ભાગ્ય બડે સદ્ગુરુ મેં પાયો મનકી દુગ્ધા દૂર નશાઇ૧/૨

પદ ૧/૨ ૮૨૮

રાગ : જંગલો

ભાગ્ય બડે સદ્‌ગુરુ મેં પાયો મનકી દુગ્ધા દૂર નશાઇ. ટેક.

બાહીર ઢૂંઢ ફીરાં મેં જીસકો, શોધ રહી તે ઘટ ભીતર પાઇ. ભાગ્ય. ૧

સકલ જીવ જીવનકે માંઇ પૂર્ણ બ્રહ્મ જ્યોત દર્શાઇ. ભાગ્ય. ૨

જન્મ જન્મકે બંધન કાટે, ચોરાસી લખ ત્રાસ મીટાઇ. ભાગ્ય. ૩

મુક્તાનંદ ચરણ બલહારી, ગુરુ મહિમાં હરિસેં અધિકાઇ. ભાગ્ય. ૪

મૂળ પદ

ભાગ્‍ય બડે સદ્‌ગુરુ મેં પાયો મનકી દુગ્‍ધા દૂર નશાઇ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

વિવેચન

આસ્વાદ ભાગ્ય બડો સદ્‍ગુરુ મૈં પાયો નંદ સંતોનાં કાવ્યોમાં પ્રત્યેક સંતની એક આગવી ભાત છે. બ્રહ્માનંદ સ્વામીનાં પદોમાં શૌર્ય અને સખ્યભક્તિ વિશેષ છે. પ્રેમસખીનાં પદોમાં પ્રેમ અને દૈન્ય ભરેલાં છે. નિષ્કુળાનંદ સ્વામીનાં પદોમાંથી વૈરાગ્યના રસ વરસે છે. દેવાનંદ સ્વામીનાં પદો ધીરા ભગતના ચાબખા જેવાં છે. મુક્તાનંદ સ્વામીની રચનાઓ વિવિધ રસોથી ભરપૂર છે પણ સ્વામીએ શ્રીહરિ અને સદ્‍ગુરુનો જે મહિમા ગાયો છે તે અજોડ છે. આમેય ભારતીય સંત-સાહિત્યમાં સદ્‍ગુરુ-મહિમાનું ભારોભાર વર્ણન મળે છે. સૂર, મીરાં, રૈદાસ, દાસી જીવણ, કબીર, નાનક, સહજોબાઈ, પાનબાઈ વગેરે મોટા ભાગના સંત-કવિઓએ ‘ગુરુમહિમા’નાં પદો રચીને સદ્‍ગુરુ તત્વને અમર વંદના કરી છે. મુક્તાનંદ સ્વામી સ્વયં એક ‘ખોજી’ સંત હતા. સદ્‍ગુરુને શોધવા માટે એમણે ભગીરથ પ્રયાસો કરેલા. એ જમાનાની અનેક ખ્યાતનામ હસ્તીઓથી હતાશ થયા પછી એમને ઉદ્ધવાવતાર સદ્‍ગુરુ રામાનંદ સ્વામીનો જોગ થયો હતો. રામાનંદ સ્વામીનાં ચરણોમાં એની સદ્‍ગુરુ-પ્રાપ્તિની ખોજ પૂર્ણ થઈ હતી. રામાનંદ સ્વામી જેવા સમર્થ સદ્‍ગુરુની કૃપાથી જ એમને સહજાનંદ સ્વામીની સાચી ઓળખ થઈ હતી. મુક્તાનંદ સ્વામી સમર્થ હતા. સહજાનંદ સ્વામીથી ઉંમરમાં મોટા હતા પણ રામાનંદ સ્વામીના વચને સહજાનંદ સ્વામીના સેવક થઈને રહ્યા હતા. તો સામે સહજાનંદ સ્વામીએ પણ જીવનભર મુક્તાનંદ સ્વામીની આમન્યા જાળવી હતી. મુક્તાનંદ સ્વામી અને સહજાનંદ સ્વામીની જોડ અજોડ હતી. ભાગ્ય બડો સદ્‍ગુરુ મૈં પાયો, મનકી દુબધા દૂર નસાયો... સત્તા કે સંપત્તિ મળે એ સદ્‍ભાગ્યની નિશાની નથી. સદ્‍ગુરુ મળે એ જ પરમ સૌભાગ્ય છે. અઢળક સંપત્તિ અને અમાપ સત્તાથી જે નથી મળતું તે સદ્‍ગુરુની કૃપાથી મળે છે. મનના તર્ક, વિતર્ક, સંશયો પરમ તત્વની પ્રાપ્તિ આડેના અવરોધો છે. સદ્‍ગુરુનો સમાગમ મનની દ્વિધાઓરૂપી માયાના પરદાઓને હટાવનારો છે. તુલસીદાસજી કહે છે, ‘રામકથા સુંદર કરતારી સંશય વિહગ ઊડાવનહારી.’ ગમે તેટલાં જપ, તપ, ધર્મ, ધ્યાન કરે; તીર્થો, વ્રતો કે યજ્ઞો કરે પણ સદ્‍ગુરુના સમાગમ વિના મનની ભ્રાંતિઓ મટતી નથી. ખુદ ભગવાન સાથે રહેતો હોય પણ સદ્‍ગુરુનો સમાગમ ન હોય તો ભગવાન ઓળખાતા નથી. ગરુડજી પંખીઓના રાજા ગણાય. ભગવાનનું વાહન ગણાય પણ જ્યારે ભગવાન રામચંદ્રજીને નાગપાશથી બંધાયેલા જોયા તો મનમાં ભારે સંશય થયો : ‘જે રામ સ્વયં નાગપાશથી મુક્ત નથી થઈ શકતા તે રામ શરણાગતોને માયાપાશથી મુક્ત કરનારા કેમ હોઈ શકે?’ આખરે નારદજીના વચને નીલગિરિ પર્વત ઉપર કાગભુશંડી મહારાજ જેવા સદ્‍ગુરુના મુખેથી રામકથાઓનું શ્રવણ કર્યું ત્યારે ગરુડજીના મનની ભ્રાંતિ મટી. ભગવાન શ્રી સ્વામિનારાયણના સમયમાં લોધિકા નરેશ દરબાર અભયસિંહજી હતા. સદ્‍ગુરુ ગોપાળાનંદ સ્વામીના પ્રતાપે અભેસિંહજી શિકારી મટી સત્સંગી થયેલા. અભયસિંહજીને ધ્યાનનું ભારે અંગ હતું. દરબાર રાજકાજની ચિંતા છોડીને કલાકો સુધી ધ્યાનમાં બેસતા. અભયસિંહજીના સમકાલીન ગજા ગઢવી હતા. ગજા ગઢવી એક સમયે ભગવાન શ્રી સ્વામિનારાયણના સંત હતા. નામ પૂર્ણાનંદ સ્વામી હતું. તેઓ જબરા કવિ, સાથોસાથ ભારે ગવૈયા હતા. સ્વામીને કંઠ સારો રહે તે માટે ભગવાન સ્વામિનારાયણ એમને ઘીના કોગળા કરવાતા. ચંદ્રમામાં કલંક હોય તેમ સ્વામી સ્વભાવે ભારે અભિમાની હતા. ભગવાન સ્વામિનારાયણે તો સ્વામીને જીવનભર સાચવી લીધા પણ ભગવાન સ્વામિનારાયણ અંતર્ધાન થયા પછી માનભંગ થતાં સાધુ મટી સંસારી થયેલા. એમણે પોતાની પાછલી જિંદગી ઝાલાવાડમાં ચંદ્રાસર ગામે ગુજારી હતી. એક વાર ગજા ગઢવી કામ પ્રસંગે રાજકોટ પધારેલા. રાજકોટમાં લોધિકા દરબાર અભેસિંહજીના બંગલે ઊતારેલા. દરબાર અભયસિંહજીએ ગજા ગઢવીની ખ્યાતિ સાંભળેલી. ગઢવી સાધુ મટી સંસારી થયા છે એ પણ એને ખ્યાલ હતો. પોતાના મનમાં સળવળતા સંશયોને લીધે એમણે ગજા ગઢવીને પૂછ્યું – ‘ગઢવી! તમે સ્વામિનારાયણમાં એવી તે કઈ એબ જોઈ? કે તમને ભગવાં ઉતારવાનું મન થયું. તમે સ્વામિનારાયણ સાથે ખૂબ રહ્યા છો માટે જેવું હોય તેવું સાચેસાચું કહેજો.’ ગજા ગઢવી ચારણ હોવાથી સ્વભાવે ભારે બોલકા હતા. તેઓ ઘડીભર તો દરબાર સામે જોઈ રહ્યા. પછી બોલ્યા, ‘દરબાર! સાંભળ્યું છે કે તમે કલાકો સુધી ધ્યાન કરો છો પણ તમારા ધ્યાનમાં ધૂળ પડી. તમારું ધ્યાન બળેલા બીજ જેવું નીકળ્યું. દરબાર! સાંભળો, સંશયગ્રસ્ત ચિત્તમાં ધ્યાન ઊગે નહીં. મેં ભગવાં ઉતાર્યાં એ તો મારા સ્વભાવને લીધે ઉતાર્યાં. સ્વામિનારાયણની એબ જોઈને નહીં. દરબાર! તમે માત્ર ધ્યાન જ કર્યે રાખ્યું. કોઈ સદ્‍ગુરુનો સમાગમ ન કર્યો. એથી તમારું ધ્યાન કાચું ને કાચું રહ્યું.’ ગજા ગઢવીના વેણે દરબાર અભયસિંહજીના મનની ભ્રાંતિઓ મટી ગઈ. એમના ધ્યાને હવે નિર્વિકલ્પ સમાધિનું રૂપ લીધું. સદ્‍ગુરુની કૃપાદ્રષ્ટિ સિવાય જ્ઞાન, ધ્યાન, તપ, જપ, તીરથ ફળતાં નથી. સદ્‍ગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ મોક્ષ માટેનો રાજમાર્ગ ચીંધ્યો અને એ છે ‘સંત સમાગમ’. બ્રહ્માનંદ સ્વામી કહે છે, ‘સંત સમાગમ કીજે હો નિશદિન સંત સમાગમ કીજે.’ સદ્‍ગુરુના સમાગમથી સમજણ પ્રગટે છે. સંસારની વિટંબણાઓ અને સુખદુ:ખના સાગર માત્ર જપ-તપથી તરી શકતા નથી. સમજણથી જ તરાય છે. સમજણ સિવાયના અન્ય સર્વ સાધનો તો હરણીયા પારાની માત્રા જેવાં છે. જૂના જમાનામાં વૈદ્યરાજો મરવા પડેલા માણસને હરણીયા પારાની માત્રા પિવડાવતા. હરણીયા પારાને પ્રતાપે મરવા પડેલો માણસ થોડી વાર માટે સચેત થતો, એની વાચા ઉધડતી, મરતાં પહેલાં ભરભલામણ કરવાની હોય તે કરતો. માલ-ખજાનો દાટ્યો હોય તો તે બતાવતો અને પાછો ચિર નિદ્રામાં પોઢી જતો. મનની ગ્રંથીઓ ગણવી મહામુશ્કેલ છે, અગ્નિ ગમે તેવી વસ્તુને ઓગાળી નાખે પણ મનની ગ્રંથિઓને ગાળવા માટે તો સદ્‍ગુરુના સમાગમરૂપ અગ્નિ જ કામમાં આવે છે. શુકદેવજી જેવા સદ્‍ગુરુ ન મળ્યા હોત તો પરીક્ષિતના સંશયો ન મટ્યા હોત. કાગભુશંડીનો જોગ ન થયો હોત તો ગરુડજીની ગ્રંથિઓ ન ગળી હોત. શંકરનો જોગ ન થયો હોત તો ઉમાના અંતરની આશંકા ન ટળી હોત. વ્રત, જપ, તપ, તીરથ કરવાં સારી વાત છે. પણ સદ્‍ગુરુનાં ચરણમાં બેસીને સમજણ કેળવવી એના જેવું સદ્‍ભાગ્ય બીજું એકેય નથી. ભાગ્ય બડો મૈં સદ્‍ગુરુ પાયો, મનકી દુબધા દૂર નસાયો... અધ્યાત્મ-માર્ગે અવારનવાર અવરોધ ઊભા કરનારી અંતરની આંટીઓને સદ્‍ગુરુ જ ઉકેલી શકે છે. મારા ગુરુજી વરસે રે રંગ મહેલમાં, વેણે વેણે વીજળીયું થાય... ભગવાં પહેરવાં એ સદ્‍ભાગ્યની નિશાની નથી. હૃદયને ભગવા રંગથી રંગે એવા સદ્‍ગુરુનો જોગ થાય એ જ સદ્‍ભાગ્યની નિશાની છે. મનની દુબધાઓ અર્થાત દ્વિવિધાઓનું જંગલ ભારે ભુલભુલામણીથી ભરેલું છે. મુક્તાનંદ સ્વામી સ્વયં દુબધાના જંગલની આંટીઘુંટીઓને અનુભવી ચૂક્યા છે. સદ્‍ગુરુ રામાનંદ સ્વામી પ્રતાપે એ પાર ઊતર્યા છે. અહીં એક અવાંતર વાત સમજવા જેવી છે. મનની દુબધાઓ ભલે સારી નથી છતાં