ઉત્પત્તિ:
શ્રીજીમહારાજે ફક્ત બાર રૂપિયા આપીને બ્રહ્માનંદ સ્વામીને વડતાલમાં મંદિર કરવા માટે મોકલ્યા હતા . મહારાજે તો ત્યાં એક શિખરનું નાનું સરખું મંદિર બાંધવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પણ બ્રહ્મમુનિએ તો યેનકેન પ્રકારેણ મહારાજને રાજી કરી લઈને ભારે જહેમત લઈને ત્રણ શિખરનું કમળ આકારનું ભવ્ય મંદિર બંધાવ્યું .
આ મંદિરનું બાંધકામ ચાલતું હતું એ અરસામાં મારવાડ પ્રદેશમાં ભયંકર દુષ્કાળ પડવાથી એ દેશના ઘણા લોકો ગુજરાત તરફ ગુજરાન માટે આવેલા. બ્રહ્માનંદ સ્વામીના પૂર્વાશ્રમની જન્મભૂમિ ખાન અને એની આજુબાજુના પ્રદેશમાંથી પણ એમનાં જ્ઞાતિજનો અને સંબંધીઓ એ અરસામાં રોજી રોટીનું સાધન શોધતા વડતાલ આવી ચડેલા. તેમાંથી કેટલાક મંદિરના બાંધકામના કામમાં મજૂરી કરી પોતાનો નિભાવ કરતા હતા.
સાત આઠ મહિના મંદિરનું કામ ચાલ્યું ત્યાં તો ચોમાસું આવ્યું, એ ચોમાસે મારવાડમાં વરસાદ સારો થયો. એટલે એ મારવાડી સલાટ કારીગરો તથા મજૂરોએ પોતાના વતનમાં પાછા ફરવાનો વિચાર કર્યો. એમણે બ્રહ્માનંદ સ્વામી પાસે રજા માગી, પણ સ્વામીએ મંદિરમાં પ્રતીષ્ઠા ઉત્સવનાં દર્શન કાર્ય પછી જવાનું કહ્યું. પરિણામે એ બધાં મંદિરમાં ત્યાં સુધી રોકાયા.
સં. ૧૮૮૧ની પ્રબોધિનીએ વડતાલના મંદિરમાં મૂર્તિઓની પ્રતીષ્ઠા થઈ.
આ પ્રસંગે કેટલાક વિઘ્નસંતોષીઓએ ઈર્ષાના આવેશમાં મહારાજ પાસે જઈને ફરિયાદ કરી ‘મહારાજ! બ્રહ્માનંદ સ્વામી તો આં દેશમાં ભગવાન થઈને પૂજાય છે. તેમના દેશના લોકોને તથા સગાસંબંધીઓને તેડાવીને મંદિરમાં રાખે છે. અત્યારથી ચેતીશું નહિ તો તે સૌ મંદિરના ધણી થઈને બેસી જશે. માટે ધ્યાન રાખવા જેવું છે.’
