુ ઘોડા ખેલવે અને લાલિયો ઊભો ઊભો જોયા કરે. લાલયાને મનમાં થાય કે બાપુની જેમ મારેય ઘોડા ખેલવવા છે. લાલિયાને બાપુના દીવાનખાનામાંથી ઘોડેસવારીની કળાનું પુસ્તક હાથમાં આવી ગયું. લાલિયાએ પાને પાનું વાંચી નાખ્યું. પુસ્તકમાં ઘોડે ચઢવાથી માંડીને ઘોડા ખેલવવાની રીતે હતી. કેમ ઘોડે ચઢવું? કેમ પેગડામાં પગ નાખવો? કેમ લગામ પકડવી? ઘોડાને કેમ દોડાવવો? વગેરે જાતજાતની કળા લાલિયાએ વાંચી લીધી પછી બાપુને કહે, ‘બાપુ! આજ તો મારે ઘોડું ખેલવવું છે.’ બાપુ કહે, ‘રહેવા દે. તને નો આવડે.’ લાલિયો કહે, ‘અરે બાપુ, શું નો આવડે? હું ગમે તેવો તોય તમારો સેવક. હું ઘોડેસ્વારીનું આખું પુસ્તક ભણી ગયો છું.’ બાપુએ પણ મજાક માણવા લાલિયાને તેજી ધોડાની લગામ પકડાવી દીધી. લાલિયાના એક હાથમાં લગામ અને બીજા હાથમાં પુસ્તક. પુસ્તકમાં લ્ખ્યા મુજબ લાલિયાએ એક પેગડામાં એક પગ નાખ્યો બીજોપગ ઊચો કરી ઘોડે બેસવા ગયો ત્યાં અસવાર વર્તી ગયેલ ઘોડો ભડક્યો અને ભાગ્યો. હવે મરે તો લાલીયો મરે. બાપુએ ઘોડો કાબૂમાં લીધો. લાલિયો માંડ માંડ બચ્યો. પુસ્તકનાં પાનાં મોરનાં પીંછાની જેમ વેરાઈ ગયાં. શાસ્ત્રો ભણે પણ અનુભવ ન હોય તો લાલિયા વાળંદ જેવી દશા થાય! પુસ્તક ભણ્યે લાલિયો વાળંદ થવાય પણ દાનભા ન થવાય. દાનભા તો અસવારીના અનુભવથી થવાય. મુક્તાનંદ સ્વામી અનુભવી સંત છે. એમને પરબ્રહ્મનો પ્રત્યક્ષ અનુભવ છે. એ સંત પરબ્રહ્મના આનંદરસના ભોક્તા છે અને આ પદો એમણે માણેલા રસની પ્રસાદી છે. ભારતમાં દર્શનનું મહત્વ છે. પશ્ચિમમાં ફિલોસોફીની ચર્ચાઓ છે. ફિલોસોફી અને દર્શન વચ્ચે આકાશપાતાળનું અંતર છે. જેના મૂળ ઇન્દ્રિયો-અંત:કરણની ભૂમિકામાં હોય તે ‘ફિલોસોફી’ છે. જેનાં મૂળ ‘આત્માની ભૂમિકા’માં હોય તેનું નામ દર્શન છે. વિચારકને ‘ફિલોસોફર’ કહેવાય; દર્શકને ‘દાર્શનિક’ કહેવાય. શબ્દમાં રમે તે વિચારક; સાક્ષાત્કાર કરે તે દર્શક. ન માત્ર સાક્ષાત્કાર કરે, આસ્વાદ માણે તે દર્શક છે. દર્શન એટલે અનુભવ. અનુભવ એટલે માત્ર ઇન્દ્રિયો દ્વારા થતું પ્રત્યક્ષ નહીં. અનુભવ એટલે માત્ર અંત:કરણ દ્વારા થતું પ્રત્યક્ષ નહીં. અનુભવ એટલે માત્ર શાસ્ત્રોના શબ્દો દ્વારા થતું જ્ઞાન નહીં. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં કહ્યું છે, ‘દેહ, ઇન્દ્રિયો, અંત:કરણથી પર જે આત્મા તદાશ્રિત જે અનુભવ તેને અમે જ્ઞાન કહીએ છીએ.’ આપણે આપણી ઇન્દ્રિયોથી જોઇએ છીએ; સાંભળીએ છીએ પણ આપણી ઇન્દ્રિયોના અનુભવ ક્યારેય સર્વગ્રાહી કે પૂર્ણ નથી હોતા. સાધનોની મર્યાદા અનુભવને સીમિત બનાવે છે. કેટલાકની આંખ દિવસે જોઇ શકે છે, કેટલાકને રાત્રે દેખાય છે. ચામાચીડિયાં જેવાં પ્રાણીઓને વગર આંખે દેખાય છે. કોઇ પણ પદાર્થ આપણી મનુષ્યની આંખે જેવું દેખાય છે તે કરતાં કદાચ અન્ય પ્રાણીઓની આંખે જૂદું જ દેખાતું હોય. હાથીઓ પરસ્પર જે શબ્દોથી વાતો કરે છે તે શબ્દોના તરંગો આપણા કાન પકડી શકતા નથી. આપણા શરીરની ચામડીનાં છિંદ્રો આપણને દેખાતાં નથી પણ મચ્છરોને બરાબર દેખાય છે. અનુભવી ડોક્ટરને શરમાવે એવી કુશળતાથી મચ્છરો આપણને ઇન્જેક્શન મારીને લોહી ચૂસે છે. આપણી નાસિકા જે ગંધ પારખી શકતી નથી તે ગંધ કીડીઓ બરાબર પારખે છે. પાંચમે માળે મીઠાઈ પડી હોય, ઘરનાં છોકરાંનેય ખબર ન હોય પણ જમીન પર ફરતી કીડીઓને ગમે તેમ કરીને એનો અણસાર આવી જાય છે અને પૂરા લાવલશ્કર સાથે આક્રમણ શરૂ થઈ જાય છે! આંધળી ચાગઠને ‘ટુ ડાઇમેન્શન’નો અનુભવ છે; એને ધરતી સપાટ લાગે છે. માણસને ‘થ્રી ડાઈમેન્શન’નો અનુભવ છે, એને ધરતી ગોળ લાગે છે. જ્યાં માણસને ઇન્દ્રિયોથી જ્ઞાન નથી થતું ત્યાં અંત:કરણથી, અનુમાનોથી તર્કવિતર્કોથી કામ લ્યે છે. અંત:કરણની પણ આખરે મર્યાદા છે. કારણ કે અંત:કરણનું જ્ઞાન પણ છેવટે ઇન્દ્રિયો પર જ આધારિત છે તેથી એ જ્ઞાન પણ મર્યાદિત જ રહે છે. ઇન્દ્રિયો-અંત:કરણ વગેરે જ્ઞાનવિજ્ઞાનના કોઈ સાધનો કામ ન આવે ત્યારે આત્માની આંખ કામ આવે છે. ગીતા, ઉપનિષદો વગેરે શાસ્ત્રો આત્માની આંખે અવલોકન કરી લખાયેલા ગ્રન્થો છે. ઇન્દ્રિયો કરતાં અંત:કરણના અનુભવ સૂક્ષ્મ છે. જે ભૌતિક આંખે ન જોઇ શકાય તે મનની આંખે જોઈ શકાય છે, જે મનની આંખે પણ ન જોઈ શકાય તે આત્માની આંખે જોઈ શકાય છે. આત્માની આંખે થયેલ દર્શન જ સત્ય અને પૂર્ણ હોય છે. શાસ્ત્રો દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત થાય છે તે શ્રેષ્ઠ છે. કારણ કે શાસ્ત્રો એ અનુભવી મહાપુરુષોની વાણી છે. એક વાત એ પણ સમજી લેવી જોઈએ કે શાસ્ત્રજ્ઞાન ઋષિઓનો અનુભવ છે, આપણો નથી. પારકો અનુભવ છે, પોતાનો નથી. શાસ્ત્રની અનુભૂતિ આપણી અનુભૂતિ થાય ત્યારેજ શાસ્ત્રજ્ઞાનની સફળતા છે. ભારતીય દ્રષ્ટાઓ, નથી ઇન્દ્રિયોની ભૂમિકાએ રમ્યા કે નથી મનની ભૂમિકાએ. આ મનીષીઓ મનના માલિકો છે. મનના દાસ નથી. બ્રહ્મની ભૂમિકા તેમની રમણભૂમિ છે. એમનો અનુભવ બ્રાહ્મી ભૂમિકાએથી ઊઠેલો અનુભવ છે. એમનો અનુભવ મારા-તમારા અનુભવ જેવો નથી. એમનો અનુભવ કોઈ કોરા શબ્દોમાં રમનારા વિદ્વાનોનો અનુભવ નથી. એમનો અનુભવ સત્યને સાક્ષાતકાર કરનારાઓનો અનુભવ છે. વિદ્વાન કથાકારો કથા કરે પણ જો એમના શબ્દો પોપટના શબ્દો જેવા હોય તો ત્યાં બ્રહ્મરસ ભાગ્યે જ ઝરે. જ્યાં બ્રહ્મરસ ન ઝરે તે વાણી વાંઝણી ગાય જેવી છે. મુક્તાનંદ સ્વામી અનુભવી સંત છે. એમની વાણી વાંઝણી ગાય જેવી નથી પરંતુ કામધેનુ છે. એક બીજી દ્રષ્ટિએ વિચાર કરીએ તો શાસ્ત્રો કરતાં પણ અનુભવ શ્રેષ્ઠ છે. શાસ્ત્ર બોધ બે પ્રકારનો છે: પરોક્ષ અને અપરોક્ષ. મોટે ભાગે શાસ્ત્રો પરબ્રહ્મને પરોક્ષ ભાવે આરાધે છે. જેમ નાના બાળકના મોઢામાં મોટો લાડુ ન સમાય, જેમ ગાગરમાં સાગર ન સમાય તેમ પરમાત્મા નથી ઇન્દ્રિયોની ગાગરમાં સમાતો કે નથી શાસ્ત્રોની ગાગરમાં સમાતો. શાસ્ત્રો પરોક્ષ ભાવે જે પરબ્રહ્મનું વર્ણન કરે છે, એ પરબ્રહ્મને મુક્તાનંદ સ્વામી પ્રત્યક્ષ માણી રહ્યા છે. અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે. બ્રહ્મ શબ્દનો અર્થ છે સર્વવ્યાપી આત્મા અને પરમાત્મા. સંસારીઓ વિષયાનંદી છે; શાસ્ત્રીઓ, પુરાણીઓ, પંડીતો શબ્દાનંદી છે; જ્યારે અનુભવી મહાત્માઓ બ્રહ્માનંદી છે. વિષયોનો રસ વિકૃત થાય છે પણ બ્રહ્મરસ ક્યારેય વિકૃત થતો નથી. જેમ ‘એવરગ્રીન’ વૃક્ષ બારે માસ લીલું રહે તેમ બ્રહ્મરસ અહર્નિશ અવિકારી રહે છે. બ્રહ્મરસ એવરગ્રીન છે, વિષયરસ નેવરગ્રીન છે. વાસ્તવમાં વિષયોમાં હરિયાળી છે જ નહીં, એ તો માયાવી મન એમાં લીલી લીલી ભૂતાવળ સર્જે છે. અનુભવીઓનું પ્રથમ લક્ષણ એ છે કે તેઓ નિરંતર આનંદમાં જ રહે છે. ગમે તેવી પરિસ્થિતિમાં એમના આનંદમાં ઓટ આવતી નથી. દરિયામાં ક્યારેક ભરતી અને ક્યારેક ઓટ આવે પરંતુ અનુભવીના આનંદસાગરમાં ભરતી અને ભરતી જ રહે છે, એમાં ઓટ ક્યારેય આવતી નથી. ગઢપુરમાં લીમડા નીચે બેસી પરબ્રહ્મ પરમાત્માએ બ્રહ્મરસની હેલી વરસાવી. મુક્તાનંદ સ્વામી