મુમુક્ષુએ એક વાર તો એ અડાબીડ જંગલનો અનુભવ કરી લેવો જોઈએ. અંધકારનો અનુભવ ન કર્યો હોય એને પ્રકાશનો મહિમા સમજાતો નથી. મનની દુબધાના જંગલની બીહડતા એક વાર અનુભવી લ્યે છે એની આસ્તિકતા સુદ્રઢ થાય છે. ભલે દ્વિધાઓ આવે, ભલે મન શંકાકુશંકા કરે, મુમુક્ષુએ ચિંતા કરવાની જરૂર નથી. મનની માયા મૂંઝવે છે એનો અર્થ છે અધ્યાત્મની યાત્રા ચાલુ છે. એક દિવસ અવશ્ય આ અઘોર જંગલનો અંત આવશે. એક વાર અમે ગીરનાં જંગલોમાં ફરવા નીકળેલા. થોડા યુવાનો સાથે હતા. રાત્રિનો સમય હતો. ચંદ્રોદય થયો નહોતો. ઘોર અંધારું અને ઘાટું જંગલ હતું. તારાઓના અજવાળે માંડ માંડ રસ્તો સૂઝતો હતો. ચાલતાં ચાલતાં સારો એવો સમય પસાર થયો. એવામાં ચંદ્રોદય થયો. ચાંદાને અજવાળે ગીરની રોનક ફરી ગઈ. પણ મને સતત લાગ્યા કરે કે આ ચાંદો આથમણો કેમ ઊગ્યો? મારાથી રહેવાયું નહીં એટલે પૂછ્યું કે ‘આ ચાંદો આથમણો કાં ઊગ્યો?’ યુવાનો મારી સામે જોઈ હસવા લાગ્યા. એ લોકો ગીરના અનુભવી હતા. એમણે કહ્યું, ‘સ્વામી, ચાંદો આથમણો નથી ઊગ્યો પણ તમારું માથું ભમી ગયું છે. આ ગાંડી ગીર ભલભલાનાં માથાં ફેરવી નાખે એવી છે. હવે તમે શાંતિથી અમારી હારે હાલ્યા આવો. આડાઅવળા થાશોમા.’ સદ્‍ભાગ્ય એ હતું કે અમારા સમુદાયમાં મારું એકનું જ માથું ફર્યું હતું. બીજાનાં માથા સલામત હતાં એટલે એ બધાને ભરોસે જ્યાં પહોંચવાનું હતું ત્યાં પહોંચી જવાયું. અધ્યાત્મની યાત્રા અવિદ્યાની ગાંડી ગીરમાંથી પસાર થાય છે. અહીં અનોખાં જ અડાબીડ વરસાદી જંગલો છે. જ્યાં પ્રકાશનાં કિરણો ધરણીને સ્પર્શી શકતાં નથી. કેડીઓ કળાતી નથી. મુસાફરોના પગ વૃક્ષોના મૂળમાં કે દોરડા જેવા મજબૂત વેલાઓમાં અટવાયા કરે છે. હિંસક જાનવરોનો પાર નથી. માયાનાં આ જંગલો ભલભલાનાં માંથા ફેરવી નાખે છે. માથાં ફરેલાંઓને મંજિલ દોરી જાય એને સદ્‍ગુરુ કહેવાય. કામ, ક્રોધ, લોભ, અહંકાર જેવાં અંત:શત્રુઓરૂપી હિંસક પ્રાણીઓથી અંતર ઊભરાય છે. આવી ઘોર અટવીમાંથી સદ્‍ગુરુરૂપી રખોપિયાને સહારે જ સામે પાર પહોંચાય છે. એટલે સ્વામી કહે છે, ભાગ્ય બડો સદ્‍ગુરુ મૈં પાયો, મનકી દુબધા દૂર નસાયો... આગળની પંક્તિમાં સ્વામી કહે છે, બાહીર ઢુંઢ ફિરા મૈં જિસકો, સો ધન હી ઘટ ભીતર પાયો... ભારતીય સંત-સાહિત્યમાં અંતરમાં ઊભરાતા આનંદરૂપી ખજાનાનો ભારે મહિમા છે. એ અણમોલ ખજાનાને ઓળખ્યા વિના જીવ કસ્તૂરિયા મૃગની જેમ જ્યાંત્યાં ભટકે છે. જીવની સ્થિતિ ‘પાનીમેં મીન પીયાસી’ જેવી છે. જ્યારે સદ્‍ગુરુની કૃપાથી સ્વામીને એ ‘આનંદ ખજાનો’ પ્રાપ્ત થઈ ચૂક્યો છે. કોઈ સંતોએ ગાયું છે, ‘જોતાં જોતાં રે અમને જડિયાં રે સાચા સાગરનાં મોતી...’ મુક્તાનંદ સ્વામીનું એક પદ છે, ‘હરિવર હિરલો લાધ્યો રે મંદિરમાં...’ સ્વામી કહે છે, ‘સદ્‍ગુરુએ કૃપા કરી મને બહાર ભટકતો બંધ કર્યો. સદ્‍ગુરુએ આપેલા જ્ઞાનના અજવાળે મેં મારા અંતરમાં ઝાંકીને જોયું તો – જેને હું દૂર માનતો હતો તે મારી પરમ સમીપ હતું. જેને હું દુર્લભ માનતો હતો તે સદ્‍ગુરુ કૃપાથી સુલભ થયું. સો ધન હી તે ધટ ભીતર પાયો... આનંદના ખજાનાને ખોળવા માટે રાતદિવસ દોટ મૂકી પણ કેવળ પરિશ્રમ વિના કાંઈ પ્રાપ્ત ન થયું. ગુરુવચને દોટ બંધ કરી તો ખજાનો હાથમાં આવી ગયો. ભાગવતજીમાં એક સુંદર પ્રસંગ છે. કાનુડાને પકડવા માટે જશોદાજી ખૂબ દોડ્યાં પણ કામણગારો કાનુડો હાથમાં ન આવ્યો. થાકીને બેસી ગઈ તો કાનુડો હાથમાં જ હતો! કૃષ્ણને પકડ્યા પછી માયાનો ખેલ પાછો શરૂ થયો. જશોદાજી માખણચોર કાનાને દોરડાથી બાંધવા બેઠાં તો ન બંધાયો. આખા ગોકુળનાં દોરડાં ભેગાં કર્યાં પણ કાનાને બાંધવામાં ટુંકાં પડ્યાં. થાકીને બાંધવાનો પ્રયાસ પડતો મૂક્યો તો એ ક્ષણે દામોદર દોરડાથી બંધાઈ ગયો! અધ્યાત્મનો પંથ કંઈક આવો જ અટપટો છે. દોડે છે એનાથી દૂર છે, સ્થિર થાય છે એના હાથમાં આવે છે. ફરીથી આ પંક્તિના ભાવસાગરમાં જરા જુદી રીતે અવગાહન કરીએ. આ પદના ભાવપ્રવાહનું સાતત્ય જોતાં સહજ રીતે આ પંક્તિનો અર્થ એવો થાય કે ‘હું જે સદ્‍ગુરુને બાહેર શોધતો હતો એ જ સદ્‍ગુરુ મને અંતરમાં મળ્યા.’ મુક્તાનંદ સ્વામીને રામાનંદ સ્વામી જેવા સમર્થ સદ્‍ગુરુ અંતરમાં નહીં, બાહેર સદેહે પ્રાપ્ત થયા છે. રામાનંદ સ્વામીએ પરમાત્મસ્વરૂપની નીલકંઠવર્ણીની ઓળખાણ કરાવી છે. પરંતુ આ બધી વાતો ઉધાડી આંખે બાહેર બની રહી છે. તેથી સમજાય તેવી છે. જ્યારે અહીં સદ્‍ગુરુ ભીતર મળવાની વાત છે. ભીતર સદ્‍ગુરુ મળવાનો અર્થ શો? એક અર્થ એવો થઈ શકે કે ‘ભીંતરનો ભોમીયો’ એટલે આપણા ‘અંતરનો અવાજ’. ભગવાન શ્રીકૃષ્ણે પણ અઢારમા અધ્યાયમાં અર્જુનને અતરાત્માને શરણે જવાની વાત કરી છે. પરંતુ મુક્તાનંદ સ્વામીનો આશય આ રીતે અંતર્યામીને સદ્‍ગુરુ બનાવવાનો હોય એમ જણાતું નથી. કારણ કે શ્રીહરિ ને સદ્‍ગુરુ ઉઘાડી આંખે એમની સામે ઊભા છે. હવે ઉઘાડી આંખે સદ્‍ગુરુ મળે પછી અંતરમાં ખોળવાની માથાકૂટ કોણ કરે? ઘણાને ભીતર સદ્‍ગુરુ પ્રગટે છે પણ સદેહે મળતા નથી. ઘણાને સંદેહે મળે છે પણ અંતરમાં