મહારાજ તો અંતર્યામીપણે સઘળી હકીકત જાણતાં હતા. પરંતુ બ્રહ્માનંદ સ્વામી માટે આ ખોટી ઉપાધિ ઊભી થઈ હતી તે એમણે ટાળવી હતી.૧(ભક્તચિંતામણિમાં સ.ગુ. નિષ્કુળાનંદ સ્વામી આ પ્રસંગનો ઉલ્લેખ કરતાં લખે છે‘આવી’તી બ્રહ્માનંદ ભાગ્ય , તે ઉપાધિનો કરાવ્યો ત્યાગ; એવે સમામાં વિઘ્ન ટાળી , નિજ સમીપને સેવા આપી.’;) એટલે મહારાજે બ્રહ્માનંદ સ્વામીને બોલાવીને કહ્યું: “સ્વામી બહુ સારા મંદિર થયા. તમે તો તમારું તમામ કલા કૌશલ્ય આ મંદિર નિર્માણ કરવામાં વાપરી દીધું , બહુ જ ભક્તિભાવથી કાર્ય કર્યું, પરંતુ તમારા જેવા વિદ્વાન કવિરાજ આવા વ્યવહાર કાર્યમાં જ જો પ્રવૃત બની રહે તો પછી સંપ્રદાયની પુષ્ટિ જે સત્સંગ સાહિત્યથી થવી જોઈએ એ અટકી જાય. અમારા સ્વરૂપના , મહિમાના , ભક્તિનાં જે પદ તમે રચતા હતા તે કામ કેટલાય વખતથી બંધ થઇ ગયું છે. મંદિરથી કીર્તન અધિક છે.૨(શ્રીહરિચારિત્રામૃત સાગર : ( પૂર ૨૮ ; તરંગ ,૭૦ )) ભગવાનની મૂર્તિની શોભા અને ચરિત્ર તમે કીર્તનમાં એવા ગાતા કે સાંભળનારના અંતરમાં મૂર્તિ ચોંટી જાય! માટે હવે તમે આ બધો કારભાર છોડી અમારી સાથે ગઢડા ચાલો ને સુખેથી ભગવાન ભજી અમારા ગુણાનુવાદ ગાઓ.” આમ કહી મહારાજે વડતાલ મંદિરનો બધો કારભાર સ.ગુ. અક્ષરાનંદ સ્વામીને ત્યાંના મહંત નીમીને સોંપ્યો.”( શ્રીહરિચારિત્રામૃત સાગરમાં એવો ઉલ્લેખ છે કે આ પ્રસંગે મહારાજે વડતાલ મંદિરના મહંત સ.ગુ. આનંદાનંદ સ્વામીને બનાવ્યા હતા. (પૂર ૨૮; તરંગ ૭૦))
બ્રહ્માનંદ સ્વામી મહારાજનો હેતુ સમજી ગયા. એમને થયું, મહારાજ મારું કેટલું ધ્યાન રાખે છે! મા દીકરાની સાંભળ રાખે એમ મહારાજ મારા કલ્યાણની માવજત કરે છે.
આ પ્રસંગે સ્વામીને વર્ષો પહેલાંની એક વાત યાદ આવી ગઈ. પોતે લાડુદાનમાંથી નવેસવા સાધુ થયા હતા . એ અરસામાં એમનાં પૂર્વાશ્રમના માં-બાપ એમણે સમજાવી ઘેર લઈ જવા ગઢપુર આવ્યા હતા.ત્યારે પોતે તેમને ઘેર જવાની સ્પષ્ટ નાં પડતાં એમની માતા છાતીફાટ રડેલાં. મહારાજે એ પ્રસંગે સભામાં એમની માતુશ્રી લાલુબાને આશ્વાસન આપતાં કહેલું: “લાલુબા ! અમે તમારા દીકરાની માં બની એમની સંભાળ લઈશું અને એમને કોઈ રીતે કષ્ટ પડવા નહિ દઈએ.” આજે મહારાજ એમનું એ વચન સત્ય કરી રહ્યા હતા. બ્રહ્મમુનિની આંખોમાં મહારાજની આ કરુણાને કારણે આંસુ આવી ગયાં. એમનું અંતર પોકારી ઉઠ્યું : ‘ મહારાજ ! માવડીની જેમ આપે મારી સંભાળ ન લીધી હોત તો આ વ્યવહારમાં હું ક્યાંયે ખોવાઈ જાત!’
