આંખડલી શરદસરોજ, રસીલા લાલની ૩/૪

આંખડલી શરદસરોજ, રસીલા લાલની;
		દેખી મનડું પામે મોહ, તિલક છબી ભાલની...૧
નાસા સુંદર દીપ સમાન, અધિક શોભી રહી;
		મુખ નીરખીને શશિયર જ્યોત, ગગન ઝાંખી થઈ...૨
લીધી લટકાળે નંદલાલ, કે હાથ કબાણને,
		એની ચટક રંગીલી ચાલ, હરે મન પ્રાણને...૩
કાજુ મોતીડે જડીત કટાર, કમર કસી લીધલો;
		નીરખી બ્રહ્માનંદ કહે જન્મ, સુફળ મારો કીધલો...૪
 

મૂળ પદ

હેલી જોને આ નંદકુમાર, સલૂણો શોભતા

મળતા રાગ

ધોળ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

વિવેચન

ભાવાર્થઃ- ઉપરોક્ત કીર્તનનું આ ત્રીજું પદ છે. કવિ ભગવાનની આંખને શરદૠતુના કમલની સાથે સરખાવે છે. કવિ કહે છે કે ભાલનું તિલક જોઈને મારું મનડું મોહ પામે છે. નાસાગ્રનો ભાગ સુંદર દીપજ્યોત સમાન શોભે છે. II ૧II આકાશગામી ચંદ્રની જ્યોત સહજાનંદનાં મુખનાં નીકળતાં કિરણોથી ઝાંખી થઈ જાય છે. કારણ કે આજે લટકાળા નંદલાલે હાથમાં કરડી કબાણ ચડાવે છે. એ તીરકામઠાંથી શોભતી મૂર્તિની ચટકરંગીલી ચાલ ભક્તોનાં મન અને પ્રાણને હરી લે છે. એટલું જ નહીં કામદેવ પણ આ મનમોહક મૂર્તિને ભાળીને ભ્રમિત થઈ જાય છે. II૨થી૩II સુંદર મોતીએ જડેલા મ્યાનમાં કઠોર કટાર કેડે કસીને બાંધેલો છે. જે કટારની તીક્ષ્ણ ધારથી બ્રહ્માનંદસ્વામી કહે છે કે મારા જન્મોજન્મનાં પાપોને કાપીને આ જન્મને સુફળ કર્યો છે II૪II રહસ્યઃ- પદ સુગેયતાની દ્રષ્ટિએ અતિ સરળ છે. ધોળના ઢાળમાં ઢાળનો આભાસ થાય છે. પદ શૃંગાર, વીર અને રૌદ્ર રસસભર છે. હલકદાર શબ્દોથી પદની ભાવોક્તિ વધુ ભભકી ઊઠે છે. વિલંબિત લગ્નઢાળમાં તાલ દીપચંદીનો સુંદર ઉઠાવ આવે છે. એ ન્યાયે પ્રસ્તુત બંને પદોમાં લય-વિલંબિત, ઢાળ લગ્નઢાળ અને તાલ દીપચંદીનો ત્રિવેણી સંયોગ કવિએ કોઈ અદ્ભુત રીતે કર્યો છે.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
નિર્વેશ દવે

અજાણ (પ્રકાશક )

પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0