ઊતરતા નથી. જેને સદ્‍ગુરુ સાક્ષાત્‌ મળે અને અંતરમાં પણ ઊતરે એ પરમ ભાગ્યશાળી છે. મુક્તાનંદ સ્વામી આવા જ પરમ ભાગ્યશાળી સંત છે. આ પંક્તિમાં મુક્તાનંદ સ્વામી બાહર અને ભીતરના સદ્‍ગુરુ વચ્ચે અભેદ સાધી રહ્યા છે. બાહર મળેલા સદ્‍ગુરુને ભીતર રહેલા સદ્‍ગુરુ સાથે ભેળવી રહ્યા છે. અમૃતનો ભરેલો પ્યાલો આંખ સામે છલોછલ છલકાતો પડ્યો હોય પણ એનો આનંદ તો આત્મસાત્‌ કરે તેને જ આવે. મુક્તાનંદ સ્વામી સદ્‍ગુરુને આત્મસાત્‌ કરી રહ્યા છે. સ્વામી સદ્‍ગુરુના પ્રભાવને સ્થૂળ શરીર સુધી સીમિત નથી રાખતા. સ્વામી પોતાના અંતરમાં સદ્‍ગુરુની પ્રતિષ્ઠા કરી રહ્યા છે. વીજળીના તારના બે છેડા ભેગા થાય ત્યારે જ પ્રકાશ થાય તેમ બાહર અને ભીતરના સદ્‍ગુરુ એક થાય ત્યારે જ અંતરમાં અજવાળાં થાય. મુક્તાનંદ સ્વામી સંતોમાં શિરોમણિ સંત છે. એમને બહારની આંખે પણ શ્રીહરિ અને સદ્‍ગુરુનાં દર્શન છે અને અંતરની આંખે પણ દર્શન છે. અંદર-બહારના ભેદ એમણે મિટાવી દીધા છે. સકલ જીવ જીવન કે માંહી, પૂર્ણ બ્રહ્મ જ્યોત દરસાત... સદ્‍ગુરુ ભીતર પ્રગટ્યા ત્યાં પૂરો માહોલ બદલાઈ ગયો. જે ઘટમાં દેખાયા તે ઘટ ઘટમાં દેખાવા લાગ્યા. અંતરમાં જ્યોત પ્રગટી તો અણુ અણુમાં જ્યોત પ્રગટી ગઈ. જેના હૃદયાકાશમાં રામનો ઉદય થાય એને ઘટ ઘટમાં રામ દર્શાય. અત્યાર સુધી જે માયામય ભાસતું હતું તે હવે રામમય દેખાવા લાગ્યું. આ બધો જ પ્રભાવ ભીતર સદ્‍ગુરુ પ્રગટાવવાનો છે. આ અલૌકિક અનુભવે સ્વામી અજાતશત્રુ થયા હતા. સ્વામીના જીવનના જાણકારો જાણે છે કે એ સંતે દ્રોહ કરનારાઓ પ્રત્યે પણ દ્વેષ કર્યો નહોતો. એમની ભિક્ષાની ઝોળીમાં ઝેર ભેળવનારા હતા. ચંદનના કટોરામાં વિષ ભેળવીને ભાલે ચર્ચનારા હતા પણ મીરાંબાઈને જેમ વિષને અમૃતમાં ફેરવનારા શ્રીહરિ સદાય એમના હૃદયમાં વિરાજતા હતા. જનમ જનમ કે બંધન કાટે, ચોરાશી લખ ત્રાસ મિટાયો... ભવબંધન સંસારીઓને જ બાંધે એવું નથી. ભલભલા સાધુ-સંન્યાસીઓ પણ માયાનાં બંધનોથી બંધાયા છે. સદ્‍ગુરુની કૃપાદ્રષ્ટિરૂપી કુઠાર એ પાશને પળ વારમાં કાપી નાખે છે. લખચોરાસીના ત્રાસ કંપારી છુડાવે એવા છે. વિવિધ કર્મોને આધીન જીવ વિવિધ યોનિઓમાં ભટકે છે. તે તે યોનિઓમાં પારાવાર યાતના ભોગવે છે. પ્રબળ પુરુષાર્થ કરવા છતાંય લખચોરાસીના જેલના દરવાજા ઊઘડતા નથી. પણ જો સદ્‍ગુરુની કૃપા થાય તો ક્ષાર વારમાં એના તાળાં ઊઘડી જાય છે અને મુક્તિનો મારગ મોકળો થાય છે. મુકતાનંદ ચરન બલિહારી, ગુરુમહિમા હરિ સે