મહારાજને પાસે ઊભા ઊભા બ્રહ્મમુનિ કરુણાકરની કરુણાનો તાગ કાઢવા મથતા હતા ત્યાં તો મહારાજનો મધુર સ્વર સંભળાતાં એ વિચાર તંદ્રમાંથી જાગી ગયા. આગળની વાતના અનુસંધાનમાં એમણે એ જ મહારાજને કહ્યું: ‘ ભલે મહારાજ ! મારે તો આપની આજ્ઞા એ જ જીવન છે. હું આપની મૂર્તિ સિવાય બીજે ક્યાંય બંધાવા ઈચ્છતો નથી. મારી ઝોળી મેં તૈયાર જ રાખી છે.’ મહારાજ તેમની સરળતાથી , આજ્ઞા પાળવાની તત્પરતાથી ખૂબ પ્રસન્ન થયા .*( શ્રી બ્રહ્મસંહિતા – સં. રાજકવિ માવદાન)
બીજે દિવસે વડતાલથી મહારાજ સાથે સંઘમાં બ્રહ્મમુનિ પણ ગઢડા જવા નીકળ્યા . રસ્તામાં સીંજીવાડે રાત રોકાયા . બીજે દિવસે પ્રાત: કાળે નિત્ય વિધિ પતાવી સ્વામી અંતરમાં મહારાજની મૂર્તિનું ધ્યાન કરવા બેઠા. પરંતુ અફસોસ ! જે મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી તેની ઝાંખી પણ આજે આટલા પ્રયત્ને દુર્લભ થઈ. મહારાજની કોઈ આજ્ઞા લોપાઈ કે થયું શું? વિચારને અંતે એમને સમજાયું કે અહંમમત્વથી કરેલું વ્યવહારનું પ્રત્યેક કાર્ય વિક્ષેપકારક છે. પછી ભલેને એ મંદિરનું જ કામ હોય! જે અંતરમાં મહારાજ રહેતા હોય એમાં પણ વ્યવહાર પ્રત્યેનું મમત્વ એક પ્રકારનો અંતરાય ઊભો કરે છે. સ્વામીના નેત્રો સજળ થયાં , હૃદય ભરાઈ આવ્યું. પશ્ચાતાપનાં આંસુએ અંતરની સિતારી ઝણઝણાવી મૂકી . એમનાં આર્તનાદને પ્રાત:કાળને અનુરૂપ પ્રભાતી પદમાં એમણે મુખરિત કર્યો.
‘અધમ ઉદ્ધારણ અવિનાશી, તારા બિરદની બલિહારી રે :
ગ્રહી બાહ્ય છોડો નહિ હરિવર , અવિચળ ટેક તમારી રે .’
આંખમાંથી અશ્રુધારા અવિરતપણે વહી જતી હતી, પશ્ચાત્તાપના એ આંસુમાં અંતરનો વિક્ષેપ પણ વહી ગયો. સ્વામીનુ કવિહૃદય દીનભાવે પ્રેમાસ્પદ પ્રભુને પ્રાર્થી રહ્યું, મહારાજને એમની અવિચળ તકની આગળ ગાવા લાગ્યા:
‘ભરી સભામા શ્રીહરીજી તમે, થયા છો માડી મારી રે ;
બેટાને હેતે બોલાવો, અવગુણિયા વિસારી રે.’
જેમ જેમ સ્વામી આ પદ ગાતા ગયા તેમ તેમ અંતરમાં આનંદ ને પ્રકાશ આવિષ્કાર પામતા ગયા ને અંતે –
‘બ્રહ્માનંદની એ જ વિનંતી, મન ધારીએ સુખકારી રે ,
પ્રીત સહિત દર્શન પરસાદી, જોયે સાંજ સવારી રે.’
આ છેલ્લા ચરણના આલ્પ સાથે શ્રીજીમહારાજની દિવ્ય તેજોમય મૂર્તિનાં દર્શન અંત:કરણમાં થવા લાગ્યાં. સ્વામીના આનંદનો પાર ન રહ્યો. આંખો ખોલી તો એમનું કીર્તન સાંભળીને પ્રાત;કાળે ઊઠીને મહારાજ એમની સામે આવીને બેઠા હતા. મહારાજને જોતાં જ સ્વામી ઊભા થઈ દંડવત્ પ્રણામ કરવા લાગ્યા. મહારાજે બહુ હેતપૂર્વક સ્વામીની આંખોનાં આંસુ લૂછ્યાં ને પછી પ્રગાઢ આલિંગન આપી અત્યંત પ્રસન્નતા બતાવી.
