હરિ હૈયાના હાર છો, જીરે તમે હરિ હૈયાના હાર છો ૧/૯

હરિ હૈયાના હાર છો, જીરે તમે હરિ હૈયાના હાર છો;
			સેજ તણા શણગાર છો...જીરે૦ ટેક.
મુખથી શું ઘણું કહીએ મોહન રે, પ્રાણતણા આધાર છો...જીરે૦ ૧
વાલપણામાં અતિશે વહાલા રે, નટવર નંદકુમાર છો...જીરે૦ ૨
દુરિજનિયાને દૂર ઘણા છો રે, પ્રેમી તે જનના પ્રાણ છો...જીરે૦ ૩
મુક્તાનંદ નરનાટક ધારી રે, શરણાગતના સાર છો...જીરે૦ ૪
 

મૂળ પદ

હરિ હૈયાના હાર છો, જીરે તમે હરિ હૈયાના હાર છો

મળતા રાગ

ગરબી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ઉત્પત્તિ

ઉત્પત્તિઃ- કાશીના વિદ્વાનોની ગરજ સારે તેવા વડોદરાના પ્રકાંડ પંડિતોની સાથે ગહન શાસ્ત્રાર્થ કરી, અદ્ભુત દિગ્વિજય મેળવી, મુક્તાનંદ સ્વામી ગઢપુર આવ્યા. ત્યારે શ્રીજી મહારા���ે સ્વામીની અતિ પ્રશંસા કરી. તેથી નિર્વિકલ્પાનંદ અને હર્યાનંદને સ્વામીની અદેખાઈ આવી. ઈર્ષ્યાના આવેશમાં ન બોલવાનું બોલી ગયા. તે બન્નેનું આવું અમર્યાદિત વર્તન જોઇ શ્રી હરિ ઉદાસ થઈ ગયા. અમે પણ જેને ગુરુ માનીએ છીએ તેવા મહાન સંતની સાથે પણ આટલો બધો રોશ? એમની સાથે પણ બરોબરિયાપણું ! એકબીજાની સાથે રાગ, દ્વેષ, ઈર્ષ્યા અને અદેખાઈ રહેતા હોય, નાના-મોટાની મર્યાદાનો ભંગ થતો હોય, એકબીજાનું સન્માન સહન ન થઈ શક્તું હોય તો તેવા સમાજમાં રહેવું તે વ્યર્થ છે. આટઆટલો અમારો સમાગમ કર્યા પછી પણ જો આવા અયોગ્ય સ્વભાવ રહી જતા હોય તો અમારે અહીં રહેવાનું શું કામ? માટે અમે તો હવે વનમાં ચાલ્યા જઈશું. આમ, ગંભીર વદને આંખોના આંસુ લૂછતા-લૂછતા શ્રી હરિએ કહ્યું. આનંદનાં વાતાવરણમાં ગ્લાની પ્રસરી ગઈ. સૌના હૈયા કકળવા લાગ્યા. આંખો નીચી ઢળી ગઈ. ત્યાં શ્રીહરિ સભામાંથી ઊઠી અક્ષર ઓરડીમં જતા રહ્યાં. રિસાયેલા રસીલાને જતા જોઈ સૌના પેટમાં ફાળ પડી. જરૂર મહારાજ ચાલ્યા જશે. ધીમે રહી મોટા સંતોએ મનાવ્યા પણ મનોહર માવ માન્યા નહીં. નાના સંતોએ નિર્માનીપણે વિનવણી કરી કે ‘હે પ્રભુ! આપના વિના અમો કેમ જીવી શકીશું ? અમે તો અનાદિના અપરાધી છીએ, પ્રભુ ! કૃપાનાથ કરુણા કરી અમારા ગુન્હા માફ કરો. તમે જેમ કહેશો તેમ જ અમે કરીશુ. આપના વેચ્યા વેચાઈ પણ જઈશું. પણ આપ અહીં રહો. મોટીબા આદિક સ્ત્રીઓએ પણ કહેવડાવ્યું કે અમારી સેવા ભક્તિમાં ભૂલ થઈ હોય તો હે દયાળુ ભગવાન! અમને ક્ષમા કરો. આમ, કોઈ રડે છે. કોઈ કળકળે છે, કોઈ વિનંતી કરી વહાલાને વિનવે છે. પણ કોઈથી અવિનાશીની ઉદાસીનતા ટળી નહીં. પકડ્યું મૂક્યું નહીં, એ ભગવાનની અનાદિ ટેવ હોય છે. જગતની ઉત્પત્તિ કરી પ્રલય કરવામાં પ્રભુને પાપનો ડર નથી હોતો તો પોતાના પાછળ કોઈ પ્રાણ તજી દે તેની ચિંતા ક્યાંથી હોય? હર વખત કરતા આ વખતની ઉદાસીનતા સૌને કઠોર લાગી. મહિનાઓ સુધી મહારાજ ઉદાસીનતામાં રહ્યા. અંતે કંટાળીને મોટીબાએ કહેવડાવ્યું કે હઠીલા હરિને જો જવું જ હોય તો સારાયે સત્સંગની રજા લઈને ભલે જાય. આ વાત શ્રીહરિને ગમી. તેથી આદ્રેજમાં અન્નકુટનો મોટો ઉત્સવ કરવો, અને ત્યાં સૌ સાધુ-સત્સંગીઓને તેડાવી તેમની રજા લઈને જ જવુ, તેમ નક્કી કર્યુ. પછી સંતો ભક્તોને સાથે લઈ ઉદાસીન પ્રભુ આદ્રેજ પધાર્યા. કોઈની સાથે પ્રેમથી બોલતા નથી, પૂરુ જમતા નથી, અને નિરાંતથી ઊંઘતા પણ નથી. મહારાજની મુખમુદ્રા વધુને વધુ ગંભીર બનતી જાય છે. શરીર સુકાતુ જાય છે. આ જોઈ ધીરજતાનો ડુંગર, સૌની ઢાલ અને સારાયે સત્સંગની ‘મા’ એવા મુક્તાનંદસ્વામીની ધીરજ ખૂટી. એ ધીર પુરુષનાં અંતરમાં વિચારોના વાદળાં ચડ્યાં. ગંભીર અંતરાકાશમાં પણ આજે વિયોગના વિચારે ખળભળાટ મચાવ્યો છે. એ દિવાળીના દિવસોએ સૌનાં દિલ દઝાવી દીધાં. પાણીની જેમ ફટ-ફટ ફૂટતા ફટાકડાએ એ ભગવાનસુના ભક્તોના ભીતરમાં ભડાકા કરી કાળો કેર વર્તાવ્યો છે. એ દીપાવલીના દીપોની જ્યોત આજે પ્રકાશના બદલે અંધકાર પાથરી રહી છે. સંવત ૧૮૮૧ ની મધ્યરાત્રી થઈ છે. ભક્તરાજ રતુખાંટના આંગણામાં બેઠેલા ભગવાનનાં લાડીલા સંત મુક્તાનંદ સ્વામી વિચારી રહ્યા છે કે, લાડીલા લાલના લાડ આપણા હાથથી ગયા. નથી સમજાતુ કે ભગવાનની શી મરજી છે? ભક્તના દોષ સામું જો ભગવાન જોશે તો બંધ નહીં બેસે. અરે! આખો સત્સંગ મને ‘મા’ તરીકે માને છે. તો શું ‘મા’ ની હાજરીમાં બાળકો બાપ વિનાના બની જશે? અને જો એમ જ થાય તો મારું માતૃત્વ શા કામનું? વળી. ઉદ્ધવ સંપ્રદાયનું ઓઢણું આઘું ખસતાં આજ દિન સુધીનું કર્યું-કારવ્યું બધું ધૂળમાં મળી જશે. વિઘ્ન સંતોષીઓના વિરોધનો વંટોળ વધુ પ્રબળ બનશે. અરેરે પ્રભુ! આપ સર્વજ્ઞ હોવા છતાં આ શો ખેલ માંડ્યો છે! મારા અપમાનની મને અસર નથી. આપને આટલી બધી અસર શાની?’ પ્રભુ! પ્રભુ! હવે મનની આંટી મેલો. હે દયાળુ! હે દીનબંધુ! અમ ઉપર કાઈક દયા કરો. આમ, સ્વામી વલોપાત કરી રહ્યા છે. આંખમાંથી ચોધાર આંસુઓ ચાલ્યા જાય છે. સરોદ પરથી આંગળીઓ સરકતી જાય છે. એવામાં વળી, અંતરનાં ઉંડાણમાંથી પોકાર ઊઠ્યો, કે મુક્તાનંદ! આ ….જ પ્રભુને તે લોજમાં રોકી દીધા હતા! તીર્થાટનનાં દ્રઢ ટેકીલા નીલકંઠને નિર્માનીપણું અને સાધુતાનાં ગુણથી વશ કરી દીધા હતા મુક્તાનંદ! તો શું આજે એ નીલકંઠમાંથી નારાયણ બનેલા નર પ્રભુને નમાવી કહેતાં નરમ નહીં કરી શકે ? શું કાયમને માટે સત્સંગમાં સ્થિર નહીં કરી શકે ? અંતરનાં આર્તનાદથી ભાવબીના બનેલા સ્વામીનાં હૈયામાંથી હેતની સરવાણીઓ ફૂટી કે, હે હરિ! તમે તો અમારા હૈયાનું હીર છો હીર. હૈયાના હાર છો. પ્રભુ! અમારી પ્રેમ સેજના શણગાર સહજાનંદ! અમને છોડી ક્યાં જશો? કહો અમને છોડી ક્યાં જશો? આમ, હેતના હૈયામાંથી નીકળતી હેત-સરવાણીએ કીર્તનનું સ્વરૂપ પકડ્યું ને જોતજોતામાં એ શબ્દો ચાર પદના ચોકઠામાં ગોઠવાઈ ગયા. કહેવાય છે કે એ નૂતન વર્ષના પ્રથમ દિનનાં પ્રભાતમાં રાત્રિએ રચેલ એ કીર્તનને મુક્તાનંદ સ્વામીએ વિયોગાત્મક દર્દીલા સ્વરે એવી રીતે ગાયું કે આદ્રેજના અન્નકુટમાં આવેલ અનંત ભક્તોની આંખોમાંથી એવી એક પણ આંખ નહોતી કે જેમાંથી આંસુને બદલે લોહી ન ટપક્યું હોય. અરે! ખુદ અનાદિના આળવિતરા અવિનાશી પણ મુક્તમુનિનાં ભાવભીના કીર્તનથી ઓગળી જઈ પ્રેમભીનો પાતળીયો બોલી ઊઠ્યા કે, ‘સ્વામી! રાખો, રાખો હવે અમે સત્સંગમાં જરૂર રહેશું. તમારું હેત જોઈને હું પણ હળવો થયો છું.’ વાંચકો! આ કીર્તન એ છે કે જેને હઠીલા હરિવરને પણ હળવાફૂલ બનાવી દીધા.