અધિકાઈ... કીર્તનની આ અંતિમ કડીઓને જોતાં એમ લાગે છે કે મુક્તાનંદ સ્વામીએ આ પદ સહજાનંદ સ્વામીને નહીં પણ રામાનંદ સ્વામીને અર્પણ કરેલું છે. મુક્તાનંદ સ્વામી માટે સહજાનંદ સ્વામી ઇષ્ટદેવ છે. રામાનંદ સ્વામી સદ્‍ગુરુ છે. સહજાનંદ સ્વામીનો સાચો પરિચય પામતાં પહેલાં મુક્તાનંદ સ્વામી સંશયોનાં અડાબીડ જંગલોમાં અટવાયા હતા પણ સદ્‍ગુરુ રામાનંદ સ્વામીએ દિવ્ય દર્શન આપી એમને આ જંગલમાંથી પાર ઉતાર્યા હતા. પોતાને સર્વથા નિ:સંશય કરનાર સદ્‍ગુરુનાં ચરણોમાં ઓવારી જતાં સ્વામી કહે છે, મુક્તાનંદ ચરન બલિહારી, ગુરુમહિમા હરિ સે અધિકાઈ... આ પદમાં અંતિમ પંક્તિ ‘ગુરુમહિમા હરિ સે અધિકાઈ...’ ખૂબ જ મનનીય છે. પરમાત્મા સર્વશ્રેષ્ઠ છે છતાં સંત-સાહિત્યમાં અનેક સ્થળે પરમાત્મા કરતાં પણ સદ્‍ગુરુનું સ્થાન શ્રેષ્ઠ હોવાની વાત મળે છે: ગુરુ ગોવિંદ દોનોં ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદ દીયો બતાય... સહજો બાઈએ પોતાના ગુરુ ચરનદાસનો મહિમા ગાતા કહ્યું છે, રામ તજુ મૈં ગુરુના બિસારું ગુરુ કી સમ હરિ કોન નિહારુ આ પદમાં સહજોબાઈ વ્યાજસ્તુતિ અલંકારથી શ્રીહરિ કરતાં પણ ગુરુને અધિક કહે છે. તુલસીદાસજીએ રામાયણમાં નામ અને નામની અનોખી તુલના કરી નામને નામી કરતાં પણ ઉત્તમ ગણેલ છે. નિર્ગુણ એહિ ભાંતિ બડ નામ પ્રભાવ અપાર, કહેઉ નામું બડ રામતે નિજ વિચાર અનુસાર. રામ એક તાપસ તિય તારી, નામ કોટિ ખલ કુમતિ સુધારી ભંજેઉ રામ આપ ભવ ચાપૂ, ભવ ભય ભંજન નામ પ્રતાપુ. નિશિચર નિકર દલે રઘુનંદન, નામુ સકલ કલિ કલુષ નિકંદન રામ ભાલુ કપિ કટક બટોરા, સેતુ હેતુ શ્રમ કિન્હ ન થોરા નામ લેત ભવસિંધુ સુખારી, કરહુ વિચાર સુજન મનમાંહિ મુક્તાનંદ સ્વામી પણ આ જ શૈલીથી ગુરુમહિમાનું ગાન કરે છે. શિષ્યના સંશયો હરવામાં સદ્‍ગુરુ અજોડ છે. ભગવાન સ્વામિનારાયણ પાસે કોઈ નવો મુમુક્ષુ આવે ત્યારે તેઓ કહેતા, ‘પહેલાં મુક્તાનંદ સ્વામી જેવા સદ્‍ગુરુનો સમાગમ કરો પછી અમારી પાસે આવજો.’ મુક્તમુનિ મુમુક્ષુના મનની ગ્રંથિઓને ગાળવામાં સમર્થ હતા. મુક્તમુનિ મુમુક્ષુની પાત્રતાને કેળવતા. એમાં જ્ઞાનનું નિર્મળ જળ ભરતા, પછી શ્રીહરિ પાસે મોકલતા. પરીક્ષિત કૃષ્ણલીલાનું પાન કરે. શ્રીકૃષ્ણ પરીક્ષિતનું કલ્યાણ કરે પણ પરીક્ષિતના મનના સંશયો તો શુકદેવજી જ હરે. કૃષ્ણ તો અવનવી લીલા કરી જીવને સંશયના જાળામાં ગૂંચવી મારે. ભગવાન માનવલીલાથી સંશયો સર્જે, ગુરુદેવ સંશયો દૂર કરે. ભગવાન ભવબંધનો