અનુભવી આનંદમાં ગોવિંદ ગાવે રે ૪/૪

અનુભવી આનંદમાં ગોવિંદ ગાવે રે,
	પ્રીત કરી પરિબ્રહ્મશું ભવમાં ન આવે રે		...અનુ૦ ૧
મરજીવાને માર્ગે જન કોઈક જાવે રે,
	પેલું પરઠે મોતને તે મુક્તાફળ પાવે રે		...અનુ૦ ૨
વેગે વહેતાં વારિમાં પ્રતિબિંબ ન ભાસે રે,
	તેમ ડગમગે દિલ જહાં લગી નવ બ્રહ્મ પ્રકાશે રે	...અનુ૦ ૩
બ્રહ્મ થઈ પરબ્રહ્મને જુએ તે જાણે રે,
	એવા મુક્તજનના ગુણ વેદ વખાણે રે		...અનુ૦ ૪
કાયા માયા કૂડ છે જેમ ધૂમ છાયા રે,
	મુક્તાનંદ કહે ગુરુમુખીમાં પદ સમાયા રે		...અનુ૦ ૫
 

મૂળ પદ

અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે

મળતા રાગ

કાફી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

વિવેચન

મુક્તાનંદ સ્વામીનો જન્મ વિ. સં. ૧૮૧૪ પોષ સુદ સાતમના રોજ અમરેલી પાસેના અમરાપર ગામે થયો હતો. એમનું બાળપણનું નામ ‘મુકુંદદાસ’ હતું. સૌરાષ્ટ્રના મહાન સંત મૂળદાસે બીજાનું આળ પોતાના ઉપર ઓઢી આત્મહત્યાથી બચાવેલી સાધ્વી બાઈની દીકરી રાધાબાઈ એમનાં માતા હતાં અને આનંદરામ એમના પિતા હતા. મહાત્મા મૂળદાસે આ નાનકડા બાળકના હૃદયમાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિના સંસ્કારો રેડ્યા હતા. મુકુંદનો કંઠ કામણગારો હતો. અમરાપરને ચોરે એમના કંઠથી ગવાતી રામાયણનું પાન કરવા લોકોની ભારે ભીડ જામતી. મહાત્મા મૂળદાસના સ્વધામગમન બાદ મુકુંદનું મન સંસારમાં ક્યાંય ચોંટતું ન હતું. સદ્‍ગુરુની શોધમાં એમણે ઘણી રજળપાટ કરી હતી અને આખરે ઉધ્ધવાવતાર રામાનંદ સ્વામીના ચરણમાં એનું દિલ ઠર્યું હતું અને ‘મુકુંદ’માંથી ‘મુક્તાનંદ’ થયા હતા. વિ. સં. ૧૮૫૬ શ્રાવણ વદિ છઠના દિવસે લોજ ખાતે એ સમયે ‘નીલકંઠવર્ણી’ તરીકે પ્રસિદ્ધ ભગવાન સ્વામિનારાયણનો એમને પ્રથમ જોગ થયો હતો. રામાનંદ સ્વામીના શિષ્યોમાં મુક્તાનંદ સ્વામી સર્વથી મોટા અને સદ્‍ગુણનો ભંડાર હતા. છતાં રામાનંદ સ્વામીએ વીસ વર્ષના યુવાન નીલકંઠને સર્વના ગુરુપદે સ્થાપી એની આજ્ઞામાં રહેવા કહ્યું. ત્યારે ગુરુવચને પોતે જીવનભર ‘નીલકંઠ’ના સેવક થઈને રહ્યા હતા. જ્યારે સામે ભગવાન સ્વામિનારાયણ પણ સદ્‍ગુરુ રામાનંદ સ્વામીના જેવી જ એમની આમન્યા જાળવતા હતા. મુક્તાનંદ સ્વામી બહુમુખી પ્રતિભા ધરાવતા સંત હતા. તેઓ સારા વૈદ્ય અને નાડીપરીક્ષક હતા. સંસ્કૃત ભાષાના પ્રકાંડ પંડિત હતા. વડોદરાના વિદ્ધાનો સાથે શાસ્ત્રાર્થમાં વિજય મેળવી એમણે સ્વામિનારાયણ સંપ્રદાયની શાન વધારી હતી. એમણે બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્યની રચના કરેલી છે. નૃત્યકળા તેમજ સંગીતમાં પણ તેઓ એટલા જ નિપુણ હતા. તેઓ જન્મજાત કવિ હતા. ગુજરાતી તેમજ વ્રજભાષામાં એમણે સેંકડો પદો રચ્યાં છે અને અનેક પદ્યગ્રંથોની રચના કરી છે. એમણે રચેલાં ‘રુક્મિણીવિવાહ’નાં પદો તથા ‘સતીગીતા’ ભારે પ્રસિદ્ધ છે. એમની ભક્તિધારા ‘પ્રગટ ગુરુહરિ’ સહજાનંદ સ્વામીમાં સતત વિરામ પામતી રહે છે. ગુજરાતી ભાષાના આદિગદ્ય-ગ્રંથ ગણાતા ‘ભગવાન સ્વામિનારાયણનાં વચનામૃતો’ના સંકલનમાં એમણે મહત્વનો ભાગ ભજવ્યો છે. પરમ વાત્સલ્યમૂર્તિ સંત હોવાથી એમને ‘સત્સંગની મા’નું બિરુદ મળેલું છે. સર્વથી શ્રેષ્ઠ વાત તો એ છે કે એ નખશિખ સાત્વિક અને સાધુતાની મૂર્તિ હતા. સદાચારી જીવન અને પવિત્ર નિર્મળ અંતરમાંથી ઊઠતા એમના શબ્દો સાંભળનારના હૃદયમાં આરપાર ઊતરી જતા. ભગવાન સ્વામિનારાયણે એમને દેહપર્યંત ‘સાહિત્યરચના’ કરતા રહેવાની આજ્ઞા કરી હતી જે એમણે અક્ષરશ: પાળી હતી. ભગવાન સ્વામિનારાયણના વિરહને નહીં સહી શકનાર આ સંતે વિ. સં. ૧૮૮૬ના અષાઢ વદ એકાદશીને પવિત્ર દિવસે પદ્માસન વાળી યોગમુદ્રામાં બેસી સ્વતંત્ર થકા જીવનલીલા સંકેલી લીધી હતી. -:આસ્વાદ:- અનુભવી આનંદમાં ગોવિંદ ગાવે રે, પ્રીત કરી પરિબ્રહ્મ શું ભવમાં ન આવે રે... આ પંક્તિમાં મુક્તાનંદસ્વામી ‘અનુભવીઓ અહર્નિશ બ્રહ્માનંદમાં રહે છે’ એમ નહીં કહેતાં, ‘અનુભવીઓ આનંદમાં ગોવિંદ ગાય છે’ એમ કહે છે. અહર્નિશ બ્રહ્માનંદમાં રહેવા કરતાંય એ મહાત્માઓને પરબ્રહ્મના ગુણાનુવાદમાં વધારે રતિ છે. ભગવાન ગોવિંદ છે, ગોવિંદ એટલે ગાયોનો સ્વામી. અહીં ભરવાડ, રબારી ચારે તેવી સામાન્ય ગાયોની જ વાત નથી. ગો શબ્દના અનેક અર્થો થાય છે. ગો એટલે ગાય, વાણી, ઇન્દ્રિય, પૃથ્વી, બ્રહ્મતેજ વગેરે. જીવપ્રાણીમાત્રના ઇન્દ્રિયો – અંત:કરણના સ્વામીને ગોવિંદ કહેવાય. અનંત ભુવનના સ્વામીને ગોવિંદ કહેવાય. દિવ્ય તેજોમય ધામના સ્વામીને ગોવિંદ કહેવાય. ‘ગોવિંદ ગાવે રે’ શબ્દોમાં ભારે મર્મ છે – અનુભવી મહાત્માઓ ગોવિંદનું અર્થાત ઇન્દ્રિયોના સ્વામીનું સ્તવન કરે છે. ઇન્દ્રિયો અંત:કરણના ગુલામોનું નહીં. અનુભવી મહાત્માઓ અનંત બ્રહ્માંડોના સમ્રાટનું સ્તવન કરે છે. ખંડિયા રાજાઓ જેવા દેવી-દેવતાઓનું નહીં. અનુભવી મહાત્માઓ દિવ્ય તેજોમય ધામોના ધામીનું સ્તવન કરે છે, અવરનું નહીં. લાડુદાન ઉર્ફે બ્રહ્માનંદ સ્વામીને ગાયકવાડ સરકારે નિમંત્રણ દીધું. ‘વડોદરા પધારો, રાજકવિ બનો, રાજસન્માન, ગામ, ગરાસ, બક્ષિસ બધું જ મળશે.’ સ્વામીએ સંદેશ લઇને આવનાર ગાયકવાડના ચાકરને કહી દીધું, ‘હવે તો આ રસના હરિના જ ગુણ ગાશે. હાડમાંસનાં પૂતળાંના નહીં.’ જામનગરમાં પીતાંબર ભટ્ટ પાસેથી જ્ઞાન મળ્યા પછી કવિરાજ ઈસરદાનજીનું પણ આ જ વ્રત હતું. ગોવિંદનો એક બીજો અર્થ છે ‘ગાયો અર્થાત વાણી જેને ગોતે તે ગોવિંદ કહેવાય.’ આ જગત સ્વયંવર-મંડપ છે. એ મંડપમાં જાતજાતના મૂરતિયા બેઠા છે એમાંથી આપણી વાણી રૂપી સુંદરીએ પુરુષોત્તમનારાયણને શોધીને વરી લેવાના છે. હરિવર વરવામાં આડા આવતા શિશુપાલોને તજવાના છે. કુંવારી કન્યાને યોગ્ય વર મળે એટલે એ સોહાગણ સુંદરી બને. એ જ રીતે સંતોની વાણી શ્રીહરિને વરી અખંડ એવાતનવાળી સુંદરી બને છે. આ કડીમાં આનંદ શબ્દ પણ અતિ મહત્વનો છે. સ્વામીએ અહીં ‘આનંદ’ શબ્દ વાપર્યો છે, ‘સુખ’ નહીં. આનંદ અને સુખમાં આકાશપાતાળનું અંતર છે. સુખનો વિરોધી શબ્દ દુ:ખ છે. જ્યારે આનંદનો કોઇ વિરોધી શબ્દ જ નથી. સુખ અને દુ:ખ પરસ્પર એકબીજાના સંદર્ભમાં ચાલે છે માટે સાપેક્ષ છે. જ્યારે આનંદ ‘स्वमहिम्न प्रतिष्ठितः’ – પોતાના જ મહિમામાં પ્રતિષ્ઠિત હોવાથી નિરપેક્ષ છે. જે નિરપેક્ષ હોય છે તે જ શાશ્વત હોય છે. સુખ મનની ભૂમિકાએથી ઊઠે છે. આનંદ બ્રહ્મની ભૂમિકાએથી ઊઠે છે. દાર્શનિકોએ સુખ અને દુ:ખની વ્યાખ્યા કરતાં કહ્યું છે – अनुकुल वेदनीयं सुखम्‍ I प्रतिकूल वेदनीयं दुःखम्‍ II મનને અનુકુળ તે સુખ, મનને પ્રતિકુળ તે દુ:ખ. ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં સુખ અને દુ:ખને દ્વન્દ્વ કહ્યાં છે. द्वन्द्वैर्विमुक्ता सुखदुःखसंज्ञैः I જ્ઞાની મહાત્માઓ સુખ અને દુ:ખનાં દ્વન્દ્વોથી મુક્ત હોય છે. કારણકે તેઓ બ્રહ્મની ભૂમિકાએ જીવે છે, મનની ભૂમિકાએ નહીં. એટલે સ્વામી કહે છે – અનુભવી આનંદમાં ગોવિંદ ગાવે રે, પ્રીત કરી પરબ્રહ્મ શું ભવમાં ન આવે રે... અનુભવી મહાત્માઓએ પરબ્રહ્મ સાથે પ્રીતિ જોડી છે. અહીં એક મર્મ છે. આધ્યાત્મનાં ચરમ શિખરોને સર કરનારા અનુભવીઓને બ્રહ્મભાવ કરતાંય પરબ્રહ્મ વધારે પ્યારા લાગે છે. પરબ્રહ્મ એટલે જડ-ચેતન સર્વમાં વ્યાપક એવા પરમાત્મા. બ્રહ્મ શબ્દથી સર્વવ્યાપકતાનો બોધ થાય છે. આપણે સસીમ અર્થાત મર્યાદિતને પ્રેમ કરીએ છીએ. અનુભવીઓ સર્વવ્યાપી અર્થાત અસીમને પ્રેમ કરે છે. બૃહદારણ્યક ઉપનિષદમાં વારુણિ વિદ્યા છે. ભગવાન વરુણ પોતાના પુત્ર ભૃગુને કહે છે – यो वै भूमा तत्सुखम्‍ यदल्पं तन्मर्त्यम् I અહીં સુખ શબ્દ આગળ વાત થઇ એવા સાપેક્ષ સુખ માટે નહીં, પરંતુ આનંદના પર્યાય તરીકે છે. ‘ભૂમા’ એટલે સર્વવ્યાપી, અસીમ, અખંડ. ‘ભૂમા’ એટલે દેશ, કાળ અને માયાના વર્તુળમાં સમાય નહીં તેવું. અલ્પ એટલે મર્યાદિત. સસીમ, ખંડખંડમાં વહેંચાયેલું. ‘ભૂમા’ આનંદનું ધામ છે. ‘અલ્પ’ ઉપાધિઓનું ધામ છે. અલ્પ મર્ત્ય છે અર્થાત્‌ મરણધર્મા છે, નાશવંત છે. અને તેથી જ ભય, શોક, સંતાપનું કારણ પણ છે. અનુભવી મહાત્માઓ અખંડ સાથે અનુરાગ જોડી અખંડ આનંદમાં ગુલતાન રહે છે. જ્યારે આપણે ખંડખંડમાં-ટુકડાઓમાં રાગ જોડી ઉપાધિઓના જંગલમાં અટવાઈ જઈએ છીએ. ‘પ્રીત કરી પરબ્રહ્મ શું’ આ પંક્તિનો એક બીજો ભાવ જોઈએ. મોટે ભાગે જ્ઞાનીઓ અને જોગીઓ બ્રહ્મને પ્રેમ કરે છે. મુક્તાનંદ સ્વામી પરબ્રહ્મમાં પ્રેમ કરવાની વાત કરે છે. મુક્તાનંદ સ્વામી મહાજ્ઞાની સંત છે. એમનું જ્ઞાન ભક્તિના રંગથી રંગાયેલ છે. જેમ બીજમાંથી વૃક્ષનો વિકાસ થાય ત્યારે એ બીજ બીજા સ્વરૂપે શાખાઓ, પર્ણો, ફુલ અને ફળોમાં છવાય જાય છે તેમ મુક્તાનંદ સ્વામીનું જ્ઞાન ભક્તિના બીજમાંથી પાંગરેલું છે. પરિણામે એનાં પ્રત્યેક શાખા, પર્ણ, ફૂલ અને ફળમાં પ્રેમરસ છવાયેલો છે. મુક્તાનંદ સ્વામીએ કોઈ શુષ્કજ્ઞાની સંતની જેમ કેવળ બ્રહ્મને પ્રેમ નથી કર્યો. એમણે બ્રહ્મથી પણ પર એવા પરબ્રહ્મને પ્રેમ કર્યો છે. સંસારીઓ સંસારમાં ડૂબે છે. જ્ઞાનીઓ બ્રહ્મમાં ડૂબે છે. પ્રેમીઓ પરબ્રહ્મમાં ડૂબે છે. જોકે બ્રહ્મમાં ડૂબવું એ સ્થિતિ કાંઇ સાધારણ નથી. જગતની ભાતભાતની માયાવી ભાતોમાં જ્ઞાનીઓ ક્યાંય લોભાતા નથી. જોગીઓ જગતને પ્રેમ નથી કરતા પરંતુ કૂટસ્થ ચૈતન્યને પ્રેમ કરે છે. આ ઘણી ઉત્તમ વાત છે. પરંતુ પ્રેમીઓ એ બન્નેથી એક પગલું વધારે સાહસનું ભરે છે. પ્રેમીઓ પોતાના સચ્ચિદાનંદ બ્રહ્મસ્વરૂપને પણ પરબ્રહ્મની સેવામાં સમર્પિત કરે છે. આ કીર્તન માત્ર જ્ઞાનીઓના હૃદયમાંથી ઊઠેલા સંગીત નથી. પરંતુ કોઇ અલૌકિક પ્રેમના ગૌરી શિખરમાંથી પ્રગટેલી આ જ્ઞાનમયી ગંગા છે. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં કહ્યું છે – महात्म्यज्ञानभूरिस्नेहो हक्तिश्च माधवे I ‘મહાત્મ્યજ્ઞાને સહિત ભગવાનમાં પ્રેમ કરવો તેને અમે ભક્તિ કહીએ છીએ.’ વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે – ‘એક ચૈતન્ય તેજનો રાશિ છે. તેના મધ્યને વિષે પુરુષોત્તમભગવાન સદાય મૂર્તિમાન બિરાજમાન છે. એ પુરુષોત્તમનારાયણને વિષે અમારે ઉપાસના છે.’ અહીં કેવળ ચૈતન્યને પ્રેમ કરવાની વાત નથી પરંતુ ચૈતન્યમાં વિરાજમાન પરમ ચૈતન્યને પ્રેમ કરવાની વાત છે. ઉપનિષદમાં ઋષિ પોતાની અલૌકિક અનુભૂતિનું વર્ણન કરતાં કહે છે – वेदाहमेतं पुरुषं महान्तम् I आदित्यवर्णः तमसः परस्तात् II ‘માયાના ઘોર અંધકારથી પાર પ્રકાશના સામ્રાજ્યમાં બિરાજમાન પરમ તેજસ્વી પુરુષોત્તમને અમે પ્રત્યક્ષ અનુભવી રહ્યા છીએ.’ અહીં પુરુષ શબ્દ ‘નરનારી’ વાચક નથી. સંસ્કૃતમાં પુરુષ શબ્દનો અર્થ છે, ‘पूर्षु शेते इति पुरुषः I શરીરરૂપી નગરમાં વસે તે પુરુષ કહેવાય. પછી તે નર હોય, નારી હોય કે નાન્યતર હોય. એટલે આ મંત્રમાં પુરુષ શબ્દનો અર્થ છે દિવ્ય, સાકાર, શરીરધારી. અહીં પુરુષ શબ્દને મહાન વિશેષણ આપવામાં આવ્યું છે કારણ કે એ પરમતેજોમય બ્રહ્મધામમાં દિવ્ય શરીરધારી આત્મા એક જ નથી, અનંત છે. એ અનંત આત્મસમુદાયમાં આ પુરુષ મહાન છે અર્થાત્‌ શ્રેષ્ઠ છે એટલે જ એ પુરુષોત્તમ કહેવાય છે. અન્ય દિવ્ય શરીરધારી પુરુષો આ પુરુષોત્તમની ઉપાસના કરે છે. એટલે સ્વામી કહે છે ‘પ્રીત કરી પરિબ્રહ્મ શું’. આ પક્તિમાં પુરુષોત્તમ સાથે પ્રીતિની વાત છે. બીજા સાથે નહીં. પોતાની જાત સાથે પણ નહીં. હરિદર્શનમાં જેમ દેહભાવ આડો આવે એમ ક્યારેક બ્રહ્મભાવ પણ આડો આવે છે. દર્શનશાસ્ત્રમાં બહુધા દેહાભિમાનરૂપ અહંકારની ચર્ચા જોવા મળે છે. પરંતુ બ્રહ્મભાવના અભિમાનની મીમાંસા ઓછી જોવા મળે છે. રામાનુજાચાર્યજી જેવા કેટલાક સુજ્ઞ ભક્ત આચાર્યોએ આ અત્યંત અદર્શનીય અભિમાનની મીમાંસા કરી છે. રવીન્દ્રનાથ ટાગોરના જીવનનો એક પ્રસંગ છે. રાત્રિનો સમય હતો. પૂર્ણિમાનો દિવસ હતો. ટાગોર શાંતિ નિકેતનમાં પોતાની કુટિરમાં દીવાને અજવાળે કંઈક લખી રહ્યા હતા. એવામાં અચાનક પવનની લેરખી આવી, દીવો ઠરી ગયો. ટાગોર ધ્યાનભંગ થયા. પણ ત્યાં તો ટાગોરે એક અનુપમ દ્રશ્ય જોયું. કુટિરની ઉધાડી બારીમાંથી પૂર્ણિમાના સોળે કળાએ ખીલેલા ચંદ્રની ચાંદની કુટિરમાં વરસી રહી હતી! એક તો ટાગોર સ્વયં ઊર્મિશીલ કવિ, એમાંય આ અદભુત દ્રશ્ય! ટાગોરના હૃદયમાં ભાવસાગર હિલોળા લેવા લાગ્યો. ટાગોર અલૌકિક આનંદની અનુભૂતિ કરવા લાગ્યા. ત્યાં અચાનક ટાગોરને વિચાર આવ્યો. ‘અરે! આ ચાંદની તો મારી કુટિરમાં ક્યારની વરસી રહી હશે! પણ એની અનુભૂતિ મને હમણાં જ કેમ થઇ?’ ટાગોરને અંતરમાંથી જ ઉત્તર પ્રગટ્યો. ‘ચાંદની તો ક્યારની વરસે છે પરંતુ મારા દીવડાનું અજવાળું એના અનુભવમાં આડું આવતું હતું.’ આવી જ કંઇક વાત અહીં છે. બ્રહ્મજ્ઞાનીઓના બ્રહ્મતેજના દીવડાઓ એમને પરબ્રહ્મની અનુભૂતિ થવા દેતા નથી. જોગીઓની નિર્વિકલ્પ સમાધિના દીવડાઓ એમને પુરુષોત્તમનારાયણનાં દર્શન થવા દેતા નથી. જ્ઞાનીઓ અને જોગીઓ પોતાના દીવડાઓના પ્રેમમાં મગ્ન રહે છે. જગતના મોટા ભાગના દાર્શનિકોની આ સ્થિતિ છે. જ્યારે પ્રેમીભક્તો શું કરે છે? પ્રેમીભક્તો પોતાના એ જ ઝળહળતા ચૈતન્ય દીવડાઓથી પરમચૈતન્યની આરતી ઉતારે છે. બીજા શબ્દોમાં કહીએ તો બ્રહ્મને પ્રેમ કરવો એટલે સૂર્યનાં કિરણોને પ્રેમ કરવા બરાબર છે. પરબ્રહ્મને પ્રેમ કરવો એ સૂર્યને પ્રેમ કરવા બરાબર છે. પ્રકાશને પામવા નીકળેલા યાત્રિકોની યાત્રા કિરણો પાસે અટકવી ન જોઇએ. એ યાત્રાની મંઝિલ ‘કિરણોનું ઉદ્‍ગમકેન્દ્ર’ છે. એ જ રીતે અધ્યાત્મયાત્રીની મંઝિલ બ્રહ્મ નથી, પરબ્રહ્મ છે. શુકદેવજી મહારાજના ચરિત્ર સામે દ્રષ્ટિપાત કરીએ તો આ વાત બરાબર સમજાશે. શુકદેવજી મહારાજ અખંડ બ્રહ્મનિષ્ઠ સંત હતા. હિમાલયની પવિત્ર ભૂમિમાં વસતા શુકદેવજી મોટે ભાગે નિર્ગુણ નિરાકાર બ્રહ્મસ્વરૂપનું ધ્યાન કરતા અને સમાધિમાં નિમગ્ન રહેતા. એક વખત શુખદેવજીએ ભગવાન વેદવ્યાસે મોકલેલા શિષ્યોના કંઠે ભાગવતજીના સુમધુર શ્લોકોનું શ્રવણ કર્યું. આ શ્લોકોમાં ભગવાન શ્રીબાલકૃષ્ણના અલૌકિક સૌંદર્યનું વર્ણન હતું. શ્રાવણ કરતાં જ શુકદેવજીની બ્રહ્મસમાધિ છૂટી ગઈ. પિતાજી પાસેથી ભાગવતજી ભણ્યા અને બ્રહ્મને બદલે પરબ્રહ્મની ભક્તિ કરવા લાગ્યા. ભગવતજીનો પ્રસિદ્ધ શ્લોક છે – आत्मारामाश्च मुनयः निर्ग्रंथा अप्युरुक्रमे I कुर्वन्त्यहैतुकीं भक्तिंमित्यंभूतगुणो हरिः II ‘જેમના હૃદયમાં અહંતા-મમતાની સર્વ ગ્રંથીઓ ગળી ગઈ છે, જેઓ પોતાના બ્રહ્મસ્વરૂપમાં રમમાણ છે એવા મુનિવર પણ પરમપરાક્રમી પરમાત્માની નિષ્પ્રયોજન ભક્તિ કર્યા સિવાય રહી શકતા નથી. કારણ કે પરબ્રહ્મ પુરુષોત્તમનારાયણનું લોકોત્તર સૌંદર્ય જ એવું છે કે જે ભલભલા મુનિવરોના મનને લોહચુંબક લોઢાને ખેંચે તેમ ખેંચી લ્યે છે.’ ભગવાન વેદવ્યાસ મહાજ્ઞાની છે. ભારતીય દર્શનશાસ્ત્રોમાં વ્યાસ ‘પરમ પ્રમાણ’ ગણાય છે. આવા ધીરગંભીર જ્ઞાનવૃદ્ધ વ્યાસ પણ જ્યારે ભગવાન શ્રીકૃષ્ણની લીલાનું વર્ણન કરવા બેસે છે ત્યારે નાના બાળક જેવા બની જાય છે. ભગવાન વ્યાસનો મહિમા માત્ર મહાભારતનો ઇતિહાસ લખવાથી નથી, ભગવાન વ્યાસનો મહિમા તો ભગવાન શ્રીકૃષ્ણનાં લીલાચરિત્રોથી ભરપૂર શ્રીમદ્‌ ભગવતજીની રચનાથી છે. દશમસ્કંધમાં તો વ્યાસજીએ શ્રીકૃષ્ણની નાની નાની બાલચેષ્ટાઓનું વર્ણન પણ ભારે ભાવથી કરેલું છે. વ્યાસજીની આ રચનાએ હિમાલય જેવા અડગ બ્રહ્મજ્ઞાની શુકદેવજીને પણ ચલાયમાન કર્યા. શુકદેવજી મહારાજ કાયમ માટે બ્રહ્મની નિર્વિકલ્પસમાધિને બદલે ભક્તિની ભાવસમાધિમાં રમવા લાગ્યા. તાજાં ખીલેલાં પુષ્પો શ્રીહરિચરણમાં સમર્પિત થાય તે જ રીતે બ્રહ્મભાવ પણ શ્રીહરિને ચરણે સમર્પિત થવો જોઈએ. ‘પ્રીત કરી પર બ્રહ્મ શું ભવમાં ન આવે રે...’ પ્રેમનું વરદાન ભગવાને કોને નથી આપ્યું? ક્રુરમાં ક્રુર માણસ હોય તો પણ એના કાળજાની એક કોર તો લાગણીભીની હોવાની જ! ભગવાને કોઈ દિલ એવું નથી બનાવ્યું કે જે દિલનો એકાદ ખૂણો પ્રેમથી તરબતર ન હોય! આછી પાતળી પ્રેમની સરિતા પ્રાણી માત્રમાં ક્યાંક વહ્યા જ કરતી હોય છે. સંસારીઓનો એ પ્રેમપ્રવાહ અધોગામી છે કારણ કે એ માયા તરફ વહે છે. ભક્તોનો એ જ પ્રેમપ્રવાહ ઊર્ધ્વગામી છે કારણ કે એ પ્રેમનો પ્રવાહ માયાપતિ તરફ વહે છે. સાધકનું કર્તવ્ય છે – ખંડ ખંડ પ્રત્યે વહેતા પ્રેમની ગંગાના પ્રવાહને અખંડ તરફ વાળવો. અલ્પ તરફ વહેતા પ્રવાહને ભૂમા તરફ વાળવો. મીરાબાઈએ દેહ અને દેહનાં સગાંસંબંધીઓ સાથે જોડાયેલા પ્રેમના તાંતણેતાંતણા ભેગા કરી મજબૂત દોરી ગૂંથી અને એ દોરીથી શ્રીકૃષ્ણને બાંધી લીધા. પરિણામે સમસ્ત જગતને નચાવનારો શ્યામ મીરાંની સામે સ્વયં નાચવા લાગ્યો. આવી જ ઉત્તમ સ્થિતિ સૂરદાસની છે. સૂરદાસે તો ભગવાનને પડકાર ફેંક્યો હતો. બાંય છુડાકે જાત હો નિર્બલ જાની કે મોહિ, હૃદય સે જાત તો સબળ ભનું મૈ તોહિ... બ્રહ્મમાં પ્રીતિ કરનારો જ્ઞાની આવો પડકાર ફેંકી ન શકે. આવો પડકાર ફેંકવાની તાકાત માત્ર પ્રેમી ભક્તમાં જ સંભવે. કોઈ જ્ઞાનીએ જ્ઞાનનાં દોરડાંથી ભગવાનને બાંધ્યા હોય તેવો દાખલો નથી પણ પ્રેમ ભરેલી જશોદા પ્રેમની પાતળી દોરીથી પરબ્રહ્મને બાંધી ‘દામોદર’ બનાવી શકે છે. જ્ઞાનીઓનો ભગવાન ક્યારેય પોઢતો હોય એવું સાંભળ્યું નથી પણ પ્રેમીઓનો ભગવાન તો પ્રેમના પારણિયે ઘસઘસાટ પોઢે છે. જ્ઞાનીઓના ભગવાનને ક્યારેય ભૂખ ન લાગે પણ પ્રેમીઓનો ભગવાન તો વારે વારે ભોજન માગે. અરે! સવારનો સમય હોય, ન દાતણ-પાણી કર્યા હોય, ન સ્નાન કર્યું હોય, ન મુખ ધોયું હોય છતાં પરબ્રહ્મ પથારીમાંથી ઊઠતાવેંત જશોદાનો પાલવ પકડીને કહે, ‘મૈયા મને ભૂખ લાગી છે, તું મને ધવડાવ’. ભગવાનને વિશ્વના ધાત-વિધાતા માનનારા કોઈ જ્ઞાનીઓએ ભગવાનને ધવડાવ્યા હોય તેવો દાખલો નથી! જ્ઞાની ભગવાનને ધવડાવે એ વાત જ બાપ દીકરાને ધવડાવે તેવી વિચિત્ર લાગે! કવિ શ્રી રસખાનજી કહે છે – ‘તાહિ આહીરકી છોહરીયા છસિયાભર છાસકો નાચ નચાવે’ જગતને નચાવનારો કાનુડો ગોપીઓના પ્રેમને વશ થઈ છાસ-માખણ માટે ‘તાથૈ... તા...તા... થૈ...’ કરતો કરતો નાચવા લાગે છે. વળી કવિ કહે છે – ‘કાગ કો ભાગ કહા સજની હરિ હાથ સે લે ગયો માખન રોટી’. ભગવાનના હાથમાંથી માખણ અને રોટલી લઈ જનાર કાગડાના ભાગ્ય કેટલા મોટા હશે!!! ભગવાનની પ્રસાદી પામવામાં બે આંખોવાળા માણસો રહી ગયા અને એક આંખવાળો કાગડો ફાવી ગયો!! ભક્તને જે પ્રસાદી મળે તે જ્ઞાનીઓને ન મળે. ભગવતજીમાં શુકદેવજીએ મર્મ કર્યો – ‘પરીક્ષીત! જ્ઞાનીઓને ભગવાન નહીં મળે’. પરીક્ષિત પૂછ્યું, ‘કેમ બાપજી! જ્ઞાનીઓનો શો અપરાધ છે?’ શુકદેવજી કહે, ‘જ્ઞાનીઓનો કોઈ અપરાધ નથી પરંતુ આ લોકો જ્યાં છે ત્યાં શોધતા નથી અને નથી ત્યાં શોધ્યા કરે છે. જ્ઞાનીઓ ભગવાનને ષટ્‍ દર્શનમાં શોધે છે જ્યારે ભગવાન તો धूलिधूसरिताङ्गः જશોદાના આંગણામાં છાણમાટીથી રગદોળાયેલો બેઠો છે.’ મુક્તાનંદ સ્વામી એક કીર્તનમાં કહે છે – ખટ દર્શનના ખોળ્યા ન લાધે, નરહરિ નેતરાં તાણે સુખની સીમા એ વ્રજના વાસી માણે... જ્ઞાનમાંથી પ્રેમની ધારા ન પ્રગટે તો એ જ્ઞાન વાંઝિયું ગણાય. જ્ઞાન તો હિમાલયના ગૌરી શિખરો જેવું હોવું જોઈએ કે જેમાંથી પ્રેમની સહસ્ર સહસ્ર ધારાઓ અવિરત વહ્યા કરે. પણ જ્ઞાન રેતીના રણ જેવું ન હોવું જોઈએ કે જેમાં પ્રેમની ગંગાનાં પાણી શોષાઈ જાય. પ્રીત કરી પરિબ્રહ્મ શું ભવમાં ન આવે રે... આવા પ્રેમની ગંગા જેના હૃદયમાં પ્રગટે એને ફરીથી ભવસાગરમાં આવવાની વાત જ ન હોય અને કદાચ ભગવાનની ઇચ્છાથી એ ભવસાગરમાં અવતરે તો ભવસાગરને પણ ભવસાગરમાં પલટાવી નાખે. એમનાં પાવનકારી પગલાં થતાં નાશવંત સંસારમાં અક્ષરધામનાં અવતરણ થાય. આવા અનુભવી સંતોને પોતાને તો ભવબંધન ન જ હોય, પરંતુ એના જોગમાં આવે એનાં પણ ભવબંધન કાપી નાખે. કહેવાય છે કે દરિયામાં જાળ-કાતરણી માછલી થાય છે. આ માછલી જલ્દી જાળમાં આવે નહીં અને આવે તો જાળ કાપીને બહાર નીકળી જાય. એ તો નીકળી જાય પણ એનું અનુસરણ કરનારી માછલીઓ પણ જાળના બંધનથી મુક્ત થઈ જાય. મરજીવાને મારગે જન કોઈક જાવે રે, પે’લું પરઠે મોતને તે મુક્તાફળ પાવે રે... પ્રેમનો મારગ મરજીવાનો મારગ છે. સાહસિકોનો મારગ છે. દેહભાવ અને બ્રહ્મભાવ બન્નેને સમર્પણ કરવાનું સાહસ હોય એ જ આ મારગે પગ માંડી શકે છે. માણસને બધું જ ગમે છે પણ મરવાનું ગમતું નથી. માણસને વધુમાં વધુ ડર હોય તો તે મોતનો હોય છે. મોતનો ડર છોડી સાગરના ઊંડા જળમાં ડૂબકી મારવાનું સાહસ ખેડે એને મરજીવો કહેવાય. સાગરને કાંઠે છબછબિયાં કરે એનો મહિમા નથી. મહિમા તો સાહસભેર ઊંડા જળમાં ડૂબકી મારે એનો છે. કાંઠે છબછબિયાં કરનારને શંખલાં, છીપલાં અને કોડીયું મળે. ઊંડા જળમાં ડૂબકી મારે એને નવલખાં મોતી મળે. ઊંડા જળમાં ડૂબકી મારવાનું સાહસ કોઈ ભાગ્યશાળીમાં જ હોય છે. કિનારાનાં મોહબંધન તોડ્યા સિવાય ઊંડા જળમાં ડૂબકી ન મારી શકાય. કિનારો એટલે દેહ, ગેહ અને દુન્યવી વૈભવોની મમતા. મમતા તેમજ મરવાની બીક છોડે એ જ પ્રેમના ઊંડા સાગરમાં ડૂબકી લગાવી શકે. ભક્તિ કરવી હોય તો અપાર સાહસ અને શૂરવીરતા હોવાં જોઈએ. નિષ્કુળાનંદ સ્વામી કહે છે – ‘એક ભૈરવજપ ને બીજી ભગતિ, તે અણમણતાં ઓપે નહીં.’ ભૈરવજપ બીતાં બીતાં ન ખવાય. એ તો ધુબાકો જ મારવાનો હોય. એ જ રીતે ભક્તિ કરવી હોય તો માથા પર કફન બાંધીને જ કરાય. આગ જોઈને ડરી જાય એ સતી ન થઈ શકે. પ્રેમના માર્ગે તો મરવાનું સાહસ હોય એ જ મોજ માણી શકે. પ્રેમનો મારગ જગતના મારગ કરતાં સાવ ઊલટો છે. અહીં તો જે મરે એ જ તરે અને જે તરે એ જ મરે. સર્વસ્વ કુરબાન કરવાનું સાહસ હોય તે જ ભક્તિનો મારગ લઈ શકે. અરે કોઈને થોડુંક આપવું હોય તોય માણસાનો હાથ વળતો નથી! જ્યારે અહીં તો સર્વસ્વ કુરબાનીની વાત છે. આવા મરજીવાને મારગે બધા ન ચાલી શકે તે સહજ છે. એટલે સ્વામી કહે છે – મરજીવાને મારગે જન કોઈક જાવે રે, જેને અમૃતની ખરેખરી પ્યાસ જાગી છે એવી કોઈ વિરલ વ્યક્તિ જ આ માર્ગ ચાલી શકે છે. સમુદાયને સદાચારી બનાવી શકાય પણ આધ્યાત્મિક ન બનાવી શકાય. શાસન અને શિક્ષણની વ્યવસ્થા સારી હોય તો સમુદાયિક રીતે સારા નીતિમાન સમાજનું નિર્માણ થઈ શકે પણ સમુદાયિક રીતે પ્રીતિમાન સમાજનું ઘડતર થઈ શકતું નથી. નીતિમાન બનવું એ સારી વાત છે પણ પ્રીતિમાન બનવું એ અતિ સારી વાત છે. અને એટલી જ સાચી વાત એ છે કે આ માર્ગ ટોળાનો નથી, વિરલનો મારગ છે. મરજીવાનો માર્ગ છે. વેગે વહેતાં વારિમાં પ્રતિબિંબ ન ભાસે રે, તેમ ડગમગે દિલ જહાં લગી નવ બ્રહ્મ પ્રકાશે રે... શાંત સરોવર હોય, આખી રાત પાણી આછર્યું હોય તો એમાં અરીસાની પેઠે પ્રતિબિંબ જોઈ શકાય પણ જેમ જેમ દિવશ ચઢે અને મનુષ્યો-પશુઓ પાણીને ડહોળી નાખે પછી એમાં પ્રતિબિંબ જોઈ શકાતું નથી. સ્વામી અહીં ‘વેગથી વહેતા વારિ’નું દ્રષ્ટાંત આપે છે. પાણી ડહોળું તો છે જ, સાથે સાથે દોડતું પણ છે. આવા ડહોળા અને દોડતા પાણીમાં પ્રતિબિંબ કેમ દેખાય? એ જ રીતે ડગમગતા દિલમાં બ્રહ્મનો પ્રકાશ કેમ થાય? બ્રહ્મના પ્રતિબિંબને ઝીલવા માટે અંત:કરણનું સરોવર શાંત જોઈએ. કહેવાય છે કે એક વાર ભગવન બુદ્ધ શિષ્યો સાથે જઈ રહ્યા હતા. રસ્તામાં એમને તરસ લાગી. એમણે સાથેના ભિક્ષુકને પાણી શોધવા મોકલ્યા. ભિક્ષુકને પાણી તો મળ્યું પણ ડહોળું હતું. એટલે એ ખાલી પાત્રે પાછા ફર્યા. બુદ્ધે પૂછ્યું, ‘કેમ પાણી ન મળ્યું?’ ભિક્ષુકે કહ્યું, ‘પાણી તો મળ્યું પણ ડહોળું હતું. પીવાના કામમા આવે એમ નહોતું.’ બુદ્ધ થોડી વાર શાંત ભાવે વિસામો લેતાં બેસી રહ્યા પછી બોલ્યા, ‘જાવ, હવે પાણી લઈ આવો’. ભિક્ષુકે બોલ્યા, ‘પણ પાણી તો ડહોળું છે, પિવાય એવું નથી.’ બુદ્ધ કહે, ‘તમે જાવ તો ખરા.’ ભિક્ષુક પાછા ગયા તો જળ આછરીને નિર્મળ બની ગયું હતું. ભિક્ષુક પાણીપાત્ર ભરીને લાવ્યા. બુદ્ધે પૂછ્યું, ‘કેમ ભિખ્ખુ, જળ ડહોળું નહોતું?’ ભિખ્ખુ કહે, ‘ભગવાન, સમય જતાં પાણી આછરીને સ્વચ્છ બન્યું હતું.’ બુદ્ધ બોલ્યા, ‘ભિખ્ખુઓ! આપણું અંત:કરણ પણ વહેતા ઝરણાના પાણી જેવું નિર્મળ છે. પણ રજ, તમના વેગ અને બુદ્ધિના સંશયો એને ડહોળું બનાવે છે. ધીરજથી ધ્યાન ધરો. અંત:કરણનાં પાણી આછરી જશે. મનુષ્યના મનને દોડવાનો સ્વભાવ છે. મૃગજળ પાછળ મૃગલાની જેમ વિષયોની આસક્તિ મનને દોડાવે છે. સુખ, દુ:ખ, હર્ષ, શોકના હિંડોળા દિલને હાલકડોલક કરે છે. સંશયગ્રસ્ત બુદ્ધિ ચિત્તને ચગડોળે ચડાવે છે. આહારવિહારની અશુદ્ધિ મનમાં મલિનતા પેદા કરે છે. રજોગુણ, તમોગુણની ધુળ અંતરના અરીસાને આંધળો કરે છે. આવા વિવિધ પરિબળોથી હોલકડોલક થતા અંત:કરણમાં બ્રહ્મનો પ્રકાશ અનુભવી શકતો નથી. બ્રહ્મનો પ્રકાશ તો ત્યાં મોજૂદ છે પણ આંધળા આગળ અરીસા જેવી વાત છે. અત:કરણ શાંત સરોવર જેવું બને તો જ સૂર્યના બિંબ જેવા બ્રહ્મના પ્રતિબિંબને ઝીલી શકે. અટલે તો ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં ‘સ્થિતપ્રજ્ઞ’ થવાની વાત કરી છે. અહીં ભક્તિમાર્ગમાં ‘સ્થિતપ્રજ્ઞ’ નો અર્થ માત્ર આત્મસ્વરૂપમાં સ્થિર થવું એ નથી, ભક્તિમાર્ગના મર્મીઓ કહે છે, ‘પરમાત્માના પ્રત્યક્ષ રૂપમાં નિર્વિકલ્પ બુદ્ધિ થવી અર્થાત્‌ બુદ્ધિ સંશયોનાં જાળાંમાંથી મુક્ત રહેવી એ જ સ્થિતપ્રજ્ઞતા છે.’ બીજી રીતે જોઈએ તો જેને પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપનો નિર્વિકલ્પ નિશ્ચય થયો છે તે જ ‘સ્થિતપ્રજ્ઞ’ છે. પરમાત્માનાં બે રૂપ છે. પ્રત્યક્ષ અને પરોક્ષ. પરમાત્માના પરોક્ષરૂપનો નિશ્ચય થવો સરળ છે, પણ પ્રત્યક્ષ રૂપનો નિશ્ચય થવો કઠણ છે. માયાથી પાર ગોલોકના શ્રીકૃષ્ણને તો મોટા ભાગના આસ્તિકો સ્વીકારશે પણ ગોકુળિયામાં લીલા કરનારા કૃષ્ણને કેટલા સ્વીકારશે? આજે હજારો વર્ષો પછી વાત કંઈક સરળ બની છે પણ જ્યારે કૃષ્ણ સ્વયં પૃથ્વી પર પ્રત્યક્ષ બિરાજતા હતા ત્યારે લોકો શું કહેતા? ‘આ ગોવાળીયાના છોકરાને ભગવાન કહેવાય?’ ‘અરે જેને ખાતાંપીતાં નથી આવડતું એને ભગવાન કહેવાય?’ ‘અરે આ છાણમાટીથી રગદોળાયેલાને ભગવાન કહેવાય?’ ‘અરે આ ગોવાળોની છોકરીઓ સાથે રાસ રમે એને ભગવાન કહેવાય?’ ભગવાનની મનુષ્યલીલામાં બ્રહ્મા જેવા મતિમંતોની મતિ પણ ભ્રાંતિગ્રસ્ત બની ગઈ તો શિશુપાલ જેવાની મતિ ડોલી જાય એમાં શી નવાઈ! આજના કેટલાક કહેવાતા બૌદ્ધિકો પણ શિશુપાલમતિથી જ કૃષ્ણને જુંએ છે. આ બધા ડગમગ દિલવાળા છે. ભગવાન પ્રત્યક્ષ મળે પણ દિલ સંશયથી ડોલતું હોય તો હૃદયમાં પ્રકાશ થતો નથી. શુકદેવજી જેવા અનુભવી મહાત્માઓએ ભગવાનની મનુષ્યલીલામાં પણ અલૌકિક ભાવને પારખી લીધો છે. કારણ કે એમની પાસે અંતરની આંખ છે. એમનાં દિલ સ્થિર થઈ ચૂક્યાં છે. એટલે ભગવાન ગમે તેવી લીલા કરે તો પણ અનુભવી સંતોને ક્યારેય મોહ થતો નથી. રાસલીલાનું વર્ણન સાંભળીને પરીક્ષિતને મોહ થાય છે, પણ શુકદેવજીને નથી થતો. પરીક્ષીત ડગમગ દિલવાળો છે. શુકદેવજી અડગ દિલવાળા છે. ભગવાન સ્વામિનારાયણની માનવલીલામાં સુરતના મહાજ્ઞાની મુનિબાવાને મોહ થયો પણ બ્રહ્મરસના ભોક્તા બ્રહ્માનંદ સ્વામીનું દિલ ન ડોલ્યું. વિષયોથી ડોલે એને પણ હરિદર્શન ન થાય અને સંશયોથી ડોલે એને પણ હરિદર્શન ન થાય. એક નિયમ છે – સજાતીયથી સજાતીયનું ગ્રહણ થાય. માયાની આંખે માયામયનો બોધ થાય. અમાયિક આંખે અમાયિકનો બોધ થાય. એટલે જ મહાભારતના યુદ્ધ પ્રસંગે ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને દિવ્ય આંખો આપી કે જેથી એને વિરાટ સ્વરૂપનાં દર્શન થઈ શકે. કેમેરાના નાનકડા લેન્સમાં અફાટ વિશ્વના દ્રશ્યો ન સમાય તેમ દેહભાવના સંકુચિત લેન્સમાં અમાપ, અસીમ, સર્વવ્યાપી પરબ્રહ્મ ન સમાય! પરબ્રહ્મને સમાવવા માટે બ્રહ્મની આંખ જોઈએ. જીવ જ્યારે બ્રહ્મભાવને પ્રાપ્ત કરે ત્યારે જ તેને પરબ્રહ્મનો યથાર્થ મહિમા સમજાય છે. બ્રહ્મી સ્થિતિ વગરનું જ્ઞાન પોપટિયું જ્ઞાન છે, માત્ર વાણીવિલાસ છે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં એક સરસ વાત કરી છે. બ્રહ્મરૂપ થયા સિવાય પરબ્રહ્મનો યથાર્થ મહિમા સમજાતો નથી અને પરબ્રહ્મનો મહિમા સમજ્યા વિના બ્રહ્મરૂપ થવાતું નથી. આ અન્યોન્યાશ્રય દોષનો પરિહાર કેમ કરવો? આ પ્રશ્નના સમાધાનમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે, ‘આવી સ્થિતિમાં બ્રહ્મરૂપ થયા હોય એવા સંતના વચનમાં શ્રદ્ધા રાખીને એમની અનુવૃત્તિમાં રહે તો જીવ ધીરે ધીરે બ્રહ્મરૂપ થઈ જાય.’ બ્રહ્મ થઈ પરબ્રહ્મને જુએ તે જાણે રે, એવા મુક્તજનના ગુણ વેદ વખાણે રે. જ્યારે વેગથી દોડતું મન સ્થિર થાય, જ્યારે વિષયવાસનાની મલિનતા દૂર થઈ જાય, જ્યારે બુદ્ધિના સંશયો શમી જાય, જ્યારે દેહભાવનું અજ્ઞાન ટળી જાય ત્યારે વિશુદ્ધ અંત:કરણમાં બ્રહ્મનો પ્રકાશ થાય છે. આવી બ્રાહ્મી કક્ષાએથી પરબ્રહ્મનાં દર્શન કરે એને પરબ્રહ્મનો યથાર્થ મહિમા સમજાય છે. જોવાની આંખો તો ઘણા પાસે છે પણ ઓળખાણની આંખ તો વિરલા પાસે જ હોય છે. લોકમાં પ્રસિદ્ધ ઉક્તિ છે, ‘લૈલાને જોવા માટે મજનૂની આંખ જોઈએ.’ ‘હીરાને પારખવા માટે ઝવેરીની આંખ જોઈએ.’ સામાન્ય માણસને સોનું અને પિત્તળ સરખાં લાગે પણ સોનાની આંખ બે વચ્ચેનો ભેદ તરત પારખી જાય. જૂના જમાનાની વાત છે. કોઈ ઝવેરીની મોટી પેઢી હતી. ધીકતો ધંધો હતો. અઢળક વૈભવ હતો પરંતુ દૈવૈચ્છાએ સંજોગો બદલાયા. વેપારમાં ખોટ ગઈ. દોમ દોમ સાહ્યબીની જગ્યાએ ખાવાના સાંસા પડ્યા. ઘર ઘસાઈ ગયું. પત્ની અને એક નાના પુત્રને રડતાં મેલી ઝવેરી ગુજરી ગયો. ઝવેરીનાં ઘરવાળાં ગરીબ પણ ગરવા હતાં. છોકરો નાનો પણ જીવરો હતો. આ બાઈએ શ્રીમંતાઈને પચાવી જાણી હતી. એણે ગરીબાઈના કડવા ઘુંટડા પણ પ્રેમથી પી લીધા. આત્મગૌરવથી ભરેલી બાઈએ પોતાનાં દુ:ખોનાં રોદણાં રોવાને બદલે હિંમતભેર છોકરાને ઉછેરવા માંડ્યો. લૂખોસૂખો રોટલો ખાઈને દિવસો પસાર કરતી બાઈએ ન કોઈની ઓશીયાળી કરી કે ન કોઈના સામે હાથ લાંબો કર્યો. થાય તેવી મહેનતમજૂરી કરી ઘર સંભાળી લીધું. બાઈનો એક ભાઈ હતો. દૂરના નગરમાં રહેતો હતો. ભાઈ પણ સારો ઝવેરી હતો. ધીક્તો વેપારી હતો. પૈસેટકે સુખી હતો. બાઈએ ભાઈ પાસે પણ હાથ ન લંબાવ્યો તે ન જ લંબાવ્યો. એક વાર ઘરની જૂની તિજોરી સાફ કરતાં બાઈને હીરાનું પડીકું હાથ આવ્યું. બાઈના અંતરમાં આનંદ થયો. મનમાં થયું મારા ઠાકોરજીએ મદદ કરી. હવે કઠણાઈના દિવસો પૂરા થશે. બાઈએ છોકરાને કીધું, ‘બેટા! તું મામા પાસે જા. આ હીરાનું પડીકું મામાને આપજે. કહેજે કે મારી માએ આને વેચવા માટે મોકલ્યું છે. મામા જે પૈસા આપે તે લઈ આવજે. આપણે પૈસાની જરૂર છે.’ છોકરો મામા પાસે ગયો. મામાને વિગતે વાત કરી, પડીકું આપ્યું. હીરાનું પડીકું જોતાં જ મામો આભો બની ગયો. એને બહેનના ઘસાઈ ગયેલા વહેવારની ખબર તો હતી જ. એના મનમાં બહેનને ખરે ટાણે મદદ ન કરી હોવાનો વસવસો થયો પણ ભાણેજને કળાવા ન દીધું. એણે ભાણેજને કહ્યું, ‘હમણા બજારભાવ સારા નથી એટલે આ હીરા હમણા નથી વેચવા, પાછા લઈ જા અને તિજોરીમાં મૂકી દેજે.’ છોકરો કહે, ‘મામા! અમારે પૈસાની ખાસ જરૂર છે.’ મામા કહે, ‘હાલ તારે ઘર આવું છું. મારે બહેન સાથે થોડી વાત કરવી છે.’ મામો-ભાણેજ ઘરે આવ્યા. ઘણા દહાડે ભાઈને જોતાં બહેનની આંખોમાં આંસુ ઊભરાયાં. બહેનના ઘરની સ્થિતિ જોઈ ભાઈ દુ:ખી થયો ને બોલ્યો, ‘બેન! મને પારકો ગણ્યો! આટલી મુશ્કેલી છે અને મને વાત પણ ન કરી. નીચું જોઈ બહેન બોલી, ‘ભાઈ! કોઈના ઓશિયાળા થવામાં સુખ ન આવે. મારે કોઈનું મફત જોઈતું નથી. હમણા છોકરો મોટો થઈ જશે. દુ:ખના દા’ડા કાલ પૂરા થઈ જશે.’ ખાનદાન કુળનો ભાઈ બહેનની ગરવાઈ પામી ગયો. એણે કહ્યું બહેન, ‘મારી એક વાત માન. મારી પેઢીએ માણસની જરૂર છે. તારો છોકરો મોટો થયો છે. હું ભાણિયાને હીરા પારખતાં શીખવીશ અને એના પગારમાંથી તમારી રોજીરોટી નીકળશે. ભાવ સારા નથી એટલે હીરા અત્યારે રાખી મૂકો. બજાર સારી હશે ત્યારે વેચીશું.’ મહેનતના રોટલાની વાત આવી એટલે બહેને હા પાડી. હીરાનું પડીકું પાછું તિજોરીમાં મૂકી દીધું. ભાણેજ મામાની પેઢીએ કામ કરવા લાગ્યો. મોરનાં ઈંડાંને ચીતરવાં ન પડે. ધીરે ધીરે હીરાની પરખ એને ફાવવા લાગી. થોડા સમયમાં તો પાકો ઝવેરી થઈ ગયો. એટલું જ નહીં, વિશ્વાસથી એણે મામાનું દિલ જીતી લીધું. મામાને કોઈ દીકરો નહોતો. એણે ભાણેજને જ દીકરો કરીને રાખ્યો. ઘીરે ઘીરે પૂરી પેઢીનો કારોબાર ભાણેજના હાથમાં મૂક્યો. જોતાજોતામાં ઘણો સમય પસાર થયો. એક વાર મામાને જૂની વાત યાદ આવી. એણે કહ્યું, ‘ભાણા! હીરાના ભાવ હમણાં સારા છે. તારી પાસે પેલા હીરા પડ્યા છે એ હવે વેચી નાખીએ.’ ભાણેજ હીરાનું પડીકું લેવા ઘેર ગયો. માને વાત કરી. તિજોરી ખોલી, હીરાનું પડીકું બહાર કાઢ્યું. ભાણેજના ઝવેરીના જીવથી હીરાનું પડીકું ખોલ્યા સિવાય રહેવાયું નહીં. ખોલતાની સાથેજ ભાણેજ આભો બની ગયો! એની ઝવેરીની આંખે પારખી લીધું કે વરસોથી હીરા માનીને જે પડીકામાં જતન કર્યું હતું તે હીરા ન હતા, કાચના ટુકડા હતા! નકલી નંગ હતા! એણે પડીકું ફેંકી દીધું. ખાલી હાથે મામા પાસે પાછો ફર્યો. મામાએ પૂછ્યું, ‘કાં ભાણા! પડીકું ન લાવ્યો?’ ભાણેજે કહ્યું મામા, ‘એ હીરા નહોતા, કાચના ટુકડા હતા. એની તો ફૂટી કોડીયે ન આવે! મામાએ ‘હશે’ કરીને વાત પૂરી કરી. પણ ભાણેજથી ન રહેવાયું. એના મનમાં પ્રશ્નની આંધી ઊઠી એણે ધીરે રહીને કહ્યું, ‘મામા! એક વાત પૂછું?’ મામાએ કહ્યું, ‘પૂછ ને ભાણા!’ ભાણેજ કહે મામા! હું જ્યારે હીરાનું પડીકું લાવ્યો ત્યારે હું તો નાનું છોકરું હતો. મને હીરાની કશી ગતાગત ન હતી. પણ તમે તો મોટા ઝવેરી હતા. તમેય એને ઓળખવામાં થાપ ખાધી અને ખોટા હીરાઓને અત્યાર સુધી સાચવી રખાવ્યા.’ મામાએ મીઠું હસીને કહ્યું, ‘ભાણા! તારો મામો ભોટ નથી. ખબર તો મને ત્યારે જ પડી ગઈ હતી કે આ હીરા સાચા નથી. પણ એ વખતે મેં કહ્યું હોત તો તને કે મારી બહેનને બેમાંથી એકેયને મારી વાતમાં વિશ્વાસ ન બેસત. તમને મનમાં થાત કે મામો અમને છેતરી ગયો. બીજા કોઈ તો અમારાં સગાં ન થયાં પણ સગો ભાઈ પણ સગો ન થયો?’ ‘બીજી વાત હવે સાંભળી લે ભાણા! મારે તને મદદ તો કરવાની જ હતી. મેં મનોમન તને ઝવેરી બનાવવાનો નિર્ણય કર્યો. મને થયું કે મારા ભાણાને હીરા અને કાચના ભેદ પારખવાની આંખ મળે. આજે તને એ આંખ મળી ગઈ છે. મારા આત્માને એનો આનંદ અને સંતોષ છે. હવે ત્રીજી અગત્યની વાત એ છે કે હું વૃદ્ધ થયો છું. આ પેઢી હવેથી તું સંભાળી લે.’ આ વાર્તા અનુપમ છે. વાર્તાનો સાર છે જીવ અનાથ અને અજ્ઞાની બાળક જેવો છે. કરુણાસાગર સદ્‍ગુરુ ઝવેરી સમાન છે. સદ્‍ગુરુ��ા સમાગમથી જીવના અંતરનું અજ્ઞાન ટળે છે. જનમજનમના સ્વભાવો છૂટે છે, દેહાભિમાન દૂર થાય છે, જીવના અંતરની આંખે બ્રહ્મતેજ ઝળહળે છે. આ અલૌકિક આંખેથી જીવ હરિને નીરખે છે, પરખે છે અને માણે છે. બ્રહ્મ થઈ પરબ્રહ્મને જુવે તે જાણે રે... મુક્તાનંદ સ્વામીનું આ વચન ભગવાન વેદવ્યાસના વેદાંતસૂત્ર જેવું છે. આ વચનના શબ્દો અનોખા મર્મથી ભરેલા છે. અહીં જોવાનો અર્થ છે જાણવું. અને જાણવાનો અર્થ છે માણવું. ઘણાં જુએ છે પણ જાણતાં નથી. ઘણાં જાણે છે પણ માણતાં નથી. સાહિત્યરસિકો કહે છે કે ‘જૂના જમાનામાં હાથીઓની એક જાત હતી. કાલુ માછલીની છીપમાં મોતી પાકે તેમ આ ગજરાજોના કુંભસ્થળમાં મોંઘાંમૂલાં મોતી પાકતા. એ મોતી ‘ગજમોતી’ કહેવાતાં. જંગલમાં સિંહો હાથીઓના શિકાર કરતા. હાથીઓના કુંભસ્થળમાંથી નીકળતા મોતી ધરતી પર વેરાતા. જંગલમાં ભટકતી ભીલડીઓ એ ગજમોતીને કુતૂહલથી જોતી, વીણતી, આભૂષણો બનાવતી પણ એના ખરા મૂલ્યની એને ખબર નહોતી પડતી. એ મોંઘેરાં મોતીનાં મૂલ તો વિરલા ઝવેરી જ જાણી શકતા! એજ રીતે અનુભવી મહાત્માઓ બ્રાહ્મી સ્થિતિએથી પરબ્રહ્મને જુએ છે, જાણે છે અને માણે છે. પરબ્રહ્મને જાણવા અને માણવા માટે બ્રાહ્મી સ્થિતિએ પહોંચવું અનિવાર્ય છે. જેમ ચક્રવર્તી સમ્રાટનો રાજકુમાર હોય પણ સમજદારા ન બને ત્યાં સુધી તેને પોતાના પિતાના વૈભવની કલ્પના ન આવી શકે. જેમ ઝૂંપડામાં રહેનારાઓને શ્રીમંતોનાં સુખ સ્વપ્ને પણ ન આવે. એ જ રીતે દેહાભિમાનીઓ ન પરબ્રહ્મને યથાર્થ જાણી શકે, ન માણી શકે. સુગંધી ચોખાનો સ્વાદ માણવો હોય તો કમોદ ઉપરનાં છોતરાંઓ હટાવવાં પડે. ટિફિનમાં ભરેલા ભોજનનો સ્વાદ લેવા માટે ટિફિનનાં ઢાંકણાં ખોલવાં પડે. દેહાભિમાનરૂપી ડબરાનાં ઢાંકણા ખોલ્યા સિવાય આનંદસાગર પરબ્રહ્મનો સ્વાદ માણી શકતો નથી. ભાગવતજીમાં સુંદર કથા છે – ગોવાળીયાઓ ભગવાન શ્રીકૃષ્ણની સાથે ભોજન કરવા બેઠા. દરેકની સાથે ભાથાં હતાં. વ્યાસજી લખે છે – मुक्त्वा शिक्यानि बुभुजे सह भ्रह्मणा विपिश्चिता I ભગવાન સાથે ભોજન કરતાં પહેલાં ગોવાળિયાઓએ ભથરણાંની ગાંઠો ખોલી ભાથાંમાંથી ભાવતાં ભોજન બહાર કાઢ્યાં. ભથરણું એટલે શું એ તો ગામડાંની સંસ્કૃતિથી પરિચિત હોય એને ખબર હોય. ગામડાંના માણસો જાડા પાણકોરાના કપડામાં ભોજન બાંધીને સીમમાં લઈ જાય. ભોજનને ભાત કહેવાય અને ભાત બાંધવાના કાપડાને ભથરણું કહેવાય. આ ભથરણું પણ કમાલનું હોય! એમાં જાતજાતની દુર્ગંધી ભરી હોય! ઘઉંબાજરીના રોટલા બાંધ્યા હોય એટલે ભથરણામાં એની વાસ બેઠી હોય! ખોરા તેલનું અથાણું અડ્યું હોય એટલે એની વાસ બેઠી હોય! શાકનો વઘાર છલકાયને સ્પર્શ્યો હોય એટલે એની વાસ બેઠી હોય! ખાટી છાસ ઝલકાઈને અડી હોય એટલે એની વાસ બેઠી હોય! અધૂરામાં પૂરું, ગ્રહણને દિવસેય ધોવાયું ન હોય! એટલે તમામ પ્રકારની સુગંધ કે દુર્ગંધ એમાં સદાબહાર ખીલી હોય! આવા કપડાને ભથરણું કહેવાય. ડોક્ટરો ઓપરેશન વખતે આ ભથરણું સૂંઘાડવાનો અખતરો કરે તો કદાચ ક્લોરોફોર્મની જરૂર પણ ન પડે! ગોવાળિયાઓએ ભોજન કરતાં પહેલાં ભથરણાંની ગાંઠો ખોલી. આ કથાનો મર્મ સુંદર છે. આપણો દેહભાવ જાતજાતની વિષયવાસનાની દુર્ગંધીથી ભરેલો છે. આપણો બ્રહ્મભાવ આ દેહભાવના ભથરણામાં બંધાયો છે. દેહભાવના ભથરાણાની ગાંઠ્યો ખોલ્યા સિવાય બ્રહ્મભાવ પ્રગટતો નથી અને બ્રહ્મભાવને પ્રગટાવ્યા સિવાય પરબ્રહ્મની સાથે ભોજનની મોજ માણી શકાતી નથી. શાસ્ત્રમાં બે પ્રકારની ભક્તિ કહી છે. એક સાધ્યભક્તિ અને બીજી સાધનભક્તિ. સાધનભક્તિ દેહભાવને દૂર કરી ચૈતન્યને શુદ્ધ કરે છે. ચૈતન્ય શુદ્ધ થયા પછી જે ભક્તિ થાય છે તે સાધ્યભક્તિ કહેવા છે. મહાપ્રભુ વલ્લભાચાર્યજી સાધનભક્તિને ‘વેધી’ ભક્તિ કહે છે અને સાધ્યભક્તિને ‘પુષ્ટિભક્તિ’ કહે છે. ભગવાન સ્વામિનારાયણ સાધનભક્તિને નવધાભક્તિ કહે છે અને સાધ્યભક્તિને બ્રાહ્મીભક્તિ કહે છે. ત્રણ દેહ અને ત્રણ અવસ્થાથી પર થઈ જે ભક્તિ થાય તે બ્રાહ્મીભક્તિ છે. જાતી, વર્ણ અને આશ્રમના અભિમાન થી મુક્ત થઈ જે ભક્તિ થાય તે બ્રાહ્મીભક્તિ છે. નર, નારી અને નાન્યતરના ભાવથી પર થઈ જે ભક્તિ થાય તે બ્રાહ્મીભક્તિ છે. સાધનભક્તિથી આવી સાધ્યભક્તિનો ઉદય થાય છે. ઉપનિષદો આ જ વાત જરા જુદી રીતે કહે છે. आहारशुद्धौ सत्वशुद्धिः सत्त्वशुद्धौ ध्रुवा स्मृतिः I ‘ઇન્દ્રિયો-અંત:કરણના આહાર શુદ્ધ થાય ત્યારે અંત:કરણ શુદ્ધ થાય છે. શુદ્ધ અંત:કરણમાં બ્રહ્મ અને પરબ્રહ્મની અખંડ સ્મૃતિ પ્રગટે છે. ભક્તિમાર્ગમાં ઇન્દ્રિયો-અંત:કરણની સર્વ વૃત્તિઓને ભગવાનમય કરવી એ જ શ્રેષ્ઠ આહારશુદ્ધિ છે. આવી આહારશુદ્ધિથી અંત:કરણની મલિનતા મટે છે. વાદળાં હટે અને સૂરજ પ્રગટે તેમ અંત:કરણની મલિનતા દૂર થતા બ્રહ્મભાવ પ્રગટે છે. બ્રહ્મભાવ પ્રગટે ત્યારે પરબ્રહ્મની સાધ્યભક્તિનો અધિકાર પ્રાપ્ત થાય છે. કાલ, માયા અને કર્મોનાં બંધનથી મુક્ત થવું એ ‘મુક્તિ’ નથી પરંતુ આવી સાધ્ય ભક્તિનો ઉદય થાય એ જ શ્રેષ્ઠ મુક્તિ છે. આવી અનુપમ મુક્તિને પામેલા અનુભવી મહાત્માઓનું સ્તવન કરતા સ્વામી કહે છે – એવા મુક્ત જનના ગુણ વેદ વખાણે રે પરબ્રહ્મને પ્રત્યક્ષ જાણનારા અને માણનારા મહાપુરુષોના ગુણો વેદોમાં વખણાયા છે. વેદ સાક્ષાત નારાયણની વાણી છે. એટલે બીજા અર્થમાં સ્વયં ભગવાન આવા મુક્ત પુરુષોના ગુણોનું ગાન કરે છે. અહીં અનુભવહીન અજ્ઞાનીઓની તો વાત જ નથી. દેહ, ગેહ અને માન-સન્માનના પાશમાં સપડાયેલાંઓની પણ વાત નથી, કોરા બ્રહ્મજ્ઞાનીઓની પણ વાત નથી. અહીં તો બ્રહ્મ થઈ પરબ્રહ્મને અનુભવનારાની વાત છે. કાયા માયા કૂડ છે જેમ ધૂમ છાયા રે, મુક્તાનંદ કહે ગુરુમુખી મહાપદ સમાયા રે... સ્વામી દેહ, ગેહ, ધન અને વૈભવને ધુમાડાનાં વાદળાની છાયા સાથે સરખાવે છે. વૈભવો આ લોકના હોય કે દેવલોકના હોય, એ ધુમાડાંના વાદળાં સિવાય કાંઈ નથી. ધુમાડાંનાં વાદળાં પાસેથી શીતળ છાયાની અપેક્ષા રાખે તે મૂરખ કહેવાય. ધુમાડાંનાં વાદળાં સૂર્યને અવરોધી થોડી વાર છાયાની ભ્રાન્તિ પેદા કરે પણ અખરે એનું અસ્તિત્વ કેટલી પળ! પવનની એક લેરખીએ વાદળાં ક્યાંય ઊડી જાય. પિંડબ્રહ્માંડના વૈભવોનું પણ આવું જ છે. કાળરૂપી પવનની એક ફૂંકે આ બધા વૈભવો તણખલાંની જેમ ક્યાંય ઊડી જાય છે! ધુમાડાના ગોટા કદાચ થોડી વાર ટકી જાય તોપણ આનંદને બદલે અકળામણ વધારે એ જ રીતે આ લોકના વૈભવો આનંદ ઓછો પણ અકળામણ આપે છે. હમણાં હમણાં પ્રદૂષણથી લોકોને જાગ્રત કરવા માટે અમદાવાદમાં ઠેર ઠેર બોર્ડ જોવા મળે છે: ‘અમદાવાદીઓ મરશો, પ્રદૂષણ મારશે’. વિકાસની આડ અસર જેવા ઝેરી વાદળાં ધીમે ધીમે માનવજાતને ભરખી રહ્યાં છે. કાયા-માયાના કામણનો ધુમાડો ઝેરી તો છે જ. ઉપરાંત માદક પણ છે. કાયા-માયાનાં કામણ માનવીને બેહોશ બનાવીને મારે છે. ‘નવનીત સમર્પણ’માં પ્રવીણભાઈ ગાંધીએ એક સરસ વાત લખી છે. ‘દેડકો ઠંડા પાણીમાં રહેતો હોય, એ પાણીને એકદમ ગરમ કરો તો દેડકો છલાંગ મારીને બહાર નીકળી જાય પણ પણ એ જ પાણીને ધીમે ધીમે ગરમ કરો તો દેડકો બફાઈને મરી જાય.’ આપણી સ્થિતિ પણ આવી છે. વૈભવોની મોહમાયા આપણને ધીરે ધીરે મારે છે. કાયા માયાના કામણને ઉંદરના કરડ જેવા કહ્યા છે. ઉંદર ફૂંકી ફૂંકીને કરડે. ઉંદરની ફૂંકમાં અંગોને બેહેરા કરવાની તાકાત હશે એવું લાગે છે. સૂતેલા માણસને ખબર પણ ન પડે કે ઉંદરડે મારો અંગૂઠો કરડી ખાધો છે. કાયા-માયાનાં કામણ પહેલા આપણને મદહોશ બનાવે છે પછી ધીરે ધીરે કરડી ખાય છે. ડાહ્યા માણસો કહે છે – पीत्वा मोहमयीं प्रमादमदिरामुन्मत्तभूतं जगत् I મોહની મદિરા પીને ઉન્મત્ત બનેલા જગતને પળે પળે મોત મારી રહ્યું છે પણ એનું એને ભાન નથી. કાયા માયા કૂડ છે. અહીં સ્વામીએ ‘કૂડ’ શબ્દ વાપર્યો છે. કૂડ એટલે કપટ. જેમાં અંદર કાંઈક હોય અને બહાર કાંઈક હોય તેને ‘કૂડ’ કહેવાય. જેમ લુચ્ચા વેપારીઓ નમૂનો કંઈક મોકલે અને માલ બીજો જ ઠપકારે! આવું જ કાયા-માયાના કામણનું છે. એમાં દેખાય છે કંઈ અને નીકળે છે કાંઈક! આ માયાવી મૃગજળ પાછળ સોખની લાલસામાં દોડતા માણસને દુ:ખોના દરિયામાં ડૂબકા ખાવા સિવાય કાંઈ મળતું નથી. રૂપાળાં દેખાતાં કાયા-માયાના મૂળ રૂપ ભારે વરવાં છે. માયાના મર્મને જાણનારા મહાત્માઓ એમાં મોહ પામતા નથી. સંસારનાં સુખની વાસ્તવિકતા સમજવા માટે એક દ્રષ્ટાંત માણવા જેવું છે. ગુરુકુલમાં પુરાણી સ્વામી પ્રેમપ્રકાશદાસજી હતા. રાજકોટ ગુરુકુલમાં રહેનારા વિદ્યાર્થીઓની એ ‘મા’ ગણાતા. એમના મુખેથી વાર્તાઓ સાંભળવી એ જિંદગીનો લહાવો હતો. પુરાણી સ્વામી ‘શે’રનાં સુખડાં’ની વાર્તા કહેતા. ગામડાંગામની એક ભરવાડ બાઈ રોજ પાસેના શહેરમાં દૂધ વેચવા જાય. દૂધ વેચીને પાછી વળે ત્યારે નાનાં છોકરાં માટે થોડાં મેવામીઠાઈ લેતી આવે. બાઈનો ધણી બાળોભોળો. નામ હતું હાજો. હાજાને દિન દિશાનું ભાન નહીં. આખો દિવસ ઘેટાંબકરાં ચારે અને સીમમાં પડ્યો રહે. એક વાર હાજાના ભાઈબંધોને મજાક સૂઝી. એમણે ભેગાં મળીને હાજાને કલાવતાં કલાવતાં કહ્યું, ‘એલા હાજા! તેં ક્યારેય શે’રનું સુખડું ખાધું?’ હાજો કહે, ‘એ શું કહેવાય’? ભાઈબંધો કહે, ‘અરે ભલા માણસ! શે’રનાં સુખડાં ભારે મીઠાં. એક વાર ખાઈએ તો જિંદગીભર ન ભુલાય એવો એનો સ્વાદ.’ હાજો કહે, ‘એ ક્યાં મળે’? ભાઈબંધો કહે, ‘માળા! તારી બૈરી રોજ શે’રમાંથી લાવે છે અને મા-દીકરા સાથે મળીને ખાય છે. તને કોઈ દી દેતા નથી લાગતા?’ ભોળા હાજો કહે, ‘ના, મને તો કોઈ દી ન દીધું.’ ભાઈબંધો કહે, ‘તું સાવ નમાલો. તારી બૈરી પાસે તારું કાંઈ ન હાલે. કાલે ધ્યાન રાખજે. તારી બૈરી શે’રમાંથી પાછી આવે ત્યારે એની તાવણ તપાસી જોજે. એમાં સુખડું ભર્યું હશે.’ તાવણ એટલે દૂધ ભરવાનું વાસણ. ભાઈબંધોની વાતથી હાજાને તાન ચઢી ગયું. હાજાએ વિચાર કર્યો... ‘માળી! મારી બૈરી રોજ શે’રનું સુખડું ખાય અને મને ન આપે. કાલે એની વાત!’ બીજા દિવસે હાજાની બૈરી દૂધ વેચતા ગઈ. બાઈના પાછા આવવા ટાણે હાજો સીમમાંથી છાનોમાનો ઘરે આવી ઘાસના ઢગલા પાછળ સંતાઈ ગયો. નસીબજોગ આજે બન્યું એવું કે પેલી બાઈએ દૂધ તો વેચ્યું પણ શહેર બહાર નીકળી ત્યારે યાદ આવ્યું કે ‘છોકરાઓ માટેની મીઠાઈ લેવાનું તો સાવ ભૂલાઈ ગયું.’ ભાઈએ આસપાસમાં જોયું તો મીઠાઈવાળાની દુકાન પાછળ રહી ગયેલી. હવે પાછી દુકાને જાય તો ઘરે પહોંચવામાં મોડું થાય. બાઈએ ચારેબાજુ નજર કરતાં બાજુમાં ગોળવાળાની દુકાન જોઈ. બાઈને થયું, ‘હાલને, થોડો ગોળ લઈ લઉં. છોકરાંનાં મન મનાવવા થાશે.’ બાઈએ થોડો ગોળ લીધો અને તાવણમાં નાખ્યો. તાવણ માથે મૂકી બાઈ ચાલતી થઈ. એક તો ગોળ ઢીલો હતો. વધારામાં માથે સૂરજનો તાપ હતો. સૂરજના તાપે ગોળ વધારે ઓગળ્યો. અધુરામાં પૂરું, તાવણના તળિયે થોડું દૂધ હતું. ગોળ અને દૂધને ભારે ભાઈબંધી! જોતજોતામાં સૂરજના તાપે અને દૂધના સંગે ગોળ ઓગળીને રાબડું થયો! બાઈ પાદરમાં પહોંચી ત્યાં એણે ઘોડાની લાદ જોઈ. બાઈ માણસનો જીવ એટલે લાદમાં મન મોહ્યું. કારણ કે ઘોડાની લાદ ગાર્ય કરવામાં કામ લાગે! ગારાનું કોઠીયું કરવામાં તો ભારે કામ લાગે! બાઈએ લાદ ઉઠાવી અને બારોબાર તાવણમાં ભરી. એને ખ્યાલ ન રહ્યો કે અંદર ગોળની ચાસણી થઈ ગઈ છે! જેવી લાદ અંદર પડી કે ન પૂછો વાત! ચાસણીમાં ગુલાબજાંબુ બોળે તેવી સ્થિતિ થઈ! ઘોડાની લાદને ગોળની ચાસણી ચઢી ગઈ. ઉત્તમ પ્રકારનાં અભૂતપૂર્વ ગુલાબજાંબુ તૈયાર થઈ ગયાં! આ બાજુ હાજો શે’રનાં સુખડાંની રાહ જોતો સંતાઈને બેઠો હતો. બાઈ તાવણ એક બાજુ મૂકીને ઘરના કામે વળગી. હાજો લપાતોછુપાતો બહાર આવી તાવણ લઈને ભાગ્યો. સીધો જોકમાં પહોંચ્યો. જોક એટલે ઘેટાંબકરાં પૂરવાનો વાડો. હાજાનું મન શે’રનું સુખડું ખાવા તલપાપડ હતું. એણે સુખડું મોઢામાં મૂક્યું. પણ આ શું? ઉપરથી થોડું ગળ્યું લાગે પણ અંદરથી કૂચા નીકળે. હાજો તો થૂ થૂ કરતો જાય અને ખાતો જાય. એને એમ કે શે’રનું સુખડું આવું જ હશે. હાજાના ભાઈબંધો સુખડાંમાં ભાગ પડાવવા હાજર થયા. એમણે દૂરથી હાકલો કર્યો, ‘એલા એકલો એકલો શું કરે છે’? હાજો કહે, ‘શે’રનું સુખડું ખાઉં છું’. ભાઈબંધો કહે, ‘એલા કેવું છે?’ હાજો કહે, ‘ઉપરથી ગળ્યું અને અંદરથી કૂચા. ભાઈબંધો કહે, ‘અમને ભાગ આપ?’ હાજાએ હોંશથી ભાગ ભાઈબંધોને ભાગ દીધો. ભાઈબંધો શે’રનું સુખડું ખાવા લાગ્યા. એમની પણ દશા જોયા જેવી થઈ. બધા થૂ થૂ કરવા લાગ્યા. મનમાં થયું, ‘અરે! આ તે કેવું શે’રનું સુખડું?’ ભાઈબંધુએ ધ્યાનથી જોયું તો ખબર પડી. ‘હત્તારી! આ તો ઘોડાની લાદ ઉપર ગોળનો આથો ચઢેલો છે.’ ભાઈબંધો કહે, ‘અક્કલના ઓથમીર! જો તો ખરો, આ તે શે’રનું સુખડું છે કે ઘોડાની લાદ!’ હાજો કહે, ‘મને શું ખબર? હું તો શે’રનું સુખડું માનીને ખાઉં છું.’ વાર્તાનો ઉપસંહાર કરીને પુરણી સ્વામી કહેતા, ‘સંસારનાં સુખ આવાં શે’રનાં સુખડાં જેવાં છે. ન મળે તે લલચાય અને ખાય તે પસ્તાય!’ ‘કાયા માયા કૂડ છે જેમ ધૂમ છાયા રે’ સિનેમાના પડદા ઉપર ચલચિત્રો સારાં લાગે. પરંતુ મેક અપથી રૂપાળાં ભાસતાં આ માણસોના જીવનમાં ડોકિયું કરીએ તો ઊબકા આવે એવાં વરવાં લાગે. એક વાર એક વેજીટેબલ ઘીની ફેક્ટરીમાં અમારે જવાનું થયું. ફેક્ટરીમાં ફરતાં ફરતાં અમે શુદ્ધિકરણ વિભાગમાં ગયા. પણ ત્યાં તો ગટરના કાદવ જેવો જોવોય ન ગમે તેવો ઘીનો રગડો વહેતો હતો. અમારા મોઢામાંથી આહકારો નીકળ્યો, ‘આવું ગંદું ઘી?’ ફેક્ટરીના માલિક બોલ્યા, ‘સ્વામીજી! અમે અહીં સુધી કોઈને આવવા જ નથી દેતા. આ તો તમે સાધુ છો એટલે તમારી પધરામણી કરી. કારણ કે બીજો કોઈ જો આ ફિલ્ટર પહેલાંના આ કદડાને જુએ તો એનું મન ઘીમાંથી ઊઠી જાય. તો પછી અમારો વેપાર કેમ હાલે’? માયા બડી મસ્તાની છે. એ મોહના પડદાથી ગાળીગાળીને આપણને વિષયોનો કદડો પિવડાવે છે. માટે સ્વામી કહે છે, ‘કાયા માયા કૂડ છે.’ રૂપાળા આવરણમાં મઢેલું આ બધું દેખાય છે એવું નથી. બહાર કંઈક છે અને અંદર કંઈક છે. નિષ્કુળાનંદ સ્વામીએ પંચ વિષયનાં સુખોને ‘શિયાળ બગામણાં બોર’ની ઉપમા આપી છે. ‘બગામણા’ એટલે ‘છેતરામણા’. સાચા બોર પાકે ત્યારે લાલ થાય. બગામણાં બોર બેસે ત્યારથી જ લાલ હોય. સાચા બોર મધુર લાગે. બગામણાં બોર કડવાં ને તૂરાં લાગે, ખાવાથી ડચૂરો ચઢે. ગામડાંના જાણકાર માણસોને તરત ખબર પડી જાય કે ક્યાં બોર અસલી છે અને ક્યાં બોર બગામણાં છે પરંતુ શિયાળિયાઓને એવો વિવેક હોતો નથી. એ તો બગામણાં બોરને જ સાચા માનીને ખાય. ખાધા પછી ડચૂરા વળે એટલે પેટ ભરીને પસ્તાય. કાયા-માયાનાં સુખ બહારથી સારાં લાગે છે પણ અંદરથી ડચૂરા વાળે તેવાં હોય છે. માત્ર બોર જ નહીં, સાધુ-મહાત્માઓ પણ બે પ્રકારના હોય છે. એક ધીમે ધીમે સાધના કરતા કરતા મહામહેનતે પાકે પછી લાલ થાય. બીજો તો ભગવાં પહેર્યા નથી કે ‘બગામણાં બોર’ જેવો લાલ થઈને બેસી જાય. દુનિયાને નાશવંત કહી સંસારીઓને દાનનો પાનો ચઢાવે અને પોતાના ભંડાર ભર્યે રાખે. સિનામાના એક્ટરો પડદા પાછળની કેબિનમાં મેક અપ કરી વેશભૂષા સજે. સ્ટેજ ઉપર નાટક ભજવે. જોનારને રૂડારૂપાળા લાગે પણ મૂળ તો કોલસા જેવા કાળિયા ભોદા હોય! એમ ઘણા મેક-અપ કરીને સાધુ થાય. જટા વધારવા ઘોડાના પૂંછડાના વાળ વાપરે. આવા ‘બગામણા બોર’થી શિયાળિયાં છેતરાય. માણસ નહીં. મુક્તાનંદ સ્વામી કહે છે, ‘જે મનની ધારણાઓ મેલી ગુરુમુખી થયો છે એ ધુમાડાના વાદળા જેવા કાયા-માયાના કામણમાં અટવાતો નથી એ ‘મહાપદ’ અર્થાત્‌ શ્રીહરિના ચરણમાં જ લીન થાય છે. શ્રીહરિ ચરણની પ્રાપ્તિથી કોઈ મોટી પદવી નથી માટે એ ‘મહાપદ’ ગણાય છે. અહીં કાળ માયા અને કર્મનું કાંઈ નિપજતુ નથી માટે આ પદ છે તે જ આ પદ નિર્ભય પદ છે જે ગુરુમુખી પામી શકે છે, મનમુખી નહીં. ભ્રમર જેમ ફૂલોમાં ગુનતાન રહે છે એમ ભક્ત શ્રીહરિના ચરણમાં ગરકાવ રહે છે માટે સ્વામી કહે છે ‘ગુરુમુખી મહાપદ સમાયારે’. -;ઉપસંહારઃ- આ ચારેય પદો અધ્યાત્મપથના યાત્રિકો માટે દીવાદાંડી સમાન છે. આ પદો આપણી અધ્યાત્મિક યાત્રાની મંજિલ તરફ અંગુલીનિર્દેશ કરે છે. આપણે વચલા મુકામોને મંજિલ ન માની બેસીએ, આપણી યાત્રા અધુરી ન રહી જાય એ માટે આ પદો આપણને સાવધાન કરે છે. આપણે ભાતભાતની ભાત્યુંમાં ભટકી ન જઈએ એ માટે આ પદો ભોમિયાનું કામ કરે છે. આપણે વટેમાર્ગુ છીએ. વચલા મુકામોએ વધારે રોકાવું આપણને ન પાલવે. કોઈ ગેબી અવાજ ઉત્તુંગ ગૌરી શિખર ઉપરથી આપણને સાદ કરે છે, ‘તારી યાત્રા ત્યાં તળેટીમાં નહીં, આ ગગનચુંબી શિખર ઉપર પૂરી થાય છે.’ ગૌરી શિખર પર ચઢતાં ચઢતાં આપણા ચરણ થાકે છે ત્યારે આ પદો સિંહનાદ કરી આપણને હિંમત આપતાં કહે છે. ‘મરજીવાને મારગે જન કોઈક જાવે રે’ વાટમાં વચ્ચે આવતાં ભાતભાતનાં વૈભવોનાં કામણમાં આપણાં મન લોભાય છે ત્યારે આ પદો આપણને સાવધાન કરે છે. ‘કાયા માયા કૂડ છે જેમ ધૂમ છાયા રે.’ આ યાત્રામાં આપણું મન અકળ ભયથી ભયભીત બને છે ત્યારે આ પદો આપણને નિર્ભય બનાવે છે. ‘કેસરી કેરી ગંધથી કરિ કોટિ ત્રાસે રે.’ આ યાત્રામાં ઘનઘોર અંધારાથી આપણું મન અકળાય ત્યારે આ પદો પ્રકાશનાં કિરણ ફેંકી આપણા પથને અજવાળે છે. પરંતુ એક વાત કાયમ ધ્યાનમાં રાખવાની છે કે સદ્‍ગુરુના સહારા સિવાય આ ગૌરી શિખરો ક્યારેય સર થતાં નથી. સદ્‍ગુરુના વચનરૂપી દીવાદાંડી સિવાય આપણી નૌકા કિનારે લાંગરે તેમ નથી. માટે મુક્તાનંદ સ્વામીએ ચારેય પદોની અંતિમ પંક્તિઓમાં વારંવાર ‘ગુરુમુખી’ શબ્દ વાપર્યો છે. આ પદો પોપટીયા જ્ઞાનનો વાણીવિલાસ નથી. આ વાણી અનુભવી સંતની અનુભવ- વાણી છે. કોઈ અલૌકિક આધ્યાત્મિક અનુભવનાં ગૌરી શિખરો આપણી રાહ જોઈ પોકારી રહ્યાં છે : અટકશો નહીં, આગળ વધો, વિજય તમારો છે!

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
લાલજી ભગત-જ્ઞાન બાગ-વડતાલ

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

લાલજી ભગત-જ્ઞાન બાગ-વડતાલ (સ્વરકાર)
કીર્તનામૃત
Studio
Audio
24
4
 
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા



હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0