ઉત્પતિ ૨
ઉત્પત્તિઃ- વડતાલમાં મંદિર બંધાવવા માટે ફક્ત બાર રૂપિયા વાટ ખર્ચના આપી સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામીને શ્રીજી મહારાજે વડતાલ મોકલ્યા. સ્વામીમાં શિલ્પકળા પણ અદ્ભુત હતી. એટલે જોતજોતામાં નવ શિખરનું નવ્ય–ભવ્ય નૂતન મંદિરનું નિર્માણ કરી લક્ષ્મીનારાયણદેવ તથા હરિકૃષ્ણસ્વરૂપે પ્રત્યક્ષ સ્વયં શ્રીહરિની મૂર્તિની પણ પ્રાણપ્રતિષ્ઠા શ્રીજી મહારાજને હસ્તે જ કરાવી. કહેવાય છે કે એ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રસંગે રોકડા પચીસ હજારની ભેટ આવેલી. અને વસ્તુસ્વરૂપે આવેલી ભેટ સોગાદની તો કોઈ ગણતરી જ થઈ શકે તેમ નહોતી. અદ્ભુત અને અનેક ચૈતન્ય મંદિરો તેમ જ પથ્થરનાં મંદિરો પૂર્ણકળા કૌશલ્યથી બંધાવનાર સદ્ગુરુ બ્રહ્માનંદસ્વામીનાં જીવનમાં એક વિચારણીય ગંભીર પ્રસંગ બનેલો. જેની નોંધ સદ્ગુરુ નિષ્કુળાનંદસ્વામી ભક્તચિંતામણિમાં આ રીતે લે છે. “આવી’તી બ્રહ્માનંદને ભાગ, તેહ ઉપાધી કરાવી ત્યાગ, નિરબંધનું બંધન કાપી, નિજ સમીપની સેવા આપી.” બ્રહ્માનંદસ્વામી વડતાલનું મંદિર બંધાવતા હતાં, એ સમય દરમિયાન મરુભૂમિ મારવાડ પ્રદેશમાં ભયંકર દુષ્કાળ પડવાથી એ દેશના ઘણાંક લોકોની સાથે સ્વામીની જન્મભૂમિ ખાણ ગામના જ્ઞાતિજનો અને સંબંધીઓ ગુજરાત પ્રદેશમાં ગુજરાન માટે આવેલા હતા. તેમાંના કેટલાક વડતાલમાં બંધાતા મંદિરમાં મજૂરી કરી દેહનિભાવ કરવા મંદિરમાં રહ્યાં હતા. ત્યારે કોઈ વિઘ્ન સંતોષીઓએ રાગ, દ્વેષ, અને ઇર્ષ્યાના ભાવથી શ્રીજી મહારાજને અગડંબ-બગડંબ ભરાવેલ કે. ‘બ્રહ્માનંદસ્વામી તો ગુજરાતના ભગવાન થઈને પૂજાય છે. વળી, તેમના મારવાડ દેશનાં પોતાનાં સંબંધીઓને તેડાવી મંદિરમાં રાખ્યાં છે. મહારાજ! એવું પણ સંભળાય છે કે સ્વામી વડતાલનું મંદિર સંબંધીઓને સોંપી દેવાના છે.’ આવી વા વેગે દેવાતાં કમાડની વાત સાંભળી ગાડરિયા પ્રવાહની જેમ વહેતા સમાજની પ્રત્યે શ્રીજી મહારાજને અતિશય ધૃણા થઈ. એટલું જ નહીં, પરંતુ અતિશય દુઃખ પણ થયું. કદાચ સમાજ તે ગોળ ખોળ એક કરી દે, પણ આટઆટલો અમારો અને સંતોનો સમાગમ કરેલા સત્સંગીઓને પણ સત્-અસત્ની પિછાણ નહીં એ કેટલી અસહ્ય બાબત કહેવાય? અંતર્યામી પ્રભુ તો સઘળું જાણતા હતા. છતા સૌને જણાવવા માટે માનુષી ચરિત્ર કરતાં થકા શ્રીહરિએ વડતાલ આવી સભામાં જ બ્રહ્મમુનિને કહ્યું કે,‘સ્વામી ! મંદિરનાં કામ તો સૌ કરશે, પણ અમારા કાવ્ય કીર્તનો કોણ કરશે ? માટે આપ જેવા શીઘ્ર કવિ પથ્થરનાં મંદિર કરે એ કરતા કાવ્ય મંદિર કરે એ જ વધુ યોગ્ય ગણાય. આમ, મરમાળાએ માર્મિક્તાથી સંબોધીને વાત કરી. એટલે બ્રહ્માનંદસ્વામીએ તે સભામાં જ ઊભા થઈને કહ્યું, ‘પ્રભુ! આપ અચકાવ છો શા માટે ? આપની ઈચ્છા પ્રમાણે આ દાસને જે આજ્ઞા કરવાની હોય તે કરી દો’ એટલે શ્રીહરિએ કહ્યું કે ‘સ્વામી ! બીજું તો કાંઈ નહીં પણ આપના વિના સંગીત સરવાણીઓ અને કાવ્યકુસુમની ફોરમ ઓસરી ગઈ છે. એટલે આપ અમારી સાથે ગઢડા આવો.’ આજ્ઞા થતાં જ પોતે ન જતાં સંતો પાસે જ પોતાનો ઝોળી ઝંડો મંગાવી સભામાંથી જ શ્રીહરિની સાથે ચાલવા તૈયાર થઈ ગયા. લાંબા સમયથી સખત પરિશ્રમ સાથે મમત્વપૂર્વક નવશિખરવાળું અને દશાવતારનાં સ્થાનોવાળું દરિયા જેવડું દિવ્ય મંદિર ચણાવતાં, હજારો રૂપિયાનો વ્યવહાર કરવાં છતાં, જળકમળવત્ રહેનાર એક મહાન સંત ઉત્સવમાં આવેલ રકમનો, મંદિરના અનેક વ્યવહારિક પ્રશ્નોનો કોઈ પણ જાતનો ઉકેલ નહીં કરતાં શ્રીજી આજ્ઞા શિરે ચડાવી સંધ્યાકાળે સહજાનંદસ્વામીની સાથે હસતા મુખે સૌને ઊંચે સાદે ‘જય સ્વાવિનારાયણ’ કહી વડતાલથી ચાલી નીકળ્યા. એ કાંઈ સામાન્ય બાબત નથી. શ્રીહરિએ કહ્યું કે ‘સ્વામી ! તમે સિંજીવાડા થઈ સત્સંગ વિચરણ કરતા કરતા ગઢપુર આવજો. અમે સીધા જઈએ છીએ.’ એટલે સ્વામી મંડળ સાથે સિંજીવાડા રાત્રિ રહ્યા પણ આખી રાત સ્વામીને ઊંઘ ન આવી. મનમાં ચર્ચરાટ થવા લાગ્યો. મારાથી કંઈ ભૂલ થઈ ગઈ હશે ? હે પ્રભુ ! જાણે અજાણે થયેલા અપરાધને ક્ષમા કરજો. આમ, શ્રીહરિની મૂર્તિને સંભારી ક્ષમા યાચનાનાં પદો ગાવા લાગ્યા. સ્વામી જ્યારે જ્યારે મૂર્તિનાં કીર્તનો ગાતા ત્યારે શ્રીહરિના પ્રત્યક્ષ દર્શન