વિવેચન

ભાવાર્થઃ- હે પ્રભુ ! તમે તો અમારા હૈયાના હાર છો. કહેતા જીવન પ્રાણ છો. પ્રેમરૂપી પથારીના શણગાર છો. IIટેકII હે મહારાજ ! અમારા નજીવા એક મુખથી અમે આપને કેટલું કહીએ? આપ તો અમારા જીવનું જીવન, શરીરની શક્તિ અને આત્માનું ચૈતન્ય છો. II૧II આ જગતમાં આપથી અધિક વહાલું બીજું કોઈ નથી. હે ધર્મકુમાર! આપ જ વહાલાંમાં વહાલા છો. II૨II મારા નાથ! દુર્જનને માટે આપ દૂર છો અર્થાત દૂર થાઓ એ બરાબર પણ પ્રેમીજનોના તો આપ પ્રાણ છો, આધાર છો. II3II મુક્તાનંદસ્વામી વિનંતી કરતા કહે છે કે “હે મનુષ્યતન ધારી ભગવાન! શરણાગત ભક્તના તો આપ તારણહાર છો. તો પછી શરણે આવેલા એવા અમોને છોડીને જવાનું ‘પણ’ શા માટે લીધુ છે. II૪II રહસ્યઃ- પદ સુગેય , સરળ અને વિરહાત્મક છે. આ ઢાલ વિલંબિત છે. તાલ હીંચ છે. પદનો રાગ લાંબા ઢાળે ગવાતી ગરબીનો છે. કવિની અંતર વેદના શબ્દે શબ્દમાં વણાણી છે. ‘પ્રેમી તે જનનાં પ્રાણ છો.’ ‘શરણાગતના સાર છો.’ અને અમારા સૌના પ્રાણાધાર છો. જેવી ઉક્તિઓમાં હેતની પરાકાષ્ઠાનું અને ગામ આદ્રેજના અન્નકુટમાં બિરાજેલા ઉદાસીન પ્રભુના પ્રસંગનું દર્શન થાય છે.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
1
4
 
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન ભક્તિ ભાગ-૧
Studio
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હેમંત ચૌહાણ

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

પરંપરાગત (સ્વરકાર)
સ્વામિનારાયણ હરિ હરિ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર, વડતાલ, તા.નડિયાદ, જી.ખેડા ફોન.+૯૧ ૨૬૮-૨૫૮૯૭૭૬/૭૨૮

પરંપરાગત (સ્વરકાર)
સ્વામિનારાયણ ગુણગાન
Studio
Audio
0
0