જેવા પરમહંસોએ એ હેલીને હૈયામાં ઝીલી અને માણી. ‘બ્રહ્મરસના ભોગી રે’. અહીં ભોગી શબ્દ મહત્વનો છે. મીઠાઈની વાતો કરવી અને મીઠાઈને માણવી એ બેમાં જેમ આકાશપાતાળનું અંતર છે તેમ જ બ્રહ્મરસનું વર્ણન કરવું અને બ્રહ્મરસને માણવો એમાં અંતર છે. જીભ દ્વારા સો વરસ સુધી ગુલાબજાંબુનું રટણ કરે પણ મોઢું મીઠું ન થાય! એમ બ્રહ્મની વાતો કરવાથી બ્રહ્મરસનો સ્વાદ ન આવે. અનુભવી મહાત્માઓ વક્તા નથી, ભોક્તા છે. જે બ્રહ્મરસનો ભોગી થયો એને વિષયરસ ન ભાવે. પ્રેમાનંદ સ્વામી કહે છે, વ્હાલા એ રસના ચાખણહાર છાસ તે નવ પીવે રે લોલ; અસલ કેસર કેરીનો સ્વાદ લીધો હોય તેને ખાટા ભડદાં ન ભાવે. વિષયોની ખાટી છાસમાં આનંદ માણે એને બ્રહ્મરસનો અનુભવ જ થતો નથી. સાગરના પેટાળમાં મોતીઓ પાકે તેમ આ કીર્તનરૂપી લહેરાતા જ્ઞાનસાગરના ઉદરમાં ભક્તિનાં મોતી ભર્યાં છે. કીર્તનની આ પંક્તિમાં ભોગીની વાત છે, દ્રષ્ટાની વાત નથી. ‘અહીં તીરે ઊભા જુવે તમાશા’વાળાની વાત નથી, અહીં તો મોજથી મજ્ધારે વહેનારાઓની વાત છે. જ્ઞાનીઓ કૂટસ્થ છે, દ્રષ્ટા છે. જેમ નદીના કિનારે બેઠેલો માણસ નદીના પ્રવાહને નીરખે તેમ જ્ઞાનીઓ કાંઠે ઊભા રહી નીરખ્યા કરે છે. મુક્તાનંદ સ્વામીને આવું શુષ્ક જ્ઞાન પસંદ નથી. અહીં તો પ્રેમના પ્રવાહમાં ડૂબવાની વાત છે. અહીં અકર્તા કે અભોક્તા થનારનું કામ નથી. અહીં તો બ્રહ્મરસને આકંઠ પીવાની વાત છે. મુક્તાનંદ સ્વામી જો શુષ્ક વેદાંતી હોત તો અહીં બ્રહ્મ દ્રષ્ટાની વાત કરી હોત. પરંતુ સ્વામી ભાવ ભરતીમાં વહેનારા સંત છે માટે અહીં દ્રષ્ટાને બદલે ’ભોગી’ શબ્દ વાપર્યો છે. પ્રેમરસને જોવાનો ન હોય, પીવાનો હોય. જ્ઞાનીઓ જુવે છે, પ્રેમીઓ પીવે છે. જ્ઞાનીઓની ગત ન્યારી છે, તો સામે પ્રેમીઓની ગત એથી પણ ન્યારી છે. આ પદો માત્ર દર્શનશાસ્ત્રનો સાર નથી. આ પદો ભક્તિ સભર દર્શનશાસ્ત્રના પદો છે. અનુભવી મહાત્માઓના લક્ષણોને વર્ણવતા સ્વામી કહે છે, જીવન મુક્ત જોગીયા અંતર અરોગી રે... અનુભવીઓ માટે મર્યા પછીની મુક્તિની વાત નથી, એ તો છતે દેહે જ મુક્તિનો આનંદ માણે છે. ભગવાન સ્વામિનારાયણે છતે દેહે બ્રહ્મરૂપ થવાની વાત કરી છે. અક્ષરધામમાં જવું હોય તો અક્ષરધામને અહીંજ અનુભવવું પડશે. દેહમાં હોવા છતાં દેહાતીત વર્તે તેને જીવન્મુક્ત કહેવાય છે. ગુણમાં હોવા છતાં ગુણાતીત વર્તે તેને જીવન્મુક્ત કહેવાય. સંસારમાં રહે છતાં સંસાર સ્પર્શે નહી તેને જીવન્મુક્ત કહેવાય. જીવન્મુક્તોના જીવન પાણીમાં ખીલેલા કમળ જેવા હોય છે. કમળ પાણીમાં જ જન્મે છે. પાણીથી જ પોષાય છે છતાં પાણી તેને સ્પર્શતું નથી. કમળની નાળ પાણીમાં છે પણ કમળની દ્રષ્ટિ સૂર્ય સામે છે એ જ રીતે જીવન્મુક્તો સંસારમાં રહેવા છતાં અહર્નિશ શ્રીહરિના સંગમાં વિહરે છે. જીવન્મુક્તોને એક પળ પણ હરિવિસ્મરણ થતું નથી. માટે તે ‘જોગીયા’ છે. સર્વ ક્રિયામાં શ્રીહરિનું સ્મરણ રહે તે જોગી કહેવાય. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ સર્વ અવસ્થામાં શ્રીહરિની મૂર્તિમાં રમે તે જોગી કહેવાય. ભગવાન સ્વામિનારાયણની સેવામાં મૂળજી બ્રહ્મચારી હતા. બ્રહ્મચારીને ત્રણેય અવસ્થામાં શ્રીહરિની મૂર્તિનો જોગ હતો. ભગવાન સ્વામિનારાયણે એકવાર નિયમ કર્યો. ‘કથામાં ઝોલાં ન ખાવાં.’ કથામાં ઝોલા ખાય એને શ્રીજી મહારાજ સોપારીનો બેરખો મારતા. સભામાં અનેકને અનેકવાર આ બેરખાની પ્રસાદી મળી ચૂકી હતી. એક વાર મૂળજી બ્રહ્મચારી માંડ્યા ઝોલા ખાવા. બ્રહ્માનંદ સ્વામિએ કટાક્ષ કર્યો, ‘મહારાજ! બધાને બેરખા મારો છો પણ તમારા સેવકનો તમે પક્ષ રાખો છો!’ મહારાજ કહે, ‘અમે કેનો પક્ષ રાખ્યો?’ સ્વમી કહે ‘આ મૂળજી બ્રહ્મચારી તમારી પાસે બેઠા બેઠા ઝોલાં ખાય છે તેનો’ મહારાજ હસીને કહે, ‘મૂળજી બ્રહ્મચારી ક્યારેય સૂવે જ નહીં!’ સ્વામી કહે, ‘સુવે નહીં? જુવોને આટલી વાત થાય છે તોય જાગે છે? છાસ વગરની પાડી ગાંગરે તેમ નસકોરા બોલાવે છે!’ બ્રહ્માનંદ સ્વામીનો કટાક્ષ સાંભળી મહારાજે બ્રહ્મચારીને બેરખો માર્યો. બ્રહ્મચારી ઝબકીને જાગ્યા. જાગ્યા એવા મહારાજને ખભે ઉપાડીને ભાગ્યા. ભક્તોએ રોક્યા ‘હાં.... હાં.... બ્રહ્મચારી ક્યાં ભાગ્યા?’ બ્રહ્મચારી કહે ‘હટો હટો, ઘરમાં આગ લાગી છે, મહારાજ દાઝી જશે!’ મહારાજ હસીને કહે ‘આ બ્રહ્મચારી જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, એ ત્રણેય અવસ્થામાં અમારી મર્તિમા જ રમે છે. મૂર્તિમાં અખંડ રમે તે જોગી કહેવાય. અહીં દ્રષ્ટા થઇને કિનારે બેસે એવા જ્ઞાનીની વાત નથી. અહીં તો બ્રહ્મરસને આકંઠ ભોગવે અને પોતાની જાતને પણ ભૂલી જાય તેવા જોગીની વાત છે. ‘અંતર અરોગી’ જીવન્મુક્તો અંતરના રોગ શમી ગયા હોય છે. શરીરની પીડાઓ કરતાંય અંતરના તાપ આકરા હોય છે. આપણને જેટલી શરીરના રોગોની ચિંતા છે એટલી અંતરના રોગોની નથી. શરીરના રોગોની ચિંતા કરે સંસારી, અંતરના રોગોની ચિંતા કરે સાધુ. માનવના મનમાં કામ, લોભ, રાગ, દ્વેષ, ઈર્ષ્યા, અહંકાર વગેરે જાતજાતના રોગ ભર્યા છે. જીવન્મુક્ત જોગીના રોગ ટળી ચૂક્યા છે કારણ કે એમણે બ્રહ્મરસાયણ પીધું છે. બ્રહ્મરસાયણ પીધા પછી અંતર અરોગી ન થાય તો કાં રસાયણ ખોટું અને કાં પીવાની રીત ખોટી! બીજી રીતે વાત કરીએ તો જીવન્મુક્તો નિરોગી છે એટલે જ બ્રહ્મરસના ભોગી છે. માંદા માણસોથી ‘ભોગી’ ન બની શકાય. મગનાં ઓસામણ માંડ પચે એને ઉદરે મીઠાઈઓ કેમ જરે? રોગિષ્ઠ મનવાળા માણસો બ્રહ્મરસના ભોક્તા ન થઈ શકે. જે શીખ જે સાંભળે ત્રિપુટીને તાને રે, મનનું કૃત્ય તે મન લગી અસત્ય માને રે.... જીવ ત્રિપુટીમાં રમે છે. જોગી ત્રિકુટીમાં રમે છે. જ્ઞાતા, જ્ઞાન અને હૃદય ને ત્રિપુટી કહે છે. ઇડા, પિંગલા, સુષુમ્ણાના સંગમને ત્રિકુટી કહે છે. ઇન્દ્રિયો-અંત:કરણથી જે કંઈ જાણવામાં આવે છે તે હૃદય છે. જાણવાનું જે સાધન છે તે જ્ઞાન છે. જાણનારો જે આત્મા છે તે જ્ઞાતા છે. આપણા જ્ઞાનની પ્રક્રિયા કંઈક આવી છે. आत्मा मन्सा संयुज्यते, मनः इन्द्रिययेभ्यः इन्द्रियाणि अर्थेभ्यः I આત્મા મનથી એટલે કે અંત:કરણથી જોડાય છે. અંત:કરણ ઇન્દ્રિયોથી જોડાય છે. ઇન્દ્રિયો વિષયોથી જોડાય છે. ક્રમથી આ બધાં જ જોડાણો પૂરા થાય ત્યારે જ પદાર્થનું જ્ઞાન થાય છે. આત્માની પ્રભાનું અંત:કરણ અને ઇન્દ્રિયો સાથે જોડાવાથી જ્ઞાનમાં વૈવિધ્ય પ્રગટે છે. જીવ જે જે જુએ છે, જાણે છે, સાંભળે છે, શીખે છે તેમાં ત્રિપુટી જ કારણભૂત છે. જ્ઞાતા, જ્ઞાન અને હૃદયના સંગમ સિવાય જોવાનું, જાણવાનું, શીખવાનું, સાંભળવાનું સંભવ નથી. अहं घटं जानामि - હું ઘટને જાણું છું. અહીં ઘટ ‘જ્ઞેય’ છે. આત્મા ‘જ્ઞાતા’ છે. જ્ઞાતા-આત્મા હૃદયમાં બેઠો છે. ‘જ્ઞેય’ ઘટ બહાર દૂર પાડ્યો છે. બન્ને વચ્ચે અંતર હોવાથી જ્ઞાતા હૃદયને કેમ અનુભવી શકે? તો જેમ પુરોહિત વરકન્યાની છેડા છેડી બાંધે તેમ જ્ઞાનરૂપી પુરોહિત જ્ઞાતા અને હૃદયને જોડે છે. અંત:કરણ અને ઇન્દ્રિયોનો