સર્જે, ગુરુદેવ ભવબંધનો કાપે. ભગવાન માયા અને મોહ સર્જે, ગુરુદેવ માયામોહની જાળને ભેદે. ભગવાન અવિદ્યાનાં અવરણ સર્જે, ગુરુદેવ જ્ઞાનની જ્યોત પ્રગટાવે. આ બધી બાબતોમાં સદ્‍ગુરુ ભગવાન કરતાંય વધારે ઉપકારક છે. એક બીજી વાત છે ભગવાન ક્યારેક કઠોર થઈ શકે પણ સદ્‍ગુરુ તો કાયમ કરુણાસાગર જ રહે છે. માટે સ્વામી કહે છે. ગુરુમહિમા હરિ સે અધિકાઈ... પણ આનો અર્થ એ નથી કે ગુરુ ભગવાનથી મોટા છે. એક વાત સ્પષ્ટપણે સ્વીકારવી જોઈએ કે ગુરુ ગમે તેટલા મહાન હોય છતાં એ ક્યારેય ભગવાનનું સ્થાન ન લઈ શકે. સદ્‍ગુરુઓના ઇતિહાસ સામે દ્રષ્ટિ કરીએ તો સદ્‍ગુરુઓ હંમેશાં પરમાત્માના સેવક થઈને જ રહ્યા છે. સાચા સંતો શ્રીહરિને સમાન થવાની પણ ચેષ્ટા નથી કરતા તો અધિક થવાની વાત જ ક્યાં રહી? છતાં સંત-સાહિત્યમાં આવતી આ ગુરુમહિમા કે નામ-મહિમાની વાતને વ્યાજસ્તુતિ અલંકારના રૂપમાં જોવી જોઈએ. વ્યાજસ્તુતિ અલંકારની રીત જ ન્યારી છે. એમાં મુખ્ય વસ્તુને જાણીજોઈને ગૌણ બનાવવામાં આવે અને ગૌણ વસ્તુને જાણીજોઈને ભાષાના ચમત્કારિક ઢંગથી મુખ્ય બનાવવામાં આવે. પણ આખરે તાત્પર્ય તો મુખ્ય વસ્તુના મહિમાને જ શ્રેષ્ઠ સિદ્ધ કરતું હોય. તુલસીદાસને ખબર છે કે નામીના સંબંધ વગર નામનો કોઈ મહિમા નથી. વીજળીના તાર હોય પણ વીજળી જ ન હોય તો? શરીર હોય પણ પ્રાણ જ ન હોય તો? ગંગાજીનો મહિમા ભગવાન નારાયણનાં ચરણોના સંબંધથી છે. નામનો મહિમા નામના સંબંધથી છે. સદ્‍ગુરુનો મહિમા શ્રીહરિને હૃદયમાં અખંડ ધારવાથી છે. મુક્તાનંદ સ્વામીની આ પંક્તિ સમજાય તો અમૃત છે અને ન સમજાય તો મદિરાનો કુંભ છે. વધારે પડતા મહિમાના કેફથી ક્યારેક ગુરુઓ સ્વયં ભાન ભૂલી જતાં હોય છે. અથવા તો શિષ્યોની વેવલાઈ માઝા મૂકતી હોય છે. લોકેષણાના મોહથી ઘેરાયેલા ચિત્તવાળા ઘણા ગુરુઓ આવી પંક્તિઓના પ્રભાવે પરમાત્મા થઈને પૂજાવા માડે છે. મુક્તાનંદ સ્વામીની આ પંક્તિઓ એમને જ પચે છે જેમના ઇરાદા શુદ્ધ છે. બીજા માટે તે કાચા પારા જેવી છે. નંદ સંતોના અમર વારસા સમાન આ પદને ગાવું, સાંભળવું, માણવું અને મસ્તીમાં રહેવું. ભાગ્ય બડો સદ્‍ગુરુ મૈં પાયો...

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી
માલકૌંસ
શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન ભક્તિ ભાગ-૧
Live
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૧
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
સ‌દ્‌ગુરૂ વંદના
Studio
Audio
0
0