થતાં. તેથી તેઓ હંમેશા બ્રહ્મઆનંદમાં જ રહેતા. પરંતુ આજે એક, બે, ત્રણ એમ અનેક સ્તુતિ કીર્તનો નવાં રચી રચીને ગાયા છતા શ્રીજીની મૂર્તિનાં દર્શન ન થયાં તેથી સ્વામી બહુ અકળાયા. ને મનમાં બહુ ઉદ્વેગ થવા લાગ્યો. કે શું મારા ઉપર શ્રીજી મહારાજ નારાજ થયા હશે ? શું મારી વ્યવહારિક કોઈ કસર કે પંચવર્તમાન સંબંધી કોઈ ભૂલ થઈ હશે ? કે જેથી પ્રગટ પ્રભુ આજે દર્શન નથી આપતા! આવા અનેક તર્ક - વિતર્કથી મનમાં ખેદ પામતા બ્રહ્મમુનિએ આખી રાત્રિ પ્રાર્થનાનાં પદો ગાયા પણ શ્રીજીના દર્શન થયાં નહીં. એટલે વિયોગની વાદલડી માજા મૂકી વરસી પડી. પ્રાતઃકાળ થતાં પ્રાર્થનાનું એક પ્રભાતી ચોસર ગદ્ગદ્ કંઠે ગાવા લાગ્યા કે, “મે વારી તવ પર મહેરમ મતવાલા, પીર મિટાયે દીનકી તુમ દીન દયાલા.’ સ્વામી ચોથા પદમાં કહે છે કે ‘ જેહિ વિધિ રાજી નાથ તુમ. તેહિ વિધિ હમ રાજી, હાર-જીત વૃદ્ધિ હાનકી , તુમરે હાથ બાજી.’ આર્તનાદથી પદ ઉપર પદ ગાઈ સ્વામી શ્રીજીને પ્રાર્થી રહ્યાં છે. પણ આજે દીનદયાળુ સ્વામીની ધીરજની કસોટી કરવા દર્શન દેતા નથી. સ્વામીનો વિરહાગ્નિ હવે વધુ પ્રબળ બન્યો. અંતરનાં ઊંડાણમાંથી આર્તનાદ નીકળ્યો કે, મને માફ કરો મહારાજ! મને માફ કરો. યાદ છે મહારાજ ! કે મારી માએ ગઢપુરમાં કહ્યું હતું કે “મારા લાડુની ‘મા’ કોણ થાશે? “ ત્યારે તમે ભરસભામાં ઊભા થઈને કહ્યું હતું કે “બ્રહ્માનંદસ્વામીની ‘મા’ અમે થશુ.” તો હે પ્રભુ ! હે દીનાનાથ ! છોરું-કછોરું થાય પણ માવતર –કમાવતર ન થાય. જેમ બાળક મા પાસે કાકલૂદી કરતો હોય તેમ તેવા ભાવનું પ્રભાતિયું રચી વિરહાત્મક ભાવથી સ્વામી સિતારના સૂર સાથે અને આંખનાં આંસુ સાથે ગાઈ રહ્યાં છે. થોડીવારમાં તો સ્વામીના વિરહાશ્રુથી સિતારના તાર ભીંજાઈને ઢીલા થઈ ગયા. એટલું જ નહી પરંતુ કઠોરથી કઠોર પાતળિયો પણ આ પ્રેમીની પ્રાર્થનાનાં પદોથી પલળીને પાણી પાણી થઈ ગયા. તો આવો ભક્તો ! સ્વાત્મખોજના સહારે સ્વેષ્ટદેવના બિરૂદ ઉપર બલિહારી જતા એ પ્રેમાળ પ્રભાતીની પ્રસાદીનો આસ્વાદ આપણે પણ માણી ધન્ય બનીએ.