સહારો લઈ આત્માની જ્ઞાનાત્મિકા વૃતિ હૃદય સુધી પહોંચે છે અને હૃદયના આકાર, પ્રકાર, રૂપ, રંગ, સ્વાદ વગેરેનો બોધ જ્ઞાતા એવા આત્માને કરાવે છે. અંત:કરણ જ્ઞાનનું આરંભબિંદુ છે. વિષય જ્ઞાનનું વિરામબિંદુ છે. આત્માનો જ્ઞાતૃભાવ પરોપજીવી છે. જો જ્ઞેય ન હોય તો જ્ઞાતૃભાવ પણ રહેતો નથી. જ્ઞાતા અને હૃદય વચ્ચેની વચલી કડી જ્ઞાન છે. હવે જો જ્ઞાન જ ન હોય તો જ્ઞાતા અને જ્ઞેય પણ રહેતા નથી. પ્રકાશનો અસ્ત થતાં પદાર્થ જણાતા નથી, એમ અંત:કરણ આથમી જાય ત્યારે વિષયો ભાસતા નથી. વિષયો ભાસે નહીં ત્યારે જ્ઞાતૃભાવ પણ અસ્ત પામે છે અને વિશુદ્ધ આત્મભાવ વિલસે છે. મન વિષયો અને વિષયોના આભાસોને પેદા કરે છે. સંસારીઓ મનનાં કાર્યોને સત્ય માની મોહ પામે છે જ્યારે મહાત્માઓ મનનાં કાર્યોને અસત્ય માની છતે દેહે મુક્ત ભાવને અનુભવે છે. આ જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાનનું અસ્ત થવું એ જ ત્રિપુટીનો નાશ અને ત્રિકુટીમાં વાસ છે. આત્મા નિત્ય, શુદ્ધ અને મુક્ત છે. આત્માની નિર્વિકારભૂમિમાં વિષયવાસનાના વિકારો વસી શકતા નથી. વિષયવાસનાનું નિવાસસ્થાન અંત:કરણ છે. જીવન્મુક્ત મહાત્માઓ અંત:કરણની માયાજાળમાં ફસાતા નથી. મનની માયાનો વિસ્તાર જબરો છે. શંકરની જટામાં ગંગાજી અટવાઈ જાય તેમ મનની માયામાં ભલભલા ગુંચવાઈ જાય છે. જગતના શ્રેષ્ઠ ગણાતા તત્વચિંતકો પણ મનની માયામાં અટવાઈ ગયા છે. અશાંત મન ભારે ભૂતાવળો સર્જે છે. જો મન શાંત થાય તો ભૂતાવળ ની જગ્યાએ ભગવાન પ્રગટે છે. અસત્યને બદલે સત્ય પ્રગટે છે. અસારને બદલે સાર પ્રગટે છે. અનુભવી મહાત્માઓને મનની માયા નડતી નથી. ભ્રમણા ભરેલું મન અનુભવીઓના બ્રહ્મ-રમણમાં ખલેલ પહોંચાડી શકતું નથી. મનની ધારણાઓ, ગ્રહો, આગ્રહો, પૂર્વગ્રહો આ બધું જ આપણા ચૈતન્ય ઉપર ‘સુપર ઇમ્પોઝ’ થયેલ છે. આપણા ચૈતન્યનો સ્વભાવ આ બધાથી ન્યારો છે. अश्व इव रोमाणि विधूय I અશ્વ જેમ ખોટાં રૂંવાડાંને ખેરી નાખે તેમ અનુભવી મહાત્માઓ આ ‘સુપર ઇમ્પોઝ’ થયેલી ખોટી ધારણાઓને ખેરી નાખે છે અને વિશુદ્ધ બ્રહ્માનંદને માણે છે. માટે સ્વામી કહે છે. ‘મનનું કૃત્ય તે મન લગી અસત્ય માને રે.’ આગળ સ્વામી કહે છે – જહાં લગી જગ વિસ્તર્યો મૃગ તૃષ્ણા પાણી રે, તેમાં મોહ ન પામે મહામુનિ સપનું પ્રમાણી રે. અનુભવી મહાપુરુષોએ સંસારને સ્વપ્ન સાથે અને સંસારનાં સુખોને મૃગજળ સાથે સરખાવેલ છે. તરસ્યાં હરણાંઓ ઝાંઝવાનાં જળ પાછળ દોડે તેમ જીવન પ્રાણી માત્ર સુખની તૃષ્ણાથી દોડ્યે રાખે છે. અફાટ રણમાં ઝાંઝવાનાં જળની જેમ માયાવી સુખોનો વિસ્તાર ફેલાયેલ છે. પાતાળથી માંડીને પ્રકૃતિપુરુષના લોક સુધી માયાવી મૃગજળ ફેલાયા છે. કીટ પતંગથી માંડીને દાનવો, માનવો, દેવતાઓ, બ્રહ્માંડના અધિપતિ ઈશ્વરો પણ સુખની તૃષ્ણાથી દોડી રહ્યા છે. સાંસારિક સુખના સાચા સ્વરૂપને જેમણે સમજી લીધું છે એવા મહામુનિઓ એ મૃગજળ પાછળ નથી દોડતા કે નથી મોહ પામતા. એમને ખબર છે કે ‘મૃગજળ આભાસિક છે એ ક્યારેય મળવાનું નથી.’ એમને ખબર છે કે ‘સ્વપ્ન ક્યારેય સત્ય હોતું નથી.’ ભગવાન કપીલ કહે છે. સંસારના સ્વરૂપને જે બરાબર જાણી લે છે તેને ક્યારેય મોહ રહેતો નથી. ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતમાં આ જ વાત કરી છે: ‘કાળ, કર્મ અને માયાના સ્વરૂપને જે જાણે છે તે મુક્ત થાય છે.’ નિષ્કુળાનંદ સ્વામીએ આ જ વાત ચોટદાર દ્રષ્ટાંતથી સમજાવી છે, નર્તક નર નારી થયો પણ એ ઘર કેનું ચલાવશે? જૂના જમાનામાં ભવાયાઓ રમતા. પુરુષ જ નર અને નારીના વેશ ભજવતા. સુંદર સ્ત્રીના શણગાર સજી ભવાયો રમતો હોય, એને જોઈને કોઈ જુવાનને એની સાથે સગાઈ કરવાનું મન ન થાય કારણ કે એ જાણે છે કે ‘રમનાર નારી નથી, નર છે.’ એ જ રીતે માયાનો મૂળ ખેલ જે સમજી જાય છે તેને માયામાં મોહ થતો નથી. ભગવાન શ્રી સ્વામિનારાયણ વચનામૃતમાં કહે છે – ‘કઢિયેલું કેસરિયું દૂધ હોય, માંહી બદામ, પિસ્તા, ચારોળી વગેરે મસાલા નાખ્યા હોય પણ જો તેમાં સર્પની લાળ પડતા દેખી જાય પછી પીવાનું મન થતું નથી એ જ રીતે જ્ઞાની મહાત્માઓને આપાતરમણીય પંચવિષયો ભોગવવાનું મન થતું નથી. અહીં ‘મહામુનિ’ શબ્દ છે. પરમ મૌનના ઉપાસકને ‘મહામુનિ’ કહેવાય. જ્ઞાની મહામુનિઓ માયા માટે પણ મૌન સેવે છે અને બ્રહ્મ માટે પણ મૌન સેવે છે. માયા માટે મૌન એટલા માટે કે જેમાં સાર કે તથ્ય જ નથી એની ચર્ચા શું કરવી? એટલે તો શંકરાચાર્યજી માયાને અનિર્વચનીય કહે છે. જેમાં કશું કહેવા જેવું ન હોય એવી માયાને વાણીનો વિષય બનાવવામાં કાંઈ ફાયદો નથી. સાચી વાત તો એ છે કે બ્રહ્માનંદની મસ્તી માણતા મહાત્માઓને સંસાર સામે જોવાની ફુરસદ જ ક્યાં છે? સાચી વાત તો એ છે કે મહામુનિઓ બ્રહ્માનંદ માટે પણ મૌન સેવે છે. કારણ કે બ્રહ્માનંદ માત્ર અનુભવથી જ માણી શકાય છે. એને વાણીનો વિષય બનાવી શકાતો નથી. મહામુનિઓ સપનામાં મોહ પામતા નથી. મહારાજ જનકે સપનામાં ભયંકર દુ:ખ જોયાં અને જાગ્યા ત્યારે અપાર સાહ્યબી જોઇ. જનકના અંતરમાં વાવાઝોડાની પેઠે પ્રશ્ન ઊઠ્યો, ‘આ સાચું કે તે સાચું?’ મહાજ્ઞાની અષ્ટાવક્રે સમાધાન કરતાં કહ્યું, ‘હે જનક ! જે જુએ છે તે સત્ય નથી અને જે જોયું હતું તે પણ સત્ય નથી. સત્ય તો માત્ર જે જોનારો છે તે જ છે. તું જોઈ રહ્યો હતો તે ક્ષણિક સ્વપ્ન હતું. જોઈ રહ્યો છે તે લાંબો સમય ચાલતું સ્વપ્ન છે. સ્વપ્ન આખરે સ્વપ્ન છે. જે જાગી ગયો છે તેને સ્વપ્નનાં બંધન રહેતાં નથી.’ જે વડે આ જગત છે તેને કોઇ ન જાણે રે, મુક્તાનંદ કહે ગુરુમુખી તે સુખડાં માણે રે.... મોટા ભાગે માણસોની દ્રષ્ટિ સ્થૂળ છે. પરિણામે તેને સ્થૂળ દેખાય છે, સૂક્ષ્મ દેખાતું નથી. કાર્ય દેખાય છે, કારણ દેખાતું નથી. રસ્તા પર દોડતી ગાડી દેખાય છે પણ ગાડીને દોડવનારો ડ્રાઇવર દેખાતો નથી. જગત દેખાય છે પણ જગતને ચલાવનારો જગદીશ્વર દેખાતો નથી. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એક દ્રષ્ટાંત કહેતા, જ્યારે પ્રથમ વાર પ્લેન ઊડ્યું ત્યારે ભણેલ-અભણ સહુ જોવા દોડ્યા પણ એમની દ્રષ્ટિમાં ભારે ભેદ હતો. ગામડાના અભણ માણસે પ્લેન ઊડતું જોયું ત્યારે તે બોલ્યો, ‘ઓહોહો....જુઓ તો ખરા, લોઢું ઊડ્યું?’ ભણેલ માણસે પ્લેન ઊડતું જોયું ત્યારે તે બોલ્યો, ‘માણસની બુદ્ધિને ધન્ય છે કે એણે લોઢાને ઊડતું કર્યું.’ કોઇ આસ્તિકે પ્લેન ઊડતું જોયું ત્યારે તે બોલ્યો, ‘વાહ મારા પ્રભુ! તેં માણસને કેવી ગજબની બુદ્ધિ દીધી કે એણે લોઢાને આકાશમાં ઊડતું કર્યું.’ એકને લોઢું ઊડતું દેખાય છે. બીજાને લોઢું ઊડતું કરનાર માણસની બુદ્ધિ દેખાય છે. ત્રીજાને બુદ્ધિદાતા પરમાત્મા દેખાય છે. દ્રષ્ટિના ત્રણ ભેદ છે: એક ઇન્દ્રિયોની ભૂમિકાએથી જુએ છે, બીજો અંત:કરણની ભૂમિકાએથી જુએ છે અને ત્રીજો આસ્તિકતાની ભૂમિકાએથી જુએ છે. વર્ષો પહેલાં એક ધૂની માણસની વાત સાંભળેલી. એ ધૂનીને પંખીની જેમ ઊડવાનું મન થયું. એણે પોતાની અગલ બગલમાં પીંછાં બાંધ્યાં. લોકોને ભેગા કર્યા. ‘હાલો જોવા હું ઊડવાનો છું.’ લોકો મજાક કરવા લાગ્યા, ‘આ તો ગાંડો છે.’ પેલો ધુની માણસ ઝાડવે ચડ્યો. પંખીની જેમ પાંખો પહોળી કરી, ઊંચી ડાળેથી પડતું મેલ્યું, ધડામ દઈ ધરતી પર પડ્યો, હાડકાંપાંસળાં ખોખરાં થઈ ગયાં. લોકોએ ભલે એને મૂરખમાં ખપાવ્યો. પણ એક દ્રષ્ટિએ જોઇએ તો એ પૃથવી પરનો પહેલો રાઇટબંધુ હતો. સાહસિક હતો. પૂરી દુનિયા ધરતી પર ચાલતી હતી ત્યારે એ માણસ એવો નીકળ્યો કે એને પંખીની જેમ આકાશમાં ઊડવાનું મન થયું. પ્રશ્ન એની નિષ્ફળતાનો નથી. મહત્વ એના સાહસ અને મહત્વાકાંક્ષાનું છે. એણે જ વિમાનની શોધના પાયા નાંખ્યા. આખરે માણસ ઊડ્યો, પાંખ વગર ઊડ્યો. પંખી તો એકલું ઊડે. આ તો જમ્બો જેટથી આખા ગામ સાથે ઊડ્યો. માણસ અવાજની ઝડપે ઊડ્યો અને ભવિષ્યમાં પ્રકાશની ઝડપે ઊડશે. પાંચસો પાંસસો માણસો એકસાથે આકાશમાં હજરો ફૂટ ઊંચે ઊડે આનાથી મોટો ચમત્કાર ક્યો હોઈ શકે? આ ચમત્કાર માત્ર ટેકનોલોજીનો નથી, જ્ઞાન વિજ્ઞાનનો નથી, બુદ્ધિનો પણ નથી. આ ચમત્કાર બુદ્ધિદાતા પરમાત્માનો છે. આ સુંદર સૃષ્ટિનું જે અદ્‍ભુતરીતે સંચાલન થઇ રહ્યું છે તેને નીરખતા એ પડદાં પાછળની શક્તિને અહોભાવથી વંદન કરવાનું મન થાય છે. પણ મોટે ભાગે આપણી સ્થૂળ બુદ્ધિ પડદા પાછળના પરમેશ્વરને પકડી શકતી નથી. કઠપૂતળીનો ખેલ ચાલતો હોય ત્યારે મોટા ભાગના માણસોને નાચતાં-કૂદતાં કઠપૂતળા દેખાય છે પણ પૂતળાને નચાવનારની આંગળીઓ દેખાતી નથી. એટલે સ્વામી કહે છે – જે વડે આ જગત છે તેને કોઈ ન જાણે રે. આપણે માત્ર કાર્યને પ્રેમ કરવાનો નથી, કારણને પ્રેમ કરવાનો છે. સમસ્ત સૃષ્ટિના સર્જન, પાલન અને પ્રલયનું કારણ એ કરે છે. સર્વ જીવોના કલ્યાણ માટે જાતજાતના અવતારો એ ધરે છે. અવતારો કાર્ય છે, અવતારી કારણ છે. મુક્તાનંદ સ્વામીએ કારણરૂપ શ્રીહરિને બરાબર પિછાણી લીધા છે. કારણને પિછાણવાની આંખ સદ્‍ગુરુની કૃપા સિવાય મળતી નથી. જેમ ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને દિવ્ય દ્રષ્ટિ આપી એમ સદ્‍ગુરુ રામાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીને દિવ્ય દ્રષ્ટિ આપી છે. એ દ્રષ્ટિને લીધે જ મુક્તાનંદ સ્વામીને સહજાનંદ સ્વામીની સાચી ઓળખાણ થયેલી છે. માટે મુક્તાનંદ સ્વામી કહે છે, ‘ગુરુમુખી તે સુખડાં માણે રે.’ આ પદોમાં ‘અનુભવી’ શબ્દ જેટલો મહત્વનો છે એટલો જ મહત્વનો શબ્દ ‘ગુરુમુખી’ છે. આધ્યાત્મનો ઉત્તમ અનુભવ ગુરુમુખી ને જ થાય છે, મનમુખીને નહીં. ભગવાન સામે ઊભા હોય પણ સદ્‍ગુરુએ આપેલી આંખ ન હોય તો ઓળખતા નથી. શુકદેવજી જેવા સદ્‍ગુરુ પરીક્ષિતને ઓળખાવી શકે. ‘રાજન્‌! આ શ્રીકૃષ્ણને સાધારણ ગોવાળ ન સમજી લેતા. આ શ્રીકૃષ્ણ તો જીવપ્રાણીમાત્રરૂપી ગાયોને ચારનારા અને તારનારા ગોપાલ છે.’ પોપટનું રૂપ ધરી હનુમાનજી મહારાજે તુલસીદાસને ભગવાન શ્રીરામની ઓળખાણ કરાવેલી એ પ્રસંગ પ્રસિદ્ધ છે. સદ્‍ગુરુ કૃપા કરી આંખ આપે તો જ રામ ઓળખાય. સદ્‍ગુરુ કૃપા કરી આંખ આપે તો જ કૃષ્ણ ઓળખાય. સદ્‍ગુરુ કૃપ કરી આંખ આપે તો જ સ્વામિનારાયણ ઓળખાય. જેમ અજાણી ભોમમાં ભોમિયા વગર ભટકી જવાય એ જ રીતે અધ્યાત્મની આંટી ઘુંટી ભરેલી ભોમકામાં ભોમિયા વગર ભટકી જવાની હજારો શક્યતાઓ છે. આજે ઇલેક્ટ્રોનિક્સનો યુગ છે. ટીવી, ટેપ, મોબાઇલ, કમ્પ્યુટર, ફ્રીઝ, ડિજિટલ કેમેરા, ડિજિટલ ઘડિયાળો વગેરે વગેરે જાતજાતની ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ મળે છે. દરેક ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ સાથે ‘યુજર્સ ગાઇડ’ અવશ્ય આવે છે. યુજર્સ ગાઇડ સમજાવે છે કે આ વસ્તુ કેમ વાપરવી? આજે વિકાસનો પ્રવાહ એવો જોરદાર છે કે એક ગાઇડ બુક વાંચી વસ્તુને વાપરતા શીખો ત્યાં સુધારા સાથે બીજી વસ્તુ અને બીજી ગાઇડ બુક બજારમાં હાજર હોય છે. એકવીસમી સદીનો પ્રવાહ જોતાં એવું લાગે છે કે હવેના માણસો શાસ્ત્રો વાંચીને જિંદગી પૂરી કરવાને બદલે યુજર ગાઇડો વાંચીને આવરદા પૂરી કરશે. એક ભૌતિક વસ્તુને વાપરવામાં પણ ભોમિયાની જરૂર હોય તો અધ્યાત્મની અણદીઠેલી ભોમની યાત્રા ભોમિયા વગર કેમ સંભવે? એટલે તો ભારતવર્ષમાં ગુરુનો ભારે મહિમા છે. સદ્‍ગુરુના જોગ સિવાય અંતરની આંખ ઊઘડતી નથી. જે ગુરુમુખી થાય છે એ જ અંતરમુખી થઈ શકે છે. જે ગુરુમુખી થાય છે એ જ કાર્યોનાં જાળાં વીંધી કારણને પામી શકે છે. બુદ્ધિ હજારો તર્ક કરે પણ ‘ગુરુભાવ’થી મુક્ત થઈ શકાય તેમ નથી. આજે ગુરુના નામે જાતજાતનાં આડંબરો, દંભો, પાખંડો ચાલે છે એટલે માણસને ગુરુઓ પ્રત્યે સૂગ ચઢતી જાય તે સહજ છે. બે શબ્દોને સમજીએ. એક છે ‘ગુરુભાવ’ અને બીજો છે ‘ગુરુવાદ.’ ગુરુભાવ શ્રેષ્ઠ છે. સમસ્યાઓ ગુરુવાદથી સર્જાય છે. જેટલા ભગવાન પવિત્ર છે એટલો જ ગુરુભાવ પવિત્ર છે; પરંતુ ધર્મક્ષેત્રમાં ભયંકરમાં ભયંકર વસ્તુ હોય તો ગુરુવાદ છે. ગુરુભાવને કોઈ ગાદી સાથે સંબંધ નથી. ગુરુભાવને કોઈ ડિગ્રીઓ કે ઉપાધિઓ સાથે સંબંધ નથી. ગુરુભાવને સંબંધ હોય તો માત્ર જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અને સદાચાર સાથે છે. ગુરુવાદ ગાદીઓ ઊભી કરે છે. ગુરુવાદ ગાદીઓ માટે વિવાદો સર્જે છે. ગુરુવાદ ઇજારાશાહીનો જન્મ આપે છે. ગુરુવાદ રાજકારણના અખાડા સર્જે છે. ગુરુ એ છે કે જેના અંતરનું અજ્ઞાન ગયું છે. ગુરુ એ છે કે જેણે અનુભવની આંખે હરિને નીરખ્યા છે. ગુરુ એ છે કે જે શિષ્યોના અજ્ઞાન અંધકારને હરે છે. ગુરુ એ છે કે જે શિષ્યોના હાથ હરિના હાથમાં સોંપે છે. ગુરુવાદમાં અજ્ઞાનીઓને પણ જ્ઞાની ઠેરવવામાં આવે છે. પરચાઓના પ્રચાર માટે વ્યવસ્થિત નેટવર્ક ગોઠવવામાં આવે છે. ધર્મક્ષેત્રનું સર્વશ્રેષ્ઠ પવિત્ર તત્વ હોય તો ગુરુભાવ છે. ધર્મક્ષેત્રનું સર્વશ્રેષ્ઠ અપવિત્ર તત્વ હોય તો ગુરુવાદ છે. ધર્મક્ષેત્રનું સર્વશ્રેષ્ઠ ભૂષણ હોય તો ગુરુભાવ છે. ધર્મક્ષેત્રનું મોટમાં મોટું દૂષણ હોય તો ગુરુવાદ છે. ભગવાનની માયા જેટલી દુસ્તર છે એટલી જ કલિયુગી ગુરુઓની કપટજાળ ભેદવી કઠણ છે. આપણે ‘વાદ’ની નાગચૂડમાંથી મુક્ત થઈ ‘ભાવ’ની ગંગામાં તરવાનું છે. જ્યારે આપણી ચેતના ભાવમાં પ્રતિષ્ઠિત બનશે ત્યારે કદાચ દત્તાત્રેયની પેઠે અનેક સ્થળેથી ગુરુઓ હોંકારા ભણશે, આપણા પથદર્શક બનશે, આપણને તારશે. વાદ હશે તો વિવાદો થશે, ભાવ હશે તો સંવાદ હશે. વાદ હશે તો સમસ્યાઓ હશે, ભાવ હશે તો સમાધાન થશે, વાદ હશે તો અશાંત હશે, ભાવ હશે તો શાંતિ હશે. આજ ગુરુ અંગે અનેક પ્રશ્નો હોવા છતાં આપણે મનમુખી ન થઈ શકીએ. આપણી મુમુક્ષુતા સાચી હશે તો સદ્‍ગુરુ સામેથી મળશે. અધ્યાત્મના યાત્રીકો માટે આ પરમેશ્વરકૃત અફર વ્યવસ્થા છે. જરૂર છે આપણે થોડી વિવેકબુદ્ધિ જાગ્રત કરવાની.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભગવત્ચરણદાસજી સ્વામી- રાજકોટ ગુરુકુલ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
ભગવત્ચરણ સ્વામી કીર્તન
Studio
Audio
0
1